હસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૨) – અરવિંદ પટેલ

[ આજના સમયમાં લગ્નને લગતાં અનેક વિકટ પ્રશ્નો છે. ખુદ લગ્નસંસ્થાને પ્રશ્નાર્થચિન્હ લાગી જાય એવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યાં છે. આ સમયમાં યુવાપેઢીને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી સુરતના સર્જક શ્રી અરવિંદ ભાઈએ એક સુંદર લેખમાળા લખી છે, જેને આપણે સમયાંતરે અહીં માણતાં રહીશું. આજે તેમાંનો વધુ એક અંશ પ્રકાશિત કર્યો છે. રીડગુજરાતીને આ લેખો મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે abpatel50@gmail.com અથવા આ નંબર પર +૯૧ ૯૪૨૭૧૦૭૬૨૭ સંપર્ક કરી શકો છો.]

છોકરી માટે કેરીઅર, કારકિર્દી કે કુટુંબની જવાબદારી, બોલો શું અગત્યનું છે?!
લગ્નની વાત આવે એટલે હાલના સમય, સંજોગોમાં સહુ પ્રથમ તો છોકરીઓનું ભણતર અને કારકિર્દી પ્રત્યે ધ્યાન આપવું જરૂરી બન્યું છે. છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ સારું એવું વધ્યું છે. તેથી ડોકટરી, એન્જીનીયરીંગ, વકીલાત, સી એ, જેવા પ્રોફેશનલ કોર્સમાં શિક્ષણ મેળવી આગળ વધતી હોય છે. તેઓ સારા પગારે ઉચ્ચ હોદ્દા ઉપર કામ કરતી હોય છે, તે સિવાય છોકરીઓમાં કલાના ક્ષેત્રમાં પણ નામના કાઢી પોતાની કેરીઅર બનાવવાની જાગૃતતા આવી છે તેથી વધુ ભણેલી છોકરીઓને માટે યોગ્ય છોકરો પોતાની જ્ઞાતિમાં શોધવો, મળવો પણ ઘણું અઘરું હોય છે. ઘણીવાર છોકરા છોકરી પોતાનાં વ્યવસાય દરમ્યાન સંપર્કમાં આવેલા યોગ્ય પાત્ર જોડે લગ્નગ્રંથિથી જોડાઈ પણ જતાં હોય છે. તેમાં સમજુ માતાપિતા પોતાના સંતાનની પસંદગીના પાત્ર જોડે લગ્ન કરવા સંમતી આપતાં હોય છે. ઘણીવાર નાછૂટકે માતાપિતાએ પોતાની સારી કારકિર્દી ધરાવનાર છોકરી માટે યોગ્ય પાત્ર શોધવા પોતાની જ્ઞાતિ બહાર પણ નજર દોડાવી પડતી હોય છે. આ રીતે સારું પાત્ર મળવાની સંભાવના પણ ઘણી હોય છે. તે સિવાય આ રીતે વધુ શૈક્ષિણક યોગ્યતા વાળી, સારું કમાતી નોકરી કરતી કે પોતાનો ખુદનો ધંધો વ્યવસાય કરતી છોકરી પરણી ને સાસરે જાય છે ત્યારે તેણે પોતાની કેરીઅર સાથે કૌટુંબિક જવાબદારી પણ નિભાવવાની બેવડી જવાબદારી આવી જાય છે, તેથી લગ્ન પહેલા જ બે કુટુંબો વચ્ચે આ બાબતે ચોખવટ કરી લેવી જરૂરી હોય છે. શું છોકરી આ રીતે બેવડી જવાબદારી લેવા સક્ષમ છે કે નહીં અથવા તો છોકરી પોતાની કેરીઅરને જ લગ્ન પછી પ્રાધાન્ય આપવા માંગે છે કે કેમ તેની નિખાલસ ચોખવટ જો થઈ જાય તો પાછળથી આ બાબતે પતિપત્ની વચ્ચે કે પરિવારમાં કોઈ મનદુઃખ થવાની સંભાવના ના રહે, ઘણીવાર છોકરીઓએ આ બાબતે સમાધાનના ભાગ રૂપે પોતાની કેરીઅરનો ભોગ આપવા તૈયાર રહેવું પડતું હોય છે. ઘણીવાર સારું ભણેલા સમજુ અને આધુનિક વિચારસરણી ધરાવનાર પરિવાર, છોકરીને એટલેકે પોતાની વહુને પોતાની રીતે તેની કેરીઅર બનાવવા મદદરૂપ થતાં જ હોય છે. તેમજ છોકરીની/વહુની કૌટુંબિક જવાદારી ઉપાડી લેવા કોઈ અન્ય વિકલ્પ પણ શોધી લેતાં હોય છે. આ રીતે કેટલી બાંધછોડ કરવી એ જે તે પરિવાર પર નિર્ભર હોય છે.

