અમે ગુજરાતી અને ગુજરાતી અમારી – પૂર્વી મલકાણ

[રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ પૂર્વીબેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે purvimalkan@yahoo.com સંપર્ક કરી શકો છો.]

ક્લાસ રૂમમાં એક પિરિયડ ચાલુ હતો. કીરા અને મિલી (અમેરિકન ગુજરાતી) નામની બે છોકરીઓ પોતાનાં એક પ્રોજેકટ પર પ્રોગ્રામ રજૂ કરી રહી હતી. આ પ્રોજેકટમાં આ બાળાઓએ એક ભાષા વિદેશી રાખવાની હતી અને બીજી ભાષા રેગ્યુલર ભાષા રાખવાની હતી. મિલી એ પ્રોજેકટને રીડ કરવો શરૂ કર્યો. સૌ પ્રથમ તે પહેલા ગુજરાતીમાં વાંચતી ત્યાર પછી પોતે જ ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરીને બતાવતી. મિલીની સહપાઠી કીરા તે મિલીનું બોલવાનું પૂરું થાય કે તરત જ તે પ્રોજેક્ટનું પ્રેક્ટિકલ કરીને બતાવતી જાય. આમ એક જ સમયમાં બે-બે ભાષામાં દુભાષીયાની જેમ એક સાથે કામ કરતી મિલીને જોઈ તેની ટીચરે પૂછ્યું મિલી આ ઇન્ડિયન લેન્ગ્વેજ છે તેની મને જાણ છે પણ કઈ લેન્ગ્વેજ છે તે હું જાણી શકી નથી. ત્યારે મિલી કહે મિસ, આ વેસ્ટ ઇન્ડિયાની ગુજરાતી ભાષા છે. ટીચરે પૂછ્યું કે એ ગુજરાટી લેન્ગ્વેજ તને કેવી રીતે આવડે છે? ત્યારે મિલી કહે કે કારણ કે ગુજરાતી મારી મધરટંક લેન્ગ્વેજ છે. આ સાંભળીને તેની ટીચરને અત્યંત આશ્ચર્ય થયું તે કહે કે મને તો લાગ્યું કે માત્ર હિન્દી જ તમારી મધરટંગ હશે આજે મને પહેલીવાર ખબર પડી કે તમારી મધરટંગ એક નહીં પણ બે –બે ભાષા છે. મિલી આઈ એમ સો પ્રાઉડ કે તને તારી બંને મધરટંગ ભાષા આવડે છે, પણ આ માટે હું તારા માતા પિતાને થેન્ક્સ કહીશ કે તેમણે તને આ બંને ભાષા શીખવી છે.

ઉપરોક્ત પ્રસંગ જેવો જ એક બીજો પ્રસંગ થોડા સમય પહેલા ઈન્ડિયામાં બની ગયો. એક રિયાલીટી શો માં બે-ત્રણ છોકરીઓ સ્ટેજ ઉપર આવી. તેમની ભાષા અમેરિકન ઇંગ્લિશ હતી. આ જોઈ જજે તેમને પૂછ્યું કે શું આપ અમેરિકન છો? છોકરીઓએ કહ્યું કે હા અમે અમેરિકન ઇન્ડિયન છીએ. આ સાંભળી જજે કહ્યું ઓહહ ઇન્ડિયન છો તો હિન્દી આવડતું હશે કેમ ખરું ને? આ સાંભળી છોકરીઓ કહે સોરી મેમ અમને હિન્દી નથી આવડતું. આ સાંભળી જજ મજાક કરી કહેવા લાગ્યાં કે જુઓ આ ઇન્ડિયન જેમને હિન્દી નથી આવડતું. આ સાંભળી તે છોકરીઓ કહે હા મેમ અમે અમને હિન્દી નથી આવડતું પણ અમને ગુજરાતી આવડે છે. એમ કહી છોકરીઓ અમેરિકન એક્સેન્ટમાં ગુજરાતી બોલવા લાગી. આ જોઈ જજે પૂછ્યું કે ગુજરાતી શી રીતે બોલો છો? ત્યારે તે છોકરીઓ કહે કે અમે ગુજરાતી છીએ. અમારા ઘરમાં માતૃભાષા બોલવી એ ફરજીયાત છે, કારણ કે અમે ગુજરાતી છીએ અને ગુજરાત અમારું છે. આ સાંભળી ઈન્ડિયામાં રહેતા ગુજરાતીઓને સવા શેર લોહી ચઢ્યું હોય કે ન ચઢ્યું હોય પણ અમેરિકામાં રહેતા અનેક ગુજરાતીઓને સવાશેર લોહી ચોક્કસ ચઢ્યું હશે. પરંતુ આ પ્રોગ્રામ જોતી વખતે લાગ્યું કે શું ઈન્ડિયા ફક્ત એક ભાષાની અંદર જ સમાઈ જાય છે? શું હિન્દી સિવાયનાં કોઈ ભારતીયો એ ભારતીય ન કહી શકાય? અને જો એવું જ હોય તો બીજા રાજ્યો અને તેની સંસ્કૃતિનું શું? હા હિન્દી આપણી માતૃભાષા ખરી પણ હિન્દી સિવાયની બીજી એક અન્ય ભાષા પણ આપણી માતૃભાષા છે, અને તે છે આપણાં રાજ્યની ભાષા. હાલમાં જ ન્યૂજર્શીમાં એક આપણાં ગુજરાતીને ત્યાં એક પ્રોગ્રામ યોજાયો જેમાં એક જ પ્રશ્ન હતો કે માતૃભાષાને મહત્વ ક્યારે અપાય?

