બાળક એક ગીત (ભાગ-૧૦) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો ઘણો અંશ આપણે જુદા જુદા ભાગ રૂપે (ભાગ-૧ થી ૯) અગાઉ માણ્યો છે. એ જ શ્રેણીમાં આજે વધુ એક લેખ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ સરનામે vasantiful@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.]

[૩૭]

આજે તારા પપ્પા વહેલી સવારે જ આવ્યા. એમના ઇન્ટર્વ્યુ વિશે અને જે કંપનીમાં ઇન્ટર્વ્યુ આપ્યા હતા તે કંપની વિશે વાતો કરી.

અમારી ઓફિસમાં પાણી ઠંડુ કરવા માટેના મશીન છે. એમાંથી પાણી ભરીએ તો બૂડ….બૂડ….એવો અવાજ આવે અદ્દલ જ્યારે શ્રવણે પાણી ભરવા લોટો નદીમાં બોળ્યો અને આવતો હતો તેવો જ. તને થશે કે આ શ્રવણ કોણ હતો…હેં ને? શ્રવણ માતૃ-પિતૃ ભક્ત દિકરો હતો. તેના માતા-પિતાને જાત્રા કરવી હતી પણ તેઓ આંધળા હતા એટલે જાતે જાત્રા કરવા જઇ શકે તેમ ન હતા. એટલે શ્રવણે વિચાર્યું કે આંધળા માતા-પિતાની ઇચ્છા પૂરી કરવી. એણે કાવડ બનાવ્યું અને એક બાજુ માતાને અને બીજી બાજુ પિતાને બેસાડ્યા અને જાત્રા કરવા લઇ ગયો. રસ્તામાં તેના માતા-પિતાને તરસ લાગી એટલે શ્રવણ પાણીની શોધમાં નીકળે છે અને રસ્તામાં એક નદી દેખાય છે. શ્રવણ ત્યાં પાણી ભરવા નદીમાં લોટો બોળે છે અને પાણીમાં બૂડ્….બૂડ….એવો અવાજ આવે છે. તે જ સમયે રાજા દશરથ શિકાર કરવા નીકળ્યા હોય છે અને બૂડ્….બૂડ…એવો અવાજ સાંભળીને એમને એમ થાય છે કે નદી કિનારે કોઇ પ્રાણી પાણી પીવા આવ્યું છે અને અંધારામાં જ તીર મારે છે જે શ્રવણને વાગે છે. દશરથ રાજાને પછી ખબર પડે છે કે ભૂલમા તીર શ્રવણને વાગ્યું છે. એ શ્રવણ પાસે આવે છે અને શ્રવણ દશરથ રાજાને કહે છે કે મારા આંધળા મા-બાપ તરસ્યા થયા છે તેમને આ પાણી આપી આવજો. અને જ્યારે દશરથ રાજા પાણી આપવા જાય છે ત્યારે શ્રવણના આંધળા માતા-પિતા કલ્પાંત કરે છે. દશરથ રાજાને શ્રાપ આપે છે કે જેમ અમે અમારો દિકરો ગુમાવ્યો તેમ તારે પણ દિકરાનો વિયોગ સહન કરવો પડશે….અને પછી રામે પણ વનવાસ ભોગવવો પડે છે જે દશરથ રાજાના પુત્ર હતા.

બપોરે તો તેં જબરુ તોફાન મચાવેલું અદંર. તને અંદર થાય છે શું એ તો કહે? આજે મને સતત એ વાતનું આશ્ચર્ય થાય છે કે પેટમાં અવયવો હોય, ગાંઠ હોય, કૃમિ હોય, પણ એક જીવતું જાગતું માણસ હોય એ કેટલી અજીબ ઘટના છે. આ કંઇ નવું કે અજાણ્યું નથી મારા માટે પણ આટલું આશ્ચર્ય મને પહેલાં કદી થયું નથી. સાચે જ ઇશ્વરની કરામત જબ્બરજસ્ત છે.

