આજનાં યંગસ્ટર્સની સમસ્યાઓ વિશે થોડીક સીધી વાત – રોહિત શાહ

[ આજની યુવાપેઢીને માર્ગદર્શનરૂપ થાય તેવા લેખોનું આ પુસ્તક રીડગુજરાતીને ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Image (21) (411x640)થોડાક દિવસ પહેલાં થનગનતા યૌવન સાથે સીધી વાત કરવાનો અવસર મળ્યો. આવો અવસર ઊભો કરનારા સીનિયર સિટિઝન્સ હતા. આ સીનિયર સિટિઝન્સના દિમાગમાં એક વાત બેસી ગઈ કે આપણાં યુવાન સંતાનો તેમની જે સમસ્યાઓ વિશે આપણી સાથે સાવ નિખાલસ થઈને વાત નથી કરી શકતાં એ સમસ્યાઓ બાબતે તેમને યોગ્ય માર્ગદર્શન આપવાનો એક કાર્યક્રમ કરીએ. તેમના દિમાગમાં આ વાત બેસી ગઈ. એમાંથી કાર્યક્રમ ઊભો થયો. મારે તો યુવાનોના પ્રશ્નોના માત્ર જવાબ જ આપવાના હતા.

કાર્યક્રમ શરૂ થયો. પહેલી દસ મિનિટ તો એક પણ યુવાને કોઈ જ પ્રશ્ન ન પૂછ્યો. મને થયું કે આ યુવાનોને કાં તો કોઈ સમસ્યા જ નથી, કાં તો તેમના વડીલોની હાજરીમાં તેઓ પ્રશ્નો પૂછતાં સંકોચ અનુભવે છે. મેં કહ્યું કે, ‘એક કલાક માટે આ હૉલમાંથી વડીલો બહાર નીકળી જાય એ જરૂરી છે. વડીલોની મર્યાદા જાળવવાના સંસ્કાર તમે જ આ યુવાનોને આપ્યા છે. હવે તમારી હાજરીમાં તે તેમના પ્રશ્નો શી રીતે પૂછી શકશે ?’ થોડીક ચણભણ થઈ. વડીલો હૉલની બહાર એક મંડપ નીચે બેઠા અને પછી તો યુવાનોએ પ્રશ્નોની જે ઝડી વરસાવી છે ! હું તો તરબતર થઈ ગયો. આવો, તમેય થોડાક ભીંજાઓ.

પહેલો પ્રશ્ન એક યુવતીએ કર્યો, ‘કેટલાક યુવાનો છોકરીઓ પાછળ લટ્ટુ બનીને તેમને પરેશાન કરે છે. આજના યુવાનો કેમ આટલી હદે વંઠી ગયા છે ?’ પ્રશ્ન સાંભળી આખો હૉલ સ્તબ્ધ થઈ ગયો. પહેલો જ પ્રશ્ન આવો તોફાની ? જોકે કેટલીક યુવતીઓ આ પ્રશ્ન સાંભળીને રાજી-રાજી થઈ ઊઠી હતી. યુવાનો તરફ થોડોક રોષભર્યો સળવળાટ હતો.

