દુનિયા સાવ એવી નથી ! – સંકલિત

[ સત્યઘટનાઓ…. ‘અંખડ આનંદ’ માંથી સાભાર.]

[૧] …તે એ અજાણી વ્યકિતમાં અમને ભગવાનનાં દર્શન થયાં – તારક દિવેટિયા

હું મારી નિવૃતિ પહેલાં બૅન્કમાં હતો. અમદાવાદ ખાતેની બ્રાંચમાંથી મારી બદલી પ્રમોશનથી આણંદ બ્રાંચમાં થઈ. કેટલાંક કૌટુંબિક કારણોનુંસાર એકાદ વર્ષ અપડાઉન કરવું એવું વિચાર્યું. રોજ મણિનગર સ્ટેશનેથી ગાડી પકડવાની અને આણંદથી આવતી વખતે મણિનગર સ્ટેશનને ઊતરી સેટેલાઈટ રોડ પર જવાનું એ નિત્યક્રમ થઈ ગયો.

ઘટના એ દિવસની છે કે જયારે રોજના નિયમ પ્રમાણે ટ્રેનમાંથી ઊતરી ટ્રેનમાંથી ઊતરી મણિનગરથી સેટેલાઈટ જવા સ્કૂટરને કીક મારી ટ્રાફિકમાંથી ઝડપથી રસ્તો કાઢીને ઘર તરફ દોડાવ્યું. મેં મારા ફલૅટના ક્મ્પાઉન્ડમાં સ્કૂટર પાર્ક કર્યું. ત્યાં જ મારા મોંમાંથી એક ચીસ નીકળી ગઈ. “અરે, મારું પર્સ કયાં…..?” ઘરમાં પ્રવેશતાં જ મને પરસેવો વળી ગયો. પત્ની ચહેરા પરના ભાવ કળી ગઈ.
મેં વાત કરી ત્યારે એના મોંમાંથી પણ “અરે…” અરેરાટી નીકળી ગઈ. આંખમાં પાણી પણ આવ્યાં. જમવામાં મન જ ન લાગ્યું: કયાં હશે મારું પાઉચ….? કોના હાથમાં ગયું હશે ? દુનિયાભરના વિચારો સતાવી રહ્યા અને ચિંતા… કાલે બૅન્કમાં શું જવાબ આપીશ..? કારણ એ જ કે મારા એ પાઉચમાં બૅન્કની ચાવીઓ, મારું ડ્રાઈવિંગ લાઈસન્સ, રેલવેનો પાસ, બૅન્કનું આઈ.ડી.કાર્ડ અને તે જ દિવસે થયેલા પગારની રકમ ને ઘણું બધું… બૅન્કની ચાવીઓ ખોવાય એટલે સસ્પેન્શન જ આંખ આગળ દેખાય….

મારું માથું ભમવા લાગ્યું, ચક્કર આવવા લાગ્યા. એક તરફ પત્ની આશ્વાસન આપતી રહી. ભગવાનના ફોટા પાસે દીપ પ્રગટાવ્યો, અગરબતી કરી એણે એટલું જ કહ્યું કે ‘આપણી કમાણી નિષ્ઠાપૂર્વકની અને પ્રમાણિકતાની છે. ચિંતા ના કરો, સૌ સારાવાનાં થશે.!’ રાત્રિના અગિયાર થવા આવ્યા, આંખમાં ઊંઘ નહોતી. એવામાં જ ડોરબેલ રણકી… કોણ હશે અત્યારે ? વિચારી બારણું ઉઘાડયું. આવનાર વ્યકિત અમારા માટે તદ્દન અજાણી હતી. આવનારે મારું નામ પૂછયું…. ‘હા, હું જ તારક’ મેં કહ્યું… ‘આવો ભાઈ…!’

વાતની શરૂઆત કરતાં એમણે કહ્યું ‘આ તમારું પાઉચ તમારા સ્કૂટર પરથી પડયું ત્યારે હું તમારી પાછળ જ હતો. મેં બૂમ મારી પણ તમે સડસડાટ નીકળી ગયા. મેં તમારું પર્સ ખોલીને એટલા માટે જોયું કે જેથી તમારું સરનામું મળે તો હાથોહાથ હું આ પાઉચ સુપરત કરી શકું. જોયું તો ઘણી બધી વસ્તુઓ આમાં જોવા મળી. થયું કે અત્યારે જ તમને આપું. આ બધું ખોવાય તો જેનું ખોવાય તેની દશા કેવી થાય તે સમજી શકું છું.’ ખરેખર એ ભાઈના ચહેરામાં મને પરમકૃપાળુ પરમાત્માનાં દર્શન થયાં… અમે એ ભાઈને ચા-પાણી માટે ઘણું કહ્યું પરંતુ તેઓ માત્ર પાણી પીને જ નીકળ્યા. આવા પ્રસંગ જયારે બને ત્યારે હ્રદયના ઊંડાણમાંથી એક જ શબ્દ બહાર આવે કે “દુનિયા સાવ એવી નથી.”
.

