બાળક અને પુસ્તકસૃષ્ટિ – ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બિલ્વદલાની’માંથી સાભાર. આ પુસ્તકમાં રક્ષાબહેને આપેલા વિવિધ પ્રવચનો તેમજ મુલાકાતોનો સમાવેશ થાય છે, જેમાંનો પ્રસ્તુત લેખ ડી.ડી. ગિરનાર ચેનલ પર રજૂ થયેલ ‘હલ્લો બાલવિશ્વ’ની મુલાકાત પર આધારિત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ રક્ષાબહેનનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9898060900 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

પ્રશ્ન 1: કેવડી ઉંમરથી બાળકોને પુસ્તક હાથમાં આપી શકાય ? – આના ઉત્તરમાં તમારા અનુભવોની વાતો કરો.

Image (14) (413x640)ઉત્તર : મારા ભત્રીજાની દોઢ વર્ષની દીકરી મૈત્રી છાપાનું પાનું નાના બે હાથ પહોળા કરીને વાંચતી. અમે મોઢું બંધ રાખીને વાંચીએ તો તે પણ મૂંગીમૂંગી વાંચે. પછી પાછું આપણી સામે જુએ. આપણે હોઠ ફફડાવીને ઉપાંશુ જપ કરતાં હોઈએ એમ વાંચીએ તો તે પણ હોઠ ફફડાવીને વાંચવા લાગે. કોઈ બોલાવે તો તે જવાબ આપે કે ‘છાપું વાંચીને આવીશ.’ પછી એક વાર મેં છાપું હાથમાં લઈને મોટેથી વાંચ્યું કે ‘મૈત્રી ડાહી છે; મૈત્રી ફ્રોક પહેરે છે; મૈત્રી અમદાવાદમાં રહે છે.’ એટલે એણે પણ મોટેથી વાંચ્યું કે ‘હમાબા ડાહ્યાં છે; હમાબા સાડલો પહેરે છે; હમાબા ભાવનગરમાં રહે છે.’ (ત્યારે તે મને હમાબા કહેતી’તી.) આમ, વાંચતાં આવડતાં પહેલાં પણ બાળકોને છાપાં, પુસ્તકો વગેરે વાંચવાં ગમે છે.

તેનાથી નાની ઉંમરનાં બાળકોને છાપાના ખડખડ અવાજમાં રસ પડે છે તેથી તે છાપું, પુસ્તક વગેરે ફાડવામાં મજા લે છે, પણ દોઢ વર્ષનું બાળક આપણી નકલ કરી શકે છે. તેથી ત્યારથી એને પુસ્તક આપીએ તો તે વાંચવાની નકલ કરવાનું. ચિત્રો જોવામાં તો તે બહુ રસ લેવાનું. હું ત્રણચાર વર્ષની હોઈશ ત્યારે નાની નાની બે ચોપડી મારા બાપુજી લઈ આવેલા. એકમાં પશુનાં ચિત્રો અને નીચે છ-આઠ પંક્તિનાં તેમને વિશેનાં જોડકણાં-એમ હતું. અને બીજીમાં તે જ પ્રમાણે પક્ષીઓનાં ચિત્રો અને જોડકણાં હતાં. એક એક પાનામાં એક એક જ પશુ અને એનું જોડકણું. મારી મા મને પડખે બેસાડીને ચિત્રો દેખાડતાં દેખાડતાં એ જોડકણાં ગાતાં. તે મને સાંભળી સાંભળીને યાદ રહી ગયેલાં કારણ કે નાનાં બાળકોનો ગ્રાસ્પિંગ પાવર જબરો હોય છે. પછી કોઈ મહેમાન આવે ત્યારે હું ખાસ એ ચોપડી લઈને વાંચતી અને જોડકણું ગાતી તો જોનારને એમ જ થતું કે મને વાંચતાં આવડતું હશે. વળી મોઢું ડાબેથી જમણે હલાવું એટલે મહેમાનો ઘણી વાર પૂછે પણ ખરાં કે બેબીને વાંચતાં આવડે છે ? ઉત્તરમાં મારી મા હસતી. મારો ટેમ્પો ન તૂટી જાય તેથી તે ના નહીં પાડતી હોય -એવું મને આજે સમજાય છે. હું તો એમ જ સમજતી હતી કે મને વાંચતાં આવડે છે. એક જોડકણાની એક પંક્તિ મને આજે પણ યાદ છે. ગધેડા વિષે હતી : ‘ઊભું હતું, ઊભું હતું, ચાર પગે ઊભું હતું.’ આ બે ચોપડીઓ હું જીવની જેમ સાચવતી’તી. બાળકોને આવો પુસ્તક-પ્રેમનો ચસકો આપણે લગાડવો જોઈએ. કારણ કે મોટાં થઈને એમણે પુસ્તકો તો વાંચવાનાં જ છે. મેં ઘણાં બાળકોને વાર્તાનાં કે ગીતોનાં નાનાં પુસ્તકો તેમને વાંચતાં ન આવડતું હોય છતાં નાનકડી થેલીમાં ભરીને સાથે સાથે ફેરવતાં જોયાં છે. ‘આ તો માલી ચોપલી છે.’ – એવી એમની કેફિયત હોય છે.

