હે વત્સ ! – ડૉ. રાજકુમાર ટોપણદાસાણી અને પ્રો. એમ. એમ. ગૌદાણા

[ પૌરાણિક પાત્રોનો વિસ્તૃત પરિચય કરાવતા પુસ્તક ‘હે વત્સ !’માંથી બે લેખો સાભાર પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[૧] અગસ્ત્ય

Image (19) (406x640)અગસ્ત્યં, કુંભકર્ણં ચ, શનિં ચ વડવાનલં;
આહાર પચનાર્થાય, સ્મરેત્ ભીમં ચ પંચમં.

વિશ્વમાં ખોરાક પચાવનારા અગસ્ત્ય સૌથી શ્રેષ્ઠ મનાયા છે. મહર્ષિ વરુણ (કેટલીક જગ્યાએ મિત્ર અને વરુણ) એક વખત આદિત્યના યજ્ઞમાં ગયા, ત્યાં ઉર્વશી નામની અપ્સરાને દેખીને તેમને સ્ખલન થયું. તેમનું રેતસ્ કુંભમાં પડયું. તેમાંથી અગસ્ત્ય અને વસિષ્ઠ જન્મયા. બંને ઋષિઓની કુંભમાંથી ઉત્પતિ થઈ હોવાથી બંનેને કુંભયોનિ, કુંભજ કે કુંભોદ્ભવ પણ કહેવામાં આવે છે. આ સિવાય તેઓ મિત્રાવારુણિ કે વારુણિ તરીકે પણ ઓળખાય છે.

અગસ્ત્યે લગ્ન ન કરવાનો ઈરાદો કરી લાંબા સમય સુધી બ્રહ્મચર્ય પાળ્યું હતું. એક વખત સ્વપ્નમાં તેમણે તેમના પિતૃઓને એક ખાડામાં ઊંધે મસ્તકે લટકતા જોયા. અગસ્ત્ય ઋષિએ તેમને તેમની આવી દશાનું કારણ પૂછ્યું. પિતૃઓએ કહ્યું કે, ‘જો તું લગ્ન કરીને સંતાન ઉત્પન્ન કરે તો અમે આ યાતનામાંથી છૂટીએ.’ અગસ્ત્યે ઘણી તપાસ કરી, પરંતુ તેમને અનુરૂપ કોઈ કન્યા તેમના જોવામાં આવી નહીં. તે સમયે વિદર્ભ દેશના રાજા પુત્રની ઈચ્છાથી તપ કરતા હતા. અગસ્ત્ય ઋષિએ પોતાના તપોબળ વડે સંકલ્પ કર્યો કે તેની સ્ત્રીને એક કન્યા ઉત્પન્ન થાઓ. વિદર્ભ રાજની સ્ત્રીના ઉદરે કન્યાનો ગર્ભ રહ્યો. રાજાએ પુત્ર ઉત્પન્ન થવા ધાર્યો હતો, છતાં પુત્રી ઉત્પન્ન થઈ ! પોતાની ધારણા (મુદ્રા) નો લોપ થયો તેથી તેમણે તે કન્યાનું નામ લોપામુદ્રા રાખ્યું. રાજાએ સ્વયંવરમાં લોપામુદ્રાને અગસ્ત્ય ઋષિ સાથે પરણાવ્યાં. ત્યાર બાદ અગસ્ત્ય હરિદ્વાર ક્ષેત્રમાં પોતાની પત્ની સાથે ઘોર તપશ્વર્યા કરવા લાગ્યા.

લોપામુદ્રા રાજક્ન્યા હોઈ સુંદર વેશભૂષા અને આભૂષણો ધારણ કરે તેમ જ અગસ્ત્ય ઋષિ પણ તે પ્રમાણે સુંદર વસ્ત્રો અને અંલકારો ધારણ કરી પુત્રપ્રાપ્તિ માટે ક્રીડા કરે તેવી માગણી તેમણે પતિ પાસે કરી. લોપામુદ્રાએ અગસ્ત્યને કહ્યું કે, ‘આ જીવલોકમાં જેટલું ધન છે, તે બધું આપના તપના પ્રભાવથી ક્ષણમાત્રમાં આપ મેળવી શકો તેમ છો.’ અગસ્ત્ય ધન માગવા મહારાજ શ્રુતર્વા પાસે ગયા. ઋષિએ તેમને કહ્યું કે, ‘મારે એવા ધનની ઈચ્છા છે, જે બીજાને કષ્ટ પહોંચાડયા વગર પ્રાપ્ત કરેલું હોય. શ્રુતર્વા પાસેથી તે ન મળી શકતાં બંને રાજા વૃધ્નશ્વ પાસે ગયા. ત્યાં પણ તે ન મળી શકતાં ત્રણે પુરુકુત્સના મહાન પુત્ર ત્રસદશ્યુ પાસે ગયાં, ત્યાં પણ તેમને સફળતા ન મળી. ત્યાર બાદ તેઓ ઇલ્વલ રાક્ષસ પાસે ગયા. ઇલ્વલે પોતાનો મનોભાવ જણાવવા અગસ્ત્યને કહ્યું. અગસ્ત્યે તે કહી બતાવતાં ઇલ્વલે ત્રણે રાજાને દશ હજાર ગાય તથા તેટલી જ સુવર્ણમુદ્રાઓ આપી. અગસ્ત્યને તેથી બમણી ગાયો તથા સુવર્ણમુદ્રાઓ આપી. ધન પ્રાપ્ત કરી અગસ્ત્યે લોપામુદ્રા સાથે યથેચ્છ વિહાર કર્યો, તેમ જ તેમની સર્વકામનાઓ પૂર્ણ કરી. લોપામુદ્રાને ગર્ભ રહ્યો. અગસ્ત્ય વનમાં ચાલ્યા ગયા. ગર્ભ સાત વર્ષ પેટમાં રહ્યો. ત્યાર બાદ તેમને દઢસ્યું નામે ખૂબ બુદ્ધિમાન અને તેજસ્વી પુત્ર પ્રાપ્ત થયો. તેમણે સાંગોપાંગ વેદ-ઉપનિષદોનું અધ્યયન કર્યું હતું. તેનાથી પિતૃઓને અભિષ્ટ લોક પ્રાપ્ત થયો.

