બાળક એક ગીત (ભાગ-3) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો થોડો અંશ આપણે (ભાગ-1, ભાગ-2)અગાઉ માણ્યો હતો. આજે વધુ એક લેખ રૂપે તેનો ત્રીજો ભાગ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ સરનામે vasantiful@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.]

 

[7]

તને યાદ છે ? થોડા દિવસ અગાઉ મેં ત્રીજો ઈન્ટરવ્યૂ આપવાની તને વાત કરી હતી ? ગઈકાલે એ ઈન્ટરવ્યૂ આપ્યો અને એમાં હું પાસ પણ થઈ ગઈ. હવે મારે વિચારવાનું છે કે મારે એ કંપનીમાં જોડાવું કે નહીં.

એક બાજુ આ વરસાદ જો ને, રોજ સંતાકૂકડી રમી રહ્યો છે. એક દિવસ આવે ને પાછો એક દિવસ ન આવે. આ વખતે સખત ગરમી છે. એ.સી. વગર તો જાણે રહેવાય જ નહીં. આજકાલ મને કંઈ જ કરવાની ઇચ્છા થતી નથી. થાય છે કે સાવ ખાલી થઇ જઉં અને ક્યાંક દૂ…ર…. ચાલી જાઉં. મને ક્યારેક પ્રશ્ન થાય છે કે ‘મારા જીવનનો ઉદ્દેશ શું છે ? હું શું કામ જીવુ છું ?’….. પણ હજી સુધી મને આ બધા પ્રશ્નોનો જવાબ મળ્યો નથી. જો તને અંદર થોડા સમય માટે નવરાશ મળે તો વિચાર જે કે તારા જીવનનો ઉદ્દેશ શું છે ? તને ખબર છે….? હું જ્યારે જ્યારે દવાખાને જઉ છું ત્યારે ત્યારે ડોક્ટર અંકલ પૂછે છે કે મારી વેબસાઇટમાં મેં કંઈ નવું મૂક્યું કે નહિ ? ઘણુ ખરું તો ક્યારેક આવા બાહ્ય પરિબળો કે દબાણ જ મને કંઇક કરવા માટે પ્રેરે છે.

આપણા ઘરની બાજુમાં જ સરસ બગીચો છે. ત્યાં રોજ સાંજે બાળકો રમવા આવે છે. આ બાળકો ક્યારેક ઝગડે તો ક્યારેક મસ્તી કરે…. એ બધું જોવાની બહુ મઝા આવે છે. હું એ બધામાં તને શોધુ છું અને પછી હું એકલી એકલી જ હસી પડુ છું ! આ બધા બાળકો આપણા ઘર પાસે જ પોતપોતાની સાઇકલ મૂકે છે. સાઇકલ તો એવી રીતે મૂકે કે જાણે મર્સિડિઝ ગાડી ! જો કે બાળક માટે એ ક્યાં મર્સિડિઝથી ઓછી હોય છે ! જેની પાસે મર્સિડિઝ હોય છે તેની પાસે બાળપણ જેવી નિર્દોષતા કે નિખાલસતા હોય છે ખરી ?

તું આવીશ પછી હું તને દરરોજ બાગમાં ફરવા લઇ જઇશ. તને મારું અને પ્રકૃતિનુ બન્નેનું સાનિધ્ય મળશે.

લિ.
તારી વ્હાલી મમ્મી.
.

[8]

તને થશે કે આ મમ્મી કેમ હમણાંની કંઈ લખતી નથી ? મનોમન તારી સાથે વાત તો થાય છે પણ સમયના અભાવે લખી શકતી નથી. દવાઓ અને ઇન્જેક્શનની વચ્ચે અટવાઈ ગઈ છું. ઓફિસમાં પણ કામ વધારે રહે છે એટલે આવતાં મોડું થઇ જાય છે. ઘરે આવીને તો જાણે પથારીમાં પડતું મૂકવાનું જ મન થાય છે. જે કંપનીમાં મેં ઈન્ટરવ્યૂ આપ્યો હતો ત્યાં મેં તારા આગમન વિશે કહીને રજા લેવાની વાત મૂકી એટલે કંપનીવાળાએ મારી ઓફર પાછી લઇ લીધી છે. પરંતુ કહેવાય છે કે ‘સાચને નથી આવતી આંચ’ એટલે મારું સત્ય મને ક્યાં લઈ જાય છે તે જોઇએ….

