બરફમાં ગરક – અનુ. એન. પી. થાનકી

[ હાલ દુનિયાના વિવિધ ખંડોના જુદા જુદા દેશોમાં કારમી ઠંડીનું ઘાતક મોજું ફરી વળ્યું છે ત્યારે થોડાં વર્ષ પહેલાં રિડર્સ ડાયજેસ્ટનો આ લેખ યાદ આવી જાય છે. મુશ્કેલ પરિસ્થિતિમાં ધૈર્ય જાળવીને શક્ય એટલા પ્રયાસો કરવા એ માનવમાત્રની ફરજ બની જાય છે; અહીં તેનું એક જીવંત ઉદાહરણ રજૂ કર્યું છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે થાનકીભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે thankinp@yahoo.co.in અથવા આ નંબર પર +૯૧ ૯૭૨૩૫૭૨૬૭૭ સંપર્ક કરી શકો છો.]

બહુ જ થોડા સમય પહેલાં એક સમાચાર હતા કે એક યુવાન ઘણા દિવસો સુધી બરફમાં દટાઈને સલામત રીતે બહાર આવી ગયો હતો. આવી જ એક દિલધડક ઘટના સ્ટોકહોમમાં બની ગઈ હતી. આ ઘટનામાં એક યુવક બરફાચ્છાદિત વિસ્તારમાં શિકાર કરવા ગયો હતો અને એક દુર્ઘટનાને કારણે સાત સાત દિવસ બરફમાં ફસાઈ ગયો હતો અને તેના ભાઈના પ્રયાસોથી હેમખેમ ઘરે પાછો ફર્યો હતો. આપની સેવામાં આ ઘટના આ રહી:

સ્ટોકહોમના બ્લેક કેટ થિયેટરની ટિકિટો સફેદ, રાખોડી અથવા લીલી કે એવા કોઇ પણ રંગની હોત, કે જે લાલ રંગ કરતાં ઓછું ધ્યાન ખેંચતી હોત તો એવર્ટ સ્ટેન્માર્ક નામનો ૨૪ વર્ષનો યુવક, પોતાની સાત દિવસની બરફમાં ગરક થવાની વાત કહેવા કદાચ જીવતો જ ન હોત ! ૧૯૫૫ની જાન્યુઆરી માસના એક શુક્રવારની સવારે તે ૨૦ માઇલ દૂરની એક ઝૂંપડીમાં એકાદ પખવાડિયું વિતાવવા બરફમાં સ્કી કરતો નીકળ્યો. શિકાર માટે તે ઘણીવાર આ ઝૂંપડીનો ઉપયોગ કરતો હતો. બીજા શનિવારે થોડો પ્રકાશ હોવાથી તે કામે લાગ્યો. આકાશ નિરભ્ર હતું. વાતાવરણ ઠંડું હતું. આગળના અઠવાડિયે બિછાવેલા સાત ફાંસલામાં તેને ચાર પક્ષી મળ્યાં. તે પોતાના થેલામાં છેલ્લું ટાર્મિગન પક્ષી મૂકતો હતો ત્યારે એકાએક ઘૂંટી સુધી બરફમાં ઊંડો ઊતરી ગયો. ધીમે ધીમે તે વધુને વધુ ઊંડો ઊતરતો રહ્યો. વધુ ઊંડાઈએ ઊતરતાં તે હિમશીલામાં ભીંસાઈ રહ્યો. ઘેરો અંધકાર તેની ચારે બાજુ વ્યાપી રહ્યો. પછી બધું સ્થિર થઈ ગયું. અંદર પડી રહેતાં તેના શરીરની ઉષ્માથી ચોપાસનો બરફ ઓગળી રહ્યો. થોડી હવા અંદર દાખલ થઈ.