અને આ પ્રશ્નની ચર્ચાઓમાં તાત્પર્ય એ નીકળ્યું કે જ્યારે આપણે જે પરિવારની સંસ્કૃતિની વચ્ચે મોટા થઈએ છીએ તે પરિવારની ભાષા ને મહત્વ આપવામાં આવે ત્યાર બાદ ભારતનાં જે ભાગમાં ઉછરેલા છીએ તે ભાગની બોલીને મહત્વ આપવામાં આવે, અને ત્યાર પછી દેશની ભાષાને મહત્વ આપવામાં આવે ત્યાર પછી વિશ્વની ભાષાને મહત્વ આપવામાં આવે તો જ આપણે માતૃભાષાને સારી રીતે આપણાંમાં સમાવી છે તેમ કહી શકાય. દા.ખ એક ગુજરાતી પરિવાર મહારાષ્ટ્રમાં રહેતો હોય તો તેને માટે પહેલા ગુજરાતી ભાષા આવે ત્યાર પછી મરાઠી, હિન્દી અને છેલ્લે વિશ્વ લેન્ગ્વેજ આવે. પરંતુ આજે ભારતમાં વસેલો દરેકે દરેક પરિવાર પ્રથમ મહત્વ વિશ્વ ભાષાને આપે છે તેને કારણે પરિવારની અને રાજ્યની મૂળ ભાષા પાછળ ઠેલાય જાય છે. ખાસ કરીને નાના બાળકોને આ સ્પર્ધામાં ખેંચી લેવામાં આવે છે જેમાં તેમને ફોર્સ પાડવામાં આવે છે કે તેઓ ઇંગ્લિશ જ બોલે અને બાળકને શીખવવા માટે માતા-પિતાને પણ ફોર્સ કરવામાં આવે છે કે તેઓ પણ બાળક સાથે ઇંગ્લિશમાં જ વાત કરવાનો આગ્રહ રાખે. ઘણીવાર માં-બાપ પણ જાણતા હોય છે કે આ ખોટું છે પણ દરેક માતા-પિતાને પોતાનું બાળક પ્રથમ નંબરે આવે તે જોઈએ છે તેથી વિશ્વભાષાને અપનાવવાની દોડમાં તેઓ પણ જાણ્યે અજાણ્યે ખેંચાતા જાય છે. સ્કૂલ તો ઠીક પણ પરિવારમાં અને જાહેરમાં પણ ઇંગ્લિશમાં વાત કરી પોતાનો પ્રભાવ પાથરવાની એક હોડ લાગે છે. પાર્ટીઓમાં કોણ સ્ટાઈલથી ઇંગ્લિશ બોલી શકે છે તેની કોમ્પિટેશન લાગે છે ત્યારે તે શો ઓફની લાઇનમાં પોતાની મૂળ ભાષાની મીઠાસ ક્યાંક ખોવાઈ જાય છે. ઇન્ડિયાની હાઈફાઈ પાર્ટીઓમાં પોતાની મૂળ ભાષામાં બોલવું કે હિન્દીમાં વાત કરવું એ ટેકી કહેવાય છે પરંતુ અમેરીકામાં જ્યારે પાર્ટીઓ થાય છે ત્યારે ઇંગ્લિશનો મોહ છોડીને સૌ પોતપોતાની ભાષામાં વાત કરે છે. કોસ્મોપોલિટિન વાતાવરણ હોય તો હિન્દી ભાષામાં, બંગાળીઑ હોય તો બંગાળીમાં, તેલુગુઓ હોય તો તેલુગુ ભાષામાં વાતો કરે છે.

