મારાં પત્ની – યશવન્ત મહેતા

[‘ફૂટનોટ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Image (18) (408x640)પતિ-પત્નીનો સંબંધ એટલો બધો આત્મીય અને સંકુલ હોય છે કે ગંગા નદી કે ગિરનાર પર્વત વિશે નિબંધ લખીએ તેમ એ વિશે લખી ન શકાય. એમાંય હું તો લખનાર તરીકે બોલકણો જણ, પરંતુ દેવીબેનને અંગત જીવન જાહેરમાં મૂકવાનું જરાય ન ગમે. ૭૦ની વયે, ૨૦૦૬માં મને ગુજરાત સાહિત્યસભાએ ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક આપ્યો એ વેળા ગુર્જરે એક નાનકડી પુસ્તિકા મારે વિશે પ્રગટ કરેલી. એમાં બીજા ટાઈટલ પર અમારા દંપતીના ફોટા નીચે મેં લખ્યું છે : ‘એમના થકી જ હું ઊજળો છું.’

મારી પ્રારંભિક જિંદગી ગરીબી, નિરાધારી, કેટલેક અંશે નિરાશ્રિત અવસ્થા અને યાયાવરીમાં વીતી. ૧૯૪૯ની શરૂઆતમાં દસેક વર્ષની વયે પિતાજી ગુમાવ્યા પછી ૧૯૬૨માં લગ્ન થયાં, એ દરમિયાનનાં તેર ઉપરાંત વર્ષ વિધવા માતાને આશરે માંડ જીવનયાપન કરવામાં વીત્યાં. ૧૯૬૨ને અંતે દેવીબેન સાથે લગ્ન થયાં પછી જિંદગીમાં સ્થિરતા આવી, તરક્કી આવી, ગત ૪૬ વર્ષ એવી રીતે વીત્યાં કે કોઈની સામે હાથ લાંબો કરવો ન પડે. પેલી પિતાની છત્રછાયા વગરની પરવશ જિંદગીએ જવાબદારીની ભાવના જરૂર કેળવેલી. ભણ્યા વગર આરોવારો નથી એવી એક અજાગ્રત સંપ્રજ્ઞા મસ્તકની અંદર ઊગેલી. પરિણામે ભણવામાં હું હંમેશા મારા વર્ગમાં અવ્વ્લ રહેતો. કૉલેજનાં પ્રથમ બે વર્ષ યુનિવર્સિટી કક્ષાએ પણ પ્રારંભિક ક્રમમાં રહ્યો. પણ પછી નિરાધારીએ નોકરી કરવા મજબૂર કરી દીધો. પરિણામ બગડ્યાં. પરંતુ ત્યાં સુધીમાં ભણતરને પ્રતાપે જ અખબારી કામગીરી પૂરતી લાયકાત કેળવી લીધેલી. પગભર થઈ ગયેલો. એટલું જ નહિ, માતાને પણ અમદાવાદ બોલાવી લીધેલાં.

એ વેળા અમે મા-દીકરાએ પ્રીતમનગરમાં એક ગેરેજ ભાડે રાખેલું. દેવીબેન સામેના એક બંગલે રહેતાં. હજુ કૉલેજનાં બીજા વર્ષમાં હતાં. પણ નાનપણથી માવિહોણાં હતાં. એટલે એમનામાં શાણપણ ભારે. એક ઓળખીતાની ભલામણથી મેં એમને અંગ્રેજી વગેરેમાં થોડુંક માર્ગદર્શન આપવા માંડેલું. બાપ વગરનો હું અને મા વગરનાં દેવીબેન, ક્યાંક કશીક કડી જોડાઈ ગઈ. એ સમય, એ વખતના સામાજિક રિવાજો તથા ઊંચનીચના ખ્યાલો, જ્ઞાતિઓની સંકુચિત ભૌમિતિક મર્યાદાઓના ખ્યાલો વગેરે જોતાં એમનાં મારી સાથે લગ્ન અશક્ય. આટલું અધૂરું હોય તેમ, દેવીબેનના પિતાજી સમૃદ્ધ, પ્રતિષ્ઠિત અને પરિવારવરિષ્ઠ વૈદ્ય. સંતાનમાં એમને એક દીકરી જ હતી, પરંતુ પિતરાઈઓ-મોસાળિયાંના અતિ બહોળા પરિવારના એ વડીલ હતા. દીકરીને નીચા ગણાતા કુળમાં પરણાવે તો એમની પ્રતિષ્ઠા એટલે અંશે જોખમાય. આજે આ મુદ્દા બિનમહત્વના લાગે છે. પરંતુ પાંચ દાયકા અગાઉના બ્રાહ્મણ પરિવારમાં કોઈ જરાક આઘુંપાછું થાય તો ધરતીકંપ મચી જાય. વળી, એમની પાસે ખપતા મુરતિયા પણ ઘણા હતા. આ સંજોગોમાં દેવીબેને દઢ આગ્રહ રાખ્યો કે ‘પરણું તો એને જ !’ એનો મહિમા ઘણો મોટો છે.

