વરતારો – વર્ષા અડાલજા

[‘અખંડ આનંદ’ દીપોત્સવી અંકમાંથી સાભાર.]

રીતુએ આકાશ સામે મીટ માંડી ચોમેર જોવા માંડયું.

સમજ ન પડી. છત્રી લઈ આવી. સાથે લઉં કે ન લઉં ! આમ તો ઊજાળો દિવસ હતો તોય આકાશનું કંઈ કહેવાય નહીં. કોણ જાણે કયાંથી વાદળાં ચડી આવે ને પછી અનરાધાર. છત્રી પણ બિચારી બાપડી. ત્યાં એનો વળી કોણ ઉદ્ધાર કરે ! અરે વાહ ! વેધર ફોરકાસ્ટ બ્યૂરો તો ઘરમાં જ હાજરાહજૂર છે, બા. આમ તો નાનીમા. પણ બા બોલવું ગમતું. મમ્મી તો મમ્મી જ. પણ બા બોલતાં મોં ભરાઈ જતું અને મનમાં એક ઉમળકો…

રીતુ હસી પડી. બા જયારે રહેવા આવે છે ત્યારે કેવા સરસ શ્બ્દોની લહાણી મળે છે ! એય જાણે અજાણ્યે બોલવા લાગે છે. જયાબા ચશ્માં ચડાવી, ઝૂલતી આરામખુરશીમાં ઝીણવટથી છાપું વાચતાં હતાં. સવારનો આવો વૈભવ એમને એમના ગામમાં કયાં મળે ? બા ગોંડલ રહેતાં. એકની એક દીકરી મુંબઈ અને થોડાં વર્ષો પહેલાં પતિની વિદાય એટલે એકલાં. બપોરે એક છોકરી કામ પર આવે, સાંજે ચાલી જાય. સવારે બાને ઘરનાં ઝીણાં ઝીણાં કામ રહેતાં. એટલે દીકરીના, મુંબઈના વૈભવશાળી ફલૅટમાં રહેવા આવે ત્યારે પૂરા ઠાઠથી રહે.

રીતુ બા પાસે આવી, છાપું લઈ લીધું.
‘બા, જરા ઉતાવળે આકાશ વાંચી આપો ને ! તમને ઝટ બધી ખબર પડે છે.’
‘લે, એવું થોડું છે ! હું કાઈ તમારા લોકોની જેમ ભણી ગણી છું ? તારી મમ્મી તો સાયન્સ ભણી.’ સ્મિતા ચા કૉફીની ટ્રે લઈ આવી.
‘રીતુ, હું ભણી તે મારા પપ્પાને લીધે જ હોં ! એ વખતે ગામમાં સારી કૉલેજ નહીં અને મારી અમદાવાદ જઈ ભણવાની હઠ.’ બાપુજીએ તરત હા પાડી અને ઍડમિશનની દોડધામ કરી, હૉસ્ટેલમાં ભણવા મૂકી.
‘અને ત્યાંથી તારી મા ડૉકટર વર શોધી લાવી અને મુંબઈમાં આમ દરિયાની સામેના ફલૅટમાં એણે સંસાર માંડયો ને હું આમ આરામખુરશીમાં ઝૂલતી છાપું વાંચવા ભાગ્યશાળી થઈ. લે, તારી ચા થી તો મારે બત્રીસ કોઠે દીવા થઈ ગયા.’
‘રીતુ, તારાં નાનીમાએ મારા ભણવા સામે, પરણવા સામે હા ના કરી હતી હોં ! ફોર યોર ઇન્ફોમેશન.’
‘તેની કયાં ના પાડું છું ? જરા વિચારવા રહી, એમાં શું ખોટું કર્યું ? બધી વાતની આગલી પાછલી જોઈ નક્કી કરીએ તો વાતનું વજન પડે, ટકે.’
‘બુલશીટ. આગલી પાછલી શું વળી ! હું દસમું ધોરણ પછી સીવણભરતના કલાસ ભરી, ગામમાં ને ગામમાં પરણી ગઈ હોત. ગુજરાતી સાડલો પહેરી, માથે ઓઢી કાંઉ કાંઉ કરતાં ચાર છોકરાંની રસોઈ કરતી હોત.’

