બાળકનું જીવન ઘડતર – તેજલ પરિમલ ભટ્ટ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ તેજલબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tejal.bhatt.29@gmail.com સંપર્ક કરી શકો છો.]

મુંબઈના માણસોથી ભરચક વિસ્તારમાં રહેતા નિર્મળાદાદીએ આ શહેરને છેલ્લા ૬૫ વર્ષોથી નિહાળ્યું હતું. માનવ મહેરામણથી ભરાતું જતું અને માનવતા ઘટાડતું જતું આ મુંબઈ શહેર. પોતાના બાળપણથી લઈને તેમના પૌત્રોના બાળપણનું સાક્ષી આ શહેર હતું. આજે નિરાંતે એકલા બેસી ઘરમાં તેઓ જાણે ભૂતકાળને વાગોળી રહ્યા હતા. પોતાનો એકનો એક દીકરો અજય, તેની પત્ની શેફાલી અને પૌત્રો જય તથા જશ -આ હતો તેમનો પરિવાર. આજે શેફાલી બાળકો સાથે પિયરે ગઈ હોવાથી ઘર તેમને ખાલી ખાલી લાગતું હતું. જશ અને જયની યાદ આવતી હતી. હ્રદયમાં બાળકો માટે વ્હાલ ઉભરાઈ આવતું હતું. આજે ભૂતકાળની વિચારમાળામાં દાદી ખોવાઈ ગયા હતા. એક વાત જે છેલ્લા કેટલાક વર્ષોથી તેમને પરેશાન કરતી હતી તે આજે પાછી યાદ આવી ગઈ……જશ અને જયને અપાતી વધુ પડતી સગવડો -સુવિધાઓ, ‘Over Protective’ બનતા જતા અજય અને શેફાલી.

જય તો હતો ૭ વર્ષનો જ્યારે જશ તો ફકત ૨ વર્ષનો જ હતો. નિર્મળાદાદીને વિચારોના વમળોએ ઘેરી લીધા. અજય અને શેફાલી બાળકોને કોઈ જ વાતની ખોટ ન પડે તે માટે વિશેષ ધ્યાન રાખતા. બન્ને જણા પોતે ભોગવેલી મુશ્કેલીઓ, તકલીફો બાળકોને ન પડે તે માટે હંમેશ પ્રયત્નશીલ રહેતા. દાદી જાણતા હતા કે દરેક માબાપને પોતાનું બાળક જીવ કરતા પણ વધારે વ્હાલું હોય છે. પોતાનો જ અજય યાદ આવતા મુખ ઉપર સ્મિત ફરી વળ્યું. હજી કાલે જ જય દાદીને કહેતો હતો, ‘દાદી….દાદી, તમે મને મુંબઈની લોકલ ટ્રેનમાં બેસવા લઈ જાશો ? મારે ટ્રેનમાં બેસવું છે. મેં ડેડને પણ કીધું, પણ એ કહે આપણે ટ્રેનમાં ના જવાય. એવું કેમ દાદી ?’ દાદી જાણતા હતા અજયનો આગ્રહ એવો કે બાળકોએ ઘરની ગાડી છે તો ટ્રેનમાં શા માટે જવું ? ગાડી ના હોય તો રીક્ષા/ટેકસી તો છે જ ને ! ટ્રેન કે બસમાં આપણે જવાય ? કેટલી ગર્દી હોય છે ટ્રેનમાં ? ચડતા -ઉતરતા લાગી જાય તો ? ત્યાં જ તેમને યાદ આવ્યું કે અજય ક્યાંથી ભૂલી ગયો કે તેણે પણ કોલેજ અને નોકરીના પહેલા ૧૦ વર્ષો લોકલ ટ્રેનની મદદથી તો ગુજાર્યા છે ! સામાન્ય માણસની જેમ ટ્રેનના ધક્કાઓએ તેને ઘણું શીખવ્યું હતું. આ વાત દાદીએ અજયને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ તે પણ વ્યર્થ. તેમને સમજાતું ન હતું કે અજય અને શેફાલી દરેક વાતમાં બાળકોને દુનિયાની વાસ્તવિકતાથી દૂર રાખવામાં કેમ માને છે ? બન્નેએ સંઘર્ષના દિવસો જોયા જ છે. લોકલ ટ્રેનમાં પ્રવાસ, સામાન્ય શાળામાં અભ્યાસ, ચાલીનું જીવન અને આવું ઘણું બધું. મુશ્કેલીના દિવસોમાં જીવનનું ઘડતર જ કામ લાગે છે. દુનિયાની હકીકતથી ભાગવાથી હકીકત બદલાઈ જતી નથી.

