હસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૧) – અરવિંદ પટેલ

[ આજના સમયમાં લગ્નને લગતાં અનેક વિકટ પ્રશ્નો છે. ખુદ લગ્નસંસ્થાને પ્રશ્નાર્થચિન્હ લાગી જાય એવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યાં છે. આ સમયમાં યુવાપેઢીને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી સુરતના સર્જક શ્રી અરવિંદ ભાઈએ એક સુંદર લેખમાળા લખી છે, જેને આપણે સમયાંતરે અહીં માણતાં રહીશું. આજે તેમાંનો એક અંશ પ્રકાશિત કર્યો છે. રીડગુજરાતીને આ લેખો મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે abpatel50@gmail.com અથવા આ નંબર પર +૯૧ ૯૪૨૭૧૦૭૬૨૭ સંપર્ક કરી શકો છો.]

પ્રાસ્તાવિક :

gujarati-weddings-4પોતાનું સંતાન ઉંમરલાયક થાય એટલે માતાપિતાને પોતાના પુત્રપુત્રીને પરણાવવાની જીવનની સહુથી મોટી ચિંતા શરુ થાય. સંતાનની ઉંમર વધતી જાય તેમ તેમને માટે યોગ્ય પાત્ર શોધવાની ઉતાવળ સમજી શકાય એવી છે. પરંતુ બેબાકળા થઈ બહાવરા બની યોગ્ય પાત્ર શોધવાની અતિશય ઉતાવળ અને ધીરજનો અભાવ, તેમજ પોતાની પ્રતિષ્ઠા, ઈજ્જતને પોતાના સંતાન કરતાં પણ વધુ મહત્વ આપવું, સંતાનની પસંદગીના પાત્રની પસંદગીની ઉપેક્ષા કરવી વગેરે બાબતો સગપણના સંબંધને જોખમમાં મૂકી શકે છે, લગ્ન થયાં હોય તો તૂટી જવાની અણી પર આવવાની શક્યતા વધી જાય છે. વધુ ભણતર અભ્યાસના કારણે હવે બાળકોમાં પોતાના હક, અધિકાર, સ્વતંત્રાની ભાવના વિશે જાગૃતિ આવતી જાય છે. સાથોસાથ અસહિષ્ણુતા, અધીરાઈ, અવિશ્વાસ અસલામતીના ભાવના કારણે સમસ્યાનું યોગ્ય સમાધાન સાધી શકાતું નથી. સમયના વહેણ સાથે બદલાયેલા સામાજિક મૂલ્યો અને તે પ્રત્યેની બદલાયેલી દ્રષ્ટિ, બદલાયેલા સામાજિક સંદર્ભો, રીતરીવાજ, માન્યતાઓમાં, પરંપરાઓમાં આવેલાં પરિવર્તન સાથે સગાઈ થયાના ટૂંક સમયમાં જ સગપણ તુટવાના, લગ્ન થયાં પછી સંતાન પ્રાપ્તિ પછી પણ છુટા પડવાના બનાવોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવા બાબતે માતાપિતાની અસહમતીના કારણે આત્મહત્યા સુધી દોરી જતાં બનાવો, તેમજ માતાપિતા પોતાના શાન શૌકત, ઈજ્જત, પ્રતિષ્ઠાને હોડમાં મુકનાર પોતાના સંતાનનું ઓનર કિલિંગ વગેરે બાબતો સમાજ માટે ચિંતાનું કારણ બનવી જોઈએ.

તો બીજી બાજુ લગ્નના બંધનમાં બંધાયા વગર ‘લીવ ઇન રિલેશનશિપ’ના કરાર હેઠળ સહજીવન જીવવા માટેના કિસ્સા પણ ધ્યાન ખેંચી રહ્યાં છે. તેજ રીતે આંતરજાતીય, આંતરજ્ઞાતિય, કે આંતરધર્મીય લગ્ન બાબતે પણ જોવાં મળતી ક્યાંક થોડી ઘણી ઉદારતાને કારણે દેખાતું આશાનું કિરણ વગેરે બાબતોને ધ્યાનમાં રાખી સગપણના સંબધમાં જોડાતા પહેલા અને લગ્નજીવનના બંધનમાં બંધાતા અગાઉ ધ્યાનમાં રાખવા જેવા વિવિધ પાસાઓનું, કેટલીક સમસ્યાઓનું, રાખવા જેવી કેટલીક તકેદારીનું અહીં નિરૂપણ કરી, ચર્ચા કરી માતાપિતાની પોતાના ઉંમરલાયક સંતાનની સગપણ લગ્ન સંબંધી ચિંતા થોડી હળવી થઈ શકે તે માટે, સમસ્યા સર્જાય તે પહેલા રાખવા જેવી કેટલીક થોડી આગોતરી સાવધાની બાબતે થોડા સાવધ કરવા જેથી ભવિષ્યમાં થનાર નાના મોટા નુકશાનમાંથી કંઇક અંશે ઉગરી શકાય, આ અંગેની મારી સમજણ, નિરક્ષણ, કે પછી જોયેલું, જાણેલું, સાંભળેલું, અનુભવેલુંના નિચોડરૂપે પ્રાપ્ત થયેલું થોડુંઘણું જ્ઞાન કદાચ માર્ગદર્શક બની શકે એજ આ લખાણ પાછળનો ઉદ્દેશ, નમ્ર પ્રયાસ માત્ર.

આપનો આ બાબતે યોગ્ય પ્રતિભાવ, પ્રતિક્રિયા, અભિપ્રાય, અનુભવ, સુચનો સગપણ લગ્ન જેવી સાંસારિક સમસ્યાના હલ માટે વધુ સુચક માર્ગદર્શક બની શકે. કહેવા યોગ્ય વાત યોગ્ય રીતે ના કહેવાય હોય, સમસ્યાનું નિરૂપણ યોગ્ય રીતે ના થયું હોય એ મારી મર્યાદિત સમજણ કે જ્ઞાનના કારણે હોય શકે. આ લખાણમાં જે કઈ પણ ત્રુટી હોય, કદાચ કોઈ હકીકત દોષ હોય તો તેની અવગણના કરી આ લખાણ પાછળના હાર્દને સમજી આપનો મહામુલો અભિપ્રાય મારી સમજણને મર્યાદાને, દોષને સમજવામાં, સુધારવામાં વધુ મદદરૂપ થઈ શકશે!