જયાબાએ સામે મોરચો માંડયો.
‘તે તારું કહેવું એમ છે કે ગુજરાતી સાડલો પહેરી, બે ટંક છોકરાંઓને, પતિને રાંધી ખવડાવતી છોકરીઓનું જીવન એળે ગયું ?’
રીતુને જવાની અધીરાઈ હતી.
‘ઓ કમઓન ! તમે મા દીકરી પાછાં સામસામે હુતુતુતુ રમવા માંડયાં ?’
જયાબા ફોર્મમાં આવી ગયા હતાં.
‘તું હૉસ્ટેલમાં અમદાવાદ નહીં ગઈ હોત તોય મારો વરતારો હતો કે તું સુખી થવાની જ છે.’
રીતુ ખુશખુશ થઈ ગઈ.
‘ઓ માય ડિયરેસ્ટ ગ્રાંડમા ! તમે કેવો સરસ શબ્દ બોલ્યાં, વરતારો. પણ વ્હોટ ઈઝ વરતારો ?’ જયાબા દીકરીને દાવ દેતાં હોય એમ બોલ્યાં,
‘ચાલ, તું બહુ ભણીગણી છે ને ! દે જવાબ રીતુને, વરતારો એટલે શું ? પારકો શબ્દ નથી કે ન આવડે.’
સ્મિતા ટ્રે લઈ ઊઠી ગઈ.
‘સવારમાં આમ ક્વિઝ ગેમ રમવાનો તમને બેને ટાઈમ હશે. મને નથી. મારે અને જે.ડી.ને ડૉકટર્સ ગેટ ટુ ગેધર છે, પછી કોઈનું હાઉસ વોર્મિંગ ડિનર છે.’

રીતુએ સ્મિતાની પીઠ પાછળ મોં બગાડયું,
‘જોયું બા ? છે પપ્પામમ્મીને ટાઈમ ? છેલ્લી ધડીએ કહેવાનું કે આખો દિવસ બંને બીઝી છે ! મેં તો આપણા માટે પ્રોગ્રામ કર્યો હતો, સાંજે તમને મહાલક્ષ્મી મંદિર લઈ જઈશ, વર્લી સીલીન્ક પર ડ્રાઈવ પર જઈશું પછી મસ્ત રેસ્ટોરંટમાં ડિનર.’
‘કંઈ નહી બેટા. આપણે બે મજા કરશું, તું તારે મને દરિયાની પાળે લઈ જજે ને !’
‘કાયમ ત્યાં ને ત્યાં. મને મોડું થાય છે, પણ મને ઝટ કહો ને વરતારો એટલે શું ?’
જયાબા વિચારમાં પડયાં.
‘આમ તો સમજાવવું કઠણ છે બેટા. પણ વરતારો એટલે… આગલું પાછલું જોઈને પછી શું થાશે એ ભાખવું…’
‘પણ એટલે શું વળી ?’
‘એટલે એમ કે જયોતિષી કહેતો હોય એમ કહેવાનું.’
રીતુ ખુશ ખુશ થઈ ગઈ.
‘વાઉં ! યુ આર ગ્રેટ ગ્રાન્ડમા. એનો અર્થ એમ કે તમે ભવિષ્યવાણી કરો છો ?’
‘ગાંડી રે મારી રીતુબાઈ. મને તે વળી શી ખબર પડે !’
‘બધી ખબર પડે છે. થોડા દિવસ પહેલાં આપણી બાઈ કામ આવી ત્યારે તમે કહી દીધું કે શી ઈઝ પ્રેગનન્ટ. એણે તો આપણને કહ્યુંય નથી. કેવી રીતે બા ?’
‘તમારી કૉલેજની જેમ અમે કાંઈ શીખ્યાં નથી. સ્ત્રીની ચાલ, ઊઠબેસ પરથી ખબર પડી જાય. મારા પિયરને ગામડે રબારણ ફૂલબાઈ દૂધ દેવા આવતી, એ તો બેજીવસોતીને ચાલતી જોઈને કહી દેતી દીકરી આવશે કે દીકરો. કોઈવાર ખોટુંય પડે હોં રીતુ ! પણ બહુ વાર એનો વરતારો સાચો પડતો મેં જોયો છે. આવી બધી વિધાને કોઠાસૂઝ કહેવાય.’
‘ઓ.કે.બા. તો આજનો વરસાદનો વરતારો કરો જોઉં ! છત્રી લઈ જાઉં કે નહી !’
જયાબાએ ચશ્માં ચડાવી ફરી છાપું લીધું,
‘બેટા ! મને અહીંના આકાશની શી ખબર પડે ? મને તો મારા ગામના આકાશની થોડીઘણી ખબર પડે.’
રીતુ આભી થઈ ગઈ.
‘વ્હોટ અ ડીપ ફિલૉસૉફિકલ સ્ટેટમેન્ટ ! આ તો કવિતાનું શીર્ષક થઈ શકે… લેટ મી સી… તારું આકાશ, મારું આકાશ… સૌ સૌનું આકાશ સમથીંગ સમથીંગ….’
તૈયાર થતી સ્મિતાએ ડ્રૉઈંગરૂમમાં ડોકિયું કર્યું,
‘બા, તમેય શું રીતુના ભેજામાં આવું ભૂસું ભરો છો ? રીતુ, તુંય આવી અનસાયન્ટિફિક મમ્બો જમ્બોની ચર્ચામાં પડી ગઈ ! તારે કયાંક બહાર જવું હતું ને ! ચાલો, જે.ડી.., વી આર ગેટિંગ લેઇટ.’ ઉતાવળે ઘડિયાળ પહેરતા ડૉકટર જે.ડી. ડ્રૉઈંગરૂમમાં આવ્યા,
‘બા, રિયલી સૉરી… આપણે દર્શન કરવા જવાનું હતું… પણ… આવું છું. કાર કીઝ કયાં છે ?’