તને ખબર છે ગયા રવિવારે પથિકમામાએ મને કહ્યું કે હવે એક આઇપેડ લઇ લે..ત્યારે મેં તેમને શું જવાબ આપ્યો…કે હવે મારા દિવસો નેપ્પી પેડ ખરીદવાના છે નહિ કે આઇપેડ ખરીદવાના…સાચી વાત છે ને મારી??

લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[૩૮]

સવારે હું ઉઠું એટલે તું પણ મને કંપની આપવા ઉઠી જાય છે ને પછી મારી સાથે સાથે તું પણ અંદર કસરત કરવા લાગે છે. જેમ હું તને અનુભવી શકું છું તેમ તું પણ મને અનુભવી શકુ છુ એ હું જાણુ છું. કાલથી દિવાળી પણ શરુ થઇ ગઇ છે. કહેવાય છે કે દિવાળીના દિવસે રામ યુધ્દ્ધ જીતીને પાછા ફર્યા હતા અને સૌ એ તેમના આગમનની અને યુધ્દ્દની ખૂશીમાં દિવા પ્રગટાવ્યા હતા. ભારતીય સંવત પ્રમાણે આપણું વર્ષ કારતક સુદ એકમથી આસો વદ અમાસ સુધીનું હોય છે.

આજે મેં દિવાળી વિશે એક કવિતા લખી….

“દિવાળી”

દિલમાં દીવો કરીએ
હાસ્યની રંગોળી
ચાલો ઉજવીએ આ વખતે
કંઇક જૂદી રીતે દિવાળી

ચક્કરડીના ચક્કરમાંથી
થોડા બહાર નીકળી
તારામંડળના તારા
આભમાં તરતા મૂકી
ચાલો ઉજવીએ આ વખતે
કંઇક જૂદી રીતે દિવાળી

થોડા ટેટા થોડી લૂમ
જીંદગીમાં છો ફૂટી
બોંબ ઘડાકા થયા નથી
હજી કિસ્મત છે ભોળી
ચાલો ઉજવીએ આ વખતે
કંઇક જૂદી રીતે દિવાળી

આવો મારા આંગણે
બધ્ધુ બાજુ પર મૂકી
મઠિયા ચોળાફળી તો છે જ
ચાલો ઉજવીએ આ વખતે
કંઇક જૂદી રીતે દિવાળી

હું પણ ઇચ્છું કે તારું જીવન પણ સહસ્ત્ર દીવાઓથી દીપી ઉઠે અને તું અનેક લોકોના જીવનમાં અજવાળુ કરી શકે!

લિ.
તારી વ્હાલી મમ્મી.
.

[૩૯]

ગઇકાલે દિવાળી એટલે કે શ્રી સરસ્વતી દેવી, શ્રી લક્ષ્મીજીનો દિવસ. ગુજરાતી વર્ષનો છેલ્લો દિવસ. આ દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે અને ફટાકડા પણ ફોડે છે. દિવાળી અને બેસતું વર્ષ હિન્દુ ધર્મનો મોટામાં મોટો તહેવાર છે. ઘરને સાફસૂફ કરવું, શણગારવું, દીવા કરવા અને ફટાકડા ફોડવા એ જાણે દિવાળીનો પર્યાય. ચોતરફ બસ આનંદ જ આનંદ! મને લાગે છે તું આજે બહુ થાકી ગયું છે કારણકે સવારથી તેં લાતો મારી નથી. બપોરે મઠીયા, ચોળાફળી, સુંવાળી, ઘુઘરા એવુ બધુ બનાવ્યું. હું શીતલબા પાસેથી મગસ બનાવતા પણ શીખી. તને કહું મને દિવાળીમાં સૌથી વધુ શું ગમે….ઘરને શણગારવું, રંગોળી પૂરવી અને ઘુઘરાને કાંગરી પાડવી. મને ઘુઘરાને કાંગરી પાડતા ગીતાબા એ શીખવાડી હતી. જ્યારે આપણે કોઇ વસ્તુ શીખતા હોઇએ ત્યારે લાગે કે આ વળી શું કામમાં આવશે? પણ ક્યારેક બધી જ વસ્તુથી ફાયદો થાય એવું જરુરી નથી પણ એમ કરવાથી સંતોષ અને આનંદ તો ચોક્ક્સ મળે. મેં એક ઉક્તિ વાંચી હતી “કરેલું ક્યારેય નિષ્ફળ જતું નથી”, ખરેખર કેટલી સાચી વાત છે. કામ કરતી જઉ છું ને તારી સાથે વાત કરુ છું ને ડાયરીમાં લખુ છું એટલે હું સુપર મલ્ટીટાસ્કર મોમ કહેવાઉ..ખરું ને!

