સ્મરણોની સાથે – પ્રજ્ઞા મહેતા

[‘તથાગત સામાયિક’ માંથી સાભાર.]

કેટલાંક સ્મરણો જીવનભર આપણી સાથોસાથ ચાલે છે. વર્ષો પહેલાંની વીતી ગયેલી ઘટનાઓને એવી ને એવી તાજી, સ્પષ્ટ ને અમીટ રાખવાનું કામ આવાં સ્મરણો કરે છે. એમાંય કેટલાંક મીઠાં ને પ્રભાવક સ્મરણો તો જીવનને પોષક અને પ્રસન્નકર બની રહે છે.

હંમેશા યાદ આવ્યા કરે છે રાણપુરમાં ગાળેલો છએક મહિનાનો સમય. ત્યારે હું નવમાં ધોરણમાં હતી. વાતનું કેન્દ્વ છે જેમાં અમે રહેતાં હતાં તે ઐતિહાસિક બંગલો. ખૂબ હવાઉજાસ ને સગવડોવાળો. તે સમયે આધુનિક ગણાતા ટાઈલ્સ અને દીવાલોમાં વિશાળ કબાટવાળો ખૂબ મોટો ડ્રૉઈંગરૂમ, આસપાસ બીજા રૂમો, મોટી ઓસરીઓ, અલબત, વીજળી તો નહોતી જ, તેથી રોજ સાંજે નાનાંમોટાં પાંચેક ફાનસો તૈયાર કરવાનું કામ મારું હતું. રાત્રે બધું જ કામ અને હોમવર્ક પણ વહેલાં થઈ જતું. પછી જયારે ડ્રૉઈંગરૂમમાં જમીન પર જ પથારીઓ કરીને સૂઈએ ત્યારે અમારા કાન મારા પિતાજી (મોટાઈ) નો અવાજ સાંભળવા આતુર હોય.

તેઓ વાત શરૂ કરે અને અમે સૂતાં સૂતાં જ તેમના શબ્દોની સાથોસાથ અમારી ક્લ્પનાઓમાં સ્વાતંત્ર્યસંગ્રામની ચળવળોમાં પહોંચી જઈએ. મૂળ વાત તો હવે, જે મકાનમાં અમે રહેતાં હતાં તે સ્વાતંત્ર્યસેનાની અમૃતલાલ શેઠનું મકાન હતું ! આ જ મકાનમાં તેઓ ધમધમતું પ્રેસ ચલાવે. ત્યાંથી ‘સૌરાષ્ટ્ર’ નામે અઠવાડીક તેઓ બહાર પાડે. ઝવેરચંદ મેઘાણી તેના તંત્રી હતા. અમૃતલાલ શેઠ અને મેઘાણી તે સમયે ગુજરાતથી ચાલતી ચળવળના સૂત્રધારો હતા.તે સમયે આ મકાનમાં અનેક ક્રાન્તિવીરો આવતા ને જતા. દેશના સ્વાતંત્ર્યની ઉન્માદભરી ચચૉઓ થતી. અંગ્રેજોની વિરુદ્વ છૂપાં કારનામાંનાં આયોજનોની માહિતી અહીં આવતી. આખા દેશમાંથી બધી પ્રવૃતિઓની માહિતી અહીં આવતી અને આ નીડર, ક્રાન્તિના બેલડી, ‘સૌરાષ્ટ્ર’ ‘ અઠવાડીકમાં લોકોનાં હ્રદયમાં દેશદાઝ બુંલદ બને તેવાં લેખો, ગીતો, સૂત્રો ને ચર્ચાપત્રો લખતી.

