બાળક એક ગીત (ભાગ-૮) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો ઘણો અંશ આપણે જુદા જુદા ભાગ રૂપે (ભાગ-૧ થી ૭) અગાઉ માણ્યો છે. એ જ શ્રેણીમાં આજે વધુ એક લેખ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ સરનામે vasantiful@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.]

[૨૮]

તને ખબર છે ગઇ કાલે મેં શું વિચારેલું? કે જો તું છોકરો હોઇશ તો તને સફેદ લેંઘો-ઝભ્ભો પહેરાવીશ અને કોલ્હાપૂરી ચપ્પલ. જો તું છોકરી હોઇશ તો તને ગુલાબી રંગનું ફ્રોક, મેચીં હેર બેન્ડ અને પર્સ. તને ગમશે ને આવા કપડા? તું નાનુ હોઇશ ત્યાં સુધી હું વિચારીશ એમ તને કપડા પહેરાવી શકીશ, મોટા થયા પછી તારી પણ પસંદગી શું છે તે મારે વિચારવું પડશે ને!

ગઇકાલે what to expect વેબસાઇટ પર જોયું કે હવે બાળક તમારો અવાજ સાંભળી શકે અને અવાજને ઓળખી શકે. તારા પપ્પા તો વારે વારે પેટ પાસે આવીને I love you બોલ્યા કરે છે. મને ચાર વર્ષમાં કેટલી વાર I love you કહ્યું હશે તે મારે યાદ કરવું પડે પણ તારા માટે એવું નથી!

આખો દિવસ ઓફિસમાં વ્યસ્ત હોઉં ત્યારે પણ વચ્ચે વચ્ચે તારો વિચાર ઝબકી જાય છે. અનાયાસે મારો હાથ મારા પેટ પર મૂકાઇ જાય છે. કદાચ મા તરીકે તને શુભ આશિષ આપવા માટે! દરરોજ સવારે શિવમહિમ્ન સ્ત્રોત્રમ અને ગાયત્રીમંત્ર સાંભળુ છું મને ખબર છે તું પણ મારી સાથે સાંભળે છે ને એ છેક તારા હ્રદય સુધી પહોંચે છે.

જૈનોમાં કહેવાય છે કે માણસના જીવનનો ઉદ્દેશ મોક્ષ મેળવવાનો છે પણ હું એમ નથી માનતી. ઇશ્વરે આપણને માણસ તરીકે જન્મ આપ્યો છે કંઇક કરવા માટે. અને ખરેખર આપણે આપણા જીવનમાં બીજા માટે કંઇક કરી શકીએ તો ફરી-ફરી માણસ તરીકે જન્મીને સારા કાર્યો કરી શકાય.

બે દિવસ પહેલાં મેં ફેસબુક પર એક સરસ વાક્ય વાંચ્યું હતુ…”ભગવાન ને ખબર હશે કે એક જમાનો ઇ-મેઇલ, ઇન્ટરનેટ નો આવશે એટલે ભગવાને પોતાનું એક નામ ઇશ્વર રાખ્યું છે”. કેટલું સરસ વાક્ય છે નહિ?

આજે રાત્રે તારા પપ્પાના મિત્ર અમિષ અકંલ અને પૂનમ આંન્ટી આવેલા. તેમનું જમવાનું પણ આપણા ઘરે જ હતું. જમવામાં છોલે, પરોઠા, જીરારાઇસ, મઠો અને સૂપ હતા. મેં સવારથી બધી તૈયારી કરી રાખી હતી એટલે ઓફિસેથી આવીને બનાવતા વાર લાગે નહિ. ગીતાબા એ મને સમયનુ સંચાલન કરતા એટલું સરસ રીતે શીખવ્યું છે કે હું સવારનુ ટિફીન બનાવીને, સાંજે જે જમવાનુ બનાવવાનું હતું તેની તૈયારી કરીને ગઇ હતી.

રસોડામાં પણ સમયનું સંચાલન બરાબર કરવું એ એક કળા છે જે બહુ ઓછા લોકોને ખબર હોય છે. એક ગૃહીણી તરીકે ઘર સંભાળવું અને ઘરમાં કે રસોડામાં ચોક્સાઇથી કામ કરવું એ પણ એક કળા છે. મોટેભાગે કામ કરવાની પધ્ધ્તિ પરથી જ નક્કી થઇ જાય કે ગૃહીણી કેટલી ચીવટવાળી છે.

તારા શું હાલચાલ છે અંદર? તું અંદર છે ત્યારે અમારી ઘડિયાળ દિવસોની ગણત્રી કરે છે અને તું બહાર આવીશ પછી તારે પણ ઘડિયાળની માયાજાળમાં પડવાનું થશે. પણ તું અત્યારથી ડરીશ નહિ હું તને ઘડિયાળની માયાજાળને એવી રીતે વેધવી તે શીખવાડીશ!

લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[૨૯]

સંબંધોના સમીકરણ બહુ અટપટા છે. માણસના જન્મથી મૃત્યુ સુધી એટલે કે સુતકથી સ્નાન સુધી જુદા-જુદા સંબંધોની માયાજાળમાં રહેવાનું હોય છે. બાળક આવે એટલે સુતક લાગે અને માણસ મૃત્યુ પામે એટલે સ્નાન કરી લેવાનુ. જેની સાથે આપણુ જેટલું ઋણાનુબંધન હોય તેટલો સંબંધ રહે. બાકી જ્યાં લાગણી જ ન હોય ત્યાં સંબંધની શક્યતા કેટલી? તને થશે કે મમ્મી આજે આટલી અઘરી ન સમજાય એવી વાતો કેમ કરે છે? પણ અચાનક મને સ્વાર્થી સંબંધોની વાત યાદ આવી ગઇ એટલે જ વળી બીજુ શું.

ગઇ કાલે સાંજે હું રસ્તો ક્રોસ કરતી હતી. રસ્તા પર બહુ જ ટ્રાફિક હતો, વાહનો એટલા બધા નજીક નજીક કે રસ્તો શોધવો પડે. ત્યારે મને એક “રસ્તો શોધો” રમત યાદ આવી ગઇ. આ રમતમાં એક બાજુ ગાજર કે એવુ કંઇક હોય અને બીજી બાજુ સસલું હોય. વચ્ચે ભૂલભૂલામણી વાળો રસ્તો હોય. સસલાને એ ભૂલભૂલામણી વાળા રસ્તાને પાર કરીને ગાજર સુધી પહોંચાડવાનું હોય. જીવનમાં પણ એવા ઘણા બધા ગાજર હોય છે અને આપણે એ ગાજરની લાલચમાં ભૂલભૂલામણી વાળા રસ્તામાં અટવાઇ જઇએ છીએ. બહુ ઓછા લોકો એ ગાજર સુધી પહોંચી શકે છે.

તેં તો કાલની જબ્બરજસ્ત લાતો મારવાની શરુ કરી દીધી છે. મેં જોયું કે તું લાતો મારે તો પેટ થોડુ ઉંચુ થાય અને પાછુ નીચે આવે. ભગવાને ખરેખર બહુ અઘરી રચના બનાવી છે.

લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[૩૦]

કાલે હું ને તાર પપ્પા વાત કરતા હતા કે અમને પહેલાં નાની સરખી વસ્તુ માટે પણ રાહ જોવી પડતી. અને જ્યારે તે વસ્તુ મળતી ત્યારે તેનો ખરો આનંદ થતો અને એની કિંમત સમજાતી. જ્યારે હવેના બાળકોને કોઇ પણ વસ્તુ એટલી સહેલાઇથી મળી જાય છે કે એની કિંમત સમજાતી નથી. અમે ભણતા હતા ત્યારે જન્મદિવસે રંગીન કપડા પહેરીને શાળાએ જવાનુ અને બધાને ચોકલેટ આપવાની. વળી બધા વર્ગમાં જઇને શિક્ષકોને બે-બે ચોકલેટ આપવાની. જો કદાચ બીજા વર્ગમાં આપણા મિત્રો હોય તો તેને પણ ચોકલેટ આપવાની. એને પણ એવો અહોભાવ જાગે કે આજે મારા મિત્રની વર્ષગાંઠ છે.

આજે ૨જી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતી. ૨જી ઓક્ટોબર મારા અને તારા પપ્પા માટે પણ યાદગાર દિવસ છે. ચાર વર્ષ પહેલાં હું ને તારા પપ્પા અમદાવાદમાં એકલા મળ્યા હતા. અમે બન્ને એ અમારા મમ્મી-પપ્પા ને કહ્યુ નહોતું કે અમે આમ મળવાના છીએ. અમે તે દિવસે બપોરે સાથે જમ્યા પછી જુદી-જુદી જગ્યાએ ફર્યા અને એકબીજાના વિચારો જાણવાનો પ્રયત્ન કર્યો. સાંજે વિજય ચાર રસ્તા વાળા કોફીશોપમાં બેઠા. રાત્રે મૌલેશકાકા સાથે જમ્યા અને છૂટા પડ્યા. રાત્રે છૂટા પડતા અમને બન્ને ને બહુ અઘરુ લાગ્યુ. જવાબ જાણવાની કે જણાવવાની જરુર રહી નહોતી. છેલ્લે લવ જ્યુસ સેન્ટરનો જ્યુસ પીને છૂટા પડ્યા. એટલે આ રીતે ગાંધી જયંતી અમારા માટે સવિશેષ છે.

આજે ૩ડી સોનોગ્રાફી કરાવી. તને અંદર હલન ચલન કરતા જોયું. રિપોર્ટ તો બધા જ બરાબર છે. ડોક્ટર અંકલે બધા રિપોર્ટ જોયા અને દવાઓ ચાલુ રાખવાની કહી છે. મારું બે કિલો વજન પણ વધ્યુ છે અને આજે ધનુરનું પહેલું ઇંન્જક્શન પણ આપ્યું.