અહીં અમેરીકામાં પ્રત્યેક ભારતીય પોતાના ગ્રુપ સાથે કે પોતાના સમાન મિત્ર સાથે પોતાની ભાષામાં બોલવાનો આગ્રહ રાખે છે. તેજ રીતે અમેરિકન ગુજરાતીને પણ પબ્લિકમાં પણ ગુજરાતી બોલવા માટે કોઈ છોછ નથી. કદાચ આ એક અમેરિકન ગુજરાતી જ નહીં પરંતુ વિશ્વભરમાં રહેલા ગુજરાતીઓની આજ ભાવના છે. ગુજરાત છોડયા પછી ગુજરાત, ગુજરાતી સંસ્કારોને અને ગુજરાતી ભાષાને હૃદયમાં સમાવીને ફરતા ગુજરાતીઓનો વિશાળ ક્રાઉડ વિશ્વભરમાં ફેલાયેલો છે. થોડા સમય પહેલા એક સોશિયલ વેબસાઇટ પર ગુજરાતનાં કેટલાક યુવાનો સાથે વાતચીત થઈ તેમણે જણાવ્યું કે ગુજરાતી એ તો આઉટડેટેડ ભાષા છે આજકાલ ગુજરાતી બોલે છે કોણ? અમે તો ગુજરાતમાં રહ્યે રહ્યે એવું તે ફક્કડ ઇંગ્લિશ બોલીએ કે બ્રિટિશરો હોય કે અમેરિકનો હોય બંને અમારાથી પાછળ પડી જાય. આ સાંભળીને ખુશી વ્યક્ત કરવી કે દુઃખ વ્યક્ત કરવું તે સમજમાં જ ન આવ્યું. દૂર બેસેલા એ યંગસ્ટર્સને વિશ્વની દરેક ભાષા સાથે કદમ મેળવતા જોઈ ખૂબ ખુશી થઈ પણ માતૃભાષાને ભોગે આવેલી આ ખુશીને કેવી રીતે અપનાવવી તે વિચારવા માટે મન મજબૂર બની ગયું. ૩-૪ વર્ષ પહેલા ટોરેન્ટોમાં ઇન્ડિયન ભાષાઓ અંગે એક પરીક્ષણ કરવામાં આવેલું આ પ્રોગ્રામના અંતર્ગત આખા ટોરેન્ટોની સ્કૂલોમાં અમુક ભારતીય ભાષાને મુખ્ય વિષય તરીકે રાખવાનું નક્કી કર્યું ત્યારે આ અંગેનો સર્વે કરવામાં આવ્યો ત્યારે ગુજરાતી (પ્રથમ), તેલુગુ (બીજા), પંજાબી (ત્રીજા) અને તામિલ (ચોથા) ક્રમમાં આવી. આ ક્રમ અનુસાર આ ચારેય ભાષાને સ્કૂલમાં રેગ્યુલર કોર્સ તરીકે સમાવેશ કરવામાં આવ્યો. ટોરોન્ટો સ્કૂલ ડિસ્ટ્રીકમાંથી ઉદાહરણ લઈ થોડા સમય પૂર્વે અમેરિકાના પેન્સીલવેનિયા, ન્યૂજર્સી, ન્યૂયોર્ક, કનેકટિકટ અને મેસેચ્યુસેટ્સ રાજ્યોએ પણ આવો જ એક નવતર પ્રયોગ કરી અમુક પબ્લિક સ્કૂલોમાં ગુજરાતી, હિન્દી, તેલુગુ, અને તામિલ ભાષાને રેગ્યુલર સ્ટડીનો એક ભાગ બનાવેલ છે. આ રેગ્યુલર કોર્સને કારણે ઘણા નોન ઇન્ડિયન બાળકો પણ ઇન્ડિયાની વિવિધ ભાષાઓ જાણતા થયાં છે.

અમેરીકામાં રહેતા ઘણાં ગુજરાતી પરિવારોએ એક સામાન્ય નિયમ બનાવેલ છે. આ નિયમ અનુસાર બાળકની સાથે બોલવા માટે માતા-પિતા વહેંચાય ગયાં છે, અર્થાત માતા-પિતામાંથી એક વ્યક્તિ બાળકો સાથે ઇંગ્લિશમાં વાત કરે છે અને બીજી વ્યક્તિ ગુજરાતીમાં વાત કરે છે, અને ઘરમાં ફક્ત ગુજરાતી ભાષાનો જ પ્રયોગ કરે છે જેથી કરીને બાળકમાં પણ પોતાની મધરટંક લેન્ગ્વેજ માટેની આવડત, આદર, અને પ્રેમભાવ આવતો જાય. અમેરિકાની ધરતી પર ગુજરાત અને ગુજરાતીની સંસ્કૃતિને હૃદયમાં લઈને ફરતા ગુજરાતીઓને જોઈ ઘણીવાર વિચાર આવે છે કે જો ભારતમાં વસેલા પેલા ગુજ્જુઓની અંદર જેમ ગુજરાતી સંસ્કૃતિ ખોવાઈ ગઈ છે તેમ વિશ્વભરનાં આ ગુજરાતીઓ ખોવાઈ ગયાં હોત તો દેશ બહાર રહેલી આપણી આ સંસ્કૃતિનું અને ભાષાનું શું થાત? શું દેવલિપિ સંસ્કૃતની જેમ એ પણ ફક્ત ગ્રંથો અને સાહિત્યોમાં જ રહી ગઈ હોત?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “અમે ગુજરાતી અને ગુજરાતી અમારી – પૂર્વી મલકાણ”

Copy Protected by Chetan's WP-Copyprotect.