[૨] સામાન્ય પરિસ્થિતિના લોકોની પ્રામાણિકતા – વિપિન પંડયા

‘મંદિર તારું વિશ્વરૂપાળું, સુંદર સર્જનહારા રે….’ શાળામાં ગવાતી આ પ્રાર્થના મુજબ આ સૃષ્ટિના સર્જનહાર સુંદર છે. તેમ સર્જનહારે રચેલી આ સૃષ્ટિ પણ સુંદર જ છે. માત્ર આપણી જોવાની દ્રષ્ટિ સુંદર હોય તો ! સત-અસત વચ્ચેનો સંઘષૅ વેદકાલીનયુગથી ચાલ્યા આવે છે, છતાં પણ આજે નીતિમતા, પ્રામાણિકતા, સદ્વ્યવહાર ઉજાગર કરે તેવી ઘટનાઓ ઘટે છે. એ કહેવાનું મન થઈ જાય છે કે ‘દુનિયા સાવ એવી નથી.!’ જો દુનિયામાં બધા જ માણસો ખરાબ હોય તો માણસે માણસે પોલીસ રાખવી પડત, પરંતુ તેવું નથી, તેથી જ કહી શકાય ને કે ‘દુનિયા સાવ એવી નથી.’

ઓડ-આણંદ વાયા સારસા- ખંભોળજના રૂટ પર એક બસ ડ્રાયવર-નામ કાશીરામ-તેઓ બસ એવી કાળજીથી ચલાવે કે બસમાં બેઠેલો- ઊભેલા- વિધાર્થીઓ બૂમ પાડે કાશીકાકા, ઘોડાગાડી સાઈડ માગે છે.! કાશીરામ વિધાર્થીઓની ટીખળથી ગુસ્સે થવાને બદલે પ્રેમાળ દ્રષ્ટિથી બસ ચલાવતાં ચલાવતાં સહેજ ડોક ફેરવીને જુએ તેની સાથે વિઘાર્થીઓ પણ મોં ફેરવી લે. આ કાશીરામનું પહેલેથી જીવનસૂત્ર કે ‘ગમે ત્યાં હાથ ઊંચો કરો ને બસમાં બેસો !’ કયારેય તે કોઈને નિરાશ ન કરે. તેમનાં કંડકટર પણ ખુશમિજાજી- આણંદ- વિઘાનગરની શાળા- મહાશાળામાં સવારે ભણવા જતા વિધાર્થી ભાઈ-બહેનોને કારણે બસમાં ભીડ ખાસ્સી રહે તેથી કંડક્ટર વિધાર્થીઓને પ્રેમથી કહે, ‘અલ્યા ! નવટાંક નવટાંક ખસો, જેથી નીચે રહેલા મુસાફરો બસમાં આવી જાય, કંડકટરના આ મીઠા ટહુકાની વિધાર્થીઓ પર જાદુઈ અસર થાય અને સૌ થોડા આઘા-પાછા થઈ મુસાફરો- અન્ય વિધાર્થી માટે જગા કરી દે, સાથે હસી પણ પડે. આમ આ ડ્રાયવર-કંડકટરની મજાની જોડી, તેથી સમય કયાં પસાર થઈ જાય તેની લગીરે ખબર ન પડે.

એક દિવસે મેં કાશીરામને કહ્યું, કાશીરામ, તમારો સ્વભાવ મને ગમે છે. વિધાર્થીઓ આટલી મજાક-મસ્તી કરે છે, તો પણ તમે ગુસ્સે થતા નથી. ત્યારે કાશીરામ કહે, સાહેબ ! એક ડ્રાયવર તરીકે સમાજની શી સેવા કરી શકું ? આ છોકરાં આપણાં જ છે ને ! છો ને ખુશ થતાં ને કોઈ પેસેન્જરને ટાઈમે બસ મળી જાય અને બસમાં બેસીને તેમને કેટલો હાશકારો થાય ! સમાજને હું લાખ આપવાનો નથી અને લખેશરી થવાનો નથી, આમ આ ડ્રાયવર-કંડકટરની જોડીનો વિધાર્થી અને મુસાફરો સાથેનો સદ્વ્યવહાર જોઈને કહેવાનું મન થાય છે કે ‘દુનિયા સાવ એવી નથી.’

