અભાવનું ઐશ્વર્ય – ભગીરથ બ્રહ્મભટ્ટ

[‘અભાવનું ઐશ્વર્ય’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર.]

Image (17) (420x640)આજે ભર્યાભંડાર છે. પાણી કહેતાં દૂધ મળે છે. એક કહેતાં અનેક તહેનાતમાં ઊભાં છે, હાજરાહજૂર બધું હોવા છતાં મને મારા અભાવો સાંભરે છે. હું આજની તુલનામાં ત્યારે સમૃદ્ધ હતો, જયારે મારી પાસે ભૌતિક રીતે કશું ન્હોતું !

હું અભાવોનો આભારી છું. અભાવોએ મારું ધડતર કર્યું છે. અભાવની આંગળી પકડીને મોટો થયો છું. સ્લેટમાં લખવાની પેન નહોતી, ત્યારે કોલસાનો વિક્લ્પ શોધી કાઢીને ભીંતો ઉપર લીટા તાણી પ્રગટયો છું. આંક અને અક્ષર ત્યાંથી જન્મ પામ્યા છે. એમ કહું કે કોલસો મારા અક્ષરપાણીની ગંગોત્રી છે. નિશાળ કરતા ખેતર વધારે વ્હાલું લાગ્યું છે. એટલે તો નિશાળમાંથી સીધો ખેતરે પહોંચ્યા છું. જે નિશાળમાંથી નથી પામ્યો એ બધું ખેતરે શીખવ્યું છે. ઢોરને પાણી કેવી રીતે પાવું- એની વેદના કેવી રીતે સમજવી ? નિશાળો એ બાબતે મૌન છે-ખેતરે સમૃદ્ધ બનાવ્યો છે. પશુઓ, પંખીઓ સાથે કેવી રીતે સંવાદ કરવો એ વાતનો નિશાળમાં અભાવ રહ્યો છે.

માસ્તરોએ જે ભણાવ્યું એ વિસારે પડી ગયું, પણ એમના વર્તનમાંથી જે પમાયું એ યાદ છે. દ્રોણાચાર્ય જે પ્રેમથી અર્જુનને ભણાવતા એ પ્રેમથી કર્ણને નહી ભણાવ્યો હોય એ વાતનો હું પણ સાક્ષી છું. પોતીકાં પુસ્તકો નહોતાં ત્યારે પારકાં પુસ્તકો ઉજાગરો કરી, ધ્યાનપૂર્વક વાંચ્યાં છે. શિસ્તના આગ્રહી માસ્તરે મારા મોડા આવવાનાં કારણો કયારેય ચકાસ્યાં નથી, મને કેવળ તડકે બેસાડયો છે ! એ તડકો, ત્યારે છાંયાનો અભાવ હતો. હું રડતો…. આજે અભાવ મારા જીવનનું પાથેય છે.

મને ત્યારે માણસો કરતાં પશુઓ વધારે ગમતાં, કૂતરાં સાથે દોસ્તી કરતો. એ માનવપ્રીતિના અભાવમાંથી પ્રાણીપ્રીતિ જન્મી હશે ? મને હંમેશા એમ જ થયા કરે છે કે સાબરમતી નદી સહેજ લાંબી થઈને, વળાંક વળીને મારા ગામના પાદરમાંથી પસાર થઈ હોત તો કેવું સારું થાત ? ગિરનારનો પર્વત મારા ગામની ભાગોળે હોત તો કેવું ? નદી-પર્વતનો અભાવ જ મારી અને મારા ગામની નિયતિ છે, નહિ તો મારા ગ્રામજનોને સાત સાત પેઢી સુધી બાવન હાથ જેટલા ઊંડા કૂવામાંથી શા સારું પાણી સિંચવું પડે ? સાત સાત પેઢીથી મારા ગામના લોકોએ તેમનું અડધું આયખું જળપ્રાપ્તિના વલખાંમાં જ પસાર જ કર્યું છે. હુંય એનો સાક્ષી છું. મને હંમેશા થયા કર્યું છે-ભગવાન શા માટે અમારા ગામ ઉપર આફત લાવતો હશે ? એ પ્રશ્ન પ્રશ્ન જ રહ્યો છે. ભણેલા દાકતરો, ઈજનેરો, મારા ગામમાં કેમ નથી જન્મતા ? આવા આવા વિચારો પેલા અભાવની અનુભૂતિ છે. ખૂબ જ નાનો હતો, ત્યારે પિતાજીને અમારા ઘરનો સંસાર ચલાવતા જોયેલા. વ્હેલા ઊઠે, ચા-પાણી કરી, સેવા-પૂજા કરે, ખેતરે જાય… ઉઘરાણીવાળા આવે… વાયદા કરે…. વાયદા ખોટા પણ પડે… નિઃસાસા નાખે… ખોટું બોલવા જેવી સ્થિતિ આવે… મને થાય કે ખોટું બોલી નાખશે, પણ એમ ન થાય.