લિ. અરવિંદ પટેલ ‘પ્રભુ પ્રેરણા’

.
[ જોજો, રીંગ સેરિમની ક્યાંક રોંગ સેરિમની ન થઈ જાય ! ]

પોતાના સંતાને પૂરતું ભણી લીધું હોય, છોકરો હોય તો પોતાના પગપર ઉભો રહેવા માંડ્યો હોય, સારું કમાવાનું શરુ કરી દીધું હોય એટલે સમજી લેવાનું કે આપણા પુત્ર કે પુત્રી પરણવા માટે ઉમરલાયક થઈ ગયા છે. એટલે દરેક માતાપિતાની ચિંતા પોતાના સંતાન માટે લગ્ન પહેલા સગાઈ કરવા યોગ્ય છોકરો કે છોકરી શોધવાની હોય. પોતાના પુત્ર કે પુત્રી માટે તેના ભણતર પ્રમાણે, પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે, સમાજમાં પોતાના કુટુંબના માનમોભા પ્રમાણે યોગ્ય પાત્ર શોધવાની દોડધામ શરુ થઈ જાય. યોગ્ય પાત્ર શોધવામાં ઘણીવાર વર્ષો પણ નીકળી જાય, નસીબ સારા હોય તો જલદી સારું પાત્ર પણ મળી જાય. ગ્રહો અને કુંડળીના ચક્કરમાં વર્ષો સુધી અટવાયા કરો એવું પણ બને. ઘણીવાર છોકરા છોકરી પોતાનું પાત્ર પોતે શોધી પણ લે. માતાપિતા ઉદાર વિચારવાળા હોય, જ્ઞાતિ જાતીનો બાધ ના નડતો હોય તો પોતાના પરિવારમાં ખાસ કોઈનો વિરોધ ના હોય તો પુત્ર કે પુત્રીના પ્રેમ સંબંધને સ્વીકારી લઇ બે પરિવાર સાથે મળી સંમતિથી લગ્ન માટે તૈયાર પણ થઈ જતાં હોય છે. ઘણીવાર થોડી આનાકાની પછી થોડા વિરોધ પછી પણ આ પ્રેમ સંબંધને સંમતિની મહોર લાગી જતી હોય છે. છોકરા છોકરી જોવાય ગયા, એકબીજાને પસંદ પડી ગયા, બંને પરિવારને પણ અનુકૂળ લાગવાથી સગપણ નક્કી થઈ ગયું એટલે ચાલો હવે રીંગ સેરિમની પણ કરી નાખ્યે! પણ જો જો હાં, ઉતાવળમાં આ રીંગ સેરિમની રોંગ સેરિમની ન થઈ જાય! ઉત્સાહમાં રીંગ સેરિમની ધામધૂમથી ઉજવાય જાય! સગાવહાલાં, મિત્રો વગેરેને બોલાવીએ, અઢળક ખર્ચો કરી નાખીએ પછી ધીરે ધીરે એવી સ્થિતિ, સંજોગો સર્જાય કે સગપણ ફોક કરવાનો વારો આવે, થોડી હોહા પણ થાય, બદનામી પણ થાય, કરેલો ખર્ચો પાણીમાં જાય તે વળી જુદું! અને છોકરા કે છોકરીને ફરી ઠેકાણે પાડવા નવેસરથી ફરી કસરત શરુ થઈ જાય! અગાઉ થયેલી ભૂલો ફરી ન થાય તેની કાળજી પણ રાખવી પડે. ઘણીવાર એવું બને છેકે ખુશાલીના અતિરેકમાં આવેશમાં આવી બધી બાબતોમાં લેવાવી જોઈતી તકેદારી નથી લેવાતી, તેથી થાય છે પછી ફજેતી! મોટેભાગે ભવિષ્યમાં લગ્ન સંબંધથી જોડાવા માંગતા બે પાત્રો અને તેમના કુટુંબીજનો, પરિવાર એકબીજાથી અપરિચિત હોય છે. ધીરે ધીરે એકબીજાના ઘરે અવરજવર શરુ થવાથી એકબીજાના ઓળખાણ પરિચય ગાઢ થાય છે.

