નીડ – રવીન્દ્ર ઠાકોર

[‘જલારામદીપ સામાયિક’ માંથી સાભાર.]

ગૌતમીએ રેફ્રિજરેટરમાંથી પાણી પીધું અને ગળાનો શોષ હળવો કર્યો. બહારના ઓરડાના ઉકળાટમાં એનો ભીતરનો ઉકળાટ ભળ્યો હતો. સવારનો સૂરજ આગળ વધતો હતો. તો ય જિંદગાનીની રફતાર અલસ ગતિએ આગળ વધતી હતી. રસોડામાંથી જવાનું મન થતું નહોતું. કોને માટે બધું કરવાનું ? ભીતરમાં પ્રશ્ન ઊઠતો. અને એનું સમગ્ર અસ્તિત્વ જાણે કે સાદ પાડતું. મનમાં ને મનમાં એ બોલી ઉઠતી, એકલી જાતનાં વળી જતન શાં કરવાનાં ?

એકલી, એકલી..એકલી…!
બહાર સૂરજ એકલો હતો. તેનો સાત ધોડાનો રથ આગળ વધતો હતો, પણ સૂરજ એકલો હતો. તેના સાત ધોડા કયાંય દેખાતા નહોતા. એના નાનકડા બગીચામાં ઊગેલી એક ડાળી પર એકલું ફૂલ હવામાં ઝૂલતું હતું. પેલો સેક્ન્ડ કાંટો ધડિયાળમાં એકલો હરખાતો હરખાતો દોડતો હતો. પાછળ જોયા વિના અજગર ગતિએ ચાલતા બે કાંટાઓની પરવા કર્યા વિના દોડતો હતો તે. સૂરજ એકલો હતો, ફૂલ એકલું હતું, કાંટો એકલો હતો, એ એકલી હતી. સૂરજ તપતો હતો, ફૂલ હસતું હતું, કાંટો દોડતો હતો. એ એકલી જ અલસ હતી-અલગ હતી. એકલા સૂરજને થાક નહોતો. એકલા ફૂલને રુદન નહોતું. એકલા કાંટાને કોઈની પરવા નહોતી. એ એકલી ભીતરમાં ઝૂલતી હતી. એકલી,એકલી. ઘડીભરમાં તો એને પોતાની જાત પર ચીડ ચડી. પણ તો ય મનનું અળસિયું ન હાલ્યું-ભીતરની જલનને એ પોતાની કરીને જ બેઠી હતી.

નથી રાંધવું, નથી ખાવું. આજે કશું જ કરવું નથી. એને ઘણીવાર તો જાત પર ગુસ્સો ચડતો. ના, ૠતેશ પર ચીડ ચડી. એણે વારંવાર ૠતેશને કહ્યું હતું કે આ ઘરમાં એને એકલા એકલા ગમતું નથી. તે ગામમાં હોય ત્યારે તો એની કેટલી કાળજી રાખતો ! એનું એકલાપણું મિટાવી દેતો. કયારેક એ ૠતેશને કહેતી, ‘આજે ઑફિસ નથી જવાનું ?’ એનો આ વેધક પ્રશ્ન-
‘પાછું તને એકલું લાગે તો ?’ હસતો ૠતેશ મશ્કરી કરતો.
જુઠ્ઠી ! પુરુષની જાત જ જુઠ્ઠી ! સામે હોય ત્યાં સુઘી લળી લળી જાય, પૂંછડી પટપટાવે. મીઠાં સુગર કોટેડ વચનો કહે અને પછી..પછી..તેરા તેલ ગયા, મેરા ખેલ ગયા ! સાવ જુઠ્ઠી, અસરાહનીય, અવિશ્વસનીય. એણે પલંગમાં જ પથારીમાં પડખું ફેરવ્યું. ઊંઘનો દૌર ઊડી ગયો હતો. પણ ઊઠવાનું મન નહોતું થતું. આજે જિંદગીમાં પિસ્તાળીસ વર્ષોની એકલતા આયુષ્યપટ પર ઝળુંબી ઊઠી હતી.ન રડાય, ન સહેવાય, ન કહેવાય તેવું દુઃખ એ અનુભવતી હતી. વેદનાની તીણી ચીસ એના અસ્તિત્વમાં આકાર લેતી હતી. અને એ કણસ્યા કરતી હતી.