લગ્ન માટેની શારીરિક માનસિક પરિપક્વતાનું મહત્તવ ઓછું ન આંકશો!
સામાન્ય રીતે ઉંમરલાયક પુત્ર કે પુત્રી માટે લગ્ન સંબંધે જોડવા યોગ્ય પાત્ર શોધવું ઘણું કઠીન કાર્ય હોય છે. આ અંગે એક ધ્યાન રાખવા જેવી અગત્યની બાબત એ છે કે છોકરા છોકરીની પરણવા લાયક ઉંમર થઈ જાય એટલે કે શારીરિક ઉંમરથી ભલે છોકરા છોકરી લગ્ન લાયક થઈ ગયા હોય પણ લગ્નજીવન અને તેની સાથે સંલગ્ન કૌટુંબિક, પારિવારિક, સામાજિક, આર્થિક અને આકસ્મિક સ્થિતિ સંજોગોમાંથી ઉદભવતી જવાબદારીઓને પરિપૂર્ણ કરવા માનસિક રીતે પણ સક્ષમ છેકે નહીં, તે જોવું પણ ખાસ જરૂરી હોય છે. ખાસ કરીને છોકરીઓની બાબતમાં એવું કહી શકાય એમ છે કે છોકરીમા જો પૂરતું જાતીય જ્ઞાન અંગેની પરિપક્વતા ન હોય, બાળ જન્મ અને ઉછેરની સામાન્ય જાણકારીનો અભાવ હોય, રસોડું સંભાળવા, રસોઈ અંગેની સામાન્ય માહિતી કે આવડતનો અભાવ હોય, સાસરે ગયા પછી પણ જો લાંબા સમય સુધી આ બાબતનો રસ ન કેળવાય કે આવડત ન આવે તો પણ ઘણી સમસ્યા સર્જાય શકે છે. તેથી છોકરીના માતાપિતાએ આ સંબંધે પૂરતી જાગૃતિ રાખી તેને કેળવવાની હોય છે જે બાબત પરણવા લાયક દરેક છોકરી પાસે અપેક્ષિત હોય છે. ટૂંકમાં આ પ્રકારની કૌટુંબિક જવાબદારી નિભાવવા છોકરી સક્ષમ છે કે પરિપક્વતા છે કે નહીં તે જાણ્યા પછી જ સગપણ સંબંધે વિચારવું યોગ્ય ગણાય. સામાન્ય રીતે માતાપિતાને પોતાની છોકરીને સાસરે વળાવવાની બહુ ઉતાવળ હોય છે, ભલે તે શારીરિક કે માનસિક રીતે તેનામાં પૂરતી પરિપક્વતા આવી હોય કે નહીં. એક અસલામતીની ભાવના મોટાભાગના માતાપિતામાં ઘર કરી ગઈ હોય છે કે પાછળથી સારું પાત્ર મળશે કે નહીં? તે સિવાય બીજું કારણ એ પણ હોય શકે કે ખાસ કરીને છોકરીની સોળ વર્ષની ઉમરથી એકવીસ બાવીસ વર્ષની ઉમરનો ગાળો મુગ્ધાવસ્થાનો હોય આ સમય દરમ્યાન વિજાતીય આકર્ષણ પેદા થવું સહજ હોય છે જેના કારણે પ્રેમમાં પડી જવાના પ્રસંગો ઊભા થતાં હોય છે વાસ્તવમાં ખરેખર તો આ એક પ્રકારનું શારીરિક આકર્ષણ જ હોય છે, જેનાથી છોકરીઓ બહુ જ ઝડપથી અંજાય જતી હોય છે. આને કારણે ખરાબ ચાલચલગત ધરાવતા છોકરા