ગિરનાર પરિક્રમા અને જૂનાગઢ પ્રવાસ – પંકજ હરણિયા

[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે શ્રી પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pankajharaneeya@yahoo.com સંપર્ક કરી શકો છો.]

દર વર્ષે દિવાળી પછીની એટલે કે હિંદુ કેલેન્ડર મુજબ નવા વર્ષની પહેલી અગિયારસથી પૂનમ સુધીના દિવસો દરમ્યાન ગુજરાતના ગૌરવ સમાન ગિરનાર પર્વતની પરિક્રમા કરવાનો તેમજ તેના શિખર ઊપર આવેલા મંદિરનો ઘંટ વગાડવાનો મહિમા છે. પરિક્રમા એટલે ગિરનારની ફરતે પગપાળા ચાલવું. છેલ્લી બે વખતથી એટલે કે ગયા વર્ષે અને આ વર્ષે પરિક્રમામાં હું અને મારો મિત્ર-મયુર સાથે ગયા હતા. પરિક્રમા ઊપરાંત જૂનાગઢ અને નજીકના સ્થળોએ ફર્યા. જે લોકોને દિવાળી વેકેશનના આખરી દિવસો કોઈ કુદરતી સ્થળની મુલાકાતમાં ગુજારવા હોય તો જૂનાગઢ એક પસંદગી બની શકે છે. આવા લોકોને મદદરૂપ થાય તે માટે આ લેખ લખી રહ્યો છું.

પરીક્રમાના દિવસો દરમ્યાન મોટા ST બસ સ્ટેન્ડો પરથી જૂનાગઢ જવા માટેની ખાસ બસો મૂકાય છે. જૂનાગઢ પહોંચી ગયા પછી રિક્ષામાં ભવનાથ તળેટી સુધી પહોંચવાનું રહે છે. રીક્ષા તમને ભવનાથના જિલ્લા પંચાયત પાર્કિંગ સુધી લઈ જશે. ત્યાંથી ચાલવાનું શરૂ. થોડેક આગળ જતા રસ્તો બે ભાગે વહેંચાય છે- એક પરિક્રમા તરફ અને બીજો ગિરનાર તરફ. અમે પરિક્રમા પહેલા કરવાનું નક્કી કર્યુ.

રાતના લગભગ સાડા આઠ-નવ થયા હતાં. અડધીક કલાક આગળ ચાલ્યા પછી ફક્ત જંગલ વિસ્તાર આવ્યો, કોઈ પણ પ્રકારનો માનવ વિસ્તાર ન હતો. ઊપરાંત રાતનું અંધારું, ચાંદનીનો પ્રકાશ અને રસ્તાની બેય બાજુ ઊંચા ઊંચા ઝાડી-ઝાંખરા. સંપૂર્ણપણે કુદરતની ગોદમાં હોવાનો અહેસાસ થાય. અગિયારસથી માણસોનું પ્રમાણ વધી જાય છે, જેના લીધે રસ્તામાં ગડદી વધી જાય છે અને કુદરતનો આનંદ પણ નથી લઈ શકતા. માટે અગિયારસના બે-ત્રણ દિવસ પહેલા આવો તો વધારે અનુકૂળ રહેશે. રાતે બારેક વાગ્યે ઝીણાબાવાની મઢીએ પહોંચ્યા. ઝીણાબાવા વિશે એવું કહેવાય છે કે એકવાર થોડાક સાધુ ધૂણી ધખાવીને બેઠા હતાં. એમાં કોઈકે ઝીણાબાવાને તેમનો પરચો દેખાડવાનું કહ્યું. જવાબમાં ઝીણાબાવા પોતે એટલા નાના થઈ ગયા કે તેમની ચલમના એક છેડેથી અંદર પ્રવેશી બીજા છેડે બહાર નીકળ્યા. માટે તેમનું નામ ઝીણાબાવા પડ્યું. અને તેમની જગ્યા ઝીણાબાવાની મઢી તરીકે ઓળખાય છે.

