ગૃહિણીઓનો પર્મનન્ટ પ્રોબ્લેમ : આજે સાંજે રસોઈમાં શું બનાવું ? – રોહિત શાહ

[‘હેલો મેડમ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Image (20) (403x640)બપોરે ત્રણ વાગ્યા પછી ઑફિસમાં બેઠેલા પતિને ફોન પર પત્ની એક શાશ્વત પ્રશ્ન પૂછતી જ હોય છે, ‘આજે સાંજે રસોઈમાં શું બનાવું ?’ ઑફિસે ગયેલા પતિ સાથે આવી અંગત વાતો કરવાની અનુકૂળતા જેમને નથી હોતી એવા સંજોગોમાં ઑફિસે જવા નીકળતા પતિને બારણા સુધી ગૂડબાય કરવા આવેલી ગૃહિણી ઍડવાન્સમાં જ પેલી સનાતન સમસ્યા પૂછી લેતી હોય છે. ‘આજે સાંજે રસોઈમાં શું બનાવું ?’

પતિ રોમૅન્ટિક મૂડમાં હશે તો જવાબ આપશે કે ‘તારો સ્માઈલી ફેસ જોઉં પછી મને ભોજનની કોઈ જરૂર જ નથી રહેતી, ડાર્લિંગ !’અથવા તો પત્ની ખુશ થઈ ઊઠે એવો જવાબ આપશે, ‘તારા હાથમાં રસોઈનો જાદુ છે, ડાર્લિંગ ! તું જે બનાવીશ એ ચાલશે… ઓકે ?’ પણ કામકાજમાં ગળાડૂબ પતિ અકળાઈ ને કહેશે, ‘આવું પૂછવા માટે તેં ફોન કર્યો ? તારે જે બનાવવું હોય તે બનાવજે, પણ મને ના પજવીશ !’ અથવા તો બૉસને કારણે કે પછી અન્ય કોઈ કારણે ટેન્શનમાં બેઠેલો પતિ ઊકળતો ઉતર આપશે, ‘તારું માથું બનાવજે !’ અને રિસીવર પછાડીને મૂકી દેશે !

આજે સાંજે રસોઈમાં શું બનાવું ?- આ પ્રશ્ન દેખાય છે એટલે રૂપાળો અને પ્રેમાળ ન પણ હોય ! ઘણી વખત તો પતિ ઑફિસમાં જ બેઠો છે કે પછી કોઈ સગલી જોડે ભટકવા નીકળી પડ્યો છે એ ક્ન્ફર્મ કરવાના હેતુથી પણ પ્રશ્ન પૂછવાના બહાને પત્નીએ ફોન કર્યો હોય છે ! કયારેક ઘરમાં એકલી-એક્લી કંટાળેલી પત્ની પતિ સાથે વાત કરવા ઝંખતી હોય ત્યારે પણ આ પ્રશ્ન પૂછતી હોય છે. કેટલીક પત્નીઓને રસોઈ બનાવવાનો કંટાળો આવતો હોવાથી એવી અપેક્ષા સાથે ફોન કરતી હોય છે કે પતિ આજે બહાર જમવા લઈ જવાનું કહે તો સારું ! તો વળી કેટલાક પતિને પત્નીએ બનાવેલી રસોઈથી કદી સંતોષ નથી હોતો એથી ગુસ્સો કરતા હોય છે. એવા ગુસ્સાથી બચવા માટે કદાચ પત્નીએ આવો પ્રશ્ન ફોન પર પૂછયો હોય ! કોઈ વખત બહેનપણીઓના ગ્રૂપમાં કે પાડોશણ પર વટ પાડવા તેમની ઉપસ્થિતીમાં આવો પ્રશ્ન પુછાયો હોય… તો કયારેક પત્નીને શૉપિંગ માટે કે અન્ય કોઈ કારણે ઘરની બહાર જવાનું હોય તોય રસોઈના બહાને રજા લેવાના (જાણ કરવાના) હેતુથીયે ફોન કર્યો હોય !

