હનુમાન ચાલીસા ! – પ્રિયકાન્ત બક્ષી

[ રીડગુજરાતીને આ હળવો રમૂજી લેખ મોકલવા બદલ શ્રી પ્રિયકાન્તભાઈ બક્ષી (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pvbakshi@yahoo.com અથવા આ નંબર પર +૧ ૭૩૨-૬૧૩-૮૦૪૦ સંપર્ક કરી શકો છો.]

ઈન્દ્રની અલ્કાપુરીમાં દેવ-દેવીગણની વાત આવે ત્યારે આપણા મસ્તિકમાં જે અહોભાવ થાય છે, એવો આદરણીય ભાવ મોહ-માયામયી મુંબઈ નગરી માટે ભારતના નાના શહેરો કે કસ્બાના લોકોને થાય છે. મુંબઈ એટલે ધરતી પરનું સ્વર્ગ જ સમજોને!

હું એક રાષ્ટ્રિયકૃત બેન્કમાં અધિકારી હતો. હોદ્દાની રૂએ મારી બદલી મુંબઈથી બિહારના એક ગામમાં થઈ. ત્યાંના લોકો મને એ ભાવથી જોતાં કે હું જાણે ઈન્દ્રની અલ્કાપુરીથી ના આવ્યો હોઉં! એમાં પણ રામ કૃપાલુ ચતુર્વેદીને મળો એટલે તમને એકદમ ઊચા આસને બેસાડે. અમારી શાખામાં એ લેજર-કીપર હતા. ગૌર-ઘઉં વર્ણો ગોળ ચહેરો. થોડા શીળીના ચાઠા. પિત્તલના વાસણને ટોચણા માર્યા હોય એમ ચાડી ખાય. માથામાં વાળ શ્યામ પણ વધારે લાંબા ના થઈ તેની પૂરતી કાળજી. તેલ એટલું નાંખે કે તમારી નજર એ તરફ જ જાય. શિખા પણ ખરી. વાળીને ગાંઠ મારીને બાંધે. બેન્કમાં પ્યૂન કે સિકયુરિટી સ્ટાફ સિવાયને ગણવેશ ન હતો. તેથી ચતુર્વેદીજી સફેદ ઝભ્ભો અને ધોતિયાનો પરિવેશ ધારણ કરતા. બોલે ત્યારે આંખો ઊંચી-નીચી થાય જાણે કંઈક શોધી રહ્યા હોય એવો ભાસ થાય. મધ્યમ બાંધો અને સરખી ઊંચાઈ. ગંભીરતાથી વાતો કરે. ‘હસવું’ અને ચતુર્વેદીજીને જોજન દૂરનુ અંતર. બીજાના દુઃખ અને કષ્ટથી પોતાને અધિક તકલીફ પડે છે એવી પ્રતિતી એમની વાતો પરથી તમને લાગે. ખરેખર એવું ના હોય એમ સ્ટાફના બીજા કર્મચારીઓનો પાકો અભિપ્રાય! તેઓનું માનવું હતું કે તેઓ નખ-શીશ સ્વાર્થી છે. બોલવામાં ભલમનસાઈ પણ ગર્ભિત સ્વાર્થ સમય આવ્યે સમજાય. સૌ તેમને આર. કે. એ નામથી જ બોલાવે.