મારા પિતા માત્ર પારકી જમીન ખેડતા કિસાન હતા. મહેનતુ ઘણા હતા, પરંતુ ટોળુંએક સંતાનોને ઉછેરતાં, પરણાવતાં, ભણાવતાં સાવ તૂટી ગયેલા. હું એમનું છેલ્લું સંતાન. મને મહત્તમ ગરીબી માણવા મળેલી. સોળેક વર્ષની ઉંમર સુધી પગરખાં નહિ ભાળેલાં. (પછી મળ્યાં એ પણ ઉતાર). મારી પાસે જો કશી મૂડી હોય તો તે થોડીક જાણકારીની, ભાષાજ્ઞાનની અને મહેનત કરવાની તૈયારીની, બસ. આવા મુફલિસને પસંદ કરીને લગ્ન કરવા તૈયાર થવું તે દેવીબેનને પક્ષે તો નિતાંત શૌર્યનું જ લક્ષણ છે. એમની સાથે લગ્ન નક્કી થતાં જ ‘ગુજરાત સમાચાર’ની મારી નોકરીમાં પગાર વધ્યો. તરત જ મેં ગેરેજ છોડીને ઉસ્માનપુરામાં દોઢ રૂમ ભાડે રાખ્યા. લગ્ન કર્યાં. દેવીબેને પિતાની સમૃદ્ધિને સ્થાને મારા ઘરની દરિદ્રતા અને અભાવ અપનાવ્યાં. એ બધું છોડીને મારા સુદામાઘરે એ આવ્યાં. કદી રસોઈ નહિ કરેલી. અહીં તત્કાળ બધું શીખી લીધું. ટૂંકમાં, પિયરની સમૃદ્ધિને સ્થાને મુફલિસી અપનાવી લીધી. આજ સુધીમાં કદી એની ફરિયાદ થઈ નથી. અલબત્ત, મેં પણ આખી જિંદગી એક દિવસના બે દિવસ કરીને પરિશ્રમ કર્યો છે. આજે પણ મારો દિવસ સોળ-અઢાર કલાક કામનો હોય છે. મને ધકેલનાર બે લાગણીઓ છે : એક- હું ગરીબીમાં ઉછર્યો છું. મારાં સંતાનોને ગરીબી નડવી નહીં જોઈએ. બે- મને ચાહીને મારી ગરીબીને પરણનાર દેવીબેનને બનતાં સુધી અભાવ સાલવા નહીં જોઈએ.