સાથે ફસાઈ જવાની શક્યતા રહેતી હોય છે. તેથી ઘણીવાર એવું થાય છે કે કે છોકરી કોઈ એવું ખોટું પાત્ર પસંદ કરી લે છે ને જિંદગીભર પસ્તાવાનો વારો આવતો હોય છે. આમ છોકરી પોતે જો પાત્ર પસંદ કરી લે તો માતાપિતાની, પરિવારની બદનામી થવાનો કાલ્પનિક ડર, ભય પણ સતાવતો હોવાનું માની શકાય એમ છે, અને ન કરે નારાયણને છોકરી કોઈ ખોટા હાથમાં ફસાય જાય તો જિંદગીભર સહન કરવાનું તો છોકરીના પક્ષે જ હોય છે. આ કારણેજ છોકરીની મરજી જાણ્યા વિના જ માતાપિતા પોતાની મરજી ઠોકી બેસાડતા જોવામાં આવે છે અને પાછળથી પેટભરીને પસ્તાવાનો વારો આવે છે.. સગપણની વાત શરુ થાય તે પહેલા આ બાબત સહુથી પહેલા ચકાસી લેવી જોઈએ. તે સિવાય માતાપિતાને પોતાની દીકરીને પરણાવવાની ઉતાવળ એટલા માટે પણ હોય છે કે દીકરી જેમ મોટી થતી જશે, વધુ ભણશે તેમ તેનામાં હક, અધિકાર, સ્વતંત્રતાની ભાવના જાગૃત બનતા, પ્રબળ બનતા છોકરી પોતાની પસંદગી મુજબના જ પાત્ર જોડે લગ્ન કરવા માતાપિતાને મજબુર કરે એવો કાલ્પનિક ભય પણ સતાવતો હોય છે. સામાન્ય રીતે સામાન્ય પરિવારોમાં છોકરીઓને ઓછું ભણાવવામાં આવતી હોય છે પરંતુ હવે સમજદાર પરિવારોમાં છોકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ કારણે ઘણીવાર એવું થાય છે કે છોકરીના ભણતરના કારણે એનાં ભણતર પ્રમાણે મુરતિયો મળવો મુશ્કેલ થઈ જતો હોય મોટી ઉંમર સુધી છોકરી અપરિણીત રહેતી હોય માતાપિતાને થોડી અસલામતી થતી હોય છે. બીજું એ કે રૂઢીચુસ્ત ઘરોમાં દીકરીને પારકી થાપણ ગણવામાં આવે છે, કોઈ વળી દીકરી એટલે સાપનો ભારો એવું પણ સમજતા હોય છે, તો વળી કોઈ દીકરીને માથા પરનો બોજ પણ ગણતા હોય છે એટલે આવી જ્યાં સમજ હોય ત્યાં દીકરીને જેમ બને તેમ જલ્દી તેની મરજી જાણ્યા વિના જ પરણાવી દેવાની ઉતાવળ હોય છે, જેના ઘણા માઠા પરિણામ પાછળથી માતાપિતાએ તેમજ છોકરીએ પણ ભોગવવા પડતા હોય છે. જે દરેક માતાપિતાએ સમજવું રહ્યું. જેથી છોકરા છોકરીની લગ્ન માટેની માનસિક પરિપક્વતા અત્યંત અગત્યનો મુદ્દો છે.

વિષમતાઓ, વિભિન્નતાઓ વચ્ચે તાલમેલ સાધવો તેનું નામ લગ્ન !
