સ્વાતિ – નટવર પટેલ

[ ગુજરાત – દીપોત્સવી અંક – સં.૨૦૬૯માંથી સાભાર. ]

સ્વાતિ એ ગૃહપ્રવેશ કરી પોતાનું પર્સ સોફા પર જે રીતે પછાડ્યું તે જોઇ સરોજબહેનને ફડકો પેઠો. ‘દીકરી મૂડમાં નથી કે શું? રુપક સાથે કંઇ બોલાચાલી થઇ હશે? આમ તો મારી દીકરી સામો ઉત્તર આપે એવી તો નથી તોય… આજ-કાલની છોકરીઓનું ભલુ પૂછવુ.’ સ્વાતિ એની રુમમાં ચાલી ગઇ. સરોજબહેને રુમમાં સહેજ ડોકિયું કરી લીધું. સ્વાતિ પથારીમાં આડી પડી હતી. સરોજબહેન ધીમેથી રુમમાં આવ્યાં. સ્વાતિની નજીક બેઠાં. સ્વાતિના માથે હાથ ફેરવ્યો. ‘શું થયું બેટા?’
‘કંઇ નહિ, મમ્મી!’ કહી સ્વાતિ પડખું ફરી ગઇ. સરોજબહેન રુમ બહાર નીકળી ગયાં. હમણાં એનો ગુસ્સો શાંત પડે પછી વાત. એટલામાં નોકરીએથી એની ભાભી આવી જશે.

રુપક સાથે ગાળેલી પળો સ્વાતિ યાદ કરવા લાગી. ફોરેન રિર્ટન કહેવાતો યુવાન આવા હીન વિચારો ધરાવતો હશે? એવી એને કલ્પના પણ ન હતી. કેવો નેરોમઇન્ડેડ હતો એ! એવાની સાથે આખી જીંદગી કઇ રીતે જાય? ને શું એ કહે એમ જ મારે કરવાનું? એ પુરુષ છે તો શું થઇ ગયું? મારા સ્વતંત્ર વિચારોને એણે માન આપવું જોઇએ કે નહિ? સ્વાતિ ડબલ ગ્રેજ્યુએટ યુવતી હતી. મધ્યમ પરિવારની એક હસમુખી, ડાહી અને શાલિન છોકરી હતી. દેખાવડી પણ ખરી જ. એટલે એના માટે સારા ઘરનાં અને સારું ભણેલા યુવાનોના માંગા આવતાં હતા.

એને જોવા આવનાર પહેલો યુવાન નિહિત એક એન્જિનિયર હતો. સરકારી ખાતામાં સારી પોસ્ટ પર નિમાયો હતો. એને સ્વાતિ પસંદ હતી. સ્વાતિને પણ એ ગમી ગયેલો, પણ વાતચીત કર્યા પછી એના ચહેરા પરનો નકાબ ઉતરી ગયો હતો. નિહિતનો પગાર એક લાખ રુપિયા હતો છતાં એ લાંચ લેતો હતો. આ વાત નિહિતે જ એક મુલાકાતમાં સ્વાતિને કહી હતી. અધધધ.. કહી શકાય તેટલો પગાર છતાં યાચક જેવી વૃત્તિ ધરાવતો હતો એ! ને બીજી જ પળે સ્વાતિની નજરમાંથી એ ઊતરી ગયો હતો. રેસ્ટોરાંમાં નાસ્તો કરતાં એ ઊભી થઇ ગઇ હતી. નિહિત એની પાછળ દોડ્યો હતો…અરે! પણ… સ્વાતિ શું થયું? ને એ ગુસ્સો બતાવી ચાલી ગઇ હતી ઘરે. એ પછી એનાં વારંવાર મોબાઇલ આવતાં છેવટે સ્વાતિએ કહી દીધુ હતું ‘તારા પૈસા તને મુબારક..’ ગુડ બાય….હું તારી સાથે સુખેથી નહીં જીવી શકું ને ફોન કટ…સ્વમાની સ્વાતિએ એ પછી ય નિહિતને માફ કર્યો ન હતો. ઘરનાં ને લાગ્યું કે એક સ્ત્રી સ્વાતિએ એક સારો છોકરો ગુમાવ્યો હતો.

