હું કટાક્ષ લેખક નથી… – ડૉ. મૌલેશ મારૂ

[ રીડગુજરાતીને આ હળવો રમૂજી લેખ મોકલવા માટે શ્રી મૌલેશભાઈનો ખૂબ ખૂબ આભાર. તેમનો પ્રસ્તુત લેખ અગાઉ ‘નવચેતન’ સામાયિકના માર્ચ-૧૯૭૬ના અંકમાં સ્થાન પામેલ છે. આપ તેમનો આ સરનામે marumaulesh@yahoo.com સંપર્ક કરી શકો છો.]

થોડા દિવસ પહેલાં સવારના પહોરમાં હું છાપું વાંચતો હતો ત્યાંજ અમારા પાડોશી ની પધરામણી થઇ. તેમને જોઈને હું ખુશ ખુશ થઈ ગયો. એકદમ આવકાર આપતાં કહ્યું : ‘આવો ! આવો ! અત્યારના પહોરમાં તમે ક્યાંથી ?’તેઓ કહે ‘Sorry, તમને સવાર ના હેરાન કર્યા. મારે જરા છાપું જોવું છે.’ મેં કહ્યું : ‘વાહ વાહ એમાં શું હેરાનગતી ! લ્યો, જુઓને ,એ તો તમારો હક્ક છે.’ તેઓએ ઊભાઊભા છાપું જોઈ લીધું અને બે કે ત્રણ મિનિટ માં મને પાછું આપતા કહે –’લ્યો Thank You” મેં કહ્યું બસ વાંચી લીધું ?’ તો કહે ‘મારે છાપું નહોતું વાંચવું પણ એક પરિણામ જોવું હતું . અમારે ત્યાં છાપું જરા મોડું આવેછે.’ મેં કહ્યું: ‘એમાં શું ? રોજ આવો તો પણ શી હરકત છે ?’ પછી આગ્રહ કરતાં કહ્યું: ‘બેસો તો ખરા ! ચા પાણી પીને જાઓ.’ તો કહે ‘અરે ના રે ના, સવારના પહોરમાં કોઈને હેરાન કરાય?’ અને ફરીથી Sorry કહીને ચાલ્યા ગયા !

હું તેમને લોટરીની ટિકિટનો એકાદ નંબર જ પાછળ રહી ગયો હોય તેવા માણસ જેવા ચહેરે જોઈ રહ્યો. બે ત્રણ મિનિટ એમ ને એમ બેઠો હોઈશ ત્યાં તો એકદમ મારી બેબીએ બૂમ મારી : ‘મમ્મી, મમ્મી , પપ્પા ને કંઈક થઇ ગયું છે.’ એની બૂમ સાંભળીને બેબીની મમ્મી અને બેબીના દાદા દાદી બધાં આવી ગયાં અને હેતથી પૂછવા માંડ્યા,’કેમ ભાઈ, શું થયું ? કેમ સુનમુન બેસી ગયો?’ મેં કહ્યું : ‘જે કાંઈ થોડું ઘણું થયું હતું તેમાં તમે લોકોએ વધારો કર્યો.’ મારાં માતુશ્રી તો ગળગળા થઇ ગયાં : ‘કેમ ભાઈ અમે શું કર્યું ?’ મેં કહ્યું : ‘કોઈ કટાક્ષ લેખક ની આવી સારી સ્થિતિ હોતી હશે ખરી ?’ તેઓ કાંઈ સમજ્યાં હોય તેમ લાગ્યું નહીં , તેમને કેવી રીતે સમજાવું કે પાડોશી છાપું જોવા આવ્યો ત્યારે લાયલાએ મજનુના પ્રેમનો સ્વીકાર કર્યો અને મજનુને જે આનંદ થયો હશે તેવો જ આનંદ મને થયેલો કારણ લખવાનું શરુ કર્યું ત્યારથી આજે પહેલી જ વખત પાડોશી છાપું માગવા આવ્યો, હું મને કટાક્ષ લેખક તરીકે ઓળખાવું છું પરંતુ એ માટે એક પણ શરત પૂરી થતી નથી.

