- ReadGujarati.com - http://www.readgujarati.com -

આત્માઓની અદલાબદલી – રતિલાલ બોરીસાગર

[ પ્રસ્તુત હાસ્યલેખ ‘ઉત્સવ’ સામાયિક-2013માંથી સાભાર લેવામાં આવ્યો છે.]

યમલોકમાં ‘આત્માવિનિમયકેન્દ્ર’માં કમ્પ્યુટર રીડિંગમાં જબરી ગરબડ થઇ ગઇ. એક વકીલ અને એક શિક્ષકના આત્માઓને એમની મુદત પૂરી થયા પહેલાં એમના દેહમાંથી ખેંચી લેવાયા. પણ, હજુ યમલોકના ‘આત્માવિનિમયકેન્દ્ર’નો વહીવટ છેક ખાડે ગયો નહોતો, એટલે આ ભૂલ તરત જ પકડાઇ ને આ આત્માઓને લઇને આવી રહેલો યમદૂત અર્ધે રસ્તે હતો, ત્યાં એને આ આત્માઓનું પોતપોતાના દેહમાં તુરત પુન:સ્થાપન કરી દેવાની સૂચના મળી. મજકૂર યમદૂતની નોકરી તદ્દન નવી હતી. એટલે એ બિચારો થોડો અપસેટ થઇ ગયો. એમાં આત્માના પુન:સ્થાપનમાં ગરબડ થઇ ગઇ. એટલે વકીલના આત્માને શિક્ષકના દેહમાં ને શિક્ષકના આત્માને વકીલના દેહમાં ફિટ કરી દીધાં ! પૃથ્વીલોકમાં બંનેના મૃતદેહોને સ્મશાને લઇ જવાની તૈયારીઓ ચાલતી હતી. ત્યાં આત્માનું પુન:સ્થાપન થઇ જતાં બંને ઊંઘમાંથી ઊઠતા હોય તેમ જાગ્યા. . .

જસુભાઇ માસ્તર ઘરની આજુબાજુ એકઠા થયેલા લોકસમુદાયને જોઇ રાજી થઇ ગયા. એમણે પાસે ઊભેલા યુવાનને પૂછ્યું, ‘આટલા બધા અસીલો એકસાથે ? અને હું ક્યાં છું ? આ મારી ઓફિસ હોય તેમ લાગતું નથી. મારા આસિસ્ટંટો ક્યાં ? મારો સ્ટાફ ક્યાં ? આ અસીલોમાંથી કેટલાકને ઓળખું છું. એ શિક્ષકો છે. એમને હાયરસ્કેલ માટે રિટ કરવી છે ?’ એ યુવાન જસુભાઇ માસ્તરનો પુત્ર હતો. પિતાની વાત સાંભળી એ સ્તબ્ધ થઈ ગયો. પિતા પુન:જીવિત થયા એના આશ્ચર્યમાંથી એ હજુ બહાર નહોતો આવ્યો, ત્યાં અસીલોની વાત સાંભળી એ એકદમ સ્તબ્ધ થઈ ગયો. તેણે કહ્યું, ‘ બાપુજી ! મને કહેતાં સંકોચ થાય છે, પણ હૃદયરોગના હુમલાથી તમારું અવસાન થયું છે, એમ ડોક્ટર શાહસાહેબે કહ્યા પછી તમને સ્મશાને લઈ જવાની તૈયારીમાં અમે પડ્યાં હતાં. નનામીનો સામાન પણ હમણાં જ આવી જશે.’