લોપામુદ્રા વિદૂષી હતાં. તેમને દઢાસ્ય અને દઢસ્યુ નામે બે પુત્રો થયા હતા. ઋગ્વેદના પ્રથમ મંડળ, અઢાર અનુવાક, ૧૭૯ સૂકત અને બે મંત્રોની તેમણે વ્યાખ્યા કરી હતી. તેઓ મહાજ્ઞાની અને શક્તિના મોટા ઉપાસક હતા. તેમના ઉપદેશથી પોતાના ગુરુ હયદેવ દ્વારા અગસ્ત્યે જુદા જુદા પ્રકારની શક્તિઓ મેળવી હતી. વિંધ્યાચલની દક્ષિણમાં કુંજર પર્વત ઉપર તેમનો આશ્રમ આવેલો હતો. રામ-લક્ષ્મણ સીતાની શોધ કરતાં અગસ્ત્યના આશ્રમે આવ્યાં હતાં. ઋષિએ તેમનો સત્કાર કરી થોડા દિવસ તેમને પોતાના આશ્રમમાં રાખ્યા હતા. ઋષિએ રામને ‘વિરજા’ નામની શૈવદીક્ષા આપી હતી. ઋષિએ રામને વિદાય આપતી વેળાએ જુદાજુદા પ્રકારનાં દિવ્યાસ્ત્રોના મંત્રો આપ્યા હતા.

અગસ્ત્યનું પ્રથમ નામ ‘માન’ હતું. પરંતુ પર્વત (અગ=વિંધ્યાચલ) ને અટકાવનાર (સ્ત્યૈ) તેઓ બન્યા. તેથી તેમનું નામ અગસ્ત્ય પડયું. પૂર્વે પર્વતોને પાંખો હતી અને તેઓ સ્વૈરવિહારી હતા. સૂર્યના માર્ગને અવરોધવા એક વખત વિંધ્યાચલ વધવા જ માંડયો, તે કોઈ હિસાબે અટકે જ નહીં. અગસ્ત્ય વિંધ્યાચલના ગુરુ થાય, તેથી દેવતાઓએ અગસ્ત્યને તેને વધતો અટકાવવા વિંનતી કરી. અગસ્ત્ય ઉતરમાંથી દક્ષિણ દિશા તરફ જવા નીકળ્યા. વચ્ચે વિંધ્યાચલ આવ્યો. ગુરુને આવતા જોઈ તેણે શીશ નમાવ્યું. અગસ્ત્યે તેને આશીર્વાદ આપતાં જણાવ્યું કે, ‘હું દક્ષિણમાંથી પરત ન ફરું ત્યાં સુધી તું આ જ સ્થિતિમાં રહેજે.’ ત્યારથી લઈ અને આજ સુધી અગસ્ત્ય દક્ષિણમાંથી પાછા ફર્યા નથી અને ત્યારથી વિંધ્યાચલ વધતો અટકી ગયો છે. આથી જે વાયદાઓ પૂરા ન થતા હોય તેને ‘અગસ્ત્યના વાયદા’ તરીકે લોકોકિતમાં ગણવામાં આવે છે.

