બાળક એક ગીત (ભાગ-૧૧) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો ઘણો અંશ આપણે જુદા જુદા ભાગ રૂપે (ભાગ-૧ થી ૧૦) અગાઉ માણ્યો છે. એ જ શ્રેણીમાં આજે વધુ એક લેખ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ સરનામે vasantiful@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.]

[૪૪]

લગ્નની ધમાલમાં તારી સાથે વાત પણ થઇ નથી. લગ્ન સરસ રીતે પતી ગયા છે. રિશેપ્શનમાં નિશિતમામા અને મામી સાથે હું જ સ્ટેજ પર ઉભી રહી હતી. એ પહેલાં ફોટોગ્રાફર અંકલે મારા ને તારા પપ્પાના સરસ ફોટા પાડ્યા છે.

૧લી તારીખે પાછા અમદાવાદ આવ્યા ત્યારે શનિવાર હતો અને ઓફિસમાં અડધો દિવસ. પણ ઓફિસમાં કામ જ એટલું હતું કે આખો દિવસ ઓફિસનું કામ કરવું પડ્યુ. રવિવારે પણ ઓફિસ જવુ પડ્યુ. વિચારુ છું કે આજકાલમાં રજાઓ માટે ઇ-મેઇલ કરી દઉ. જો અગાઉથી રજાઓ માટે કહીશ તો રજાઓ આપે છે કે પછી રાજીનામુ માંગે છે જોઇએ હવે.

બે દિવસ પહેલા ગેસ જતો રહ્યો એટલે રોટલી પણ નીચે મકાન માલિક ને ત્યાં બનાવવી પડી. છે ને જીંદગી જાતજાતાના પ્રશ્નો અને જવાબો થી ભરેલી!

જ્યારે મેં ઓફિસમાં રજાઓ માટે વાત કરી તો મને પૂછવામાં આવ્યું કે તમે ઘરેથી કામ કરશો કે કેમ? જ્યારે મેં પહેલાં પૂછ્યુ હતુ ત્યારે મને કંપનીવાળાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી અને હવે જ્યારે એમને મારી જરુર છે ત્યારે નિયમોમાં બાંધછોડ કરવા તૈયાર છે. કેવી નવાઇની વાત છે. મને ખબર નથી કે આ વિકલ્પ કેટલા સમય સુધી આપશે અને પછી રાજીનામુ મુકાવશે કે કેમ. ખબર નથી પડતી કે આમાં કેટલુ આગળ વધવુ તે. બેઠા બેઠા મને કમરનો દુખાવો વધવા લાગ્યો છે અને બેસવામાં પણ ખાસ્સી તકલીફ પડે છે. ઉંઘ પણ જબ્બરજસ્ત આવે છે. થોડુ વધારે બોલુ કે ચાલુ તો શ્વાસ ચઢે છે અને ભૂખ પણ ગમે ત્યારે લાગે છે. મારી બધી જ શક્તિ તારામાં આવી ગઇ છે. બસ હું ઇચ્છુ કે તું શક્તિશાળી બને અને સારી રીતે જીંદગીમાં આવતી મુશ્કેલીઓ સામે લડી શકે!

બસ હવે ત્રણ દિવસ જ રહ્યા છે આણંદ જવા માટે. મેં તો આણંદ જઇ ને શું શું કરીશ તે પણ વિચારી રાખ્યું છે. જોઉ છું હવે એમાના કેટલા કાર્યો કરી શકુ છું.

આજકાલ તારુ તોફાન જરા ઓછુ થઇ ગયું છે…બધુ બરાબર તો છે ને? મેં જાનકીમાસી અને માનસીમામીને બતાવ્યુ હતુ કે તું કેટલું તોફાન કરે છે…. એમને તો એ જોવાની બહુ મઝા આવી ગઇ.

લિ.
તારી વ્હાલી મમ્મી.
.

[૪૫]

ગઇકાલે ડોક્ટર કિરણ દેસાઇને ત્યાં છેલ્લી વાર બતાવવાનું હતું. સોનોગ્રાફી કરી અને તારું વજન પણ જાણવા મળ્યુ. ડોક્ટર અંકલનુ માનવું છે કે ૩૦મા અઠવાડિયે બાળકનું વજન જેટલું હોવુ જોઇએ તેના કરતા વધારે છે. પણ મારા શરીર પ્રમાણે બાળકનું વજન બહુ વધારે વધવાની શક્યતા નથી. એટલે હવે તારું વજન તો તું આવશે પછી જ ખબર પડશે. અને સાચુ કહું તો આપણા વજન કરતાં આપણી વાતનું વજન વધારે હોવુ જોઇએ ખરી વાત છે ને મારી!