એ અભાવોમા તેમણે વલખાં માર્યાં છે. એમનાં વલોપાતમાંથી મારું ધડતર થયું છેઃ તેઓ ખેતીમાં નિષ્ફળ જાય એટલે કશુંક શહેરમાંથી લાવી ગામડાં વેચે, ફેરી કરે, નાનાં બાળકો માટેના ફ્રોક, ચૉકલેટ, નાની ચડ્ડી, બિસ્કિટ, ગોળી, પેન… ગામેગામ ફરે, લોકો ખરીદે, કોઈ રોકડા પૈસા આપે, કોઈ બાકી રાખે… ખરા બપોરેએ પ્રખર તાપમાં ફેરી કરતા હોય. એમને ખપ હોય ત્યારે ઉઘરાણીનાં નાણાં પરત ન આવે. એ અભાવ નહી તો બીજું શું ? એ ભગવાનને સહારે જાય… ભગવાનનો ભાવ પણ હેઠે ન આવે, ત્યારે શું થતું હશે ?

પિતાજીના એ અભવો જોઉં- સમજું- પચાવું એ પહેલાં તો અભાવોની વચ્ચેથી મારગ કરીને ખુદ પિતાજી મારા જીવનમાંથી ચાલ્યા ગયા અને વળી પાછો હું પિતૃપ્રેમના અભાવમાં મોટો થવા માંડયો. છત્ર છિનવાઈ જતાં હું મોભ બનતાં શીખી ગયો. ઘરમાં ન્હોતો રેડિયો જ કે ન્હોતી ઘડિયાળ બંને મેળવવા માટે ત્રણેક દાયકા કાઢી નાખ્યા છે. રેડિયો સંભાળવા પડોશીની ભીંતે કાન માંડું અને ધડિયાળના કાંટા કેવી રીતે ચાલે છે એને એક નજરે તાકયા કરું. પગમાં કાંટો વાગે ત્યારે શૂળથી કાઢું…. શાકની જગ્યાએ ચટણી અને દાળની જગ્યાએ કઢી વધારે ફાવ્યાં છે. રેડિયો સાંભળવા માટે કાન સરવા કરી, જયાં એ વાગતો હોય ત્યાં પગ દોડી જાય. અવાજથી આકર્ષાઉં…. રેડિયામાં કેવી રીતે બોલય, કેવા મોટા માણસો બોલતા હશે, એ બધી બાબતોનું વિસ્મય. એ વિસ્મય કયારે ખરી પડયું એની ખબર નથી, પણ એ વિસ્મય જયાંથી મારામાં રહ્યું, ત્યાં સુધી હું રેડિયાના અભાવ વચ્ચે સમૃદ્ધ રહ્યો છું.

વરસતા વરસાદમાં છત્રીનો વિક્લ્પ શણનો કોથળો જ બન્યો છે, ત્યારે નાનપ નહોતી આવતી. એ કોથળો ઓઢયાનો આનંદ થયો છે. ઠંડીમાં થરથરતો ત્યારે ઊનનાં સ્વેટર હતાં જ કયાં ? ફાટેલા- જૂનાં સુતરાઉ ખમીસ એક ઉપર એક ચઢાવવામાં શરમ નહોતી આવતી. ઠંડીમાં એ વસ્ત્રોએ ટકાવ્યાનો આનંદ થતો. અડવાણે પગે ખેતરે જતો. ખૂબ તાપ હોય, તપી ગયેલી રેતી દઝાડતી ભેંસના છાણમાં પગ નાખી દેવાથી પગ દાઝતા અટકી પડતા એ વખતે પગરખાંનો વિકલ્પ શોધી કાઢવાનો આનંદ હતો. પાન ખરીદીને ખાવાના પૈસા નહોતા. ગલોફામાં ડોડીના પાન રાખી નાગરવેલનું પાન ખાધાનો સંતોષ લીધો છે. અભાવને કારણે નિઃસાસો નથી નાખ્યો, ઊલટો સમૃદ્ધ થયો છું. અભાવે ઘડતર કર્યું છે મારું.

