સમજફેર – રાઘવજી માધડ

[‘ગુજરાત દીપોત્સવી’ અંકમાંથી સાભાર.]

‘મારા સવાલનો જવાબ ન આપ્યો. મુકેશ આમ કહે તે પહેલાં તો દિશા ઊભી થઈ ઘરમાં ચાલી ગઈ. મુકેશને અપમાન જેવું લાગ્યું. એક ક્ષણે તો ઊભા થઈ ચાલતાં થઈ આવવાનું મન થઈ આવ્યું, પણ તે એમ કરી ન શકયો તેની આજુબાજુના ઘરનાં સભ્યો રીતસર ગોઠવાઈ ગયા હતાં અને બધા જ કોઈ વિચિત્ર નજરે જોઈ રહ્યાં હતાં બીજી રીતે કહીએ તો નજરની તલવાર તાણીને ઊભા હતાં. મુકેશને નવાઈ લાગી. તેનાં હોઠ પર આવી ગયુ કેમ આમ માંરા સામે જોઈ રહ્યાં છો ? મેં કાંઈ ખોટું કહ્યું, ખોટું કર્યું…..!’ કોઈ કશું બોલ્યું નહિં. તેના ફરતે અબોલ અને ભારેખમ વાતાવરણનું કવચ રચાઈ ગયું હતું.

‘હા, મારે જે પાંચ વર્ષ પહેલાં કરવું જોઈતું હતું તે આજે કહું અને કરું છું.’ મુકેશથી ભાવાવેશમાં બોલાઈ જવાયું સામે કશો જ પ્રતિભાવ કે પ્રતિકાર ન સાંપડયો. છતાંય તે આગળ બોલ્યોઃ ‘સંજોગો બદલાયા, નહિતર દિશાનો હાથ માંગવાનો સવાલ જ કયાં હતો !’ કોઈ ભૂલાયેલી કે ખોવાયેલી જણસને સંભારીને માંગતો હોય એમ સહજ છતાંય વિસ્મયતાથી તે બોલી રહ્યો હતો.
હજુપણ અબોલતા અકબંધ હતી. મુકેશને ચાનક ચડતું લાગ્યું. તે કહેઃ ‘કુદરત સામે આપડું થોડું હાલે છે, આમ બન્યુ એટલે… નહિતર મારે દિશાને આ સવાલ કરવાનો કે પૂછવાનો હતો જ કયાં !? તે તેની રીતે સુખી હતી ને હું પણ….’
પણ ત્યાં ઘરમાંથી ડૂસકા ભરવાનો અવાજ આવ્યો. દિશાના બા, પારોઠ એકદમ ફરી ઘરમાં ગયાં. દિશાના ભાઈભાભી મોં વકાસી મુકેશ સામે જોઈ રહ્યા હતા. તેમનું ચાલ્યું હોત તો મુકેશના મોં આડે ડૂચો દઈ દેત. ‘તને આવુ કોણ બોલવાનું કહે છે, આવ્યો છો તે ચા પીયને હાલતો થા ! મુકેશે જોયું તો આમ બધું નવું ને નવતર કે વિચિત્ર હતું. કશું સમજાતું નહોતું.. એક પળે તો એમ પણ હતું થયું કે પોતે ભૂલો પડી કોઈ ભળતી જગ્યાએ તો નથી આવી ગયો ને ! પણ ના… જગત ભલેને બદલાયું પણ સામે દિશા તો એની એ જ હતી ને !