સગપણથી લગ્ન સુધીનો ગાળો એટલે છોકરા છોકરી માટે સંવનનકાળ, એકબીજાને સમજવાનો, ઓળખવાનો, પરિચય કેળવવાનો સમય, એકબીજાની ખામીઓ, ખૂબીઓ, ખાસિયતો જાણવાનો સમય. બંને એકબીજાને લગ્ન પછી અનુકૂળ આવશે કે નહીં તે માટેનો ક્યાસ કાઢવાનો સમય, બંને કુટુંબો આજીવન સંબંધ જાળવી રાખવા સમર્થ છે કે કેમ તે જાણવાનો સમયગાળો, તેથી જ આ સમય ગાળો અત્યંત મહત્વનો કહી શકાય. જો આ સમયગાળા દરમ્યાન બંને પક્ષોને કે બેમાંથી એકાદ પક્ષને પણ જો એમ લાગે કે આ સાથ આજીવન નિભાવી શકાય એવો નથી તો ઝાઝી હોહા કર્યા વગર સગપણ ફોક કરી છુટા પડી શકાય છે. આ રીતે છુટા પડવાના કારણો, સંજોગો અનેક હોય શકે. ઘણીવાર નાની બાબતો, હકીકતો, વાતો ભેગી થઈને કે કોઈક ગેરસમજ થવાના કારણે છુટા પડવા માટેનું એક મોટું બહાનું કે કારણ સર્જી શકે છે, ત્યારે થાય છે કે આ તો રીંગ સેરિમની રોંગ સેરિમની થઈ ગઈ! આ બાબતે શરૂઆતથી જો થોડી સાવધાની, સતર્કતા, સજાગતા, તકેદારી રાખવવામાં આવે તો રોંગના બદલે રાઈટ સેરિમની બનાવવાનું આપણા હાથમાં જ છે. હવે આવી પરિસ્થિતિ સંજોગો કેવી રીતે ઊભા થાય છે, નિર્માણ થાય છે તેને અંગ્રેજી શબ્દ ‘આર’થી શરુ થતાં શબ્દોમાં જોઈએ.
આ શબ્દો છે….. રીચ(Rich), રાઈટ(Right), રિસ્પેક્ટ(Respect), રિસ્પોન્સ(Response), રીપ્લાય(Reply), રીલાયેબીલીટી(Reliability), રિલાયન્સ(Reliance), રીકગ્નીશન(Recognition), રિજેકશન(Rejection), રિસ્પોન્સિબિલિટી(Responsibility), રીલક્તંત(Reluctant), રિવેન્જ(Revenge), રિયાલિટી(Reality), રાઈટ રોંગ(Right wrong), રીલેક્ષ(Relax), રિગ્રેટ(Regret), રોમેન્ટિક(Romentic), રીઝર્વ(Reserve), રીલેશન(Relation), રીટર્ન(Return), રોંગ ઇન્ફર્મેશન(Wrong information) આ શબ્દોના અર્થનો સંદર્ભ જાણી વધુ સારી રીતે સમજવા પ્રયત્ન કરીએ.

[૧] સર્વપ્રથમ શબ્દ છે રીચ… તેનો સામાન્ય અર્થ થાય પૈસેટકે સુખી હોવું સમૃદ્ધ હોવું. મોટેભાગે દરેક છોકરીના માતાપિતા એવું ઇચ્છતા જ હોય કે સાસરું પૈસેટકે સુખી હોય, આર્થિક રીતે સમૃદ્ધ હોય, જેથી દીકરીને સાસરે કોઈ આર્થિક તકલીફનો સામનો ન કરવો પડે. આવી તકેદારી રાખવી એમાં કંઈ ખોટું પણ નથી પણ આર્થિક સમૃદ્ધિની સાથોસાથ જે ઘર પરિવાર કુટુંબ સાથે સંબંધ બંધાય છે તે બંને પક્ષો સદગુણોથી પણ સમૃદ્ધ, સંપન્ન(રીચ) હોય, કોઈ વ્યસન ન હોય, એવાં ખાસ કોઈ મોટા દુર્ગુણો, કે અવગુણો ન હોય સુશિક્ષિત હોય, સંસ્કારી હોય, સ્વભાવથી સૌમ્ય હોય, વિનય, વિવેક, વિનમ્રતાથી સભર હોય. એકબીજાનું સન્માન જાળવે તેવા હોય જેથી સંબંધો ખુબ જ સહજતાથી, સરળતાથી નિભાવી શકાય. સુખ, શાંતિ સમૃદ્ધિની અનુભૂતિ થાય એવાં રીચ હોય!

[૨] રાઈટ…. આનો અર્થ થાય બરાબર હોવું, યોગ્ય હોવું, સાચું હોવું. રીંગ સેરીમનીને જો રાઈટ સેરિમની બનાવવી હોય તો સહુ પ્રથમ ધ્યાન એ રાખવાનું કે સગપણની વાતો માટે બે પરિવાર વચ્ચે જયારે વાતચીત ચાલે ત્યારે બંને પરિવારોએ પોતાના પરિવાર સંબંધી તેમજ પોતાના સંતાનને લગતી તમામ સાચી હકીકત, યોગ્ય માહિતી યોગ્ય રીતે, નિખાલસતાથી આપવી જોઈએ, જેથી પાછળથી કોઈ ગેરસમજને અવકાશ નહીં રહે. બંને પરિવારોએ પોતાની સામાન્ય આર્થિક પરિસ્થિતિ, ભણતર, ઉંમર, શારીરિક, માનસિક ખામી વગેરે જેવી તમામ જરૂરી પ્રાથમિક માહિતી સાચી અને યોગ્ય રીતે શરૂઆતમાં જ જણાવી દેવી જોઈએ, પૂછવામાં આવેલી માહિતીનો બરાબર જવાબ આપવો જોઈએ, મનમાં કોઈ શંકા જણાય તો માહિતી પૂછવામાં કોઈ સંકોચ પણ ન રાખવો જોઈએ. જરૂરી બધી જ માહિતી, સ્પષ્ટતા કોઈ પણ જાતના સંકોચ વિના માંગી લેવી જોઈએ કે પૂછી લેવી જોઈએ. જે રીંગ સેરિમનીને રાઈટ સેરિમની બનાવી લગ્નના માંડવા સુધી લઇ જઇ શકે છે. જો પાછળથી છુપાવવામાં આવેલી માહિતીની જાણ થાય ત્યારે સામા પક્ષને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું લાગી શકે છે. તેને કારણે સગપણનો સંબંધ તૂટવાની શક્યતા રહે છે.

[૩] પછી આવે છે રીસ્પેક્ટ… તેનો અર્થ થાય સન્માન આપવું અને મેળવવું, સન્માન આપવાથી એકબીજાને વધુ સારી રીતે ઓળખી શકાય છે, સમજી શકાય છે, ઘણીવાર એવું જોવાં મળે છે કે જો છોકરી ખુબ જ મોટા ઘરની હોય, સાધનસંપન્ન સુખી પરિવારની હોય અને છોકરાનું ઘર સામાન્ય હોય તો તે પરિવારનું કે છોકરાનું પણ જોઈએ એવું સન્માન જાળવવામાં નથી આવતું. કોઈ વાર એવું પણ જોવાં મળે કે નવા સંબંધો હોય થોડી એકબીજાથી અસલામતી અનુભવતા હોય, તેથી મનમાં થોડો ઘણો અવિશ્વાસ રહેતો હોય જેને કારણે એવું થાય છે કે બંને પાત્રો તેમજ કુટંબ એકબીજા પર જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરતાં રહે છે, જેને લીધે પણ સન્માન જળવાતું નથી. સન્માન ન જાળવવાના કારણે સામા પક્ષનો અહં ઘવાય છે. આ પણ એક સગાઈમાંથી છુટા થવાનું કારણ હોય છે.