1461134_484492628333063_2030286297_n (274x206)

રસ્તામાં આવેલા ઝરણામાં બૂટ-મોજા પલળી ગયા હતા એટલે ઝીણાબાવાની મઢીની પાછળ ખૂલ્લા વિસ્તારમાં સૂકા ડાળી- ડાળખાં ગોતી નાનકડું તાપણું કર્યુ અને તેની ગરમીથી બૂટ મોજાં સૂકવ્યા તેમજ ઠંડી પણ ઉડાડી. પછી રસ્તામાં થોડાંક જામફળ લીધા હતા તેની પાતળી ચીપ્સ બનાવી તાપણામાં શેકીને ખાધી. અમારી ઈચ્છા હતી કે ત્યાં જ સૂઈ જવું પણ તાપણું ધીમું પડતાંની સાથે ઠંડી એકદમ વધી જતી હતી એટલે ઝીણાબાવાની મઢીથી રસ્તા ઊપર થોડાંક પાછા જઈને અન્નક્ષેત્રમાં ચા પીધો તેમજ બધા લોકો સૂતા હતાં ત્યાં ખુલ્લી જગ્યામાં ચલાખો પાથરી સૂઈ ગયા. વધારે માણસોને લીધે ઠંડી ઓછી લાગતી હતી.[જે લોકોને જંગલમાં રાત રોકાવી હોય તેમણે પાથરવા માટે ચલાખો કે જાડાં પ્લાસ્ટિકનો કાગળ, માચિસ કે લાઈટર,ટોર્ચ, ઓઢવા માટે ગરમ સાલ અને કોટ જરૂર લઈ લેવા.] [જમવા માટેની કોઈ વસ્તુ સાથે ન લો તો સારું રહેશે કેમકે રસ્તામાં ઠેર-ઠેર અન્નક્ષેત્રમાં જમવાનું તેમજ નાસ્તા પાણી મળી રહે છે.]

સવારે છએક વાગ્યે ઊઠીને હાથ-મોં ધોઈ ત્યાં અન્નક્ષેત્રમાં ચા-નાસ્તો કરી ચાલવાનું શરૂ કર્યુ. ઠંડી વધારે હતી એટલે કાલ રાતવાળી જગ્યાએ જઈને તાપણું કર્યુ. પછી ત્યાંથી નજીકમાં જ પસાર થતાં ઝરણા પાસે ગયા અને ફરીથી હાથ-મોં ધોયા. આજુ-બાજુમાં રખડ્યા. અને રસ્તાને સમાંતર જંગલમાં જ ચાલવાનું શરૂ કર્યુ. પહેલી ઇટવા ઘોડી અને બીજી માળવેલા ઘોડી ચડવાની આવે છે. ઘોડી એટલે રસ્તામાં આવતી ટેકરી જેને ઓળંગીને રસ્તો આગળ વધે છે. માળવેલા ઘોડીને ઓળંગ્યા પછી માળવેલાની જગ્યા આવે છે, જ્યાં માલવાનરેશ મહાદેવનું મંદીર છે. અહીંથી બે રસ્તા છે- એક બોરદેવી થઈને ભવનાથ તળેટી તરફ અને બીજો સૂરજકુંડ થઈને જંગલની બહાર કોઈક ગામમાં નીકળે છે. અમારે ભવનાથ જવાનું હતું તેમ છતાં સૂરજકુંડ સુધી ગયા અને ઝરણાંના પાણીમાં પગ પલાળ્યા. લગભગ એકાદ કલાક સુધી ત્યાં પાણીમાં બેઠાં પછી પાછાં માલવા નરેશના મંદીરે આવ્યા. ત્યાંથી ત્રીજી ઘોડી નળપાણીની ઘોડી ચડવાનું શરૂ કર્યુ. છેલ્લે બોરદેવી અને ભવનાથ ગેટ પહોંચ્યા. બોરદેવીથી થોડેક અંદર ઝરણામાં પાણી પીવા માટે આવેલી ત્રણ નીલગાય જોઈ. સાંજ થવા આવી હતી એટલે ફોટા ન પાડી શકાયા.

ભવનાથમાં રાત્રિ રોકાણ માટે દરેક જ્ઞાતિની વાડી આવેલી છે, ઊપરાંત ગેસ્ટ હાઊસ પણ છે. જૂનાગઢમાં રાત રોકાવા માટે જવું હોય તો પણ જઈ શકાય તેટલું નજીક છે. ભવનાથમાં ભારતી આશ્રમ અને તેની રૂદ્રેશ્વર જાગીર જોવા જેવી છે. રૂદ્રેશ્વર જાગીર પરિક્રમાના રસ્તે શરૂઆતમાં જ ડાબી બાજુ આવે છે. ત્યાં જૂના જમાનાની વસ્તુઓ જેવી કે તાંબા પિત્તળના વાસણો, પટારાં, પત્થરની ઘંટી, બળદગાડું, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાજા-મહારાજાઓના ફોટાં છે. ઊપરાંત જાગીરમાં પ્રવેશતાંની સાથે જ ગેટ પાસે એક તોપ પણ મૂકેલી છે.