લગ્ન અગાઉ સગપણના સંબંધે જોડાતા બે વિજાતીય પાત્રો તેમજ બે કુટુંબો પરિવારમાં સામાન્ય રીતે શારીરિક, માનસિક, શૈક્ષણિક, બૌદ્ધિક, આર્થિક, સામાજિક, સંસ્કારિક, રીતરિવાજો, ધાર્મિક માન્યતાઓ, પરંપરા વગેરેની વિષમતા, વિભિન્નતા હોવાની જ, બંને પાત્રોના રંગ, રૂપ, શારીરિક બંધારણ પણ સરખા ના હોય શકે, સાથોસાથ દરેક્ની યોગ્યતા, પાત્રતા, ક્ષમતા પણ અલગ અલગ હોવાના, અસમાન પણ હોય શકે, ભિન્ન હોય શકે. દરેકના રસ, રુચિ, રીતભાત, રહેણીકરણી, શોખ, પસંદગી, ખાનપાન પણ ભીન્ન હોવાના, બંને પરિવારોની લાઇફ સ્ટાઈલ, લીવીંગ સ્ટાઈલ, જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ પણ જુદા હોવાના જ. કોઈ પરિવાર રૂઢિચુસ્ત હોય તો કોઈ આધુનિક વિચારો ધરાવતો હોય શકે, આવી બધી અને આટલી બધી ભિન્નતા હોવાં છતાં બંને પાત્રોએ, પરિવારોએ શક્ય એટલી બાબતોમાં પોતાને અનુકૂળ આવે તે રીતે સમાધાન સાધી, સમજુતી કરી આગળ વધવાનું હોય છે. આવી બધી અનેક વિષમતા વચ્ચે પણ ભાવી પતિ પત્નીએ એકબીજામાં રસ ઐક્ય કેળવાઈ, મનોઐક્ય જળવાઈ તે માટેના પ્રયત્નો કરવાના છે. હસ્તમેળાપને હૃદય મેળાપ સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં એકબીજાને સાથ આપવાનો છે, એકબીજા સાથે અનુકુલન સાધવાનું છે. બંને જણા એકબીજાના હાથ, સાથ અને નાથ છે તે ભૂલવાનું નથી. એકબીજાનું જેવું છે તેવું વ્યક્તિત્વ સ્વીકારી લેવાનું છે. વાદવિવાદ કરવાના બદલે એકબીજા સાથે સંવાદ સાધવાનો છે. વાતનું વતેસર થાય તે પહેલા વાતને કેમ વાળી લેવી તે શીખવાનું હોય છે. આપણે જે પ્રકારની અપેક્ષા સંતોષવાની સામેના પાત્ર પાસે આશા રાખતા હોઈએ છીએ તેવી જ અપેક્ષાઓ સામેના પાત્રની પણ સંતોષવાની આપણી પણ ફરજ થઈ જાય છે તે ભૂલવું ન જોઈએ. અપેક્ષા ઓછી રાખવી અને એકબીજાની ઉપેક્ષા ઓછી કરવી એ દામ્પત્ય જીવનનું સુત્ર થઈ જવું જોઈએ. વફાદારી અને વિશ્વાસનો ભંગ દામ્પત્યજીવનમાં વાવાઝોડું લાવી શકે છે. વહેમ કોઈના પર રહેમ નથી કરતો. આમ ખરેખર જોવાં જઈએ તો લગ્નસંબંધથી જોડવા માંગતા બે પાત્રો અને તેમનો પરિવાર વચ્ચે ઉપર જણાવ્યું તેમ અનેક પ્રકારની વિષમતાઓ, વિભિન્નતાઓ હોવાની પણ આ બધાની વચ્ચે યોગ્ય તાલમેલ બેસાડવો અને આગળ વધવું એટલે લગ્ન સંબંધથી જોડવાની પૂર્વ ભૂમિકા રચાય ગઈ સમજો. જેથી અગાઉથી જો આવી વિષમતાઓ વિશે ઊંડું વિચારી લેવામાં આવેતો પાછળથી કોઈ તકલીફ ઉભી ન થાય. આ બધા પરિબળોને ધ્યાનમાં લઇ આગળ વિગતે ચર્ચા કરી છે.

લગ્ન એક એવો અવસર
લગ્ન આપણે આંગણે આવતો અણમોલ આનંદનો અવસર છે. ઉમંગ, ઉલ્હાસ, ઉત્સાહ, ઉમળકાથી ઉજવણી કરવાનો માંગલિક પ્રસંગ અને પર્વ. લગ્ન મોટે ભાગે દરેકના જીવનમાં એક જ વાર આવતો અનેરો શુભ અવસર. બે જાણ્યા અજાણ્યા એવા કુટુંબીજનો વચ્ચે નવા સામાજિક સંબંધોની શરૂઆત. ઋણાનુબંધના અનુબંધથી બંધાતું એક નવું સામાજિક બંધન.

લગ્ન એટલે નરનારીના નવલા સંબંધોનું નજરાણું. દામ્પત્ય જીવનની શુભ શરૂઆત સાથે પતિ પત્ની સ્વરૂપે નવીન સંબંધનો પ્રારંભ. વર વહુના સગપણના સંબંધ સાથે સહિયારા સહજીવનની સફરનો શુભારંભ. આજીવન એકબીજાના સાથ નિભાવવાના સોગંદ. જીવનભરનું બે વિજાતીય આત્માઓનું મિલન. તેથી જ તો લગ્ન પ્રસંગ ઘરઘરમાં આનંદનો ઉત્સવ ગણાય છે.