હલનચલન કરવા એવર્ટે પ્રયત્ન કર્યો, પરંતુ ચસકવું લગભગ અશક્ય હતું. હડપચીની મદદથી પોતાનું માથું ફેરવવા તેણે પૂરતી જગ્યા બનાવી. મર્યાદિત હવાનો પ્રાણવાયુ ખૂટી જતાં, તેનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો. અંત હવે નજીક જણાતો હતો. તેને થોડી નવાઈ લાગી. અનાસક્તિ જેવી કોઇ લાગણી તેણે અનુભવી. પછી તે બેહોશ થઈ ગયો. છ થી સાત કલાક પછી એવર્ટ ભાનમાં આવ્યો, ત્યારે સૌ પ્રથમ તેણે આનંદમિશ્રિત દુઃખની લાગણી અનુભવી. પોતાને જીવતો રાખવા બદલ એવર્ટે ભગવાનનો આભાર માન્યો. તેનો ચહેરો નીચે દબાયેલો હતો. તેના શ્વાસોચ્છવાસથી બરફમાં થોડું પોલાણ થયું હતું. તેના બન્ને પગ ફેલાયેલા હતા. અને વચ્ચે બરફ જામી જવાથી બરાબર ફસાઈ ગયા હતા. જમણા પગની સ્કી, ડાબા પગમાં બૂરી રીતે જકડાઈ ગઈ હતી. તેનો જમણો હાથ પણ, ઈશ્વર તરફ અંગુલિનિર્દેશ કરતો હોય એમ સજ્જડપણે જકડાઈ ગયો હતો. ખેંચાખેંચીથી તેનો શ્વાસ ભરાઈ ગયો. અંતે તેણે સ્વગત કહ્યું કે ભયભીત થવું નહીં જ. તેને પોતાની સીમિત શક્તિને કંજુસની જેમ સાચવી રાખવી જ રહી. નાની નાની દરેક હિલચાલનું આયોજન કરીને, આરામ લેવા વારંવાર અટકીને અને ફરીથી નવું આયોજન વિચારીને ધીમે ધીમે, ઘાસ નીચે છછુંદર પોતાનું દર ખોદે તેમ ડાબા હાથેથી જમણા હાથ બાજુ નાનું બાકોરું બનાવ્યું. બરફની બેડીઓમાંથી પોતાનો હાથ છોડાવ્યો.
હવે તે તેના પેટથી નીચે વળી શકતો હતો. પોતાના કમરપટ્ટામાં રાખેલું ચપ્પુ લઈ શકતો હતો. અને તે ભાગ્યે જ માની શકે તેમ, પોતાની ગુફામાં, અંધકારમાં ભૂરી ઝાંયવાળો પ્રકાશ ન દેખાય ત્યાં સુધી બરફ ખોદી શકતો હતો. હવે કદાચ સપાટી તેની પહોંચથી દૂર નહીં હોય ! એવર્ટને લાગ્યું કે કદાચ સ્થિતિ આનાથી પણ ખરાબ હોઈ શકે. પરંતુ સદનસીબે તેનાં કપડાં તેને ઠંડીમાં પૂરતું રક્ષણ આપે એવાં હતાં. તેણે પોતાનાં લાંબાં મોજાં બે પડ વચ્ચે, તથા ઘૂંટણ સુધીના બૂટ વચ્ચે લેપ્સ લોકો, તેમના પગનું રક્ષણ કરવા મૂકતા હતા, એવા બરુ જેવા ઘાસનો થર રાખ્યો હતો. કામચલાઉ ધોરણે તો આ ઘાસની સહાયથી તેના પગ હુંફાળા બની રહ્યા. પરંતુ તેના પગ નીચેના ઓગળી રહેલા બરફથી તેની ગરમી જાળવી રાખવામાં ઘૂંટણથી નીચેના એના પગથી ઘણી સરળતા રહી. તેના પેન્ટ પાછળના ખિસ્સામાં પાકીટ હતું. આ પાકીટ જો કે અત્યારે નિરુપયોગી હતું, તેમાં પોતાની યુવાની દરમિયાન જોયેલી તમામ ફિલ્મોની ટિકીટોનાં અડધિયાં હતાં. આમાંનું એક ઓકલેહામના બ્લેક કેટ થિયેટરનું અડધિયું હતું. !

