બાળપણ વિરુદ્ધ જેહાદ ! – આનંદ

[ ‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.]

આજે આખા વિશ્વમાં બાળપણ વિરુદ્ધ જેહાદની જાણે કે એક પ્રક્રિયા ચાલી રહી છે. પછી તે દેશ ગરીબ હોય કે તવંગર, બાળકો આ જેહાદનો ભોગ બન્યા વિના રહેતાં નથી. ઉપરછલ્લી રીતે ભલે સુદાન, સોમાલિયા, ઈથોપીયા જેવા ગરીબ દેશોનાં બાળકોની દશા યુરોપ-અમેરિકાનાં બાળકોથી જુદી લાગે, પરંતુ, બાળકો-બાળપણ પરનો પ્રહાર એક અર્થમાં જોઈએ તો બધે સરખો જ અનુભવાયો છે. કોઈ દેશ પર હુમલો કરીને તેને માત કરવાનો હોય ત્યારે દુશ્મન દેશ જેમ પોતાના પાયદળ, નૌકાસેના અને હવાઈદળને કામે લગાડી દે છે, લગભગ એવી જ રીતે બાળપણ પર વ્યાપક અને જડબેસલાક આક્રમણ થાય છે. જેથી નિશ્ચિત રીતે બાળપણ તેમાંથી બચવા ન પામે !

આજથી આશરે બે લાખ વર્ષ પહેલા આજે જે માનવ છે તે- હોમોસેપીયનની ઉત્પત્તિ થઈ. ત્યારનું બાળક હોય, ૨૧મી સદીનું આજનું બાળક હોય કે આજથી બીજા બે લાખ વર્ષ પછીનું બાળક હશે, તેનો સ્વસ્થ વિકાસ થાય તેને માટે આટલું જરૂરી છે…. (૧) સારો પોષક આહાર (નહીં કે જંક ફૂડ) (૨) મન અને શરીરનો વિકાસ થાય તેવી કસરત તેમજ રમતગમતનો અવકાશ. (૩) પોતાના પરિવેશ – વાતાવરણનો સીધો-વાસ્તવિક પરિચય તેમજ અનુભવ. (૪) પુખ્ત વયના, પોતાના વડીલોનો પ્રેમ અને સહવાસ. પરંતુ આજની ૨૧મી સદીની ‘વિકાસ’ને રંગે રંગાયેલી આપણી પેઢી, આપણાં બાળકોને જે આપવા માંગે છે તે કંઈક આવું છે….

(૧) શહેરમાં ઘર અને શાળા (કે જેમાં હરવા, ફરવા, રમવા માટે મોકળાશ કે મેદાન જ ન હોય.)
(૨) ક્રમશ વધુ ને વધુ પેકેજ્ડ ફૂડ-જંકફૂડ ખાવાની ફેશન છે. પેપ્સી-કોક જેવાં પીણાં, જે આરોગ્ય માટે નુકશાનકારક છે એટલું જ નહીં, તેની તેમને ટેવ પડી જાય છે, ચસકો (વ્યસન) લાગી જાય છે, તેવાં પીણાં પીવડાવવાં.
(૩) બાળકોને હરીફાઈ માટે ઉત્તેજિત કરવા, પ્રેરણા આપવી. જેની વ્યક્તિત્વ પર તો માઠી અસર થાય જ છે, પણ કેટલીક વખત તે ઘાતક પણ સાબિત થાય છે.
(૪) બાળકોને સહવાસ-સમય-પ્રેમને બદલે વસ્તુઓ આપવી. મોટેરાં (મા-બાપ) પોતાની ફરજ-ચૂકને વધુ ને વધુ મોંઘી વસ્તુઓ બાળકોને આપીને આ નુકશાન ભરપાઈ કરવાનો પ્રયત્ન કરે છે- તેની વળી બાળમાનસ પર હજુ વધારે માઠી અસર થાય છે. બાળક માટે પણ પછી એકતરફ વસ્તુઓ એ માપદંડ બની જાય છે, તો બીજી તરફ માબાપના પ્રેમ-સહવાસ માટે તે સતત ઝૂરતું રહે છે. મા-બાપના પ્રેમ-હૂંફની પૂર્તિ બાળક પણ વસ્તુઓથી કરતા ટેવાઈ જાય છે.