મને ડિપોઝીટ ખાતુ સોંપાયું. આર. કે.ની ગેરહાજરીમાં સ્ટાફે જણાવ્યું કે એમનો ‘સહાનુભૂતિ’ નો સેવિંગ્સ એકાઉન્ટ પણ રાખજો! એમાંથી વીથડ્રો કરશે. રખે ઓવર ડ્રાફ્ટ ના આપતા કેમકે સેવિંગ્સમાં એ ફેસિલિટિ ના હોય એ તમે જાણો છો ! મુંબઈની જેમ કામ-કાજનો બહુ બોજો ન લાગે. ગ્રાહકોની ભીડ પણ ઓછી હોય. એવાં ફુરસદના સમયે આર. કે. મારી પાસે આવ્યા. મને કહે, ‘સાહેબ, અહીં તમારું મન નહીં લાગતું હોય. ક્યાં મુંબઈ અને ક્યાં આ નાનુ અમસ્તુ ગામ કે જ્યાં મુંબઈ જેવી સુવિધા ક્યાંથી મળે? તમને ફેમિલી ની યાદ પણ આવતી હશે. કોણ-કોણ છે તમારા ફેમિલીમાં?’
મેં કહ્યું, ‘હું, મારી પત્ની, એક દીકરો છે, જે નવમામાં ભણે છે, મારા બા તથા મારાથી નાનો ભાઈ અને તેની પત્ની એમ અમે સાથે રહીએ છીએ.’
આર. કે., ‘સાહેબ, બહુ તકલીફનું કામ છે. દીકરાનું ભણવાનુ, વૃધ્ધ માતાજીનું ધ્યાન રાખવાનું વગેરે વગેરે. આ તો તમે આટલા હોશિયાર છો તો હિંમત કરીને આટલે દૂર આવ્યા. તમારી જગાએ બીજો હોય તો સાવ બેસી જાય. હવે અહીં એકલા રહેવાના છો કે ફેમિલીને બોલાવવાના છો?’
મેં કહ્યું, ”મને હોટેલનું ખાવામાં બહુ તકલીફ પડે છે અને મારા પત્ની જોબ નથી કરતાં તેથી ૭ દિવસની ટ્રાન્ઝીટ લીવમાં મારી પત્નીને અહીં લઈ આવીશ. દીકરાનું ભણતર અહીં જુદું પડે તેથી તે ત્યાં રહેશે. તેમ જ મારો ભાઈ તેની સારી રીતે care લેશે.

આમ મારા વિષેની સામાન્ય જાણકારી એમને મેળવી લીધી. એમાં મને કંઈ અજુગતું ન લાગ્યું. મારી મુંબઈ જવાની તૈયારી રૂપે, મેં ટીકીટ બૂક કરાવી. રાતની ગાડી હતી. આર. કે. ને ખબર પડી ગઈ કે હું આ દિવસે જવાનો છું. તેઓ મારી પાસે આવ્યા અને મને કહે, ‘સાહેબ, હું જાણું છું કે તમને રોજ- રોજ હોટેલનું ખાવાનુ પસંદ નથી. આમેય હું રોજ મારે ત્યાં જમજો એમ કહું તો તમે એ સ્વિકારો પણ નહીં. આજ મારું માન રાખજો કે સાંજે મારે ત્યાં ભોજન લેશો. પછી ગાડીમાં જજો.’

મારા માટે આવી પ્રસ્તાવના અને આમંત્રણ તદ્દન નવા પ્રકારના હતા. મને સહાનુભૂતિનો સેવિંગ્સ એકાઉન્ટ યાદ આવ્યો. મારી મજબૂરી કે લાચારી જે ગણો, મારાથી એમનું નિમંત્રણ પાછું ઠેલી ન શકાયું.
આર. કે. સાંજે ઓફીસમાંથી છુટીને તેમની સાથે તેમના ઘરે લઈ ગયા. રસ્તામાં મને જણાવ્યું કે તેમને પરિવારમાં તેમની પત્ની અને પ્રભુ કૃપાથી બે દીકરા છે. દીકરાઓ આમ તો ભણવામાં હોશિયાર છે પરંતુ અંગ્રેજી કાચુ છે. અહીં ગામમાં અંગ્રેજીના શિક્ષકો પણ પુરૂ નથી જાણતા તો વિધ્યાર્થીઓને શું શીખવે?
‘હેં સાહેબ, તમારે મુંબઈમાં લોકોનું અંગ્રેજી સારુ કહેવાય. ત્યાં તો બધા બહુ ભણે. તમારા ઘરવાલા શું ભણ્યા છે?’
મેં નિર્દોષભાવે જણાવ્યું કે તેઓ ગ્રેજ્યુએટ છે. તેઓ ઘણા પ્રસન્ન થયા. એમ વાતો-વાતોમાં ઘર આવી ગયું.
‘એ ચુન્નુ-મુન્નુ, સાહેબ આવ્યા છે. પાયલાગન કરો.’ આર.કે. ઉવાચ. છોકરાઓ મને પગે પડ્યા. પહેલીવાર એમને મળ્યો તેથી તેમને આશિર્વાદ સહ થોડી રકમ તેમના હાથમાં મૂકી. ઘરની જગા મોટી હતી. મુંબઈગરાના નશીબમાં આટલી મોટી જગામાં રહેવાનું સુખ ઘણા ઓછાને હોય છે. નાની જગાના ભાડા જ મારી ખાય ત્યાં આવી જગાની કલ્પના ક્યાંથી કરી શકે?