ભૌતિક સાધનો જ શા માટે ? હ્યદયનો પ્રેમ પૂર્ણ કયાં પામી શકયો છું ? બાપા એમની જટિલ સમસ્યાઓથી ઘેરાયેલા. બા-બાપાની સમસ્યાઓથી ચિંતામાં ફસાયેલા, મોટો વસ્તાર. મારી તરફ કોણ ધ્યાન આપે ? નવરાશ પણ કયાં હતી ? એ અભાવને કારણે હું મારી કેડી રચતો થઈ ગયો. કેવી રીતે ભણવું ? કેવી રીતે કામ કરવું…? કેવુ વર્તન કરવું…? આ બધી સમજ એ અભાવની અનુભૂતિ થઈ… એમ ઘડતર થતું ગયું, થતું રહ્યું. ગ્રામજનો પાસેથી પણ પ્રેમ ન પામ્યો. સમજણ આવી અને શહેરમાં કમાવા દોડી આવ્યો. જુવાન થયો અને પ્રેમના દિવસોમાં પણ પ્રેમ ન પામી શકયો. પૈસાના અભાવમાં કમાણી તરફ લક્ષ્ય રહ્યું.

પ્રેમના અંકૂર ફૂટે અને પેલી સમજણ એ તરફ જવા ન દે. એ અભાવે ઠરેલ થતાં શીખવ્યું. આમ, અભાવને કારણે જે વિકલ્પો શોધવાની આદત પડી એનાથી જિંદગી જીવવાની સમજણ વધતી ચાલી. ઈસ્ત્રી હતી જ કયાં ? ધોયેલાં કપડાં ડામચિયે નાખતા. ગોદડી નીચે. એ પહેરીનેજ કોઈની જાનમાં જતા, હરખાતા. ત્યારે કારેલાનાં શાકનો વિક્લ્પ ઘરમાં નહોતો… પણ એ વિકલ્પ શોધતાં આવડી ગયેલું. રોટલા જોડે ગોળ, મરચાથી ચલાવી લેતાં, ફાવી ગયું છે. એ ઘડતર નહીં તો બીજું શું ? ઉમાશંકરે અભાવને બદલે નિષ્ફળતાનું ગાણું અમથું ગાયું હશે ?-
‘મને મળી નિષ્ફળતા અનેક
તેથી થયો હું સફળ કૈંક જિંદગીમાં.’
એ ઉક્તિને હું મારા સંદર્ભમાં આમ કહી શકું- ગાઈ શકું
‘મને ફળ્યા અભાવો અનેક
તેથી થયો હું ભાવુક જિંદગીમાં.’

ઘરમાં ઓરડે તરડાઇ ગયેલું માટલું ખૂણે પડયું રહે, હું એને જોયા કરું. એ વણખપનું માટલું ઓરડે શોભે. પાણિયારેથી એ ઓરડે પહોંચ્યાના કારણમાં પેલી તિરાડ છે- એવી તિરાડોં મેં પણ વેઠી છે, એને કારણે મનોમય સ્થાનફેર પામ્યો હોઈશ, ભાવ ફેર થયો હશે- એ વાતની શી રીતે અવગણના થાય ? મને હવે સમજાય છે- ‘અભાવ’ શબ્દ ‘ભાવ’ ની સમૃદ્ધિમાંથી આવ્યો હોવો જોઈએ. નહિ તો, અભાવ આટલો બધો ભાવથી ભર્યો હોય ખરો ?

મારા ભાગ્યમાં અભાવના આસોપાલવ ઊગ્યા એને હું શુકનિયાળ તોરણ સમજું છું.- અભાવની માટીમાંથી ભાવના અંકુરો ફૂટયા છે એ જ મારી લબ્ધિ છે. ખરેખર ધોર અંધારી રાત્રિને પ્રતાપે જ અજવાળું લઈને ઉષા પૃથ્વી ઉપર પધારે છે એ ઘટનાનું સત્ય મારા જીવન પરત્વે પણ એટલું જ યથાર્થ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “અભાવનું ઐશ્વર્ય – ભગીરથ બ્રહ્મભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.