સામાન્ય રીતે બપોરની રસોઈ ગૃહિણીને મૂંઝવતી નથી હોતી, પરંતુ સાંજની રસોઈ હંમેશા મૂંઝવે છે. બપોરનું મેનુ લગભગ ફિકસ જેવું જ હોય છે. બહુ બહુ તો શાકભાજીની જ વરાઈટી જાળવવાની હોય, પરંતુ સાંજની રસોઈમાં વાઈડ ચૉઇસ મળે છે. સાઉથ ઈન્ડિયન , પંજાબી, ચાઈનીઝ વાનગીઓ ઉપરાંત ઢોકળા, હાંડવો, ખીચડી, ક્ઢી, ભાખરી અથવા તો પાંઉભાજી, પુલાવ, પીત્ઝા, સૅન્ડવિચ વગેરેની લાંબી યાદીમાંથી શું બનાવું એની મૂંઝવણ રહે છે. ફૅમિલીમાંથી સભ્યો વધારે હોય તો દરેકનો ટેસ્ટ જૂદો, દરેકનો મૂડ જૂદો અને દરેકની પંસદગી જૂદી હોઈ શકે છે. આ ઉપરાંત રસોઈ બનાવનારની અનુકૂળતા પણ મહત્વનો ભાગ ભજવે છે. જૉબ કરતી ગૃહિણીઓને સમયની સંકડાશ હોય તેમ જૉબ નહી કરતી ગૃહિણીઓનેય વિશેષ જવાબદારીઓ હોઈ શકે બપોરની રસોઈ તો નિયમિત સમયે, ચોક્કસ મેનુ પ્રમાણે કરી દેવાની રહે; પરતું સાંજની રસોઈના અનેક વિકલ્પો મૂંઝવતા રહે છે.

જોકે મનોવૈજ્ઞાનિક અભિગમથી આ પ્રશ્નનો વિચાર કરીએ તો ગૃહિણીની વૃતિ કેન્દ્રમાં આવી જાય છે. જો ગૃહિણી હોશિયાર અને પ્રેમાળ હોયતો તે જાતે જ સાંજની રસોઈનો વિક્લ્પ પંસદ કરી શકે છે. ગૃહિણીને ખ્યાલ હોય જ કે ફૅમિલીમાં કોને શું ભાવે છે અને કોને શું નથી ભાવતું. એટલું જ નહી, દરરોજની સાંજની રસોઈમાં વૈવિધ્ય જાળવીને તે સૌનાં મન જીતી શકે છે. કેટલીક ગૃહિણીઓ એવી આળસુ હોય છે કે માત્ર કૂકર ચઢાવી દઈને રસોઈની રિસ્પોન્સિબિલિટીમાંથી મુકત થઈ જવા ઝંખતી હોય છે; જેમાં પરિશ્રમ પડે, કડાકૂટ કરવી પડે એવી પળોજણ તેને નથી ગમતી, તો કેટલીક ગૃહિણીઓ અત્યંત ઉત્સાહી હોય છે. રોજ નવી-નવી વાનગીઓ બનાવવા તેઓ ઉત્સુક રહે છે, પરંતુ તેમના નસીબમાં મોટા ભાગે પતિ એવો મળ્યો હોય છે કે એને માત્ર ભાખરી અને ખીચડી જ જોઈએ ! આમ છતાં ગૃહિણી હોશિયાર હોય, ઉત્સાહી હોય તો સાંજની રસોઈમાં અઢળક વૈવિધ્ય લાવીને ફૅમિલીને ભોજનનો આનંદ આપી શકે. આદર્શ ગૃહિણી જાણતી હોય છે કે ભોજન માત્ર પેટ ભરવા માટે જ નથી કરવાનું હોતું, મન પણ તૃપ્ત થાય અને ભોજનનો ભરપૂર આનંદ આવે એવું મેનુ બનાવવું આવશ્યક છે.