મેં કહ્યું, ‘ચોમાસામાં કોઈ નદીમાં પૂર આવે ત્યારે આપણને આશ્ચર્ય નથી થતું. યૌવન તો ઘોડાપૂરની મોસમ છે. સદીઓ પહેલાં પણ સુંદર છોકરીને જોઈને યુવાનો તેની પાછળ લટ્ટુ થતા હતા અને ભવિષ્યમાં પણ થવાના જ છે. અદા અને છટા બદલાશે, રીત બદલાશે, પણ વૃત્તિ તો એ જ રહેશે. સવાલ તો તોફાની નદીને નાથવાનો છે. ઘોડાપૂર આવે ત્યારે પ્રચંડ ઊર્જા મેળવી શકાય એ માટે બંધ-ડૅમ બાંધવાનું આયોજન કરી શકાય. યુવતીએ એવા યુવક સામે પોતાની મરજી-નામરજી સ્પષ્ટ જણાવી દેવી. તે પછીયે મજનૂ-મહાશય પીછો કરતા રહે તો તેમને થોડો ‘પ્રસાદ’ ચખાડવો. થોડી વારમાં તમારી ફેવરમાં એક મોટું ટોળું હાજર થઈ ગયું હશે. યુવકોને હું એટલું જ કહીશ કે સ્વમાની બનો. કોઈ યુવતી ગમી હોય તો એની પાછળ વેવલા અને વલ્ગર થઈને ન જાઓ. નફફટાઈને તો મસ્તી ન કહેવાય ને ! પ્રપોઝ જરૂર કરો, પણ સામેની વ્યક્તિને ઈનકાર કરવાનો અધિકાર છે એ યાદ રાખીને કરો. લટ્ટુ થઈને વ્યર્થ ફીલ્ડિંગ ભરશો તો તમારી પ્રતિષ્ઠા ગુમાવશો- છોકરી તો ગુમાવશો જ. પ્રસાદી મળશે તે વધારામાં !’

બીજો પ્રશ્ન પણ એક યુવતીનો જ આવ્યો, ‘કોઈ પ્રતિભાશાળી અને દેખાવડા યુવકને જોઈને તેની સાથે ફ્રેન્ડશિપ કરવાનું મન થઈ જાય છે, તો શું કરવું ?’
મેં કહ્યું, ‘કૉન્ગ્રેચ્યુલેશન ! તમે એક નૉર્મલ યુવતી છો. તમને કોઈ રોગ નથી થયો કે તમે કોઈ માનસિક સમતુલા ખોઈ નથી. તમે જે ફીલ કરો છો એ તંદુરસ્ત યુવાનીની ઓળખ છે. એવું ફીલ ન થતું હોય તો પ્રૉબ્લેમ ગણાય. એક વખત કોઈ એક મનપસંદ અને પાવરફુલ યુવક સાથે રિલેશનશિપ થઈ ગયા પછી તમારો પ્રૉબ્લેમ આપમેળે જ સૉલ્વ થઈ જશે. આપણે વિજાતીય આકર્ષણથી ખોટેખોટાં ભડક્યા કરીએ છીએ. બાવાઓ ગમે એટલાં માથાં ફોડશે તોય વિજાતીય આકર્ષણ કદીયે ટળવાનું નથી. હું તો એવા વિજાતીય આકર્ષણનું સ્વાગત જ કરું છું. ધ્યાન એટલું જ રાખવાનું કે અટ્રૅકશન અટ્રૅકશન જ રહેવું જોઈએ, અટૅક ન બનવું જોઈએ. મેઘધનુષમાં જે રંગો છે એ એની નબળાઈ નથી, વિશેષતા છે. યૌવનના મેઘધનુષમાંય આકર્ષણના અનેક રંગો છે અને તે એટલા જ સ્વાભાવિક છે.’

એક યુવાને સરસ પ્રશ્ન કર્યો, ‘જ્યારે કોઈ યુવક કોઈ યુવતીને પ્રપોઝ કરે ત્યારે એ યુવતી પ્રથમ તો ઈનકાર જ કરે છે અથવા સ્પષ્ટ હા નથી પાડતી. એનું શું કારણ ?’
‘યુવતી એ જોવા માગે છે કે તેની ના સાંભળીને તમે કેવું રીઍક્શન આપો છો ? તેની ના સાંભળ્યા પછીયે તમે આક્રમક ન બનો, ડંખીલા ન બનો તો તમે ખાનદાન અને સંસ્કારી છો એવી તેને ખાતરી થઈ જાય. તમે કેવી ઓકાત ધરાવો છો એની કસોટી કરવાનો તો તેને હક હોય જ ને ! આપણે ત્યાં આવી ખાનગી રિલેશનશિપનાં માઠાં પરિણામોનો ભોગ માત્ર અને માત્ર યુવતીઓને જ બનવું પડે છે, એટલે યુવતીઓએ એટલાં અલર્ટ રહેવું જ જોઈએ.’