તારા આવતા પહેલાનો ઓફિસનો છેલ્લો દિવસ છે આજે. હવે ઘરેથી કામ કરવાનું છે. કાલે હું અમારી નેટવર્ક ટીમની જગ્યા પર ગઇ હતી એ જાણવા માટે કે ઘરેથી કામ કેવી રીતે કરવું. એમની જગ્યા પર એક સરસ વાક્ય લખ્યું હતુ…”એક ન આપેલી શાબાશી સો સારા કામ થતા અટકાવે છે.” આ વાત કેટલી સાચી છે. જ્યારે કોઇ કંઇ સારુ કામ કરે અને જો કોઇ એને વખાણે તો કામ કરનારને પણ વધારે સારુ કરવાનુ પ્રોત્સાહન મળે અને કામ કરવાનો ઉત્સાહ વધે.

કાલે હું, તારા પપ્પા, નિતિન અંકલ અને સૃજના આંન્ટી બહાર જમવા ગયેલા. સોમવારથી હું આણંદ જવાની છું એટલે આણંદ જતા પહેલાનું આ મારું છેલ્લું ભોજન એટલે કે “ધ લાસ્ટ સપર” છે એમ કહેવાય. જ્યારે ઇસુ ખ્રિસ્તને ક્રોસ પર ચઢાવવાના હતા તેની આગલી રાત્રે તેઓ એમના અનુયાયીઓ સાથે ભોજન લેવા બેઠા હતા. અને આવુ એક ચિત્ર પણ એક ચિત્રકારે દોર્યું છે જે “ધ લાસ્ટ સપર”ના નામથી ઓળખાય છે.

આજકાલ સવારે ૪-૫ વાગે આંખ ભૂખને લીધે ખૂલી જાય છે. પછી હું તારા પપ્પાને પરાણે પરાણે ઉઠાડુ છું. તારા પપ્પા મને કંઇ પણ ખાવાનુ રસોડામાંથી લાવી આપે અને હું ખઇ લઉ ત્યાં સુધી કંપની પણ આપે. અનિયમિત ઉંઘ ને લીધે તારા પપ્પાની આંખોની આસપાસ કાળા કુંડાળા પડી ગયા છે. તને હસુ આવે એવી એક વાત કરું..એ કાળા કુંડાળા કેવા લાગે છે ખબર છે? જાણે કોઇ ઉડતી રકાબી અવકાશમાંથી આવીને ધરતી પર ખાડો પાડી દીધો હોય એવા લાગે છે.

હું તારા પપ્પાના ટિફીનમાં દરરોજ એક નાની ચિઠ્ઠી મુકુ છું જેમાં કંઇક સરસ લખ્યું હોય. એટલે બપોરે તારા પપ્પા ટિફીન ખોલે ને એક સરપ્રાઇઝ મળે. એ ચિઠ્ઠી જોઇને તારા પપ્પાના ચહેરા પર સ્મિત આવી જાય. મેં પરમ દિવસે એક ચિઠ્ઠી મુકેલી અને મુકતી વખતે ખબર હતી કે એનો અર્થ તારા પપ્પાને સમજાવાનો નથી, અને ખરેખર બન્યું પણ એવું જ! ચિઠ્ઠીમાં મેં લખ્યું હતું “તને એકલતા ડંખશે?”

આપણે તો બે જણ છીએ ને એકબીજા સાથે વાત કરીએ છીએ પણ તારા પપ્પા તો અમદાવાદમાં સાવ એકલા જ હશે ને!
લિ.
તારી વ્હાલી મમ્મી.

.
[૪૬]

આજે સવારથી ઘરમાં ધમાલ ધમાલ છે. આજે મારુ શ્રીમંત છે. ઘર મહેમાનોથી ભરેલું છે અને સમય પ્રમાણે બધી વિધિ શરુ થશે. આ વિધિમાં મારે મારા પિયરમાંથી આવેલી સાડી પહેરવાની હોય એટલે ગીતાબા જે સાડી લાવશે તે મારે પહેરવાની છે. ગીતાબા મારા માટે ફૂલોનો સરસ સેટ પણ બનાવી લાવવાના છે. શ્રીમંતની વિધિ પતી ગયા પછી મેં ને તારા પપ્પા એ એક પ્રાથના કરી તારા માટે.

