અમારા ભાણિયાભાઈ ! – હરિશ્ચંદ્ર

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.]

ટેલિફોનની ઘંટડી ક્યારની વાગતી હતી પણ કોઈએ ઉપાડ્યો નહીં. હમણાં જાણે નિયમ થઈ ગયો છે કે ટેલિફોન મારે જ ઉપાડવો !
‘મમ્મી, તું જ લે ને ! તારો જ ફોન હશે.’ દીકરી મોટેથી બોલી.
‘ભાણિયાને પરણાવવા નીકળી છે ને !’ – પતિદેવ ઉવાચ.

મેં કૂકર મૂકેલું. ગૅસ ધીમો કરી હું રસોડામાંથી દોડતી આવી. ફોનમાં સામેથી મીઠો અવાજ રણક્યો,
‘કોણ સુધા ? હું કુમુદ.’
‘હા, હું સુધા. બોલ, સવારના પહોરમાં કાંઈ ?’
‘એ તો વાત એમ છે કે મારી દીકરી લીચી ખરી ને ! હવે ભણી પરવારી છે. મેં સાંભળ્યું કે તારા ભાણિયા માટે તું છોકરી શોધી રહી છે.’
‘હા, જોઈએ અહીં મુંબઈમાં કાંઈ મેળ પડે તો !’
‘એમ કર ને ! કોઈક બહાને તારે ત્યાં ગેટ-ટુ-ગેધર ગોઠવ. તેમાં છોકરો-છોકરી એકમેકને જોઈ લે, થોડો પરિચય કરે. પછી આગળ વધવા જેવું હશે તો આપણે જોઈશું.’ કુમુદને ના કેમ કહેવી ? હમણાં તો આ જ ચાલ્યું છે. ભાણિયાને લીચી, સ્ટ્રોબેરી, ચેરી બધી સાથે મેળવી આપું છું. ગેટ-ટુ-ગેધર હોય કે મુલાકાત હોય. આગતા-સ્વાગતા, ચા-નાસ્તો, ક્યારેક ખાણી-પીણી સુદ્ધાં. ઘર તો જાણે હોટેલમાં ફેરવાઈ ગયું છે અને બધું કર્યા-કરાવ્યા બાદ ભાણિયાભાઈ કહેશે : ‘મામી, આ છોકરી તો જરીક શામળી છે… આનું નાક ચીબું છે…. આ સ્માર્ટ નથી લાગતી… મને બી.એ., બી.કોમ. નહીં, સાયન્સ લાઈનવાળી જોઈએ…. છોકરી બધી રીતે સારી છે, પણ ચશ્માં ? મને ચશ્માંવાળું મોં નથી પસંદ….’ હા, રાજ્જા બેઠા છે, રાણી પસંદ કરવા ! મારી નણંદ બેંગલોર રહે. દીકરાનું હવે ગોઠવવા માગે છે. દીકરો અહીં મુંબઈ રહી ભણે. એટલે મારે ત્યાં ભાણિયાભાઈની ઓળખપરેડ ચાલે છે !

ખરેબપોરે બારણાંની બેલ વાગી. આંખ ચોળતાં મેં બારણું ખોલ્યું. એક આધેડ જોડું વિનયપૂર્વક નમસ્કાર કરતું ઘરમાં પ્રવેશ્યું. સોફા પર બેઠું. પાણી પીધું. પછી વાત માંડી : ‘તમારો ભાણિયો લગ્નજોગ છે ને ! વાતચીત બધી તમે જ કરતા હશો. મા-બાપ તો બેંગલોર રહે, એમને ક્યાં પૂછવા જવાય ?’
‘એ તો છોકરા-છોકરી પહેલાં પસંદ કરે, પછી વાત.’
‘ના, પણ દેખાવનો સવાલ હોય કે બીજી કોઈ મોટી વાત હોય તો સમજ્યા, પણ લગ્ન સંસારમાં બી.એ. શું કે બી.એસ.સી. શું ? મારી દીકરી બી.એ.માં ઈંગ્લિશ સાથે ફર્સ્ટ કલાસમાં પાસ થઈ છે.’ આ બધાંને જવાબ આપવાનું મને તો ભારે પડી ગયું છે. કોઈક તો મને ઊધડી જ લે : ‘મારી છોકરી ગોરી નથી, પણ કાંઈ શામળી ય ન કહેવાય. ઘઉંવર્ણી છે, પણ ભાઈ પોતે ક્યાં ગોરા છે, તે છોકરી ગોરી-ગોરી જ જોઈએ ? તમારા જેવાએ અમને સાનમાં સમજાવવું જોઈએ.’