મારા ઘરે ઘરકામ કરે તે દીકરીનું નામ પુષ્પા. તેના પપ્પા આણંદના ગંજબજારમાં મજૂરી કામ કરે અને તેની મમ્મી પણ ઘરકામ કરે. હવે આ પુષ્પાનું લગ્ન લેવાયું, તેથી તેનાં મમ્મી મારા ઘરે આવ્યાં અને મને કહે, ‘સાહેબ, ૫૦૦૦રૂ. ઉછીના આપો, પુષ્પાનાં લગ્ન માટે જોઈએ છે, સગવડ થશે પાછા આપી દઈશ.’
અમે નક્કી કર્યું કે રૂ.૫૦૦૦ આપીએ, પરત મળે તો ઠીક, નહીં તો કન્યાદાન ! લગ્ન પછી સગવડ થતાં પુષ્પાનાં મમ્મી મારા ઘરે આવ્યાં ને કહે, ‘લો સાહેબ, રૂ.૫૦૦૦. જે ઉછીના લીધા હતા તે !’ સામાન્ય વર્ગની બહેનની ખાનદાની જોઈને અમારાં બંનેની આંખમાં હર્ષનાં આસું છલકાઈ ગયાં. સુખી ઘરના લોકો પણ કયારેક ઉછીના લીધેલ પૈસા પાછા આપવાની વૃતિ નથી રાખતા ત્યારે રોટલો ને મરચું ખાઈને જીવનારા લોકોમાં જે પ્રમાણિકતાનાં દર્શન થાય છે, તે જોઈને અવશ્ય કહેવાનું મન થાય છે કે ‘દુનિયા સાવ એવી નથી હોં…..!
.

[૩] નિઃસ્વાર્થી માણસોથી દુનિયા ચાલે છે… – વિષ્ણુપ્રસાદ ડી. ત્રિવેદી

ગયા વર્ષ મારી પુત્રી નિધિએ બાર સાયન્સમાં બી, ગ્રૂપથી પરીક્ષા પાસ કરી. ગુજકેટમાં પચાસ ટકાથી ઓછા ગુણ આવ્યા. નિયમ પ્રમાણે એમ.બી.બી.એસ અને બી.ડી.એસ.માં ઍડમિશન મળી શકે નહિ. નિધિની ઈચ્છા મૅડિકલમાં જવાની હતી. તેની આ ઈ મૅડિકલમાં જવાની હતી. તેની આ ઈચ્છા પૂરી કરવા ડૉનેશન આપીને પણ મૅડિકલમાં ઍડમિશન આપવાનું નક્કી કર્યું. પણ એમાં ચાલીસેક લાખ રૂપિયા ખર્ચ થાય તેવું જાણ્યું. આટલી મોટી રકમ લાવવી કયાંથી ?

બી.ડી.એસ. કૉલેજમાં બે-ત્રણ જગ્યાએ ગયો ત્યાં પણ છ-સાત લાખ રૂપિયા ડોનેશન ને બાકી કૉલેજની ફી. એક કૉલેજમાં ડોનેશન ભરવા તૈયાર થયો તો ત્યાં કૉલેજમાં ભણતી સબંધીની પુત્રીએ હાલ પૂરતું ડૉનેશન ભરવાની ના પાડી ને બી.જે. મેડિકલનું કાઉન્સલિંગ પૂરું થાય ત્યાં સુધી ધીરજ ધરવાનું કહેલું. ત્યાંથી પાલનપુર બસમાં આવતો હતો ત્યાં સિદ્વપુર દેથળી ચાર રસ્તા પાસે સરકારી ડેન્ટલ કૉલેજનું બોડૅ જોયું. પાલનપુર જવાના બદલે દેથળી ગામ નજીક આવેલ ડેન્ટલ કૉલેજમાં પહોંચી ગયો. હૉસ્પિટલ ચાલુ હતી.

કૉલેજને આ વર્ષે મંજૂરી મળી હતી. ઑફિસમાં જઈ બી.ડી.એસ. ના ઍડમિશન માટે પૃચ્છા કરી. હિરેનભાઈ વ્યાસે ઍડમિશન બી.જે. મૅડિકલના કાઉન્સલિંગ દ્વારા મળશે તેમ કહ્યું. ને છેલ્લે મારી પુત્રીની માર્કશીટ જોવા માગી લેખિતના ગુણ જોઈ કહે અઠવાડિયા પછી મળજો. કદાચ આ કૉલેજને દસ બેઠકો પેમેન્ટથી ભરવા મળે તો બે થી ત્રણ લાખ ડોનેશન આપવું પડે અને એકાદ લાખ કૉલેજ ફી છે તે ભરવી પડે. હું તો ખુશ થઈ ગયો. હિરેનભાઈનો ફોન નંબર લીધો અને તેમને પણ મારો ફોન નંબર આપ્યો. ઘરે આવી વાત કરી તો ઘરનાંને હિરેનભાઈની વાતમાં થોડો-થોડો વિશ્વાસ બેઠો.