મારું પેટ વધી ગયું છે એટલે બરાબર બેસાતું નથી એટલે આ વખતે રંગોળી બનાવી નથી. નહિંતર મારા માટે દિવાળીનો પર્યાય એટલે રંગોળી. આપણી જીંદગી પણ રંગોળીના વિવિધ રંગોનું મિશ્રણ જ છે ને! જીંદગીમાં પણ દરેક રંગનું એક આગવું મહત્વ અને જરુરિયાત હોય છે…માત્ર સુખનો લાલ રંગ પણ સારો ન લાગે કે માત્ર દુઃખનો કાળો રંગ પણ. બધા રંગનું સપ્રમાણ મિશ્રણ જ જીંદગીને રંગીન બનાવી શકે!

હું પણ ચાહું કે તારું જીવન પણ રંગોળીના વિવિધ રંગોથી રંગાય અને એક સુંદરતમ જીવનરંગોળી રચાય!

લિ.
તારી વ્હાલી મમ્મી.
.

[૪૦]

આજે સવારે અમદાવાદ જવા નીકળ્યા વાયા આણંદ. આવીને જમવાનું બનાવ્યું અને કપડા પણ ધોયા પછી ઓફિસ જવા નીકળ્યા.

સાચુ કહું તો મને એમ લાગે છે કે જેનુ કોઇ નથી એનો ભગવાન તો છે જ. ભગવાનને પણ ખબર છે કે હું અહીં અમદાવાદમાં એકલી છું અને મને કંઇ થશે તો મારી સાથે કોઇ નથી એટલે એમણે મારામાં એટલી શક્તિ મૂકી છે કે હું બધુ જ જાતે કરી શકુ છું. મને સાતામો મહિનો શરુ પણ થઇ ગયો છે છતાં કોઇ તકલીફ પડી નથી. ત્રણ દિવસ કામવાળા બહેન પણ આવવાના નથી એટલે મારે થોડુ વધારે કામ કરવાનુ આવશે.. એટલે કદાચ તારી સાથે વાતો ન પણ થઇ શકે. જમવાનુ બનાવ્યું અને વાસણ પણ જાતે ઘસ્યા એટલે મારા શરીરની બધી જ શક્તિ પૂરી થઇ ગઇ છે.

બેસતા વર્ષના દિવસે બધાને નીચા નમીને પગે લાગુ તો બધા ના પાડે પણ એ બધાને ક્યાં ખબર છે કે આ કસરતની મારે કંઇ નવાઇ નથી. અને મને પણ કંઇ ખાસ તકલીફ નથી એટલે થાય છે કે હું જેટલી હિંમતવાન બનીશ તું પણ મારી જેમ જ બની શકીશ…તું પણ તારી મમ્મી ને જોઇને પ્રેરણા લઇ શકીશ….ખરી વાત છે ને!

આવતીકાલે અનિલદાદાએ સલુણમાં બધાને આમંત્રિત કર્યા છે. પણ મારે ને તારા પપ્પા ને રજા મળે તેમ નથી એટલે હવે અમે તો એમને નિશિતમામાના લગ્નમાં જ મળી શકીશુ.

લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[૪૧]

ઘણા દિવસ થયા તારી સાથે નો સંવાદ તૂટી ગયો છે. દિવાળી પછી કામવાળા બહેન આવ્યા નથી એટલે ઘરનું બધુ જ કામ જાતે કરવું પડે છે અને નોકરી તો ખરી જ. એટલે શરીરની બધી શક્તિ ખર્ચાય જાય છે પછી તો તારી સાથે વાત કરવાના હોંશકોશ પણ ક્યાંથી રહે! હવે ચોકડીમાં બેસીને વાસણ ઘસાતા નથી એટલે બધા વાસણ હું પ્લેટફોર્મ પર મુકુ અને ઘસુ છું…આને સાદી ભાષામાં કહેવાય જુગાડ. મને વિચાર આવે છે કે મારી જીંદગી કેવા વળાંક પર છે જ્યાં આટલી બધી તકલીફો સહન કરવાની છે. પણ પછી વિચાર પણ આવે છે કે તકલીફોથી શા માટે ગભરાવું આ તકલીફો જ તો આપણ ને વધારે મજબૂત બનાવે છે ને!

દિવાળીમાં બધાને નમતી ત્યારે બધા ના પાડતા પણ ઘણા લોકોની માનસિકતા એવી હોય કે બીજાને નમાવીને પોતે કેટલા ઉંચા છે એવો અહમ પોષતા હોય. ઇશ્વરને પ્રાર્થના કે આવા લોકો ને સદબુધ્ધિ આપે.

બે ત્રણ દિવસથી મારો મૂડ બરાબર નથી અને એની સીધી અસર તારી પર પણ થઇ રહી હશે જાણુ છુ. હવે ૨૭ નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી રજા પર છું એટલે નિશિતમામાના લગ્ન માણીશ અને ગીતાબા અને દાદાને મારાથી બનતી મદદ કરીશ.

૯મી ડિસેમ્બરે ખોળો ભરવાનો છે આને ધાર્મિક વિધિ કહે છે જેમાં બાળકને ગર્ભના સંસ્કાર આપવામાં આવે છે. પણ સાચુ કહું તો હું તો એમ માનુ છું કે ગર્ભના સંસ્કાર જે દિવસથી ગર્ભ રહે તે દિવસથી જ મળવા લાગે છે. માતાના આચાર-વિચાર અને સંસ્કારની બાળક પર પહેલે દિવસથી જ અસર થવા માંડે છે.

મારા માટે તો તારા ગર્ભ સંસ્કાર એટલે મારા શબ્દોનો અભિષેક!

લિ.
તારી વ્હાલી મમ્મી.
.

[૪૨]

હમણાં હમણાંથી સવારે ૪ વાગ્યે ભૂખને લીધે ઉંઘ ઉડી જાય છે. ઉઠુ થોડુ ખાઉ ને પાછી સુઇ જઉ. કાલે બપોરે મેં સ્ટોબરી સ્મૂધી બનાવી ને તારા પપ્પાએ તેનો વિડિયો ઉતાર્યો. એ વિડિયોમાં મેં બહુ કોમેડી કરી છે. મને બહુ મઝા આવી. સ્મૂધી બનાવતા બનાવતા મને એક વિચાર આવ્યો…કે જ્યારે હું મિક્ષર ફેરવું છું ત્યારે મને એમ લાગે છે કે હું કોઇના કાન આમળુ છું. ક્યારેક તું પણ બહુ તોફાન કરશે તો મારે તારા કાન આમળવા પડશે…તને એમાં મઝા તો નહિ જ આવે ખરું ને!

