ખરી સમજદારી – ડૉ. આરતી જે. રાવલ

[ રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા બદલ આરતીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jaymanarti@gmail.com અથવા આ નંબર પર +91 9427979192 સંપર્ક કરી શકો છો.]

ગુજરાતનાં એક જાણીતા શહેરની ખુબજ પ્રખ્યાત સરકારી મેડીકલ કોલેજ સાથે સંલગ્ન જનરલ હૉસ્પિટલનાં દાંતનાં વિભાગ (ડેન્ટલ ઓ.પી.ડી.)નાં ઘડિયાળમાં સવારનાં દસ વાગ્યાનું ભાન કરાવતા કાંટાઓ દોડી રહ્યા હતા. ઓ.પી.ડી. દર્દીઓથી છલકાઈ રહી હતી. આજે ઓ.પી.ડી.માં દર્દીઓ તપાસવાનો વારો મારો હતો. મારી ક્ષમતા મુજબની સારવાર અંગેની માહિતી હું શક્ય તેટલી ધીરજથી દર્દીઓને પીરસી રહી હતી. એવામાં એક દંપતિ પોતાની પંદર વર્ષની દીકરીનાં દાંત અંગે મારી સાથે માથાકૂટ કરી રહ્યું હતું…

“મેડમ, કઈ પણ કરો, પરંતુ અમારી છોકરીનાં દાંત સીધા કરી આપો, પાંચ વર્ષ પછી તેના લગ્નનું ગોઠવવું હોય તો કેટલી તકલીફ પડે! આવા આડા-અવળા, વાંકા-ચૂકા દાંત સાથે તેનો દેખાવ કેટલો ખરાબ લાગે છે… હવે તો તાર (વાયર) બાંધીને દાંતને સીધા, એક લાઈનમાં કરી શકાય તેવી સારવાર બધે થાય છે ને?” લાચારીભરી આંખોને સાથ આપતી જીભે આ શબ્દો મારા કાનમાં રેડ્યા. હવે દંપતિને પોતાની દીકરીનાં લગ્નની ચિંતા સતાવી રહી હતી, અને વાત સાચી પણ હતી, ઉપરનાં જડબામાં આગળનાં દાંત એ હદે બહાર નીકળી ચૂક્યા હતા કે બે હોઠનું મિલન લગભગ અશક્ય હતું, જે ઘણું ખરાબ દેખાઈ રહ્યું હતું…

મેં મારાથી બની શકે તેટલી સરળ ભાષામાં સમજાવવું શરુ કર્યું,“જુઓ, મારી વાત સમજવાની કોશિશ કરો. તમારી દીકરીની સમસ્યાનો ઉકેલ કહો કે દાંતની સારવાર, ફક્ત એક જ પ્રકારનાં નિષ્ણાંત ડૅન્ટિસ્ટ (દાંતનાં ડૉક્ટર) કરી શકે અને તે છે – વાંકા-ચૂકા દાંતનાં સ્પેશ્યાલિસ્ટ (નિષ્ણાંત) ડૅન્ટિસ્ટ. જેમને અંગ્રેજીમાં ઑર્થોડૉન્ટિસ્ટ (Orthodontist) કહેવાય. હું તો દાંતની આજુબાજુ આવેલા પેઢાનાં રોગોની નિષ્ણાંત (પાયોરિયા સ્પેશ્યાલિસ્ટ) છું. તેથી આ પ્રકારનાં દાંતની સારવાર મારાથી થઇ શકે નહિ. તદુપરાંત, આ એક મેડીકલ કોલેજ છે, ડેન્ટલ કોલેજ નથી. આથી, દાંતની સારવાર માટેનાં વિવિધ સ્પેશ્યાલિસ્ટ જેવાકે ચોકઠાં બનાવવાનાં સ્પેશ્યાલિસ્ટ, વાંકા-ચૂકા દાંતનાં સ્પેશ્યાલિસ્ટ, નાનાં બાળકોના દાંતના સ્પેશ્યાલિસ્ટ વગેરે અહીં તમને મળશે નહિ. જો તમારે તમારી દીકરીની સારવાર કરાવવી હોય અને તે પણ નજીવા દરે, તો અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાંતની મોટી હૉસ્પિટલ છે. ત્યાં લઇ જાઓ. પરંતુ દાંત પર વાયર (બ્રેસીસ) બાંધવાની સારવાર લગભગ દોઢથી બે વર્ષ ચાલે છે, એક મહિનામાં એકથી બે વાર બતાવવા જવું પડે…”

