બાળક એક ગીત (ભાગ-૬) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો ઘણો અંશ આપણે જુદા જુદા ભાગ રૂપે (ભાગ-૧ થી ૫) અગાઉ માણ્યો છે. એ જ શ્રેણીમાં આજે વધુ એક લેખ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ સરનામે vasantiful@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.]
[૧૯]

ગઇકાલે મેં એક વેબસાઇટમાં જોયું કે ૧૫માં અઠવાડિયામાં ગર્ભનો કેટલો વિકાસ થયો હોય. ધીમું ધીમું પેટમાં દુખે છે. તારા હાથ-પગ તો આવી ગયા છે એટલી જગ્યામાં તને ફાવતું નહિ હોય એ સ્વાભાવિક છે. તને ટુંટિયું વાળીને સુવામાં તકલીફ પડતી હશે ને? મને ખબર છે એટલે જ તું વારે વારે હાથ-પગ હલાવે છે ને મને દુખે છે. હું’ય બહુ વાર બેસી રહું તો શરીર જાણે જકડાઇ જાય છે અને અંદર તારી પરિસ્થિતિ પણ કંઇ જૂદી તો નહિ જ હોય! તું બીજી કોઇ પણ ચિંતા કર્યા વગર અંદર જલસા કર. આમ પણ જ્યાં સુધી અંધારું હોય ત્યાં સુધી ઉંઘવાનું હોય એટલે તું શાંતિથી ઉંઘી લે. મને પણ આજકાલ એટલી ઉંઘ આવે છે કે થાય છે રાત પતે નહિ તો સારું. તારા પપ્પા વારે વારે મારા વધેલા પેટ તરફ જુએ છે ને મારી સામે હસે છે. આપણુ બબુ આપણુ બબુ એમ બોલ્યા કરે છે. સૌમિલકાકા અને ખુશ્બુકાકીએ તો તારા માટે એક ટેડિબીયર પણ લાવી રાખ્યું છે. ૧૫ અઠવાડિયાનું ગર્ભનું બાળક નારંગી જેટલું હોય. તેનું માથું વિકસી ગયું હોય અને હાથ-પગ વિકસી રહ્યા હોય. એટલે ગર્ભનું બાળક એલિયન જેવું જ લાગે. તું અત્યારે નારંગી જેટલું છે અને ધીમે…ધીમે… તડબૂચ જેટલું થઇ જઇશ. પછી મારા હાથમાં આવીશ.

કાલે રાત્રે હું ને તારા પપ્પા અમારે ભણવામાં આવતા પાઠ વિશે વાતો કરતા હતા. મારા જીવનમાં જો સૌથી વધુ પ્રભાવ રહ્યો હોય તો તે પુસ્તકોનો છે. સારા વાંચનથી સારો વિચાર જન્મે અને સારા વિચારાથી સારુ આચરણ કરતા થવાય.

