આનંદમય જીવનનો સહજ માર્ગ – શ્રી. રા. રા. જાંભેકર (અનુ. માધુરી એમ. દેશપાંડે)

[‘આનંદમય જીવનનો સહજ માર્ગ’ નામનું આ પુસ્તક મૂળ મરાઠી ભાષામાં લખાયેલું છે, જેની છ થી વધુ આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. જીવનમાં ઉપસ્થિત થતી સર્વ વિટંબણાઓમાંથી સહજ માર્ગ મળી રહે તે હેતુથી આ પુસ્તક પ્રશ્નોત્તરી રૂપે લખાયું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ માધુરીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

20140109_181950 (414x640)આજનો દિવસ સ્વામીજીના અહીંના મુકામનો છેલ્લો દિવસ હતો. આવતી કાલથી તેઓ શિષ્ય-પરિવાર સાથે અન્ય સ્થળે જવાના છે તે જાણ્યું ત્યારે મનમાં ખાલીપો જન્મ્યો. આજે ભેગા થયેલા સર્વને સ્વામીજી સાથે વાતો કરવામાં વિશેષ રસ દેખાતો હતો. કેટલાક પોતાના પ્રશ્નો પોતપોતાની ડાયરીમાં નોંધી લાવ્યા હતા. શરૂઆતમાં શહાણે વકીલ બોલ્યા, ‘ભારત પાસે આધ્યાત્મિક પુણ્ય છે તે જ ભારતને ભવિષ્યમાં સર્વસંકટમાંથી તારશે એવું આપે કહ્યું હતું. આધ્યાત્મિક પુણ્ય એટલે ખરેખર શું ?’

જવાબ દેતાં સ્વામીજી બોલ્યા, ‘જગતમાંના જે થોડા ધર્મો અને દેશો, આત્માના અમરત્વ, પુનર્જન્મ અને કર્મસિદ્ધાંતમાં માને છે તેમાં ભારત સર્વપ્રથમ છે, અને આ વાત ભારતમાં વસતા નિરક્ષર માણસના લોહીમાં જન્મથી જ ભળેલી છે. તેથી અહીંનો માણસ અતિશય સહિષ્ણુ અને પાપપુણ્યનો વિચાર કરી વર્તનારો છે. અહીંના સમાજની કૃતજ્ઞતાનો- શ્રદ્ધાનો જગતમાં જવાબ નથી. રામાયણ, મહાભારત, ગીતા- આ પ્રકારના અહીંના ધર્મગ્રંથો એ જ ભારતીયોની સાચી સંપત્તિ છે અને તે જગતની કોઈ પણ ભૌતિક સંપત્તિ કરતાં અધિક મૂલ્યવાન છે. આ ધર્મગ્રંથોના પ્રકાશમાં જ ભારતીય માણસ જીવે છે અને મોટો થતો જાય છે. આ જ તેમનું અસામાન્ય એવું આધ્યાત્મિક પુણ્ય છે. આ જ પુણ્ય આ દેશને ભવિષ્યકાળમાં સર્વ સંકટોથી બચાવશે. પાશ્ચાત્યોનું ઉદ્યોગીપણું, શિસ્ત અને દેશપ્રેમ એટલી જ બાબતો આપણે ધારણ કરીએ તો આવતા બે દશકમાં ભારત સમગ્ર જગતમાંની એક અગ્રગણ્ય મહાસત્તા બનશે. આ સ્વપ્ન નથી પણ શ્રીની જ ઈચ્છા છે.’

સ્વામીજીના ચહેરા પર તેજની એક નોખી જ લકીર અમે જોઈ. તેઓ આગળ બોલ્યા, ‘ભારતીય સંસ્કૃતિ અંગે હું જ્યારે જ્યારે વિચારું છું ત્યારે ત્યારે મને એવું લાગે છે કે, આજે ઘરમાં અને ઘર બહારની કેટલીય સમસ્યાઓ, દુઃખોએ ભારતીય સંસ્કૃતિને આપણે ટાળીએ છીએ, પાશ્ચાત્યનું અંધાનુકરણ કરીએ છીએ તેથી જ નિર્માણ થઈ છે. ભારતીય સંસ્કૃતિનું પુનરુત્થાન એ જ તેના ઉપરનો ઉપાય છે. સદનસીબે ભારતમાં આત્મહત્યા અને છૂટાછેડાનું પ્રમાણ જગતના અન્ય દેશોની તુલનામાં ઓછું છે. એનું શ્રેય હજુ સુધી આપણા લોહીમાં બાકી રહેલ ભારતીય સંસ્કૃતિને જ આપવું પડશે. કમનસીબે ભારતીય સંસ્કૃતિ જો નષ્ટ થઈ તો પ્રત્યેક ઘરમાં દુઃખના ડુંગરો ખડકાશે. એથી ઊલટું જો ભારતીય સંસ્કૃતિનું પુનરુત્થાન થશે તો પ્રત્યેક ઘરમાં શાંતિ, સૌખ્ય, પ્રેમ અને આનંદનું નંદનવન નિર્માશે અને એ જોઈ જગત ચકિત થઈ જશે.’

