મસ્તીનાં આંસુ – ડો. સ્વાતિ ધ્રુવ નાયક

[‘ઉત્સવ’ સામાયિક-2013 માંથી સાભાર.]

નવ વાગવા આવ્યા હતા. રાત્રીના આકાશમાં તારાઓ વાદળોને ઓઢીને ઊંઘવા માગતા હોય તેમ વાદળોને ખેંચી ખેંચીને ઓઢતા હતા. મીઠ્ઠુ એટલે કે મીનાશ્રુના ડિઝાઈન કરેલા જંગલ થીમવાળા બેડરૂમની કુકુ ક્લોકની કોયલ નવ વાર ટહુકીને જંપી ગઈ હતી, પણ મીઠ્ઠુ હજુ હોમવર્કના ચક્રવ્યૂહમાં અટવાયેલો હતો. સૂવાનો સમય થતાં એની મોટી કાળી આંખોની પાંપણો ઘડી ઘડી ઢળી જતી હતી. સ્વપ્ન પ્રદેશની પરીઓ એને હાક પાડીને ક્યારનીય બોલાવી રહી હતી. મીઠ્ઠુ સ્વપ્નલોકમાં હળવેકથી આવું કે, આવું કે ? કરે ત્યાં તો ધબાક કરતો એના બરડે મમ્મીનો ધબ્બો પડ્યો ને ધુબાંગ દઈને મીઠ્ઠુભાઈ પાછા ચક્રવ્યૂહમાં કૂદ્યા. મમ્મીની ત્રાડ હવે બરાબર સંભળાતી હતી, ‘મીનાશ્રુ, તને કેટલીવાર કહ્યું કે ટુ ફોરઝ આર એઈટ. સાવ ડફોળ છે. કાયમ નાઇન લખે છે. ને હજુ તો ફાઇવનો ટેબલ મોઢે કરવાનો છે. ક્યારે કરશે ? પરીક્ષા આવી ગઇ. કોણ જાણે સ્કૂલમાં ને ટ્યુશનમાં શું કરી આવે છે ?’ મીઠ્ઠુ એટલે કે મીનાશ્રુની મમ્મી મોહિનીનો બબડાટ ચાલતો રહ્યો. દરમિયાન મીઠ્ઠુએ યંત્રવત કપડાં બદલ્યાં, દૂધ પીધું, બ્રશ કર્યું ને સૂઇ ગયો, પણ હવે એની સ્વપ્નનગરી બદલાઇ હતી. પરીઓ મમ્મીની ત્રાડથી ડરીને ભાગી ગઇ હતી. પતંગિયા ફાઇવના ટેબલના ટેંશનથી પાંખો જલાવી બેઠા હતા અને લાગ જોઇને ડરામણા આંકડાઓ ને શબ્દોના રાક્ષસો મીઠ્ઠુને ઘેરી વળ્યા હતા. મીઠ્ઠુ લડી-લડીને થાક્યો હશે તે સવાર સવારમાં જંપી ગયો.