અમારે ભણવામાં “સાચા બોલા હરણાં” શિર્ષકથી એક પાઠ આવતો હતો. જેમાં એક હરણ ફરતું હોય એ અને રસ્તામાં એને એક વાઘ મળે છે. એ વાઘ એને મારી ખાવા માંગતું હોય છે પણ હરણ વાઘને વિનંતિ કરે છે કે ઘરે મારા નાના બચ્ચાં એ તેમેને છેલ્લી વાર મળીને આવું પછી તું નિરાંતે મને ખા. વાઘને હરણની દયા આવે છે અને એ હરણને જવા દે છે. વાઘે તો આશા જ છોડી દીધી હોય છે કે હરણ પાછું આવશે. પણ આશ્ચર્ય કે થોડીવાર પછી તે હરણ વાઘ પાસે પાછું આવે છે. વાઘ તેને મારી નાંખતું નથી કારણકે તે સાચુ બોલી ને વચન પાળે છે. આ પાઠમાંથી હું સાચુ બોલતા શીખી. બીજો એક પાઠ આવતો હતો જેમાં ગાંધીજી કરકસર કેવી રીતે કરતા તે જણાવે છે. પેન્સિલનો નાનો ટૂકડો પણ લખવા માટે વાપરતા અને એક લોટી પાણીથી બ્રશ કરતા. આમાંથી હું કરકસરનો પાઠ શીખી. ચોથા ધોરણમાં “અવલોકન કરવાની ટેવ” શીર્ષક હેઠળ એક પાઠ આવતો હતો જે મને બહુ ગમતો. તેમાં રહસ્ય પણ હતું અને બુધ્ધિચાતુર્ય પણ. જેમાં એક ખોવાઇ ગયેલા ઊંટ વિશે એક માણસ માહિતી આપે છે જેણે અવલોકન કરીને એ ખોવાઇ ગયેલા ઊંટ વિશે અનુમાન કર્યું હોય છે. એમાંથી હું અવલોકન કરતાં શીખી. “ખરી મા” અને “લોહીની સગાઇ” એ મને લાગણીના પાઠ શીખવ્યા. ગણિતના દાખલા કર્યા પણ એટલી ગણત્રીબાજ સંબંધોની બાબતમાં નથી બની તેનો સંતોષ છે. ભણતા ત્યારે લાગતું કે આ બધુ ક્યાં યાદ રહેવાનું એ કે કામ આવવાનું છે. ત્યારે યાદ નહોતું રહેતું પણ આજે હજીયે યાદ છે.

આજે મેં એક કવિતા લખી….

દરરોજ સમયસર
૯ વાગે આવે
ને ૫ વાગે નીકળી જાય
મારા કૂંડાના
“ઓફિસ ટાઇમ”!

મને ઓફિસ ટાઇમના ફૂલ બહુ ગમે છે એ એકદમ કૂણા કૂણા હોય છે બિલકુલ તારા હાથ-પગ જેવા!

લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[૨૦]

કાલે રાત્રે હું ને તારા પપ્પા ત્રણ મહિના પછી ભરુચ આવ્યા. સવારે વહેલા ઉઠી બાગમાં ફર્યા. મેં તારા પપ્પાને પુછ્યું કે અર્ધનારેશ્વર એટલે શું? તારા પપ્પાને અર્ધનારેશ્વર એટલે શું એ ખબર નહોતી બોલ. પછી મેં ને તારા પપ્પાએ બાગમાં બેસીને ભગવાનની બહુ બધી વાતો કરી. શ્રી સરસ્વતી દેવી, શ્રી ગાયત્રીદેવી, શ્રી લક્ષ્મીદેવી, શ્રી શંકરભગવાન, શ્રી વિષ્ણુભગવાન બધાની તને ઓળખાણ આપી. અમે પ્રાર્થના કરી કે ભગવાન તને વિધા અને સદબુધ્ધિ આપે. વિધા હશે તો લક્ષ્મી આવશે જ અને સદબુધ્ધિ હશે તો આવેલી લક્ષ્મી સારા માર્ગે વપરાશે. માણસ પાસે સારા માર્ગે આવે ને સારા માર્ગે વપરાય તેને લક્ષમી કહેવાય અને ખરાબ રસ્તે આવે અને ખરાબ રસ્તે વપરાય તેને પૈસા જ કહેવાય.

હજી હું ને તારા પપ્પા ભરુચ જ છીએ. તારા પપ્પાને બહુ તાવ આવે છે. કાલે ડોક્ટર અંકલ પાસે લઇ ગયેલા. ડોક્ટર અંકલે બે દિવસ જોવાનું કહ્યું છે જો બે દિવસમાં સારું ન થાય તો ગ્લુકોઝના બોટલ ચઠાવવા પડશે. મેં બે દિવસથી સુધામૂર્તિનું પુસ્તક “સંભારણાની સફરે” વાંચવાનું શરુ કર્યું છે. એમાં સુધામૂર્તિએ દક્ષિણ ભારતના અંતરિયાળ ગામોમાં લોકોની જે અવદશા છે તેના વિશે લખ્યું છે. તારી કુશળતા ચાહું છું.

લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[૨૧]

કાલે હું ને તારા પપ્પા બીજા એક ડોક્ટરને વતાવવા ગયા હતા. તારા પપ્પાનું હિમોગ્લોબિન ખૂબ જ ઘટી ગયું છે. કદાચ હું તારા પપ્પાનું બહુ લોહી પીવું છું ને એટલે! ડોક્ટરે તારા પપ્પાને ચિંતા ન કરવા કહ્યું છે.

દિવસે દિવસે મારું પેટ વધતું જાય છે અમે બેસવામાં પણ તકલીફ પડે છે. આજે મારો રિપોર્ટ લેવા જવાનો છે અને બે દિવસ પછી બતાવવા જવાનું છે. આજે મારા ચશ્માનો એક ગ્લાસ નીકળી ગયો. જો હું આવા ચશ્મા પહેરું તો હિન્દી ફિલ્મના કાણા વિલન જેવી લાગું! આજકાલ મને ચિત્ર-વિચિત્ર કલ્પનાઓ આવે છે. ક્યારેક મને થાય છે કે ગીત, ગઝલ ને કવિતામાં ડૂબી જાઉં. મને લાગે છે કે ચોવીસ કલાક માત્ર પુસ્તકોની વચ્ચે જ રહું. ક્યારેક ઇન્ટરનેટ પર વાંચતી હોઉ છું ત્યારે લાગે છે કે આસપાસ જાણે એ વાતાવરણ ઉભુ થઇ જાય છે. જાણે એ નાટકનું સ્ટેજ હોય અને હું એમાંનું જ કોઇ પાત્ર હોઉ એવું લાગે છે. આજે મેં એક વાર્તા “જમણા હાથની પેલ્લી આંગળી” વાંચી, જે મને ખૂબ ગમી. આ વાર્તામાં એક રૂ કાંતતા માણસની વાત છે જેના માટે જમણા હાથની પહેલી આંગળી કેટલી મહત્વની છે તે દર્શાવ્યું છે. એક સામાન્ય માણસની જૂદી-જૂદી લાગણીઓને જમણા હાથની પહેલી આંગળી સાથે સરસ રીતે વણી લીધી છે.

આજે જમવામાં ટામેટાનો સૂપ અને કાંદા પૌંઆ છે. બહુ સરસ બન્યા છે.. તને તો અંદર જલસો પડી ગયો છે આજે ..હેં ને?

લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[૨૨]

મને લાગે છે કે તું બહાર આવીને બેકહામ બનવાનો / બનવાની છે. અંદર એકલા એકલા ફૂટબોલ રમવાની તને કેમની મઝા આવે છે તે મને સમજાતું નથી. મને તો રમત-ગમતમાં બહુ રસ નથી પણ તારા પપ્પા ને છે. તારા પપ્પા તો રાજ્ય કક્ષાએ બેડમિન્ટન પણ રમેલા છે.

ગઇ કાલે તારો ત્રીપલ માર્કર ટેસ્ટ લઇને ડોક્ટરને બતાવવા ગયા હતા. અંદર બધુ બરાબર છે. ચોથા મહિને તારું વજન ૧૬૨ ગ્રામ છે. ડોક્ટર અંકલે સોનોગ્રાફી પણ કરી અને હવે ઇંજેક્શન લેવાની જરુર નથી એમ કહ્યું છે. હવે ૩૦મી ઓક્ટોબરે ૩ડી સોનોગ્રાફી કરાવવાની છે. કાલે વરસાદ પણ જબ્બરજસ્ત પડયો. હું ને તારા પપ્પા વહેલા ઘરે આવી ગયા હતા પણ છતાં આપણી સોસાયટીમાં એટલું બધુ પાણી ભરાઇ ગયું હતું કે સોસાયટીના મંદિરમાં જ ગાડી મૂકીને પાણી ડહોળીને ઘરે આવવું પડ્યું. જનજીવન વેરવિખેર થઇ ગયું હોય એમ લાગે.