બંને ગયાં. ‘ગ્રાન્ડમા યુ રોક’ કહેતી રીતુ પણ છત્રી લઈને નીકળી ગઈ. બહાર નીકળતાં જ ટૅકસી મળી. હિલોળા લેતા દરિયાની સામે ‘ન્યૂયૉર્કર’ રેસ્ટોરન્ટ પાસે ઊતરી ત્યારે ઝરમર શરૂ થઈ ગઈ હતી. છત્રી ઓઢીને થોડા લોકો પ્રતીક્ષા કરતા ઊભા હતાં, રીતુએ નજર ફેરવી. દરિયાની સામે પડતી ફ્રેન્ચ વિન્ડોઝ પાસેના ટેબલ પર ગૌરવ બેઠો હતો, એણે હાથ ઊંચો કર્યો, રીતુ તરત ત્યાં પહોંચી ગઈ. બેસતાં જ બોલી પડી.
‘આટલી ભીડમાં આપણું ફેવરીટ ટેબલ ?’
ગૌરવે જયૂસનો છેલ્લો ઘૂંટડો ભર્યો, ‘મેડમ, વહેલો આવી ગયો અને એક ગ્લાસ જયૂસ પર બરાબર ૪૫ મિનિટથી તારી રાહ જોઉં છું. કેમ આટલું મોડું ?’
‘ગ્રાન્ડમા સાથે વાતોએ ચડી ગઈ. ચાલ, ઑર્ડર આપી દે.’
ગૌરવે ઑર્ડર આપ્યો.
‘તું આજે પપ્પા મમ્મીને આપણી વાત કરવાની હતી. શું થયું ? તને ખબર છે કાલ આખી રાત હું સૂતો નથી ?’
‘સૉરી ગૌરવ. આજે બંને જવાની ધમાલમાં હતાં, વાત કરવાનો અર્થ જ નહોતો. મને ખબર છે મમ્મી તરત જ મારી વાત ઉડાવી દેત. મને ખાતરી છે આપણા લગ્નની એ કયારેય હા નહીં પાડે.’ ગૌરવ દૂરથી ધસમસતાં મોજાં જોઈ રહ્યો. વરસાદ શરૂ થઈ ગયો. ઘડીકમાં તો બારીનો કાચ ધૂંધળો થઈ ગયો. પૂછયા પહેલાં જ એ પ્રશ્નનો જવાબ જાણતો હતો. ન એની પાસે સોશિયલ સ્ટેટસ હતું, ન મોટો ફલૅટ કે કાર.
રીતુએ એનો હાથ હાથમાં લીધો.
‘ગૌરવ રિલેકસ. હું એમને મનાવી લઈશ.’
‘અને નહીં માને તો ? નહીં જ માને. એમની વાત ખોટી પણ શી છે ? એમની નજરમાં હું કશું જ નથી. શું રસ્તો કાઢીશું ? કાં તું એમને છોડી દે અથવા મને. અને મા-બાપને છોડી દેવાનું હું તને સ્વપ્નેય ન કહી શકું.’
‘આજનું લંચ બગાડવું છે ? આજના ચના ભતુરા તો એ-વન છે.’
‘તને ચના ભતુરામાં રસ છે ? મને તો એમ કે આજે તો તું ચોક્ક્સ વાત કરશે.’
‘મેંય આજના દિવસ પર મદાર રાખ્યો હતો… ગૌરવ, મદાર સરસ શબ્દ છે નહીં ! થેંકસ ટુ જયાબા. નવા સરસ શબ્દો શીખી રહી છું. પહેલી જ વાર બે મહિના સાથે રહેવાનો ચાન્સ મળ્યો છે. મમ્મી અને હું ગોંડલ જઇએ તો મમ્મી તો તરત જ પાછાં ફરવાની વાત કરે.. એ ય ! મોં કેમ ચડાવે છે ? મારી ભાષા બદલાઈ ગઈ નથી લાગતી ?’
‘મને તો તું જ બદલાયેલી લાગે છે.’