ને ફરી શોધ જારી. એક બીજો યુવાન મળી ગયો. નામ એનું વિવાન. ડોક્ટર હતો એ. સ્વાતિને પ્રથમ મુલાકાતમાં ગમ્યો. બહાર ફરવા ગયાં.
‘વિવાન તું સરકારી નોકરી કરશે કે પછી..’
‘નોકરી શા માટે? મારી પોતાની ડિસ્પેન્સરી ઊભી કરીશ.’
‘પણ એ માટે ઘણા બધા પૈસા જોઇએ…’
‘તે તું છે ને?’
‘એટલે?’ સ્વાતિ ને નવાઇ પામી.
‘કેમ? દીવ્કરીના સુખ માટે તારા પપ્પા એટલુંય દાન નહીં કરે?’ કહી વિવાન ખંધુ હસ્યો. એ હાસ્યમાં સ્વાતિને દુર્યોધનનું હાસ્ય દેખાયું ને સ્વાતિ ઊભી થઇ ચાલવા માંડી
‘અરે! પણ તું આમ…ક્યાં ચાલી?’
‘મારા રસ્તે’ ને એ દિવસે પણ સ્વાતિ ઘેર આવી ઘરમાં મમ્મી-પપ્પાને ઝગડી હતી. આવા બોકડા તમે મારા માટે શોધવાનું બંધ કરો.
‘પણ એમાં ખોટું શું છે?’ પપ્પાએ પુછ્યું.
‘પણ તમારી પાસે પૈસા છે?’ સ્વાતિનો સવાલ.
‘એ તો એફ.ડી. તોડીશું…’

સ્વાતિ જાણતી હતી કે, પાંચ-સાત લાખની એફ.ડી.થી વિવાનની ડિસ્પેન્સરી અને મમ્મી-પપ્પાનાં સ્વપ્નો ઊભા થવાનાં ન હતાં.
‘પપ્પા, તમે કંઇ તાતા-બિરલા નથી કે દાન કરો ને તમને ભિખારી કરી મારે નથી પરણવું.’ ને વિવાનના નામ પર ચોકડી મૂકાઇ ગઇ. એ પછી વિવાને આવી સ્વાતિના પપ્પાને કહ્યું કે મારે તમારી મદદની જરુર નથી. હું લોન લઇને ડિસ્પેન્સરી ઊભી કરીશ…પણ સ્વાતિ મક્કમ રહી. ના એટલે ના. ને પછી થોડો સમય શોધખોળ અટકી. ખાનગીમાં એના મમ્મી-પપ્પા, ભાઇ-ભાભી તપાસ તો કરતા જ રહેતા હતાં ને એમાંથી જડી ગયો એક યુવાન જે ફોરેન રિર્ટન હતો. પૈસાપાત્ર કુટુંબનો નબીરો હતો. દહેજની એને પડી ન હતી. હવે અહી દેશમાં રહી પપ્પાનો બિઝને સંભાળવાનો હતો. એમને માત્ર સારી છોકરી જ જોઇતી હતી. માંડ માંડ સ્વાતિને એની ભાભી દર્શનાએ તૈયાર કરી. મુલાકાત ગોઠવાઇ. સ્વાતિ ને રુપક ગમ્યો. રુપકનું મન પણ સ્વાતિએ જીતી લીધું. સૌને થયું કે ચાલો, અગાઉ જે થયું તે સારું થયું. છેવટે જેવું સગું જોઇતું હતું એવું મળી ગયું. દીકરી સુખી થશે. રુપક રોજ ગાડી લઇને આવતો. બંન્ને દૂર દૂર ફરવા જતાં. ક્યારેક મોંઘી રેસ્ટોરાંના એકાંતમાં બેસી વાતો કરતાં. સ્વાતિ ખુશખુશાલ રહેવા લાગી. ઘડિયાં લગ્ન લેવા માટે બંન્ને પરિવાર ઉતાવળ કરવા લાગ્યા.

