જુનાગઢનો મોચી – દેવાંગ બગડાઈ

[ રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા બદલ શ્રી દેવાંગભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dewang.thakkar@gmail.com સંપર્ક કરી શકો છો.]

આમ તો મારા મોજડી પેટર્નના બુટ ખાદી ભંડારમાથી ખરીદેલા હતાં, પણ સમય જતાં તેના ગાત્રો શીથીલ થવા લાગ્યા હતાં. રસ્તા પર જ રાજીનામું આવે એ પહેલાં તેનું રિફીટીંગ કરાવી લેવુ જરૂરી હતું. નક્કી કર્યાના પાંચેક દિવસ પછી એક સવારે તેનું મુહુર્ત આવ્યું. પણ ત્યારે ખબર ન્હોતી કે કેવા સંતોષી જીવ સાથે મુલાકાત થવાની છે.

રાજકોટનાં રૈયા એક્ષ્ચેન્જ નજીક એક કોમ્પ્લેક્ષની બહાર ઝાડ નીચે તાજી જ અગરબતી કરીને શિયાળાની મસ્ત સવારે બિરાજમાન મોચી દેખાયો. ઉંમર લગભગ પંચાવન આસપાસ હશે. અદ્લ ગાંધીજી જેવું શરીર, સ્મિત પણ એટલું જ નમ્ર અને ચશ્મા પણ એવા જ. બાઈક પાર્ક કરીને પાસે ગયો એ સાથે જ સામે જોઈને તે ગાંધીજીવાળું સ્મિત આપીને બોલ્યો,
‘આવો સાહેબ…’
હસતી વખતે તેના ગાલમાં મોટા ખાડા પડ્યા. મે મોજડી-કમ-બુટ રિફીટીંગ કરાવાની વાત કરી એ સાથે જ એણે ઝાડની પાછળથી પ્લાસટીકનું નાનું ગોળ સ્ટૂલ ખેંચ્યું. સ્ટૂલના એક પાયાનું વરસો પહેલાં જ રાજીનામું આવી ગયુ હશે. એ પાયાને આ ઘટનાનાં નાયકે લોખંડના વારાથી જડ્બેસલાક બાંધ્યુ’તું. અને વિશ્વાસ સાથે તે બોલ્યો,
‘બેસો બેસો, કંઈ નહી થાય..’ બેઠાં પછી ખરેખર કંઈ ના થયું તેની ખાત્રી કરી લીધા પછી મેં તેને બુટ આપ્યા. બુટનું નિરિ‍ક્ષણ કરવામાં તેની અનુભવી આંખો વ્યસ્ત બની. ગાંધીજીવાળું સ્માઈલ ફરી ઝબક્યું અને તેણે કામ શરૂ કરી દીધું. તેનો મોચીકામનો સામાન એકદમ વ્યવસ્થિત મુકેલો હતો. આટલી ચીવટ જોતાં મને વધુ જાણવામાં રસ પડ્યો. મેં શરૂઆત કરવા કહ્યું,

‘કાકા, આ તો ખાદી ભંડારમાંથી લીધા’તાં, થોડાં ટક્યા પણ ખરા, પણ હવે ખીલ્લી મરાવી પડશે એવું લાગ્યું..’ જવાબમાં ફરી પેલું જુનું સ્મિત આવ્યું અને બોલ્યા, ‘હા, હજુ એમ તો થોડો ટાઈમ ટકશે..’
મે કહ્યું, ‘તમે માપ લઈને નવા મજબુત જોડાં બનાવી આપો ખરાં ? તૈયારમાં ખાસ મજા નથી આવતી…’
થોડો ટાઈમ કંઈ જવાબ ના આવ્યો, પછી સામું જોઈને ફરી પેલું સ્મિત રેલાવી લાચારી સાથે બોલ્યો,
‘ના, હવે પેલાં જેવા ચામડા આવતા નથી, અને નબળા જોડાં હુ બનાવતો નથી…’
મે કહ્યું, ‘પણ પૈસા મળતાં હોય તો તમને શું વાંધો છે ?’