કેટલીક ગૃહિણીઓ અતિ ચાલાક (કદાચ કનિંગ) હોય છે. ચાલાકીપૂર્વક તે પોતાની વાત સામેની વ્યકિત પાસે મંજૂર કરાવી લે છે, જેમ કે પત્ની પૂછશે, ‘આજે સાંજે રસોઈમાં શું બનાવું ?’ પતિ કહેશે, ‘પંજાબી સબ્ઝી અને પરાઠાં બનાવજે…’ તરત જ પત્ની કહેશે, ‘એ તો ગયા રવિવારે જ બનાવ્યું હતું !’ પતિ કહેશે, ‘તો પછી ઢોંસો અને સંભાર બનાવજે.’ પત્ની કહેશે, ‘બાપુજીને ઢોંસો કયાં ભાવે છે ?’ પતિ કહેશે, ‘હાંડવો બનાવી દેજે.’ પત્ની કહેશે, ‘એના માટે તો સવારથી ખીરું પલાળવું પડે, તો જ બરાબર આથો આવે. હવે એટલો સમય નથી…’ પતિ કહેશે, ‘એમ કર, ચણા-પૂરી બનાવી દેજે.’ પત્ની કહેશે, ‘ઘરમાં ચણા નથી. લેવા માટે બજારમાં જવાતું નથી.’ કંટાળેલો પતિ કહેશે, ‘તો ખીચડી કઢી બનાવી દેજે…’ પત્નીને એ જ જોઈતું હતું ! તે તરત રાજી થઈ જશે. સાંજે કંટાળીને આવેલો પતિ ખીચડી ખાવા ઉત્સાહી ન હોય છતાં જમવા બેસશે. પત્ની દાવો કરશે, ‘તમને પૂછીને રસોઈ બનાવું છું તોય તમે રાજી નથી થતા.’

સાંજની રસોઈ એવો વિષય છે જેના દ્વારા ગૃહિણી ઈચ્છે તો ફૅમિલીનાં તમામ સભ્યો પર રાજ કરી શકે. સૌની પસંદગીનો ખ્યાલ કરીને દરરોજ જુદી-જુદી વાનગીઓ બનાવીને તે સૌની પ્રિય થઈ શકે. રસોઈ બનાવવી એ માત્ર કામ નથી, કલા પણ છે. તમે જોજો, બે ગૃહિણીઓ દાળ બનાવે ત્યારે એમાં વપરાતી સામગ્રી સરખી જ હોવા છતાં બન્નેએ બનાવેલી દાળનો સ્વાદ જુદો જ હોય છે. રસોઈ બનાવવામાં સૌથી મહત્વની બાબત ગૃહિણીની પ્રસન્નતા અને તેનો ઉત્સાહ છે. કેટલાંક વૈજ્ઞાનિક તારણો કહે છે કે રસોઈ બનાવતી વખતે ગૃહિણીના જે મનોભાવો હોય છે એનો પ્રભાવ તેની બનાવેલી રસોઈ જમનાર વ્યકિત પર પણ ધીમે-ધીમે પડતો રહે છે. ભોજન એવી માસ્ટર-કી છે જેના દ્વારા ગૃહિણી પોતાના ફૅમિલીને સ્નેહથી જોડી રાખી શકે છે. ફુરસદના સમયમાં નવી-નવી વાનગીઓ બનાવતાં શીખવું જોઈએ. કોઈ પણ વાનગીને વધુ સાત્વિક અને સ્વાદિષ્ટ કઈ રીતે બનાવી શકાય એની માહિતી મેળવતા રહેવું જોઈએ, પણ આ બધું કઈ ગૃહિણીઓ કરશે ? જેને પરિવાર પર પારાવાર પ્રેમ હશે તે ! બાકી દાધારંગી, આળસુ અને પંચાતિયણ ગૃહિણીઓ તો રસોઈને વૈતરું જ સમજતી રહેશે !

[ કુલ પાન. ૧૪૪. કિંમત રૂ. ૧૦૦. પ્રાપ્તિસ્થાન. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩. ઈ-મેઈલ. goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “ગૃહિણીઓનો પર્મનન્ટ પ્રોબ્લેમ : આજે સાંજે રસોઈમાં શું બનાવું ? – રોહિત શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.