સંતાન – વંદિતા દવે

[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.]

કઈ રીતે ? કઈ રીતે અપનાવી શકું હું એ બાળકીને ? હું માનું છું કે, ઉર્વશી મને સંતાનસુખ આપી નહોતી શકી. પાંચ પાંચ વર્ષ સુધી હું સંતાનપ્રાપ્તિ માટે તરફડ્યો હતો. જયારે હવે મને સંતાનનારૂપ મહેક મળી રહી છે તો મારું મન એને સ્વીકારવા તૈયાર નથી થઇ રહ્યું. યાત્રીના કારણે એ મને પિતા તરીકે સ્વીકાશે,પણ હું ? શું મારે પણ ફક્ત યાત્રીના કારણે જ એને પુત્રી તરીકે સ્વીકારવાની રહેશે ? હું એને ક્દી દિલથી નહીં સ્વીકારી શકું. કેમ કે,મારા અને યાત્રીના દાંપત્યજીવનમાં મહેક યાત્રીના પહેલા પતિના અંશરૂપે મારી સામે રાતદિન
અથડાતી રહેશે.

યાત્રી એના પતિને ખૂબ ચાહતી હતી. માટે જ તો તે બીજાં લગ્ન કરવા માગતી નહોતી. જોકે ઉર્વશી સાથેના લગ્નવિચ્છેદન બાદ મને તમામ નારીજાતિ પ્રત્યે ઘૃણા થઇ હતી. પરંતુ યાત્રી સાથેની મુલાકાતે મારા રોમેરોમમાં નવેસરથી જિંદગી જીવવાનો નવો ઉન્માદ ભરી દીધો છે. પવનના એક જોરદાર સપાટાથી બારી ખૂલી ગઇ અને એ પવનની લહેરખી પર સવાર થઇને અ પોતાના અતીતમાં પહોંચી ગયો.

‘સમાજસેવા…સમાજસેવા…સમાજસેવા,તંગ આવી ગયો છું હું તારી આ બધી ઈતર પ્રવૃતિઓથી. ઘર અને વર માટે તારી પાસે કોઇ ટાઇમ નથી, તો શા માટે અહીં રહે છે ?તારી સામાજિક પ્રવૃતિઓને ગળે લગાવીને નીકળી જા મારા ઘરમાંથી. ક્રોધાવેશમાં કહેલા અક્ષતના આ શબ્દોએ અક્ષતના લગ્નજીવનનો અંત આણી દીધો. ઉર્વશી સાથે તેણે લવમૅરેજ કર્યાં હતાં. ઉર્વશીને ઘર સંભાળવા કરતાં સમાજ સંભાળવામાં વધારે રસ હતો. તેના પિતા એક નેતા હતા. પિતાના નેતૃત્વ હેઠળ પુત્રીએ સમાજમાં માન અને હોદ્દો કઈ રીતે હાંસલ કરવાં એ જ યુકિતઓ શીખી હતી. ઘરકામ, કુટુંબની જવાબદારી, પતિ અને સંતાન પ્રત્યેની કઇ કઇ ફરજો હોય એ વિશે તે બિલકુલ સભાન નહોતી. લગ્નના શરૂઆતના દિવસોમાં અક્ષતે તેની તમામ અણઆવડતોને એમ વિચારી નજરઅંદાજ કરી કે ધીરે ધીરે એ કેળવાઇ જશે. બા પાસેથી બધું શીખી લેશે, પણ નહીં, સાસુમાની એક પણ વાત એ કદી કાને ધરતી નહીં. એ ફક્ત પોતાનું ધાર્યું જ કરતી. જે રીતે પિતાના ઘરમાં રહેતી એ જ રીતે અહીં પણ વર્તતી. દેવતુલ્ય સાસુસસરાનો વારંવાર અનાદર કરતી. ધડાધડ સામા જવાબો આપી દેતાં એ સહેજેય ન અચકાતી. અક્ષતને બે ટંક્ની થાળી પીરસવા પણ ક્દી ડાઇનિંગ ટેબલ પર તે હાજરી ન આપતી. રાત્રે પણ મોડે સુધી એની મિટિંગો અને પાર્ટીઓ ચાલ્યાં કરતી. છતાં અક્ષત આ બધું ફ્ક્ત એક આશાએ ચલાવી લેતો કે એક સંતાન થઇ જશે પછી એને આપોઆપ પોતાની જવાબદારીઓનું ભાન થઇ જશે.

