બાળક એક ગીત (ભાગ-૫) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો થોડો અંશ આપણે (ભાગ-1, ભાગ-2, ભાગ-૩, ભાગ-૪ )અગાઉ માણ્યો હતો. આજે વધુ એક લેખ રૂપે તેનો પાંચમો ભાગ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ સરનામે vasantiful@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.]

[૧૫]

પરમદિવસે રાત્રે નિશિતમામા, નંદીનીમામી, અતિતમામા, માનસીમામી, દિશાંતમામા અને હાર્દિકમામા રક્ષાબંધન કરવા આપણા ઘરે આવ્યા. અમે બધા સાથે મળીને ખીચડીને શાક જ જમ્યા પણ સાથે સાથે આખા અઠવાડિયાનું હસ્યા પણ ખરા. સવારે પરવારી રક્ષાબંધન કરી અને પછી બધા છૂટા પડ્યા. તારા પપ્પાને તો રક્ષાબંધનની પણ રજા નથી એટલે આખો દિવસ ઘરે એકલા રહેવું પડયું. “So missing your papa and his company”. રજાનો દિવસ પણ જરા કંટાળાજનક રહ્યો.

અમે રવિવારે રંજનબા ના ઘરે ગયેલા ત્યાં એમના ઘરે આવતા કામવાળા ભાઇ ને મેં કચરો વાળતા જોયા. એટલા હલકા હાથે કચરો વાળે કે જાણે ચિત્રકાર કેનવાસ પર હલકા હાથે પીંછી ફેરવતો હોય!

આજે સવારે અમે દવાખાને ગયેલા. ત્યાં ડોક્ટર અંકલે મારું વજન કર્યું, બી.પી માપ્યું અને સોનોગ્રાફી પણ કરી. સોનોગ્રાફીમાં અમે તારા હાથ-પગ વિકસતા જોયા. જાણે અમારી આંખ સામે જ કોઇ કળી ખીલતા અમે જોઇ રહ્યા છીએ. કુદરતની એક અદભૂત અને રોમાંચક ઘટનાના અમે સાક્ષી બની રહ્યા છીએ. આખો દિવસ આંખ સામે તું જ દેખાય. ડોક્ટર અંકલે બીજી દવાઓ લખી આપી છે ને કહ્યું છે કે હવે વજન વધશે. લાગે છે કે ચાળીસ અઠવાડિયામાં વજનકાંટાનો કાંટો તૂટી જશે! મને તો આટલા વર્ષોમાં વજન વધારવામાં સફળતા મળી નથી જોઇએ ડોક્ટરને કેટલી સફળતા મળે છે! મારું વજન વધશે એમ એમ તારુ પણ વજન વધશે..ખબર છે તને?

લિ.
તારી વ્હાલી મમ્મી.
.

[૧૬]

ત્રણ દિવસથી અરુણાબા ઘરે આવ્યા હતા. ત્રણ દિવસથી ઘરને તાળુ માર્યું નહોતું કે ખોલ્યું નહોતું. એમની સાથે મને બહુ મઝા આવી. કાલે તો અરુણાબા ગયા પણ એ ત્રણ દિવસ અમારા માટે બહુ યાદગાર રહેશે. એમને પણ મારી જેમ વાંચવાનો બહુ શોખ છે એટલે બે દિવસ ઘરે એકલા હતા તો પણ એમને વાંધો આવ્યો નહિ. મેં ઘણા બધા પુસ્તકો એમને આપ્યા હતા એટલે એમને તો વાંચવાની મઝા પડી ગઇ. અરુણા બાએ પણ એક કવિતા લખી છે…

આવને આપણે સાથે નાહીએ
અરમાન એવા પૂરા કરીએ
છોળો ઉડાડી પાણીની ભીંજવીએ
ફૂવારાથી અદકા વરસી
એને પણ ચીડવીએ
મનના હડા ખોલી દેવા
બીજા હડા શીદ દેવા
બારીમાંથી છો ને જોતી
પેલી ચકલીને જૂઇ
એ પણ કહેશે
હાય હાય હું તો શરમથી મૂઇ!