ડોક્ટર અંકલ મને ગમે તેટલા ઇંન્જેક્શન આપે હું રડતી નથી કારણે જો હું રડું તો પછી જ્યારે તને ઇંન્જેક્શન આપવાનું થાય ત્યારે તને કેવી રીતે સમજાવું કે રડવાનું નહિ!

લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[૩૧]

વાર્તા રે વાર્તા
ભાભા ઢોર ચારતા
છોકરા સમજાવતા
એક છોકરું રીસાણું
કોઠી પાછળ સંતાણુ
કોઠી પડી આડી
છોકરાએ ચીસ પાડી
અરરર….માડી.

આ જોડકણું અમે નાના હતા ત્યારે બહુ ગાતા. કોઠી એટલે નળાકાર માટીનું વાસણ જેનો ઉપયોગ પાણી ભરવા થતો કે પછી અનાજ ભરવા. અનાજ ભરવાની કોઠીમાં નીચેની તરફ કાણુ હોય એટલે જ્યારે અનાજ જોઇએ ત્યારે તે ખોલવાનું અને અનાજ કાઢવાનું. આવા તો ઘણા જોડકણા છે જે અમે ગાતા.

એક બિલાડી જાડી
એણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઇ
તળાવ દેખી તરવા ગઇ
તળાવમાં હતો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગર બિલ્લી ખાઇ ગયો.

હાથીભાઇ તો જાડા
લાગે મોટા પાડા
આગળ ઝૂલે લાંબી સૂંઢ
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ.

ચાદા મામા પોળી
ઘીમાં ઝબોળી
મારા ભઇલાને હબક પૂરી

આ બધા જોડકણાનો મુખ્ય ઉદ્ધેશ બાળકને અવનવા પાત્રો/પ્રાણીઓ દ્વારા સમજાવવાનો હોય. જ્ઞાન સાથે ગમ્મત જોડાય તો તે સરળતાથી યાદ રહે એને એટલે જ આવા અવનવા ગીતો લખાયા હશે. મને સતત એમ થયા કરે છે કે હું તારા માટે જે કરવું જોઇએ એમાનું કશું કરતી નથી. ઓફિસના કામમાં વ્યસ્ત હોઉં ત્યારે તો એવું કંઇ યાદ ન આવે પણ જ્યારે જ્યારે બાથરુમ જાઉ ત્યારે ત્યારે હું બીજા કોઇ પણ વિચારથી મુક્ત હોઉ અને તારો વિચાર આવે. ઘર, ઓફિસ અને કામની વચ્ચે એવી પીસાઇ ગઇ છું કે જાણે શ્વાસ લેવો પણ અઘરો થઇ જાય.

કાલે અમે “ઓહ માય ગોડ” ફિલ્મ જોવા ગયેલા. ખરેખર સરસ ફિલ્મ છે. આ ફિલ્મમાં ભગવાનના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યો છે અને ભગવાન છે એવું સાબિત કરવા ખુદ ભગવાને પૃથ્વી પર આવવું પડે છે. આસ્તિક લોકોની આસ્થા કેટલી આંધળી હોય છે કે ધર્મના નામે થતા ખોટા પ્રપંચો કે રિવાજો ને જડની જેમ વળગી રહે છે. ધર્મગ્રંથો વાંચતા અને સમજાવતા ધર્મગુરુઓ પણ જ્યારે વિપરિત પરિસ્થિતિમાં સ્થિર રહી શકતા નથી તેની વાત સુંદર રીતે રજુ કરી છે.

આજે તબિયત બરાબર નહોતી એટલે સાંજે ઘરે પાછી આવી ગયેલી. સાંજે બારીમાંથી સરસ ઢળતા સૂરજનો તડકો આવતો હતો. છેક બાથરુમથી સરોડાના બારણા સુધી. એવું જ લાગે જાણે પીળા રંગનો મોટો બલ્બ ચાલુ કર્યો હોય. એ સોનેરી તડકો એટલો સુંદર લાગતો હતો કે જાણે કેટલા’ય સૂરજમુખીની ઝાંય એ રુમમાં હોય ને આખા રુમને એના અજવાળાથી ભરી દેતી હોય. મને આખા દિવસમાં વહેલી સવાર અને ઢળતી સાંજ ખૂબ જ ગમે છે. સવાર અને સાંજ એવો સમય છે જ્યારે આકાશના બદલાતા રંગ તમને જોવા મળે. ભગવાન જાણે પીંછી ફેરવતા હોય ને દરેક સ્ટ્રોકના આપણે સાક્ષી બનતા હોઇએ!

લિ.
તારી વ્હાલી મમ્મી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “બાળક એક ગીત (ભાગ-૮) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ””

Copy Protected by Chetan's WP-Copyprotect.