આજે ૫મી સ્પ્ટેમ્બર એટલે કે શિક્ષકદિન. શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા સારા અને સાચા શિક્ષકનો જન્મદિવસ અને આ દિવસને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. આપણા જીવનમાં શાળાથી લઇને કોલેજ સુધી સારા અને ખરાબ શિક્ષક આવે છે. અને દરેક પોતપોતાની એક ઊંડી છાપ છોડી જાય છે. ઘણીવાર એમના વાણી વર્તનની બાળક પર એટલી ગજબ અસર થાય છે કે બાળક શિક્ષક કહે તે ૧૦૦% સાચુ છે એમ માની લે છે.અને આવા સમયે શિક્ષકની જવાબદારી બેવડાઇ જાય છે. ગીતાબા પણ શાળામાં શિક્ષક હતા. ત્યારના કેટલાક અનુભવો એમણે મને કીધા છે. ક્યારેક કોઇ મા-બાપ ફરિયાદ કરે કે મારું બાળક બરાબર જમતુ નથી કે બહુ તોફાન કરે છે ત્યારે ગીતાબા બાળકને કહે કે “તું કાલે બરાબર જમ્યો નથી ને?” કે “તેં કાલે કેમ આટલું બધુ તોફાન કર્યું હતું?” મેં ઘરે ટીવીમાં જોયુ હતું…અને બાળક તો આશ્ચર્યમાં મૂકાઇ જાય કે મારા શિક્ષક ને આ કેવી રીતે ખબર પડી?

મારા જીવનમાં પણ એવા ઘણા સારા અને ખરાબ શિક્ષકો આવ્યા છે. સારા શિક્ષક વિધ્યાર્થીનું સારું ઇચ્છે તેમને સારા માર્ગે દોરે છે અને જીવનના ઉત્તમ મૂલ્યો વિશે સભાન કરે છે. મારા જીવનમાં બહુ ઓછા એવા શિક્ષકો છે જે ખરેખર વિધ્યાર્થીના હીતમાં કંઇ કરતા હોય. અમારા એક શિક્ષક હતા રમાબેન જે અમારા વર્ગશિક્ષક હતા. તે હંમેશાં ડફોળ બાળકને અપમાનિત કરતા અને હોંશિયારને બધુ સાચવતા. જો બધા જ એક સરખા હોત તો એમની જરુર રહે ખરી? અમારા ૧૦મા ધોરણના શિક્ષિકા ખુબ સુંદર હતા. અને એટલે જ બધા એમને રાણી કહેતા. જો તમે એમના વખાણ કરો તો તમે સારા પણ જો એમની ચંપલૂસી ન કરો તો તમે સારા નથી. ૯માં ધોરણમાં મારા એક શિક્ષક હતા ભગવતભાઇ ત્રિવેદી જે જીવનના મૂલ્યોથી અમને વાકેફ કરતા. બધે તો એવું હશે કે કેમ ખબર નથી પણ આજકાલના શિક્ષકો બાળકોને પ્રેમથી સમજાવવાની જગ્યાએ શિક્ષા કરે છે જે ક્યારેક બાળકને શારિરિક કે માનસિક નુકશાન કરે છે. જેના લીધે બાળકના મન પર સારા કે ખરાબની ઊંડી અસર પડે છે જે જીવનપર્યંત રહે છે. શિક્ષકે બાળકને શિખવાડવાનું હોય કે ગરીબ-અમીર, હોંશિયાર-ડફોળ, સુંદર-બેડોળ એવા ભેદભાવ ન રાખવા જોઇએ પણ જ્યારે શિક્ષક જ પોતે તેવું કરતા હોય તો બાળકને શું શિખવાડી શકે? મારા ૧૧માં ધોરણના અકાઉન્ટના શિક્ષક હતા યજ્ઞેશભાઇ શાહ. એમણે અમને અકાઉન્ટ શિખવાડતા પહેલાં જ એક વાક્ય અમારી નોટમાં લખાવ્યું હતું

“ભણે ગણે તે નામું લખે
ન ભણે તે દીવો ધરે!”