સવારે પોણા છ થતાં મીઠ્ઠુના બેડરૂમના મ્યુઝિકલ એલાર્મક્લોકે સંગીતના સૂરો રેલાવ્યા તે વળી મીઠ્ઠુને હાલરડાં જેવા જ લાગ્યા. મીકી માઉસની મુલાયમ છાપવાળી રજાઇ બરાબર ઓઢીને વળી પાછો એ જંપી ગયો. સ્વપ્નની પરી આવું-આવું કરતી હતી, ત્યાં જ ધડામ કરતું બારણું ખૂલ્યું ને મમ્મી પ્રવેશીને મીઠ્ઠુને સ્વપ્ન પ્રદેશમાંથી ખેંચી લાવી. ‘મીઠ્ઠુ, ચાલો તો, મીનાશ્રુ બેટા, ઊઠો તો, સ્કૂલબસ છૂટી જશે, જલદી જલદી ઊઠીને તૈયાર થઇ જા. નાસ્તો કરી લે જો.’ મમ્મીની રનિંગ કોમેંટ્રી સાથે મીઠ્ઠુ ઝડપથી તૈયાર થયો. નાસ્તો કરતાં-કરતાં એને યાદ આવ્યું, ‘કાલે જ રોહન કહેતો હતો. ઘોડાને રેસમાં દોડાવતાં પહેલાં માલિશ કરીને ખૂબ સરસ ચણા-ગોળ ખવડાવવામાં આવે છે. પછી તો બસ. એડીની ઇશારે ઘોડો જાય દોડ્યો. . .’ ખભે પાંચ-દસ કિલોનું વજન હવે ઊંચકેલું હતું. સ્કૂલબેગ ભેરવીને મીઠ્ઠુ સ્કૂલબસમાં બેઠો. તે બારીમાંથી બહાર જોઇ રહ્યો. સિગ્નલ આવતાં જ બસ ઊભી રહી. મીઠ્ઠુએ જોયું તો કેટલાક ભિખારી બાળકો ગાડીઓનાં કાચ ઠોકી-ઠોકીને ભીખ માંગી રહ્યા હતાં. પૈસા મળતાં જ ટ્રાફિકના જંગલમાંથી ફટાક કરતાં નીકળીને બીજી ગાડીઓ પાસે જતાં રહેતાં ને ગ્રીન લાઇટ થતાં જ ગાયબ-બધાં અંદરોઅંદર કેવી મસ્તી કરતાં હતાં ! મીઠ્થુને સહેજ ઇર્ષ્યા થઇ, ‘કેવું સારું ! દફતરનું વજન નહીં, પરીક્ષાનું ટેંશન નહીં.’ એણે જોયું તો એક એના જેવડો છોકરો એને તાકીને જોઇ રહ્યો હતો. કદાચ એને સ્કૂલે આવવું હતું. મીઠ્ઠુને થયું, એને બૂમ પાડીને કહી દઉં ન આવીશ-કંઇ મઝા નહીં આવે. એના કરતાં તો અહીંયા જ. . .’

ધુમાડાના પડદામાં એ છોકરો ખોવાઇ ગયો. બસ સ્કૂલે પહોંચી. એણે જોયું કે રાજુ અને રીટાને પનિશમેંટ મળી હતી. એમનાં શૂઝને પોલિશ નહોતું. હવે મેડમ એમના ઘરે એમની મમ્મીને ફોન કરશે, ટેઇક પ્રોપર કેર ઓફ યોર ચિલ્ડ્રન, પોલિશ ધેર શૂઝ ડેઇલી.’ એમની મમ્મીને નવાઇ લાગશે. સવારે જ તો પોલિશ કરી આપેલા. ઉતાવળમાં બરાબર થયા નહીં હોય, પણ મીઠ્ઠુને ખબર હતી. રાજુ, રીટા, બસસ્ટોપની પાછળ ગ્રાઉંડમાં છાનામાનાં રમી લેતાં હતાં. એટલે ધૂળ લાગે જ ને ? મીઠ્થુએ પોતાના શૂઝ જોયા, ‘છેલ્લે ક્યારે ધૂળવાળા થયા હશે ?’ ક્લાસમાં આજે મેથ્સની ટેસ્ટ. મીઠ્ઠુએ ધ્યાનથી બધું જ લખ્યું. ચેક પણ કર્યું. જરાક ભૂલ પડી તો મમ્મી પાછી વઢશે, પણ એ જ ટેંશનમાં એનાથી પાછું ‘ટુ ફોરઝ નાઇન’ લખાઇ ગયું. ટીચર ખીજાયા, આ મીનાશ્રુને જરાય આવડતું નથી. પેરંટ્ઝ આર નોટ ટેકિંગ પ્રોપર કેર. રોજ એકની એક મિસ્ટેક કરે છે. આ ટેસ્ટપેપર પર તારા મધરની સાઇન લઇ આવજે, કાલે.’ મીઠ્ઠુએ પેપર બેગમાં મૂકી દીધું. એને થયું, બેગ જ ખોવાઇ જાય કે ચોરાઇ જાય તો સારું. પેલા સિગ્નલવાળા છોકરાને આપી દીધી હોય તો ? તો એણે ભીખ નહી માંગવી પડે.’ રીસેસમાં લંચબોક્સ ખોલીને બેઠો તાં જ મોંટી આવીને એક સેંડવિચ ઝાપટી ગયો. રોહન ધીમે રહીને પૂછવા લાગ્યો, ‘રોટલી-શાક ખાઇશ ?’ મીઠ્ઠુએ કહ્યું, ‘તું કોઇને નહીં કહે ? મારી મમ્મીને પણ નહીં તો હું ખાઉં.’ કહીને બે રોટલી ખાઇ ગયો. રોહને એની સેંડવિચ ખાધી.