[૪] રિસ્પોન્સ…એટલે પ્રતિભાવ આપવો. સગાઈ પછી બંને પરિવાર, તેમજ છોકરા-છોકરી એકબીજાની નજીક આવતાં હોય છે, જેથી એકબીજાની ઓળખ, પરિચય ગાઢ બને. પરંતુ જો વાર તહેવારે, સારામાઠા, શુભ પ્રસંગોએ આમંત્રણ પાઠવતા એકબીજાના ઘરે આવવાનું જવાનું થતું હોય છે ત્યારે ઘણીવાર આવા પ્રસંગોએ કંઇક બહાનું કાઢી જવા આવવાનું ટાળવામાં આવે, અને આવું વારંવાર બને ત્યારે, તેમજ છોકરા છોકરી પ્રસંગોપાત મળવાનું કે બહાર ફરવા જવા માટે, બધી અનુકુળતા હોવાં છતાં ટાળતા હોય ત્યારે, તેમજ બંને પરિવારના કુટુંબીજનોને મળવાનું થાય ત્યારે જો તેમને યોગ્ય આવકાર ન મળે તો અવગણના થતી હોય એવું લાગે છે, કદાચ એવું માનવાને કારણ પણ મળી જાય કે આ સંબંધ પરાણે જોડાયેલો છે કે ગોઠવાયેલો છે, દાબ દબાણપૂર્વક થયેલો છે. એટલે બંને પક્ષોને જયારે પણ મળવાનું થાય ત્યારે યોગ્ય પ્રતિભાવ આપવાની આવકાર આપવાની પણ બંને પક્ષોની અનિવાર્ય ફરજ થઈ પડે છે. જો આ પ્રકારે સીલસીલો ચાલુ જ રહે તો સગાઈનો સંબંધ ચાલુ રાખવાનો કોઈ મતલબ નથી હોતો.

[૫] રીપ્લાય.. એટલે જવાબ. નવા નવા સંબંધો બંધાયા હોય એટલે નવા નવા સવાલો પણ ઊભા થાય, સવાલો ઊભા થાય એટલે એનો યોગ્ય જવાબ પણ આપવો જ પડે, જો સવાલોના યોગ્ય જવાબ ન મળે તો કેટલીક વાર સામા પક્ષનાં મગજમાં શંકા ઉભી થાય, સંશય ઉત્પન્ન થાય અને જો યોગ્ય રીપ્લાય જવાબ આપી એનું સમાધાન ન થાય તો પણ સગપણ જોખમમાં આવી પડે.

[૬] રીલાયબીલીટી… એટલે વિશ્વાસપાત્રતા. જો જે કંઈ શક, શંકા, સંશય ઉભો થયો તેનું જો નિવારણ કરવામાં ન આવે તો અવિશ્વાસ ઉત્પન્ન થાય અને વિશ્વાસપાત્રતા ઘટતી જાય. સગપણના સંબંધો એકબીજાના વિશ્વાસના પાયા પર રચાયેલા હોય છે. જો રીલાયેબીલીટી ઘટતી જાય તો રિલાયન્સ-વિશ્વાસ ઓછો થતો જાય. વિશ્વાસ ઘટવાથી પણ સગપણ પર જોખમ તોળાય શકે છે.

[૭] રીકગ્નીશન… એટલે માન્યતા, એકબીજા પરિવારનો, છોકરા, છોકરીનો એકબીજાના વ્યક્તિત્વનો સ્વીકાર. જો બંને પક્ષ એકબીજાને સારી રીતે સમજી લે, ઓળખી લે, પરિચય કેળવી લે તો એકબીજાનો સ્વીકાર કરવાનું સરળ થઈ જાય. જો આ પ્રમાણે સ્વીકાર થઈ જાય તો સમજવું કે આ સંબંધને માન્યતા (રીકગ્નીશન) મળી ગઈ છે.

[૮] રિજેકશન.. એટલે અસ્વીકૃતિ. ઉપર જણાવ્યું તેમ બંને પક્ષો જાણે અજાણે વધુ પડતી અસલામતી, અવિશ્વાસથી પીડાતા હોય, એકબીજાને જોઈએ એવાં માન સન્માન આપતાં ન હોય, આવકાર આપતાં ન હોય, એકબીજાના વ્યક્તિત્વનો સ્વીકાર કરતાં ના હોય, અવગણના થતી હોય તો એમ સમજી લેવાને કારણ મળી જાય છે કે આ સંબંધને જોઈએ એવી સ્વીકૃતિ નથી મળી રહી અને આ સંબંધો પરાણે જળવાય રહ્યાં હોય એવું લાગતું હોય છે. તેથી આ સંબંધોને જો જાળવી રાખવા હોય તો આ બાબતે જરૂરી સાવધાની રાખવી જરૂરી થઈ પડે છે.

[૯] રિસ્પોન્સીબિલિટી… એટલે જવાબદારીનું ભાન હોવું. જવાબદારીપૂર્વક વર્તવું, જવાબદારી નિભાવવી. લગ્નજીવન એક બહુ મોટી જવાબદારી છે. સગપણના સંબંધે જોડાનાર બંને પાત્રોએ, તેમજ બંને પરિવારોએ પણ જવાબદારીની ભાવના સાથે વર્તવાનું હોય છે. ભાવી લગ્નજીવનની જવાબદારી સંભાળવા બંને પાત્રો સક્ષમ હોવાં જોઈએ. બેજવાબદારીની ભાવના સગપણના સંબંધને લગ્નના સંબંધે બંધાતા અટકાવી શકે છે.