કાલે રાત્રે તારા વિચારોમાં ઉંધ પણ આવી નહિ ત્યારે રાત્રે ૩ વાગ્યે મેં આ પ્રાર્થના લખી છે.

હે ઇશ્વર,
અમારુ બાળક શારિરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય.

અમારુ બાળક ખોટા વહેમ, અંધશ્રધ્ધા અને પૂર્વગ્રહોથી પર હોય

અમારુ બાળક કોઇ પણ સંજોગોમાં સત્યને વળગી રહેનારું હોય

અમારુ બાળક કોઇની પણ સાથે અન્યાય ન કરે તેમજ અન્યાય સહન ન કરે તેવું હોય.

અમારુ બાળક શ્રી સરસ્વતી દેવીનું વરદાન થઇ ને આવે. તેના જ્ઞાન થી માત્ર પોતે જ નહિ આસપાસના વાતાવરણને પણ તરબતર કરી દે તેવુ હોય

અમારુ બાળક વિનમ્ર હોય.

અમારુ બાળક કોઇ પણ વાતને આંધળી રીતે અનુસરવાની જગ્યાએ તેને પોતાની રીતે તોલી માપીને અનુસરે તેવુ હોય.

હે ઇશ્વર,
અમારું બાળક ઇશ્વરીય અંશ હોય.

હવે આજે હું આણંદ જઇશ. મારે ને તારા પપ્પાએ બે મહિના અલગ રહેવું પડશે..પણ એ તારા માટે જ છે ને એટલે વાંધો નહિ.

લિ.
તારી વ્હાલી મમ્મી.

.
[૪૭]

હવે હું આણંદમાં જ છું અને અહીં મારે કંઇ કામ કરવાનુ હતુ નહી એટલે થોડી આળસુ થઇ ગઇ છું. સવારે ઉઠવામાં પણ મોડુ થઇ જાય છે. અહીં ડોક્ટરને બતાવ્યું છે. એમણે પણ સોનોગ્રાફી કરી અને બધુ બરાબર છે એમ કહ્યુ છે. આપણા અમદાવાદવાળા ડોક્ટર અંકલે જ એમનું નામ આપ્યુ હતુ. નવા ડોક્ટરનું નામ નીના શાહ છે. બસ હવે દર પંદર દિવસે બતાવવા જવાનુ છે અને ગોળીઓ ચાલુ રાખવાની છે. વિચાર્યું તો ઘણુ કે રજા પર હોઇશ ત્યારે શું શું કરીશ પણ એમાનું કંઇ થઇ નથી રહ્યું.

આજે ગીતાબા સાથે યોગ કરવા પણ ગઇ. ત્યાં જે ભાઇ આવે છે તેમણે મને કહ્યું છે કે આવતીકાલે તે મને ગર્ભાવસ્થામાં થઇ શકે એવા યોગ શીખવાડશે.

રાત્રે બહુ ભૂખ લાગી હતી એટલે ઉઠી ને ઇડલી ખાધી ને પાછી સૂઇ ગઇ. મારી દિનચર્યા હવે નાના બાળક જેવી થઇ ગઇ છે.

જાણે કે તું મારામાં ને હું તારામાં!

લિ.
તારી વ્હાલી મમ્મી.
.

[૪૮]

કાલે ગીતાબા અને દાદાની લગ્નતિથિ હતી. સવારે ઓફિસનું થોડું કામ કર્યુ એટલે સમય સરસ રીત પસાર થઇ ગયો. મને થોડા દિવસથી એવું થાય છે કે હવે આમાંથી છૂટુ તો સારુ. મારા જ કહેવાતા લોકો જ્યારે સ્વાર્થી અને લાલચી છે એ જાણ્યા પછી મારી જીવવાની ઇચ્છા જ મરી પરવારી છે. લોકોની દુનિયા પૈસા પર કેટલી અવલંબે છે એના અનુભવો થોડા થોડા દિવસે થતા રહે છે. લોકોને રુપિયાના ઢગલા કરવામાં જ રસ છે. ગુજરાતીમાં એક કહેવત છે “નાણા વગરનો નાથિયો ને નાણે નાથાલાલ.”. એટલે કે જ્યારે નાથા પાસે નાણા હોય ત્યારે લોકો એને નાથાલાલ કહી ને માન આપીને બોલાવે અને જ્યારે નાણા ન રહે ત્યારે નાથિયો કહી ને બોલાવે. મેં તો એવા લોકોને પણ જોયા છે જે પૈસા આપતા ભગવાનને પૈસા ન આપતા ભગવાનની જગ્યાએ મૂકી દે છે, આવા લોકો માટે માણસ તો શું વિસાતમાં છે.