સ્વામીજીની નજીક જ એક બોયકટ કરેલ વિદુષી બેઠાં હતાં. સ્વામીજીને તેમણે પૂછ્યું, ‘ભારતીય સંસ્કૃતિનો તમે વિષય જ કાઢ્યો છે તેથી એક પ્રશ્ન પૂછું છું, ‘પૂર્વે સ્ત્રીઓ પતિને પરમેશ્વર માનતી પણ પુરુષોની પ્રતિક્રિયા માત્ર વિપરીત અને કૃતઘ્નપણાની નહોતી શું ?’
તેમનો આ પ્રશ્ન સાંભળી સ્વામીજી હસ્યા અને બોલ્યા, ‘આમ કેવી રીતે કહેવાય ? આપ કહો છો તે સ્થિતિ થોડો સમય રહી હશે, પણ પ્રાચીનકાળમાં માત્ર ભારતમાં સ્ત્રી અને પુરુષોના સંબંધ ‘પરસ્પર દેવો ભવ ।’ એવા જ હતા. પતિ એ સ્ત્રીઓ માટે પરમેશ્વર હતો, તે જ પ્રમાણે પત્ની પણ પુરુષને પોતાના પ્રાણથીય અધિક પ્રિય જ હતી. પાર્વતીએ માગણી કરવી અને શંકરે તે પૂર્ણ કરવી. સીતાએ કાંચનમૃગની માગણી કરવી અને તેમાંથી થનાર અનર્થ જાણવા છતાં રામે તેની માગણી પૂરી કરવી. કૈકયીની અનર્થકારક માગણી પણ દશરથે પોતાના પ્રાણ ત્યાગી પૂર્ણ કરવી, દ્રૌપદી માટે મહાભારત થવું- આ બધું શાનું દ્યોતક છે ? આ બધી સ્ત્રીઓએ તેમના પતિઓને પોતાના શરીરના ગુણોથી જીતી લીધા હતા, એવું તમને નથી લાગતું ?’

સ્વામીજીના આ પ્રશ્ન ઉપર તે વિદુષી કંઈ જ ન બોલ્યાં, તેમના હાથમાં વર્તમાનપત્ર હતું, ‘ગર્ભલિંગ-પરીક્ષણને લીધે સ્ત્રીનું અસ્તિત્વ જોખમમાં.’ આ શીર્ષક હેઠળ લખાયેલા સમાચાર સ્વામીજીને બતાવી તેઓ બોલ્યાં, ‘સ્ત્રી માટે આજે પણ સમાજમાં કેટલી ગૌણત્વની ભાવના છે તે જુઓ. ગર્ભલિંગ-પરીક્ષણને લીધે સ્ત્રીનું અસ્તિત્વ જોખમમાં હોઈ, સમાજમાંના કેટલાક વિચારવંત પુરુષો આને લીધે ચિંતાતુર બન્યા છે. તે અંગે આપનું શું કહેવું છે ?
તે વિદુષીના આ પ્રશ્નથી સ્વામીજી પોતે ગંભીર અને ચિંતામગ્ન લાગ્યા, ‘ગર્ભલિંગ-પરીક્ષા અને તેને લીધે સ્ત્રીનું અસ્તિત્વ જ જોખમમાં મુકાવું એ ઘણી ગંભીર બાબત છે. પૂર્વે કેટલાક દેશોમાં છોકરીઓ જન્મે એટલે તેમને રેતીમાં પૂરી મારી નાખવાની અમાનુષ પ્રથા હતી. તેનું સ્મરણ આ સમયે મને થાય છે ને દુઃખ થાય છે. ગર્ભલિંગ પરીક્ષા અને તેનાથી જોખમમાં મુકાયેલ સ્ત્રીનું અસ્તિત્વ આ એક અત્યંત વિપરીત આત્મઘાતી અને ચિંતાજનક પ્રકાર છે. વાસ્તવિક રીતે તો ‘પહેલી બેટી, ધનની પેટી’ એવું આપણે કહીએ છીએ. ‘પુત્રાર્થે ત્રણ માસ, ધનાર્થે એકવીસ દિવસ અને કન્યાર્થે છ માસ ગ્રંથ આદરે વાંચવો.’ આવી કન્યાપ્રાપ્તિની મહત્તા છે. સ્ત્રીઓ માટે કહેવાનું આવે તો કહીશ કે, આ જગતમાં આનંદ અને પ્રેમ નિર્માણ કરવા માટે ઈશ્વરે ફળો, ફૂલો, વૃક્ષો-વેલીઓ, રત્નો, સંગીત જેવી જેટલીય બાબતોનું નિર્માણ કર્યું છે. તોય ક્યાંક ને ક્યાંક ઊણપ લાગતી હતી. એટલે તેમણે આ જગતમાં સ્ત્રીનું નિર્માણ કર્યું અને ત્યાર પછી તે માત્ર કૃતકૃત્ય અને નિશ્ચિંત બની શેષશયન-વિશ્રાંતિ લેતો થયો.’ સ્વામીજી આગળ બોલ્યા, ‘સ્ત્રીમાંનું વાત્સલ્ય, સમર્પણ, શ્રદ્ધા, પતિવ્રતાપણું, શાલીનતા, લજ્જા, મહેનત કરવાની ટેવ આવા ગુણોનું જ્યારે જ્યારે મને દર્શન થાય ત્યારે ત્યારે મારા મનમાં વિચાર આવી જાય છે કે, ઈશ્વરની શી તાકાત છે આ જગતનો નાશ કરવાની ! ખરેખર સ્ત્રી-શક્તિ આ જગતનું ભૂષણ અને મોટી આશા છે.’