આણંદ નિશિતમામાના લગ્નની તૈયારીઓ છેલ્લો ઓપ પામી રહી છે. જ્યાં ગણપતિ ગ્રહશાંતિ કરવાના છે ત્યાં ગણપતિ પણ દોરાઇ ગયા છે. નિશિતમામા અને દાદાના કપડા પણ તૈયાર થઇ ગયા છે. રંજનબા પણ ત્યાં ગીતાબા ને મદદ કરવા પહોંચી ગયા છે.

આજે ઓફિસમાં સખત કામ હતુ અને એક ઇશ્યુ આવતો હતો જે મારાથી ઉકલી નહોતો રહ્યો. સવારના ૯ થી રાતના ૯ સુધી ઓફિસમાં જ હતી અને હવે આણંદ જવા નીકળવાનું છે. તારા પપ્પા ને તો રજા મળી નથી એટલે એ મને આણંદ મૂકવા આવશે અને કાલે સવારે પાછા અમદાવાદ આવી જશે.

મેં તો મારી તૈયારી કરી લીધી છે નિશિતમામા ના લગ્ન માટે. અને તારે અંદર પણ બરાબર તૈયારી કરી લેવાની છે થોડો થાક સહન કરવાની…!

લિ.
તારી વ્હાલી મમ્મી.
.

[૪૩]

આજે નિશિતમામાના લગ્નના ગણપતિ ગ્રહશાંતિ છે. હું ને ગીતાબા ૪ વાગ્યાના ઉઠી ગયા છીએ. ગીતાબા જરા ચિંતામાં છે. ઘરમાં પ્રસંગ હોય એટલે બધુ બરાબર થશે કે કેમ, આવનાર માણસો બરાબા સચવાશે કે કેમ એની ચિંતા થાય એ સ્વાભાવિક છે. ગીતાબાએ નાહીને પૂજા પણ કરી લીધી છે. ભગવાનના ફોટા લૂછી, ભગવાનને નવડાવી ચાંદલ્લા કરી પ્રસાદ પણ ધરાવી દીધો છે. અને ભગવાનને જમાડવા માટેનું ભજન પણ ગાઇ લીધુ છે. ભજન સાંભળતા સાંભળતા મને લાગ્યું કે હું આણંદમાં નહિ પણ કોઇ બીજી જગ્યાએ જ કે ગામડાના શુધ્દ્ધ વાતાવરણમાં છું. જ્યાં ઘરની સ્ત્રી ભગવાનની પૂજા કરે ને ભજન ગાય કે મંદિરનો ઘંટારવ સંભળાય ને પ્રભાતિયા ગવાતા હોય. તને થશે કે આ પ્રભાતિયા શું છે? પ્રભાત એટલે કે સવાર અને સવારે ગવાતા ભગવાનના ગીતો ને પ્રભાતિયા કહેવાય. મને નરસિંહ મહેતાના પ્રભાતિયા બહુ ગમે છે.

બે-ત્રણ દિવસ પહેલાં મેં એક ભજન સાંભળ્યુ હતુ જે મારા મોઢે ચઢી ગયું છે..

“પંખીડાને આ પાંજરુ જુનુ જુનુ લાગે
બહુ સમજાવ્યુ તો’યે પંખી નવુ પીજરુ માંગે ”

આ પંક્તિનો અર્થ થાય છે કે આપણુ હ્રદય છાતીના પીજરામાં કેદ છે અને વૃધ્ધાવસ્થા થતા એ પીજરું જુનુ થઇ જાય છે. માણસના જીવનનો ઉદ્દેશ તો મોક્ષ છે પણ માણસ નવુ પીજરું એટલે કે નવો જન્મ લે છે. ઇશ્વર ઘણુ સમજાવે છે છતાં માણસ નવા અવતારે જન્મ લે છે.

આ તારો પણ નવો જ અવતાર હોવાનો ને..ખરું કે!

લિ.
તારી વ્હાલી મમ્મી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “બાળક એક ગીત (ભાગ-૧૦) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ””

Copy Protected by Chetan's WP-Copyprotect.