ઘણી વાર અક્ષત હળવેક્થી ઉર્વશી પાસે પોતાની આ ઈચ્છા પ્રગટ કરતો. પરંતુ ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરનારી ઉર્વશી ‘હમણાં નહીં’ આટલો જવાબ આપી મોં મચકોડીને વાત બદલી નાખતી. એમ કરતાં કરતાં પાંચ વર્ષ વીતી ગયા. પરંતુ ઉર્વશીમાં કોઇ બદલાવ ન આવ્યો અને અંતે એક દિવસ ગુસ્સામાં અક્ષતથી થોડું આડુંઅવળું બોલાઇ ગયું ને ઉર્વશી એ જ ક્ષણે પોતાનો સામાન પેક કરી ઘર છોડીને ચાલી ગઇ. પછી અક્ષતે પણ એને સમજાવવાનો કે પરત આવવા માટે વિનવવાનો કદી પ્રયત્ન પણ ન કર્યો. બંનેએ પોતપોતાના વકીલો મારફત ડાઈવોર્સ પેપર પર સાઈન કરીને એકબીજાને મુક્ત કર્યાં. જિંદગીથી કંટાળેલો, હારેલો અક્ષત જડની જેમ જીવન પસાર કરવા લાગ્યો, એવામાં એની મુલાકાત યાત્રી સાથે થઈ. સુંદર, સુશીલ, મીઠાબોલી, હસમુખી, કામણગારી યાત્રી જાણ્યે-અજાણ્યે અક્ષતના દિલમાં ઘર કરી ગઈ. અક્ષતની સાથે તેની ઓફિસમાં નવી-નવી નોકરી કરવા આવેલી યાત્રી વિધવા હતી. બે વર્ષ પહેલાં હાટૅએટેક્ને કારણે એના પતિનું મૃત્યુ નીપજ્યું હતું. સ્વભાવે ચંચળ અને બોલકી યાત્રી ઓફિસમાં બધાની સાથે થોડા જ સમયમાં દૂધમાં સાકારની જેમ ભળી ગઈ હતી. અક્ષત સાથે એનો સ્વભાવ થોડો વધારે મેચ થતો હોવાના કારણે એ બંને વચે સારી મિત્રતા થઇ ગઈ હતી. અક્ષતની મૂરઝાયેલી જિંદગીને યાત્રીની નિખાલસ મૈત્રીએ હરિયાળી બનાવી દીધી હતી, યાત્રીને પોતાની જીવનસંગિની બનાવવાનો અક્ષતે મનોમન નિર્ણય કર્યો અને એના એ નિર્ણય પર એના વૃદ્ધ માતા-પિતાએ પણ રાજીખુશીથી સંમતિની મહોર મારી. પણ જ્યારે અક્ષતે યાત્રી પાસે આ પ્રસ્તાવ મૂક્યો ત્યારે યાત્રીએ ચોખ્ખી ‘ના’ કહીને અક્ષતનાં અરમાનો પર પાણી ફેરવી દીધું. તેણે જણાવ્યું કે તે પોતાના પતિની યાદોને પોતાના દિલથી અલગ કરવા નહોતી માગતી.

છતાં પણ અક્ષતે અલગ-અલગ પ્રકારે ઘણી બાંધછોડ કરવા તત્પર બનીને, ઘણા પ્રયત્નો બાદ માંડ-માંડ યાત્રીની ‘ના’ ને ‘હા’ માં પલટાવી. યાત્રી લગ્ન માટે માની તો ખરી,પરંતુ તેણે જયારે પોતાના જીવનની એક અક્ષતથી અજાણ હકીકતથી અક્ષતને માહિતગાર કર્યો ત્યારે અક્ષત વિહવળ બની ગયો. તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. હવે શું કરવું અને શું ન કરવું એ દ્વિધામાં તે અટવાઈ ગયો. ‘અક્ષત તમે મને ચાહો છો અને મારી સાથે લગ્ન કરવાની જિદ લઈને બેઠા છો. તમારા કહ્યા અનુસાર હું તમારી બેજાન જિંદગીમાં બહાર લાવી શકી છું. જે જિંદગીને હવે તમે મારા નામે કરી દીધી છે, ઠીક છે. હું પણ તમારી જિંદગીને ફરી પાછી પાનખરમાં પલટાવવા નથી માગતી. હું તમને પરણવા તૈયાર છું. પરતું મારી જિંદગીની એક બાબતથી અજાણ છો. તમે મારી જિંદગીના એક અંશને હજુ સુધી નથી મળ્યા. અક્ષત, મારે એક ત્રણ વર્ષની દીકરી છે.’…….. આ સાભંળતાં જ અક્ષતનું હ્રદય ધબકારો ચૂકી ગયું. એ અવાચક બની યાત્રીની સામે જોઈ રહ્યો…. ‘હવે કહો અક્ષત, તમે મને મારી દીકરી મહેક સાથે સ્વીકારવા તૈયાર છો ?’ અક્ષત શું બોલે ? એની સમજમાં કંઈ જ નહોતું આવી રહ્યું.
‘નહી ? એ જરા અઘરી બાબત છે. માટે જ હું આ લગ્ન માટે તૈયાર નહોતી. ખેર…હવે તમારો નિણય મને તમારી રીતે સમજી વિચારીને જણાવજો.’ યાત્રી હસીને બોલી અને ત્યાંથી સડસડાટ ચાલી ગઈ.

