રંગલાના રોગનો ભેદભરમ – ડૉ. જયંતી પટેલ ‘રંગલો’

[ સાંપ્રત સમાજની સમસ્યાઓને હળવી કટાક્ષપૂર્ણ શૈલીમાં કાર્ટૂન સાથે રજૂ કરતાં સર્જક શ્રી જયંતીભાઈ પટેલના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘રંગલાની રામલીલા’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Image (15) (481x640)રંગલાને કંઈ પણ રોગ હોય તો તે પૈસા કમાવવાનો હતો. બાકી બીજી બધી રીતે એ તંદુરસ્ત હતો. પૈસા એને મળ્યા ન હતા, પણ પૈસા મેળવવાનાં ફાંફાંમાંથી પ્રતિષ્ઠાના જે કેટલાક જૂઠા ખ્યાલો આવે છે, તેવા ખ્યાલો તેના મનમાં ઘર કરી ગયા હતા. દરદી થઈને ખાટલામાં પડ્યા રહેવું એમાં પ્રતિષ્ઠા છે, એ વાતમાં એ રાચતો. નાની નાની ચીજમાં ઈન્જેકશન લેવાં, દવાઓનું પ્રદર્શન કરવું, ડૉકટરોને પોતાને ઘરે બોલાવવા એ પૈસાદારોનાં લક્ષણો છે એમ એ સમજતો.

બાકી વૈદક, ઘરગથ્થુ પ્રયોગો, કસરત કે હવાથી તબિયત સુધરે છે એવું તો જે લોકો પાસે નથી અને નવરાશનો સમય છે, એવા બેકાર આળસુ માણસોની ગેરસમજ છે, એમ રંગલાનું દઢપણે માનવું હતું. લોકોની સહાનુભૂતિ મેળવવા પોતાને જાત જાતના રોગો થયા છે એવી વાતો લોકોને કહીને પોતાના મનને મનાવતો. આમ જૂઠો પૈસો, ખોટી પ્રતિષ્ઠા અને બનાવટી સહાનુભૂતિમાં પોતાને ક્યો રોગ થયો છે એ તે નક્કી કરી શક્યો નહીં. એકીસાથે જેટલા રોગો થાય અને છતાં દરદી જીવતો હોઈ શકે તેટલા રોગ એને થયા છે એમ એને લાગવા માંડ્યું, પરિણામે એ ડૉકટરની પાસે ચિકિત્સા કરાવવા ગયો.

ફૅમિલી ડૉક્ટર પાસે જ્યારે જ્યારે રંગલો આવતો ત્યારે જાણે પોતાને સમય મળતો જ નથી અને રંગલાની તબિયતની દેખભાળ રંગલો કરી શકતો નથી એવો દેખાવ ડૉકટર કરતા. સર્વજ્ઞ ડૉકટરે રંગલાના શરીરની તપાસ કર્યા પછી એક જ સવાલ પૂછ્યો કે તમને શો રોગ થયો છે ? કંટાળીને રંગલાએ માથે હાથ મૂક્યો એટલે ડૉકટર સમજ્યા કે એને માથે ટાલ પડી છે અને તેના ઉપાય માટે કંઈક કરવું જોઈએ. ટાલની જગ્યાએ માથે બાલ આવે તે માટે સ્પેશિયલ તૈયાર કરેલી નવી જાતની ગોળીઓ એમણે રંગલાને આપી, જે લેવાથી માથા ઉપર બાલ તો ઊગ્યા પણ પેટમાં ભયંકર ચૂંક ઊપડી. ડૉકટરે પેટની ચૂંક અટકાવવા માટે ગોળીઓ આપી જે લેવાથી પેટની ચૂંક અટકી ગઈ, પણ માથામાં ભયંકર દુઃખાવો ઊપડ્યો. ડૉકટરે માથાનો દુઃખાવો દૂર કરવા માટે ગોળીઓ આપી તેથી માથાનો દુઃખાવો દૂર થયો, પણ કમ્મરમાં ભયંકર સણકો ઊપડ્યો. ડૉકટરે કમ્મરનો સણકો દૂર કરવા ગોળીઓ આપી તેથી દુઃખ તો દૂર થયું, પણ માથા ઉપર ઊગેલા બાલ ખરી પડ્યા. આવી જાતના રોગ રાજકારણમાં થાય છે પણ શરીરમાં આ રોગને શું નામથી ઓળખવો તેની એને ખબર પડી નહીં. પાછી ટાલ તો હતી તેવી જ રહી. એટલે રંગલાને લાગ્યું કે આ રોગ સ્પેશિયાલિસ્ટ ડૉકટર વિના દૂર નહીં થાય. એ તો ઊપડ્યો સ્પેશિયાલિસ્ટ પાસે. સ્પેશિયાલિસ્ટ એટલે જેને બીજા રોગોની ખબર નથી પણ જે એક રોગમાં અનેક રોગ જોઈ રહ્યો છે.