દાંત પરનો મારો ટૂંકો નિબંધ પૂરો થયો, તે સાથે જ તે દંપતિની રજૂઆત ચાલુ થઇ, “પણ અમારાથી તો આટલી બધી વખત અમદાવાદનાં ધક્કા થાય નહિ, ને પોષાય પણ નહિ, મેડમ, તમે જ આવું કરશો, તો અમે ક્યાં જઈશું? ખાનગી દવાખાનામાં પૂછી આવ્યા, તેઓએ તો એટલી તગડી સારવારની ફી કહેલી કે સાંભળીને તમ્મર આવી જાય. કંઈક કરી આપો તમે… મહેરબાની કરો…” હવે મેં થોડી અલગ રીતે સમજાવવાનું શરૂ કર્યું,“તમે દરજી પાસે જઈને એવું પૂછો કે તમેં ચંપલ સાંધી આપો કે નહિ અથવા તો તમે આંખનાં ડૉક્ટર પાસે જઈને કહો કે તમારો કાન તપાસી આપે તો ખરેખર તે ડૉક્ટર એવું કરી શકે? ના કરી શકે. એવી જ રીતે આ પ્રકારની સારવાર અહીં શક્ય નથી…” હવે મારી ધીરજ ધીમે ધીમે ખૂટવા લાગી હતી…
“એ બધી વાત તમારી સાચી, પરંતુ અમે ક્યાં જઈએ? એ બતાવો…” સ્ત્રીહઠ, બાળહઠ અને રાજહઠ વિષે અત્યાર સુધી વાંચેલું, સાંભળેલું હતું પરંતુ “દર્દીહઠ” કોને કહેવાય એ ફક્ત જો તમે ડૉક્ટર હોવ તો જ અનુભવી શકો…!!! એવો જ અનુભવ મને અત્યારે થઇ રહ્યો હતો… એક તરફ આ દર્દી પ્રત્યે દયા તેમજ સહાનુભૂતિનો અહેસાસ થઇ રહ્યો હતો, તો બીજી તરફ ગુસ્સાની લાગણી ઊભરાઈ રહી હતી… આ દર્દીને મારી એક પણ વાત ગળે ઊતરી રહી હોય એમ લાગતું નહોતું અથવા તો તે જાણવા છતાં માનવા તૈયાર નહોતું.

દર્દીનાં કેસપેપરમાં બધી વિગતો ભરી દીધા બાદ છેલ્લે “રીફર ટૂ ઑર્થોડૉન્ટિસ્ટ (વાંકા-ચૂકા દાંતનાં સ્પેશ્યાલિસ્ટનો સંપર્ક સાધવો) એવું લખીને મેં વચલો રસ્તો બતાવ્યો,“તો પછી તમે કોઈ ટ્રસ્ટનાં દાંતનાં દવાખાનામાં જઈને તમારી દીકરીની સારવાર કરાવી શકો…” ‘તમે જ સરનામું લખી આપો ને!!! તમારા જાણીતા ડૉક્ટર પર ચિઠ્ઠી પણ લખી આપો… ભગવાન તમારું ભલું કરશે… આટલી મદદ હવે કરી જ આપો…’ આંગળી આપતાં વીંટી પકડે, એવો અનુભવ પણ મને આ ક્ષણે થઇ જ ગયો… મારી નજર ફરીથી તે છોકરીનાં બહાર ડોકાઈ રહેલા દાંત પર ગઈ અને મેં નિર્ણય લઇ જ લીધો…

સરકારી દવાખાનાનાં દાંતનાં વિભાગમાં મને મદદનીશ પ્રાધ્યાપક તરીકે નોકરી મળી, એ પહેલા આ જ શહેરમાં દાંતની કોલેજ અને તેની સાથે સંલગ્ન દાંતની હૉસ્પિટલમાં હું સીનીયર લેકચરર તરીકે નોકરી કરતી હતી, જ્યાં મારે ફક્ત મારા વિષયનાં દર્દીઓ (પાયોરિયાનાં દર્દીઓ) ની સારવાર કરવાની હતી તથા ડેન્ટલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને ભણાવવાનું રહેતું, ત્યાં વાંકા-ચૂકા દાંત વિભાગનાં એક ડૉક્ટર મિત્ર સાથે સારું ફાવતું, તેઓની સારવાર પણ અત્યંત સારી હતી. આ દર્દી માટે મેં તેમને ફોન કર્યો અને કહ્યું કે આ દર્દીની સારવાર તેઓ ટ્રસ્ટી સાથે વાત કરી થોડા ઓછા પૈસામાં કરી આપે. હવે તે દંપતિ સુખરૂપ, પોતાની દીકરી સાથે ઓ.પી.ડી. માંથી વિદાય થયા.