હવે વાંચતાં આવડતું હોય એવાં બાળકોના પુસ્તક-પ્રેમની વાત કરું:- ચોથા ધોરણમાં મોટા મોટા ટાઈપવાળો, જરા જાડો કહેવાય એવો ચોપડો ‘પૌરાણિક કથાઓ’ નામે ચાલતો’તો. તે મારી ઉંમરનાંને સૌને યાદ હશે. તે હું નિશાળમાં શિખવાડાય તે પહેલાં વેકેશનમાં ઓટલે બેસીને વાંચી ગયેલી. પછી ક્યારે નિશાળ છૂટે અને ક્યારે ઘરે જઈને ફરી વાંચુ- એમ મને થાતું. સીતાત્યાગનો પ્રસંગ વાંચીને હું રોતી. વારંવાર વાંચીને વારંવાર રોતી. મને એ પુસ્તકનાં ઘણાં ચિત્રો યાદ છે. સીતા-હરણ, ચાણૂરમલ્લના વધનો પ્રસંગ, અર્જુન બે પલ્લામાં પગ મૂકીને પાણીમાં પ્રતિબિંબ જોઈ માછલીની આંખ વીંધતો હોય એ પ્રસંગનું ચિત્ર વગેરે વગેરે. મને લાગે છે કે નાનપણમાં વાંચેલાં જોયેલાં આ પુસ્તકો તો જાણે માતાનું દૂધ હતું !

નાનાં બાળકો કેવળ પુસ્તક-વાંચનનાં જ નહીં, પણ લેખનનાં પણ શોખીન હોય છે. મારી નાની બહેન છાયા ચારપાંચ વર્ષની હતી ત્યારે તે લાઈનસર ગોળ-ગોળ મીંડાં લખતી ને માનતી કે તેને લખતાં આવડે છે. પુસ્તકમાં ચિત્રો નીચે પણ મીડાં તાણતી. આપણે તેને પૂછીએ કે આ શું લખ્યું તેં ? તો કહેતી, ‘આ ગાય છે, આ ચકલી છે- એમ લખ્યું છે.’ શાબાશ ! – આપણે તો એમ જ કહેવું પડે ને ? ત્યારે ટી.વી. નહોતાં આવ્યાં હજુ. રેડિયોમાં એનું ગમતું ગીત આવે ત્યારે તે પોતાની નોટ લઈને દોડે અને કબાટને ટેકે ઊભી રહી જાય અને જમણો પગ ઊંચો કરીને તેના ગોઠણ ઉપર નોટ ટેકવી પેન્સિલથી લાઈનબંધ મીંડાં તાણે અને રેડિયો પરથી ગીત ઉતારી રહી છે એવો ભાર મોઢા ઉપર રાખે. પછી તે મીંડાં વાંચતી વાંચતી ગાય કે, ‘અમે રે મહિયારાં રે ગોકુળ ગામનાં.’ એ ગીત એને બહુ ગમતું. તો આમ, ઘણી નાની ઉંમરથી બાળકો પુસ્તકો, નોટબુક્સ, પેન, છાપાં જોડે દોસ્તી કરી શકે છે. હા, આપણે કરાવવી જોઈએ. જો આપણે વાંચતાં લખતાં હશું તો બાળકો જરૂર એવી રીતે વાંચવા લખવાની નકલ કરશે. તો બહુ મજા પડશે. આપણને મનોરંજન મળશે અને એમની પુસ્તકો જોડે દોસ્તી થશે.

પ્રશ્ન 2: નાનાં બાળકોનાં પુસ્તકોનાં ધ્યાન રાખવા લાયક બાબતો કઈ કઈ – એનો ઉત્તર પણ તમારા અનુભવોને આધારે આપો.