હજી થોડા દિવસો પહેલાની જ વાત છે, જશ રાત્રે ખૂબ જ રડતો હતો. દાદીએ અનુભવના આધારે ઘરગથ્થું ઉપચાર પણ કીધા. દાદીની વાત માને તે શેફાલી નહી. ડોકટરની વાતમાં જે તેને ભરોસો. તે જશને એક સેકંડ પણ એકલો મૂકતી નહી, જરાક અમથું લાગે તો આખું ઘર માથે લઈ લેતી. તરત જ ડોકટરની મૂલાકાતોનો દોર અને મેડીકલ રીપોર્ટનો દોર શરૂ. દાદીના કોઈપણ સલાહ સૂચન પર શેફાલીનો વ્યવહાર એવો કે જાણે તેમણે છોકરા કોઈ દિવસ મોટા જ ન કર્યા હોય. દાદીએ હસતા હસતા વિચાર્યુ , ’બેટા આ વાળ એમને એમ સફેદ થયા નથી.’ જશ અને જયને વાર્તાઓ સાંભળવી ખૂબ ગમતી.દાદી તેમને ધ્રુવ ,રામ ,પ્રહલાદ,શ્રવણ અને કૃષ્ણની પ્રેરણાદાયી વાર્તાઓ કહેતા. એવી વાર્તાઓ જે તેમના જીવનનું ઘડતર કરે. શેફાલીને આ બધી વાર્તાઓ જૂના જમાનાની લાગતી. તે માનતી કે બાળકોને શીખાડવું હોય તો અંગ્રેજીમાં સ્ટોરી કહેવી.
‘આવ રે વરસાદ, ઘેબરીયો વરસાદ….ઉની ઉની રોટલીને કારેલાનું શાક’
‘ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહી…..’
‘હાથીભાઈ તો જાડા , લાગે મોટા પાડા…..’ જેવા ગુજરાતી બાળગીતો દાદી સાથે ગાઈ જય મોજ કરતો. આધુનિક માતાને લાગતું બાલગીતોનો શો ફાયદો ? બાળકોને તો…..
‘Twinkle Twinkle little star…’
‘Rain rain go away …’
‘Jack & Jill went up the hill’ શીખવાડાય.

દાદીને લાગતું વરસાદ તો આપણું જીવન છે તેને બગાડી મૂકે એવા ગીતો બાળમાનસને વરસાદને માણતા નહી પરંતુ ધિક્કારતા શીખવે છે. બાળમાનસને સાચ્ચા સંસ્કાર આપવા જરુરી છે. એ તો કૂમળો છોડ છે, વાળો તેમે વળે. બાળકો ભલે અંગ્રેજી શીખતા પરંતુ સાથે સાથે માતૃભાષાના સમૃધ્ધ વારસાનો તેમને પરિચય હોવો જોઈએ જેથી એ ગુજરાતી હોવાનો ગર્વ કરી શકે. લગભગ દર વીકએન્ડમાં અજય અને શેફાલી બાળકોને મોલમાં ફરવા લઈ જતાં. આજ સુધી બાળકો બગીચે ગયા હોય તેવું તેમને યાદ ન હતું. કુદરતી હવા, હરિયાળી, લસરપટ્ટી, હિંચકામાં બેસવા માટેની લાઈન, ઘાસ પર બેસી નાસ્તો કરવાની મજા, બગીચામાં ભાગદોડ કરવાની મજા….. આ બધું જ બાળકો ખોઈ રહ્યા હતા. મોલની મોંઘી દુકાનો બાળકોને પૈસાની ઝાકમઝાળ ભરેલી દુનિયા જ બતાવતા હતા. બગીચામાં ગરીબ-તવંગરના ભેદ વગર બીજા બાળકો સાથે રમવાનો આનંદ તેઓ ગુમાવી રહ્યા હતાં. બાળપણની મહત્વની શીખો તો જીવનનું ઘડતર કરે છે.

