બાળક એક ગીત (ભાગ-૯) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો ઘણો અંશ આપણે જુદા જુદા ભાગ રૂપે (ભાગ-૧ થી ૮) અગાઉ માણ્યો છે. એ જ શ્રેણીમાં આજે વધુ એક લેખ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ સરનામે vasantiful@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.]

[૩૨]

આજકાલ ઓફિસમાં કામ બહુ રહે છે.બીજુ કંઇ જ વિચારવાનો સમય રહેતો નથી. હવે હું નોકરી છોડીને પોતાનું કામ કરવાનું વિચારી રહી છું. તેં તો અંદર ઉથલ પાથલ મચાવી દીધી છે પણ જ્યારથી તું અંદર છે ત્યારથી અમારી બહારની દુનિયામાં પણ ઘણી ઉથલ પાથલ થઇ ગઇ છે. ઘરેથી કામ કરવા વિશે મેં ઘણ બધાના મત લીધા, બધાનું એમ જ કહેવું છે કે શરુવાતમાં થોડી તકલીફ પડે છે પણ પછી પગાર કરતાં પણ વધારે મળી રહે છે. એટલે લાગે છે કે આ સમયનો લાભ લઇને આ વિષય પર વિચારવા જેવું ખરું. આજકાલ મને ઉંઘ સખત આવે છે. પરમ દિવસે તો એટલી ઉંઘ આવતી હતી કે જાતે જમવાની ઇચ્છા પણ નહોતી. પછી તારા પપ્પાએ મને કોળિયા ભરાવ્યા ત્યારે મેં પરાણે પરાણે ખાધુ. તારા પપ્પાને તો તારા આવતા પહેલાં જ પ્રેક્ટિસ થઇ ગઇ!

છેલ્લા શનિવારથી એટલી બધી ઉંઘ આવે છે કે ન પૂછો વાત. આજે તો સવારથી જાણે બેહોશીની હાલતમાં જ હોઉ એમ લાગે છે. શરીર પણ બહુ દુખતું હતું. એટલે ઓફિસ જવા તૈયાર થઇ પછી વિચાર્યું કે ઓફિસ જવું નથી. સવારે લગભાગ ત્રણ કલાક ઉંઘવામાં જ ગયા. ઉઠી ત્યારે વિચારતી હતી કે તું કોના જેવું હોઇશ. તારો રંગ, ઉંચાઇ, આંખ, નાક, હોઠ કોના જેવા હશે, મારા જેવા કે તારા પપ્પા જેવા? તું આવીશ પછી પહેલી વાર હાથમાં લેતા મને ને તારા પપ્પાને કેવી લાગણી થશે! તારું પહેલું હાસ્ય અમારા માટે કેટલું અમૂલ્ય હશે. તેં આજકાલ અંદર આળોટવાનું ને લાતો મારવાનું જોરશોરમાં ચાલુ કરી દીધું છે. સ્વાભાવિક છે અંદર જગ્યા નાની છે ને તને ટૂંટિયું વાળીને સુતા નહિ ફાવતું હોય અને તું જરાક આળસ મરડે તો તારા નાના હાથ-પગ મારા પેટને અથડાય છે.

આજે સવારે દવાખાને ગયેલા ત્યાં ડોક્ટર અંકલે અમને એક ફોર્મ આપ્યું જે “મમતા કાર્ડ”ના નામે ઓળખાય છે. જેમાં સગર્ભા મહિલાની તમામ વિગતો હોય છે. આ કાર્ડમાં એક નંબર દર્શાવેલો હોય છે અને જેની પાસે આ કાર્ડ હોય તેને જ જન્મનું પ્રમાણપત્ર મળે છે. આ કાર્ડનો મુખ્ય ઉદ્દેશ ખોટા ગર્ભપાત વિશેની માહિતી રાખવાનો છે. હું પણ મારા નામનું મમતા કાર્ડ કઢાવી લાવી.

બસ હવે તું આવીશ એટલે તારી પર મારે કરવો છે મારી મમતાનો અભિષેક….ખરી વાત છે ને!

લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[૩૩]

૧૯મીએ મારી ને તારા પપ્પાની એંગેજમેન્ટ એનીવરસરી હતી. પણ આ વખતે મેં કંઇ ભેટ આપી નથી. હવે તો બધી ભેટ એક સામટી ફેબ્રુઆરી ૨૦૧૩માં જ. અમારા એંગેજમેન્ટને ચાર વર્ષ થયા. સમય કેટલો ઝડપથી પસાર થઇ જાય છે …કે ખબર જ નથી પડતી. તું પણ આવીશ પછી હજુ નાનું છે એમ વિચારીશું ત્યાં તો તું મોટું થવા લાગશે. દિવસો, મહિનાઓ અને વર્ષો તો જાણે પાણીના રેલાની જેમ પસાર થઇ જશે અને આપણે એને રોકી શકીશું પણ નહિ. શીતલબા અને દાદાને નવરાત્રી બહુ ગમે છે પણ આ વખતે દાદા ટૂર પર છે એટલે શીતલબા જઇ શક્યા નથી.

નવરાત્રી પણ પૂરી થઇ ગઇ અને દશેરા પણ. નવરાત્રીના નવ દિવસ પછી આવતા દસમાં દિવસને દશેરા કહેવાય છે. કહેવાય છે કે દશેરાના દિવસે રામે રાવણનો વધ કર્યો હતો અને અસત્ય પર સત્યનો વિજય થયો હતો. આ દિવસે બધા ફાફડા જલેબી ખાય છે અને આનંદ મનાવે છે. થોડા દિવસમાં દિવાળી આવશે એટલે લોકો હવે ઘરની સાફસૂફી કરશે. તારે અંદર કેમ ચાલે છે? બધુ બરાબર છે ને?

આજકાલ ઓફિસમાં કામ બહુ રહે છે. છ્તાંય એ બધાની વચ્ચે પણ મારો હાથ વારે વારે તારા માથે ફર્યા કરે છે. ઘરે આવીને ઘરનું કામ કરતાં કરતાં કે કર્યા પછી મારી પાસે એક જ કામ હોય છે …બસ તારી સાથે ગાંડી ઘેલી વાતો કરવાનું. તું અમારા અવાજને ઓળખે એટલે તને સારું પડશે. જ્યારે આવીશ ત્યારે તારા માટે અમે અજાણ્યા નહિ હોઇએ. તું આવીશ પછી થોડા મહિના તો તું ઉંઘ્યા કરીશ અને તને કંઇ થશે તો તું બોલી પણ શકીશ નહિ. એટલે મારે સમસ્યા ઓળખવી પડશે અને મારા પ્રોગ્રામીંગ વ્યવસાયનો માર્ગ અપનાવવો પડશે. એટલે કે સમસ્યાને ઓળખો, તેનું વિશ્લેશણ કરો અને પછી ઉકેલ શોધો.

આજે ઓફિસમાં મેં તારા માટે એક કવિતા લખી….

પતંગિયાની દિવાલ ચણાવું
ને તારાઓની છત
વૃક્ષો નાખે પવન તને
બેકગ્રાઉન્ડમાં પંખીના ગીત
કલ્પનાઓની પાંખ આપું
જા, આખી દુનિયા જીત
કંઇક નવું તું કર દરરોજે
ને લાવ નવી કંઇ રીત….!

તું સમજી શકે છે કે ઓફિસમાં પણ હું તને કેટલું યાદ કરુ છું….!

લિ.
તારી વ્હાલી મમ્મી.
.
[૩૪]

તું આજકાલ સવારે વહેલા ઉઠી જાય છે અને લાતો મારીને મને જણાવે છે કે તું ઉઠી ગયું છે. અને તારી પાસે બીજો રસ્તો પણ ક્યાં છે. હવે ધીમે ધીમે શિયાળો આવવા લાગ્યો છે. સવાર ખૂશનુમા અને બપોર હૂંફાળી લાગવા લાગી છે. રાત તો હવે બસ ગાદલા રજાઇ ને નામ થઇ ગઇ છે. તારા પપ્પા તો સવારની ચા પણ રજાઇ ઓઢીને પીવે છે અને બારીમાંથી ખુલ્લા આકાશને જોઇને કહે છે કે સરસ હવે શિયાળો આવશે. તું આવીશ ત્યારે તારા માટે બધી જ ઋતુઓ પહેલી વખત આવશે એટલે તને દરેક ઋતુમાં થોડીઘણી તકલીફ રહેશે. તારે ને મારે એના માટે તૈયાર રહેવું પડશે….ખરું ને!