એક છોકરી રૂપાળી, પણ ચશ્માં પહેરતી હતી, એટલે મેં મુલાકાત ગોઠવવાની ના પાડી. એને ચશ્માંવાળી પસંદ નથી, તો નાહક શું મળ્યાં કરવું ? પરંતુ સામેથી તો ધૂંઆપૂંઆ થઈ ગયા. ‘તમે વચ્ચેથી શું કામ રોકો છો ? ક્યારેક કોનો મેળ પડી જાય, તે કેમ કહેવાય ? તમે વચ્ચે રોડારૂપ બનીને છોકરીને મુરતિયા સુધી પહોંચવા જ ન દો, તે કેમ ચાલે ?’ બસ, ત્યારથી મેં કોઈનેય ના પાડવાની છોડી જ દીધી. જે કોઈ લાડી લઈને આવે, તેની મુલાકાત ગોઠવી આપું. ભાણિયાભાઈ છોકરીઓને જોયા કરે અને માથું ધુણાવતા રહે.

તેમાં પુણેમાં મારા ભાઈએ નવું ઘર લીધું. તેના વાસ્તુમાં મને બહુ આગ્રહ કરીને બોલાવી. એટલે મારે જવું પડ્યું. ભાઈને ત્યાં મને ખરેખર શાંતિ મળી. છેલ્લા બે મહિનાથી ઊભે પગે હતી અને હળવા-મળવાના કૃત્રિમ વાતાવરણથીયે વાજ આવી ગઈ હતી, પણ હજી ચાર દિવસ નથી થયા, ત્યાં મુંબઈથી ફોન આવ્યો, ‘મામી, તમારી અંતરિયાળ જરૂર પડી છે. પ્લીઝ, જલદી આવી જાવ !’
‘પણ છે શું ?’
‘મેં છોકરી પસંદ કરી છે.’
‘સરસ ! અભિનંદન !’
‘પણ મામી, છોકરી પંજાબી છે…. મારાં મમ્મી-પપ્પા કાલે બેંગલોરથી આવે છે. એમને હવે તુરત નક્કી કરી નાખવું છે. મામી, તમારે જ એમને સમજાવવા પડશે.’
‘પંજાબી છોકરી તો દેખાવડી હશે. દીઠે જ ગમી જશે.’
‘હા, ચાર્મિંગ ગર્લ છે. ભલે છે જરીક શામળી.’
‘બી.એ.-બી.કોમ. નહીં, બી.એસ.સી. છે ને ?’
‘હોમ સાયન્સ કર્યું છે.’
‘ચશ્માં-બશ્માં તો નથી પહેરતી ને ?’
‘ના, આમ તો ચશ્માં નથી. બહાર નીકળે ત્યારે દૂરનાં ચશ્માં પહેરવાં પડે છે…. મામી, પ્લીઝ તમે આવી જાવ ને !’

અને મેં મુંબઈની પહેલી ગાડી પકડી- અમારા ભાણિયાભાઈનાં મમ્મી-પપ્પાને સમજાવવાં કે રાજ્જાને ગમી તે રાણી !

(શ્રી સુધા સોમણની મરાઠી વાર્તાને આધારે.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “અમારા ભાણિયાભાઈ ! – હરિશ્ચંદ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.