રીતુએ ઠંડા ડાયેટ કોકનો ઘૂંટ માર્યો.
‘ખરું કહું ગૌરવ ? તારી વાત સાચી છે. બા સાથે રહીને ખૂબ ગમે છે. પોતે બહુ ભણ્યા નથી પણ એમની વાતો સાંભળ તો વ્હોટ ટુ સે ! છક્કડ ખાઈ જા. જાણે સાયકોલૉજિકલ કાઉન્સિલિંગ કરતાં હોય એવી વાત કરે. એમના દાદા રાજરજવાડાંના રાજવૈધ. ગામમાં બાનું કેટલું માન ! સૌ પૂછતાં આવે, મેં નજરે જોયું છે અને…’
‘રીતુ ! પ્લીઝ, આપણે બા વિષે વાત કરવા ભેગા થયા છીએ કે આપણા વિષે ? તને નહીં હોય, મને આપણાં ભવિષ્યની ઘણી ફિકર છે.’ બિલ આવ્યું. ચૂકવી બંને બહાર નીકળ્યાં. વરસાદ થોડો ધીમો પડયો હતો. છત્રીમાં થોડાં ભીંજાતાં બંને ચાલતા રહ્યાં. રીતુએ ગૌરવનો હાથ પકડી લીધો અને ઊભી રહી ગઈ.
‘તું આજે આટલો અસ્વસ્થ કેમ છે ? બધું ઠીક થઈ જશે. ચાલ, થોડીવાર પાણીમાં ઊભા રહીએ.’ ગૌરવે કશો જવાબ ન આપ્યો. બપોરે લંચ અવરનો ટ્રાફિક હતો. રસ્તો ઓળંગી બંને ચોપાટીના દરિયાકાંઠે આવ્યાં. મેઘઘારાને ઝીલવા, ભીંજાવા થોડા યુવાનો મસ્તીમાં ઘૂમી રહ્યા હતા. ભીની રેતીમાં બંને પગલાં પાડતાં બંને કાંઠે ઊછળી આવેલાં, ધસમસતાં મોજાંમાં ઊભાં રહ્યાં. દૂર સુધી દેખાતું ન હતું. અવિરત વરસી રહેલી મેઘધારાએ રચેલી જળની જવનિકા પાછળ બધું જ ધૂંધળું થઈ ગયું હતું. ઊંચી ઇમારતો પણ અદશ્ય હતી. હતો માત્ર અફાટ જળવિસ્તાર. ગૌરવે આંગળી ચીંધી.

