ધનાધાર વિસ્તારમાં….. -અલિપ્ત જગાણી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી અલિપ્તભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dmjagani@gmail.com સંપર્ક કરી શકો છો.]

બનાસકાંઠા જીલ્લાના વડગામ અને પાલનપુર તાલુકાનો વિસ્તાર ધાનધાર તરીકે ઓળખાય છે. ધાનધારનો અર્થ ધાન્યનો ભંડાર એવો કદાચ થાય છે. વડગામ તાલુકાના ખેતરો જુઓ તો ધાનધાર નામ સાર્થક લાગે. આવી ઉપમા આ વિસ્તારને અપાવનાર છે સરસ્વતી નદી-વડગામ તાલુકાની જીવાદોરી.

આજે વાત કરવી છે આ વિસ્તારના સૌદર્યની. લીલા ધાનથી લહેરાતા ખેતરો, વિશાળ આંબા, લીમડા, નીલગીરી ને જામ્બુના વૃક્ષો, કમનીય વળાંકો વાળા રમ્ય રસ્તાઓ, અરવલ્લીની ટેકરીઓ અને એમના પર આવેલા સ્થાનકો આ વિસ્તારની ઓળખ છે.

મારું ગામ પણ અહી આવેલું હોવાથી આ વિસ્તારના સૌદર્યનો લાહવો બચપણથી મળ્યો છે. મારા ગામમાં કોઈ નદી કે પર્વત નથી એ વાતનો વસવસો હમેશા રહ્યો છે પણ સરસ્વતી મારા ગામથી ત્રણેક કિલોમીટર છેટે વહે છે. આ ‘વહે છે’ શબ્દ મન ને જરા ખટકે છે, વહેતી હતી એવું લખવું યોગ્ય ગણાશે. મોકેશ્વર પાસે ડેમ બંધાયા પછી વહેણ સુકાઈ ગયું છે. ફક્ત નદીની રેત રહી ગઈ છે. હા, ક્યારેક અતિવૃષ્ટિ જેવું હોય ને ડેમના દરવાજા ખુલે તો થોડા સમયગાળા માટે નદી વહેતી જોવા મળે ખરી. પણ એ ઝાડી-ઝાંખરાં વાળું ડહોળું પાણી હોય. એક વાર આવા પાણીમા બધા જ કપડા કાઢીને સાંજના સમયે દોસ્તો સાથે સ્નાન કર્યાનું યાદ આવે છે.

મારા ગામથી દુર સરસ્વતી કિનારે હનુમાનજીનું એક મંદિર છે. શનિવારે આસપાસના ગામોમાંથી લોકો દર્શન કરવા આવે. અમે ત્રણ-ચાર અંતરંગ મિત્રો કોલેજના દિવસો દરમિયાન નિયમિત પણે ત્યાં ચાલતા જતા. જોકે અમારા જવાનું કારણ શ્રદ્ધા નહિ પણ રસ્તાનું સૌન્દર્ય અને એકાંત રહેતા. કાચો ધૂળ વાળો રસ્તો છતાં વાતો-વાતોમાં આવતા જતાં છ-સાત કિલોમીટર ક્યારે કપાઈ જય તેનું ધ્યાન જ ના હોય. થાકનું તો નામ જ નહિ ! રસ્તામાં તરહ-તરહની વાતો ચાલ્યા કરે. મુખ્ય વિષય હોય પુસ્તકો, ગઝલો, સૌદર્ય અને છોકરીઓ ! કઈ નવું લખાયું હોય, નવી કવિતા કે શેર ધ્યાનમાં આવ્યા હોય તો આખું અઠવાડિયું શનિવારના દિવસની પ્રતીક્ષા રહે.

