- ReadGujarati.com - http://www.readgujarati.com -

લંડનમાં એક રાત – પ્રવીણસિંહ ચાવડા

[‘મારો એડિનબરાનો પ્રવાસ’ પુસ્તકમાંથી સાભાર. ]

વહેલી સવારે હીથરો એરપોર્ટ પર ઊતર્યો ત્યારે બિપિનભાઈ મને આવકારવા ઊભા હતા. એમનું ઘર હાઈ વિકોમમાં, એટલે કે ઘણે દૂર હતું. એવા પ્રતિકૂળ સમયે હાજર થઈ જવા માટે એમને લગભગ આખી રાતનો ઉજાગરો થયો હશે. મારી સૂટકેસ ઉપાડીને આગળ થતાં એમણે કહ્યું, ‘ચાલો.’
‘કયાં ?’
‘આપણે ઘેર.’
મેં મારી મર્યાદા રજૂ કરી ! કહ્યું કે, અમુક રેલવેસ્ટેશને જઈ મારે બ્રિટિશ કાઉન્સિલના માણસનો સંર્પક કરવાનો હતો. ‘ તે આપણે સાથે જઈને કરીએ.’ ‘હૉટેલમાં રોકાવાનું છે. આ રહ્યું કયાંક એનું નામ-’ ‘હૉટેલમાં રહો કે આપણે ઘેર, શો ફેર પડે છે ?’
‘કાલે સવારે ઈન્ટરસિટિમાં એડિનબરા જવાનું છે.’
‘ટ્રેન પર હું મૂકી જઈશ.’
‘અરે, ટિકિટ મારી પાસે નથી. હૉટેલ ઉપર કોઈ તેડવા આવશે. મને દોરીને રેલ્વે-સ્ટેશન લઈ જશે, મારા હાથમાં ટિકિટ મૂકશે. આ બધી વ્યવસ્થાનું શું ?’ પોંશરા ગંતવ્ય સ્થાને પહોંચી જવા માગતા નિશાળિયાનો આ અભિગમ બિપિનભાઈઅને રમૂજ પ્રેરક લાગ્યો હશે પણ એમણે વધારે રકઝક કરી નહીં. એવું નક્કી થયું કે પાછા વળતી વખતે, જરૂર પડે તો રોકાણ લંબાવીને પણ, મારે પંદર-વીસ દિવસ એમની સાથે રહેવું.

વહેલી સવારની નિદ્રાળ હવામાં બ્રિટિશ કાઉન્સિલના માણસ દ્વારા મારા હાથમાં બે કવર મૂકવામાં આવ્યાં. એકમાં બીજા તબક્કાની વાટખર્ચી માટે થોડું નાણુ હતું અને બીજામા માહિતી અને સૂચનાઓ. એડિનબરા સ્ટેશને કોઈ સ્વાગત કરવા આવવાનું નહોતું. પ્રવાસીએ ખુદ ટૅકસી કરીને હૉટલ ઉપર પહોંચી જવાનું હતું. જયાં શરૂઆતના ચાર દિવસ ઉતારાની જોગવાઈ હતી. પહેલા જ દિવસે કાઉન્સિલની સ્થાનિક કચેરીમાં મારાં પોગ્રામ ઑફિસર શ્રીમતી ઑડ્રી નેપિયરનો સંર્પક કરવાનો હતો.
‘ચાર દિવસને અંતે ?’ ‘રહેવાની વ્યવસ્થા તમારે જાતે કરી લેવાની રહેશે.’ આમ, મને સક્ષમ હાથોમાં મૂકી બિપિનભાઈએ વિદાય લીધી.