એમની બહાદુરીનું એક અન્ય ઉદાહરણ એમનું ભણતર છે. પરણ્યાં ત્યારે જુનિયર બી.એ.માં હતાં. પરણ્યાં એટલે ભણતર છોડી દીધું. પરંતુ પછી, ૧૯૬૬માં પહેલાં દીકરી પોણા બે વર્ષનાં હતાં ત્યારે પુન: ભણવા લાગ્યાં. આ વેળા એ આયુર્વેદ કૉલેજમાં હતાં. પિતાજી વૈદ્ય એટલે છેક બાળપણથી આયુર્વેદના સંસ્કાર. વળી, મારી નોકરી ‘ગુજરાત સમાચાર’ જેવી સંસ્થામાં. એટલે ગમે તે ઘડીએ બેકાર થવાનો ડર. આથી પોતે પરિવારને જરૂર પડ્યે ટેકારૂપ બને એ માટે હુન્નર હાથ કરવાની તમન્ના. ત્રીજી બાજુ, મારાં બા અને મારા તરફથી પૂરતો સહકાર. પરિણામે એમણે તબીબી અભ્યાસક્ર્મ જેવો અઘરો માર્ગ લીધો. ભણતર પૂરું કરતાં પહેલાં તો બીજી દીકરીનોય જન્મ ! આમ છતાં પૂરી મક્કમતાથી અને બહાદુરીથી પોતે શુદ્ધ આયુર્વેદનાં ફર્સ્ટ કલાસ તબીબ બન્યાં.

મા વગરની આ દીકરીમાં વ્યવહાર કુશળતા, પારિવારવાત્સલ્ય, પરિવારને એકઠો રાખવાની તમન્ના, ઉદારતા અને વડીલો દ્વારા કરાતાં અપમાન સુદ્ધાં ગળી જવાની અદ્દભુત નીલકંઠતા ક્યાંથી આવી એ કોયડો ઉકેલવાની ક્ષમતા મારી પાસે તો નથી. એક નણંદ, જે ટીબીને કારણે યમદ્વાર નજીક પહોંચી હોય તેને છ-માસ પોતાને ઘેર રાખવી, પૌષ્ટિક આહાર આપવો અને પિતાજીને મોંઘામાં મોંઘી દવાઓ વડે સારવાર કરવી, એ કેટલી પુત્રવધૂઓમાં જોઈ શકાશે ? એક ભાણેજ, કે જે પણ ગંભીર બીમારીમાં સપડાયો હોય, માબાપને તબીબી સારવાર પોસાય એમ ન હોય અને મોટી મામીઓને ઘેર જેને આવકાર ન હોય એને દીર્ઘ મુદત સુધી સાચવે, શ્રેષ્ઠ ઔષધો આપે અને એને પૂરો સાજો કરે એવી મામીઓ કેટલી ? એક ભાણી સજ્જન એવા યુવાનને પરણવા માગતી હોય અને સ્વયં એના પિતા એ લગ્નના કટ્ટર વિરોધી હોય ત્યારે બહાદૂરીપૂર્વક પોતાને ઘેર જુવાનિયાંઓનાં લગ્ન કરી આપે એવી મામીઓ ક્યાં મળે ? માજી જુનવાણી હતાં. કડવામાં કડવી જીભનાં માલિક હતાં. એ જીભને કારણે બે મોટા દીકરાઓને ઘેર બે દિવસ પણ શાંતિથી રહી ન શકતાં. એવાં માજીને ત્રીસ ઉપરાંત વર્ષો સુધી વગર તકરારે અને વગર ફરિયાદે સહન કરે એવી વહુઓ કેટલી ? અને આ બધી ઉદારતાઓ અને સહનશીલતાઓને ટપી જાય એવો એક પ્રસંગ કહું. માજીનો એક દીકરો માજીની ટકાનીય જવાબદારી સ્વીકારવા તૈયાર નહિ. અન્ય ઘણી બાબતે પણ મારે એની સાથે તકરાર. આથી મારે ઘેર એને આવ્કાર નહિ. છતાં માજી અવસાન પામ્યાં ત્યારે લોહીને સંબંધે એને બોલાવવો જોઈએ એવો દેવીબેનનો આગ્રહ. મેં તો એને બોલાવવાની ના જ પાડી હતી, પરંતુ ઉદાર દેવીબેન ન માન્યાં. એમણે એક સ્વજન દ્વારા પેલાને ફોન કરાવ્યો. પેલાએ આવીને ગાળાગાળી કરી. દેવીબેનને અશોભનીય એવી ગાળો સંભળાવી. છતાં દેવીબેનની સ્થિતપ્રજ્ઞતા જુઓ. મેં આ અંગે રાડારાડ કરવા માંડી ત્યારે કહે કે હશે, આપણા વડીલ છે ને ! હું નાની છું. ભલે ગમે તેમ બોલ્યા. આપણાથી એમના જેવા ન થવાય.