સ્પેશિયાલિસ્ટે કહ્યું કે તમારા શરીરમાં રોગ ભાડવાતની જેમ ઘર કરીને રહે છે તેમ રહ્યો છે અને એકે રોગ તમને નથી થયો, પણ ઘણા બધા રોગો છેલ્લે જે દવાઓ લીધી તેને લીધે થયા છે. મૂળભૂત જુદા જુદા રોગોને માટે જુદી જુદી દવાઓ આપવી પડશે અને દવાઓથી જે રોગ થાય છે તેને માટે બીજી દવાઓ આપવી પડશે. માટે તમારે જુદા જુદા ડૉકટરો પાસે તમારા રોગની તપાસ કરાવવી પડશે. મારો જમાઈ હાર્ટનો સ્પેશિયાલિસ્ટ છે તેની પાસે જઈને તમારું હાર્ટ તપાસવું પડશે. મારો સાળો લોહીની તપાસનો સ્પેશિયાલિસ્ટ છે તે તમારું લોહી જોઈ આપશે. ઉપરાંત તમારે તમારી છાતીનો એક્સરે ફોટો પડાવવો પડશે અને તમારા થૂંકની તપાસ કરાવવા માટે અમારા બનેવી જેમણે હમણાં જ ડૉકટર થયા પછી પ્રેક્ટિસની શરૂઆત કરી છે ત્યાં જઈ આવશો. પોતાનો પૈસો કમાવવા જવાનો રોગ દૂર થશે તો બીજા રોગોની દવા કરવાના પૈસા મેળવવા પણ મુશ્કેલ થશે, એમ સમજીને એણે ડૉકટરે કહ્યું તેમ કર્યું. શરીરમાં દવાઓ જે રીતે રેડાતી હતી તે જોતાં એનું શરીર, એને શરીર નહીં પણ પેટ્રોલ ભરાવતી મોટરની જેમ દવા ભરાવતી એક ગાડી જ લાગી. પેટ્રોલથી ગાડી તો ચાલે છે, પણ દવાથી ચાલતું શરીર પણ બંધ થઈ ગયું. એટલે રંગલો મોટી હૉસ્પિટલમાં મોટા ડૉકટરો પાસે પોતાનો મોટો રોગ લઈને છેલ્લી કક્ષાની મોટી સારવાર કરાવવા ગયો.

મોટી હોસ્પિટલમાં સાધારણ વૉર્ડમાં એને રાખ્યો. સર્જને ધાંધલ-ધમાલમાં બે મિનિટમાં તપાસ્યો ન તપાસ્યો ત્યાં તો કહ્યું કે, ઑપરેશનની જરૂર છે અને એ વિશે તમારા ડૉકટરો જ તમારે શું કરવું તે કહેશે. ફૅમિલી ડૉકટરે કહ્યું કે, આવું ભયંકર ઑપરેશન જનરલ હૉસ્પિટલમાં નહીં કરાવતાં સર્જનના કન્સલ્ટિંગ રૂમમાં કરાવવું તે જ હિતાવહ છે. રંગલાએ પોતાનાં કૅશ સર્ટિફિકેટો અને પત્નીની બંગડી વેચી બીજાના ચારસો રૂપિયા ઉધાર લઈ ડૉકટરના કહ્યા મુજબ કર્યું. સર્જને સંભાળપૂર્વક દબદબાથી ગજવાનું ઑપરેશન કર્યું.

પોતાના રોગનું પાક્કું નિદાન કરવા જતાં રંગલાને એટલું તો સમજાઈ ગયું કે, પૈસો બનાવવાનો રોગ અને પોતાને જ નહીં પણ ડૉકટરોને પણ થયો છે. પોતાની જાતને જ પોતાની જાતે તપાસ કરતાં એને સમજાયું કે ઘર અને ગામને આંગણે કુદરતે આપેલી વનસ્પતિમાંથી અનેક સાદી વ્યાધિઓ ઉપર જલદી કાબૂ મેળવી શકાય છે. આયુર્વેદની પ્રતિષ્ઠા આગળ પડતા રાજદ્વારી અને સમાજના તવંગર નેતાઓમાં પ્રતિષ્ઠાના ખોટા ખ્યાલે ઘટી ગઈ હોવાથી લાંબા પાછળ ટૂંકો તેમ જાહેર પ્રજા પણ આ ઉપાયો જોઈએ તેટલા પ્રમાણમાં લેતી નથી તેનો એને અફસોસ થયો. તેણે નિશ્ચય કર્યો કે પશ્ચિમના વિજ્ઞાનમાંથી આવતાં ઉત્તમ તત્વો ફેંકી દેવાની જરૂર નથી, પણ આપણા દેશનું સિદ્ધ વૈદકશાસ્ત્ર જાળવવું જોઈએ અને કરોડો માણસોને મોંઘેરી દવાની હાયવોયમાંથી બચાવી લેવાં જોઈએ. આમ વિચારતાં એનો હાથ માથાની ટાલ ઉપર પડ્યો. કંઈક યાદ આવતાં ઝડપથી એ હાથ એણે ખેંચી લીધો.

[કુલ પાન : ૧૬૦. (મોટી સાઈઝ.) કિંમત રૂ. ૨૫૦. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩. ઈ-મેઈલ. goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “રંગલાના રોગનો ભેદભરમ – ડૉ. જયંતી પટેલ ‘રંગલો’”

Copy Protected by Chetan's WP-Copyprotect.