રેલ્વે-સ્ટેશન પરની એ નાની ઑફિસમાં વહેલી સવારના આછા અજવાળામાં મારી નજર સામેના ખૂણામાં પડી. ત્યાં સોફા ઉપર એક માણસ લપાઈને બેઠો હતો. પાસે પડેલો સામાન જોઈને લાગ્યું કે એ પણ મારા જેવો જ હશે. આફ્રિકાના એના દેશમાંથી વિદાય લઈને આવ્યો એ પહેલા એને પણ, થોડા સ્થાનિક ફેરફારો સાથે, પંખીઓ ડગલો અને ફોટોગ્રાફ જેવા અનુભવોમાંથી પસાર થવું પડયું હશે. જેમ હું એને જોતો હતો એમ એ મને જોઈ રહ્યો હતો. બ્રિટિશ કાઉન્સિલનો માણસ એની ગાડીમાં અમને બંનેને હૉટેલ સુધી મૂકવા આવ્યો. ગાડીમાં એનો ચહેતો સ્પષ્ટ દેખાયો નહીં પણ ઉજાગરાના ઘોઘરા સ્વરે બે સહપ્રવાસીઓ વચ્ચે થોડી વાતચીત થઈ. રિસેપ્શન પરથી રૂમની ચાવી મેળવીને અમે જુદા પડયા. તે પછી એને મળવાનું થયું નહીં. હું જેમ એડિનબરા ગયો એમ એને માટે બીજું કોઈ સ્થળ નિર્માણ થયું હશે. દર્પણમાં દેખાયેલી એ આકૃતિએ મારી અપૂર્વતાને, અદ્વિતીયતાને હણી લીધાં. દિવસ-રાત ઉંઘવામાં અને નજીકના રસ્તાઓ ઉપર ફરવામાં કાઢયાં પણ સમસ્યા હતી ભોજનની. માતા કે બીજા કોઈ સ્નેહીએ જળની અંજલિ ભરાવી પ્રતિજ્ઞા લેવડાવી નહોતી, તેમ છતાં નાનપણના સંસ્કારો એવા મજબૂત હતા કે ધર્મે જેને અભક્ષ્ય ગણ્યું તે અજાણતાં પણ ન લેવાઈ જાય તે વિશે સતત જાગ્રત રહેવાનું હતું. પાસેના એક સ્ટોરમાંથી સફરજન લીધાં, દૂધ અને બ્રેડ લીધાં. એ રીતે પહેલાં દિવસ પૂરતો ખોરાકનો પ્રશ્ન ઊકલી ગયો.

બીજી સવારે પાંપણો અને પાંખો પટપટાવતી નાની પરી આવી. ચાલો ટ્રેનનો ટાઈમ થઈ ગયો, નીચે ટૅકસી તૈયાર છે ! રસ્તામાં સ્વજનની જેમ વતનના અને કુટુંબના સમાચાર પૂછતી, આગલી રાતના ઉજાગરાને કારણે વહેલા ઊઠવામાં એને પડેલી મુશ્કેલી , વિશે ફરિયાદ કરતી, વળી એ ફરીયાદને સહાસ્ય પાછી ખેંચી લેતી એ મને રેલ્વે સ્ટેશને લઈ ગઈ. એનો પરિચય ? આમ તો કૉલેજમાં ભણતી હતી પણ કોઈ વાર બ્રિટિશ કાઉન્સિલ વતી યજમાનધર્મ બજાવી થોડી વધારાની આવક ઊભી કરી લેતી હતી, જેની મદદથી ઉજાગરા કરી શકાય. ક્મ્પાર્ટમેન્ટ શોધીને એણે મને મારી સીટ ઉપર સ્થાપિત કર્યો, મુઠ્ઠીમાં ટિકિટ પકડાવી, ઉંમરમાં મોટો જાણીને શિખામણ ન આપી, અને ઊડી ગઈ.

નાનામોટા ચમત્કારો
મને આપવામાં આવેલા ટાઈમટેબલ પ્રમાણે ઇન્ટરસિટિ ટ્રેનનો એડિનબરા પહોંચવાનો સમય સાંજના સાડાચારનો, પણ હું પહોંચ્યો ત્યારે સ્ટેશનની બહાર તો અંધારુ હતું. અન્ય ઉતારુઓ એ ઠંડીમાં વાહન શોધીને રવાના થવા લાગ્યા ત્યારે હું મૂઢ બની ઘડિયાળ તપાસતો ઊભો રહ્યો. કાં અંધારું ખોટું. એડિનબરા લંડનથી પણ ઉતરે લગભગ મોસ્કોની લીટી ઉપર, શિયાળાનો દિવસ ટૂંકો તેથી રાત વહેલી પડે. આ હું નહોતો જાણતો એવું નહોતું પણ મારા શરીરના અણુઓ તે સ્વીકારી શકયા નહીં. બેચેનીમાં માથું હલાવતો હું ટૅકસીમાં બેસી ગયો.
‘ચાલ ભાઈ, લઈ લે ઈસ્ટ મેફિલ્ડ.’
હૉટેલ ઉપર પહોંચ્યા પછી થોડી મિનિટોમાં જે પ્રહસન ભજવાયું તે કદમાં નાનું પણ હતું ઘણું મૌલિક. મુસાફરી પછી તરત સ્નાન એવા નિયમમાંથી એ ટાઢમાં પં મુક્તિ નહોતી. બાથરૂમ બહાર પૅસેજમાં હતું. રૂમનું બારણું ઉઘાડું જ રાખી નાહવા ગયો અને ગરમ પાણીના સ્પર્શથી હળવોફૂલ બની ગુંજન કરતો બહાર આવ્યો ત્યારે બારણું બંધ થઈ ગયું હતું – અને ચાવી અંદર હતી.