સૂરજનાં અજવાળાંને ઢાંકી દેવા એણે પાંપણ બંધ કરી. હસતા ફૂલ પર નિઃશ્વાસની એક ચાદર બિછાવી દીધી.
‘બેન, ઊઠવું નથી ?’ કામ કરનારી બાઈએ પૂછ્યું.
‘ના.’
‘ચા તૈયાર કરી આવું !’
‘ના.’
‘તબિયત સારી નથી ?’
‘ના.’
‘માથું દબાવી આપું ?’
એણે કંઈ જવાબ ન આપ્યો. વળી પાછી એ મનમાં ને મનમાં ગુસ્સે થઈ…એકલતાની વેદના અનુભવતી એ આમ પડી રહેતી ત્યારે ઋતેશ પણ આવા જ સંવાદો બોલતો. આ ઘરમાં બધાં જ જાણે નારદનાં પાત્રની જેમ વર્તતાં. થોડીવાર રહીને પેલી બાઈને એણે ગુસ્સામાં કહ્યું, ‘તું જા. બપોર પછી આવજે. મને પડી રહેવા દે.’ બાઈ ચાલી ગઈ. એ એકલી પડી. પોતે એકલી હતી તેની સભાનતા આજે એને વધુ પીડતી હતી. ત્રણ દિવસનું કહીને આજે પાંચ દિવસેય ઋતેશ નહોતો આવ્યો.

‘શું દાટયું છે તેનું કૉન્ફરન્સમાં ? જાણે કૉન્ફરન્સ તેના વિના તૂટી પડવાની હશે ? એ બબડી અને પથારીમાં એક ઑર પડખું ફેરવ્યું.’ સૂરજ આગળ વધતો હતો, ફૂલ હસતું હતું, ઘડિયાળનો કાંટો તો હનુમાન ગતિએ આગળ વધતો હતો. એ ઊઠી બહારની લૉબીમાંથી રસ્તા પર મીટ માંડી રહી. બહાર પૉચ પર કોતરેલા અક્ષરો એની આંખોને સતાવી ગયા.
‘નીડ’
સર્પના ડંખની વેદના લઈ એ પથારીમાં પાછી ફરી બંધ આંખોમાં પેલા અક્ષરો રમતા હતા. નીડ. નીડ આ અક્ષરોને એણે જ લાડ લડાવ્યા હતા. પેલા ઘરમાં હતી ત્યારે ૠતેશને એણે જ કહ્યું હતું-આપણે ઘર બંધાવીશું ને ત્યારે નામ પાડીશું, નીડ. આ ઘર બંધાયું ત્યારે એ જ નામનો એણે આગ્રહ રાખ્યો હતો. સુનીતિએ કહ્યું હતું, ‘આપણે ‘મિલન’ નામ રાખીએ.
‘તને તો ફિલ્મોનાં જ નામ ગમે છે.’ એ ચિડાઈ હતી.
નેહાએ કહ્યું હતું, ‘ગૌતમીકુટિર’ નામ રાખીએ, મમ્મી !’
‘બેસને ચિબાવલી.’ એનો ગુસ્સો જોઈને નૃપા તો કશું જ બોલી નહોતી. ઋતેશે કહ્યું હતું, ‘આપણે ‘માતૃકૃપા’ નામ રાખીએ.
‘હા, તમે તો એવાં જ નામ શોધશો ને !’ ને એનો વિજય થયો હતો. ‘નીડ’ નામ પર સ્ટૅમ્પ વાગી ગયો. આ અક્ષરોમાં અહીં કોતરાયા ત્યારે તે હરખાઈ ઊઠી હતી.- કોઈ વિજયની અદાથી. આજે એ જ અક્ષરો એને પીડાતા હતા. એની બંધ આંખોમાં એ બે અક્ષરો આકાર લેતા અને એ મનમાં કણસતી. અક્ષરો નહીં, અક્ષરોની કબરો જાણે કે આકાર લેતી હોય તેમ એને લાગ્યું. એણે પડખું ફેરવ્યું. પણ અક્ષરો એનો છાલ છોડે તેમ નહોતા. બીડેલી પાંપણના અંધારામાં એ અક્ષરો તરતા હતા. આ ઘર- પેલું ઘર- ઘર !