ઉત્તર : થોડાં વર્ષો પહેલાં ‘ગીત-સંગીત’ નામની પુસ્તિકા બીજા ધોરણમાં ચાલતી. આજની મને ખબર નથી. તેમાં નાનાં નાનાં જોડકણાં અને બ્લેક એન્ડ વ્હાઈટ ચિત્રો હતાં. તેમાં એક જોડકણું હતું. -‘એક હતી ડોશી, જાત્રાની હોંશી.’ અમે એ જોડકણું વાંચતાં ત્યારે અમારો બે-અઢી વર્ષનો કેદાર કહેતો કે ‘ડોશી ન કહેવાય; માજી કહેવાય.’ – આ વાચિક-વિવેક બાળકો માટેનાં પુસ્તકોમાં લક્ષમાં રાખવા જેવો છે.- પછી તે ડોશી નાળિયેરની કાચલીમાં બેસીને જાત્રા કરવા જાય છે. તે કલ્પના એને બહુ ગમતી. પણ પછી તે હોડી ઊંધી વળી જાય છે એનું ચિત્ર હતું કે પાણીમાં ડોશી ડૂબી રહ્યાં છે અને તેમના બે પગ માત્ર ઉપર દેખાય છે. તે કહેતો કે ‘મને આ ચિત્ર નથી ગમતું. મને આપણાં દાદીમા ડૂબી જતાં હોય એવું લાગે છે.’ – આ લક્ષમાં લેવા જેવું છે કે બાળકોનાં પુસ્તકોમાં કરુણ ચિત્રો કે કરુણ વાતો નહીં હોવી જોઈએ.

એક જોડકણું શ્રવણકુમાર વિશે હતું. તેમાં ચિત્ર હતું કે તે કાવડમાં તેનાં માતાપિતાને જાત્રાએ લઈ જાય છે. કેદારનો પ્રશ્ન હતો કે, ‘બિચારો કેવી રીતે ઉપાડી શકતો હશે ?’ શ્રવણની વાર્તા 12 થી 18 વર્ષના છોકરાઓને કહેવાની છે જેથી તેમને માતા-પિતાની સેવા કરવાની પ્રેરણા મળે. નાનાં બાળકો તો ખુદ જ આપણી પાસેથી સેવા લે એવડાં છે. તેમને આ વાર્તા મુદ્દલે કામની નથી. શ્રવણની છાતીમાં તીર ભોંકાયું હોય અને તે લોહીના ખાબોચિયામાં પડ્યો હોય તે ચિત્રનું પાનું જ્યારે આવે ત્યારે કેદાર તેની ઉપર પોતાની નાની હથેળીઓ મૂકી દેતો. ‘કેમ આમ કરે છે ?’- પૂછીએ તો કહેતો કે, ‘મને આ ચિત્ર નથી ગમતું.’ જોયું ? નાનાં બાળકોને કરુણ ચિત્રો, કરુણ ગીતો, કરુણ વાર્તાવાળાં પુસ્તકો ન જ અપાય.

એક વખત મેં મારો ભત્રીજો કેદાર નાનો હતો ત્યારે કોઈ પુસ્તકમાંથી એક વાર્તા વાંચી સંભળાવેલી. જેમાં રાજકુમાર બહુ પરાક્રમ કરીને એક કુંવરી જોડે લગન કરતો’તો. કેદાર કહે, ‘મારે ય લંગન કરવું છે.’ મેં પૂછ્યું, ‘એમ ? કોની જોડે ?’ તો કહે, ‘તમારી સાથે લંગન કરવું છે.’ સમજાયું ? નાનાં બાળકોના પુસ્તકમાં લગનની વાત પણ નહીં આવવી જોઈએ. કારણ કે બીચારાં એમાં શું સમજે ? ત્રાસ આપતી નવી મા કે રાક્ષસ કે ભૂત – એવું પણ નહીં આવવું જોઈએ. નાનાં બાળકો માટેનાં પુસ્તકો નિર્મળ અને નિરામય હોવાં જોઈએ. બાળકોની પુસ્તકસૃષ્ટિ આનંદથી ભરીપૂરી જોઈએ.

પ્રશ્ન 3: વાર્તા-પુસ્તકોમાં ચિત્રોની અગત્ય કેટલી ?