સ્વામીજીના આ ઉદ્દગાર સાંભળી હવે માત્ર તે વિદુષી અતિશય ખુશ થયેલાં દેખાયાં. સ્વામીજીના આ ઉદ્દગાર થકી સમગ્ર સ્ત્રી-જાતિનું તાળીઓના ગડગડાટથી સ્વાગત થયું. તે વિદુષી સ્વામીજી તરફ હસતાં હસતાં બોલ્યાં, ‘પૂર્વે સ્ત્રીને પરમાર્થ માર્ગ ઉપરની અડચણ માનવામાં આવતી. હવે એક નૂતન સ્ત્રી તૈયાર થઈ રહી છે. પુરુષોને પ્રત્યેક ક્ષેત્રે આહવાન આપનારી કમનસીબે સ્ત્રીઓને જોવાનો પુરુષોનો દષ્ટિકોણ માત્ર આજે પણ વિકૃત છે. સિનેમા, વાંગ્મય, નાટકો આ સર્વ ઠેકાણે સ્ત્રી એક ભોગ્ય વસ્તુ તરીકે જ ચિત્રિત કરવામાં આવે છે. આ અંગે આપનું શું કહેવું છે ?’ આ પ્રશ્નનો સ્વામીજીએ આપેલ ઉત્તર અને સ્વામીજીનો આ પ્રશ્નનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ જોઈ હું તો દંગ જ થઈ ગયો. સ્વામીજી બોલ્યા, ‘સ્ત્રીઓ તારક પણ છે અને પરમાર્થી સાધકને માટે મારક પણ છે. તારિણી એટલા માટે કે પુરુષો નમ્ર અને અવાક થાય એવા અનેક અદ્દભુત ગુણો તેનામાં છે. તે સાથે દુર્લભ એવી માયા પણ છે. સ્ત્રીપુરુષોને એકમેકનું કુદરતી જ અતિ આકર્ષણ હોય છે. પુરુષની તો સર્વ કાર્યપ્રેરણા જ સ્ત્રી હોય છે, પણ તેનું કારણ માત્ર વિષયી સુખ સમજવું ભૂલભરેલું કહેવાશે.’ સ્વામીજીના આ વિધાનનું આશ્ચર્ય સમજતાં સ્વામીજી આગળ શું કહે છે તે ઉત્કંઠાપૂર્વક અમે સાંભળવા લાગ્યા. તેઓ બોલ્યા, ‘તેનું સાચું કારણ ઘણું જુદું છે. પ્રેમ, સહજ વાત્સલ્ય, અનુકંપા, કોમળતા, ભાવુકતા, સહનશીલતા, ભક્તિ, સમર્પણ, ત્યાગ, તદ્રુપતા, બુદ્ધિચાતુર્ય- આ ઈશ્વરમાંથી છૂટા પડેલા ગુણો કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા જ્યારે પૃથ્વી પર અવતીર્ણ થયા ત્યારે તેમણે સ્ત્રીદેહ ધારણ કર્યો. તેને તેમનું આવું આગવું સૌંદર્ય પ્રાપ્ત થયું. આથી ઊલટું મર્દાનગી, કર્તવ્ય-કઠોરતા, શરીરબળ, આક્રમકતા જેવા ગુણો એ ઈશ્વરમાંથી નીકળ્યા અને તેમણે આ અહીંની ઈશ્વરીય લીલામાં વિશિષ્ટ કાર્ય કરવા માટે પુરુષ-દેહ ધારણ કર્યો અને તેમને આવું આગવું સૌંદર્ય પ્રાપ્ત થયું. એક જ ઈશ્વરમાંથી નીકળેલા આ ભિન્ન ગુણ-સમુચ્ચ્ય એકમેકને પૂરક છે. પૂર્ણત્વની તૃપ્તિ અનુભવવા માટે આ બે ગુણસમૂહોને એકબીજા માટે તીવ્ર આકર્ષણ હોય છે. એકબીજાએ એકબીજાને આહવાન આપી અહંકારથી એકબીજા સામે ઊભા રહેવું એ નિરર્થક અને દુઃખકારક છે. સ્ત્રી-પુરુષના સંબંધ કેવા હોવા જોઈએ ? ‘પરસ્પર દેવો ભવ’ જેવા. મજા તો એ છે કે, સ્ત્રી અને પુરુષ બંને જ્યારે માણસ તરીકે જન્મ લે છે ત્યારે જન્મતાં જ કેટલાંક દુઃખો તેમના ભાગે અનિવાર્ય પણે આવે છે, પણ પાછળથી તે બંને એકબીજા માટે અને એકબીજાને પૂરક બનીને જ્યારે જીવન જીવવા લાગે છે ત્યારે તેમનાં તે દુઃખોનો પરસ્પર ભાગાકાર થાય છે. પણ તેવું જો તેઓ ન જીવે તો માત્ર તેમનાં દુઃખોનો ગુણાકાર થાય એવો નિસર્ગનો નિયમ છે.’