જયારે મોટાઈ આ બધી વાતો કરતા હોય ત્યારે ઓરડામાં ધીમું ફાનસ જલતું હોય. એના આછા અજવાળામાં અમે મુઠ્ઠીઓ ઉછાળતા યુવાન ને કિશોર એવા ચળવળિયાઓને જોતાં. પોતે લખેલાં ગીતો બુંલદ અવાજે ગાતા મેઘાણીભાઈની ક્લ્પના કરતાં. મોટેથી ચર્ચાતા સમાચારો, બૂમો, પ્રેસના હાથમશીન ચાલવાના અવાજો, આ બધું જાણે કે અમે નજરે જોયા કરતાં અને પછી ધીમે ધીમે મીઠી નીંદરમાં પહોંચી જતાં. કયારેક ગીતોની વાત થાય ત્યારે મારાં માતાપિતા બન્ને ધીમે અવાજે સાથે ‘રક્ત ટપક્તી સો સો ઝોળ…’ ગાતાં. કયારેક ‘મારા સૂના ખેતરને રે, શેઢે હું તો એકલડી ઓ સોનાનાવડી…’ કાવ્યના અંશો બન્ને વારાફરતી ગાતાં. આખાય બંગલામાં ક્રાન્તિના વાતાવરણની ઘેરી અસર હજી પણ હોય એમ લાગ્યા કરતું. અમારા પર પણ એ પ્રસંગોની વાતોની એવી અસર થતી કે ઉપરના માળે રહેતા પોલીસ ઈન્સ્પેકટરના કુટુંબનાં બાળકો અને અમે સહુ ભેગા થઈને વીરતાભર્યા સંવાદો બનાવીને નાટક નાટક રમતાં. લાઈન બનાવીને કૂચકદમ કરતાં ને મુઠ્ઠી ઉછાળીને આવડે એવાં સૂત્રો પણ પોકારતાં.

આ જ મકાનના એક ઓરડાની બારી અમારી પ્રિય જગ્યા હતી. અંદર ઊઘડતી એ બારીમાં આરામથી બેસી શકાય એટલી મોટી જગ્યા હતી. બારીના એક બારણાને પીઠ અને બીજા બારણાને ઢીંચણ ટેકવીને કંઈ ખાતાં ખાતાં આરામથી બહારનાં દ્રશ્યો જોયા કરવાનાં. બહાર એક મોટો કાચો રસ્તો મુખ્ય રોડથી બારી પાસે થઈને અંદરનાં મકાનો તરફ જતો. મોટાઈએ કહેલી ઘણી વાતોમાં ટાગોરના નાનપણની વાતો પણ આવતી. વિશાળ મહેલ જેવા બંગલામાં ફરજિયાત રીતે ઓરડામાં જ રહેવું પડતું ત્યારે બાળક ટાગોર બારીએ બેસીને ગલીમાં જતાંઆવતાં બધાંને જોયા કરતા.

ટાગોરે ‘ડાકઘર’માં આવી બારીની અને બારી પાસેથી નીકળતાં આવાં પાત્રોની વાત ખૂબ સરસ રીતે ગૂંથી છે. અમે ભાઈબહેનો પણ અનાયાસે જ બારી પાસેથી નીકળતાં રોજનાં પાત્રો વિશે વાતો કરતાં. લાંબી દાંડી પર ફુગ્ગા ભરાવીને નીકળતા ઊંચા, કાળા માણસને અમે મજાક ખાતર ફુગ્ગાની કિંમત પૂછતાં. માટલાંવાળાને માટલું કેવી રીતે બનાવ્યું તે પૂછતાં. ટોપલામાં શાક લઈને જતી મહિલાને દૂધીની લંબાઈનું માપ પૂછતાં. મુખ્ય રોડને દૂર દૂર સુધી તો જોઈને દૂરના સ્ટેશન વિશે કલ્પનાઓ કરતાં. આસપાસનાં ઝાડ, પક્ષીઓ, આકાશ, ઊડતાં પતંગો, વાદળાં, લીલાં ખેતરો, વટેમાર્ગુઓ, આ બધાંને જોઈ જોઈને તેમના વિશે નવી નવી કલ્પનાઓ કરતાં ને ખૂબ ગમ્મત કરતાં. વર્ષો પછી ટાગોરની ‘ડાકઘર’ની બારીને બરાબર જાણી ત્યારે આ અમારી બારી ખૂબ યાદ આવી! આજે પણ મનોમન તો અનેક વાર ત્યાં બેસીને ફરી એ જ અનુભવોને માણુ છું!