1484176_484716518310674_639368410_n (640x480)

બીજે દિવસે સવારે નાહી ધોઈને ચા-નાસ્તો કર્યો. નવેક વાગ્યે જૂનાગઢ ફરવા માટે નીકળ્યા. સૌથી પહેલા ઊપરકોટ ગયા. ઊપરકોટમાં જવાની ટિકીટ ફક્ત બે રૂપિયા છે અને તે પણ પરિક્રમાના દિવસોમાં માફ છે. ઊપરકોટમાં નવઘણ કૂવો, અડી-કડી વાવ, અડી-ચડી વાવ, અનાજનાં કોઠાર, બૌદ્ધ સાધુઓની ગુફા, રાણકદેવીનો મહેલ, ધક્કા બારી વગેરે જોવા જેવું છે. લગભગ ત્રણેક કલાકમાં બધું આરામથી જોઈ શકાય છે. (નવઘણ કૂવાનું પાણી ઘણું દૂષિત છે. તેથીય વધુ મોટી વાત કે તેને જોવા આવતાં મારા અને તમારા જેવા લોકોએ તેમાં પ્લાસ્ટિકની બોટલો અને બીજો કચરો ફેંકીને સાવ કલૂષિત કરી નાખ્યું છે. આમ તો આપણે અમેરિકા અને જર્મનીની સ્વચ્છતાના વખાણ કરતાં થાકતાં નથી, તો પછી આપણાં દેશની ઐતિહાસિક ધરોહર સમાન સ્થળોને આ રીતે બગાડતાં કેમ અચકાતાં નથી ? આ હાલત ફક્ત નવઘણ કૂવાની નથી, અડી કડી વાવ, સોમનાથ- ત્રિવેણી સંગમ, ડાકોર, અને બીજા ઘણાં સ્થળોની છે. તો મારી તમને એક નમ્ર અપીલ છે કે પ્લીઝ, એક જવાબદાર ભારતીય બનો અને ઐતિહાસિક સ્થળોની જાળવણી કરવામાં મદદ કરો. જો આજે તમે જાળવશો તો જ આવતીકાલે તમારાં સંતાનો તેને જોઈ શકશે.)

ઊપરકોટની નજીકમાં દરબારહોલ મ્યુઝિયમ અને નરસિંહ મહેતાનો ચોરો જોવાલાયક સ્થળો છો. અમે ગયા વર્ષે જોયા હતા એટલે આ વર્ષે ન જવાનું નક્કી રાખ્યું. સીધા શક્કરબાગ ઝૂ ગયા પણ ત્યાં પહોંચીને ખબર પડી કે બુધવારે ઝૂ બંધ હોય છે. માટે ભવનાથ પાછા જઈ જમી પરવારીને બપોરના બે-અઢી વાગ્યે ગિરનાર ચડવાનું શરૂ કર્યું. ગિરનાર ચડતી વખતે ત્રણ-ચાર યુરોપિયન પણ મળ્યા. તેમને જોઈને થયું કે આ ગિરનારની ખ્યાતિ છે કે આ લોકોનો ફરવાનો શોખ છે? આગળ વાંદરા, રંગબેરંગી ફૂલ, અનેક મંદિરો અને દેરાસરો પણ આવ્યા. લગભગ સાંજ થવા આવી ત્યારે દૂર દેખાતા એક સરોવરનાં પાણીમાંથી આથમતાં સૂર્યનો સોનેરી પ્રકાશ પરાવર્તિત થઈને આવતો હતો, જેના લીધે પાણી સોનેરી લાગતું હતું અને આખું દ્રશ્ય સૌંદર્યથી ભરપૂર લાગતું હતું. એમાંય સાંજની ધુમ્મસના લીધે સ્વર્ગ જેવું દ્રશ્ય ઊભું થતું હતું. છએક હજાર પગથિયા ચડ્યાં પછી અંબાજી માનું મંદીર આવે છે. ત્યાં ખુલ્લી જગ્યામાં બેસી થોડોક નાસ્તો કર્યો. સાંજનો સોનેરી પ્રકાશ ગિરનાર ઊપર પડતો હતો જેના લીધે સુંદર ચિત્ર ખડું થતું હતું. સાંજના સાતેક વાગ્યે આરતીના સમયે શિખર ઊપર પહોંચ્યા. આરતી ચાલી ત્યાં સુધી કોઈને અંદર જવાની મનાઈ હતી. શિખર ઊપર ટોકરો વગાડી સાડા સાતે ઊતરવાનું શરૂ કર્યુ. ટોર્ચ સાથે લીધી હતી માટે ઊતરવામાં સરળતા રહી. નવેક વાગ્યે તો બધા 10000 પગથિયાં ઊતરી ગયા હતાં. ચડવા કરતાં ઊતરવાનું સરળ હોય છે. નીચે આવીને જમ્યા.
ત્રીજા દિવસે સવારે શક્કરબાગ ઝૂ જોવા ગયા. આખી ઝૂ ફર્યા પછી ઝૂની બસમાં બેસીને ખુલ્લા પાંજરામાં પૂરેલા સિંહ-વાઘ અને ખુલ્લામાં રખડતાં ચિત્તલ, નીલગાય વગેરે જોયા. બપોરપછી સુરજ મલ્ટીપ્લેક્ષમાં THOR-2 જોયું. સાંજે જૂનાગઢમાં નાસ્તો કર્યો.