[૧૦] રીલક્તંત... એટલે બેદરકાર હોવું. બેફીકર હોવું. ઘણીવાર પૂરતી પરિપક્વતાનાં અભાવે કે બીજા અન્ય કારણસર ભાવી જવાબદારી વિશે બંને પાત્રો હોવાં જોઈએ તેટલા ગંભીર ન હોય, સંબંધોની જાળવણી પ્રત્યે બેદરકાર હોય, એકબીજા પ્રત્યે નિષ્ઠાનો અભાવ હોય તો પણ સગપણના સંબંધો ઝાઝું ટકતાં નથી.

[૧૧] રીવેન્જ… એટલે વેરઝેરની ભાવના હોવી. સગપણના સંબંધે બંધાયા પછી જ બંને પરિવારનો ઘનિષ્ઠ પરિચય થાય છે. છોકરા છોકરીને એકબીજાના સ્વભાવનો પરિચય થાય છે. ઘણીવાર બેમાંથી એકાદ પાત્ર કે પરિવારના સભ્યોમાં કૌટુંબિક ઝગડાઓ કે સંપત્તિને લગતા કાવાદાવા, કંકાસ વર્ષોથી ચાલી આવતાં હોય છે, જેને કારણે આપસમાં દ્વેષ, ધિક્કાર, ધૃણાની ભાવના પ્રબળ હોય છે કોઈ નમતું જોખવા કે જતું કરવા તૈયાર નથી હોતું, ઉદારતાનો અભાવ જોવા મળતો હોય ત્યારે ખાસ કરીને છોકરીના માતાપિતાને એવું થઈ શકે છે કે આ ઘરમાં અમારી છોકરી કલહ, કંકાશ, કાવાદાવા, કકળાટવાળા વાતાવરણમાં સુખી થઈ શકશે નહીં ત્યારે પણ સગપણના સંબંધને આગળ વધતા અટકાવી શકાય છે.

[૧૨] રિયાલીટી… એટલે વાસ્તવિકતા. લગ્નજીવનની વાસ્તવિકતા ઘણીવાર ખુબ આકરી હોય છે. ઘર ગૃહસ્થી સંભાળવી, જવાબદારીપૂર્વક વર્તવું ખુબ જરૂરી હોય છે. જીવનમાં સર્જાતી વિપરીત પરિસ્થિતિ, સંજોગોથી દુર ભાગી તેનો સામનો કરી શકાય નહીં. એનો સ્વીકાર કરી પછી જ હિંમતથી સામનો કરવાની સમર્થતા પ્રાપ્ત થતી હોય છે. જીવનમાં વાસ્તવિકતાનો સ્વીકાર કરવાના બદલે પલાયનવૃત્તિ લાંબેગાળે નુકશાનકર્તા હોય છે. તેથી સગપણ પછી બંને પાત્રોમાંથી એકાદ પાત્રને એવું લાગે કે સામેનાં પાત્રમાં જીવનની વિષમ પરિસ્થિતિમાં સર્જાતા સંજોગોનો સ્વીકાર કરી સામનો કરવાની સમર્થતા નથી તો કદાચ એવું બની શકે કે સગપણ ચાલુ રાખવા કે ન રાખવા સંબંધી વિચાર કરવા મજબુર કરે.

[૧૩] રાઈટ ઓર રોંગ… એટલે સારા ખરાબની પરખ હોવી. સગપણના સંબંધે બંધાતા બંને પાત્રોમાંથી એકાદ પાત્રને જો એવું લાગે કે સામા પાત્રમાં જોઈએ એવી સાચા ખોટાની પરખ નથી, પોતાના માટે કે સહુના માટે શું સારું કે ખરાબ છે તે પારખી શકવાની આવડત નથી, પોતાનું હિત કે અહિત શેમાં છે, કે પછી ફાયદો ગેરફાયદો શેમાં છે તે સમજી શકવાની સુઝ, સમજ, આવડત કે પરિપક્વતા નથી, તો આ કારણ પણ સગપણના સંબંધને મુશ્કેલીમાં મૂકી શકે છે.

[૧૪] રીલેક્ષ… એટલે શાંતિથી રહેવું, ખોટા તાણ ટેન્શનમાં, ચિંતામાં ન રહેવું. ઘણીવાર એવું બને છે કે બે માંથી એકાદ પાત્ર ભવિષ્યની વધુ પડતી કાલ્પનિક ચિંતા કરતી હોય, સાચીખોટી વધુ પડતી કાલ્પનિક અસલામતીના ઓછાયા હેઠળ જ રહેતી હોય, આત્મવિશ્વાસનો અભાવ હોય, મક્કમ મનોબળનો અભાવ હોય તો, બિનજરૂરી તાણ, ટેન્સન, ચિંતા માનસિક અવસાદનું કારણ બની શકે. આ પ્રકારે માનસિક અવસાદમાં રહેવાને કારણે ભવિષ્યમાં કોઈ મોટી ગંભીર માનસિક બીમારી થવાના ભયને લીધે આવા પાત્ર સાથે જીવન જીવવું ઘણીવાર આકરું થઈ પડે તેથી આ કારણ પણ સગપણના સંબંધને જોખમમાં મૂકી શકે.

