બાળક એક ગીત (ભાગ-૭) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો ઘણો અંશ આપણે જુદા જુદા ભાગ રૂપે (ભાગ-૧ થી ૬) અગાઉ માણ્યો છે. એ જ શ્રેણીમાં આજે વધુ એક લેખ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ સરનામે vasantiful@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.]

[૨૪]

આજે સવારે તારા વિચારથી જ આંખ ખૂલી ગઇ. મેં બે દિવસ પહેલાં એક પ્રકાશકને ઇ-મેઇલ કર્યો હતો એ જાણવા માટે કે પુસ્તક પ્રકાશિત કરવા માટે શું કરવું પડે. તેમનો જવાબ તો આવ્યો હતો હવે મારે વળતો જવાબ મોકલવાનો હતો. ઉઠતાંની સાથે જ વિચાર આવ્યો કે શું જવાબ લખુ અને કેવી રીતે લખું. એટલે રાત્રે ૩.૦૦ વાગે ઉઠીને ઇ-મેઇલ કર્યો. ઇન્ટરનેટ પર થોડા વિડિયો જોયા જે ગર્ભાવસ્થામાં કેવા યોગા કરવા, કેવી કસરત કરવી, કેવી રીતે સુવું વિગેરે દર્શાવતા હોય. મેં તારા પપ્પાને ઉઠાડ્યા….અને એ બિચારા પરાણે પરાણે ઉઠ્યા પણ ખરા. મને ઉંઘ આવતી નહોતી અને એકલા એકલા શું કરું….પછી તો મારો સહારો માત્ર તારા પપ્પા જ ને! ખરું કે નહિ? મેં તારા પપ્પાને ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ યાદ કરાવ્યો…”આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યોના અને પરસ્પર વિરુઘ્ઘ દિશામાં હોય છે.”. જ્યારે શાળામાં ભણેલા ત્યારે માંડ-માંડ યાદ રહેલો પણ અત્યારે બરાબર યાદ છે. બીજો એક વિચાર એ આવ્યો કે એક સફરજને ત્રણ-ત્રણ પુરુષોની જીંદગી બદલી નાંખી.

૧. આદમ – જેને ઇશ્વરે સફરજન ખાવાની ના પાડેલી ને તો પણ સફરજન ખાધું અને ઇવ પૃથ્વી પર આવી અને સંસાર જગતની શરુવાત થઇ.

૨. ન્યૂટન – જેના માથા પર સફરજન પડ્યું અને વર્ષો સુધી તેણે શોધ આદરી કે કેમ સફરજન નીચે પડ્યું નહિ કે ઉપર? અને આ શોધથી ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાયો.

૩. સ્ટીવ જોબ્સ – એપલ જેવી કંપનીનો પ્રણેતા જેણે એપલના આઇપેડ, આઇપોડ, આઇફોન બનાવ્યા અને ટેક્નિકલ ક્રાંતિનો નવો યુગ શરુ થયો.

મારી જીંદગીમાં વિજ્ઞાનના બે નિયમો એ ઘણી સમજ આપી છે.

૧. ડાર્વિનનો ઉત્ક્રાંતિ વાદનો નિયમ – કોઇ પણ સજીવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે.

ડાર્વિન એક મોટો જીવવિજ્ઞાની હતો અને તેણે જીવસૃષ્ટિના ઉત્ક્રાંતિવાદ વિશે ઘણું સંશોઘન કર્યું હતું. આ નિયમ અમે ૮માં ધોરણમાં ભણ્યા હતા. આપણે જો આ નિયમને આપણા જીવન સાથે જોડીએ તો આપણે આપણા અસ્તિત્વને ટકાવી રાખવા, જીવવા માટે સતત સંઘર્ષ / મહેનત કરવી પડે છે. જેને જીવવું હોય તેણે મહેનત કરવી પડશે. મહેનત વગર કશું જ મળતું નથી. આ અનુસંધાનમાં મને સંસ્કૃતઓ એક શ્લોક યાદ આવે છે જે ગીતાબા અમને હંમેશાં કહેતા.

“ઉદ્યમે નહિ શિધ્યતિ
કાર્યાણિ ન મનોરથે
નહિ સૃપ્રસ્ય સિંહસ્ય
પ્રવિશ્યતિ મુખે મૃગાઃ”

એટલે કે જંગલના રાજા સિંહે પણ શિકાર કરવાની મહેનત કરવી પડે છે કોઇ શિકાર આપોઆપ એના મોંમાં આવીને પડતો નથી.