પહેલી રાત એવર્ટે મૂર્છિત અવસ્થામાં ગાળી. જાગતાં તેને લાગ્યું કે તેના દેહની ઉષ્માથી વધુ માત્રામાં બરફ પીગળ્યો હતો. આમ ચાર ફૂટ લાંબી અને અઢી ફૂટ પહોળી બનેલી ભીની ગુફામાં તે પડી રહ્યો. બરફની છતમાં તેનો થેલો ભરાઈ રહ્યો હતો. ઈંચ ઈંચ કરીને એવર્ટે તેને ઢીલો કર્યો. મૃત ટાર્મિગન કાઢ્યું અને બરફની દીવાલમાં ખોદેલા ગોખલામાં મૂક્યું. આ બધી પ્રવૃત્તિમાં તેને એકાદ કલાક જેટલો સમય લાગ્યો. થેલામાં તેનું માથું અને ખભા રાખે તો ઠંડીની અસર ઘટતી હતી. આ તેને ગમ્યું. ઝોકાં ખાતાં એવર્ટ પડી રહ્યો. વખતોવખત તેણે થોડો બરફ ખાધો. તે જાણતો હતો કે બરફના પાણીને ગળામાં ઉતારતાં પહેલાં થોડીવાર મોંમાં ભરી રાખે તો, કોઇ નુકસાન થાય તેમ ન હતું. બપોર બાદ જડ-અચેતન જેવા પોતાના પગ વિશે કંઈ કરવાનું તેને મન થયું. ચપ્પુથી બરફને દૂર કરવાની કોશિશ તેણે કરી જોઈ. પરંતુ ઘૂંટણ સુધી તે માંડ પહોંચી શકતો હતો. ચાર કલાકના પરિશ્રમ બાદ પોતાની જાંઘને તે જરાક હલાવી શકતો હતો, પરંતુ તેના પગ તો અગાઉની જેમ જ બરફ અને સ્કીની વચ્ચે સજ્જડપણે જડાઈ ગયા હતા. આ અંગે વિચારવા એવર્ટે પોતાનું માથું થેલામાં નાખ્યું.

એવર્ટે વિચાર્યું કે વહેલામાં વહેલી મળતી મદદ પણ બાર માઇલ દૂર હતી. દર રવિવારે બે શિકારી મિત્રોને પોતાની લાકડાની ઝૂંપડી ખાતે મળવાનું તેણે નક્કી કર્યું હતું. આ મિત્રો તેને મદદ કરી શકે તેમ હતા. એવર્ટ તેમને દેખાય નહીં તો તેઓ એવર્ટને શોધવાના પ્રયાસ કરવાના હતા. આવતી કાલે તેઓ કદાચ આ ઝૂંપડીએ આવે અને તેની કુહાડી અને બંદૂક તેના ધ્યાનમાં ન આવે. આ પોલાણ સુધી આવતા સ્કીના લિસોટા તેમને કદાચ દેખાય. તો કદાચ બૂમ પાડે અને કદાચ એવર્ટ તેમની બૂમ સાંભળે. કદાચ… કદાચ… કદાચ…હવે એવર્ટને પહેલી વહેલી ભૂખ લાગી. તેણે ઠરેલા ટાર્મિગનનો એક પગ તોડીને કાચો જ ખાધો. તેનો સ્વાદ તેના દેખાવ જેવો જ -લોહીના બુંદો સાથેનો ઘેરો બદામી હતો. પરંતુ તેણે કરડી કરડીને હાડકું ચોખ્ખું કરી નાખ્યું.