[૧૫] રિગ્રેટ… એટલે ખેદ થવો. સામાન્ય રીતે જાણ્યે અજાણ્યે, ભૂલથી કોઈ ખોટું કામ થાય, કંઇક એવું બોલાય જાય જેથી સામેની વ્યક્તિની લાગણી દુભાય, કે ઠેસ પહોંચે કોઈનું અહિત થાય, કોઈને નુકશાન પહોંચે, અપમાન થાય, અવગણના થાય પછી જયારે કંઇક ખોટું થયાની લાગણી થવી જોઈએ, એનો સ્વીકાર કરી પસ્તાવાનો ભાવ થવો જોઈએ. છેવટે દિલગીરી વ્યક્ત કરી લઈએ એટલે સામી વ્યક્તિનો અહં સચવાય જાય છે. પણ જો સગપણના સંબંધે બંધાયેલા બંને પક્ષમાંથી કોઈની કોઈ સાચાખોટા કારણસર લાગણી દુભાય હોય, કૈક ખોટું કરવા છતાં પણ કોઈ ખેદ થવાના બદલે સામી વ્યક્તિનો જ વાંક જોવો, દોષ જોવો, અને કોઈ પણ પ્રકારે દિલગીરી વ્યક્ત ન કરવી, તેમજ ભવિષ્યમાં પણ આજ પ્રકારે વ્યવહાર ચાલુ રાખવો આ બધા કારણસર પણ સગપણના સંબંધને લગ્ન સંબંધ સુધી પહોંચવામાં તકલીફ થઈ શકે છે.

[૧૬] રોમેન્ટિક હોવું.. એટલે પ્રણયના રંગે રંગાવું. સગપણના સંબંધે જોડાયા પછી બંને યુવાન હૈયા રોમેન્ટિક હોય તો પ્રણયના રંગે રંગાતા વાર નથી લાગતી, એકબીજા પ્રત્યે આકર્ષણ જળવાય રહે છે. પ્રેમ ઉત્પન્ન થાય છે. પણ જો બેમાંથી એકાદ પાત્ર સાવ શુષ્ક હોય, નીરસ હોય સામેના પાત્રની લાગણી, પ્રેમ સમજી શકે તેમ ન હોય તોપણ સગપણના સંબંધને આંચ આવી શકે છે. સામાન્ય રીતે બંને પાત્ર રસિક હોય, રમુજી હોય, અને સાથે થોડા રંગીલા સ્વભાવના પણ હોય તો લગ્નજીવનમાં રોમાન્સ જળવાય રહે છે આનો અભાવ લગ્નજીવનને થોડું શુષ્ક અને નીરસ બનાવી શકે છે. પણ હાં, જોકે છોકરાના વધુ પડતા રોમેન્ટિક, રંગીલા સ્વભાવના કારણે તે રોડ સાઈડ રોમીઓ ના હોય તે ખાસ જરૂરી છે.

[૧૭] રીઝર્વ… હોવું એટલે બધા સાથે બહુ ઓછું હળવું, મળવું અને ભળવું. સગપણના સંબંધ પછી બંને પરિવારોના કુટુંબીજનો વચ્ચે, સગાસંબંધી વચ્ચે, મિત્રો સાથે બંને પાત્રોએ પણ હળવું, મળવું, ભળવું પણ ખુબ જરૂરી હોય છે, જેથી એકબીજાનો પરિચય, ઓળખાણ થતી રહે છે, નવા નવા સંબંધોમાં બંધાયા પછી બંને પાત્રમાંથી એક પાત્ર બહુ ઓછાં બોલું હોય કોઈ જોડે હળે મળે કે ભળે નહીં, ખુલીને વાતો ના કરે તો પણ સમસ્યા સર્જાય શકે છે. જેને કારણે કેટલીકવાર ખોટી ગેરસમજ થતી હોય છે, અર્થનો અનર્થ થતો હોય છે અને સગપણ જોખમમાં આવી પડે છે. શક્ય છે કે સગપણનો સંબંધ દાબદબાણ હેઠળ થયો હોય તો આવું બનવાની શક્યતા રહે છે.

[૧૮] રીલેશન...એટલે સંબંધ. લગ્ન સંબંધથી જોડવા માંગતા બે પાત્રો તેમજ તેમના કુટુંબીજનો, સગાસંબંધી એક નવા સંબંધથી જોડાતા હોય છે. આ સંબંધો ખુબ જ અંગત અને ગાઢ કહી શકાય એવાં હોય છે. તેથી જેમ જેમ બે કુટંબો વચ્ચે પરિચય ગાઢ થતો જાય તેમ તેમ આ સંબંધો પણ ગાઢ બનતા જાય છે. પરંતુ ઉપર જણાવ્યું તેવાં કારણસર જો સગપણના સંબંધમાં સમસ્યા ઉભી થઈ હોય તેવું લાગે તો ભવિષ્યનો લાંબો વિચાર કરી આ સંબંધો ચાલુ રાખવા કે અંત લાવવો તેનો વિચાર સમગ્ર પરિવારે સાથે બેસી સમજી વિચારીને લેવાનો હોય છે. જો એમ લાગે આ સંબંધોમાં કોઈ પણ સુધારો થવાનો કોઈ અવકાશ નથી અને આગળ જતાં આ સંબંધો વધારે મુશ્કેલી ઉભી કરે એવું લાગે તો આ સંબંધથી છુટકારો મેળવી લેવો હિતાવહ હોય છે.

[૧૯] રીટર્ન… એટલે વળતર કે મળતર તે સિવાય બીજો અર્થ થાય પાછા ફરવું. જે પાત્રો ભવિષ્યમાં લગ્નગ્રંથીથી જોડાવા માંગતા હોય તેઓ જો લગ્ન પછી કોઈ ખાસ વળતર કે મળતરની અપેક્ષા રાખતા હોય તો તે લગ્ન જીવન સફળ થઈ શકે નહીં. દામ્પત્યજીવનમાં એકબીજાને મનથી, તનથી, ધનથી શું મળશે કે શું મળ્યું કે શું ગુમાવ્યું તે જોવાના બદલે પતિ પત્નીએ એકબીજાને શું આપ્યું, કેવું આપ્યું, કે કેટલું આપો છો તે જોવાનું હોય છે. તોજ લગ્નજીવનનું ઘડતર થઈ શકે છે તેમજ લગ્નજીવનની યથાર્થતા પણ તેમાં જ સમાયેલી છે. છેવટે લગ્નજીવનનો એક તબક્કો એવો પણ આવતો હોય છે કે જે Point of no Return કહેવાતો હોય છે. જે તબક્કેથી બંને પાત્રોએ પાછા ફરવું અશક્ય હોય છે. તેથી લેવા કરતાં આપવાની ભાવનાવાળા જ લગ્નની સફળતાની શક્યતા વધુ હોય છે. તેથી જ સગપણના સંબંધ અગાઉ નાની પણ અગત્યની બધી જ બાબતો પર ધ્યાન આપવું ખુબ જરૂરી હોય છે.