કટાક્ષ લેખક થવા માટે સૌ પ્રથમ જરૂરીઆત એ છે કે તમારે એક પાડોશી એવો હોવો જોઈએ કે જે રોજ તમારું જ છાપું વાંચે, તમારી ચા પીએ, તમારી સવાર બગાડે અને છતાં તમારાં કુટુંબીજનો પાસે તમને હલકા પાડે. તમે ખૂબ ઉચ્ચ કક્ષાના કટાક્ષ લેખક હો તો આ પાડોશીમાં વધારે એક ગુણ એવો હોવો જોઈએ કે તમારા ઘરની ખરીદીમાં તે માથાકુટ કર્યા કરે. તમે કોઈ વસ્તુ લઇ આવો તેની ટીકા કરે એટલું જ નહીં પણ એકાદ એવી વસ્તુ તમને લઇ આપે, જે તમારા પૈસાનું પૂરું પાણી કરતી હોય ! મારે આવો એક પણ પાડોશી નથી. તેમાં પહેલી વાર પાડોશીની પધરામણી થાય, છાપું માંગે અને એકદમ સૌજન્ય બતાવીને ચાલ્યો જાય ત્યારે કટાક્ષલેખક તરીકેની ખ્યાતિ હાથમાંથી ચાલી ગઈ હોય તેમ ન લાગે ? અને સામાન્ય રીતે જે કટાક્ષ લેખકે ઘરમાં હડધૂત થવું જોઈએ તેને પ્રેમથી બધા પૂછે કે શું થયું ભાઈ ? ત્યારે કેવી પરિસ્થિતિ થાય ? ખૂબ આગળ આવી ગયેલા હાસ્યલેખકોના પોતાના ગુણદોષ, ખાસ કરીને દોષ વર્ણવતા લેખો વાંચ્યા પછી હું એવા અનુમાન પર આવ્યો છું કે મારામાં કટાક્ષ લેખક થવાનો એક પણ ગુણ નથી.

કટાક્ષલેખક થવા માટેની એક અગત્યની જરૂરીઆત એ પણ છે કે તેણે ખૂબ દુબળા હોવું જોઈએ અથવા એકદમ સ્થૂળકાય. એમાં પણ માથે ટાલ હોય કે નાની ઉંમર થી જ વાળ સફેદ થઇ ગયા હોય તો જુઓ મઝા ! કંઈપણ પૂછ્યા ગાછ્યા વગર સમજી લેવું કે અવ્વલ નંબરના કટાક્ષ લેખક ને તમે મળી રહ્યા છો . ટૂંકમાં માનસિક જ નહીં પણ શારીરિક સ્થિતિથી પણ જેને જોઇને હસવું આવે તે ખરેખરો કટાક્ષ લેખક સમજવો.

કટાક્ષ લેખક થવા માટે એક જરૂરીઆત ‘સાસુ’ ની પણ હોય છે. તે પણ એવી સાસુ કે જેના ઈશારા માત્ર થી ‘સસરા’ની છાતીના ધબકારા વધી જતા હોય. સાસુ જો સ્થૂળકાય હોય ને તે એકાદવાર ખુરશીમાં બેસે ત્યારે ખુરશી તૂટી પડે તો તેના જેવો નસીબદાર કોઈપણ લેખક ન કહેવાય. ઘણી વખત કટાક્ષ લેખકે ખૂબ મોટું કાર્ય પાર પાડ્યા પછી, ખૂબ નાનું પરીણામ મેળવ્યું હોય તો તે લેખક પણ ખ્યાતિ પ્રાપ્ત કરેછે. એક મારા મિત્ર આ રીતે છેક ચંદ્ર પર જઈ આવેલા અને ત્યાંથી પાછા આવ્યા ત્યારે નોકરીઆતો માટે માત્ર ‘રજા’ જ લેતા આવેલા.