ચાર વર્ષ પહેલા જયને શાળાએ મૂકવાની વાત આવી ત્યારે CBSE કે ICSE સિવાય તો જાણે વાત જ નહી. શાળાનું આવું વળગણ શા માટે ? બાળકોના ભણતર કરતા તો સ્ટેટ્સનો સવાલ હતો. અજય અને શેફાલી પોતે સામાન્ય શાળામાં ભણ્યા હતા છતાં પણ આજે સારો મુક્કામ હાંસીલ કરી શક્યા હતા. દાદીને લાગતું કે બાળકની કળા અને ધગશ શાળાના મોહતાજ નથી, સાચું સિંચન અને માર્ગદર્શન આપો તો તે વિકસે જ છે. આ વાત તેમણે સમજાવવાની મથામણ કરી હતી અને હંમેશની જેમ નિષ્ફળતા મળી હતી. અરે જય માટે દફતર, કંપાસો, નોટો બધું જ બેસ્ટ હોવું જોઈએ એવો આગ્રહ શેફાલી કરતી. એને કોણ સમજાવે કે બાળકની દરેક જીદ પૂરી ન કરાય. ગમતી વસ્તુ ન મળે તો નારાજ ન થવાય. આ વાત શાળા માટેની નહિ પરંતુ જીવનની શીખ છે. વસ્તુ બેસ્ટ દેવાની લાલસામાં કદાચ તે બાળક્ને ગુડ પણ નહિ બનાવી શકે.

જય દાદીનો લાડકો, તે દાદી પાસે બેસી લેસન કરતો અને વાતો પણ કરતો. શેફાલીને મન બેસ્ટ શાળા અને બેસ્ટ ટ્યુશનમાં મોકલી દેવાથી તેની જવાબદારી પૂરી થઈ ગઈ હતી. બાળક પ્રેમ ભૂખ્યું છે. મા જ્યારે તેને હેતથી ભણાવે છે ત્યારે તે રમતા રમતા વસ્તુઓ શીખી જાય છે. બાળકના વિકાસમાં વ્યક્તિગત રસ લેવો ખૂબ જરુરી છે. નિર્મળાદાદી સામે આવા અનેક પ્રસંગો તરી આવ્યા, જ્યારે તેમને લાગતું જય ફકત ભણી રહ્યો છે અને તેના જીવનનું ઘડતર નથી થઈ રહ્યું. સામન્ય બાળકની જેમ મુશ્કેલીઓ વેઠે, વસ્તુ વગર ચલાવતા શીખે તો જીવનના અમૂલ્ય પાઠો તેને શીખવા મળે. આ સાહ્યબી તો આજે છે અને કાલે નથી. બાળકનું ઘડતર તો બાળપણમાં જ થાય. સંઘર્ષ કરે તો વસ્તુઓની અને માણસોની કિંમત તેને સમજાય. વગર મહેનતે મળેલી વસ્તુઓની કિંમત હોતી જ નથી. ‘સંઘર્ષ વગર ઉત્કર્ષ નહિ’………. એ વાક્ય દાદી દરરોજ યાદ કરતા. બાળકને બાળકની જેમ જીવવા મળે, હસતા-રમતા જીવનના સંસ્કારો શીખવા મળે તો તેનું વ્યક્તિત્વ ઉભરી આવે. માનવીય ગુણોનો વિકાસ પૈસાથી થોડીને થાય છે ? દાદી ઘણીવાર સુધી વિચારતા રહ્યા.

માતાપિતા બનવું એટલે બાળકની જવાબદારી તમારી, એટલેથી વાત પૂરી થતી નથી પરંતુ ત્યાંથી શરુ થાય છે. સમાજને સંસ્કારી અને જવાબદાર નાગરિક ભેટ આપવાની આ યાત્રા છે. દેખાદેખી અને આંધળા અનુકરણમાં અજય અને શેફાલી કાંઈ સાંભળવા તૈયાર જ ન હતા. દાદીની બધી દલીલો પર પાણી ફરી વળતું. દાદી બહુ સારી રીતે જાણતા હતા કે આ વાત ફકત તેમના ઘરની નથી પરંતુ ઘર- ઘરની છે.જનરેશન ગેપના નામે, ‘તમને તો કાંઈ ખબર જ ના પડે’ એ વાક્ય હેઠળ બાળકોનું ભવિષ્ય રોળાઈ રહ્યું હતું. આટલું બધું મનોમંથન કર્યા પછી તેમણે નક્કી કર્યું કે અજય અને શેફાલી સમજે નહિ તો કાંઈ નહી પરંતુ તેઓ બાળકોના ચારિત્ર્ય ઘડતરનો ભાર ઘડપણમાં પોતાને શિરે લઈ લેશે. ફકત એક જ આશા સાથે કે પૈસા માટે જીવતો યુવાન નહિ પરંતુ પોતાના અને સમાજના જીવવા માટે પૈસા વાપરી જાણે તેવા યુવાનનું સર્જન થાય. જે સંઘર્ષને ઘર્ષણની જેમ નહિ પણ ઉત્કર્ષની દ્રષ્ટિથી નિહાળે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “બાળકનું જીવન ઘડતર – તેજલ પરિમલ ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.