હું ભણતી હતી ત્યારે પણ સાચું જ બોલતી. પરીક્ષામાં કદી ચોરી નહોતી કરતી. આવા કારણોથી મારા વર્ગના બધા મને ‘ગાંધીજી’ કહેતાં. વ્યવહારિક રીતે વિચારતાં માણસો માટે મારી ગણતરી ‘વેદિયા’ માણસમાં થતી. પરંતુ જ્યારે મરીશ ત્યારે સંતોષથી મરી શકીશ કે જિંદગીમાં કદી કશું ખોટું નથી કર્યું. કોઇને નુકશાન પહોંચાડીને મેં સફળતાનું એક પણ પગથિયું ભર્યું નથી. આનાથી વિશેષ જીવનમાં શું જોઇએ ? ખરી વાત છે ને મારી ?

હજી બે જ મહિના થયા છે એટલે મારું પેટ બહુ વધ્યું નથી. જમુ છું ત્યારે પેટ ભારે-ભારે લાગે છે ને થોડીવાર પછી પાછું ખાલી થઈ જાય છે. મારી બધી શક્તિ અંદર બેઠાં-બેઠાં તું વાપરે છે, પણ વાંધો નહિ તું મારો જ અંશ છે ને ! જ્યારે જ્યારે ડોક્ટર અંકલ સોનોગ્રાફી કરે છે ત્યારે ત્યારે તારા ધબકારા બતાવે છે. એ સમયે હંમેશા એમ થાય છે કે ભગવાને આટલી જટીલ રચના કેમ બનાવી હશે ? શું એમને બીજો કોઈ સરળ ને સીધો ઉકેલ નહિ મળ્યો હોય ?

હવે જલ્દીથી તને ટાટા કરવું પડશે… ઑફિસ જવાનું ઘણું મોડું થઈ ગયું છે. તારી કુશળતા ચાહું છું.

લિ.
તારી વ્હાલી મમ્મી.
.

[9]

આજકાલ મને બહુ થાક લાગે છે. ઉંધ તો કુંભકર્ણ કરતા પણ વધારે આવે છે. ગઇકાલે દવાખાને ગયા ત્યાં પણ હું થોડી વાર સૂઇ ગઇ પછી ડોક્ટરને બતાવ્યું. આખો દિવસ જાણે બેહોશીની હાલતમાં જ જાય છે. ઓફિસમાં બહુ કામ રહે છે એટલે એની પણ થોડી ઘણી ચિંતા તો ખરી જ ને! આ બધા બાહ્ય પરિબળોની અસર તને પણ થાય જ છે મને ખબર છે છતાં કંઇ કરી શકતી નથી. જાણે મારા શરીરનું નિયંત્રણ મારી પાસે રહ્યું જ નથી.

સાચુ કહું તો આજકાલ મને ઓફિસમાં કામ કરવું જરા પણ ગમતું નથી. ઓફિસમાં જાત જાત ના બંધનો છે. જ્યાં દિવસનો સૌથી વધુ સમય વિતાવવાનો છે તે જગ્યા જ ગમે તેવી નથી. પંચ મશીન લગાવેલા છે એટલે તમે કેટલી વાર બહાર જઓ છો તેની માહિતી રહે. મોબાઇલ ફોન વાપરવા પર પણ પ્રતિબંધ છે. પ્રોગ્રામિંગ સિવાય કંઇ જ કરવાનું નહિ. જીંદગી જાણે સાવ સંકુચિત થઇ ગઇ છે. જાણે દુનિયાથી સાવ જ અલિપ્ત દુનિયામાં જીવતા હોઇએ તેવું લાગે છે. સારુ છે હજી કેટલીવાર શ્વાસ લેવો તેની કોઇ ગણત્રી કરવામાં આવતી નથી. ઓફિસવાળાનું ચાલે તો અમારી કાર્યક્ષમતા વધારવા શ્વાસ લેવા પર પણ પ્રતિબંધ લગાવી દે. કંપનીવાળા કંપનીની સરખામણી તો infosys અને wipro સાથે કરે છે પણ કંપનીનું વાતાવરણ કે સગવડો ક્યાંય મોટી કંપનીઓ સાથે મેળ ખાય તેવી નથી. ખરુ કહું તો મને મારી કંપની બિલકુલ એમ્પોયી ફ્રેન્ડલી નથી લાગતી. તને થશે કે મમ્મી પોતે જ્યાં કામ કરે છે તે જ કંપની માટે આટલું ખરાબ કેમ વિચારે છે? પણ તું જ કહે મારી વાતમાં તથ્ય છે કે નહિ? શું માત્ર કંપની ને નફો થાય એમ જ વિચારવાનું કે ક્યાંય એના કર્મચારીઓ ને નફો થાય છે કે કેમ, કર્મચારીઓ કંપનીથી ખૂશ છે કે નહિ તે વિચારવું જોઇએ કે નહિ? કાર્યક્ષમતા વધારવાનું એક મોટું પરિબળ કર્મચારીઓ કંપનીથી ખૂશ છે કે નહિ તે પણ છે જ.