‘રીતુ, દૂર ઉપરવાસમાં કયાંક ધોધમાર વરસી રહ્યો છે. જો, પાણી કેટલું ડહોળાઈ ગયું છે ! આકાશ ગોરંભાયેલું છે.’
‘અરે વાહ ! ઈન્ફોર્મેશન ટૅકનોલૉજિનો માણસ આજે કવિતાના મૂડમાં છે ! વેરી થ્રીલિંગ’
‘તું કયાંથી જાણે, આ દરિયાકિનારે, આ જ જગ્યાએ ઊભા રહી એકલતાની પળો ગાળી છે ! સ્વજનોથી ઘેરાયેલી તું, એકલતા એટલે શું તેનો અંદાજ પણ નહીં આવે. ત્યારે તીવ્ર ઉત્કંઠતાથી કોઈનો સાથ ઝંખ્યો હતો. આજે આપણે બંને સાથે છીએ. પણ…’
‘પણ શું ગૌરવ ?’ ગૌરવ કયારેક જ ખૂલીને બોલતો. જાણે એના અંતરનાં કમાડ વાસેલાં હતાં અને આસપાસ એક વાડ રચી દીધી હતી. ત્રણેક વર્ષ પહેલાં યુથ ફૅસ્ટિવલમાં બંને દિલ્હી મળ્યાં હતાં. હૉસ્ટેલમાં બાજુબાજુની રૂમમાં જ રહેવાનું મળ્યું હતું. ધમાલ મસ્તીના માહોલથી જરા અલગ, ટોળામાંથી જુદો જ તરી આવતો એક ચહેરો. ચર્ચાસભાઓમાં વિષયની સરસ માવજત, પ્રવચનની છટા…. મુંબઈ પાછા ફર્યા પછી કયારે નજીક આવતાં ગયાં તેની ખબર પણ ન પડી. પણ આજે જલધારામાં ભીંજાતી એનો હાથ પકડી, દરિયાકાંઠે ઊભી હતી ત્યારે મમ્મી પપ્પાના વિચારથી એ ફફડી ઊઠી હતી. એ જાણતી હતી, મમ્મીની અપેક્ષાઓ પાસે ગૌરવ ઊણો ઊતરવાનો હતો. એટલે જ કદાચ એ વાતને ટાળતી રહી હતી. પણ આ ધસમસતાં મોજાંની જેમ ગૌરવને ખાળવાનું એના માટે શકય નહોતું.