[૨૦] રોંગ ઇન્ફોર્મેશન… એટલે કે બંને પરિવાર દ્વારા એકબીજા પાત્રની શારીરિક માનસિક ખામીઓ વિશે ખોટી માહિતી આપવી:
સગપણ નક્કી કરતાં પહેલા કરવામાં આવતી વાતચીતમા લગ્નથી જોડાવા માંગતા બંને પાત્રો વિશેની શારીરિક અને માનસિક ખામીઓ વિશે સંપૂર્ણ સાચી માહિતી પૂરી નિખાલસતા સાથે આપવી જોઈએ. આ સીવાય પણ અન્ય જરૂરી માંગવામાં આવેલી કે આપવા જેવી તમામ માહિતી સાચી રીતે આપવી જોઈએ. જો સગપણના સંબંધથી જોડાયા પછી પાછળથી ખબર પડે કે કોઈ પણ પક્ષે કોઈ પણ પાત્ર વિશેની આવી ખામીઓ છુપાવી હતી તો સામેના પક્ષે તેમની જોડે છેતરપિંડી કરી હોવાનું જણાતા સગપણનો સંબંધ તૂટવાની અણી પર આવી શકે છે.

સામાન્ય રીતે સગપણના સંબંધે બંધાયા પછી લગ્નસુધીનો વચગાળાનો ગાળો ખુબ જ મહત્વનો સમય હોય છે આ સમય દરમ્યાન છોકરા છોકરી એકબીજાની નિકટ આવે છે, એકબીજાને ઓળખવાનો સમજવાનો પ્રયાસ કરતાં હોય છે. છોકરા છોકરી એકબીજાને વારતહેવારે, પ્રસંગોપાત મળતા રહેતાં હોય છે, એકબીજાના ઘરે આવતા જતા હોય છે, હરવાફરવા જતાં હોય છે. આ રીતની મુલાકાત પછી જો તેઓ એકબીજાને પસંદ કરતાં હોય તો તેમનામાં અજબનો તરવરાટ, થનગનાટ, ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસથી છલકાતા જોવાં મળે છે, એકબીજા પ્રત્યે પ્રેમ, લાગણી અને પોતીકાપણાની ભાવના જાગૃત થતી હોય છે, તેમના વ્યક્તિત્વમાં એક અદભૂત નિખાર આવતો જોવાં મળે છે, તેમનું વ્યક્તિત્વ ખીલવા માંડે છે, ખુલ્લું થવા માંડે છે. તેમજ તેઓને એકબીજા વિના ચાલશે નહીં એવું લાગવા માંડે છે. અને બીજી મુલાકાત માટેની તડપ જોવાં મળતી હોય છે પણ જો તેનાથી ઉલટું જો તેઓ એકબીજાને પસંદ નાં કરતાં હોય, દાબ દબાણ કે ધમકી હેઠળ થયેલ સગાઈના કારણે એકબીજા જોડે જો મનમેળ ના જણાય તો આ સમયગાળા દરમ્યાન પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે માતાપિતાને એવું લાગે કે સગપણ પછી બંને પાત્રો એકબીજાને મળવાનું કોઈ પણ બહાને ટાળતા રહેતાં હોય, મુલાકાત પછી અગાઉ જણાવ્યું તેમ જો ખુશ ના જણાતા હોય, ટેન્સનમાં, તાણમાં રહેતાં હોય, વ્યક્તિત્વ ખીલવાના બદલે મુરઝાવા માંડે તો સમજી લેવું બંને પાત્રો વચ્ચે કોઈક ગરબડ છે, તેથી સમયસર ચેતી જઇ માતાપિતાએ આના કારણોની તપાસ કરવી જોઈએ, તેમાં ઊંડા ઉતરવું જોઈએ. એવું બની શકે કે આ બાબતમાં કોઈ પણ પાત્રનું પ્રેમ પ્રકરણ કારણભૂત હોઈ શકે. તે સિવાય બીજા કોઈ કારણ હોય તો તેની પણ સમયસર જાણકારી મેળવી લેવી જોઈએ જેથી પાછળથી બંને કુટુંબની કોઈ પણ પ્રકારે બદનામી કે ફજેતી ન થાય, જો એવું જણાય કે આ સંબંધમાં પડેલી ગૂંચને ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં પણ ઉકેલી શકાય એમ નથી તો જેમ બને તેમ જલ્દી છુટા થઈ જવું સારું. કોઈ પણ પાત્રના અન્ય કોઈ પ્રેમીપાત્ર સાથેના સંબંધ જાણમાં આવે અને એમ જણાય કે સગપણ પછી પણ તે પ્રેમીપાત્ર જોડે હજુ સંબંધ જળવાય રહેલો છે અને કોઈપણ સંજોગોમાં આ સબંધ છૂટે કે તૂટે એમ નથી તો સગપણના સંબંધમાંથી છુટા થઈ જ જવું જોઈએ નહીં તો બંને પરિવારની વધુને વધુ બદનામી થવાની સાથે કોઈ ખરાબ પરિણામ આવવાની શક્યતા રહેતી હોય છે.