હવે એવો વિચાર આવે છે કે ૧૭ મી સ્પટેમ્બરે મને આ કંપનીમાં પાંચ વર્ષ પૂરા થાય છે તો પછી રાજીનામું આપી દઉં. જીંદગી આમ વેડફી દેવા માટે નથી. જે કામ કરવું અને જ્યાં કામ કરવું ન ગમે તે ક્યારેય ન કરવું જોઇએ. પ્રોગ્રામિંગ મને ગમે છે અને એ તો હું ઘરેથી પણ કરી શકું. એવી કોઇ કંપની શોધી લઇશ જેમાં ફ્લેસીબલ સમય હોય કે પછી ઘરેથી કામ કરવાની સુવિધા હોય. જાત જાતના બંધનોમાં મારે મારી જીંદગીને ગુંગળાવી નથી દેવી.

આ બધામાં મને તારા તરફ ધ્યાન આપવાનો કે વિચારવાનો જાણે સમય જ નથી મળતો. મને લાગે છે કે એક ગર્ભવતી સ્ત્રીએ જે કંઇ સગર્ભાવસ્થા દરમ્યાન કરવું જોઇએ એ તો હું કંઇ કરતી જ નથી. અને એની સીધી અસર તારા વિકાસ પર તો થવાની જ ને વળી! મારું બાળક હોય એનો મતલબ એવો તો નથી ને કે મને મારા બાળકના ભવિષ્યને અંધકારમય બનાવવાનો અધિકાર છે…ખરું ને! જોઇએ હવે મને મારી જીંદગી ક્યા રસ્તે લઇ જાય છે. તારી કુશળતા ચાહું છું.

લિ.
તારી વ્હાલી મમ્મી.

[10]

ગઇકાલે ઓફિસમાં બહુ કામ હતું. કામના ભારણમાં બીજુ કંઇ જ થતું નથી. કાલે મેં વિચાર્યું કે આ પુસ્તકનું નામ “બાળક એક ગીત – ચાળીસ અઠવાડિયાની રોમાંચક સફર” રાખીશ. આવતીકાલથી શ્રાવણ મહિનો શરુ થાય છે. શ્રાવણ મહિનામાં લોકો શ્રી શંકર ભગવાનની પૂજા કરે છે. અને આ શંકરભગવાન તારી મમ્મીના વ્હાલા ભગવાન છે એટલે મમ્મી તો એમને મિ.શંકર કહી ને જ બોલાવે છે. ભગવાન કરે બધુ બરાબર થાય. ખબર નહિ કેમ પણ મને કારણ વગરની ચિંતા બહુ થાય છે અને કદાચ એટલે જ મારું શરીર થતું નથી. આમતો દર મહિને એક કિલો વજન વધવું જોઇએ પણ મારું વજન તો એટલું ને એટલું જ છે. બી.પી તો બરાબર છે એટલે વાંધો આવવો જોઇએ નહિ. આમતો કહેવાય છે કે સગર્ભાવસ્થા દરમ્યાન સારા પુસ્તકોનું વાંચન કરવું જોઇએ, પણ મારાથી તો કંઇ જ વંચાતું નથી. જાણે ચોવીસ કલાક પણ ઓછા પડે છે. કે પછી મારું ટાઇમ મેનેજ્મેન્ટ બરાબર નથી. પણ મારે કંઇક કરવું તો પડશે જ આમ તો નહિ જ ચાલે.ખરી વાત છે ને મારી?