યુવાનની વાત સાંભળી જસુભાઈ નવાઈ પામ્યા. જે યુવાનને પોતે કદી જોયો નહોતો એ એને ‘બાપુજી’ કહીને કેમ બોલાવતો હતો એ એમની સમજમાં ઉતર્યું નહોતું. મરવાની વાત સાંભળી એ થોડા ઉશ્કેરાયા પણ ખરા. ‘કોણ ડોક્ટર શાહ ? ટાવર પાસે દવાખાનું છે તે ? એ ક્યાં આપણા ફેમિલી ડોક્ટર છે ? આપણા ફેમિલી ડોક્ટર તો ડો. મહેતા છે. આ ડોક્ટર શાહ એકવાર ખોટા સર્ટિફિકેટના કેસમાં સંડોવાયો હતો. ત્યારે મેં એનો કેસ લેવાની ના પાડી હતી એટલે એણે મારું ખોટું ડેથ સર્ટિફિકેટ આપ્યું ? ઈર્ષાથી પ્રેરાઈને મને બદનામ કરવા એણે મારું ખોટું ડેથ સર્ટિફિકેટ આપ્યું એ માટે હું ઈંડિયન પીનલ કોડની 420ની કલમ લગાડી એની સામે ખટલો માંડીશ. શું સમજે છે એ એના મનમાં ?’ જસુભાઈ માસ્તરનો પુત્ર ને અન્ય સ્વજનો જસુભાઈની વાત સાંભળી ગભરાઈ ગયા. જસુ માસ્તરને શું થઈ ગયું એ પ્રશ્ન સૌને સતાવવા માંડ્યો. જસુ માસ્તરના પુત્રને લાગ્યું કે કંઈક ગરબડ જરૂર છે, પણ શી ગરબડ છે એ નક્કી કરતાં પહેલાં સૌને વિદાય કરી દેવા જોઈએ એમ એને લાગ્યું. એટલે એણે સૌને પોતપોતાને ઘેર જવાની વિનંતી કરી. આશ્ચર્ય પામતાં સૌ ઘરે ગયાં. જસુ માસ્તરનાં પત્ની પતિના મૃત્યુ પામ્યાની જાણ થઈ ત્યારે રડ્યાં હતાં. એના કરતાંય વધુ જોરથી એમની વાત સાંભળી રડવા માંડ્યા. માસ્તરે એને કહ્યું, ‘બહેન ! તમે શા માટે રડો છો ? તમારા પતિ તમને મારઝૂડ કરે છે ? તો ઈંડિયન પીનલ કોડની 498-એ કલમ લાગુ પાડીશું. ભરણપોષણનો દાવો માંડવો હોય તો સીઆરપીસીની 125મી કલમ લાગુ પાડી શકાય. જોકે, આપણે તે બંને કલમ લગાડીને સાલાને સીધો દોર કરી દઈશું.’ પતિની વાત સાંભળી પત્ની વધુ જોરથી રડવા માંડી. રડતાં-રડતાં એ બોલી, ‘આ તમને શું થઈ ગયું છે ? મને ઓળખતાં નથી ?’

જસુ માસ્તરે ચારે તરફ જોયું. કોઈ અજાણ્યા ઘરમાં પોતાને લાવવામાં આવ્યા છે એમ એમને લાગ્યું. એકાએક એમના મનમાં પ્રકાશ થયો, ‘ત્રાસવાદીઓએ મારું અપહરણ તો નહીં કર્યું હોય ને ?’ પણ આ છોકરો તો સાવ સીધો લાગે છે અને આ સ્ત્રી પણ, સ્ત્રી સામાન્ય રીતે હોય છે એના કરતાં વધુ ત્રાસવાદી હોય તેમ લાગતું નથી, પણ તો આ શું છે ?’ એણે સ્ત્રીને પૂછ્યું, ‘બહેન ! તમે કોણ છો ?’ ‘અરે ! તમે મને ઓળખતા નથી ?’ કહેતાં પત્નીએ ઠૂઠવો મૂક્યો. ‘હું તમારી ધર્મપત્ની છું.’ આ સાંભળી દૂધની ગરમ તપેલીને હાથ અડી ગયો હોય એમ જસુ માસ્તર ઝબકી ગયા. ‘મને બ્લેકમેલ કરવાનું ષડયંત્ર નહીં હોય ને ?’ તેમનું મગજ ઝપાટાભેર ચાલવા માંડ્યું. પરિસ્થિતિનો ક્યાસ કાઢવા એમણે યુવાનને પોતાની પાસે બોલાવ્યો. પિતાએ પોતાને બોલાવ્યો એ જાણીને એને કંઈક આશા બંધાઈ. એ હોંશે હોંશે પિતા પાસે ગયો. જસુ માસ્તરે પૂછ્યું, ‘મારી સાથે તમારું અપહરણ થયું છે ? પેલા બહેન કોણ છે ? ત્રાસવાદીઓ ક્યાં ગયા ? ક્યારે આવવાનું કહી ગયા છે ? કેટલી રકમ માંગે છે ? આપણે જો સહીસલામત છૂટીશું તો અપહરણ માટે ઈંડિયન પીનલ કોડની કલમ 361 અને માનસિક ત્રાસ ગુજારવા માટે કલમ 365 લાગુ પાડી શકાશે. જો પાકિસ્તાન આમાં સંડોવાયેલું હશે તો આ લોકો પર ટાડા જ લાગુ પાડી દેવાશે ને આપણા વડાપ્રધાન ફરી એકવાર પાકિસ્તાનને ગંભીર ચેતવણી આપશે. ‘ પિતા શું બોલે છે એ પુત્ર સમજતો નહોતો. એણે કહ્યું, ‘બાપુજી ! આ આપણું ઘર છે. હું તમારો દીકરો છું ને આ મારી બા છે.’ ‘મારો કોઈ પુત્ર નથી. મારે ચાર પુત્રીઓ જ છે ને હું કોઈ પ્રોફેસર નથી કે મારી પત્નીને ઓળખી ન શકું. આ બહેનને તો આ પહેલાં મેં ક્યારેય જોયાં સુધ્ધાં નથી ! આજે પેલા જમીનના કેસની સુનાવણી છે. સ્ટેનો હજુ કેમ નથી આવ્યો ?’

પરિસ્થિતિ ધારવા કરતાં વધુ ગંભીર છે એમ પુત્રને લાગ્યું. એ ડોક્ટર શાહ પાસે દોડ્યો. જસુ માસ્તર જીવતા થયાના સમાચાર ડો. શાહને મળી ચૂક્યા હતા. આ સમાચારથી થયેલા આશ્ચર્યમાંથી તેઓ હજુ બહાર નીકળ્યા નહોતા ત્યાં જસુભાઈ માસ્તરનો પુત્ર ફરી એમની પાસે પહોંચી ગયો ને રડવા માંડ્યો. એના પિતાને પોતે ડેડ ડિકલેર કર્યા ત્યારેય એ આટલું નહોતો રડ્યો ને પિતા જીવતા થયા તે પછી આટલું કેમ રડે છે તે ડો. શાહની સમજમાં ઊતર્યું નહીં. પુત્રએ પરિસ્થિતિનું ટૂંકું બયાન કર્યું ને તરત જ ઘેર આવવા વિનંતી કરી. પુત્રની વાતથી ડો. શાહ થોડા વધુ ગૂંચવાયા પણ ફેમિલી ડોક્ટર તરીકે જસુ માસ્તરના ઘેર આવ્યા. જસુ માસ્તર આકુળવ્યાકુળ થઈ આંટા મારી રહ્યા હતા. આ સંપૂર્ણ તંદુરસ્ત માણસને મરેલો જાહેર કરવાની ગંભીર ભૂલ પોતાનાથી કેમ થઈ એ હજુ ડોક્ટરને સમજાતું નહોતું. એમણે કહ્યું, ‘કેમ છો માસ્તરસાહેબ ?’ ‘કોણ છો તમે ? કોને માસ્તર કહો છો ?’ જસુ માસ્તરે ઘૂરકિયું કરતાં કહ્યું. ;હું ડોક્ટર શાહ, મને ન ઓળખ્યો ?’ ‘કોણ ? ડોક્ટર શાહ ? મને ડેડ ડિકલેર કરનાર ડોક્ટર શાહ ? ડોક્ટર તમને તો ઈંડિયન પીનલ કોડની 420ની કલમ હેઠળ જેલના સળિયા ગણતા કરી દઈશ, સમજ્યા ?’ ‘તમને શું થયું છે, જસુભાઈ ? તમે જસુભાઈ માસ્તર છો. હું તમારો ફેમિલી ડોક્ટર છું.’ ‘મારા ફેમિલી ડોક્ટર તમે છો ને હું જસુભાઈ માસ્તર છું એમ ? તમે ડોક્ટર થઈને નશો કરો છો ? તમારા પર પ્રોહિબિશન એક્ટની કલમ 84-85 પણ લાગુ થઈ શકે તેમ છે.’ ‘તમે જ છો જસુભાઈ માસ્તર !’ ડોક્ટર શાહ ઢીલા પડી ગયા. તેમણે બેગમાંથી બે ગોળી કાઢી ખાઈ લીધી, પછી જસુભાઈના પુત્રને એક બાજુ બોલાવીને કહ્યું, જુઓ, તમારા ફાધરનું અવસાન થયું હતું તે હકીકત છે, પણ આવા કિસ્સામાં શું છે કે કોઈકવાર હાર્ટ ચાલુ થઈ જતું હોય છે. એમ થયું એ તો સારી વાત છે, પણ એમાં કંઈ માનસિક ગરબડ થઈ હોય એવું જણાય છે. તમે એમ કરો, બાજુમાંથી દસ-બાર સશક્ત માણસોને લઈ આવો. તેઓ તમારા ફાધરને પકડી રાખે તો હું ઈંજેક્શન આપી દઉં. આ ઈંજેક્શનને કારણે તેઓ ઓછામા ઓછા દસ-બાર કલાક સૂઈ રહેશે. આ ગાળા દરમિયાન મગજમાં ઊભો થયેલો ડિસઓર્ડર સેટલ થઈ જાય તેમ બને, છતાં કંઈ ફેર ન પડે તો સાઈકિયાટ્રિસ્ટને કંસલ્ટ કરવા પડે.’ દસ-બાર સશક્ત માણસોની મદદથી જસુ માસ્તરને ડોક્ટર શાહે ઈંજેક્શન આપ્યું. જસુ માસ્તરે ઘણો પ્રતિકાર કર્યો, પણ આખરે ઊંડી બેહોશીમાં સરી પડ્યા.

નનામી બંધાઈ રહેવા આવી ત્યાં વિનુભાઈ વકીલના દેહમાં જસુભાઈ માસ્તરના આત્માનો સંચાર થયો ને વિનુભાઈ સળવળ્યા. વિનુભાઈના સળવળાટથી ડાઘુઓ ગભરાઈ ગયા. એમણે એકદમ નનામી છોડી નાખી. વિનુભાઈ તરત બેઠા થઈ ગયા ને બોલ્યા, ‘આ શું છે ? મારી કુંડળીમાં બંધનયોગ ન હોવા છતાં આ બંધનની સ્થિતિમાં આવવાનું શું કારણ છે ?’ પપ્પા ! હૃદયરોગના હુમલાથી તમારું મૃત્યુ થયું હતું તેમ ડોક્ટર મહેતાસાહેબે કહ્યું હતું. પપ્પા ! તમને શું થયું હતું ?’ ‘હે મધુરભાષિણી બાલા ! તું કોણ છે ? તું મને પપ્પા શા માટે કહે છે ? તારા જેવી એક પુત્રીની કેવી ઉત્કટ ઝંખના મને હતી !’ વિનુભાઈના કથનથી મોટી પુત્રીનું આશ્ચર્ય શમે તે પહેલાં વિનુભાઈની બીજી ત્રણ પુત્રીઓએ ઉપસ્થિત થઈને કહ્યું, ‘પપ્પા ! અમે ચારેય તમારી પુત્રીઓ છીએ. પપ્પા ! તમને શું થયું છે ?’ ‘બાલિકે ! મારે માત્ર એક પુત્ર જ છે, એ કેમ ક્યાંય દૃષ્ટિગોચર થતો નથી.’ ‘પપ્પા ! તમારો કોઈ પુત્ર નથી. અમે ચાર બહેનો તમારી પુત્રીઓ છીએ.’ ‘આ શી ભ્રાંતિનો અનુભવ મને થઈ રહ્યો છે ? મારે એકેય પુત્રી નથી ને છતાં આ ચાર બાલિકાઓ મારી પુત્રીઓ હોવાનું નિવેદન કરી રહી છે ને મારો પુત્ર અત્રે ક્યાંય દૃષ્ટિગોચર થતો નથી.’ વિનુભાઈના ખાસ મિત્ર સુરુભાઈ પામી ગયા કે વિનુભાઈના મગજમાં કશી ગરબડ થઈ જણાય છે. એમણે સૌ સ્નેહીજનોને વિદાય કર્યાં. વિનુભાઈનાં પત્ની પતિના મૃત્યુથી બેહોશ થઈ ગયાં હતાં, તે થોડીવારમાં ભાનમાં આવ્યાં ને પતિને જીવતા થયેલા જાણી પાછાં બેભાન થઈ ગયા. એ ફરી ભાનમાં આવ્યાં ને પતિ પાસે રડવા લાગ્યાં, ‘તમને શું થઈ ગયું હતું ?’ ‘ભગિની ! તમે કોણ છો ?’ વિનુભાઈ બોલ્યા. ‘વિનુભાઈ ! આ ભાભી છે. તમે કેમ ઓળખતા નથી ?’ સુરુભાઈએ કહ્યું. ‘ભાભી ? હું મારા પિતાનો એકમાત્ર પુત્ર છું. મારે ગુરુ બંધુ નથી કે અનુજ પણ નથી, તો આ મારાં ભાભી કેમ સંભવે તે વિશે વિગતપૂર્ણ સ્પષ્ટીકરણની આવશ્યકતા છે.’ ‘અરે, આ ભાભી એટલે અમારાં રસીલાભાભી, તમારાં વાઈફ.’ સુરુભાઈએ અકળાઈને કહ્યું. ‘ઓહ ! શાંતમ પાપમ ! અબ્રહ્મણ્યમ ! અબ્રહ્મણ્યમ ! હું પરમ વૈષ્ણવજન ! પરસ્ત્રી જેને માત રે ! એને માટે અભદ્ર વચનો ઉચ્ચારનારા તમે કોણ છો ?’ વિનુભાઈની વાત સાંભળી અ.સૌ. રસીલાગૌરી જોરજોરથી રડવા લાગ્યાં. સુરુભાઈ પણ હેબતાઈ ગયા. વિનુભાઈ પાછા બોલ્યા, ‘આ વિશાળભવનમાં મને શા માટે લાવવામાં આવ્યો છે ? મારું નાનું મકાન ક્યાં ગયું ? વિશાળ ભવનને અને એ ભવનમાં રહેલી અનભિજ્ઞ વનિતાને જોઈ ‘સુદામાચરિત’માં સુદામાને થતી હતી તેવી મૂંઝવણ મને થાય છે. નરસિંહ મહેતાને તો જાગ્યા પછી જગત દીસતું નહોતું ને ઊંઘમાં અટપટા ભોગ ભાસતા હતા, પણ મને તો જાગ્યા પછી સઘળું અટપટું જણાય છે.’