૨. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુધ્ધ દિશામાં હોય છે. આ ન્યૂટનનો નતિ નો ત્રીજો નિયમ.

આપણે જીંદગીમાં જે વાવીશું તે જ લણીશું. આપણે પ્રેમ આપશું તો પ્રેમ મળશે અને નફરત કરશું તો નફરત મળશે. કોઇની સાથે કરુણા અને માયા રાખશું તો લોકો પણ આપણા પ્રત્યે કરુણા રાખશે.

વિજ્ઞાનના નિયમો ઘણા છે અને દેખીતી રીતે તેને જીવનની ફીલોસોફી સાથે સીધો સંબંધ નથી. પણ વિજ્ઞાનના નિયમને ધ્યાનથી સમજીએ તો એ સાબિત થયેલા નિયમો જીવનની ઊંડી ફીલોસોફી શિખવે છે.

મેં તારા પપ્પાને કહ્યું કે મને બહુ ભૂખ લાગી છે ને ઘરમાં કંઇ કોરો નાસ્તો નથી. તો મને કહે કે “બોલ તારે શું ખાવું છે?”, જાણે એ ભગવાન હોય ને માંગ-માંગ માંગે તે આપુ કહી ને મને જે ખાવું હોય તે હાજર કરવાના હોય. છેવટે મેં બિસ્કીટ ખાધા.

ગીતાબા મને અને નિશિતમામાને વારંવાર એક કાવ્ય પંક્તિ કહેતા…

“પીપળ પાન ખરંતા
હસતી કૂંપળિયાત
મૂજ વિતિ તુજ વિતશે
ધીરી રાખો બાપુડિયા”

જેનો અર્થ એવો થાય છે કે પીપળાના પીળા પાન ખરે છે ત્યારે નવી ફૂટેલી કૂંપળો તેમના પર હસે છે. ત્યારે પીપળાના ખરી રહેલા પાન એ કૂંપણને કહે છે કે જે મારા પર વીતી છે તે ક્યારેક તમારા પર પણ વીતશે…બસ ધીરજ રાખો અને સમય ને આવવા દો. આપણે જયારે આપણાથી કોઇ પણ રીતે નીચા માણસની ઠેકડી ઉડાડીએ છીએ કે મજાક કરીએ છીએ ત્યારે ઇશ્વર ન કરે કે ભવિષ્યમાં આપણે પણ એવો દિવસ જોવો પડે. મજાક કરવી જોઇએ પણ કોઇના હ્રદયને ઠેસ પહોંચાડીને આપણે આનંદ ન કરવો જોઇએ…ખરી વાત છે ને મારી?

સવારે ૬.૦૦ વાગે હીંચકે બેઠા અને મંદિરનો ઘંટારવ સંભળાયો. લોકો ભેગા થઇને ઢોલ નગારા પીટી પીટી ને ભગવાનને ઉઠાડે છે ને કહે છે કે હે ઇશ્વર અમારી વાતો/વ્યથાઓ સાંભળો. પણ એના કરતાં ઢોલ નગારા પીટી પીટી ને પોતાના આત્માને જ ઢંઢોળતા હોય તો કેટલું સારું. જે આત્મગ્લાનિ કે આત્મડંખ સમજે છે તે માણસ ક્યારેય ખોટું કરતો નથી..સાચી વાત છે ને મારી?

આજે આપણે ઘણી ડાહી ડાહી વાતો કરી…હવે બહુ થયું…હું મારા કામે વળગુ.

લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[૨૫]

ગઇ કાલે પાંચમો મહિનો અડધો પતી ગયો પણ તેં હજી લાતો મારવાનું શરુ કર્યું નથી. મને બહુ ચિંતા થતી હતી. એટલે સાંજે દવાખાને બતાવવા ગયા હતા. ડોક્ટર અંકલે સોનોગ્રાફી કરી અને બઘુ બરાબર છે એટલે મને જરા શાંતિ થઇ. ગુજરાતીમા એક કહેવત છે “ચિંતા ચિતા સમાન”…એટલે કે જેમ ચિતામાં મડદુ બળીને ખાખ થઇ જાય છે તેમ ચિંતા કરીને માણસ બળી મરે છે.