સ્વામીજીના આ ઉદ્દગાર સાંભળી બધાં સ્ત્રી અને પુરુષો આનંદથી ડોલવા લાગ્યાં. સ્વામીજી આગળ બોલ્યાં, ‘સ્ત્રી અને પુરુષ બંને વચ્ચે પરસ્પર આકર્ષણ એ એક પવિત્ર બાબત છે. તેનું બજાર માંડશું તો તેને બીભત્સ રૂપ પ્રાપ્ત થશે. સ્ત્રી અને પુરુષના સંબંધ યથાયોગ્ય હોય અને તે માટે બંને ઉપર નાનપણથી જ યોગ્ય સંસ્કાર થાય તે આવશ્યક છે. ખરું કહો તો સ્ત્રી અને પુરુષ બંનેના જીવનમાં એકબીજા માટે પરમ આદર દ્વારા એકબીજાનું જીવન નિરંતર મધુર કેવી રીતે બને એ બાબતે આપણા પ્રાચીનકાળના લોકોએ જેટલો વિચાર કર્યો હતો તેટલો ઊંડો અને પરિપૂર્ણ વિચાર જગતના ભાગ્યે જ કોઈ દેશમાં થયો હશે. જીવનમાંનાં આ મૂલ્યો નૂતન કાળપ્રવાહમાં જો નષ્ટ થયાં તો ફરીથી તેમને નિર્માણ કરવા એ માત્ર ઈશ્વરને જ શક્ય હશે. નૂતન કાળપ્રવાહમાં કોઈ જ બેભાન ન બને. એક વાત સત્ય છે કે, સ્ત્રીઓ પોતાનું કર્તવ્ય ખૂબ શ્રદ્ધાથી યુગોયુગોથી કરતી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં જે જે મનોહર શિવમ, સુંદરમ હજુય બચ્યું છે તે યુગો સુધી સાચવવાનો જાદુ ભારતીય માતાઓ અને ભગિનીઓએ જ કર્યો છે, અને ભવિષ્યકાળમાં પણ પેઢીઓની પેઢીઓ સુધી સચવાયેલ સંસ્કાર જાળવવાનો જાદુ ફક્ત તેઓ જ કરી શકશે. પૂર્વેનો મનુષ્ય ગમે તેવો હોય, આજનો પુરુષ માત્ર તે દષ્ટિએ ઘણો કૃતજ્ઞ અને સમજદાર છે એવું મને લાગે છે, સુશિક્ષિત સમાજમાં તો ચોક્ક્સ !’ સ્વામીજીના આ ઉદ્દગારોનું હવે એકત્રિત સર્વ પુરુષોએ તાળીઓ વગાડી સ્વાગત કર્યું. પણ તેમાંના એક તરુણે સ્વામીજીને કહ્યું, ‘સ્વામીજી, આજકાલ પ્રપંચ કરતાં, પૈસો આવ્યો, ટીવી આવ્યું, ફ્રીઝ આવ્યું- બધું જ આવ્યું…. પણ પ્રપંચમાંથી સુખ-શાંતિએ વિદાય લીધી છે. આજકાલ પતિ-પત્નીના પ્રેમનો બગીચો ખીલવો જોઈએ તેવો ખીલેલો દેખાતો નથી. ઊલટું દિવસે ને દિવસે પ્રપંચ એ નિભાવી લેવાની બાબત બનતી જાય છે. આનું શું કારણ હશે ?’