‘ભરતી ચડે છે. ચાલો જઈશું’- કહેતાં ગૌરવે રીતુનો હાથ પકડી ચાલવા માંડયું. માંડ ટૅકસી મળી. ઘર પાસે ઊતરતાં રીતુએ આગ્રહ કર્યો.
‘ચાલ ધરે. કૉફી પીને જજે. પપ્પામમ્મી નથી, તને જેની ઈર્ષ્યા આવે છે એ જયાબાને મળવાનો આ સોનાના સિક્કા જેવો અવસર છે. જો એક પણ અંગ્રેજી શબ્દ વગર આખું વાકય ગુજરાતીમાં બોલીને ! થેંકસ ટુ જયાબા ! બંને હસી પડયાં. ગૌરવ ઘરે આવ્યો. જયાબા ટી.વી જોવામાં તલ્લીન હતાં. બંનેને જોતા ટી.વી બંધ કરી દીધું.
‘આવો આવો. ભીંજાયા છો ને કાંઈ ! ચાલ, હું મસાલો આદુ નાખી ચા બનાવું. તું પણ પીશે ને ! તું… તારું નામ..’
ગૌરવ પગે લાગ્યો.
‘ગૌરવ. રીતુ, રહેવા દે હું જ ઓળખાણ આપું છું. રીતુનો ખાસ મિત્ર. અમો બંને લગ્ન કરવા માગીએ છીએ, બા.
જયાબા હસીને કહ્યું,
‘પણ અત્યારે તો ફેરા ફરવાના નથી ને ! બેસ. રીતુ, ટુવાલ આપ એને. પહેલાં ચા બનાવું છું હોં !’ જયાબા રસોડામાં ગયાં. ગૌરવ નવાઈ પામી ગયો.
‘મને તો એમ કે આપણાં પ્રૉજેકટ મૅરેજની આજથી શરૂઆત કરી દઉં. એટલે મેં બા પાસે જાહેરાત કરી શ્રીગણેશ કર્યા, પણ બા…. કેટલાં સ્વસ્થ હતાં !’
‘તો ! એ જ તો ખૂબી છે. એમની તકિયાકલામ શું છે, ખબર છે ! આગળ પાછળનું જોઈ વરતારો કરવો. સો કૂલ નો ! ગૌરવ વૈભવશાળી ફૅલટને જોતો રહ્યો. ત્યાં જયાબા પોતે ચાની ટ્રે લઈને આવ્યાં. રીતુએ ટ્રે લઈ લીધી. જયાબા એમની પ્રિય રોકિંગ ચૅરમાં બેઠાં, રીતુએ ચાનો કપ હાથમાં આપ્યો, એમણે શાંતિથી કહ્યું,
‘બોલ બેટા ! શી વાત છે !’ ગૌરવ કશું બોલે એ પહેલાં જ રીતુએ કહ્યું,
‘બા, હું ગૌરવને ઘણા વખતથી ઓળખું છું, એ ખરેખર બહુ જ સારો…’
જયાબા હસી પડયાં.
‘તું એની સજજનતાનું સર્ટિફિકેટ આપવું રહેવા દે. તને એવું લાગ્યું હશે ત્યારે તું પ્રેમમાં પડી ને ! ગૌરવ, બેટા, તું કાંઈક વાત કર…’ જાણે મનનાં બંધ દરવાજે કોઈએ ટકોરો માર્યો હોય એમ એનાં કમાડ ખૂલી ગયાં. એમાં એની પીડાની, લજ્જાની, વિટંબણાઓની કેટકેટલી વાતો હતી, જે આજ સુધી એ પણ જાણતી નહોતી. એ શાળામાં હતો ત્યારે જ એના પિતા બૅકમાં છેતરપિંડીના કેસમાં સંડોવાઈ ભાગી છૂટયા હતા. વિશાળ માનવમહેરામણમાં એક જળબિંદુ બની અદ્રશ્ય થઈ ગયા હતા. માએ શહેર છોડયું, પોતાના અને પુત્રના કપાળેથી કલંક ભૂંસવા. મુંબઈમાં હિન્દીનાં શિક્ષિકા બન્યાં, ટયૂશન કર્યાં, નાનામોટાં કામ કરી પુત્રને ભણાવ્યો. એક આદર્શવાદી ભાવનાશીલ યુવક. ગૌરવે ઊંડો શ્વાસ લીધો. બધું જ કહી દીધું. કશું સિલકમાં રાખવું ન હતું.
‘બા, હું પૂરી નિષ્ઠાથી, ખંત અને મહેનતથી મારી જિંદગી બનાવીશ, રીતુને લગ્નમાં શ્વાસ લેવા જેવી મોકળાશ આપીશ. કશો દંભ નહીં, દેખાડો નહીં, હ્રદયની સચ્ચાઈથી અમે સાથે રહીશું એ મારો તમને કોલ છે….’