બીજા એક યુવાને પૂછ્યું, ‘મને એક ગુરુજી મળી ગયા છે. મારે તેમની પાસે દીક્ષા જ લેવી છે. સંસારમાં રહીને શું ઉકાળવાનું છે ?’
મેં કહ્યું, ‘આત્મહત્યા કરવા ઉત્સુક બનેલા કાયર લોકોને અને સંસાર છોડવા થનગનતા ભાગેડુ લોકોને હું કશું કહેવા માગતો નથી. સૉરી…..’
ફરીથી એક યુવકે પૂછ્યું, ‘જૉબ કરતી યુવતી સાથે મૅરેજ કરવામાં કશું જૉખમ ખરું ?’
મેં કહ્યું, ‘હા, જૉબ કરતી યુવતી સાથે મૅરેજ કરવામાં પણ એટલું જ જોખમ છે જેટલું જૉબ નહીં કરતી યુવતી સાથે લગ્ન કરવામાં ! જૉબ ન કરતી દરેક યુવતીને ય પાછો તેનો પોતાનો અભિગમ તો હોવાનો જ ને !’
વળી પાછો એક સવાલ યુવતી તરફથી આવ્યો, ‘લવ-મૅરેજ કરવાં સારાં કે એરેન્જડ મૅરેજ ?’
‘સૌથી સારાં તો સમજણપૂર્વકનાં અને સમર્પણવૃત્તિથી કરેલાં લગ્ન- પછી ભલે લેબલ ગમે તે હોય !’
અઢી કલાકે કાર્યક્રમ પૂરો થયા પછી હું બહાર નીકળ્યો ત્યારે વડીલોએ જિજ્ઞાસાથી મને પૂછ્યું, ‘આજની જનરેશનના પ્રૉબ્લેમ્સ કેવા છે ?’ મેં કહ્યું, ‘આપણી જનરેશન જેવા જ ! આપણે યુવાન હતા ત્યારે જેવા પ્રશ્નો હતા એવા જ પ્રશ્નો તેમના છે. મને તો કશો ફરક જોવા ન મળ્યો.’

જનરેશન કોઈ પણ હશે, યૌવનની સમસ્યાઓ તો એની એ જ રહેવાની, બહુ બહુ તો રજૂઆતનો ફરક પડશે. પહેલાનાં જમાનામાં નવી જનરેશન વડીલો સામે કશું બોલવાનું સાહસ નહોતી કરતી, હવેની જનરેશન સ્પષ્ટ વાત કરતી થઈ છે. મર્યાદાના ખ્યાલો થોડા ખુલ્લા થયા છે. હવેની જનરેશન ગૂંગળાઈ મરવા હરગિજ તૈયાર નથી. તેને વડીલોની સેવા કરવામાં જરાય વાંધો નથી, જો એ વડીલો અનધિકૃત રીતે તેને દબાવી ન રાખે તો. જૂની પેઢીએ નવી પેઢીને સ્વતંત્રતા આપ્યા વગર જરાય ચાલવાનું નથી જ. જો સ્નેહથી સ્વતંત્રતા આપી હશે તો નવી પેઢી તેની કિંમત જરૂર ચૂકવશે. જો જૂની પેઢી જિદ્દ અને જોહુકમી નહીં છોડે તો નવી પેઢી એની કિંમત વસૂલ કરશે. કિંમત નક્કી કરવાની ત્રેવડ ન હોય એવા લોકો કિસ્મતનો વાંક કાઢે છે. આપણી કિંમત આપણે જ નક્કી કરવી જોઈએ.

[ કુલ પાન. ૧૪૪. કિંમત રૂ. ૧૦૦. પ્રાપ્તિસ્થાન. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩. ઈ-મેઈલ. goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “આજનાં યંગસ્ટર્સની સમસ્યાઓ વિશે થોડીક સીધી વાત – રોહિત શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.