બીજા દિવસની રાતે થેલામાં માથું રાખીને ગઈ રાત કરતાં તે સારી રીતે સૂતો. પરંતુ તેને એક નિર્દય, ક્રૂર સપનું આવ્યું. ખોવાયેલા શિકારીને શોધવા જંગલમાં મિત્રો સાથે તે ફરતો હતો. શિકારી ક્યાં હોય તે માત્ર એવર્ટ જ જાણતો હતો. તેણે સ્થળ દેખાડ્યું. પણ અન્ય લોકો તેની વાત ધ્યાનમાં જ લેતા ન હતા. આની એક પીડા હતી, કારણ કે તેઓ જે વ્યક્તિની શોધમાં હતા તે વ્યક્તિ ખુદ એવર્ટ જ હતી ! સોમવારના દિવસે ગુફા થોડી વધુ વિસ્તરી. તેના શરીરની ગરમીથી વધુ બરફ ઓગળ્યો. અને તેનો જમણો હાથ લીલ અને છોડવા સુધી પહોંચી ગયો. કાચા ટાર્મિગનનો નાસ્તો કર્યા પછી, પોતાના પગને છૂટો કરવા બરફ પર આક્રમણ કર્યું. પોતાની છરીને મદદથી બૂટથી વધુ આગળ પહોંચી શકાતું ન હતું. તેને પહેલીવાર લાગ્યું કે તે ક્યારેય બહાર નહીં નીકળી શકે. કાળા પક્ષીની જેમ ભય તેને ઘેરી વળ્યો.

તેનો દૂરનો એક પિતરાઈ ભાઈ શિકાર વખતે બરફમાં ગરક થઈ ગયો હતો. તે એવર્ટને યાદ આવ્યું. બે મહિના બાદ તેનું શરીર મળ્યું ત્યારે સ્પષ્ટ થયું કે એવર્ટની જેમ જ તે ઘણો સમય જીવ્યો હશે, સક્રિય રહ્યો હશે, મોતની સામે ઝઝુમ્યો હશે. જીવતા રહેવાની આશા સેવી હશે, પ્રાર્થનાઓ કરી હશે. એવર્ટે પોતાના પગને છૂટા કરવાની કોશિશ છોડી દીધી. હવે તેણે ગુફાની છત પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું. ત્યાં એક કાળું નાનું શું ટપકું હતું. અને પહેલી વાર તેના ધ્યાનમાં આવ્યું. તે નાની ડાળી જેવું કશું હતું. બર્ક વૃક્ષની નાની ડાળી હતી. તેને પ્રયાસપૂર્વક છૂટી પાડી, એવર્ટે છરીથી છોલીને બે ફૂટ જેટલી લાંબી અને આંગળી જેવી જાડી એક સોટી બનાવી. તેણે આ લાકડીની મદદથી માથાની દિશામાં કાળજીપૂર્વક ખોદ્યું, કારણ કે આ લાકડી, શમશેર ક્યાંક નંદવાય ન જાય…નહીં તો ………એકાએક એવર્ટની લાકડી બરફના પોપડાને વીંધીને ખુલ્લી હવામાં ચાલી ગઈ. તરત જ ઠંડી હવાની એક લહેર ગુફામાં ફરી વળી.. આ કાણામાંથી પ્રવેશેલી હવાએ એવર્ટના હૃદયના ધબકારાને દ્રુત લય આપ્યો. એવર્ટને ભૂરું આકાશ દેખાવા લાગ્યું. બર્કની કેટલીક ડાળીઓ હવામાં લહેરાતી તેણે જોઇ. હવે તેને ખ્યાલ આવ્યો કે તેની અને મોતની વચ્ચે માત્ર ત્રણ કે ચાર ફૂટનું અંતર હતું. એવર્ટે જાદુઈ લાકડી, આશાનું કિરણ, કે તમે જે કહો તે- અંદર ખેંચી લીધી. તેણે પોતાના ખિસ્સામાંથી ટિકિટોનાં-લાલ ટિકિટોનાં અડધિયાં બહાર કાઢ્યાં.