પાણી અને પછી ચા પાયા પછી મહેમાન તરીકેની પ્રારંભિક સરભરા પૂર્ણ થઈ હતી. તેથી ઘરનાં બીજા સભ્યો કામમાં જોતરવા લાગ્યાં. મુકેશ એમ જ એકલો ચારેબાજુ જોતો હતો. ત્યાં ફરી કાન ખેંચાયા. ઘરમાંથી હજુપણ રડવાનો ધીમો-ધીમો અવાજ આવતો હતો. ઠપરામણ આપતી હોય એમ બે-ત્રણ સ્ત્રીઓનો અવાજ સાથે હતો.
થયું કે દિશાના બદલે બીજુ કોઈ રડે છે. સામે સાંત્વન દિશા જ આપે છે.. પણ એવુ કેમ બને !? હશે, કાનનો દોષ છે. આમ મન મનાવી મુકેશ મૌન અવસ્થામાં બેઠો, ચારેબાજુ જોવાં લાગ્યો. તેણે આ ગામમાં બરાબર અડધા દાયકા પછી પગ મુકયો હતો. સઘળું જ ઘરમૂળથી બદલાઈ ગયું હતું. ગામનું પાદર. ચોરો, બસ સ્ટેન્ડ, જૂનો ઉતારો-ગ્રામપંચાયત કચેરી, તબેલો… કહો તો ગામનો નાક-નકશો બદલાઈ ગયો હતો. જાણે પોતે રમ્યો, રઝળ્યો, રખડયો…. એ ગામ જ નથી ! ઘરમાં ટી.વી. ચેનલ, ફ્રીઝ, વલોણા યંત્ર, ફળિયામાં નળમાં,.. શહેર જેવી કે વિશેષ સગવડો ઊભી થઈ ગઈ હતી. મહેમાનને શું લેશો એમ પૂછવાનો અને ચા ના બદલે ઠંડુ આપવાનો પણ રીવાજ શરૂ થયો હતો. ત્યાં પાછળથી કોઈએ સોયની અણી જેવું તીક્ષ્ણ હથિયાર ભોંકયું હોય તેવું મુકેશને થયું. તેણે એકદમ બરડો સંકોરી લીધો. કોઈ કાનમાં કહેતું હતું. ભાઈ આ બદલાવ આવ્યો છે એટલે તુ આમ સીધો અહીં આવી કન્યાના હાથની માંગણી કરી શકે છે ! નહિતર તો વાત કરવાનું શું. કન્યાનું મોં જોવાં પણ ન મળે !

‘હા, વાત તો સાચી છે.’ મુકેશ મનોમન બોલ્યો.
દિશાના બા સાડલાના છેડાં વડે આંખો સાફ કરતાં ઘરમાંથી બહાર આવ્યાં અને મુકેશ સામે જોઈ ડૂસકાં ભરતાં બોલ્યાઃ ‘ભાઈ, આવું દુઃખ બાપના વેરવીને પણ નો પડે…’ વાત તો સાચી હતી. યુવાન દીકરી વિધવા થઈ ઘેર પાછી આવે તેનાથી મોટું બીજું દુઃખ હોઈ શકે ! મુકેશ સાંત્વનાભર્યા શબ્દો ઉચ્ચારવાના બદલે સમસમીને બેસી રહ્યો.
‘એને પણ શું થયું તે મારો જવાબ આપવાના બદલે ઘરમાં જઈને રડવા બેઠી !’ મુકેશના હોઠે આવીને શબ્દો લટકી પડયાઃ ‘બનતું રહે…. તારા પર નવાઈ થોડી થઈ છે ? અને એટલે તો હું આવ્યો છું !’ ‘મારાં સવાલનો દિશાએ જવાબ ન આપ્યો.’ મુકેશને આમ પૂછવું ત્યાં દિશાના બાએ આડી વાત નાખવી હોય તેમ ફેરવીને પૂછયુઃ ‘ભાણાભાઈ ! મામાના ઘરે થઈને આવ્યાં કે…’ મુકેશે એકપળનો પણ વિલંબ કર્યા વગર કહી દીધુઃ ‘ના, સીધો જ આયાં આવું છું ને કામ પણ આયાં જ છે…’ પછી સહેજ સ્મિત સાથે દિશાની બાના ચહેરા પરના સળ ઉકેલવાનો પ્રયાસ કરવાં લાગ્યો.