ઉત્તર : બહુ જ. ન વાંચી શકે એવડાં બાળકો ચિત્રો જોઈને વાર્તા માણી શકે છે. અને વાંચી શકે એવડાં બાળકોને ચિત્રો વિશેષ આનંદ કરાવે છે. હું તો મારાં બાલવાર્તા- પુસ્તકોમાં શરૂઆતનાં પૃષ્ઠોમાં વાર્તાઓના ક્રમને નહીં અનુસરીને ચિત્રોનો ઢગલો જ કરું છું. અને ઉપર લખું છું કે ‘ક્યું ચિત્ર કઈ વાર્તાનું છે તે ખાલી જગ્યામાં લખો.’ પરિણામે બાળકો પુસ્તકો હાથમાં આવે કે તરત વાંચવા જ બેસી જાય છે કારણ કે તેમને ખાલી જગ્યા પૂરવાની ઉતાવળ હોય છે. હમણાં મારાં ‘ટચૂકડીઓ અને બીજી બાલવાર્તાઓ’ પુસ્તકને ‘શ્રી હરીશ નાયક શિશુકથા પારિતોષિક’ મળ્યું. તેમાં મેં ચિત્રો વાર્તાને મથાળે મૂક્યાં છે, પણ એ ચિત્રોની નાની નાની આવૃત્તિઓ મુખપૃષ્ઠ ઉપર ઝાંખી ઝાંખી મૂકી છે તેથી બાળકો તેમાંથી ક્યું ચિત્ર કઈ વાર્તાનું છે તે શોધીને ખુશ થાય છે અને તેમના મિત્રો પાસે પણ શોધાવે છે. વાંચતાં ન આવડતું હોય એવાં નાનાં બાળકો વાલીઓ પાસેથી આ વાર્તાઓ જાણી લે છે અને પછી તેનાં ચિત્રો શોધી લે છે. એટલે બાળકોના પુસ્તકવિશ્વમાં ચિત્રો જરૂરી છે.

પ્રશ્ન 4: બાળકો માટેનાં પુસ્તકોમાં અક્ષરોના ટાઈપ કેવડા હોવા જોઈએ ? ચિત્રો અને ટાઈપમાંથી કોને વિશેષ મહત્વ દેવું જોઈએ ?

ઉત્તર: દોઢથી ચાર વર્ષની ઉંમરનાં બાળકો માટે મોટા ટાઈપ હોવા જોઈએ. તેઓ તો હજુ વાંચી જાણતાં નથી છતાં ટાઈપની સાઈઝ લખોટી જેવડી હોય તો તેમને જોવાની મજા આવે. અને એમનાં વૃદ્ધ દાદા-દાદી કે જે તેમને વાંચીને વાર્તા કહેવાનાં છે તેમને વાંચનમાં સુવિધા રહે. પાંચથી સાત વર્ષથી ઉંમરનાં બાળકોનાં પુસ્તકોમાં પણ અક્ષરોની સાઈઝ લખોટી જેવડી જ રાખવી જોઈએ. કારણ કે તેમને નવું નવું વાંચતાં આવડ્યું છે. જો ટાઈપ નાના હશે તો એમને વાંચવાનો કંટાળો આવશે. આઠથી દસ વર્ષની ઉંમરનાં બાળકો માટેનાં પુસ્તકોમાં પણ ટાઈપ મોટા જોઈએ. કારણ કે તે ઉંમરનાં બધાં જ બાળકો કાંઈ કડકડાટ વાંચતાં નહીં થયાં હોય. 11 થી 13 વર્ષની ઉંમરનાં બાળકો માટેનાં પુસ્તકોમાં ટાઈપ મધ્યમ સાઈઝના જોઈએ. કારણ કે હવે તે બાળકો કડકડાટ વાંચવાનાં છે. 14 થી 18 વર્ષના બાળકોને તો હવે મનોરંજન ઉપરાંત જ્ઞાન મેળવવાનું છે. તેથી ટાઈપ નાના જોઈએ જેથી ઘણું સમાઈ શકે. એમનામાં ભણવાની ગંભીરતા હશે. ચિત્રોની વાત કરીએ તો સાવ નાનાં બાળકોનાં પુસ્તકોમાં રંગીન ચિત્રો અતિ આવશ્યક છે. 12 થી 14 વર્ષનાં બાળકો માટેનાં પુસ્તકોમાં તો સૂચવી પણ શકાય કે ફલાણી ફલાણી વાર્તા કે કાવ્યને લગતું ચિત્ર તમે દોરો. દોરી શકતાં હશે તેમને પ્રોત્સાહન મળશે. 14 થી 18 વર્ષનાં બાળકોને માટેનાં ભાષા-પુસ્તકોમાં ચિત્રોની જરૂર નથી. પણ વિજ્ઞાન, ભૂગોળ, ઈતિહાસમાં ચિત્રો આવશ્યક છે. નાના બાળકોનાં પુસ્તકોમાં અક્ષરોના ટાઈપ અને ચિત્રો બન્ને સરખાં મહત્વનાં છે. ઈતિ મે મતિ: । નાનાં બાળકોનાં પુસ્તકોમાં ચિત્રો રંગીન અને તદ્દન અભિધાલક્ષી (વાસ્તવિક) જોઈએ.- મોર તો તદ્દન સાચકલો મોર જ ચીતરવો જોઈએ. પણ મોટાં બાળકોનાં પુસ્તકમાં મોર ડેકોરેટિવ આર્ટમાં કરેલો હોવો જોઈએ. તેમાં વાસ્તવિક રંગનાં પીછાં દોરવાની જરૂર નથી. તદ્દન મોટાં બાળકોનાં પુસ્તકોમાં તો ચિત્રો પ્રતીકાત્મક જોઈએ. જેમ કે, ‘મોર મારો કંકર ચણે ને તોય ગહેકે કે મોતીડાં મીઠાં મીઠાં રે લોલ.’ તો, આ મોર તો આત્માનું પ્રતીક છે તેથી તેને માટે વાસ્તવિક ચિત્રની જરૂર જ નથી.