‘કેવી વાત કરો છો, બા તમે ? એક મુફલિસ, પેનીલેસ, કોઈ સ્ટેટ્રસ વગરનાં છોકરા સાથે રીતુનાં લગ્ન ? પાછાં તમે એનો પક્ષ લો છો ?’ બ્રેકફાસ્ટ ટેબલ પર જ જયાબા અને રીતુ પર સ્મિતા વરસી પડી. બ્રેડ પર બટર લગાવવા હાથમાં લીધેલું બટરનાઈફ જે.ડી.ના હાથમાં અધ્ધર રહી ગયું. ‘વ્હોટ!’ સિવાય એ કશું બોલી ન શકયા. સ્મિતા તો ખુરશી ખસેડી બા અને રીતુ પર ઘસી જ ગઈ. જયાબા શાંતિથી ચા પીતાં હતાં. રીતુ ડરી ગઈ હતી. ગૂંચળું વળીને નીચું જોઈ ગઈ.
‘લૂક અપ યુ ફૂલ.’ સ્મિતા એના માથે ઝળુંબી રહી. ‘કેવા સરસ ઘરમાંથી ઓફરા આવી હતી ! ઓર્થોપેડીક ડૉકટર, બબ્બે હૉસ્પિટલ સાથે અટેચમેન્ટ….’
હિંમત કરી રીતુ બોલી પડી, ‘….અને પપ્પા એને ક્લિનિક ખોલી આપવાના હતા. એને પપ્પાની પ્રોપર્ટી માટે મારી સાથે લગ્ન કરવાના હતા મમ્મી.’
‘અને આ ભૂખડીબારસનો ડોળો પણ આ ફલૅટ પર હશે, લખી દઉં તને. ફલૅટ સાથે કાર, ક્લિનિક બધું જ એક કોળિયે હડપ સમજી !’
‘હું અને ગૌરવ તને તાંબાના પત્રે લખી દઈએ કે અમારે કંઈ નથી જોઈતું પછી !’
સ્મિતા ઊકળતી હતી.
‘બધી કહેવાની વાતો છે. લગ્ન થઈ ગયા પછી તું કયાં જવાની ?’
જયાબા એ ચાનો કપ નીચે મૂકયો,
‘સ્મિતા, કોઈને મળ્યા વિના, પરખ્યા વિના એનો ન્યાય તોળવો વાજબી નથી. ગૌરાંગ ખરેખર સારો છે, દિલનો સાફ છે, આઈટીમાં હૈદરાબાદમાં સારી નોકરી ન લીધી, રીતુને લીધે. આપણી દીકરી રાજી રહે….’
સ્મિતા જયાબા પાસે જઈ અડોઅડ ઊભી રહી.
‘મારાથી ખાનગી તમે ગૌરાંગને મળતાં રહ્યાં, બંનેને સપોર્ટ કરતાં રહ્યાં, મને વહેમ હતો જ. મને એમ કે તમે ઘરે હશો તો રીતુનું મન ફેરવશો… આ તો ઊલટું જ !’
‘એટલે તેં મને રીતુ પર નજર રાખવા બોલાવેલી ?’
જે.ડી. સ્વસ્થ થવા મથ્યા.
‘ના બા, હોય કાંઈ ! દીકરી પર જાસૂસી થોડી કરવી હતી !’ ખુરશીને ધક્કો મારતી રીતુ ઊભી થઈ ગઈ. અદબ વાળી સામે ઊભી રહી. આજે નહીં બોલે તો કયારેય નહીં બોલી શકે.
‘મમ્મી પપ્પા, હું પરણીશ તો ગૌરાંગને જ.’
‘મારી સામે બોલે છે ?’
‘ના, મારો નિર્ણય કહું છું.’
‘આ તારી જીદ છે.’
‘મમ્મી, તેંય જયાબા અને બાપુજી પાસે હૉસ્ટેલમાં જવાની જીદ કયાં નહોતી કરી ? બાને એકની એક દીકરીને આંખથી અળગી નહોતી કરવી તોય તારી ખુશી ખાતર હા પાડી હતી ને !’
સ્મિતા જરા પાછળ પડી.
‘પણ મારો નિર્ણય સાચો હતો ને !’
‘અને તેં પપ્પા સાથે લગ્ન કરવાનો ઇરાદો કહ્યો ત્યારે તારી ચોઈસ પર વિશ્વાસ રાખીને પપ્પાને મળ્યા પણ વિના બાએ હા પાડી હતી ને ! બોલો પપ્પા.’
‘આઈ એગ્રી. તારી વાત સાચી છે.’
‘તો પછી સ્મિતા, તારી દીકરીની પસંદગીમાં વિશ્વાસ રાખીને મહોર મારી દે.’ જીદથી ન બોલતાં સ્મિતાની આંખ ભીની થઈ ગઈ.
‘એ છોકરો આ બધું લૂંટી લેવા આવ્યો છે, તું કેમ નથી સમજતી ! આજે એક દીકરો… પણ હોત…..’ સ્મિતા પીઠ ફેરવી ઝડપથી બેડરૂમમાં ચાલી ગઈ. મમ્મીએ ગાલ પર જોરથી થપ્પડ મારી હોય એમ રીતુ સમસમી ગઈ. જે.ડી. એનો હાથ પક્ડે એ પહેલાં એ પાછળ ગઈ. ધડામ બારણું ખોલ્યું.
‘મમ્મી, તું પણ સાધારણ ઘરની છોકરી હતી, તેં શ્રીમંત અને વળી ડૉકટર દીકરાને પરણવાની વાત કરી, ત્યારે ડૉકટરનાં મમ્મીએ તને શું કહેલું ? તું એમનું ઘર લૂંટવા આવી હતી એમ જ કહેલું ?’
રડી રહેલી સ્મિતા ચમકી ગઈ.
‘ઓ યસ ! અને તને દીકરો પણ હોત તો એ પણ પપ્પાની જેમ સાધારણ ઘરની છોકરી લાવત તો તું આમ જ રડતી કકળતી હોત ? સૉરી, ભગવાને મને દીકરી બનાવી, મમ્મી.’