આર.કે. અંદરના ઓરડામાં જઈને બરામદામાં આવ્યા, જ્યાં મને આસન ગ્રહણ કરવાનો આગ્રહ કરેલ. સાથે-સાથે એમ પણ જણાવ્યું કે ‘સાહેબ, આ અમારું ગરીબખાનુ છે. જો અગવડ પડે તો માફ કરજો. ક્યાં મુંબઈ અને ક્યાં દેહાતી ભૂમિ?
‘સાહેબ, અમે ચોખ્ખું ગાયનું દૂધ પીએ છીએ. તમારી કૃપાથી ઘરે એક ગાય છે. ચાલો, બતાવું.’ આર.કે. ઉવાચ.
ઘરના પછિત હિસ્સામાં દોરી ગયા. ત્યાં ગાય બાંધેલ હતી. મને થયું કે બેન્કમાંથી ગાય-ભેંસ પેટે લોન આપવામાં આવે છે તો લાવને એની શી કિંમત થાય એ પૂંછી જોવું.
મેં કહ્યું, ‘આ એક ગાયની કિંમત શું હશે?’
આર.કે. ઉવાચ, ‘શું સાહેબ, ગાય તો માતા કહેવાય, એની કિંમત મૂકાતી હશે?’
(ખેર, પાછલથી સહ કર્મચારીઓથી જાણવા મળ્યુ કે આર. કે. એ લઘુ યાદવને લોન પેટે અમુક રકમ ઊંચા વ્યાજે આપી હતી. એ લોન પુરી ન ચુકવાતા, તેઓ લઘુ યાદવની સારી એવી દુઝણી ગાય ખિલ્લેથી છોડાવી લાવ્યા હતા.)
આર.કે. ઉવાચ, ‘સાહેબ, તમારે પાછો ગાડીનો સમય થશે તો ભોજન ગ્રહણ કરી લો, એવી આપને નમ્ર વિનંતી છે.’
મને લાગ્યું કે બરામદામાં ખુલ્લી હવા તથા ઉજાશ હોવાથી એ ઠીક રહેશે. થાળી પિરસાઈ, માત્ર એક જ. મેં કહ્યું, ‘આર.કે. તમે પણ સાથ આપો, એ બરાબર રહેશે.’
આર.કે. ઉવાચ, ‘તમે આરોગો. હું પછી જમીશ. તમને પિરસવામાં સુગમ પડશે.’ મતલબ કે રસોડામાંથી આર.કે. મારે માટે ભોજન સામગ્રી લાવે અને મને પિરસે. તેમના ધર્મ પત્નીનો પરિચય ન હતો કરાવ્યો. (ત્યારબાદ, મોડે-મોડૅ ખબર પડી કે પર-પુરુષ સામે જનાની ના આવે અને આવે તો ઘુમટો કાઢીને આવે!)