પ્રશ્ન 5: અંક-શિક્ષણમાં પુસ્તક કેવી રીતે કામ લાગી શકે ?

ઉત્તર : દેશી હિસાબની ચોપડી સરસ છે, પણ તેની કરતાંય ઉત્તમ એક કૅલેન્ડર જેવડો જાડા કાગળનો ચાર્ટ આવે છે. તે ચાર્ટ ત્રણ-ચાર ફૂટનો લાંબો અને દોઢ-બે ફૂટનો પહોળો હોય છે. લગભગ દસ એકડા બાળક શીખી જાય પછી આ ચાર્ટ ભીંત ઉપર ટાંગી દેવો. અમે મારી ભત્રીજી સ્તુતિ જ્યારે 10 એકડા શીખી ગઈ ત્યારે આવું કૅલેન્ડર (ચાર્ટ) ટાંગ્યું’તું. એ 10 એકડાને ઓળખતી’તી એટલે વારે વારે ચાર્ટ જોયા કરતી. અને એણે શોધ કરી કે પ્રત્યેક ખાનામાં 1 થી 9 હોય છે અને એ બધાની પડખે એક ખાનામાં એકડો જ હોય છે. બીજા ખાનામાં બધાની પડખે બગડો જ હોય છે. અને આમ આડી લાઈનમાં પણ એક થી નવ હોય છે. પછી તો અમારે કહેવું પડ્યું કે એ બધાંને નામ પણ હોય છે, જેમ કે, એકડાની પડખે એકડો છે તેનું નામ છે ‘બે એકડા અગિયાર.’ એકડાની પડખે બગડો છે તેનું નામ છે ‘એકડે બગડે બાર.’ પછી એક વાર તે કહેતી’તી કે ‘મને બગડો અને છગડો સાથે બેઠા છે એ નથી ગમતું કારણ કે બન્ને એક બીજા સામું જોતાં નથી તેથી કિટ્ટા કરી લાગે છે.’ મેં કહ્યું : ‘એનું નામ છવ્વીસ છે.’ અને છગડાનું ખાનું જો. એમાં આ બન્ને પાછા બોલતા થઈ જાય છે. છગડો અને બગડો સામ સામે જુએ છે. એનું નામ છે ‘બાસઠ.’ પછી તો એ જ પૂછવા લાગી કે બધાંનાં નામ શીખવી દો ને. આમ, આ ચાર્ટ વડે તે મેળે મેળે એકડા શીખી અને અમે એમાં મદદ કરી. આ છાપાં, ચાર્ટ વગેરે બધું પુસ્તકોના પ્રકારો જ કહેવાય.

પ્રશ્ન 6 : આ નાનાં બાળકો પુસ્તક ઉઘાડીને વાંચવાનો ડોળ કરતાં હોય કે આપણું શીખવેલું ગાતાં હોય ત્યારે તેમને અર્થ સમજાવવો જરૂરી છે ?