સામાન્ય લોકોને ન થાય તેવા અનુભવો પણ તમને થાય તો તમે ખુબ ઉચ્ચ કક્ષાના કટાક્ષ લેખક તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી શકો. એકવાર મરણીયા થઈને મેં પણ આવા અનુભવી કટાક્ષ લેખક થવાનો પ્રયત્ન કરેલો. એક ખૂબ પ્રખ્યાત લેખકનો અનુભવ વાંચવા મળ્યો. તેઓ ટ્રેઈનમાં મુસાફરી કરતા હતા. ડબ્બા માં ખુબ ભીડ હતી તેમાં તેમને પગમાં ખરજ આવવા માંડી, માંડ્યા ખણવા પણ ખરજ મટે નહીં. થોડી વારે બાજુવાળાએ કહ્યું ‘ભાઈ, તમે મારા પગને ખણો છો, હવે મને પગમાં બળતરા થાય છે.’ લેખકે ગુસ્સે થઈને પૂછ્યું, ‘હું તમારા પગને ખણતો હતો તો પહેલાં કહેવું જોઈએને ?’ જવાબમાં પેલા ભાઈ એ કહ્યું કે ‘શરૂઆત માં મને મઝા આવતી હતી.’ તેમના અનુભવ પરથી પ્રેરણા મેળવીને, એકવાર હું વડોદરા થી અમદાવાદ આવતો હતો, ડબ્બામાં ખુબજ ભીડ હતી અને काक तालीय ન્યાયની જેમ બરાબર એ વખતે ગોઠણથી સહેજ નીચે પગના પાછળ ના ભાગમાં મને ખરજ આવવા માંડી.

મને વિચાર આવ્યો કે જો હું મારા પગને ખણું તો અનુભવ નહિ મળે એટલે બીજા કોઈના પગે જ ખણવું જોઈએ. એટલે ગીરદીમાં હાથ નાખીને માંડ્યો ખણવા, પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે મારો હાથ મારા જ પગને ખણતો હતો . આટલી ભીડમાં પણ હાથ પગ ને કેવીરીતે ઓળખી શક્યો તે નવાઈ લાગી. બે-ત્રણ વખત પ્રયોગ કર્યો પણ એ જ પરિણામ આવ્યું. છેવટે અમદાવાદ નજીક આવ્યું ત્યારે મરણીયો પ્રયત્ન કર્યો અને બીજાના પગે ખણ્યું પરંતુ તે બીજો પગ કોઈ બહેનની માલિકીનો હતો તેથી નજીક આવેલું અમદાવાદ આઘું પડી ગયેલું. પરંતુ એટલો સંતોષ જરુર થયો કે મારો હાથ હંમેશાં યોગ્ય પગની જ પસંદગી કરે છે. ત્યારબાદ આવા અનુભવો મેળવવાનું કાર્ય અત્યંત જોખમી લાગવાથી બંધ કર્યું. કટાક્ષ લેખકનો આવકારદાયક ગુણ તેની સત્યપ્રિયતા છે. પોતે જો હોશીયાર હોય તો વટથી હોશીયાર કહેવડાવે અને “ઠોઠ” હોય “ઠોઠ નિશાળીયો“ કહેવડાવવામાં તેને નાનામ ન લાગે. કટાક્ષ લેખનનું વાંચન પણ વિશાળ હોવું જોઈએ. મનોવિજ્ઞાન , ફીલોસોફી, વિજ્ઞાન, રાજકારણ,અર્થશાસ્ત્ર, સંગીત વગેરે બધાજ વિષયનો એ નિષ્ણાત હોવો જોઈએ. એટલુંજ નહિ પણ આ ક્ષેત્રોમાં તેને મૌલિક પ્રયોગો પણ કર્યા હોવા જરૂરી છે. હવે તો ક્રાંતિકારી અને શક્તિશાળી કટાક્ષ લેખકો પણ અસ્તિત્વમાં છે. હિન્દી સાહિત્યના એક કટાક્ષ લેખકે હમણાં માછલી પકડવાની જાળમાં “સાતમો કાફલો“ પકડી લીધેલો તેમ જાણવા મળ્યું છે.

છેલ્લે, કટાક્ષ લેખક ની એક આગવી શક્તિ એ પણ હોવી જોઈએ કે તેને લાગે કે હવે પોતે આ ક્ષેત્ર માં જૂનો થવા માંડ્યો છે કે તુર્તજ કોઈ સારા માસિકમાં વાંચકોના સણસણતા સવાલો ના ખણખણતા જવાબો આપવા બેસી જવા જેટલી આવડત તો હોવી જ જોઈએ .
મને લાગે છે કે મારામાં ઉપર વર્ણવેલા એક પણ ગુણ નથી અથવા માનવ સહજ અવગુણો મારામાં પણ છે એમ જાહેરમાં દર્શાવી સમાજ ને સાહજીક રીતે યોગ્ય માર્ગદર્શન આપવાની મારામાં શક્તિ નથી તેથી જ હું કટાક્ષ લેખક નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “હું કટાક્ષ લેખક નથી… – ડૉ. મૌલેશ મારૂ”

Copy Protected by Chetan's WP-Copyprotect.