હૉટેલમાં પહેલી સાંજે અને પોતાના રૂમની બહાર લેંઘો-બનિયન પહેરીને ઊભેલો પ્રવાસી. ઝીણવટથી તપાસવામાં આવે તો એ દ્રશ્યમાં દ્વંદ્વ છે- એક તરફ, એ અવસ્થામાં કોઈ જોઈ ન જાય તેની ચિંતા તો બીજી તરફ સહાત મેળવવા પૂરતી પણ જાતને પ્રગટ કરવાની અનિવાર્યતા. પૂરતાં વસ્ત્રોનો અભાવે હૉટેલને ઓઢી શકાય નહીં. ખૂબ ધીમે પગથિયાં ઊતરીને નીચે રિસેપ્શનમાં ગયો પણ મૅનેજર કે માલિક, જેણે મને થોડી મિનિટો પહેલાં જ આવકાર્યો હતો, તે કટોકટી વખતે ગુમ થઈ ગયો હતો. કોઈ સાંભળી ન જાય તે રીતે એના નામનો ઉચ્ચાર કરતો હું ડાઈનિંગ હૉલમાં ડોકિયું કરી આવ્યો. હવે ? એ આદર્શ પરિસ્થિતિમાં જે કંઈ બનવું જોઈતું હતું તે સઘળું બની રહ્યું હતું. જેમને અદ્રશ્ય બનવાની જરૂર નહોતી તે બધાં અદ્રશ્ય બની ગયાં હતાં. છેલ્લી આશા બેઝમેન્ટની હતી. એક-એક પગથિયે પેલા નામનું રટણ કરતો હું નીચે ગયો ત્યાં- ‘યેસ ?’ સ્થૂળતા તરફ વળેલી છતાં અતિસુંદર એવી એક યુવતી કયાંકથી પ્રગટ થઈ. ‘કૅન આઈ હેલ્પ યુ ?’ તે માલિકણ હશે. હું શું બોલ્યો, ગરમ પાણી વિશે કે સાબુ વિશે, તે યાદ નથી પણ ઉતરમાં એણે હવામાંથી ખેંચીને બીજી ચાવી મારી સામે ધરી. તમે આની શોધમાં તો નથી નીકળ્યા ને ? એણે ચીસ પાડી નહીં. એના ચહેરા ઉપરના હાસ્યમાં રમૂજ નહોતી, ઉપહાસ નહોતો, હતું ફકત મળતાવડાપણું. કદાચ, આંખોની વિશિષ્ટ રચનાને કારણે એને લેંગો-બંડી નહીં પણ પૂરાં વસ્ત્રોમાં સજ્જ એવી મારી સંપાદિત આવૃતિ જ દેખાઈ હશે.

શેરીના નાકે એક સ્ટૉલ મળ્યો ત્યાંથી કંઈક ફ્રૂટ લીધું પણ એટલું પૂરતું નહોતું. સાવચેતીપૂર્વક આગળ વધ્યો. ઠંડી ખૂબ હતી, અંધારું હતું. ધીમો વરસાદ આવતો હતો અને ફૂટપાથ ભીનો હતો. પોષણક્ષમ આહાર મળે કે ન મળે, મારાં ફેફસાને ઘણું મળી રહ્યું હતું. પાણીથી ચમકતી સડક ઉપર ગાડીઓ ઝડપથી પસાર થતી હતી. વરસાદના નશામાં મૂળ પ્રયોજન ભુલાઈ જાય એવી સ્થિતિ હતી. ત્યારે મધ્યમવયનું એક યુગલ સામે મળ્યું.
કટાણે ચાલવાવાળાં મારા જેવાં બીજાં પણ હતાં. હું ઊભો રહી ગયો. તે પણ થોભ્યાં. ‘કૅન વી હેલ્પ યુ ?’ મેં શરૂઆત કરી, ‘ટુડે ઇઝ સન્ડે-’ આટલા શબ્દો પછી હું ક્ષણ માટે થોભ્યો નહોત તો એ પ્રસંગની અહીં નોંધ લેવાનું કારણ નહોતું. મેં આપેલા અવકાશમાં પેલાં બે એકબીજાની સામે જોવા લાગ્યાં. આ રીતે ફૂટપાથ ઉપર ઊભાં રાખી અજાણ્યો માણસ આવી માહિતી શા માટે આપે તે એમને સમજાયું નહીં હોય.

