બાળક એક ગીત (ભાગ-૪) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો થોડો અંશ આપણે (ભાગ-1ભાગ-2, ભાગ-૩ )અગાઉ માણ્યો હતો. આજે વધુ એક લેખ રૂપે તેનો ચોથો ભાગ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ સરનામે vasantiful@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.]

[૧૧]

આજે બહુ ખુશીનો દિવસ છે તને ખબર છે કેમ? આજે તારી મમ્મીએ zend certificationની પરીક્ષા આપી અને એમાં તારી મમ્મી પાસ થઇ ગઇ. મને તો વિશ્વાસ જ નહોતો આવતો કે હું પરીક્ષા પાસ કરી શકીશ. કુન્દનિકા કાપડિયાનું એક પુસ્તક છે ..”જીવન – એક ખેલ”. એમાં મેં વાંચ્યું હતું કે જ્યારે તમને તમારામાં વિશ્વાસ ન હોય પણ તમારા સ્વજનો કે મિત્રોને તમારામાં વિશ્વાસ હોય તો તમે ગમે તેટલું અઘરું કામ પણ સફળતાપૂર્વક કરી શકો. ક્યારેક મને લાગે છે કે હું ટેક્નોલોજીમાં એકદમ નિષ્ણાત બની જાઉં તો ક્યારેક થાય છે કે સંગીત-સાહિત્યમાં ઊંડી ઉતરી જાઉં. બન્ને ગમે છે એટલે દિશા નક્કી કરી શકતી નથી.

હવે રક્ષાબંધન આવશે એટલે જે ભાઇઓ ને રાખડી મોકલવાની છે તેમને કાગળ લખી દીધા છે. એક બે દિવસમાં મોકલી દઇશ.

આજે તેં અંદર બહુ મોટી ઉથલપાથલ કરી લાગે છે. સવારથી ધીમું ધીમું પેટમાં દુખે છે અને અકળામણ પણ થાય છે. લાગે છે કે પેટ અને છાતીના વચ્ચેના ભાગમાં કંઇક અટકી ગયું છે. જાણે મારો શ્વાસ અટકી જશે. પણ ખરુ કહું તો હવે મારો શ્વાસ બમણો ચાલવો જોઇએ…. એક મારા માટે અને એક તારા માટે….ખરું ને?

મારો ને તારો ચાલે છે એક શ્વાસ
મને ભગવાન પર છે પૂરો વિશ્વાસ!

લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[૧૨]

આજે રવિવાર છે અને હું ને તારા પપ્પા નાહી પરવારી, નાસ્તો કરીને બેઠા છીએ. તારા પપ્પાએ તો દીવા-પૂજા પણ કરી લીધા છે. સરસ ફીનાઇલ વાળુ પોતુ ઘરમાં થયું છે ને ઘર એકદમ સરસ લાગે છે. દીવો બૂઝાવવાની એક ચોક્ક્સ પ્રકારની સુગંધ ઘરમાં પ્રસરી છે. મેં ફૂલોની સરસ રંગોળી પાણી ભરેલા કાચના વાસણમાં બનાવી મૂકી છે. ઘર એટલું સરસ લાગે છે કે ઘરની બહાર જવું ન ગમે. એક સરસ જોડકણું છે….

ચાંદામામા પોળી
ઘીમાં ઝબોળી…

પણ આજે મેં આ જોડકણું જરા જુદી રીતે ગાયું…

ચાંદામામા પોળી
ફૂલોની રંગોળી
રંગોળીમાં રંગ
પ્રસરે સૌ સંગ…!

આજે બીજી એક સરસ વાત બની. તારા પપ્પાએ મને સાચા હીરાની બુટ્ટી લાવી આપી. અમે દુકાનમાં એક હીરાની અને એક સોનાની એમ બે બુટ્ટીઓ જોઇ પણ મને હીરો વધુ ગમે એટલે મેં હીરાની બુટ્ટી લીધી. અમે એવું પણ વિચાર્યુ કે જો તું છોકરી હોઇશ તો તને પણ હીરાની બુટ્ટી જ પહેરાવીશું. ઘરે જઇને બુટ્ટી ભગવાન પાસે મૂકી અને પછી પહેરી. તને ખબર છે યહુદીઓમાં એવો રિવાજ હતો કે તમારી આવકનો દસમો ભાગ દાનમાં આપવો જોઇએ. મોટેભાગે દરેક ધર્મમાં કમાણીનો અમૂક ભાગ ભગવાનને દાનમાં આપવો જોઇએ એમ કહે છે. કારણકે આખરે તમને આપનાર ભગવાન જ છે ને! કહેવાય છે કે ઘરમાં ભરવામાં આવતું બારમાસી ધનધાન્ય પણ ભગવાનને ધરાવવું જોઇએ. અને એ વાત સાચી પણ છે જ ને …આપણી પાસે જે હોય તે અને જેટલું હોય તે વહેંચી ને ખાવું જોઇએ. તને સમજાઇ ને મારી વાત?

લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[૧૩]

આજે સાવારે અમે દવાખાને ગયા હતા. મેં ડોક્ટર અંકલ ને પૂછ્યું કે મને ધીમું ધીમું પેટમાં કેમ દુઃખે છે? ડોક્ટર અંકલે કહ્યું કે ગર્ભાશયના સ્નાયુઓ વધે નહિ પણ પહોળા થાય અને એટલે જ દુઃખે. તું અંદર બહુ તોફાન કરે છે. તોફાન કરવાની તને છૂટ છે પણ થોડું. મેં વિચાર્યું છે કે તું આવીશ પછી આપણે સાથે બેસીને કાર્ટુન નેટવર્ક જોઇશું. મને તો ટોમ એન્ડ જેરી, રીચી રીચ અને પપાય ધ સેલર જોવું બહુ ગમે છે. આપણે અનીમેટેડ ફિલ્મો પણ સાથે મળીને જોઇશું. આપણ ને મઝા પડી જશે…દે તાળી!

આજે ઓફિસમાં એક આઘાતજનક વાત બની. અમારી સાથે કામ કરતી એક ત્રીસ વર્ષની સ્ત્રી મરી ગઇ. એને કોઇ કારણોસર હોસ્પિટલમાં રાખી હતી અને તેનું નાનું સરખું ઓપરેશન પણ કરવાનું હતું. ઓપરેશન સમયે તે બેશુધ્ધ અવસ્થામાં ચાલી ગઇ અને એમ જ મૃત્યુ પામી. જીંદગીની છેલ્લી ક્ષણોમાં એ પોતાના કોઇની સાથે બે શબ્દો પણ કહી શકી નહિ. એની પોતાની કેટલી ઇચ્છાઓ, સપનાઓ હશે અને એ દરેક ઇચ્છાઓ સપનાઓ અચાનક થંભી ગયા. કહેવાય છે કે જન્મ, મૃત્યુ અને લગ્ન ભગવાન નક્કી કરી ને જ મોકલે છે.

હું તારી સાથે રમીશ ત્યારે જ કદાચ નિખાલસ કે નિર્દોશ બની શકીશ બાકી અમે મોટા લોકો નિર્દોશ હોવાનું નાટક જ કરી શકીએ!

લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[૧૪]

આજે બપોરે ઓફિસેથી આવીને ગુલાબજાંબુ અને રોલરકોસ્ટર બનાવ્યા. તારા પપ્પાને ગળ્યુ બહુ ભાવે છે અને ગુરુવારે રક્ષાબંધન પણ છે. આ વખતે મેં વિચાર્યું છે કે રક્ષાબંધનમાં હું તૈયાર મીઠાઇ લાવવાની નથી. જાતે બનાવેલી મીઠાઇ જ બધા ભાઇઓ ને આપવાની છું. આજે મેં સારા સારા પુસ્તકોની પીડીએફ ફાઇલ મારા મોબાઇલમાં લીધી એટલે જ્યારે સારા પુસ્તક વાંચવા હોય ત્યારે વાંચી શકાય. ક્યારેક મને લાગે છે કે ટેક્નોલોજી આટલી આગળ વધી છે એનો કેટલો ફાયદો મને મળ્યો છે. બપોરે મેં “શાબાશ બચ્ચે” નામની એક સરસ ફિલ્મ પણ જોઇ. આ ફિલ્મમાં એક સામાન્ય પરિવારની વાત છે જેમાં મા-બાપ, ભાઇ-બહેન એમ ચાર જણા રહે છે. ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ છે અને એટલે બાળકોએ સમજદારી પૂર્વક પોતાની જરુરિયાતો ને ઓછી કરવી પડે છે. એકવાર ભાઇથી બહેનના શાળાને પહેરી જવાના બૂટ ખોવાઇ જાય છે ત્યારે ભાઇ બહેન ઘરની પરિસ્થિતિને સમજીને મા-બાપ ને બૂટ ખોવાયાની વાત કરતા નથી. અને સવારની શાળામાં ભાઇ બૂટ પહેરી જાય અને બપોરની શાળામાં બહેન એવું નક્કી કરે છે. ખરેખર બાળકોની સમજદારી માટે માન થઇ આવે એવી ફિલ્મ છે.

અમે તારા આવવાની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છીએ. હું ને તારા પપ્પાતો અત્યારથી જ બાળક બની ગયા છે. નાના છોકરાઓની જાત-જાતની રમતો રમીએ છીએ..જેવીકે ચાંદામામા પોળી, ઘીમાં ઝબોળી, અડકો દડકો દઇન દડુકો, લાલ લાલ ટામેટું નદીએ નાહ્વા જાતુ તું….વિગેરે. તું આવીશ તો અમને અમારું બાળપણ પાછું મળશે! અમે તો એવું પણ વિચારી રાખ્યું છે કે અમે તને અમારી વચ્ચે જ સુવાડીશું. તારા મમ્મી પપ્પા તને બન્ને બાજુથી રક્ષણ કરશે. ખરું ને! આજે મેં તારા માટે એક કવિતા લખી.

શ્વાસ હવે
લં…બા….ય…..
એટલા
કે બે જણ ને ચાલે
પગલા મારા
હવે ઘીમું ઘીમું ચાલે
ગડબડિયાં ખાઉં
ને પડવાથી બી જાઉં
સાચવી સાચવી ચાલું.
અંતરમાં ઉલ્લાસ
અંદર અંધારું
મારામાં હું વંહેચાઉ!

કેવી લાગી તને મારી કવિતા?

લિ.
તારી વ્હાલી મમ્મી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “બાળક એક ગીત (ભાગ-૪) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ””

Copy Protected by Chetan's WP-Copyprotect.