એ યુવાને પૂછેલ પ્રશ્ન સાંભળી સ્વામીજી થોડી વાર કંઈ જ ન બોલ્યા, પણ તે પછી તેમણે કહ્યું, ‘આ પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો ભારતીય સંસ્કૃતિમાં ડોકિયું કરવું પડે. પૈસાથી સુખ વેચાતું લઈ શકાય એવું આપને લાગતું હશે…. પણ યાદ રાખો, તમને ચિરંતન આનંદ અને સુખ આપી શકે એવી એક પણ વસ્તુ જગતમાં પૈસાથી વેચાતી લઈ શકાતી નથી. તે વસ્તુ માત્ર તમારી પાસે તમારી અંદર જ વિદ્યમાન છે. પ્રપંચ જ સાક્ષાત સ્વર્ગ બને એ માટે પ્રાચીન ભારતીય સંસ્કૃતિએ કેટલીક સીમારેખાઓ, કેટલાંક જીવનમુલ્યો નક્કી કર્યાં છે, પણ આજકાલ એવું દશ્ય દેખાય છે કે, આ બધી બાબતો પગ તળે કચડવામાં જ આપણે પુરોગામીત્વ સમજીએ છીએ. પ્રપંચમાં એકબીજાની સાથે કેવી રીતે વર્તવું, એનું શિક્ષણ એક રાતમાં અપાય નહિ. પ્રાચીન સમયમાં આવું શિક્ષણ આપવા ઘરમાંનો અને સમાજમાંનો પ્રત્યેક જણ જાગ્રત રહેતો, પણ આજકાલ આ દષ્ટિએ ઘરમાં અને ઘરની બહાર જોઈએ તો બધો આનંદ-પરમાનંદ જ છે ! આજની જીવનપદ્ધતિ અનુસાર ઘરમાં બાળકોને યોગ્ય સંસ્કાર આપવા વડીલોને સમય જ નથી હોતો અને આ બાબતે વાલીઓ એટલાં જાગ્રત હોય એવું પણ નથી. આ મોટી કરુણતા છે. આજકાલ લગભગ પ્રત્યેક ઘરમાં પતિ-પત્ની બંને નોકરી કરે છે. તેથી ઘરે આવ્યા બાદ પણ મન ઉપર ખૂબ તાણ રહે છે. આવા સમયે એકબીજાને સમજી લેવાની અને એકબીજાનાં મન સાચવવાની જરૂરિયાત આજના કાળ જેટલી ક્યારેય નહોતી. સર્કસમાં અધ્ધર, ઊંધા-ચત્તા હીંચકા લેતા કલાકારોનું એકબીજા તરફ કેટલું ધ્યાન હોય છે એકબીજાને જાળવવા માટે ! આવી જ રીતે મનથી સતત સાવધ અને તત્પર રહેશે તો જ પ્રપંચ આનંદમય અથવા સુસહ્ય થઈ શકશે એવી સ્થિતિ છે.’

[કુલ પાન : ૧૬૦. કિંમત રૂ. ૧૫૦. પ્રાપ્તિસ્થાન : કુસુમ પ્રકાશન. ૨૨૨, સર્વોદય કોમર્શિયલ સેન્ટર, જી.પી.ઓ. પાસે, રિલીફ સિનેમાના ખાંચામાં, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧ ૭૯ ૨૫૫૦૧૮૩૨. ઈ-મેઈલ : kusum.prakashan@yahoo.co.in ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “આનંદમય જીવનનો સહજ માર્ગ – શ્રી. રા. રા. જાંભેકર (અનુ. માધુરી એમ. દેશપાંડે)”

Copy Protected by Chetan's WP-Copyprotect.