રીતુ બેડરૂમમાંથી નીકળી ગઈ. જે.ડી. અધીરતાથી બહારજ ઊભા હતા, એણે રીતુને પકડી લીધી.
‘રીતુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અત્યારે બંને ગુસ્સામાં છો. આપણે પછી નિરાંતે વાત કરીએ.’ રીતુ જવાબ આપ્યા વિના બેડરૂમમાં ભરાઈ રહી. મોબાઈલનો રિંગટોન ગુંજતો રહ્યો. ગૌરાંગનો ફોન પણ ન લીધો. ગૂમસૂમ સૂતી રહી. કયારે આંખ મળી ગઈ ! બારણે ટકોરા પડયા. સાથે જ બાનો સ્વર.
‘રીતુ બેટા ! હું . દરવાજો ખોલ.’
રીસમાં ને રીસમાં રીતુ ઊઠી અને બારણું ખોલ્યું, ‘શું છે ? હજી કોઈને સંભળાવવાનું બાકી રહી ગયું છે ?’
બાએ હસીને કહ્યું, ‘જા, નીચે સ્કૂટર પર ગૌરાંગ રાહ જુએ છે. મેં જ તો ફોન કરી બોલાવ્યો છે.’ ઝટપટ મોં ધોઈ રીતુ દોડી, પાછી વળી, છત્રી લીધી, બાએ છત્રી લઈ લીધી.
‘વરતારો કહે છે, આકાશમાં ઉઘાડ છે. વરસાદ નહીં આવે.’ ઉત્સાહમાં જતાં જતાં રીતુ દરવાજામાં અટકી, ફરીને જયાબા સામે જોયું. ઘરમાં ઘેરી શાંતિ અને ઊતરતી સાંજનું આછું સોનેરી અજવાળું.
‘પણ …. બા…’
‘જા બેટા, ટ્રાફિકમાં કયાં સુધી રાહ જુએ ? હું કહું છું ને !’

લિફટની રાહ જોયા વિના રીતુ દાદર ઊતરી ગઈ. કમ્પાઉન્ડમાં ગૌરાંગ બાઈક પર હતો. રીતુએ ઊંચે નજર કરી, જયાબા બાલ્કનીમાં ઊભાં હતાં. ત્યાં એમની બાજુમાં એક બીજો ચહેરો નીચે ઝૂકયો અને હાથ હલાવ્યો. રીતુ ઊછળી પડી, ગૌરાંગનો ખભો દબાવ્યો. ગૌરાંગે ઉપર જોયું, રીતુએ હવામાં ફલાઈંગ કિસ તરતી મૂકી અને બાઈક પર સવાર થઈ ગઈ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “વરતારો – વર્ષા અડાલજા”

Copy Protected by Chetan's WP-Copyprotect.