વળી એક પ્રકારનું અબોલપણું છવાઈ ગયું. કહેવાનું, બોલવાનું ઘણું હતું, પણ વાત અને હકીકતનો એમ સરળતાથી સાંધો મળે તેમ નહોતો. વળી આ પાંચ વરસ જૂનું પ્રકરણ કોઈને યાદ પણ ન હોય ! ‘કોઈને યાદ ન હોયતો કંઈ નહીં, દિશાને તો યાદ હસે !?’ મુકેશ મનમાં બોલ્યો. પણ ત્યાં દિશાના બાએ વાત લંબાવવાનાં ઈરાદે કહ્યુઃ ‘મામા તો આજ-કાલ્ય બોવ હાજામાંદા રેય છે. ઉંમર થઈને !’

મુકેશને ન ગમ્યું. મામાની વાત વચ્ચે લાવવાની શી જરૂર છે ? તેના લીધે તો આ બધું અટકી પડ્યું હતું ને ? નહિતર તો દિશા માટે આવું કંઈ જ બનત નહીં અને મારે પણ ! આ મુકેશના મામાનું ગામ છે. તેણે અહીં રહીને હાઈસ્કુલનું શિક્ષણ લીધું છે. દિશા અને મુકેશ બંન્ને સાથે ભણતાં હતાં અને એક-બીજાને ગમતાં હતાં. તેથી હાઈસ્કુલનું શિક્ષણ પૂરું થયું છતાંય મુકેશ રજા અને વેકેશનમાં અહીં જ આવતો, દિશાને રીતસર મળતો. તેમાં કોઈને વાંધો પણ નહોતો. ગ્રેજયુએશન પૂરું થયું. સહકારી મંડળમાં નોકરીએ લાગ્યો પછી લગ્નની વાત આવી એટલે ઘેર કહી દીધુઃ ‘દિશા સાથે ગોઠવાય તો મને વાંધો નથી પણ વાંધો મામાને પડયો. તેમણે એક જ વાત પકડી રાખી હતી. દિશાનો બાપ મારી પાંહે આવે અને એની દીકરીનું માગું નાખે ! તો સામે દિશાના બાપનું એમ કહેવું હતું કે હું દીકરીનો બાપ છું. મારે સામેથી માગું થોડું નાખવાનું હોય !? ત્યાં મામાની મોટાઈ કે આપવડાઈ આડે આવીને ઉભી રહેતી હતી. તે એમ કહેતાં રહ્યા. સારું ઘર અને વર જોતાં હોય તો સામેથી કે’વું પણ પડે !’

‘મારી દીકરી એવી કયાં વધારાની છે તે હામેથી કે’વું પડે !’ દિશાના બાપુનો હુંકાર હતોઃ ‘ભણાવી છે ભાગ્યમાં હશે એવું મળી રેશે !’ આમ વાત ખોટી કે સાચી નહોતી પણ એકજાતની અંટસ હતી. વાતને વળ ચડતો જતો હતો. મૂળ તો મામા અને દિશાના બાપુ સરપંચની ચૂંટણીમાં સામસામે આવી ગયા હતાં. તેની આ બધી બબાલ હતી. પણ એવું સ્પષ્ટ કહો નહિ ને ? મામાને હતું કે ભાણાને અહીં પરણાવવામાં આવે તો પોતાને શરમે-ધરમે પણ દિશાના બાપની ઓસરી ચઢવી પડે. કયારેક હાથ એંઠા કરવાં પડે… ના પાડો તો, બહેનને ખોટું લાગે અને કહે પણ ખરીઃ ‘ભાઈ, આવું હતું તો આયાં સગપણ શું કરવા કરાવ્યું ? ના પાડી દેવી હતી ને !’ પછી તો બહેનને જ ખાનગીમાં કહી દીધું હતું. ‘ભાણો ભલે કહે પણ ન્યાં કર્યા જેવું નથી !’ મુકેશ તેનાં મમ્મી આગળ રીતસરનો કરગરી પડયો હતો. ‘બા, દિશા મને ગમે છે પછી તને શું વાંધો છે !’ બા અબોલ રહી તો મુકેશે જ આગળ કહ્યું હતુઃ ‘બા તને નહી, મામાને વાંધો છે !’ ‘હા, છે… મારા ભાઈને વાંધો હો ત્યાં હું જાન લઈને કેમ જાઉં !’ ‘પણ બા,…’ મુકેશ દલીલ કરે તે પહેલાં જ તને બાએ સાવ ચોખ્ખું કહી દીધું કે, મારે એકની લાખેય ન્યાં કરવું નથી.