વડીલોના આશિર્વાદ પામવાનો અવસર એટલે લગ્ન. સગા સંબંધી મિત્રોએ શુભેચ્છા પાઠવવાનો પ્રસંગ એટલે લગ્ન. મહેમાનોના, અતિથિના આમંત્રિતોના આતિથ્ય સત્કાર માટે, યજમાન માટે આનંદમાં અભિવૃદ્ધિ કરનાર પ્રસંગ એટલે લગ્ન. બાળકોને માટે, યુવાનોને માટે મોજ મજા મસ્તી માણવાનો અવસર એટલે લગ્ન. લગ્ન એટલે કુટુંબીજનો માટે ગીત સંગીત સાથે ગરબા, નૃત્ય, ડાન્સની મહેફિલ માણવાનો અવસર. આમ તો લગ્ન એટલે કૌટુંબિક સાથે સામાજિક પ્રસંગ પણ ગણાય. તેથી જ તો લગ્ન પ્રસંગમાં હાજરી આપી શોભાવવો એ પણ એક આમંત્રિતની ફરજ ગણાય, જવાબદારી પણ ગણાય. સાથે હક પણ ખરોજ. સાથોસાથ લગ્નમાં રીસામણા મનામણા ન હોય તોજ નવાઇ. બગડેલા સંબંધોને સુધારવાનો અવસર પણ લગ્ન પ્રસંગે જ પ્રાપ્ત થતો હોય છે.

ધાર્મિક દ્રષ્ટીથી લગ્ન એક સંસ્કાર ગણાય છે. કાયદાની ભાષામાં એક કરાર ગણાય છે. ને નવદંપતી માટે પ્રભુતામાં પગલા માંડવાનો પ્રારંભ એટલે જ લગ્ન. આખરે તો લગ્નજીવન, દામ્પત્ય જીવન, નવ દંપતી માટે સંસાર યાત્રાની શુભ શરુઆત છે. પોતાના નવા સાંસારિક જીવનના પ્રવાસનો પ્રારંભ પણ છે, સફર પણ છે. જેને વિધીવત પ્રારંભ કરવાનો અવસર એટલે જ લગ્ન. લગ્ન એટલે બંને પાત્રોના કુટુંબીજનોના નવા નવા સગા સંબંધોની અનોખી ગૂંથણી. પુત્ર કોઈના માટે જમાઈ બનતો હોય છે, પુત્રી કોઈના ઘરની પુત્રવધુ સ્વરૂપે ઘરની શોભા વધારતી હોય છે. લગ્ન એટલે બંને પાત્રોના માતાપિતાને સાસુ સસરાનું બિરુદ પામવાનો, પોતાનો માનમોભો વધારવાનો અનોખો પ્રસંગ. લગ્ન એટલે પોતાની વહાલસોઈ, લાડકોડથી ઉછરેલી દીકરીને સાસરે વળાવવાનો, વિદાય આપવાનો આનંદનો છતાં અંતરમાં વિષાદનો પ્રસંગ. બીજી બાજુ બીજા માતાપિતાને પોતાના ઘરે વહાલસોયા પુત્ર માટે વહુ લાવવાનો હરખનો પ્રસંગ. લગ્ન એટલે બે વિજાતીય વ્યક્તિઓને પોતાના કુટુંબની વંશવૃદ્ધિ માટે જાતીય જીવનનો પ્રારંભ કરવા માટેની, કાયદેસરની તેમજ સામાજિક અનુમતિ. લગ્ન પછી પોતાનું પિયર છોડીને આવેલી પત્નીનો આધાર પોતાનો પતિ હોય છે. તેથી પત્નીની કાળજી લેવાની, તેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની, તેના પાલનપોષણની જવાબદારી પણ પતિની થતી હોય છે. પત્ની માટે પોતાનો પતિ સર્વસ્વ હોય છે.