મારી ઓફિસમાં મારી સાથે કામ કરતી એક છોકરી સૃજના ઓફિસના કામથી વિદેશ ગઇ છે. લગભગ દર રવિવારે સૃજનામાસીનો ફોન આવે અને ત્યાંની જાત જાતની વાતો કરે. મને તો એવું લાગે કે એની આંખે ત્યાંનો દેશ ફરી રહી છું. સાથે સાથે તેણે એ વાત પણ કરી કે ત્યાંના લોકો કેવા છે..અને લગભગ બધા દેશમાં એવું જ હોય કે આપણે જે માણસોને મળીએ તેના પરથી આખા દેશની છાપ લઇ ને પાછા ફરીએ.

કાલે અમે ડોક્ટર પાસે ગયા હતા. અંદર બધુ બરાબર ચાલી રહ્યું છે. ડોક્ટર અંકલે એક સીડી આપી છે જેમાં ગર્ભાવસ્થાના પ્રથમ માસથી નવમા માસ સુધી શું ખાવું, શુ ન ખાવું, કેવી કસરત કરવી વિગેરે દર્શાવ્યું છે. એટલે હવે વિચારું છું કે કાલથી એ પ્રમાણે થોડી કસરત કરું.

હજી પણ અચાનક મારા મૂડમાં પરિવર્તન આવે છે અને સૌથી ખરાબ વાત તો એ છે કે એનું કારણ મને ખબર હોતી નથી.

સવારે વહેલી ઉઠી ગયેલી એટલે અંધારાથી અજવાળુ થતાં જોયું. શિયાળાની સવારની તાજગી તનમનને નવા ચેતનથી ભરી દેતી હોય છે એમ અનુભવ્યુ. તને પણ હવે શિયાળાની ખૂશમિજાજી માણવા મળશે!

લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[૩૫]

ઓફિસમાં બહુ કામ રહે છે એટલે જીવ જરા ઉતાવળમાં અને ઉચાટમાં રહે છે. અમે ઓફિસમાં ચર્ચા કરતા હતા કે કમ્પ્યુટર ક્ષેત્રમાં લોકો સતત આમ કામ કરતાં રહે તો તેમનો સ્વભાવ ચિડિયો અને ઉતાવળિયો થઇ જાય. આ ટેવ મેં મારામાં પણ બદલાતી જોઇ છે. દરેક સિક્કાની બે બાજુ હોય છે એટલે મારા કામ કરવાના ક્ષેત્રના પણ ફાયદા-ગેરફાયદા તો હોવા ના જ ને!

રેડિયો પણ હમણાથી એક વજન/પેટ ઉતારવાની જાહેરાત આવે છે અને તે જાહેરાત માં બોલે છે કે “loss your belly before diwali” મને થાય છે કે એમને કહું કે તમારા માટે એક નવો જ પડકાર છે, તમારી કંપની મારું પેટ દિવાળી પહેલાં ઉતારી આપે તો ખરું! મારા પાગલ તુક્કઓનો તો કંઇ તોટો જ નથી.

હમણાં હમણાંથી મને કમરનો દુખાવો પણ વધી ગયો છે. ઓફિસમાં કામ કર્યા પછી તો જાણે મારી શક્તિ ખૂટી પડે છે. આમ કામ કરવું અઘરું તો છે જ પણ મને અઘરા કામ કરવા ગમે છે એટલે જોઇએ આ અઘરું કામ ક્યાં સુધી કરી શકુ છું.