જગતમાં છોકરીયુંની કયાં તાણ છે !? આમ કહેવામાં મુકેશની બાના મનમાં ગર્વ હતો. રાજાના કુંવર જેવો એક જ દીકરો છે, નોકરી કરે છે, જમીન છે. એકએકથી ચઢિયાતી કન્યાઓના માંગા સામેથી આવે છે. અહીં થાય એવું થોડું છે !? ગર્વ બરાબર હતો. મુકેશ સર્વ રીતે યોગ્ય મુરતિયો હતો. કન્યાઓના કહેણ આવતાં હતાં પણ મુકેશ કોઈને કોઈ બહાનું ધરી ના પાડી દેતો હતો. આ બાજુ દિશા અને મુકેશનું ગોઠવાય એ પહેલાં જ અટકી ગયું. ‘હા, અહીંથી સીધો મામાને ત્યાં જવાનો છું.’ મુકેશે કહ્યુઃ ‘અને આ કહેવાનો પણ છું !’
‘કહેવાનું છું એટલે ?’ મુકેશના કાનમાં પડઘો પડયો. તેણે મનોમન જવાબ આપી દીધોઃ ‘મામા તમે જે છોકરીની ના પાડી હતી, આડો પગ કર્યો હતો તેનો જ ફરી હાથ માગીને આવ્યો છું !’ ‘અરે ભાઈ, ગાંડો થ્યો કે થાવોનો… ઈ ઘરભંગ થયેલી હારે તે કરાતા હશે !’ મામા મોટાઈ આગળ લાવીને કહેશે ! ‘થાય મામા, મન માને ત્યાં થાય….!’ આવું સાંભળી મામા સમસમી જશે, પણ હવે તો મામી જ કહેશેઃ ‘જમાનો બદલાઈ ગયો છે. રાજાને ગમતી રાણીને છાણાં વીણતી આવી !’

મુકેશનું મન ધોવાઈ ગયું હતું. લગ્ન કરવાં પરથી જ મન ઊઠી ગયું હતું. છતાંય મા-બાપનું મન રાખવા ના પાડતો નહોતો એમ કોઈ છોકરી જોઈ હા પણ પાડતો નહોતો. એક જગ્યાએ તો બધું બરાબર હતું. ના પાડવાને કોઈ કારણ નહોતું. ત્યાં મુકેશે જ છોકરીને ખાનગીમાં કહેલું, તું સામેથી ના પાડજે અને કહેજેઃ ‘મને મુરતિયો ગમતો નથી !’ આમ કરતાં પાંચ વરસ થઈ ગયાં. મુકેશની ઉંમર પણ થવા આવી હતી. કરસનભાઈનો છોકરો કોઈ છોકરીને ગમાડતો નથી. તેનાં કારણમાં કયાંય લફરું છે. સમાજમાં આવી હવા ફેલાઈ ગઈ હતી તેથી કન્યાના કહેણ આવવા ઓછા થઈ ગયાં હતાં. મુકેશના મન તો ભલું થયું ને ભાંગી ઝંઝાળ….!
પણ મુકેશને સમાચાર મળ્યાં કે દિશા વિધવા થઈ છે, તેનો ઘરવાળો અક્સ્માતે મૃત્યુ પામ્યો છે, હવે તેને યોગ્ય કોઈ પાત્ર મળે તો બીજું ઘર કરવાની તૈયારી છે ! મુકેશને આમ પણ કશુંક કરી બતાવવાની પહેલીથી જ ધખના હતી. તેમાં ભાવતું હતું અને વૈધે કહ્યું તેનાં જેવું થયું, શું વાંધો છે… મનગમતું મળતું હોય તો થોડી બાંધછોડ કરવી પડે ! ઘેર કોઈને કહ્યા વગર રવિવારની રજા હતી તે નોકરીના સ્થળથી સીધો જ અહીં આવ્યો. અજાણ્યું તો કશું હતું નહીં તેથી દિશા સામે સીધો પ્રસ્તાવ પણ મૂકી દીધો ! મુકેશે મનમાં નક્કી કરી રાખ્યું હતું કે, કોઈને વચ્ચે લાવ્યા સિવાય સીધો નિર્ણય જાહેર કરી દેવોઃ ‘દિશા મને ગમતી હતી અને આજે પણ એટલી જ ગમે છે. તેના સાથે જીવનભર જોડાઉં છું. !’ દિશાનો પરિવાર જાન જોડીને આવવાનું કહે તો એમ. હવે તો રીમેરેજ પણ વિધિવત થાય છે. નહિતર સાદી રીતે કોર્ટમાં મેરેજ કરી લેવાનાં. વળી ઘર કે પરીવારના કોઈ સભ્યો આડા ફાટે, હા-ના કરે તો પણ પહોંચી વળવાની મુકેશની તમામ તૈયારી હતી.