(૫) આજે આપણે બાળકોને અદ્યતન કમ્પ્યુટર, કમ્પ્યુટરની રમતો-પ્લેસ્ટેશન, ટી.વી., મોબાઈલ વગેરે ઉપકરણો રમવા, વાપરવા, શીખવા માટે આપીએ છીએ. એટલું જ નહીં, આપણાં બાળકો આ બધાં ઉપકરણો વાપરે તેમાં આપણે ગર્વ પણ અનુભવીએ છીએ. આ બધાંને કારણે બાળકોના વ્યક્તિત્વ, સ્વભાવ, તેમજ સ્વાસ્થ્ય પર તો માઠી અસર પડે જ છે, પરંતુ અન્ય જોખમો પણ ઊભાં થાય છે. કારણ કે આ સાધનોમાંની રમતોમાં મારઝૂડ, ખૂન, યુદ્ધ વગેરેનું પ્રમાણ ખૂબ વધારે છે. એટલે કે કેમ કરીને દુશ્મનોને મારી ભગાડવા અને આધિપત્ય સ્થાપવું એવું જ શીખવા મળે છે. આ સાધનો એક key દબાવતાં કે હવે તો ‘touch’ કરતાંની સાથે આદેશનું પાલન કરે છે, તેથી, રમનાર બાળકને પણ પોતાનું કહેલું બધું જ, અને તે પણ તાત્કાલિક અમલમાં આવવું જ જોઈએ એવી ટેવ પડવા માંડે છે. વાસ્તવિક દુનિયામાં આમ જ થતાં તે જિદ્દી, ક્રોધી, હિંસક બનતું જાય છે.
(૬) ખાવા, પીવા, ઓઢવા-પહેરવા, રમવા, ફરવા બધી જ બાબતોમાં આપણે મોટાઓ જેમ ઉપભોગવાદ-માર્કેટીંગ-ટાર્ગેટેડ જાહેર ખબરનો ભોગ બનીએ છીએ તેમ બાળકોને પણ તેનો ભોગ બનાવીએ છીએ. આટલી કુમળી વયે જાહેરખબરનાં જુઠ્ઠાણાંની ચમક-દમક વાળી કૃત્રિમ દુનિયાને બાળક ‘વાસ્તવ’ માનતું બની જાય છે. કારણ કે તેનું મન બધું જ ખૂબ તીવ્રતાથી ગ્રહણ કરે છે. આ બધાનાં પરિણામ એટલાં દૂરગામી અને ખતરનાક છે કે તેને જેહાદ નહીં તો બીજું શું નામ આપીએ ?

ગરીબ દેશોનાં બાળકો કુપોષણથી તો પીડાય છે જ, સાથેસાથે તેમનામાં પડેલી સુષુપ્ત શક્તિઓ રૂંધાવાથી શરીર અને મનનો પૂરતો વિકાસ પણ થયો નથી. સાથે સાથે શ્રીમંત બાળકો પાસે જે રમકડાં અને અન્ય ઉપકરણો-સાધનો વગેરે હોય તે પોતાની પાસે નથી અને ક્યારેય તે મળવાનાં નથી એ અહેસાસને કારણે નિરાશા, નિષ્ફળતા અને આ બધું ગમે તે ભોગે મેળવવાની ઉત્તેજના-ઉશ્કેરાટ, પરિણામે માતા-પિતા સાથે ઘર્ષણ અને ક્યારેક તેનો દુઃખદ અંત, વગેરે સમસ્યાઓ ઊભી થાય છે. તો બીજી તરફ શ્રીમંત દેશનાં બાળકો જાડાપણું, ખાઉધરાપણું, dyslexia- ગ્રહણશક્તિ-શીખવાની મુશ્કેલી, એકાગ્રતાનો અભાવ અને ચંચળતા (attention, deficit, hyperactivity, disorder)ના ભોગ બને છે.

આજે જાહેરખબરો જે રીતે બાળકો પર ચારે તરફથી આક્રમણ કરે છે અને તેમને નિશાન બનાવે છે તેને કારણે બાળકો બહુ નાની ઉંમરમાં જ ‘ઉપભોક્તા’ બની જાય છે. ઝાકઝમાળવાળી, લલચાવનારી જાહેરખબરોને લીધે બાળકોનાં મનમાં કોઈક ચિહ્ન, કોઈક બ્રાન્ડ એવી વસી જાય છે કે તે લાંબા સમય સુધી તેમનાં મગજ પર છવાયેલી રહે છે. તેથી તે જ બ્રાન્ડની વસ્તુઓ, પછી તે માબાપને માટે પોસાય તેવી હોય કે ન હોય, મેળવવા હઠ પકડે છે. આ માનસિકતાનો મોટા ભાગની કંપનીઓ (દા.ત. કોક, પેપ્સી, મેગી, મેકડોનાલ્ડસ વ.) ભરપૂર ફાયદો ઉઠાવે છે. આજે એકલા ભારતનું ફાસ્ટફૂડ કંપનીઓનું જાહેરખબરનું વાર્ષિક બજેટ આશરે ૧૮,૦૦૦ કરોડ રૂપિયા છે. અભ્યાસો જણાવે છે કે રમકડાં, કપડાં અને ઈલેક્ટ્રોનિક રમતો જેવી ખરીદી બાળકો અન્ય બાળકોની દેખાદેખીથી તેમજ તેને માટે હઠ પકડીને કરતાં હોય છે. આ બજાર આશરે ૪૧,૦૦૦ કરોડ રૂપિયાનું છે. આજે તો હવે ઘરમાં કઈ કાર, ટી.વી. કે મોટરસાઈકલ ખરીદવી તે નક્કી કરવામાં પણ બાળકોનો મત લેવાય છે. બાળકોની પસંદગી પ્રમાણે મા-બાપોને ચાલવું પડે છે, જેનું બજાર ૩,૧૯,૦૦૦ કરોડ રૂપિયાનું છે. આમ બધું મળીને આશરે ૩,૫૦,૦૦૦ કરોડ રૂપિયાના બજાર માટે બાળકોનો મત મહત્વનો હોય છે એવું બજારનો સર્વે બતાવે છે. તેથી જ તો પોતાની કંપનીનો માલ વેચવા માટે આ બધી વસ્તુઓ બનાવતી / વેચતી કંપનીઓ બાળકોને લલચાવવા, મોહમાં નાંખવા જે કરી શકાય તે બધું જ કરી છૂટે છે ને !