રીસેસ પછી પોએટ્રી પીરિયડ હતો. મીઠ્ઠુને પોએટ્રી બહુ ગમે, પણ ગયા વીકમાં પોએટ્રીની કોમ્પીટીશનમાં એને પ્રાઇઝ નહોતું મળ્યું. પ્રોનાઉંસિએશન વીક હતા. બરાબર એક્શન કરવી જોઇએ. મીઠ્ઠુને તો બાથરૂમમાં મોટેથી ગાવાનું ગમે. મમ્મી ખિજાઇ, ‘નંબર કેમ ન આવ્યો ?’ ડ્રોઇંગના સર આજે પાછા વઢ્યા, ‘પીકોકમાં વળી રેડ કલર થતો હશે ?’ મીઠ્ઠુને થયું, ‘પીકોક કરતાં બટરફ્લાય સારાં. ગમે તે કલર થઇ શકે. વળી, નાનકડા ને પાંખો મોટી એટલે ઊડીને ક્યાંના ક્યાં જઇ શકે. જ્યારે પીકોકે તો દર્દ થાય ત્યારે નાચવું પડે. આ તે કેવું ? દુ:ખ થાય ત્યારે ડાંસ કરવાનો ?’ મીઠ્ઠુને યાદ આવ્યું, ‘લાસ્ટ વેકેશનમાં મમ્મી એને બ્રેકડાંસના ક્લાસમાં લઇ ગયેલી. એના પગ એટલા દુ:ખતા પણ પ્રેક્ટિસ તો કરવી પડે ને. મોટા ઓડિટોરિયમમાં શો હતો. ફોટા તો કેટલા સરસ આવેલા ! મુવીમાં પણ ખબર ન પડે કે મીઠ્ઠુને દુ:ખતું હતું.’ છેલ્લા મોરલ સ્ટડીઝના શર્મા સરે બહુ બોર કર્યા. બહુ શિખામણ આપે, ‘બીહેવ લાઇક અ ગુડ બોય.’ પોતે આખો વખત વઢ્યા કરે તે કંઇ નહીં. હાશ. બેલ પડ્યો એટલે મીઠ્ઠુ ઘેર. જમીને રીમોટ હાથમાં લીધું. ટોમ એંડ જેરી આવતું હતું. જેરી દોડાદોડી કરીને ટોમને હંફાવતો હતો. ખડખડાટ હસવાનો સીન આવે ત્યાં તો ટોમે જેરીને પકડી લીધો. જેરી કેવી રીતે છૂટે છે તે જોવા જાય એટલામાં મમ્મી આવી ગઇ, ‘કમ્પ્યુટર ટીચર આવ્યા છે. જા તો રૂમમાં.’