‘મને મારો જવાબ ન મળ્યો !’ મુકેશ સહેજ અકળાઈને ફરી સવાલ કર્યો. દિશાના બા બીજી વાતો કરતાં હતાં. પણ મુકેશના સવાલે થોડા અકળાયા તેથી ધીમા છતાંય મક્ક્મ સ્વરે કહેઃ ‘પણ દિશા હુંકરવા જવાબ આપે !?’
‘તો પછી તમે જ જવાબ આપોને !?’ મુકેશના સ્વરમાં રહેલી તીવ્રતા કાંટાના જેમ વાગી. મુકેશના વાણી, વર્તન અને વ્યવહાર બદલાઈ ગયા છે. ગોળગોળ ફરવામાં કે ફેરવવામાં રસ જ નથી. સઘળું તરત અને ઝડપથી જોઈએ છે. ગામડાના રીત-રિવાજથી પરિચિત છે. છોકરીનો હાથ માંગવો તે કંઈ સાવ રમત નથી કે, સીધી વાત કે ઉઘરાણી થઈ શકે ! અને છોકરી પણ સીધી હા કેમ પાડી દે !

મુકેશ સઘળું સારી રીતે સમજે છે, પણ પોતાની વાત જરા જુદી છે. દિશા સાથે પોતાને પ્રેમ સંબંધ હતો તે આખું ગામ જાણે છે. લગ્ન થવામાં હતાં પણ વડીલોની હુંસાતુંસી વચ્ચે અટવાઈ પડયા હતાં. હવે દિશા વિધવા છે, તેનાં લાયક મૂરતિયો શોધે છે. તો પછી આમ સીધું કહેવામાં કે પૂછી લેવામાં અથવા તો સીધી માગણી કરવામાં વાંધો કયાં છે !? વળી ઘરઅજાણ્યું નથી અને છૂટથી વાત થઈ શકે તેવું વાતાવરણ છે.
‘હવે તો દિશા જ જવાબ આપે ને…!’ મુકેશ આમ બોલીને સામેના બારણામાંથી ઘરમાં જોવા લાગ્યો. એકઘડીએતો ઊભા થઈ, અંદર જઈ દિશાનું બાવડું પકડી બહાર લઈ આવે અને પછી કહેઃ ‘ન બોલ તો કાંઈ નહિ, પણ સામે ઊભી રહે એટલે વાત પાક્કી થાય !’
દિશાના બા કશુંક કહેવા માંગતા હોય તેમ બરાબર સામે ઊભા રહ્યાં હતાં. બોલવા જતાં હતાં અને પાછાં અટકી જતાં હતાં એવું મુકેશને થતું હતું . મુકેશે નજરના સોયા વડે દિશાના બા ઉર્ફે ભાવી સાસુમાને રીતસરના વીધ્યા. તેઓ પણ નજરના પડતપાથી થોડા ધગીને ડગી ગયાં.
‘બોલો સાસુમા, આ જમાઈરાજ આપનો પડયો બોલ ઝીલવા તૈયાર છે !’
પાછું એમ પણ થયું કે આમ કહેવા કે પૂછવા જેવું કંઈ છે જ નહી. મિયાંબીબી રાજી તો ફિર કયા કરે પંડિત કાજી ! અને દિશા હવે કાંચી-કુંવારી ક્ન્યા થોડી છે !?