બી.જે. મૅડિકલમાં કાઉન્સલિંગની કાર્યવાહી ચાલુ થઈ, બે વખત કાઉન્સલિંગમાં ગયા પણ મન પસંદ ફેકલ્ટી ન મળવાથી ઍડમિશન લીધા વિના પાછા આવ્યા. આ સમયગાળા દરમિયાન સિધ્ધપુર ચારથી પાંચ વખત જઈ આવ્યો. હિરેનભાઈનો એક જ જવાબ ચિંતા ન કરો. ઍડમિશન થઈ જશે. હિરેનભાઈ સાથે પ્રીતિ મેમ પણ સર્વિસ કરે. તે મને અવારનવાર કૉલેજમાં આવતો જુએ એટલે મને કહે, ‘કાકા, હવે ઘક્કો ખાશો નહીં. અમે તમને સામેથી ફોન કરીશું.’ હું ઘરે આવ્યો ને ફોન સામેથી આવશે તેમ કહ્યું. ત્યારે મારી પત્ની કહે, ‘એડમિશન આપણે લેવાનું છે, તેમણે નહીં. આ જમાનામાં કોઈ સામેથી ફોન કરે ખરું ?’

આ વાતને અઠવાડિયું વીતી ગયું. બીજે મૅડિકલનું કાઉન્સલિંગ પૂરું થઈ ગયું. કૉલેજો ચાલુ થઈ ગઈ. મારી પુત્રી અને ઘરનાં બધાં ચિંતા કરવા લાગ્યાં. હવે કરશું શું ? આ વર્ષ તો ઍડમિશન લીધા વગર બગડયું. ત્યાં બપોરના સમયે હિરેનભાઈનો ફોન આવ્યો. ‘કાકા, નિધિને ડેન્ટલમાં ઍડમિશન માટે આવતી કાલે અમદાવાદ સિવિલના ડેન્ટલ વિભાગમાં નવ વાગ્યે જરૂરી પ્રમાણપત્રો અને લાખ રૂપિયા ફી લઈ પહોંચી જજો. ચૌદ સીટો અમારી કૉલેજમાં ભરવાની છે.’’ હિરેનભાઈનો ફોન પર આભાર માની, બીજા દિવસે અમદાવાદ ગયા.
ચૌદ સીટો સામે એંશી ફોર્મ ભરાયાં. એક વાગ્યે ઍડમિશન માટેનું લિસ્ટ મુકાયું. નિધિનો સાતમો નંબર હતો. જરૂરી ફી ભરી ઍડમિશન લેટર લઈઅને ઘરે આવ્યાં. બધાંની આંખમાં હરખનાં આસું હતાં.

બીજા દિવસે અમે સપરિવાર સિદ્વપુર ડેન્ટલ કૉલેજમાં જઈ હિરેનભાઈના હાથમાં પેંડાનું પેકેટ મુકયું, તો હિરેનભાઈ ને પ્રિતિ મે’મ ભાવવિભોર થઈ ગયાં. પ્રિતિ મે’મે લાગણીભર્યા સ્વરે કહ્યું. તેમ અહી છ થી સાત વાર ઍડમિશન માટે આવ્યા તે જોઈ ભગવાનને પ્રાર્થના કરેલ કે તમારી પુત્રીને ડેન્ટલમાં ઍડમિશન મળી જાય. જાહેરાતની વાત જાણી સૌથી પહેલાં પાલનપુરવાળા કાકાને ફોન કરવાનું હિરેનભાઈએ કહેલું. પ્રીતિ મે’મની વાત સાંભળી અમે સૌ લાગણીસભર બની ગયાં.

મારા મનમાં વિચાર આવ્યો કે, આજકાલ લાખો રૂપિયા લઈ ઍડમિશન આપવા ફરતા એજન્ટો કયાં ને નિઃસ્વાર્થ ભાવે ઍડમિશન મળી જાય તે માટે ચિંતા રાખતા અને ફૉન કરતાં હિરેનભાઈ જેવા પરગજુ માણસો કયાં ? દુનિયા સાવ એવી તો નથી જ. હિરેનભાઈ ને પ્રિતિ મેમ જેવાં નિઃસ્વાર્થી માણસોથી દુનિયા ચાલી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “દુનિયા સાવ એવી નથી ! – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.