આ બધી જ ભાજંગડ મારા સાથી ડૉક્ટર (ડૉ. મેધાવી) ક્યારનાયે જોઈ રહ્યા હતા. થોડી મૂંઝવણ સાથે તેઓ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ઓ.પી.ડી. “પતે!” અને ક્યારે તેઓને પ્રશ્ન પૂછવાનો મોકો મળે… તેમના મનમાં ક્યારનોયે એ પ્રશ્ન ફૂટી રહ્યો હતો કે, “આ દાંતની હૉસ્પિટલ એટલે પેલી તો નઈ?” આખરે ઘડિયાળનાં કાંટાઓ પણ દોડીને વિરામ પામ્યા હોય તેમ ધીમી ગતિએ સરકતા હતા અને બપોરનાં એક વાગ્યાનો આદેશ આપી રહ્યા હતા… ઓ.પી.ડી. “પતી” ગઈ હતી, દર્દીઓ જૂજ પ્રમાણમાં બાકી રહ્યા હતા, જેમને જૂનિયર ડૉક્ટર્સ સંભાળી શકે તેમ હતા… હવે હું ડૉ. મેધાવીનાં કપાળ પર સ્પષ્ટપણે વંચાઈ શકે તેવા પ્રશ્નાર્થ ચિહ્નનનો જવાબ આપવા સજ્જ હતી…

આજથી બરાબર બે વર્ષ પહેલાની ઘટના હતી. યાદ કરતા જ મનમાં કડવાશ ભરાઈ જાય તેવી ઘટના. ડૉ. મેધાવી આ ઘટના વિષે પૂરેપૂરા માહિતગાર હતા, એટલે જ તેઓને આ પ્રશ્ન અકળાવી રહ્યો હતો… મારું મન તે ઘટનાને યાદ કરતું ભૂતકાળમાં સરી પડ્યું…
“ડૉ. આકાન્ક્ષા, તમે રાજીનામું આપી દો…” શહેરની ખ્યાતનામ ડેન્ટલ કોલેજનાં ટ્રસ્ટી ડૉ. યુવરાજ જાડેજા મને ઉદેશીને એવી રીતે કહી રહ્યા હતા જાણે તે ફક્ત પગમાં ચંપલ પહેરવા જેટલી સીધી, સરળ બાબત હોય!!! થોડી વાર સુધી મારાથી કંઈ જ બોલી ના શકાયું. ફક્ત એટલો વિચાર આવતો રહ્યો કે, વિદ્યાર્થીઓને આટલી સારી રીતે ભણાવવા છતાં, દર્દીઓની સારવારમાં કંઈ પણ પ્રકારની ગેરવર્તણુકનો અભાવ છતાં આ શબ્દો મને કેમ સંભળાવવામાં આવી રહ્યા હતા?
“સર, એની ડિસએપોઇન્ટમેન્ટ ફ્રોમ માય સાઈડ? (મારા તરફથી કોઈ પ્રકારની ભૂલ?)” આનાથી વધારે કશું બોલી ના શકાયું.
“No, No Doctor, તમે તો જાણો જ છો કે અત્યારે કોલેજને કેટલો લોસ થઇ રહ્યો છે, ફાઈનાન્શિયલ ક્રાઈસીસ ચાલી રહી છે, ઘણા ડૉક્ટર્સને આવું કહેવાની ફરજ પડી રહી છે, અમારા તરફથી… બટ, યુ ડોન્ટ વરી… તમે માસ્ટર ડીગ્રી કરેલી છે, આટલો શૈક્ષણિક અનુભવ છે, યુ કેન ગેટ બેટર જોબ એટ અનધર પ્લેસ (તમને બીજી સારી નોકરી મળી શકે તેમ છે). વી કેન નોટ એફોર્ડ મોર સ્ટાફ (અમને વધારે સ્ટાફ પોસાય તેમ નથી). તમારો કોઈ વાંક નથી, તમારૂ ટીચિંગ, પેશન્ટ હેન્ડલિંગ બધું સારું છે, પરંતુ તમે તમારા વિભાગનાં જૂનિયર સ્ટાફ છો… That’s why I have to do this…” ડૉ.જાડેજા શક્ય તેટલી નમ્રતા સાથે એવું સાબિત કરી રહ્યા હતા કે હવે તેમની કોલેજને મારી સેવાની જરૂર નથી… બાકી, ખબર તો કોલેજનાં બધા સ્ટાફને હતી કે કોઈ પણ પ્રકારની આર્થિક મુશ્કેલીમાંથી કોલેજ પસાર થઇ રહી નથી!!! થોડા સ્ટાફથી કોલેજ ચલાવી શકાય તેમ હોય તો વધારે સ્ટાફ રાખીને, આટલા બધા સ્ટાફને પગાર શા માટે ચૂકવવો? આવી ગણતરી સાથેનો પ્રસ્તાવ (કે આદેશ?) મારી સામે મૂકાઈ ચૂક્યો હતો. આ સાથે જ અન્ય ડૉકટરમિત્રો સાથે પણ આવું કરવામાં આવ્યું.
“મને થોડો સમય મળી શકે?” મેં વિનંતી કરી…
“તમે રાજીનામું આપો અથવા અમારે ટર્મિનેશન લેટર આપવાની ફરજ પડશે. આથી વધારે સારું તો એ જ રહેશે કે તમે રીઝાઇન કરી દો…” ડૉ. જાડેજાએ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું.સંમતિસૂચક માથું હલાવીને હું કેબિનમાંથી બહાર નીકળી ગઈ…