તેમજ સાસરે આવેલી પત્નીની પતિના કુટુંબીજનો, સગાસંબંધી જોડે હળી મળી રહેવું, ઘરની બાળકોની સારસંભાર રાખવાની જવાબદારી હોય છે. તેથી લગ્ન સંબંધમાં પરસ્પર જવાબદારી અને ફરજ નિભાવવાની ખાસ જરૂર હોય છે. લગ્ન સંબંધમાં એકબીજાનો વિશ્વાસ તેમજ એકબીજા પ્રત્યે વફાદારી જાળવવાની પણ ખાસ વિશેષ ફરજ હોય છે. લગ્ન પછીની સંસાર યાત્રા સફળ યાત્રા થાય તે માટે થોડું ઘણું ‘suffer’ (સહન) કરવા જેટલી સહિષ્ણુતા કેળવાય તોજ આ યાત્રા સફળ થાય. આમ લગ્ન એટલે આંનદનો જ ફક્ત અવસર નથી, પણ એક ખાસ પ્રકારની વિશિષ્ટ જવાબદારી અને ફરજની પણ શરૂઆત છે. તો ચાલો આપણે લગ્નનું આમંત્રણ આવે ત્યારે મહાલવાનું, માણવાનું ચૂકીએ નહીં, તેમજ આપણે ત્યાં લગ્ન પ્રસંગ આવે ત્યારે આ આનંદના અનેરા અવસરને મનભરીને ઉજવી સહુના આનંદમાં અભિવૃદ્ધિ કરવાનુ ચૂકીએ નહીં. ………..

સગપણ પહેલા એકબીજાના ઘર, રહેણીકરણી વિશેની જાણકારી મેળવી લેવી અગત્યની !
એક અગત્યનો મુદ્દો એ પણ ધ્યાનમાં રાખવો રહ્યો કે ઘણીવાર સગપણનો સંબંધ કોઈ ત્રાહિત કુટુંબ કે વ્યક્તિના માધ્યમથી ગોઠવાયેલો હોય, બંને પાત્રો અને પરિવારને સંબંધ આગળ વધારવાની ઉતાવળમાં બંને પરિવાર જ્યાં રહે છે તે ઘર, તેનું વાતાવરણ કેવું છે, તે જોવાનું રહી જતું હોય છે. તેથી સગપણને જાહેર કરતાં અગાઉ બંને પક્ષનાં ઘર તેમના માન, મોભાને અનુકૂળ આવે એવાં છે કે નહીં તેની પણ ચકાસણી કરી લેવી જોઈએ. ઘણીવાર એવું થાય છે કે છોકરીનાં માતાપિતાનું ઘર વિશાળ હોય અને જે ઘરમાં પરણીને સાસરે જવાનું છે તે ઘર નાનું હોય, કે સંકડાશવાળું હોય, મોકળાશ ઓછી હોય પતિપત્નીને એકાંત મળવાની શક્યતા ઓછી હોય, ભવિષ્યમાં મોટું ઘર લેવાની કોઈ શક્યતા ના હોય કે પરિસ્થિતિ ન હોય, તેમજ જુદા રહેવા જવા માટે પણ વિચારી શકાય એમ ન હોય એવાં ઘરમાં સગપણ નક્કી કરતાં પહેલા બહુ જ સાવચેતી રાખવી જરૂરી છે. આ બાબતે પાછળથી કોઈ કચવાટ ઉભો ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આજ રીતે છોકરી પરણી જે ઘરમાં જવાની છે તે ઘર સયુંકત પરિવાર ધરાવે છેકે કેમ, તેમજ તે સયુંકત પરિવારમાં છોકરીની લગ્ન પછી રહેવાની માનસિક તૈયારી છે કે કેમ તે પણ જાણી લેવું જોઈએ. શક્ય હોય તો છોકરીએ એકાદ દિવસ સગપણ નક્કી થાય તે પહેલા ભાવી સાસરે સવારથી સાંજ સુધી રહી આવવું જોઈએ જેથી જે પરિવારમાં પરણ્યા પછી જવાનું છે તેમની રહેણીકરણી, વિચારો, સ્વભાવ વગેરેનો થોડો ઘણો, આછો પાતળો ખ્યાલ આવે. જેથી જે ઘરે લગ્ન પછી જવાનું છે ત્યાં અનુકૂળ આવશે કે કેમ તેનો ખ્યાલ આવી શકે. જોકે ટૂંકા સમયમાં વાસ્તવિકતાની જાણ ન થઈ શકે પણ ઉપરછલ્લો ખ્યાલ તો આવી શકે. મનના સંતોષ ખાતર પણ આટલું કરવું જરૂરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “હસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૨) – અરવિંદ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.