એક ઐતહાસિક બંગલો, ખૂબ ઊંડું વાંચન અને જ્ઞાન ધરાવતાં શિક્ષક માતાપિતા, સરખેસરખાં ભાઈબહેનોની સોબત અને બસ આવી એક મજાની બારી ! વિચારતાં લાગે છે કે શિક્ષણનો આ શ્રેષ્ઠ રસ્તો છે. શિક્ષણ આપીએ છીએ કે શિક્ષણ લઈએ છીએ એવી એકેય પક્ષે જરાય સભાનતા વિના જ વાર્તારૂપે, માહિતીરૂપે, ગીતોરૂપે, વ્યકિતચિત્રો, પ્રસંગચિત્રો ને આખા સમાજનું ચિત્ર સરસ રીતે ઊભાં કરી શકાય. સચોટ માહિતી સાથે કલ્પનાને પણ પોષે તેવું શિક્ષણ સહજ રીતે આપીને સાથોસાથ લોહીમાં સ્વદેશાભિમાનની દાઝ-ઉષ્મા પણ આપતાં જવું. સરળમાં સરળ છતાં કઠિનતમ લાગે છે.

સ્વતંત્રતાની ચળવળમાં ગાંધીજી પછી બીજું નામ ભાગ્યે જ આવડતું હોય એવી આજની પેઢીને કુરબાનીની એ વાતોના અમૃતઘૂંટડા કોણ ભરાવશે? આ પેઢીની તરસ ગમે તેવી પરબને શોધી લે એ પહેલાં આપણે કંઈ કરીશું ને?


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous નીડ – રવીન્દ્ર ઠાકોર
અમે ગુજરાતી અને ગુજરાતી અમારી – પૂર્વી મલકાણ Next »   

3 પ્રતિભાવો : સ્મરણોની સાથે – પ્રજ્ઞા મહેતા

 1. જવાહર says:

  આ સમયખંડ ૧૯૪૦ની આજુબાજુનો હોવો જોઇયે. લેખનું આલેખન એકદમ રસમય લાગ્યું અને વાંચતા વાંચતા હું પણ કલ્પનામાં બધું તાદૃશ્ય જોતો હોઉં એવું અનુભવ્યું. મારો જન્મ પણ આઝાદી પહેલાંનો અને ફાનસને અજવાળે જ સ્કૂલ પુરી કરી છે.

  “સ્વતંત્રતાની ચળવળમાં ગાંધીજી પછી બીજું નામ ભાગ્યે જ આવડતું હોય એવી આજની પેઢીને બલિદાનની એ વાતોના અમૃતઘૂંટડા કોણ ભરાવશે? આ પેઢીની તરસ ગમે તેવી પરબને શોધી લે એ પહેલાં આપણે કંઈ કરીશું ને?” – કંઇ કરવા માટે પૂજ્ય ગાંધીજી જેવી નેતાગીરીની જરૂર પડે નહિં તો ન થઇ શકે અને આ પેઢી બીજી પરબ જ શોધશે.

 2. Nitlin says:

  ખુબ સરસ લેખ. આઝાદી પહેલા નો સમય, ગાધીજી ની આગેવાની હેઠ્ળ ંદેશ માટૅ ફના થનાર સેવકો સાચિ ભાવના ને વરેલ હતા.આવિ ભાવના
  વ્ય્કત કરતો લેખ .આનન્દ થયો

 3. pjpandya says:

  અમે સ્કુલ્મા ગુરુદેવ તાગોરનુ આ નાત્ક ભજવેલ તેનુ સરન થૈ આવ્યુ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.