એક મોટા ભાઈ સાથે સંબંધ નહોતો. એની ભૂંડી વાણીનું એ પરિણામ હતું. એનું અવસાન થયું. દેવીબેને તરત જ કહ્યું, ‘સ્મશાને જાઓ. બેસણે જાઓ. પરિવારને જે કોઈ સેવા-સુવિધા જોઈએ તે આપો. આપણને વાંધો ભાઈની વાણી અંગે હતો. પરિવારને એથી શા માટે દંડીએ ! તન-મન-ધનથી એ પરિવારને અપનાવી લીધો. પિયર બાજુ પણ કેટલાક અબુધ અને અલ્પબુદ્ધ લોકો. એ બધાના પણ ગુના માફ ! બધાને યથાશક્તિ ઉપયોગી બનવાની જ તમન્ના. આવી સાંસારિક બાબતોમાં જ નહિ, અન્ય અનેક કટોકટીઓ વેળા તેમની મન:સમતા અદ્દભુત રહી. સંતાનોને ભારે બીમારી આવે. હું ઢીલો થઈ જાઉં. રડી પણ પડું. દેવીબેનની સમતા અડગ. વૈદ્યરાજ ૧૯૮૩માં અવસાન પામ્યા. મારા રુદનનો પાર નહિ. પરંતુ એ તો અડગ ધૈર્યનાં અવતાર. અંત્યેષ્ટિ માટેની તૈયારીઓ, બધાં વિધિવિધાન, પૂજાપાઠ, સરસામાન, વ્યવહાર, નોતરાં, લેવડદેવડ બધું જ એ સ્થિર ચિત્તે પતાવે. હું રહ્યો રોમૅન્ટિક લેખક જીવ. ક્યારેક લપસણી ધરતી પર ડગ મુકાઈ જાય, ત્યારે દઢતાથી મારો હાથ સાહી રાખે એવાં એ અડગ.

છેલ્લે એક મુદ્દો નોંધું.
હું સોએ સો ટકા નાસ્તિક અને એ સોએ સો ટકા આસ્તિક ! હું સમજણો થયો તે દિવસથી કશી જ પૂજા, પાઠ, તિલક, યાત્રા, જનોઈ, દર્શન, મંદિર-ફંદિર, બાવા-ગુરુ કશાયમાં સંડોવાયો નથી. એમણે કદી મને એવા કશા ફિતૂર માટે અવરોધ કર્યો નથી. બીજી બાજુ, એમને સવારના ચાર-પાંચ કલાક પૂજાપાઠ કરવા જોઈએ. વ્રત-ઉપવાસ કરવા જોઈએ. મેં કદી એ છોડાવવા કે વિક્ષેપવા પ્રયાસ કર્યો નથી. આજે ધર્મને લઈને દેશના કરોડો લોકો લડાલડી અને રક્તપાત કરે છે. પોતાના કરતાં અલગ માન્યતા ધરાવનારને ખતમ કરવા તલપે છે. અમારા ૧૯૬૨થી આજ સુધીના લગ્નજીવનમાં ધર્મ કદી કલહ- કારણ બન્યો નથી. આ બાબતમાં પણ કદાચ દેવીબેનની સ્થિતપ્રજ્ઞ બુદ્ધિ મારી રૅશનલ અક્ક્લ કરતાં વધારે યશભાગી છે.

વધારે શું લખું ? છેક આગળ લખેલ છ શબ્દોનું જ પુનરાવર્તન કરું : ‘એમના થકી જ હું ઊજળો છું.’

[કુલ પાન : ૧૪૪. કિંમત રૂ. ૧૫૦. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩. ઈ-મેઈલ. goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “મારાં પત્ની – યશવન્ત મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.