ભોજન વિધિ પૂર્ણ થઈ. આર.કે. ઉવાચ, ‘ સાહેબ, મારી ઘણી ઈચ્છા હતી કે તમને સ્ટેશને મૂકવા આવું પરન્તુ મારે સન્ધ્યા વગેરે પાઠ- પૂજા કરવાની હોવાથી ક્ષમા કરજો.’
મેં કહ્યું, ‘ના, ના, એવું કઈ જરૂરી નથી કે તમારે આવવું જોઈએ.’
આર.કે. ઉવાચ, ‘સાહેબ, તમે મુંબઈના માણસો ઘણા સમજુ છો. અહીંના માણસો તો જીદ્દ પકડે કે આવવું જ પડશે. એક વિનંતી છે. કહેતા શરમ અનુભવું છું.’
મેં કહ્યું, ‘સંકોચ વગર જણાવો.’
આર.કે. ઉવાચ, ‘અમારા જનાનીને ખટાઉ વોયલ બહુ પસંદ છે તો એમને બે સાડીઓ જોઈએ છે તો મુંબઈથી આવો ત્યારે લેતા આવશો? મેં એને મના કરી કે સાહેબને એવું કામ સોંપાય કે?’
મેં કહ્યું, ‘લેતા આવીશું પણ ક્યા રંગની જોઈએ એ બાબતમાં હું ઘણો કાચો છું. સાડી વગેરેની ખરીદી મારા પત્ની કરે છે.’
આર.કે. ઉવાચ, ‘ઓહો, સાહેબ, એ તો અતિ ઉત્તમ. મેમસાબની પસંદગીમાં શું જોવાનું હોય? એમને જે પસંદ પડે તે લેજો.’

ત્યારબાદ હું મુંબઈ ગયો. મારી પત્નીને બે ખટાઉ વોયલ સાડી અંગે વાત કરી. એમને મને પૂછ્યું કે એમની પત્નીનો વાન કેવો છે ?
મેં કહ્યું, ‘મેં એમને જોયા જ નથી.’
તેઓ હસતા-હસતા કહે, ‘તમે ત્યાં એમના ઘરે જમી આવ્યા છો તો એમનો વાન કેવો છે, તે ખબર નથી?’
મે કહ્યું, ‘ આર. કે. મને રસોઈઘરમાંથી લાવીને પિરસતા હતા. હું એકલો જમવા બેઠો હતો.’ મારા પત્ની આ ખુલાસાથી એટલું ખડખડાટ હસ્યા કે હજી એ વાત યાદ આવતા હસી પડાય છે. પત્નીની સાથે હું પાછો આવ્યો. આર.કે. એ જણાવ્યું કે સાહેબ, તમે મેમસાબ સાથે ઘરે આવજો. તમારા પુનિત પગલાંથી અમારા ગરીબ ઘરને પાવન કરજો. મને વારંવાર ‘સહાનુભૂતિ’નો એકાઉન્ટ દેખાવા લાગ્યો. હદ તો ત્યારે થઈ કે જ્યારે એમના ઘરે સાડીઓ સાથે તેનું બીલ આપ્યું ત્યારે આર.કે. કહે, ‘સાહેબ, મને બહુ શરમિંદો કરો છો. તમે બીલ આપીને મારું અપમાન જેવું કરો છો. મને તમારા પર વિશ્વાસ નથી કે બીલ માંગુ ?’ બીલ પાછું આપ્યું. કેટલાની સાડીઓ આવી તે જોવાની પરવાહ સુધ્ધા ના કરી. સાથો સાથ એ પણ જણાવી દઉં કે આજ સુધી મને બીલના પૈસા મળ્યા નથી !
આર.કે. ઉવાચ, ‘મેમસાબ, અહીં તમારો સમય કેમ જશે?’
અમારા પત્ની ભોલે ભાવે બોલ્યાં, ‘તેઓ ઓફીસમાં હશે અને મારો સમય કેમ જશે?’
આર.કે. ઉવાચ, ‘મેમસાબ, તમે તો ગ્રેજ્યુએટ છો અને મુંબઈ જેવા શહેરમાં રહો છો તો તમારું અંગ્રેજી સારું હશે. અહીં અંગ્રેજીમાં બરાબર શીખવતા નથી. આ ચુન્નુ-મુન્નુને ફુરસદના થોડા સમયે અંગ્રેજી શીખવસો એટલે તમારો ટાઈમ પણ જશે અને આ લોકો કંઈક શીખસે.’ મારા કરતાં મારા પત્ની ખોટી શેહ-શરમમાં રહે એવા નથી. તેમને કહ્યું, ‘મને ભણાવવાનું ના ફાવે. મારા દીકરાને પણ હું ભણાવતી નથી તો બીજાની ક્યાં વાત કરું. એના કરતા એમ કરીએ કે અહીં ઊનનું ગુંથણ કામ સારું ગણાય છે તો દીદી ( આર.કે. ના પત્ની) મને એ શીખવે અને વાતો ય થતી જશે તથા નવું શીખવા મળશે.’ આર.કે.એ તથા એમના પત્નીએ હા ભણી કિન્તુ આજ પર્યન્ત એના પગરણ નથી મંડાયા, એ વાત જુદી છે!