આજે સવારે આશાબા ગુજરી ગયા. મૃત્યુ એ જીવનનુ કડવામાં કડવું સત્ય છે. કોઇ પણ વ્યક્તિ સાથેનો સંબંધ ઋણાનુબંધનથી વિશેષ કંઇ નથી. ક્યારેક કોઇ સગુ વ્હાલું સાથે હોય છતાં તેની સાથે ઝાઝુ ઋણાનુબંધન ન હોય. તો ક્યારેક જેની સાથે સીધો લોહીનો કોઇ સંબધ નથી એની સાથે પણ જબરજ્સ્ત ઋણાનુબંધન હોય. આપણે કોઇના નામનું “નાહી” નાખી શકીએ પણ એની યાદો હંમેશાં હ્રદયમાં રહે. લકવાગ્રસ્ત થયા પછી આશાબા બહુ ઢીલા થઇ ગયેલા. પરવશતા જાણે એમને ગૂંગળાવી રહી હતી. જઇએ તો આંખમાં ઝળઝળિયા આવી જાય. જાણે આ બધી માયા કેમ છૂટશે એમ સતત એમની આંખો કહેતી. પતિ-પત્નીને એકબીજાની જરુર ખાસ તો વૃધ્ધાવસ્થામાં જ પડે છે એવુ કહેવાય છે પણ એ ચરિતાર્થ થતાં મેં બા-દાદાના ઉદાહરણમાં જોયું. એક નાના બાળકની જેમ દાદાએ બા ને સાચવ્યા. જમાડવું, નવડાવવું, ધોવડાવવું બધુ જ એમણે કર્યું છે. એ બન્ને લગભગ ૭૫ વર્ષની આસપાસના છે એટલે લગ્ન સમયે કેવો જમાનો હશે. પતિ-પત્ની જ્યાં છૂટથી મળી શકતા ન હોય ત્યાં “I love you” જેવા શબ્દો તો ક્યાંથી હોય. પણ કોઇ પણ શબ્દો વગરનો લાગણીનો તાંતણો બન્ને વચ્ચે રહેલો. એ મેં જોયું છે અને અનુભવ્યું છે.

કાલે અમે પેપ્સોડન્ટ પેસ્ટ લાવ્યા એમાં સ્કેટિંગ પહેરેલો છોટાભીમ છે. અમે એ તારા રમવા માટે રાખી મૂક્યો છે. મારા ને તારા પપ્પા માટે અત્યારે વિચારવાની એક જ દિશા છે….તું!

લિ.
તારી વ્હાલી મમ્મી.
.

[૧૭]

બિંદિમાસી એ મને તૃપ્તિ વ્યાસ લિખિત એક સરસ પુસ્તક આપ્યું છે જેનું નામ છે “Journey of nine months from womanhood to motherhood”. આ પુસ્તકમાં ગર્ભમાં રહેલા બાળક વિશે કેવી કલ્પના કરવી કેવા વિચારો કરવા, શું કરવું અને શું ન કરવું જેનાથી સારું બાળક જન્મે તેની વાતો છે. એમાં એક સી.ડી વિશે પણ છે. હું ને તારા પપ્પા કાલે એ સી.ડી પણ લઇ આવ્યા. હું દરરોજ સવારે શિવમહિમ્ન સ્ત્રોત્રમ અને ગાયત્રી મંત્ર સાંભળુ છું તું પણ સાંભળે છે ને મારી સાથે? એવું કહેવાય છે કે ગર્ભનું બાળક સુક્ષમ અને શુધ્દ્ધ ચેતના હોય છે એટલે આપણે કંઇ પણ કરીએ, બોલીએ તે તરત જ બાળક પકડી શકે છે. આપણે ઇચ્છીએ બાળક સારુ થાય તો સારુ કરવું જ રહ્યું. આ પુસ્તકમાં એમ પણ લખ્યું છે કે બાળક વિશે સારુ વિચારી કે લખી તમે જ્યાં દિવસનો વધુ સમય પસાર કરો છો તેવી જગ્યાએ લગાવો, સતત એ વિચારોને ઘુંટો! વધારે દ્રઢ બનાવો. મેં પણ એમ કરવાનું વિચાર્યું છે.

આજે બપોરે શીતલબા અને દાદા આવ્યા. તેઓ કેરાલા જઇ આવ્યા અને સાડીઓ, પાકીટ, સેટ એવું ઘણુ બધુ લઇ આવ્યા છે. બપોરે અમે જ્યોતિ આંન્ટીના શ્રીમંતમાં ગયા. આખો દિવસ વ્યસ્ત વ્યસ્ત રહ્યો. હું ને તારા પપ્પાતો વારે વારે તારા હાલ ચાલ પૂછીએ છીએ. અંદર આટલી નાની જગ્યામાં તું કેમનું સૂતુ હોઇશ એવો વિચાર આવે છે. તું અંદર શું કરતું હોઇશ એવું અમે વિચારીએ છીએ. તું અંદર નિશ્ચિંત થઇ ને સૂઇ જા અમે તારી ચિંતા કરવા બેઠા છીએ ને!

લિ.
તારી વ્હાલી મમ્મી.
.