મા-બાપને ઘેરથી એ એક ઘરમાં આવી હતી. પોતાના ઘરમાં ઋતેશની સાથે સપનાં સંઘરીને એ ઘર માંડતી હતી. કુંવારાં સ્વપ્નો એના સમગ્ર અસ્તિત્વમાં આકાર લેતાં હતાં. એક સ્નેહભર્યો સંસાર એને ગમતો. સુનીતિનો જન્મ થયો ત્યારે એનો આનંદ સમાયો નહોતો. સુનીતિ, નેહા અને નૃપા. તેમના કલરવે એનો માળો મહેકતો હતો.
‘આપણે ઘર બંધાવીશું ?’ એક દિવસ ઋતેશે પૂછયું.
‘શું ?’
‘આપણું ઘર. આ ભાડાના ઘરમાં રહેવા કરતાં આપણે આપણું ઘર બંધાવી દઈએ.’
‘કોને માટે ?’
‘આ છોકરા માટે.’ ત્રણ દીકરીઓની યાદે એનું મન નાચી ઊઠયું.
‘પણ પછી ?’ એણે પૂછયું.
‘પણ શું ?’
‘પૈસાનો વિચાર- ’
‘થોડી લોન મળશે. થોડી કરકસર કરીશું. મને તારા પર વિશ્વાસ છે.’ એણેય હાશનો એક શ્વાસ લીધો. જે દિવસે એમને નામે પ્લૉટ થયો ત્યારે તો એણે આયુષ્યભરનો આનંદ માણ્યો હતો. છોકરીઓ મોટી થતી હતી, મકાન બંધાતું હતું. જયારે જયારે એ બંધાતું મકાન જોવા જતી ત્યારે દીકરીઓને સાથે લઈને જતી. ‘અમારે હવે કેટલાં વર્ષ કાઢવાનાં ? તમે તમારી રીતે જ બંધાવો.’ દીકરીઓ હસતી. કૃતકૃત્યની એક લહેરખી એના અંગ પર છવાતી. દીકરીઓ મોટી થતી હતી. મકાન બંધાઈ રહેવા આવ્યું હતું. આ મકાનમાં એ સહુ રહેવા આવ્યાં ત્યારે એને લાગ્યું હતું કે જિંદગીમાં કોઈ વાસના એને પીડતી નથી. એણે મકાનનું નામ રાખ્યું- ‘નીડ’.

‘આ જ આપણો માળો, આપણો નીડ. આ ત્રણે દીકરીઓ અને આપણે કેટલાં સુખી છીએ !’ એણે ઋતેશને કહેલું. નીડ ! કીકીના અંધારામાં એ અક્ષરો તરતા હતા. એ નિશ્ચેતન પડી રહી. એના નીડમાં એ એકલી હતી. મકાન બંધાઈ ગયું. દીકરીઓ મોટી થવા લાગી. ઋતેશે કહ્યું, ‘ગૌતમી ! આ દીકરીઓ મોટી થઈ.’
‘તે શું છે ?’
‘એમને પરણાવવી પડશે ને ?’ ત્યારે પહેલીવાર એક લખલખું આવી ગયું હતું. ના. એનું ના જ ચાલ્યું. એ પરણાવવા ન પરણાવવાનો વિચાર કરે ત્યાંજ સુનીતિએ એને કહી દીધું,
‘મમ્મી ! તું ચિડાઈશ નહીં ને ?’
‘ના, કેમ ?’
‘તો એક વાત કહું ?’
‘કહીને.’
‘મારી સાથે નોકરી કરે છે ને તે મુદિત સાથે હું…’ એ મૂંગી રહી.
‘તું ગુસ્સે થઈ ગઈ ?’ સુનીતિએ પૂછ્યું.
‘ના રે !’ એને મુખે સ્મિત છલકાયું. એણે સુનીતિને માથે હાથ ફેરવ્યો. સુનીતિ મુદિતની સાથે પરણી ગઈ, પછી નૃપા પણ. ઘરમાં ૠતેશ, એ અને નેહા જીવતાં હતાં. નેહા નોકરી કરતી હતી. નોકરી કરતાં કરતાં મમ્મીને સાચવતી હતી. એક દિવસ એ એકલી હતી ત્યારે ઋતેશે એને કહ્યું, ‘નેહા માટે માગું આવ્યું છે.’
‘હેં ?’
‘કેમ, નથી પરણાવવી ?’
‘ના રે. હું કોણ ન પરણાવનારી ? એ તો નસીબમાં લખ્યું હોય તે થાય જ.’
‘ઘર સારું છે. છોકરો સારો છે.’
‘તમે જોયો ?’
‘હા.’
‘તો પછી મને વાંધો શો હોય ?’
‘પણ એનાં લગ્ન પહેલાં લેવા પડશે. છોકરો અમેરિકા રહે છે. આવતે અઠવાડિયે આવી પરણીને પાછો જવાનો છે.’
‘તમને જેમ યોગ્ય લાગે તેમ.’તે સાંજે નેહાએ નોકરીએથી આવતાંવેંત જ કહ્યું, ‘મમ્મી ! એક વાત કહું ?’
‘શી ?’
‘તું કહે. શી વાત હશે ?’
‘કોઈના પ્રેમમાં પડી હશે ને લગ્ન કરવાની હશે.’
‘ના. મેં તો આપણે માટે એક રેફ્રિજરેટર ખરીધું, મારા પગારની બચતમાંથી.’ નેહા માને ગળે વળગી પડી. ગળે વીંટળાયેલી નેહાને એણે કહ્યું, ‘તારે માટે માગું આવ્યું છે. હવે તારે પરણવાનું.’ નેહા પરણી ગઈ, અમેરિકા ચાલી ગઈ. જતાં જતાં આ રેફ્રિજરેટર મૂકતી ગઈ. ‘મમ્મી, આ જ હું મૂકતી જાઉં છું. તને દૂર વસતી તારી નેહાની યાદ આપતી રહેશે. સુનીતિ દૂર હતી, નૃપા દૂર હતી, નૃપા દૂર અમેરિકામાં રહેતી હતી. ઋતેશ કૉન્ફરન્સમાં ગયો હતો. એ એકલી પથારીમાં પડી હતી.
‘એકલી-એકલી-એકલી…’
‘છોકરાં હતાં ત્યારે ઘર નહોતું તે ઘર બાંધ્યું ત્યારે છોકરાં રહેવા ન રહ્યાં.’ એણે મનમાં બબડાટ કર્યો. એણે નિઃશ્વાસ મૂકયો. એની પાંપણો ખૂલી. ફૂલ હસતું હતું, સૂરજ આગળ વધતો હતો, ઘડિયાળનો સૅકન્ડ કાંટો દોડતો હતો. મૂઢની જેમ એ જોઈ રહી. ફરી એ પાણી પીવા ઊઠી . ફ્રિજમાંથી ઠંડું પાણી પીધું ને શોષ હળવો કર્યો. એ ફ્રિજને નિહાળતી ઊભી રહી. સુનીતિ- નૃપા- નેહા…ફ્રિજનું બારણું બંધ કરી એના પગ પલંગ તરફ વળ્યા. ‘ટપાલ…’ ટપાલીએ ટપાલ નાંખી. એના પગ બારણા તરફ દોડયા.