એ વખતે રસ્તો કાચો હતો. બન્ને બાજુ વેલો, વગડાઉ ફૂલો ને ઝાડવાઓથી શોભતી વાડ, લીલા ખેતરો. રસ્તામાં કોઈ અજાણ્યું પંખી કે માળો પણ ક્યારેક જોવા મળી જાય. ચોમાસામાં તો બધું સજીવન થઇ જાય. આગળ જતાં બે-ત્રણ ખેતર ના શેઢા પર લઇ જતી પગદંડી આવે. આખા રસ્તે એનું આકર્ષણ સૌથી વધારે. બન્ને તરફ ભીની નિક હોય. ક્યારેક મંદ ખળખળ અવાજ સાથે વારી વહી જતા પણ જોવા મળે. બન્ને તરફ મોલ લહેરાતો હોય. એક બે વળાંક પણ સરસ. પગદંડી પૂરી થયે V આકારના લાકડાથી બનાવેલ છીંડા જેવું આવે. પછી વળી એક ખેતર જેટલો બન્ને તરફથી ઝાડવા ધસી આવ્યા જેવો રસ્તોને પછી એક નાનું ગામ. આ ગામ પસાર કરી એકાદ કિલોમીટર લાંબી પાકી સડક મંદિર સુધી દોરી જાય છે. જોકે અમે ઘણી વાર કોતરોમાંથી જતો શોર્ટકટ પસંદ કરતા, કાટકોણ ત્રિકોણની કર્ણ જેવો રસ્તો.

મંદિર તરફ રસ્તાનો કાટખૂણે આવતો વળાંક પણ ખુબ સરસ. અહીં રસ્તો થોડો ઉપર ઢાળ ચડી કમાનાકારે નીચે તરફ ઢળી મંદિર સુધી લઇ જાય. એક તરફ ખેતરો બીજી તરફ કોતરો. રસ્તાના છેડા પર ડાબી તરફ સુંદર લોન વાળો વિવિધ ફૂલછોડથી શોભતો બગીચો. પહેલા ખુબ સરસ સંભાળ લેવાતી હમણાં તો સાવ ઉજ્જડ લાગે છે. જમણી તરફ પીપળાનું સુંદર વૃક્ષ. ચોમાસામાં પલળી ગયેલા એના કુમળા પાન રમ્ય લાગે. બેઠા ઘાટનું નાનું મંદિર. બધા હનુમાન મંદિરોમાં હોય એવી હનુમાનની આદમકદની પ્રતિમા. અહીંથી દ્દુર-દુર સુધી નજર પહોંચે. ઝાંખા દેખાતા વૃક્ષોથી શોભતી ક્ષિતિજ રેખા અહીંથી સુંદર લાગે. દુર ક્ષિતિજ પર કોઈ ગામ હોવાનો અણસાર આપતી પાણીની ટાંકી પણ અહીંથી સુંદર દેખાય. મંદિરની બીજી તરફ નદીની દિશામાં ઉતરતા પગથિયા. પગથિયાના છેડે નદી ભણી જતી પગદંડી જે આગળ કોતરમાં ખોવાઈ જાય છે. પાસે નાનો ચેકડેમ અને પછી નદી. પગદંડીની ડાબી તરફ એક પ્રાચીન કૂવો છે. એના ઉપર ગરગડી પણ ખરી. બધા કહે છે પહેલાં નદી આ મંદિર ને અડીને વહેતી ત્યારે આ કૂવો ભરેલો રહેતો હશે. મેં એ કૂવાને મનભરી જોયો છે. એ પગદંડી પર ચાલીને નદી તરફ ગયો છું. પાસે કોતરમાં આવેલી બોરડીના બોર પણ ખાધા છે.

અત્યારે આ લખું છું ત્યારે આ વિસ્તાર ના કેટલાય સુંદર સ્થળોથી સ્મૃતિ પટ ઉભરાય છે. કરનાળાથી થુર ગામ સુધીનો ખુબસુરત રસ્તો, એ બન્ને ગામોના પર્વત, શેભરનો પર્વત અને જંગલ, ત્યાં પર્વત પરથી જોયેલી સરસ્વતી, મુમનવાસ થી દાંતા રોડ, ત્યાંના પર્વતો, પાણિયારી આશ્રમ, ગુરુનો પર્વત, મોકેશ્વર ડેમ, સરસ્વતી કિનારે સલેમકોટ થી શેરપુરા ગામનો સુંદર વળાંક વાળો રસ્તો. આ બધા પર ફરી ક્યારેક લખવાનો વાયદો પોતાની જાતને આપી કલમને વિરામ આપું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “ધનાધાર વિસ્તારમાં….. -અલિપ્ત જગાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.