ડૉ. મેધાવીએ મને પ્રશ્ન પૂછીને વર્તમાનમાં પાછી ધકેલી, “ આ એ જ ડેન્ટલ કોલેજ છે ને, જ્યાંથી તમને રાજીનામું આપવા માટે તમને ફરજ પાડવામાં આવેલી?”
“હા” મેં ટૂંકમાં પતાવ્યું.
“તો પછી તે ડેન્ટલ કોલેજનાં ટ્રસ્ટીઓ રૂપિયા કમાય તે હેતુથી પેલા દર્દીને ત્યાં મોકલ્યા?” મુખ્ય પ્રશ્ન હવે પૂછાયો હતો, જેમાં પ્રશ્નાર્થ ઓછુ અને કટાક્ષ વધારે હતો…
“બિલકુલ નહિ…” મેં ટૂંકમાં પતાવવાની કોશિશ કરી, પરંતુ ડૉ. મેધાવી મને છોડે તેમ નહોતા.
“જો તમે દર્દીને ત્યાં ના મોકલ્યા તો તમારામાં અને તે ટ્રસ્ટીમાં શો ફર્ક પડ્યો હોત એવું સાબિત કરવા જ ને?” હવે ડૉ. મેધાવી મારા મગજને ખોતરી રહ્યા હતા.
“એવું સાબિત કરવા પણ નહિ. ફક્ત અને ફક્ત એવું જતાવવા કે, ઘણા-બધા ડૉક્ટર્સ ગણતરીબાજ હોય છે, પરંતુ બધા ડૉક્ટર્સ ધંધાદારી દિમાગ નથી ધરાવતા અને એટલે જ ડૉક્ટર્સનો વ્યવસાય સેવા ગણાય છે, ધંધો નહિ. અમુક ડૉક્ટર્સને લીધે દર્દીનાં દિમાગમાં ખોટી સમજ થવી જોઈએ નહિ.” ડૉ. મેધાવી પોતાનું ટીફીન લેવા અંદર જતા રહ્યા, કદાચ તેમને પોતાનો જવાબ મળી ગયો હતો… ડૉ. મેધાવી વિચારી રહ્યા કે ગણતર વિનાનું ભણતર હમેશા નકામું હોય છે…
(પૂર્ણ)

(સત્ય ઘટના: પાત્રોનાં નામ બદલ્યા છે… ડૉ. આકાન્ક્ષાનાં મનમાં જરા પણ કડવાશ નથી તે ડેન્ટલ કોલેજ પ્રત્યે… સાચું જ કહ્યું છે “અવેરે જ શમે વેર, ન શમે વેર વેરથી…”)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ખરી સમજદારી – ડૉ. આરતી જે. રાવલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.