એ એક દિવસ સ્વાતિ એકલી ગુસ્સામાં ઘરે આવી. મમ્મીએ પુછ્યું. પણ કંઇ ન કહ્યું. દર્શનાએ પુછ્યું તોય નિરુત્તર રહી. બીજે દિવસે સવારે ભાભીએ નણંદના મનની વાત જાણી. ત્યારે દર્શનાને લાગ્યું કે સ્વાતિનો નિર્ણય ખોટો ન હતો. કોઇ સ્ત્રી શા માટે પતિની ગુલામ થઇને રહે? પૌસો છે તો શું થઇ ગયું?
વાતવાતમાંથી સંતાન અંગેની વાત છેડાઇ. રુપકે પોતાના મનની વાત કહી દીધી. છોકરી ન જોઇએ.
‘ને ધાર કે મારા ગર્ભમાં છોકરી ઉછરી રહી છે તો?’ સ્વાતિએ પુછ્યું.
‘તો શું…એબોર્શન કરાવી દેવાનું. ન જોઇએ…’
‘પણ શા માટે…?’ સ્વાતિએ ઉગ્રતાથી પુછ્યુ.
‘ના એટલે ના. એ નક્કી કરનાર તું કોણ? આ અંગે મારો જ નિર્ણય આખરી રહેશે?’ રુપકે પોતાનો અસલી ચહેરો પ્રગટ કર્યો.
‘ને ધાર કે હું એબોર્શનની ના પાડું તો?’ સ્વાતિનો ધારદાર પ્રશ્નને રુપક હેબતાઇ ગયો. કોઇ છોકરી, મધ્યમ ઘરની કોઇ છોકરી તવંગર ઘરના છોકરાને આવો પ્રશ્ન પૂછી જ કઇ રીતે શકે?
‘તો…તેને હું ધક્કા મારી ઘરમાંથી કાઢી મૂકુ …સમજી?’
ને સ્વાતિ અક્કડ થઇ ઉભી થઇ. તે મક્કમ સ્વરે બોલી! મિસ્ટર ! હું કંઇ કઠપૂતળી બની તારા ઘરમાં આવવા જન્મી નથી. તું કહે એમ હું કરું…એના કરતાં હુ….અલવિદા…એ સ્વાતિ સડસડાટ ચાલી નીકળી.

એ સંબંધ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું. તે પછી કોઇ સ્વાતિના સંબંધ માટે ફરકતું ન હતું. મા-બાપની ચિંતા વધી ગઇ. આ છોકરીનું શું થશે? સ્વાતિ ઘરમાં સૂનમૂન બેસી રહેતી હતી. કોઇ તેને છંછેડવાનો પ્રયત્ન કરતું ન હતું. કોઇ વાત કરતું તો તે ખાસ રિસ્પોન્સ આપતી ન હતી. ક્યારેક સરોજબહેન તેની સામે દયામણા ચહેરે જોઇ રહેતા ત્યારે તે કહેતી
‘મમ્મી, મારી ચિંતા ના કર…તમારી ચિંતા એક દિવસ હું દૂર કરી દઇશ’. સ્વાતિ એટલું ગંભીરતાથી બોલી કે મમ્મીને ફડક પેઠી. આ છોકરી ક્યાંક અવળું પગલું ભરી ના બેસે. આજ-કાલ હતાશ છોકરીઓ સ્યૂસાઇડ કરતાંય અચકાતી નથી …સ્વાતિ મમ્મીની ચિંતા સમજી ગઇ. તે હસીને બોલી, ‘મમ્મી હું નાસી તો જવાની નથી કે સમાધાનેય કરવાની નથી, સમજી?’ ને એક દિવસ સ્વાતિ ઘરમાંથી ગુમ થઇ ગઇ. ઘરનાં સૌ હાંફળાફાંફળા થઇ ગયા. સ્વાતિનો મોબાઇલ પણ બંધ આવતો હતો. આખી રાત સૌએ જાગતાં જ વિતાવી.

ને બીજે દિવસે બપોરે બાર વાગે સ્વાતિનો ફોન આવ્યો.
‘પપ્પા હું સ્વાતિ..’ ને સૌ પપ્પાની આસપાસ વીંટળાઇ વળ્યા.
‘બેટા તું ક્યાં છે? મજામાં ને?’ પિતાની ચિંતા.
‘પપ્પા અમે આવીએ છીએ..’
‘અમે…? એટલે…?’ પપ્પાનો વેધક પ્રશ્ન.
‘હું અને અમીત…તમારા આશીર્વાદ લેવા.’
‘હેં! પણ બેટા….આ…’જીભનો થરકાટ.
‘હા પપ્પા અમે કોર્ટ મેરેજ કરી લીધા છે. ચિંતા ના કરો. અમીત એક પ્રોફેસર છે. એના ને મારા વિચારો વચ્ચે ખાઇ નથી..આવુ છું. સોરી…આવીએ છીએ…ડોન્ટ વરી…’ ને ફોન કટ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “સ્વાતિ – નટવર પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.