તે સિવાય બંને પાત્રો અને તેમના પરિવારના સભ્યોના સ્વભાવ વિશે પણ જાણકારી મેળવી લેવી જોઈએ. આપણો સ્વભાવ આપણા વાણી, વર્તન, વ્યવહાર થકી જ વ્યક્ત થતો હોય છે. આપણો સ્વભાવ જ આપણો પ્રાથમિક પરિચય હોય છે. જીવનની મોટાભાગની નિષ્ફળતાનું કારણ આપણો સ્વભાવ હોય છે. તેથી લગ્નજીવનમાં સુમેળ જળવાય રહે તે માટે ખાસ તો બંને પાત્રો વચ્ચે, તેમજ દીકરીના સાસરા પક્ષનાં સભ્યોનો સ્વભાવ ધ્યાનમાં લેવાતો હોય છે. આથી ઘણીવાર લગ્ન ન થવામાં કે મોડા થવા પાછળ સ્વભાવ પણ કારણભૂત હોય છે. આપણા સ્વભાવમાં સહુ પ્રથમ વાણીમાં વિનય હોવો જોઈએ, આપણું વર્તન વિવેકી હોવું જરૂરી છે. વ્યવહારમાં નમ્રતા હોવી જોઈએ. આમ વિનય, વિવેક અને વિનમ્રતાની ત્રિપુટી સહુને પોતાના બનાવી જીતી લેવામાં સક્ષમ હોય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી વાણીમાંથી તોછડાઈ, વર્તન વ્યવહારમાં તુમાખી, અને મનમાંથી તિરસ્કારને જેમ બને તેમ જલ્દી તિલાંજલિ આપવી સારી. ખોટી રીતે ક્રોધિત થતી કે ગુસ્સે થતી વ્યક્તિ પરોક્ષ સ્વરૂપે કોઈ તેના પર વર્ચસ્વ જમાવી ન જાય તેમજ પોતાનું બીજા પર વર્ચસ્વ છવાયેલું રહે, કે વર્ચસ્વ હેઠળ રહે, સામેની વ્યક્તિ મારા કહ્યામાં રહે એ પ્રકારની મનોવૃત્તિ જ પ્રાથમિક રીતે કારણભૂત હોય છે. તેમાં એક પ્રકારની જીદ હોય છે કે હું કહું તે જ સાચું કે હું કહું તેમજ થવું જોઈએ એવો દુરાગ્રહ કે હઠાગ્રહ હોય છે. આ પ્રકારની જીદના, હઠના, દુરાગ્રહ કે હઠાગ્રહના ખુબ જ ખરાબ દુરોગામી પરિણામ ભોગવવા પાડતા હોય છે. તેથી એટલું સમજી લેવું કે જ્યાં જીદ હોય છે ત્યાં હંમેશાં જીત નથી હોતી અને જ્યાં હઠ હોય છે ત્યાં હાથ સહયોગ માટે ભેગા નથી મળતા. પરંતુ લગ્નજીવનમાં સુમેળ જાળવવો હોય તો કોઈએ કોઈના ઉપર શક્ય હોય ત્યાં સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે જાણે અજાણે વર્ચસ્વ જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. જોકે એટલું કહેવું જોઈએ કે જ્યાં જેનું કાર્યક્ષેત્ર હોય છે ત્યાં તેનું વર્ચસ્વ સ્વીકારવામાં વાંધો ન હોવો જોઈએ. ઘરમાં વડીલોનું વર્ચસ્વ તેમને નૈસર્ગિક રીતે પ્રાપ્ત થયેલું હોય તેમનું વર્ચસ્વ સહુએ મને કમને, પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે સ્વીકારવું જ પડતું હોય છે. સામાજિક જીવનમાં કે કૌટુંબિક જીવનમાં સામાન્ય રીતે સ્ત્રીઓનું જ વર્ચસ્વ રહેવાનું, જોકે જરૂર પડે પુરુષોનો અભિપ્રાય લેવામાં આવે માનવામાં આવે એ અલગ વાત છે. તેજ રીતે આર્થિક બાબતોમાં, ધંધાકીય બાબતોમાં, બાહ્ય વાતોમાં પુરુષોનો અભિપ્રાય કે વર્ચસ્વ આખરી ગણાતું હોય છે. લગ્નજીવનમાં ખોટી રીતે ફક્ત એકબીજા ઉપર અંકુશ રાખવા ખાતર, એકબીજાના કાર્યક્ષેત્રમાં ખોટી રીતે દખલગીરી કરી વર્ચસ્વ જાળવવાના પ્રયત્ન લગ્નજીવનને બરબાદ કરી શકે છે. તેથી જો સગપણ પછી ધીમે ધીમે એકબીજાના સ્વભાવનો જેમ પરિચય થવા માંડે અને એમ લાગે કે બંને પાત્રો કે બેમાંથી એક પાત્ર પોતાનો ક્રોધી, ગુસ્સાવાળો, તોછડો સ્વભાવ બદલી શકે એમ નથી કે સુધારો લાવી શકે એમ નથી તો સગપણના સંબંધને શક્ય તેટલો વહેલો સમાપ્ત કરી દેવો જોઈએ જેથી આગળ વધુ નુકશાન થતું અટકે.

ટૂંકમાં કહેવાનું કે સગપણના સંબંધથી જોડાવા માંગતા બે પાત્રો તેમજ તેમના પરિવારના ચાલ, ચલગત, ચારિત્ર્ય, સ્વભાવ તેમજ સુસંસ્કાર કે સુશિક્ષિત હોવાં વિશેની સંપૂર્ણ જાણકારી અગાઉથી મેળવી લીધેલી હોવી જોઈએ. ખાસ કરીને છોકરીના માતાપિતાએ આ બાબતે ખુબ જ ધ્યાન રાખવાનું છે કેમેકે આપણી દીકરી જે ઘરમાં જવાની છે તે પરિવારના, પાત્રના જો ચાલ, ચલગત, ચારિત્ર્ય, સ્વભાવ સારા ન હોય કે સુશિક્ષિત કે સુસંસ્કારી ન હોય તો દીકરીને લગ્ન પછી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સગપણમાં સ્વભાવનું ગળપણ સંબંધોમાં મીઠાશ લાવી શકે છે. (ક્રમશ:)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “હસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૧) – અરવિંદ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.