ટ્યુશન-હોમવર્કના ચક્રવ્યૂહમાં આજે પાછી પરી રિસાઇ ગઇ. બીજે દિવસે કૌતુક થયું રોહન કહે, ‘મીઠ્ઠુ, આજે તો નવા ટીચર આવ્યા છે, મેથ્સના.’ મીઠ્ઠુએ જોયું, કેટલા નાના ટીચર, આવડું ભારે મેથ્સ આ નાના ટીચર કેવી રીતે ભણાવશે ?’ રોહને વળી કાનમાં કહ્યું, ‘આટીચરનું નામ મીના ટીચર.’ એટલામાં જ ટીચર રજિસ્ટરમાં જોઇ એનું નામ બોલ્યાં, ‘મીનાશ્રુ કોણ છે ?’ પછી મીઠ્ઠુ ઊભો થયો એટલે કહે, ‘તારું નામ આવું કેમ ? ખબર છે મીનાશ્રુ એટલે મીનના અશ્રુ મતલબ કે માછલીના આંસુ. એના કરતા મીનાંશુ હોત તો ? તું તો માછલી જેવો જ છે. ચપળ, ચંચળ, ને મારું નામ મીના. આપણે બે સરખા.’ મીઠ્ઠુને નવાઇ લાગી. ટીચર તો ટીચર જેવા છે જ નહીં. એટલામાં વળી રોહન બોલ્યો, ‘એનું પેટ નેમ મીઠ્ઠુ છે.’ બધાં હસવા લાગ્યાં, પણ ટીચર તો કહે, ‘વાહ એ સાચું. આ તો ભારે મીઠ્ઠો છે.’ વાતવાતમાં ક્યારે મેથ્સ ચાલુ થઇ ગયું, ખબર જ ના પડી. ટીચરે મીઠ્ઠુને પૂછ્યું, ‘મીઠ્ઠુ, તારા ચાર ફ્રેંડ્ઝ છે. બધાને બે-બે સ્વીટ આપવી હોય તો તું કેટલી સ્વીટ લાવશે ?’ મીઠ્ઠુ તો પટ્ટ દઇને બોલ્યો, એઇટ.’ એટલે ટીચર કહે, ‘શાબાશ, તો ટુ ફોરઝ આર ?’ મીઠ્ઠુ પાછો તરત ટહુક્યો, ‘એઇટ.’ વળી પાછો ‘વેરી ગુડ’નો શરપાવ મળ્યો. રોજ તો મેથ્સનો પીરિયડ કેટલો લાંબો ચાલતો. આજે તો ચપટીમાં જ પૂરો, પણ કંઇ નહીં. મીઠ્ઠુભાઇ ટીચરના ફેવરિટ બની ગયા. છેલ્લા પીરિયડમાં ડ્રોઇંગ ટીચર એબસંટ હતા એટલે પાછાં મીનાટીચર આવ્યાં. એમણે તો કલર્સ ને પીંછી આપીને કહ્યું, ‘જેમ ફાવે તેમ દોરો.’ મીઠ્ઠુએ તો સરસ મજાના ટીચર દોર્યા. પાછળ બ્લેકબોર્ડ દોર્યું ને ઉપર લખ્યું, ‘ટુ ફોરઝ આર એઇટ.’ ને ટીચરે ‘વેરી ગુડ’ કહ્યું. એટલે ધીમે રહીને કહી દીધું, ‘ટીચર, ટીચર ખબર છે, દરરોજ હું એક જ મિસ્ટેક કરતો. મારાથી તો ‘ટુ ફોરઝ આર નાઇન’ જ લખાઇ જતું, પણ હવે આવડી ગયું.’ મીના ટીચર તો મીઠું હસીને કહે, ‘એમાં શું ? ચાર ફ્રેંડ્ઝને બબ્બે ચોકલેટ આપે તો એક તારે પણ તો જોઇએ ને એટલે નાઇન બરાબર છે.’ ને પછી ખડખડાટ હસી પડ્યાં. મીઠ્ઠુને યાદ આવ્યું, ‘રોહન કહેતો હતો, કનૈયો તોફાન કરે ને તો પણ યશોદામા એને ગોપીઓથી બચાવી લેતાં ને મીઠું હસીને કૃષ્ણને ખીજાતાં.’

આજે તો જાણે થાક જ નથી લાગ્યો. મીઠ્ઠુએ તો નાસ્તો પણ ન કર્યો ને મેથ્સનું હોમવર્ક કરી નાખ્યું. મમ્મી પણ નવાઇ પામી ગઇ, આજે તો એક પણ મિસ્ટેક નથી. ચાલ ફાઇવનો ટેબલ બોલ તો !’ ને મીઠ્ઠુ સડસડાટ બોલી ગયો. જલદી-જલદી બ્રશ કરીને મમ્મીને ગુડનાઇટ કહીને સૂઇ ગયો. ઘડિયાળમાંની કોયલ નવ વાર ટહુકી ત્યાં તો પરીઓ ઊડતી ઊડતી રમવા આવી પહોંચી. મીઠ્ઠુની માછલી જેવી આંખોમાં સપનાઓના દરિયા ભરાઇ ગયા. પરીઓ અને પતંગિયાં મીઠ્ઠુની આસપાસ ગોળ ફરવા લાગ્યા, પણ આ શું ? બધી પરીઓ મીના ટીચર જેવી કેમ દેખાતી હશે ? સ્વપ્નલોકમાં આજે ઉત્સવ હતો. જલદી સવાર પડે તોય વાંધો નહીં. સ્કૂલે મજા પડશે. કાલે તો પાછો ટીચર્સ ડે. સવારે વહેલા ઊઠીને ટીચર માટે એક સરસ ગુલાબ લઇ જઇશ અને કહીશ હેપ્પી ટીચર્સ ડે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

30 thoughts on “મસ્તીનાં આંસુ – ડો. સ્વાતિ ધ્રુવ નાયક”

Copy Protected by Chetan's WP-Copyprotect.