આંતરરાષ્ટ્ર્રીય કવર હતું. નેહાના પતિએ લખ્યું હતું. ‘ગઈકાલે રાત્રે, નેહાએ બાબાને જન્મ આપ્યો છે. બંનેની તબિયત સારી છે.’ એની આંખ સામે પેલા અક્ષરો તરતાં હતા- ‘નીડ’.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૨) – અરવિંદ પટેલ
સ્મરણોની સાથે – પ્રજ્ઞા મહેતા Next »   

7 પ્રતિભાવો : નીડ – રવીન્દ્ર ઠાકોર

 1. Loneliness is expressed beautifully.liked

 2. Nitin says:

  ઍકલતા માનવિ ને કોરે છે.પોતાનુ કોઇ નજીક ના હોય તો તે અસહ્ય લાગે છે.સરસ વાર્તા.

 3. pjpandya says:

  દરેક માનસના જિવનમ આવાજ પ્રસન્ગો આવ્યા કરે ચ્હે ખાસ કરિને નોકરિયાત જ્ર્ગને શરુઆત્મા એકલા રહેવાનુ અને વુધ્ધ્ા વસ્થામા સન્તાનો નોકરિ ધન્ધે બહારઈજઐ ત્યારે એકલ રહેવાનુ

 4. Arvind Patel says:

  જીવન એ પ્રવાસ છે, ખેલ છે, મુસાફરી છે, સમયનો વહેતો પ્રવાહ છે. વગેરે, વગેરે. પણ આપણે તે સમજતા નથી. આપણે વહેતા પ્રવાહ સાથે જો સાથ આપીએ તો કોઈ જ મુશ્કેલી નથી. આપણે અતિ લાગણીશીલ થઈને ભૂતકાળને વળગી રહીએ છીએ, ભૂતકાળને ગળે લગાડી રાખીએ છીએ. જો આપણે આજ અને ફક્ત આજમાં જીવતા શીખી જૈયે તો બધા દુખ, બધા જ બળાપા દુર થઇ જાય. બાળપણની રમત, યુવાની ની સરારતો, લગ્ન જીવનનું માધુર્ય, પુત્ર, પુત્રીનું આગમન, આમ પાણી ના પ્રવાહની જેમ જ જીવન વહી જાય છે. આપણે દરેક પલ ને જાગૃક્તાથી માણવી. બસ વાર્તા પૂરી. ગઈકાલ ભૂલી જાવ, આવતી કાલ ની ચિંતા કરો નહિ, અને આજને ભરપુર જીવો. જિંદગી જીવવા જેવી લાગશે. બધી જ ફરિયાદો દુર થઇ જશે.

  • Kalidas V. Patel {Vagosana} says:

   સાચી વાત છે અરવિન્દભાઈ આપની.
   વર્તમાનમાં જ જીવો તો , આવી એકલતાનું દુઃખ –જે અનિવાર્ય છે — તેને સહન કરી શકાય, પચાવી શકાય.
   કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

 5. SHARAD says:

  SANTANO MOTA THAY TYARE JIVAN KHECHATU LAGE. NID E NEED CHHE

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.