તું કેમ છે? અંદર તું શું કરે છે, શું અનુભવે છે? મને તો કંઇ ખબર પડતી નથી. મને તો બસ એટલી જ ખબર પડે છે કે ક્યારેક પેટ મોટું થાય છે ને ક્યારેક પાછું સીધું થઇ જાય છે. મને પથિકમામા અને હીનામામી એ “what to expect” નામની એક વેબસાઇટનું નામ આપ્યું છે જેમાં સગર્ભાવસ્થા ને લગતી તમામ પ્રકારની માહિતી સચિત્ર આપેલી છે.ધારોકે મને અત્યારે ૧૦મું અઠવાડિયું ચાલે છે તો અંદર બાળકનો કેટલો વિકાસ થયો હોય તેમજ ૧૦મા અઠવાડિયે શું શું થઇ શકે તેની પણ માહિતી હોય. આ બધુ ઘણું રોમાંચક લાગે છે. આપણે સગર્ભાવસ્થા ને મહિનાઓમાં ગણીએ છીએ પણ ડોક્ટરો એને અઠવાડિયામાં ગણે છે. એટલે ગર્ભધાન કાળ મહત્તમ ૪૦ અઠવાડિયાનો હોય છે. એટલે તારા માટે હજી ૩૦ અઠવાડિયાની રોમાંચક સફર બાકી છે. તારી પાસે ૩૦ અઠવાડિયાનો સૂવાનો અને અંદરના અંધારામાં રહી ને બહારની દુનિયાને ઓળખવાનો આટલો સમય બાકી છે. એટલે તું એની મજા માણ.

આજે મને એક જાહેરાત જોતા જોતા ફ્રેંચ ફ્રાઇસ ખાવાની ઇચ્છા થઇ. આજકાલ મને કંઇક ખાવાની વસ્તુ જોઇને તે વસ્તુ ખાવાની ઇચ્છા થાય છે. જાણે મારી જીંદગી પૂરી થઇ જવાની હોય એમ! તારા પપ્પાએ મેકડોનાલ્ડમાંથી ફ્રેંચ ફ્રાઇસ મંગાવવાનું વિચાર્યું. પણ મેકડોનાલ્ડમાં હોમડીલીવરી નો સમય રાત્રે ૧૧ વાગ્યા સુધીનો જ હોય છે અને મારે કપડા બદલીને બહાર જવુ નહોતું. ત્યારે મને એક વિચાર આવ્યો કે આપણા બધાની પાસે અલાદિન જેવો જીન હોય તો કેવું સારું. જે આપણા કહેવા પ્રમાણે કરે…હા પણ એ માત્ર સારા કામ જ કરી શકે કોઇ ખરાબ કામ નહિ. મેં તારા પપ્પાના હાથ જાદુઇ ચિરાગ હોય તેમ ઘસ્યા પણ તારા પપ્પા એ તો “હુક્મ મેરે આકા” એવું કંઇ કહ્યું નહિ. તારા પપ્પા આગ્નાંકિંત જીન નથી. અત્યારે રાત્રે ૧૧.૪૫ થયા છે, ફ્રેંચ ફ્રાઇસ બનાવતા બનાવતા તારી સાથે વાત કરી રહી છું ને લખી રહી છું. મને લાગે છે કે માણસે કોઇ પણ સારી વસ્તુ માટે એટલું passionate થવું જોઇએ કે એ કામ કરવાનો એને ક્યારેય થાક કે કંટાળો ન આવે. “you know અમેરિકા જવા passion જોઇએ” — કેવી રીતે જઇશ?

હવે અમે ફ્રેંચ ફ્રાઇસ ખાઇ લઇએ અને તું પણ અંદર બેઠા બેઠા એની લિજ્જત માણજે. પછી સવારે મને કહેજે કે ફ્રેંચ ફ્રાઇસ તને ભાવી કે નહિ??

લિ.
તારી વ્હાલી મમ્મી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “બાળક એક ગીત (ભાગ-3) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ””

Copy Protected by Chetan's WP-Copyprotect.