તેના ગયા બાદ અક્ષતના મનમાં મનોમંથન શરૂ થયું. બીજા દિવસે અક્ષત યાત્રીના ઘેર ગયો. એને પોતાનો નિર્ણય જણાવવા. હું યાત્રીને સ્પષ્ટ જણાવી દઈશ કે હું મહેક્ને નહીં અપનાવી શકું. કેમ કે અમારા લગ્નજીવનમાં એ હંમેશાં બાધક બની રહેશે. જો હાલ મહેકને પોતાનાં માતાપિતા પાસે રાખે તો થોડી મોટી થઈ ગયા બાદ તેને સારામાં સારી હોસ્ટેલમાં ભણાવવા માટે મૂક્વાનો બધો જ ખર્ચો હું ઉઠાવવા તૈયાર છું. મને એ બાળકી પ્રત્યે કોઈ અણગમો નથી, પરતું ભવિષ્યમાં અમારું બાળક થતાં હું એને ન્યાય નહીં આપી શકું. એક ઘરમાં સાથે રહીને એના પ્રત્યે મન ક્ડવું રાખીને જીવવા કરતાં તો બહેતર છે કે એને એનાં નાના-નાની પ્રેમની છાયા તળે ઊછરવા દેવી. હું યાત્રીને ખૂબ જ ચાહું છું.હું એને કોઈ હિસાબે ખોવા નથી માગતો, પરતું આ મહેકનું શું કરવું એ જ સમજાતું નથી.

અક્ષત મનોમન મહેક વિશે ખરાબ વિચારતો યાત્રીના ઘરે પહોંચ્યો. ડૉરબેલની સ્વિચ દબાવતાં બોલ્યો. ‘જય ગણેશ પરમેશ્વર, મહેક નામની બલા મારે માથેથી ટાળજો.’ દરવાજો ખૂલ્યો, સામે લાઈટ પિંક કલરનું ઘેરઘમ્મદાર ફ્રોક પહેરેલી, બેબીક્ટ વાળમાં સુંદર હૅરબૅલ્ટ સજાવેલી, હાસ્ય વેરતી એક બાળકી ઊભી છે. તેના ગાલમાં પડતાં ખંજન તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે. તેનાં નાનાં અણિયાળાં કાજળભર્યાં ભૂરા નયનોમાં તેના ઉજ્જવળ ભવિષ્યનાં અનેક સોણલાં તરવરી રહ્યાં છે. તેના કોમળ નાજુક કરકમળમાં એના જેવી એક નાની ઢીંગલી શોભી રહી છે. આ અદ્દભૂત અને અલૌકીક બાળકીને નિહાળી અક્ષતના દિલમાં લાગણીની ઠંડી લહેરખી ફરી વળે છે. તેની આંખો ઠરી જાય છે.
‘તમાલે કોનું કામ છે અંક્લ ?’પોતાની મધુર કાલીઘેલી વાણીમાં તે બાળકીએ શબ્દપુષ્પો વેર્યાં, જેને હથેળીમાં ઝીલી લઈ હ્રદય પર પાથરી દેવાનું અક્ષતને મન થઈ આવ્યું.
અક્ષત તરફથી કોઈ જવાબ ન મળતાં તે બોલી, ‘માલુ નામ મહેક છે, માલી મમ્મી તો નથી, બાબા ગઈ છે. નાનીમા છે. એને બોલાવું ? મને ચૉકલેટ આપવી પલશે હોં ?’મહેક ગાલ ફુલાવીને બોલી. તેની નિર્દોષતા પર અક્ષત આફરીન થઈ ગયો. તેના ચહેરા પરની અદ્દભૂત રોનકથી અક્ષત અંજાઈ ગયો. તેનો દેખાવ, તેની વાણી, તેના હાવભાવ અક્ષતના સંતાનવિહોણા વાત્સલ્યસભર હ્રદયને સ્પર્શી ગયાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “સંતાન – વંદિતા દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.