એકવાર આર.કે. મને બેન્કમાં ફુરસદના સમયે કહે, ‘સાહેબ, તમને અને મેમસાબને અહીં ગમતું નહીં હોય. ક્યાં મુંબઈ અને ક્યાં આ ઉપાધીથી ભરેલ ગામ. પાણી માટે ચાપાકલ પર જઈને લાઈન લગાડો, વિજળી વારંવાર ડૂલ, નહીં કોઈ બાગ બગીચા, નહીં કોઈ મનોરંજનની જગા. મુંબઈ બહુ યાદ આવતું હશે. માતાજી અને દીકરો તેમજ ભાઈ વગેરે વારંવાર યાદ આવતાં હશે. મારું માનો તો એક કામ કરો, હું ‘હનુમાન ચાલીસા’ નું પુસ્તક લાવ્યો છું. તમે રોજ એનો પાઠ કરજો. તમારો આ દોજખમાંથી છૂટકારો થશે.’ એમ કહી મને ‘હનુમાન ચાલીસા’ આપ્યું.
બીજે દિવસે આર.કે.એ બેન્કમાં દાખલ થતાં જ મને સવાલ કર્યો. ‘સાહેબ, ‘હનુમાન ચાલીસા’ વાંચ્યું?’
મેં કહ્યું, ‘ઓહ, આજે ઊઠવામાં મોડું થઈ જવાથી પાઠ નથી થયા.’
આમ લાગલગાટ ચાર-પાંચ દિવસ ‘હનુમાન ચાલીસા’ વિષે રીમાઈન્ડર આવતા ગયા.
એનાથી છૂટકારો મેળવવા એક ઉપાય મળી આવ્યો.
મેં કહ્યું, ‘આર.કે. તમારે ત્યાં હનુમાનનો દિવસ મંગલવારે મનાવવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે વેસ્ટ ટુ સાઉથમાં શનિવારે મનાવવામાં આવે છે. એનું કારણ તુલસી કૃત ‘રામાયણ’ માં આપવામાં આવ્યું છે, તે તમે જાણો છો?’ આર.કે. પહેલી વાર મુંઝવાયા. હાથની આંગળીઓ માથાની ચોટલી તરફ ફેરફુદરડી લેવા લાગી. ગાંઠ ખોલતા જાય ને બંધ કરતા જાય. કંઈ મેળ જામતો નહીં. બહુ મગજ કસ્યુ પણ કોઈ કરતાં મેળ ન જામ્યો તે ન જ જામ્યો. આખરે હાર માનતા હોય તેમ મને કહે, ‘ક્યા પાના પર આ રહસ્ય આપેલ છે?’
મેં કહ્યું, ‘પાનાનો નંબર તો યાદ નથી. અમારા ઘરે મુંબઈમાં બનારસ પ્રેસનું ઘણા સમય પહેલાનું તુલસી કૃત ‘રામાયણ’ હતું. તેમાં જણાવેલ કે જ્યારે શ્રી રામ લંકા વિજય કરીને અયોધ્યા જવાં પુષ્પક વિમાનમાં બેસવાં જાય છે ત્યારે ત્યાંના લોકો એમને વિનંતી કરે છે, ‘હે રામ, અયોધ્યા ગયા પછી અમને તથા અમારા ગામ જનોને આપના દર્શન ક્યારે થશે? આપ, જાનકી, લક્ષ્મણ તેમ જ ભક્ત વીર હનુમાન પગપાલા અમારા ગામોમાંથી પસાર થાવ તો આપના દુર્લભ દર્શનનો લાભ મળી શકે. શ્રી રામે લોકોની ભક્તિને માન આપીને દક્ષિણથી ઉત્તરમાં પશ્ચિમ બાજુએ સૌ ગામ લોકોને દર્શન આપતા- આપતા પૂર્વ ભણી પ્રયાણ કર્યું. ત્યાંથી પુષ્પકમાં બેસીને અયોધ્યા પધાર્યા. એમ થતાં અમારી બાજુએ શનિવાર આવી ગયો, જ્યારે તમારી બાજુએ મંગલવાર થયો. તમે એ પ્રત મેળવશો એટલે તમને શનિવાર અને મંગલવારનું રહસ્ય મળી જશે.’ ત્યારથી આર.કે. ના ‘હનુમાન ચાલીસા’ ના સવાલના જવાબમાં મારો સવાલ તેમને થતો, તુલસી કૃત ‘રામાયણ’ મળ્યું? ત્યારબાદ એમને આ અંગે મને પૂછવામાંથી મુક્તિ આપી.