હવે એના ચહેરા પર સિધ્ધાંત ડોકાયો અને કહ્યું…’સાહેબ, આ તો મારા બાપ-દાદાનો ધંધો છે, રોજી પર બેસીને કામમાં લાલીયાવાડી કરું તો હજમ કેમ થાય ? આપણે વધારે જોતુ’ય નથી..’ ફરી પેલું જુનું સ્મિત…!
મે કહ્યું, ‘તો ખાલી રીપેરીંગ જ કરો છો એમને ? પે’લા બનાવતા હશો, તમારા બાપુજીના વખતમાં….’ બાપુજીના વખતનો ઉલ્લેખ થતાં જ આ વખતે તેના જુનાં સ્માઈલમાં દોઢ કિલોનો ઉમેરો થયો, અને એના જુવાનીનો સમય જાણે તેની નજર સામે આવી ગયો.
‘હા સાહેબ, જુનાગઢ ગ્યાં છો ? અમે મુળ ન્યાં રે’તાં. જુનાગઢનાં મોટા વકીલ હતાં ને (કોઈ એ વખતનાં પ્રખ્યાત વકીલનું નામ બોલ્યા) એના જોડા મારા બાપુજી જ બનાવતા, બીજા કોઈનાં એને ફાવે જ નહી, અને ઈ વખતે વસ્તુ એવી આવતી ! પે’રનારા યાદ કરતાં, ચોમાસાના કીચડ હોય તોય જોડાં ને કાંઈ નો થાતું ! જુનાગઢ તો અમારે જુનાગઢ હતું !’ એની વાત કરવાની એક આગવી છટા હતી. સતત હસતો ચેહરો અને નરી નિખાલસતા હતી, જવાબમાં મે કહ્યું, ‘હા, જુનાગઢમાં તો લીલીપરીક્ર્મા કરવા ઘણા જતા હોય છે રાજકોટથી. હું એકવાર ગિરનાર ચડવા ગયો’તો’
ગિરનારમાં વાંદરા કેવાં ? જોયાં તા?’
મે કીધું, ‘હા.., ત્યાં તો પગથીયે પગથીયે વાંદરા…’
‘પણ કાંઈ કરે નંઈ હોં ! તમે એને ચારો કરો તો જ, બાકી કાંઈ નો કરે, અમારે તો જુનાગઢમાં આગળ-પાછળ બારણાંવાળી મોટી ઓસરીવાળું મકાન હતું મોટું….. અગાશીથી વાંદરા આવતાં….. એકવાર તો મારો નાનો ભાઈ સવારે ઓસરીમાં ચા ને ભાખરી ખાતો તો ને એની થાળીમાં સામે બેસીને વાંદરો આપણા માળહની જેમ પલોઠી વાળીને ભાખરી ખાવા મંડ્યો, મારી બા રાડું પાડે, પણ મે કીધું કાંઈ નહીં કરે, પછી હું ગ્યો એટલે પાછલા બારણેથી વાંદરો ભાઈગો, પણ એનો ચારો નો કરાય હોં !’ અત્યારે જાણે એ આખાય જુનાગઢની માનસિકયાત્રા પર પહોંચી ગયા હતા અને ચેહરા પર એક અલગ જ ઉત્સાહ દેખાતો હતો. હજુ એને આગળ જાણે ઘણુંબધું કહેવું’તું.

‘એમ તો અમે લીલી પરિક્રમા કરી નથી, પણ મારા બાપુજી લીલી પરિક્રમાના રસ્તે હાલીને જાતા હોય એના જોડા રીપેર કરી દેવા જાતા, પણ મફત હો, ખાલી સેવા, પૈસા નહી લેવાનાં..”
‘એમ ? પણ હવે તો બધું મોંઘુ થઈ ગયું ને સેવા કોને પોસાય ? એ વખતે તો સસ્તાઈ હતી ને !’ એને જુના સમયની વાતોમાં રસ હતો એટલે મેં એ જ વાત આગળ ચલાવી. પણ મેં આ પૂછ્યું એ વખતે જ હાથમાં સાવરણો લઈને એક હરિજન ત્યાં આવીને ઉભો રહી ગયો.
‘દાદા વધારાના જોડા છે ?’ હરિજને પૂછ્યું
જવાબમાં એક જુના જોડાં મોચી એ એના પગ પાસે ફેક્યાં, ‘આ એક છે.’
‘પણ મારે તો ઘરવાળી માટે જોઈ છે.’
હવે મોચીએ ત્યાં રહેલી એક લાકડાની પેટી ખોલી સાવ જુના પણ સાચવી રાખેલા લેડીઝ ચંપલ કાઢ્યા અને પેલાને આપી દીધા એટલે પેલો ચાલતો થયો. આ ઘટનાંમાં મારા છેલ્લા સવાલનો જવાબ આવી ગયો કે અત્યારના ટાઈમમાં સેવા કોણ કરે ?