[૧૮]

આજે ૧૫મી ઓગસ્ટે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. આઝાદી મેળવવામાં ગાંધીજી, ચંદ્રશેખર આઝાદ, સરદાર વલ્લભભાઇ પટેલ જેવા લોકો નો બહુ મોટો ફાળો છે. જેમણે પોતાના જીવનની આહૂતી આપીને આપણને આઝાદી અપાવી. આઝાદી મળ્યા પછી ઘણી બધી વસ્તુઓ બદલાઇ નથી. દેશમાં જોઇએ એટલી પ્રામાણિકતા નથી અને માણસ જ્યારે પ્રામાણિક નથી હોતા ત્યારે સારાખોટાનો ભેદ ભૂલી જાય છે એ માત્ર પોતાને ફાયદો થાય તેમ કરે છે. ગઇકાલે મેં છાપામાં વાંચ્યુ કે વડોદરામાં રેલ્વે સ્ટેશન પર રાખેલા ઘંઉનો જથ્થો વરસાદમાં પલળી ગયો. તું જ વિચાર કર જો સમયસર પ્રામાણિકતાથી કોઇ માણસે આ કામ કર્યું હોત તો આટલું બધુ અનાજ બગડતા અટકાવી શકાયું હોત. આ વખતે એમ પણ વરસાદ ઓછો છે એટલે મોંઘવારી વધશે. એ અનાજ કેટલા’ય ગરીબ લોકોને કામ આવત. માણસ પોતે જ પોતાની જવાબદારી સમજે, નિષ્ઠાવાન અને પ્રામાણિક બને તો સમાજની જે દશા છે તે સાવ જ બદલાઇ જાય. આપણે દરેક જણ પોતાની જાતને બદલીએ તો સમાજ કે દુનિયા આપોઆપ બદલાઇ જાય.

ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે જે સત્ય અને અહિંસામાં માનતા હતા. અહિંસા પણ કેવી માત્ર શસ્ત્ર વગરની અહિંસા એમ નહિ પણ વિચારોમાં પણ હિંસા હોવી જોઇએ નહિ તેવું એ માનતા. ગુસ્સો પણ હિંસાનો જ એક ભાગ છે તેવું એ માનતા. ગાંઘીજીને પણ બાળકો બહુ વ્હાલા હતા. હવે તો ૧૫મી ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રિય તહેવારો માત્ર શાળાઓ કે કોલેજોમાં જ દેખાય છે. બાકી એક રજાના દિવસથી વિશેષ કંઇ જ રહ્યું નથી. થોડા વર્ષો પહેલાં એવું હતું કે આપણો રાષ્ટ્રિય ધ્વજ અમુક જગ્યાએ ફરકાવી શકાય. સામાન્ય જનતા ક્યાંય પણ રાષ્ટ્રધ્વજ લહેરાવી શકે નહિ. પણ પછી આપણા જ દેશના એક વ્યક્તિએ અપીલ કરી કે દેશના નાગરિક હોવાના નાતે દરેક ને રાષ્ટ્રધ્વજ લહેરાવવાની પરવાનગી મળવી જોઇએ. આ વાત ખરડા તરીકે રજુ થઇ અને આપણને આપણો રાષ્ટ્રધ્વજ લહેરાવવાની પરવાનગી મળી. એનો મતલબ આપણે આપણા ઘરની અગાશી પર પણ ધ્વજ લહેરાવી શકીએ. ધ્વજ વનાવવાના અને લહેરાવવાના પણ નિયમો હોય છે. જ્યારે ધ્વજ ખરાબ થઇ જાય કે ફાટી જાય ત્યારે એને સ્નમાન પૂર્વક અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. જ્યારે દેશના કોઇ નેતાનું અવસાન થાય ત્યારે ધ્વજ અડઢી કાઠીએ લહેરાવામાં આવે છે. “જન ગણ મણ…” એ આપણું રાષ્ટ્રગીત છે અને તે રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા બંગાળી ભાષામાં લખાયુ હતું જે પાછળથી આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દીમાં રુપાંતર કરવામાં આવ્યું. આપણું રાષ્ટ્રગીત સાવધાન મુદ્રામાં ઉભા રહી ૫૨ સેકન્ડમાં ગવાવી રહેવું જોઇએ. તને થશે કે બધી વાતમાં આટલા બધા નિયમો કેમ હોય છે? પણ જો નિયમો હોવા છ્તાં માણસો નિરંકુશ થઇ જતા હોય છે તો પછી જો નિયમ રાખવામાં જ ન આવે તો માણસ કેટલો નિરંકુશ થઇ જાય! તારી કુશળતા ચાહું છું.

લિ.
તારી વ્હાલી મમ્મી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “બાળક એક ગીત (ભાગ-૫) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ””

Copy Protected by Chetan's WP-Copyprotect.