ઘરનો આસ્વાદ – જાગૃતિબેન રાજ્યગુરૂ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ જાગૃતિબેનનો (રાજુલા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jagrutibenrajyaguru@gmail.com સંપર્ક કરી શકો છો.]

બસમાં મુસાફરી કરતા એક ભાઇ બીજા ભાઇને કહેતા હતા,
‘હોટેલ- લોજનુ ભોજન મને બિલકુલ ફાવે નહિ.’
‘કેમ? ઘણીવાર શુધ્ધ અને સસ્તુ હોય છે.’ બીજાએ પોતાનો અભિપ્રાય આપ્યો.
‘પરંતુ એમાં ઘરના ભોજન જેવા ભાવનો અભાવ હોય છે.’ પેલા ભાઇની વાત તદન સાચી હતી. ઘરની ગૃહિણી દ્વારા રંધાયેલી રસોઇનો સ્વાદ જીભ કરતા મન વધારે પારખે છે. ઘરે બનાવવાતી રસોઇમાં ગૃહિણીના હૃદયભાવ અને મનોભાવ જોડાયેલા હોય છે. બાહ્ય સ્વચ્છતા સાથે રસોઇમાં નારીની કર્તવ્યપરાયણતા, નિઃસ્વાર્થ સેવા અને બીજાને જમાડવાની ઉચ્ચ ભાવના જોડાયેલી હોય છે.
ગૃહિણી એટલે જ પોષણ, પાલન અને પરિવાર સેવાનો ત્રિવેણી સંગમ. તેમના ગૃહકાર્ય અને રસોઇમાં મમત્વનો સૂક્ષ્મ સંચાર જોવા મળે છે. એક અદૃશ્ય મનઃચેતના એમના ગૃહકાર્યમાં કામ કરતી હોય છે. ભારતીય સંસ્કૃતિના પાયામાં જ ગૃહિણી રહેલી છે. એમના ધર્મ અને સંસ્કારથી જ સમાજનુ નિર્માણ થયુ છે. એટલે જ બીજી સંસ્કૃતિની સાપેક્ષમાં આટલા વર્ષો પછી પણ આપણી સંસ્કૃતિ ટકી રહી છે. રસોડુએ ગૃહિણીનુ બીજુ સરનામુ છે. એક શાળામાં તો એવો નિયમ જાણવા મળ્યો કે બાળકોને ડબ્બામાં ઘરનો નાસ્તો જ આપવાનો ઘરના નાસ્તા કે બહારના નાસ્તામાં બાહ્ય દેખાવ કદાચ સરખો હોય પરંતુ ઘરના નાસ્તામાં ગૃહિણીના સાત્વિકભાવ, ચિતભાવ અને પ્રેમભાવ એમાં અદૃશ્ય રીતે નમકીન તરીકે ઉમેરાયેલા હોય છે. ગૃહિણીના દાળ-શાકના વઘારમાં હૃદયના સ્પંદનો હોય છે, પાટલી-વેલણમાં પ્રેમના પડઘા હોય છે, તપેલા તાવીથા ને સાણસીમાં એમના મીઠા સ્પર્શનો લય હોય છે તેથી જ એમની રસોઇમાં મરી મસાલા સાથે આત્મીયતાનો આસ્વાદ માણવા મળે છે.

માત્ર રસોઇ જ નહિ ઘરની એક-એક ચીજ્વસ્તુને આત્મીયતાથી સાચવતી, જાળવતી અને ‘ઘસાઇને ઊજળા થઇએ’ એ ભાવના સાથે જાત ઘસીને ગૃહિણી ઘરનુ સર્જન કરતી હોય છે. એ ઘરનો આત્મા અને ઘરની આભા છે. એમની હાજરીથી ઘર જીવંત અને પ્રાણવાન લાગે છે. માંદગી અને અન્ય ફરજ સિવાય એમના કાર્યોમાં ક્યારેય રજા કે વેકેશન આવતા નથી.હા…એમની ઊંઘ કે આરામના સમયમાંથી ઑવરટાઇમ આવ્યા કરે છે. તાજગી અને સ્ફૂર્તિ તો એમના રોજના બોનસ! રિટાયરમેંટની અહી કોઇ ઉંમર નથી !

સર્જનશક્તિનુ કુદરતી રૂપ તો નારી છે જ સાથે-સાથે એક ગૃહને સર્જન કરવાની કલા એમના સહજ અને આત્મસાત થયેલી હોય છે. એમના દિવ્યભાવોના અદૃશ્ય સંચારથી રસોડાની સાથે અનેક વ્યવહારોમાં આજીવન જોડાયેલી હોય છે. આમ જુઓ તો હોટેલ-રેસ્ટોરંટમાં રસોઇનુ મૂલ્ય થાય છે, એ.સી.ના ભાવ સાથે ભોજંસામગ્રી અને રસોયાનુ બીલ જોડાયેલુ હોય છે. જ્યારે ઘરની ભોજનથાળીમાં સ્વાદ+પ્રેમ+મમતા અમૂલ્ય રીતે પીરસાય છે. અને દરેક સભ્યનુ ભાવતુ મેનુ પણ ઑર્ડર વગર આવી જતુ હોય છે! કોઇપણ જાતની ટીપની અપેક્ષા વગર !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “ઘરનો આસ્વાદ – જાગૃતિબેન રાજ્યગુરૂ”

Copy Protected by Chetan's WP-Copyprotect.