આ દુનિયામાં જો કોઇ નિસ્વાર્થ પ્રેમ કરતું હોય તો તે માત્ર મા-બાપ જ હોય છે જે બાળકની દરેક ભૂલો ને માફ કરી ને પ્રેમ કરે છે અને સાથે રહે છે.

આજે તારી મમ્મીની વર્ષગાંઠ છે. જેવી રીતે તું આ પૃથ્વી પર આવીશ એવી જ રીતે આજના દિવસે મમ્મી જન્મી હતી. કાલ રાતથી જ બધાએ મને શુભેચ્છાઓ આપવાનું શરુ કરી દીધુ હતુ. આપણો જન્મદિવસ એટલે આપણો પોતાનો દિવસ. આપણે તો જાણે એક દિવસના રાજા. જમવામાં આપણી ભાવતી વસ્તુ બને, બધા થોડું વધારે વ્હાલ કરે અને થોડું પંપાળે પણ ખરા અને એમાં’ય મઝા આવે.

બાળકનો જન્મદિવસ મા-બાપ માટે સૌથી યાદગાર હોય છે. એટલે સ્વાભાવિક છે કે આ દિવસ ગીતાબા અને દાદા માટે કેટલો યાદગાર હશે. મારા અને તારા પપ્પા માટે પણ તું આવશે એ દિવસ સૌથી યાદગાર હશે.

નંદિનીમાંમીએ મારા ને તારા પપ્પાના ફોટા વાળો એક ગ્લાસ મને ભેટમાં આપ્યો છે. સાંજે રીટાબા, અતિતમામા, માનસીમામી, જાનકીમાસી, આધારમાસા બધાને જમવા આવવાનુ કહ્યું હતુ. જમવામાં ઉંધિયું, પૂરી અને ગુલાબજાંબુ બનાવ્યા હતા.

મોડી રાત્રે ઉંઘ ઉડી ગઇ, પછીતો ઉઠીને નાસ્તો કર્યો અને મોબાઇલ પર સુડોકુની રમત પણ રમી. પછી છેક વહેલી સવારે ઉંઘ આવી.

તારા જન્મની સાથે જન્મશે કેટલા’ય સપના!
લિ.
તારી વ્હાલી મમ્મી.
.

[૪૯]

કાલે ગીતાબા, દાદા, મામા અને મામી વડતાલ ગયા હતા અને હું રીટાબાના ઘરે. તારા પપ્પા મોડા મોડા પણ આવ્યા ખરા. પણ મને આખો દિવસ સુસ્તી લાગતી હતી એટલે અમે જાણે સાથે ન હોઇએ એવું જ લાગ્યુ. હમણા હમણાથી બહુ ખરાબ વિચારો આવે છે, લાગે છે કે જાણે જીવનથી કંટાળી ગઇ છું અને કોઇ સાચો રસ્તો મળતો નથી.

આજે સવારે બહુ વહેલી આખ ખૂલી ગયેલી. ચા-પાણી કરી આંટો મારવા પણ ગઇ. સવારે થોડુ ઓફિસનું કામ પણ કર્યુ. ઘરે રહીને લાગે છે કે હું ઘણી આળસુ થઇ ગઇ છું. જો નોકરી છોડી દઇશ તો ખબર નહિ કેટલી આળસુ થઇ જઇશ. પણ મને લાગે છે કે તું આવીને મારું બધુ આળસ ભૂલાવી દઇશ…ખરી વાત છે ને મારી?

લિ.
તારી વ્હાલી મમ્મી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “બાળક એક ગીત (ભાગ-૧૧) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ””

Copy Protected by Chetan's WP-Copyprotect.