કાલે તારા પપ્પાએ એક ભાઇને બોલાવેલા જે રીલાંયન્સ હેલ્થમાં કામ કરે છે. હું ને તારા પપ્પા તારા stem cell સાચવવાનું વિચારી રહ્યા છીએ. તને થશે કે વળી આ stem cell શું છે? હું તને સમજાવું. ગર્ભનું બાળક માતાની નાળ સાથે જોડાયેલું હોય છે અને જ્યારે બાળક અવતરે ત્યારે એ નાળમાં જીવંત કોષો હોય છે. જેને stem cell કહે છે. આ કોષો ભવિષ્યમાં જો તને કે આપણામાંથી કોઇને કોઇ અસાધ્યા રોગ થાય તો તેની સારવાર માટે કામ લાગી શકે છે. ટેક્નોલોજી અને વિજ્ઞાન માણસની જીંદગીમાં કેટલી હદે ક્રાંતિ લાવી શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે એમ કહીએ તો ખોટું નહિ.

તું મારું વાહલુ બચ્ચું છે કે સવારે વહેલા ઉઠી જાય છે ને અંદર ચાલવાનું શરુ કરી દે છે. અમારી સવાર પણ તારા વિચારોથી જ થાય છે. હું ને તારા પપ્પા વિચારતા હતા કે શરુવાતમાં તું કેવી રીતે ઉંઘીશ? તારા હાથ અને તારી નાની નાની આંગળીઓ કેવી હશે? જો ભૂલમાં’ય કોઇ તને આંગળી આપશે તો તું મૂટ્ટી માં આંગળી પકડી લઇશ અને પાછી મૂઠી વાળી દઇશ.

હું ને તારા પપ્પા તારી સાથે વાતો કરીએ છીએ તું સાંભળે છે ને અમારી વાતો?

લિ.
તારી વ્હાલી મમ્મી.

.
[૩૬]

ગયા રવિવારે સવાર ગીતાબાના વિચારથી જ થઇ. અમારે નિશિતમામાના લગ્નની કંકોત્રી લખવા જવાનું હતુ પણ કારણોવશ જઇ શક્યા નહિ. ઉઠી ત્યારથી એક દોષની લાગણી થતી હતી. મને થતું કે જ્યારે મારે એની જરુર હોય ત્યારે એ મારી મદદે આવે પણ જ્યારે એને મારી જરુર હોય ત્યારે હું એને મારાથી થતી મદદ પણ કરી શકતી નથી. એણે પણ મારી પાસેથી કોઇ અપેક્ષા રાખી હશે અને હું એ અપેક્ષા પૂરી કરવામાં નિષ્ફળ જઉ છું. હક લેવાનો હોય ત્યારે હાજર અને ફરજ બજાવવાની આવે ત્યારે ગેરહાજર એ તો કઇ જાતનો ન્યાય કહેવાય. બસ આજ વિચારોમાં સવારથી કંઇ કામ કર્યું નથી. જમવાનું પણ બનાવ્યું નહિ અને ટિફીન લાવીને જમ્યા.

કાલે રાત્રે તારા પપ્પા બોમ્બે ગયા બે જ્ગ્યાએ ઇન્ટર્વ્યુ હતા માટે. રાત્રે ગીતાબા, મનોજદાદા,રીટાબા અને માનસીમામી આવ્યા એટલે મારે એકલા નહિ રહેવું પડે. મે તારા વતી તારા પપ્પાને all the best પણ કહ્યું છે ઇન્ટર્વ્યુ માટે.

જો આપણી વચ્ચેની વાતચીત પુસ્તક સ્વરુપે પ્રગટ થશે તો જે લોકો પહેલા લખતા હતા પણ કારણોવશ હવે નથી લખી શકતા તેમના માટે આ પુસ્તક રાખ લાગેલા અંગારા પર હળવી ફૂંક મારવા બરાબર હશે. કદાચ આ પુસ્તક એ અંગારો ફરી પ્રજ્વલિત કરી શકે.

લિ.
તારી વ્હાલી મમ્મી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “બાળક એક ગીત (ભાગ-૯) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ””

Copy Protected by Chetan's WP-Copyprotect.