આજે સવારથી મારો મૂડ બરાબર નથી અને કારણ તો મને ખબર છે પણ તું હજી કોરી સ્લેટ છે. દુનિયાના પ્રપંચો અને અન્યાયથી જોજનો દૂર. એટલે આ બધુ તને કહીને અત્યારથી આ બહારની દુનિયાનું સત્ય કેવી રીતે સમજાવું. મને ક્યારેક લાગે છે કે તું મારી અંદર છે ત્યાં સુધી હું ખૂશ છું જે દિવસે તું બહારની દુનિયામાં પગરણ કરીશ ત્યારે મારી દુનિયા ડૂબી ગઇ હશે. કહેવાય છે કે મા હસે તો બાળક હસે એ મા દુઃખી થાય તો બાળક દુઃખી થાય. હું કદાચ ખોટો ખોટો પ્રયત્ન કરુ હસવાનો તો પણ હ્ર્દયની લાગણી ક્યારેક તો મારા ચહેરા પર આવી જ જવાની ને!

હવે ગેટવેમાં પ વર્ષ પૂરા થવામાં ૫ દિવસ રહ્યા છે. કેટલો લાંબો કાળખંડ મેં પસાર કર્યો અને છતાંય એવું જ લાગે છે કે હજી હમણાં જ તો મેં કંપનીમાં પગ મૂક્યો છે. એમ પણ મારા સ્વભાવ પ્રમાણે મને ક્યાંય ગોઠવાતા સમય લાગે અને પછી જ કંઇ કહેવાની હિંમત અને આત્મવિશ્વાસ આવે.

કહેવાય છે કે જીદગી રોલરકોસ્ટર રાઇડ છે. એમાં ઉંચનીચ તો આવ્યા કરે આપણે તો જીંદગીના દરેક ઉતાર-ચઢાવને માણવાના. ..તું સમજે છે ને મારી વાત?

લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[૨૬]

પાંચ દિવસ પહેલા તારી સારી એવી રોલરકોસ્ટરની રાઇડ થઇ ગઇ નહિ? રિક્ષામાં બેઠા ત્યારથી રેલ્વે સ્ટેશન સુધી ખાડાઓની અવિરત હારમાળા. હું ને તારા પપ્પા ટ્રેનમાં ભરુચ જવાના હતા અને એટલે ઘર પાસેથી રિક્ષામાં બેઠા હતા. રિક્ષા જે કાકા ચલાવતા હતા તે ૬૧ વર્ષના હતા. અમે રિક્ષામાં બેઠા ત્યારથી એમણે બોલવાનું શરુ કર્યુ તે છેક રેલ્વે સ્ટેશન પહોંચ્યા ત્યાં સુધી. એ કેટલો સમય ધંધો કરે છે, ઘરમાં કોણ કોણ છે, કેટલા દીકરા ને કેટલી દીકરીઓ છે તેમજ કેટલા પૌત્રો-પૌત્રીઓ છે તે પણ. આપણે ત્યાં લોકો જેટલું સરળતાથી વ્યક્ત થઇ શકે છે એટલા સરળતાથી બીજે મેં વ્યક્ત થતા જોયા નથી. ખાસ્સા વખત પછી અમે ટ્રેનમાં બેઠા. આમ તો બસમાં કે ગાડીમાં જ મુસાફરી કરવાનું બને છે પણ આ વખતે ટ્રેનમાં રીઝર્વેશન કરાવ્યું હતું એટલે શાંતિથી જઇ શકાય. તને ખબર છે ટ્રેન કોને કહેવાય? તારી ભાષામાં કહું તો છૂક-છૂક ગાડી. જેમાં બહુ બધા ડબ્બા હોય અને એક એન્જિન હોય. એન્જિન સૌથી આગળ હોય અને બધા ડબ્બા એકબીજા સાથે જોડાઇને એન્જિન સાથે જોડાયા હોય. અને એન્જિન આખી ટ્રેનને ચલાવે. ટ્રેનમાં બેસવાની અને સુવાની સગવડ હોય અને આ ટ્રેન રસ્તા પર નહિ પણ પાટા પર ચાલે.