તારની મદદથી એવર્ટે બ્લેક કેટ થિયેટરની ટિકિટોનાં અડધિયાંને લાકડી સાથે બાંધ્યાં. કાણામાંથી ભૂરા આકાશમાં લહેરાવ્યાં. હવે તેના બચાવનારા કદાચ આવે. જો કદાચ આવે તો તે ત્યાં હતો તે જોઇ શકે નહીં. આ પ્રયત્નથી તે કંટાળ્યો. ધ્રુજવા લાગ્યો. મનને બીજે વાળવા એવર્ટે પોતાના ખિસ્સાનો બધો અસબાબ બહાર કાઢ્યો અને વ્યવસ્થિત ગોઠવ્યો. ઘવાયેલી ઘૂંટણ પર રૂમાલ રાખીને બીજા પગ પર પાટો બાંધ્યો. પેટ નીચે છાપું મૂક્યું. ભીનું મોજું જાંઘ નીચે અને કોરું મોજું થેલામાં મૂક્યું. બરફના બનાવેલા ગોખમાં તેણે પ્લાયર્સ, સ્કીવેક્સ, રફુકામના સોયદોરા, ચપ્પુ, વધેલી મીણબત્તી અને બાકસ મૂક્યાં. પછી ફરીથી થેલામાં માથું રાખીને એવર્ટ સૂઈ ગયો.

મંગળવાર કંટાળાજનક હતો. તેણે ડાળીઓની છાલ ઉતારીને ખાધી. ચાર દિવસે પહેલીવાર એવર્ટે પોતાની ઘૂંટણ જોઈ. ઓગળતા જતા બરફમાં તે થોડો વધુ ઊંડો ઊતરી ગયો હતો. મદદ માટેનો રાતા કાગળવાળો ધ્વજ હવે તેની પહોંચ બહાર હતો. અને નીચે પડી જાય તો સપાટી સુધી ધકેલી શકાય તેમ ન હતું. પછીના દિવસે, આ કારાવાસમાં પાંચમા દિવસે કોરી રાખવા કાનમાં ટોચકું રાખેલી દિવાસળી સળગાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સ્વીડનની બનાવેલી ખાતરીબંધ દિવાસળી પણ એક પછી એક નકામી નીવડી. પછી, એવર્ટે ખિસ્સામાંનાં તમામ કાગળિયાં બહાર કાઢ્યાં. ધીમે ધીમે વાંચવાનું શરુ કર્યું. આ કાગળિયાંમાં ઘણાં ઉપાહારગૃહનાં બિલો હતાં. આ બિલોને જોઈને તેને વધુ ભૂખ લાગી. ઘણા સમય સુધી મનગમતી વાનગી-મેકરોની અને બેકનની બાબતમાં તેણે વિચાર્યું. ઘડિયાળ હવે તેને પ્રિય મિત્રની ગરજ સારતી હતી. થેલામાં તેની ટીક ટીક જીવંત વસ્તુની યાદ આપતી હતી. ગુરુવારના પ્રભાત પહેલાં એવર્ટ જાગ્યો ત્યારે પોતાની છતના કાણામાંથી આકાશમાં ઠંડા અગ્નિ ધરાવતા, સ્થિર પ્રકાશવાળા બે તારા જોયા. આનો અર્થ એ હતો કે હવામાન સારું હતું. આજે નક્કી કોઇ તેને મદદ કરવા-શોધી કાઢવા આવી પહોંચવું જોઇએ. પરંતુ તે દિવસે સમય જાણે કે થંભી ગયો હતો. રાત અને દિવસ વચ્ચેનો ભેદ ઓગળી ગયો હતો. એવર્ટને યાદ છે કે તેણે સ્કીવેક્સ ખાવાનો પ્રયત્ન કર્યો હતો. કારણ કે ટાર્મિંગનમાં હવે વાસ આવતી હતી. તેને યાદ છે કે તેનાં આંગળાં જામી ગયાં હોવાથી, દાંતથી ઘડિયાળને ચાવી ભરવી પડી હતી. તેને યાદ છે કે તેણે કોઇનો અવાજ સાંભળ્યો હતો. ત્રણ વાર પ્રત્યુત્તર આપ્યો હતો, છતાં કોઇ આવ્યું ન હોવાથી વધતો જતો ભય તેનો અંત લાવવાનો હતો, તેને શાંત કરવા એવર્ટે થોડો બરફ અને વૃક્ષની ડાળી ખાધી.