ઉત્તર : ના, બિલકુલ નહીં. એમને કાંઈ જાણવું નથી. એમને તો ગાવું છે અને આનંદ કરવો છે. વાંચતાં આવડે છે – એમ સમજીને આનંદ કરવો છે. અમારી મૈત્રી દોઢેક વર્ષની હતી ત્યારે ‘વાયરા વનવગડામાં વાતા’તા વાવા વંટોળિયા.’ – એ ગીત અમે સૌ ગાતાં અને એને એ બહુ ગમતું. એક વાર એ સાંભળતી સાંભળતી ઊભી થઈ ગઈ. ‘છીંડું શોધતાં લાધી પોળ, કર અખા હવે-ઝાકમઝોળ.’ -એની જેવો આનંદ ‘અભિનવો આનંદ આજ અગોચર ગોચર હવું એ.’ -એની જેવો આનંદ અને કશુંક જ્ઞાન પામ્યાની ચમક એની આંખોમાં વરતાયાં. એણે પોતાનું ફ્રોક પકડીને અમને દેખાડીને કહ્યું : ‘આ વાવા.’ આ ગીતના કવિ જગદીપ વીરાણીને ખબર નહીં હોય કે ‘વાવા વંટોળિયા’નો અર્થ આવો પણ થાય !

એક વાર મારાં બા એને તાળી પડાવતાં પડાવતાં ગાતાં’તાં કે ‘રાધે ગોવિંદ રાધે. શીરા-પૂરી ખાજે. શીરાને તો વાર છે, પૂરી તો તૈયાર છે.’ તો ‘શીરાને તો વાર છે’ પંક્તિ આવી ત્યારે તે ઊભી થઈને મારી બાના માથાના વાળને અડીને કહે, ‘આ વાળ, આ વાળ.’ પછી વિશેષ સમજૂતી આપવા પોતાના વાળને અડકીને કહે, ‘આ વાળ, આ વાળ.’ એને કદાચ એમ પણ થયું હશે કે દાદીબાને ‘વાળ’ બોલતાં નથી આવડતું તે ‘વાર’ બોલે છે. એના આલ્ફાબેટ્સના પુસ્તકમાં ‘ઝેડ ફોર ઝીબ્રા’ લખેલું છે, જોડે ઝીબ્રાનું ચિત્ર પણ છે. છતાં તે એ પાનું આવે ત્યારે ‘ઝેડ ફોર ઝીબ્રા’ બોલીને પોતાનો જીભડો બતાવે છે અને કહે છે કે ‘આ જીબ્રા. આ જીબ્રા.’

બસ, માણો. કાંઈ એને સાચું સમજાવવાની જરૂર નથી. ‘એમ નહીં, પણ બેટા ! આમ અર્થ છે.’ – એવું કહેશું તો બાળકનો પોતાની મેળે અર્થ પામ્યાનો આનંદ મરી જશે. એ અજ્ઞાની રહી જશે એવું ન માનો. મોટું થાય પછી એ સાચો અર્થ પામવાનું જ છે. હું નાની હતી ત્યારે ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ પદ જ્યારે ગવાતું ત્યારે હું એમ વિચારતી કે પાશેર, અરધોશેર, પોણોશેર, શેર – એવાં વજન તો સાંભળ્યાં છે; જેમ કે, મા બશેર દૂધ લે છે. પણ આ કયું નવું વજન હશે ? ‘વૈષ્ણ’નામનું વજન વળી ક્યું હશે ? પણ મોટા થયા પછી મને સમજાઈ ગયું કે આ ‘વૈષ્ણ’ નામનું વજન નથી, પણ ‘વૈષ્ણવ’ છે. તે જન કેવો હોય એનું લક્ષણ સમજાવતું વિશેષણ છે. આ કેવળ ગાવાનું ગીત નથી, પણ વૈષ્ણવજન બનવાનું, એવી રીતે જીવવાનું, અનુસરવાનું ગીત છે. એટલે નાનાં બાળકો જોડે અર્થની ચર્ચા કે ફિકર ન કરવી. પણ એને એ ગીત માણવા દો અને આપણે એ બાળકોને માણો.

[ કુલ પાન : 256. કિંમત રૂ. ૩૦૦. પ્રાપ્તિસ્થાન : ડૉ. રક્ષાબેન દવે. ‘પ્રહલાદ’ બંગલો, પ્લોટ નં : 1101-બી-2-ડી. મંગલા માતાજીની સામે, શ્રી સહજાનંદ બંગ્લોઝ, આંબાવાડી, ભાવનગર-364001. ફોન : +91 278 2207741.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “બાળક અને પુસ્તકસૃષ્ટિ – ડૉ. રક્ષાબહેન પ્ર. દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.