મુકેશને દિશા પર ભારોભાર ભરોસો હતો તેનાં કરતાં બમણો ગુસ્સો ચઢયો. થયું કે તેને ઘરમાં શું કરવાં ભરાઈ જવું જોઈએ ? હવે સોળ વરસની સુંદરી નથી તે આમ શરમાઈ જવાનું !? ખરેખર તો આખી વાત તેણે જ ઉપાડી લેવી જોઈએ ! ‘હજુ એવીને એવી નાદાન જ રહી.’ આમ કહી મુકેશે મન મનાવી લીધું. એક વખતે તો એવો વિચાર આવ્યો હતો કે, હવે વળી પૂછવાનું શું ? સેલફોનમાં જ દિશાને કહી દે. અહીં આવતી રહે બાકી જોયું જશે ! ‘ભાઈ ! તું ધારે છે, સમજે છે એવું નથી. આ ગામડું છે…!’ કોઈએ મુકેશને કાનમાં આવીને કહ્યું.

દિશા પાસે આવી બારસાખ પકડીને ઊભી રહી. મુકેશે નવલી નજરે તેનાં સામે જોયું. આજે પાંચ વર્ષ પછી આમ જુએ છે. આંખો ઠરી. અંતરના કોઠે દીવડા થયા, પણ એકાએક મનમાં ઝબકારો થ્યો કે, દિશાના કાન, નાક તો ઘરેણાંથી ભરેલાં છે ! વિધવા સ્ત્રી નાક તો અડવું રાખે તેવી મુકેશને ખબર હતી, પણ હશે…. આજની છોકરીઓ આવું ન પણ પાળે અને કદાચ પોતાના લીધે આમ ઘરેણાં પહેર્યા હોય, એવું પણ બને ! દિશાના બા સાવ માથે આવીને ઊભાં રહ્યાં. તેમની આંખો કશુંક કહેવા ઝળુંબી રહી હતી. થયું કે હવે નહિ બોલે તો તેમનું હૈયું, હોઠ સાથે જ વરસાદની જેમ વરસી પડશે, એમ મોં જોતાં લાગતું હતું. ત્યાં ઘરમાંથી દિશાની મોટીબહેન મોં સંઘરતી હોય તેમ દિશાની બરાબર પાછળ ઊભી રહી. તેને જોતાં જ મુકેશની આંખો પહોળી થઈ ગઈ. જે દિશાનાં મોં પર હોવું જોઈએ તે તેની બહેનમાં હતું ! પણ મુકેશ કંઈ બોલે-વિચારે તે પહેલાં જ, કાંક હમજફેર થાતી લાગે છે ! દિશાના બાએ, ક્ષણિક બન્ને દીકરીઓ સામે જોઈ પાછી મુકેશ સામે નજર નાખીને દુભાતા સ્વરે કહ્યું: ‘દિશા નંઈ પણ આ મોટી ઘરભંગ થઈ છે !’
પછી તેઓ આગળ બોલી શકયા નહિ પણ ચોધાર આંસુએ રડવાં લાગ્યાં….

મુકેશને ઘડીભર કશું સંભળાયું કે સમજાયું નહિ, તે ભોળા અને દયામણા ભાવે દિશાના બા સામે જોતો રહ્યો… સામે દિશા પણ મોં તાકીને ઊભી રહી. પણ સાચું સમજાયું ત્યારે ભોં ભારે થઈ પડી. મુકેશ કોઈના સામે નજર મેળવી શકયો નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “સમજફેર – રાઘવજી માધડ”

Copy Protected by Chetan's WP-Copyprotect.