મેં તારા પપ્પાને “દેડકો ફસાઇ ગયો ફ્રીજમાં” વાર્તા કહી હતી, તારા પપ્પાને તો બહુ મઝા પડી હતી એ વાર્તા સાંભળવાની.

આજકાલ ઓફિસમાં બહુ કામ રહે છે. પણ પ્રોજેક્ટ ઘણો ચેલેંન્જીંગ છે એટલે કામ કરવાની મઝા આવે છે. હવે મારું પેટ બરાબર દેખાવા લાગ્યું છે. પણ સાચુ કહું તો અત્યાર સુધી મને કંઇ જ થયું નથી બસ પેટ મોટું થયું છે અને ભારે ભારે લાગે છે એટલું જ. તારી કુશળતા ચાહું છું.

લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[૨૭]

બે દિવસ પહેલાં હું ને તારા પપ્પા વાત કરતા હતા કે અમારી ઓફીસમાં સગર્ભાવસ્થાની કોઇ રજાઓ આપવામાં આવતી નથી. એટલે તારા પપ્પાએ કહ્યું કે જો તું નોકરી છોડી દે તો ખોળો ભરાય પછી આણદ જતી રહેજે. ઓફિસમાં આજકાલ કામ બહુ રહે છે એટલે આખો દિવસ વ્યસ્ત રહેવાનુ બને છે. શરદી-ખાંસી થઇ છે અને માથુ પણ દુઃખે છે છતાં કામ વધારે હતું એટલે ઓફિસ જવુ પડે છે. સાંજે જમવાનુ પણ બનાવ્યું નહિ અને સોસાયટીમાં એક આંન્ટી ટીફીન બનાવે છે તે લાવીને જમ્યા. પગે થોડા થોડા સોજા આવે છે પણ જલ્દી ખબર પડતી નથી. આજે રુમાલથી નાક સાફ કરતા કરતા રુમાલ પર જોયું તો પતંગિયાનો આકાર દેખાયો. મારી અંદર પણ અત્યારે આવા અસંખ્ય પતંગિયા પાંખો ફફડાવે છે. આ પતંગિયા એટલે કદાચ તું કે પછી મારા વિચારો કે પછી મારી ઇચ્છાઓ, ચોક્કસ એ શું ખબર પડતી નથી.

કંપનીમાં સગર્ભાવસ્થાની કોઇ રજાઓ નથી એ વાત જાણીને મને ખરેખર આઘાત લાગ્યો. કંપનીવાળા આટલી હદે પ્રોફેશેનલ હોય તેવું મેં ધાર્યુ નહોતું. એટલે જ હવે વિચાર્યું છે કે હું નોકરી છોડી દઇશ અને ઘરેથી કામ શોધીને તે જ કરીશ. મેં એના માટે થોડી ઘણી તૌયારી પણ કરી રાખી છે બસ હવે મારે એના પર કામ કરવાનું છે. હું આ વાતને સકારાત્મક રીતે લઉ છું કે મને જાતે કામ કરીને પોતાની જાતને સાબિત કરવાની તક મળી છે. બસ હવે આ પ્રમાણે કરવાની ઇશ્વર મને તાકાત આપે એટલું જ ઇચ્છું છું. અને એમ પણ જો હું ઘરેથી કામ કરીશ તો તને પૂરતો સમય આપી શકીશ.

કાલે રાત્રે ૧.૩૦ વાગે આંખ ખૂલી ગઇ તે છેક ૨.૩૦ ઉંઘ આવી. એક કલાકમાં તો તારા માટે જાતજાતની વાતો વિચારી લીધી.મેં વિચાર્યું કે શરુવાતમાં તો તું ખાઇશ નહિ પણ જ્યારે જમવાનું શરુ કરીશ ત્યારે જમવાનું ઢોળાય નહિ તેના માટે લાળિયું બાંધવું પડશે. હું એ જાતે બનાવીશ. અને એને દોરી નહિ રાખું નહિંતર દોરી બાંધુને ક્યાંક તને વધારે બંધાઇ જાય તો?? એના કરતાં વેલક્રોન જ લગાવીશ. આગળના ભાગમાં ફેબ્રિક રંગથી કાર્ટુન બનાવીશ. તને ગમશે ને આવું લાળિયુ?

લિ.
તારી વ્હાલી મમ્મી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “બાળક એક ગીત (ભાગ-૭) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ””

Copy Protected by Chetan's WP-Copyprotect.