936019_486284591487200_1830890980_n (640x480)

ચોથા દિવસે સવારે વહેલા ઊઠી સાસણગીર જવા માટેની બસ પકડવા સરદાર ચોક પહોંચ્યા. એક ટ્રાવેલ્સમાં સાસણ પહોંચ્યા. સાસણ જવા માટેના રસ્તામાં ઠેર-ઠેર આવતા રંગ-બેરંગી ફૂલો જોઈને મન આનંદિત થઈ જતું હતું. સાસણ પહોંચ્યા બાદ જાણકારી મેળવતાં માલૂમ પડ્યું કે જંગલમાં સિંહ જોવા જવાની પરમિશન ફી 2100 અને બીજી ફી ગણતાં ટોટલ 3000 સુધી પહોંચતો હતો. આ ફી 1-6 વ્યક્તિ સુધી હતી, 7મા વ્યક્તિથી ફરીથી ફી ભરવાની થતી હતી. અમારા બજેટમાં આ શક્ય ન હતું એટલે એક દુકાનવાળા કાકાને પૂછીને નજીકમાં આવેલા દેવડિયા પાર્ક જવાનું નક્કી કર્યુ. ત્યાં 3-4 ચોરસ કિલોમીટરના વિસ્તારને તારની વાડ વડે બંધ કરી તેમાં 7 સિંહ અને ચિત્તલ, કાળિયાર, નીલગાય, શિયાળ વગેરે જેવા પ્રાણીઓને ખુલ્લા મૂકેલા છે. બસમાં બેસીને જોવા લઈ જાય છે. પાછા આવીને ત્યાંની કેન્ટીનમાં નાસ્તો કર્યો અને જૂનાગઢ જવા માટે નીકળ્યા.
જો તમારી પાસે ફરવા માટે પૂરતો સમય હોય તો સાસણથી જ આગળ બસમાં વેરાવળ થઈને સોમનાથ કે પછી ઊના થઈને દીવ જઈ શકો છો. જૂનાગઢથી પણ જઈ શકાય છે. ગયા વર્ષે અમે સોમનાથ ગયેલા. જોતમે વહેલી સવારે ત્યાં પહોંચી શકો તો સાગરકિનારે સૂર્યોદયનો અદભૂત નજારો જોવાનો આનંદ લઈ શકો છો. સોમનાથના મંદીર ઊપરાંતના ધાર્મિક સ્થળોએ સોમનાથ મંદીર ટ્રસ્ટની જ બસ લઇ જાય છે, સાથે તેનો ડ્રાઈવર ગાઈડની જેમ જ બધી માહિતી આપે છે. ઊપરાંત સોમનાથમાં મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી પણ છે. જો કે અમને જોવાનો સમય મળ્યો ન હતો.

આભાર…
ધ્રોલવાળા આંબાભગત સંચાલિત કડવા પટેલ સમાજની વાડી, ભવનાથ, જૂનાગઢ
વન વિભાગ, જૂનાગઢ.

વાઈલ્ડ કનઝર્વેશન ટ્રસ્ટ, રાજકોટ (પરિક્રમાના રસ્તા ઊપર કચરાપેટીઓ મૂકવા માટે)

મયુર, મારો મિત્ર અને સહપ્રવાસી.

છેલ્લે બધાને વિનંતી કે જો તમે આવતા વર્ષોમાં પરિક્રમા કરવા જવાના હોય તો પ્લીઝ જંગલને સ્વચ્છ રાખજો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “ગિરનાર પરિક્રમા અને જૂનાગઢ પ્રવાસ – પંકજ હરણિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.