મેં પૂછ્યું, ‘જુના જોડા તો તમારે કામ ના આવે? ક્યાંક થીગડું મારવામા એનુ ચામડું કામ લાગે ને…’ જવાબ એ જ સ્મિત સાથે, ‘માણાહ પેરે એટલે ઘણું, એક જોડી જોડામાં શું ??’ આ તો ભાઈ ખરો માણસાઈવાળો નીકળ્યો. હવે મારું કુતુહલ થોડું વધ્યું. એક તો આટલી મોંઘવારી, એમાંય રાજકોટ જેવું મહામોંઘુ શહેર. કોઈને પંદર હજાર પગાર મળતો હોય તો સતત બીજી વીસ હજારવાળી જોબની ઓફરની રાહ જોવાતી હોય, વીસ હજાર હોય તો પચ્ચીસની જોબ શોધતા હોય, અને ધંધામા વધુને વધુ નફો કેમ કરવો તેના પ્લાનીંગ થતાં હોય, કોઈ કોઈનું એક રૂપીયાનુંય રાખે નહી ત્યાં આ ભાઈના હૈયે વળી કઈ માનવતા આંટો વાળી ગઈ છે ?

મેં પૂછ્યું, ‘આમ રાજકોટ તો જુનાગઢ કરતાં મોધું, નહી? અહીયાં તો ઘરેય એટલા મોંઘા પડે.’ મારા બુટમાં છેલ્લી ખિલ્લી મારતાં તે બોલ્યો, ‘એમ તો ભાઈ હોય એટલું ઓછું. અમારે તો માતાજીની દયા છે, અમારે બે ટંક ખાઈ છીએ એનાથી વધારે એક રૂપિયોય નથી જોતો, અને ઘરનું ઘર ક્યાં કરવું છે ? જ્યાં રે’તાં હોય ન્યાં બે ટંક મળે એટલે પુરું, વધારાનો રૂપિયો જોતો’ય નથી. મોજથી રે’વા મળે એટલે ઘણું. એમ તો કપડાંમાં ભરત-ગુંથણમાં મારી બોવ ફાવટ, ગામના કામ મળેય ખરા, પણ આપણે બે ટંક ખાવાથી વધારે જોતું જ નથી….’ મારા બુટ પગ પાસે મુકતાં તે છેલ્લું વાક્ય બોલ્યો.
‘કેટલા થયા ?’ મે પૂછ્યું.
‘જે આપો ઈ’
ત્રીસ-ચાલીસ રૂપિયાથી વધુ નહીં થાય એવી મારી ગણત્રી હતી, તો પણ પચાસને બદલે સો ની નોટ આપીને જે થતા હોય એ લઈ લેવા કહ્યું. પણ એણે ક્હ્યુ કે ‘સો ના છુટ્ટા તો નથી, પચાસવાળી હોય તો આપો, છુટ્ટા આપું’. મેં પચાસની નોટ આપી તો એણે માત્ર પંદર રૂપીયા લઈ ને પાંત્રીસ પાછા આપ્યા અને પાછું ‘બીજીવાર આવજો’ નો વિવેક પણ કર્યો.

સાલુ…….. અહીંયા તો દુઆ કબુલ ના થાય તો લોકો ભગવાન પણ બદલાવી નાખે ત્યારે આ માણસ, જેની પાસે સ્ટુલ પણ ફટીચર હાલતમાં છે, એ જ્યાં બેસેલો છે એ જગ્યાએથી ક્યારે તંત્રવાળા ઊભો કરી દેશે એની પણ ખબર નથી, અને એ કંઈ અહીયા બેસીને મહીને દસ-પંદર હજાર કમાઈ નહીં લેતો હોય, તો પણ એ પોતાના પર માતાજીની ખુબ દયા છે એવું માને છે. બાકી અત્યારના સમયમાં દરેકે-દરેકને પોતાના જીવનમાં કંઈક ખુટતું હોય એવુ લાગતું હોય છે. દરેકની ભગવાન પાસે કંઈકને કંઈક માંગણી હોય જ છે. અરે કેટલાય તો મરતાં સુધી અફસોસ કરતા હોય છે કે, મેં આમ કર્યું હોત તો અત્યારે કેટલો આગળ હોત. આપણી જ વચ્ચે આવુ સંયમી જીવન જીવતા આ મોચી જેવા ‘વીરલા’ સાધુ મહાત્માથી કમ તો ના જ કહેવાય…

બાકી જુનાગઢ જાવ તો યાદ કરજો આ ભાઈ ને….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

23 thoughts on “જુનાગઢનો મોચી – દેવાંગ બગડાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.