આ વાક્ય જીવનમાં જ્ઞાનનું મહત્વ સમજાવે છે. મને આ વાક્ય બહુ ગમી ગયેલું. ખરેખર સરસ છે ને આ વાક્ય?

લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[૨૩]

પાંચમો મહિનો શરુ થઇ ગયો છે પણ તેં હજી લાતો મારવાનું શરું કર્યું નથી. આજે સાંજે તારા પપ્પાને કીધું તો તે હસવા લાગ્યા કે હજી એનું વજન અને કદ એટલા ક્યાં છે તે તને લાતો મારવાનું શરુ કરે? મને લાગે છે કે મારામાં ધીરજ નથી.

આજે સવારે મેં વિચાર્યું કે આપણા નવા ઘરની બાથરુમમાં કાચના અલગ-અલગ ખાના બનાવીશ અને એક ખાનામાં જાતે બનાવેલી મિણબત્તી મૂકીશ. બાજુમાં ફરવાળા રુમાલ પણ રાખીશ. તને જો નાહવાનું ગમતું નહી હોય તો હું એ રુમાલના જુદા-જુદા પ્રાણીઓ બનાવીશ અને તને નાહવા માટે રાજી કરી લઇશ. એ રીતે તને અલગ-અલગ પ્રાણીઓનો પરિચય પણ થઇ જશે અને તારે એકે પ્રાણીઓના નામ ગોખવા નહિ પડે. શિયાળામાં તને રાત્રે નવડાવીને કાર્ટૂન વાળો નાઇટ ડ્રેસ પહેરાવીશ. અને જો તને રાત્રે નાહવાનું નહિ ગમે તો તને કહીશ કે જેમ કેંડલ લાઇટ ડીરન હોય તેમ આપણે કેંડલ લાઇટ નાહ્વાનું. મને લાગે છે કે તને એમાં બહુ મઝા આવશે….હે ને, લગાવ તાળી! તારા પપ્પાને આ બધુ કીધું તો એ આશ્ચર્યચકિત થઇ ગયા. મને પૂછવા લાગ્યા કે તું આપણા બબુ માટે આટલું બધુ કરવાની છું?? લે બોલ હવે તારા માટે નહિ કરું તો કોના માટે કરીશ..ખરી વાત એ ને મારી??

લિ.
તારી વ્હાલી મમ્મી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અમારા ભાણિયાભાઈ ! – હરિશ્ચંદ્ર
હું કટાક્ષ લેખક નથી… – ડૉ. મૌલેશ મારૂ Next »   

7 પ્રતિભાવો : બાળક એક ગીત (ભાગ-૬) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

 1. shweta says:

  very nice. i m enjoying ur writing vey much………..

 2. Atit says:

  Bored to write this below your each article ;o) –

  Enjoyed reading.. Wonderful writing… Keep up good work…

  When this is published as a book, keep one copy reserved for me plz…

 3. JAYSHREE SHAH says:

  VERY NICE.

 4. Pranali Desai (usa) says:

  Your articles remind me of my pregnancy days. Beautifully written. Keep up the good work.

 5. Devina Sangoi says:

  Dear hiral ben its difficult to express u r feeling in words while being pregnant ,gr8 job,we do communicate wit our baby in womb, gd u wil also hv memories on paper

 6. Mansi Thaker says:

  VERY BEAUTIFUL….
  Specially these pregnancy time we(me & my baby)enjoying your writing.

 7. Mamtora Raxa says:

  બાળક સાથેનો સંવાદ ખૂબ જ જીવંત અને આબેહૂબ વાસ્તવિક લાગે છે. ખૂબ જ સરસ
  વાર્તા.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.