એક બાળક જો દિવસમાં બે કલાક ટી.વી. જુએ તો દિવસમાં આશરે ૪૦ જાહેરાતો તેની આંખ નીચેથી પસાર થાય છે, એટલે કે વર્ષે ૧૫,૦૦૦ જાહેરાતો. એટલે કે લગભગ ૧૦,૦૦૦ મિનિટો આ બાળકો જાહેરાતો જોવામાં ગાળે છે ! જેની અસરો આપણે આપણાં પોતાનાં ઘરોમાં તેમજ સમાજમાં ચોક્કસપણે જોઈએ જ છીએ. આજે કંપનીઓ પોતાનો માલ વેચવા બાળકોની ‘વસ્તુ મળે નહીં ત્યાં સુધી હઠ પકડી રાખવાની વૃત્તિને (અંગ્રેજીમાં જેને Pester Power કહે છે) એક માર્કેટીંગ સ્ટ્રેટેજી તરીકે વાપરીને બાળકોની આ વૃત્તિને બહેકાવવાનું કામ કરે છે. ટી.વી., મોબાઈલ, ઈન્ટરનેટ દ્વારા ચારે તરફથી થતી જાહેરખબરો એટલી તો વ્યાપ્ત છે કે તેમાંથી બચવું મુશ્કેલ જ નહીં, અશ્ક્યવત છે. બજારમાં પણ લોભામણી ગોઠવણી, પોસ્ટરો વગેરે દ્વારા બાળકોને આકર્ષિત કરવાની રીત અપનાવાય છે. આજે Malls માં ચીજવસ્તુઓની ગોઠવણી જ એવી રીતે કરવામાં આવે છે કે તમે બિનજરૂરી વસ્તુઓ પણ ખરીદી લો. બાળકોની ઊંચાઈનું ધ્યાન રાખીને આવી ચોકલેટ, જંકફૂડ જેવી વસ્તુઓ નીચેના ખાનાઓમાં ગોઠવીને તેમને આકર્ષવાના સુનિયોજિત કાર્યક્ર્મ ચાલે છે. આમ, આપણે આપણાં બાળકોને ત્રણ રીતે નુકશાન પહોંચાડીએ છીએ…
(૧) સક્રિય રીતે…. તેમના સ્વસ્થ વિકાસ માટે જરૂરી એવો ટેકો કરવાને બદલે, તેમની સાથે સમય ગાળવાને બદલે, તેમની સામે વસ્તુઓનો ઢગલો ખડકી દઈને.
(૨) આડકતરી રીતે….. સમાજપ્રવાહ સાથે વહી જઈને- દેખાદેખીથી થનારું અનુકરણ નહીં રોકીને (દા.ત. હરીફાઈ)
(૩) કેટલીક બાબતો આપણા નિયંત્રણ બહારની હોય છે.

આમ કરીને આજે બાળકોનું સ્વસ્થ બાળપણ જ તેમની પાસેથી છીનવાઈ રહ્યું છે. દુઃખની વાત તો એ છે કે આ ‘વસ્તુઓ’ની એમને પણ એવી લત લાગી જાય છે કે પછી તેમના જીવનમાં સંબંધો, લાગણીઓ અને અન્ય માનવીય ગુણોનું સ્થાન પણ આ વસ્તુઓ જ લઈ લે છે. જેમાંથી અંતે તો જન્મે છે અસ્વસ્થતા, નિરાશા, માનસિક અસંતુલન. સ્પષ્ટ છે કે આજની આ પ્રક્રિયા એક અસ્વસ્થ સમાજને જન્મ આપવા માટેનું ભાથું તૈયાર કરી રહી છે. જેનાં પરિણામો પશ્ચિમના દેશો ભોગવી રહ્યાં છે. શું આપણે પણ એ રસ્તે જવું છે ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “બાળપણ વિરુદ્ધ જેહાદ ! – આનંદ”

Copy Protected by Chetan's WP-Copyprotect.