‘તમને આ શું થઈ ગયું ?’ અ.સૌ. રસીલાગૌરી ફરી રડવા માંડ્યાં. ‘મને કશું થયું નથી, પણ તમને શું થઈ ગયું છે ? બહેન ! મારાં પત્ની ક્યાં છે ? મારો પુત્ર ક્યાં છે ?’ ‘તમે મને બહેન કહીને પાપમાં ન પડો, હું તમારી પત્ની છું.’ ‘ભગિની ! મારી પત્ની હોવાનું નિવેદિત કરી, વસ્તુત: તો તમે પાપ માર્ગે ગતિ કરી રહ્યાં છો, એમ મારે કહેવાનું પ્રાપ્ત થાય છે. મારે આજે શાળામાં ઈંસ્પેક્શન છે. મારે એની તૈયારી કરવાની છે. મારી ગુજરાતીની ટેક્સ્ટબુક ક્યાં છે ?’ વિનુભાઈએ બેંકની પાસબુક સિવાય કોઈ બુક કોઈ દિવસ નહોતી માગી. આજે એ ગુજરાતીની ટેક્સ્ટબુક કેમ માગે છે તે કોઈની સમજમાં આવ્યું નહીં. ‘તમે ગુજરાતીની ટેક્સ્ટબુક લાવો જલદી. આજે હું મહાકવિ ન્હાનાલાલનું ‘ભરતગોત્રનાં લજ્જાચીર’ કાવ્ય શીખવવાનો છું. આખો તાસ ડોલનશૈલીમાં લઈ ઈંસ્પેક્ટરસાહેબને આશ્ચર્યચકિત કરી દઈશ. આશ્ચર્યચકિત તો વિનુભાઈની વાત સાંભળી સૌ કોઈ અત્યારે જ થઈ રહ્યાં હતાં. વિનુભાઈ શું બોલતા હતા તે જ કોઈને સમજાતું નહોતું. બધાંને લાગ્યું કે વિનુભાઈનું હૃદય બચી ગયું હતું, પણ મગજ ડેમેજ થયું હતું. તાત્કાલિક ડો. મહેતાને બોલાવવામાં આવ્યા. વિનુભાઈને જીવતાજાગતા જોઈ ડો. મહેતા ઘડીભર તો કિંકર્તવ્યમૂઢ બની ગયા. એમણે કહ્યું, ‘વિનુભાઈ ! આઈ એમ રિયલી વેરી સોરી ! પણ એ વખતે આપ હંડ્રેડ પરસેંટ ડેડ હતા. નહીતર આપને ડેડ ડિકલેર કરું જ નહીં.’ ‘તમે કોણ છો ?’ ‘હું ડોક્ટર મહેતા, આપનો ફેમિલી ડોક્ટર!’ ‘ફેમિલી ડોક્ટર ? અમારા ફેમિલી ડોક્ટર તો શાહસાહેબ છે. યદ્યપિ તમને ક્યાંય જોયા હોવાનો ભાસ મને અવશ્ય થાય છે.’ ડોક્ટર મહેતા શહેરના જાણીતા જનરલ પ્રેક્ટીશનર હતા. એમની પાસે આવો અસાધારણ કેસ પહેલાં કદી આવ્યો નહોતો. એમણે સુરુભાઈને એક બાજુ લઈ જઈ કહ્યું, ‘તમારી વાત સાચી છે. વિનુભાઈને મેંટલ ડિસઓર્ડર જેવું જણાય છે. હાર્ટ એકાએક ચાલુ થઈ જવાને કારણે કોઈવાર આવું બનતું હોય છે. હવે એક કામ કરીએ, તમે આજુબાજુમાંથી સાત-આઠ મજબૂત માણસોને બોલાવી લાવો. હું એમને ઈંજેક્શન આપું. ઈંજેક્શન આપ્યા પછી સાત-આઠકલાક તેઓ સૂઈ રહેશે. જાગ્યા પછી મોટે ભાગે નોર્મલ થઈ જશે, પણ નહીં થાય તો પછી સાઈકિયાટ્રીસ્ટને કંસલ્ટ કર્યા વગર છૂટકો નથી !’

આત્માઓની અદલાબદલીની એરર સ્વર્ગનું કમ્પ્યુટર ક્યારનું બતાવી રહ્યું હતું, પણ કમ્પ્યુટર ઈંચાર્જ મોદો આવવાને કારણે એરર ધ્યાનમાં આવતાં વાર લાગી. એરર ધ્યાનમાં આવતાં યમલોકમાં દોડાદોડી થઈ ગઈ. સિનિયર યમદૂતને વાયુવેગે રવાના કરવામાં આવ્યો. આ સિનિયર યમદૂતે બેહોશ પડેલા બંને દેહમાંથી આત્માઓ ખેંચી, બંને આત્માઓને એકબીજાના ઓરિજિનલ દેહમાં ફીટ કરી દીધા. જસુભાઈ માસ્તર બેહોશીમાંથી જાગ્યા ત્યારે જસુભાઈ માસ્તર હતા ને વિનુભાઈ વકીલ જાગ્યા ત્યારે વિનુભાઈ વકીલ હતા.