સ્ત્રીએ મૃદુતાથી પૂછયું, ‘આર યુ એ ટૂરિસ્ટ ?’ મેં કહ્યું ‘લગભગ.’ પુરુષ સહેજ પાછળ ખસીને સ્મિત કરી રહ્યો હતો. આ બધું ક્ષણાર્ધમાં જ બન્યું. તરત મેં વાકય પૂરું કર્યું, ‘રવિવાર છે, નજીકમાં કોઈ સ્ટોર ઉધાડો હશે જયાંથી મને દૂધ-બ્રેડ મળી શકે ?’ બંનેએ શ્વાસ હેઠો મૂકયો અને સાથે આંગળી ચીંધીને દીવાદાંડી જેવો એક મહાલયનો ગુંબજ બતાવ્યો. પેલો રહ્યો મૉલ. ત્યાં તમને જે જોઈતું હશે તે મળશે.
‘થેન્ક યુ, થેન્ક યુ સો મચ.’
‘ગુડનાઈટ,’ પુરુષે કહ્યું.
‘ગુડનાઈટ.’ સ્ત્રીએ કહ્યું.
સંન્યાસીએ છાજે એવું ભોજન પૂરું કર્યું ત્યારે માંડ આઠ વાગ્યા હતા. હવે ચોપડી લઈને પથારીમાં ગોટમોટ થવાનું હતું. પ્રકાશવ્યવસ્થા બરોબર સમજી લઈ હું યોગ્ય અંતરે લૅમ્પ ગોઠવતો હતો ત્યાં બારણે હળવા ટકોરા થયા. પરદેશમાં મને મળવા પહેલો મુલાકાતી આવ્યો હતો ! બારણું ઉધાડ્યું તો એક પાતળો ઊંચો માણસ ઊભો હતો. ભાંગ્યાતૂટયા અંગ્રેજી અને મુખ્યત્વે ઈશારાની મદદથી એણે સમજાવ્યું- સામેની રૂમમાં છું, તમને હમણાં આવતા જોયા.

મેં બારણું પૂરું ઉધાડી દીધું, ‘અંદર પધારો, પછી બીજી વાત.’ અલેકઝાન્ડર કે. બાર્ટનોવનું નામ મારી ડાયરીમાં નોંધાયેલું છે. વિઝિટિંગ કાર્ડ પણ સચવાયું છે જેમાં એક બાજુ રશિયન અને બીજી બાજુ અંગ્રેજીમાં એનો ગૂંચવડાભર્યો પાત્રપરિચય છે – રીડર ઈન ડિઝાઈન ઍન્ડ કન્સ્ટ્રશન ઑફ ઑફશોર પાઈપલાઈન ! મેં કહ્યું, ‘બેસો.’ એ ખુરશીમાં બેઠો. આજુબાજુ જોયું, બારીની બહાર જોવા આંખો ખેંચી. એ પણ મારા જેવો હતો. એની તાલિમ મારી સાથે જ ચાલુ થવાની હતી પણ ત્રણેક દિવસ વહેલો આવી ગયો હતો. મોસ્કોવાસીને માટે એડિનબરાની ઠંડી તો બચ્ચા જેવી ગણાય પણ એની સમસ્યા જુદી હતી. એના કમનસીબે અંગ્રેજોએ રશિયા ઉપર શાસન નહોતું કર્યું તેથી તે અભાગી અંગ્રેજીના જ્ઞાનથી વંચિત રહી ગયો હતો. એને લથડાતો જોઈને મારી મૂંઝવણો ભુલાઈ ગઈ. મારા ખભા ઊંચકાયા અને વિસ્તરીને હું ઓરડાને ભરવા લાગ્યો. મેં એને અભયવચન આપ્યું. એડિનબરામાં રહીએ ત્યાં સુધી એને સાચવવાની, શહેરની અને ભાષાની ગલીઓમાં દોરવાની, જવાબદારી મેં સ્વીકારી.

બીજા દિવસે એને પણ બ્રિટિશ કાઉન્સિલની ઑફિસની મુલાકાત લેવાની હતી. મેં કહ્યું, ‘આપણે સાથે જઈશું.’
કયાંકથી કાઢીને એણે નકશો મારી સામે ફરકાવ્યો. ‘ચિંતા ન કર, તારા નકશા પ્રમાણે જઈશું.’ ખુશ થતો થતો એ ગયો.