શુક્ર અને શનિવારે તે બેશુદ્ધિ અને જાગૃત દુઃસ્વપ્ન વચ્ચે ઝોલાં ખાતો હતો, વારંવાર બેભાન થતો હતો. થેલામાંથી માથું અને હાથ બહાર કાઢવાનો નિર્ણય કરતાં તેને કલાકો થતા હતા. અને નિર્ણયનો અમલ કરવામાં કલાકોનો સમય લેવો પડતો હતો. છેક શુક્રવાર સુધી, એવર્ટ લગભગ એક અઠવાડિયાથી બરફમાં ઢબુરાઇને પડ્યો હતો. ત્યાર પછી તેના બે મિત્રો આ ઝૂંપડી સુધી આવી પહોંચ્યા. તેમણે એવર્ટની કુહાડી અને બંદુક, દીવા પાસે ઊભેલી સ્લેજ ગાડી વગેરે જોયાં. તાજા પડેલા બરફને લીધે ઝૂંપડીથી દૂર જતાં સ્કીનાં નિશાનો ઢંકાઈ ગયાં ગયાં હતાં. ગબડેલી હિમશિલાઓ તેમણે જોઇ. માનવીને ઢાંકી દે એવડું એનું કદ તેમને જણાયું નહીં. તેથી તેઓ આ દિશામાં ફરક્યા નહીં. કેટલીક બૂમો પાડીને તેઓ એવર્ટના ગુમ થવાની જાણ કરવા પાછા વળ્યા.

થોડી વારમાં જ શોધ ટુકડી સમગ્ર પ્રદેશમાં ફરી વળી. પોલીસ પાર્ટીએ હેલિકોપ્ટરની મદદ માગી. શનિવારનો પૂરો દિવસ જુદી જુદી ટુકડીઓ પાડવામાં આવી, શોધ હાથ ધરીને ફરીથી એકત્ર થઈ, નિરાશામાં ગરકાવ થઈ. રવિવારે એવર્ટનો ભાઈ જેલ, નવી ટુકડીનું નેતૃત્વ લઈ ઝૂંપડીએ આવી પહોંચ્યો. એવર્ટે ગોઠવેલી ફાંસલાઓની હાર કઈ દિશામાં જતી હતી તે તેણે જોયું. સાતમો ફાંસલો હતો ત્યાં સિગારેટનો કસ લેવા અને પોતાના અન્ય સાથીઓની રાહ જોવા તે બેઠો. નજીકમાં જ તેને બરફમાંથી લાલ રંગની કોઇ વસ્તુ બહાર આવેલી જોઇ. મોટા ભાગે તો ચીમળાયેલું પાન હશે, તેમ તેને લાગ્યું. પરંતુ નજીકના નિરીક્ષણ માટે તે વધુ નજીક ગયો. ત્યાં, લાકડીમાં વાયર બાંધેલાં બ્લેક કેટ થિયેટરની ટિકિટોનાં અડધિયાં હતાં. પછી તો અધીરા હાથ અને પાવડા કોદાળીથી કામ શરુ થયું .એવર્ટને બહાર કાઢીને ધાબળા, ગરમ પીણાં હાજર હતાં, તેના બૂટ કાઢી નાંખ્યા. ખુશીની લાગણી હિલોળા લેતી હતી. આમાં એક ઉદાસી ભળેલી હતી- શું તેઓ એવર્ટના પગને બચાવી શકશે ?

પછી તો મહિનાઓ સુધીના એવર્ટના હોસ્પિટલ નિવાસ દરમિયાન, તેણે વિચાર્યું કે ભય શું ચીજ છે! પરંતુ તેની પોતાની બાબતમાં એક અદભુત ચીજ પણ હતી જ. જીવનને મહાન અને ભવ્ય, ઉમદા ભેટ તરીકે જોવાનું એ શીખ્યો. જીવનની હર ક્ષણ કેટલી અમૂલ્ય છે તે પણ તેણે જાણ્યું.

(રિડર્સ ડાયજેસ્ટના સૌજન્યથી, રોબર્ટ લિટલની વાતોનો ભાવાનુવાદ)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “બરફમાં ગરક – અનુ. એન. પી. થાનકી”

Copy Protected by Chetan's WP-Copyprotect.