અમારા એકાઉન્ટન્ટ આ વાર્તાલાપનું શ્રવણ કરતા હતા. એ તો એમને મને આર.કે.ની ગેરહાજરીમાં કહ્યું, ‘તમારી ‘રામાયણ’ની વાત આર.કે.ની સમજની બહાર છે. હવે અહીંથી લઈને દરેક દુકાનદાર પાસે તપાસ કરશે. છેલ્લે બનારસ પણ જઈ આવશે. બધે ફાં ફાં મારશે પણ શ્રીરામ ભકત આર.કે. ને આ રહસ્ય નહીં મળે ત્યાં સુધી જંપશે નહીં. આમેય રહસ્ય હોય તો મળેને? એવી સમજદારી લાવવી ક્યાંથી?’ આટલા સહવાસથી હું સમજી ચૂક્યો હતો કે આ સહાનુભૂતિ પાછલ મોટું વિથડ્રોવલ હોવું જોઈએ. ભૂલેચૂકે ઓવરડ્રાફ્ટ ના થઈ જાય એની તકેદારી રાખવી પડશે. હોળીના દિવસો નજીક આવતાં હતા. મને થયું કે રજાઓ ઘણી છે તો મુંબઈ જઈ આવીએ. મેં રજા મૂકી.

આર.કે.એ અમને બન્નેને એમના ઘરે આવવાં નિમંત્રણ આપ્યું. એક રવિવારે અમે તેમના ઘરે ગયાં. ચા-પાણી, નાસ્તા સાથે વાતચીત ચાલી. મુંબઈ એકવાર જોવા જેવું ખરું. કુટુંબ સાથે વેકેશનમાં જઈ આવીએ. અમે તો રહ્યા સાવ અનજાન અને આવી મોટી નગરીમાં આપણું એકલા જવાનું ગજું નહીં. ઈચ્છા તો ઘણી થાય છે. એ દિવસે મેં વાતને વધુ ચગાવી નહીં. એમના કહેવાનો સૂર હતો કે અમે તેમને મુંબઈમાં ફેરવીએ. આ એમનું ‘હનુમાન ચાલીસા’નું સહાનુભૂતિનુ મોટું વેવ હતું. દરમ્યાન હેડ ઓફીસથી મારો રીટ્રાન્સફરનો ઓર્ડર આવી ગયો એટલે રજા પર ના ઉતરતા હું અને મારી પત્ની મુંબઈ પરત ફર્યાં. મને સંતોષ છે કે મેં આર.કે. ને એમના ‘સહાનુભૂતિ’ના સેવિંગ્સ ખાતામાંથી ઓવર ડ્રાફ્ટ થવા ના દીધો! કેમકે આર.કે. કુટુંબ સહિત મુંબઈ ફરવા આવ્યા કે નહીં એની માહિતી મળી નથી. એમને શનિવાર થી મંગલવાર કેમ થયો એનું રહસ્ય મળ્યું કે નહીં તે પણ એક રહસ્ય છે !

Leave a Reply to Ila & Umesh Nagarsheth Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “હનુમાન ચાલીસા ! – પ્રિયકાન્ત બક્ષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.