પૂર્વ કેટલાક અસુરો સમુદ્વમાં સંતાઈ જઈ દેવો તથા ઋષિઓને ઉપદ્વવ કરતા હતા. દેવતાઓના રાજા ઈન્દ્રે અગ્નિ અને વાયુને સમુદ્ર પી જવાની આજ્ઞા કરી, જે તેઓએ માની નહીં. આથી ઈન્દ્રે તેમને મનુષ્યયોનિમાં જન્મવાનો શાપ આપ્યો. ચાલુ વૈવસ્વત મન્વંતરમાં અગ્નિ અને વાયુ બંનેને મિત્રાવરુણ દ્વારા એક જ દેહમાં જ્ન્મ મળ્યો. તે જ અગસ્ત્ય અને વસિષ્ઠ બન્યા. અસુરોનો ઉપદ્રવ ચાલુ જ હતો. દેવતાઓ તથા ઋષિઓએ અગસ્ત્ય ઋષિને વિંનતી કરી કે તમો સમુદ્રને પી જાવ. ઋષિ એક જ અંજલિમાં સમુદ્રને પી ગયા. સમુદ્ર ખાલી થતાં રાક્ષસો દેખાયા અને દેવતાઓ તેમને શોધી-શોધીને મારવા લાગ્યા. આમ, સમુદ્રનો આશ્રય લેનારા તમાન અસુરોનો નાશ થયો. દેવતાઓ તથા ઋષિઓએ અસુરોને નાશ થયેલા જાણી અગસ્ત્ય ઋષિ પાસે ગયા અને સમુદ્રને ભરી દેવા વિંનતી કરી. ઋષિએ કહ્યું કે, ‘સમુદ્રને હું પચાવી ગયો છું, તેથી હવે હું તે ભરી શકું નહીં. કેટલાક સમય બાદ ભગીરથ રાજા સ્વર્ગમાંથી ગંગાને પૃથ્વી પર લાવશે તેનાથી સમુદ્ર ભરાઈ જશે.’ એ અસુરો કાળકેય નામથી ઓળખાતા હતાં અથવા તેનો સરદાર કાળકેય હતો. સમુદ્ર પી જવાથી અગસ્ત્યનું ‘પીતાબ્ધિ’ એવું નામ પણ પડયું છે. કાળકેય વૃત્રાસુરને અધીન હતો. વૃત્રાસુરનો ઇન્દ્ર દ્વારા વધ થતાં કાળકેયો સમુદ્રમાં સંતાઈ ગયા હતા.

દક્ષિણ દેશમાં ઈલ્વલ અને વાતાપિ નામના બે રાક્ષસોનો ભારે ઉપદ્રવ હતો. તેઓ મુનિઓને પોતાને ત્યાં ભોજન માટે નિમંત્રણ આપતા. ઇલ્વલ વાતાપિને રાંધી ભોજન કરનારને આપતો. ભોજન કરનાર ભોજન કરી રહે એટલે તે વાતાપિના નામની બૂમો પાડતો. આ સાંભળી વાતાપિ ભોજન કરનારનું પેટ ચીરીને બહાર આવતો. આવા અનેક ઋષિ- મુનિ- આગંતુકો આદિને તેઓ ભક્ષણ કરી ગયા હતા. મૃતકોના હાડકાંનો ત્યાં મોટો ઢગ ખડો થયો હતો. પ્રથમથી જ આ વાત જાણી લોકકલ્યાણાર્થે અગસ્ત્ય ત્યાં આવ્યાં. વાતાપિને તેઓ પચાવી ગયા. ઇલ્વલે બૂમ મારી છતાં વાતાપિ બહાર નીકળ્યો નહીં. અગસ્ત્યે ઇલ્વલને પણ મારી નાખ્યો અને તે વિસ્તારની પ્રજાને દુઃખમુકત કરી.

વૃત્રાસુરનો ઇન્દ્રે નાશ કર્યો હતો તેથી બ્રહ્મહત્યાના નિવારણ અર્થે તેઓ તપ કરવા ગયા હતા. ઇન્દ્રનું સ્થાન થોડા સમય સંભાળવા ચંદ્રવંશી રાજા નહુષની તે માટે પસંદગી કરવામાં આવી હતી. નહુષ સદેહે સ્વર્ગમાં જઈ ઈન્દ્ર બન્યા હતા. નહુષ પુરુરવા અને ઉર્વશીના પૌત્ર તથા આયુના પુત્ર હતા. નહુષે સ્વર્ગમાં સારું શાસન કર્યું પરંતુ ઇન્દ્રપદ સાથે પોતાને ઇન્દ્રાણી પણ મળવાં જોઈએ તેવો તેમણે આગ્રહ રાખ્યો. બૃહસ્પતિએ તપોનિષ્ઠ ઇન્દ્ર તથા ઋષિઓ સાથે મંત્રણા કરી ઈન્દ્રાણીને કહ્યું કે ‘તમે નહુષને મહર્ષિઓ દ્વારા ઊંચકાયેલી પાલખીમાં બેસી તમારા નિવાસસ્થાને આમંત્રણ આપજો.’ ઈન્દ્રાણીએ તે મુજબ નહુષને જણાવ્યું.

અગસ્ત્યાદિ ઋષિઓ નહુષને પાલખીમાં બેસાડી ખભે ઊંચકી જતા હતા. ઈન્દ્રાણી પાસે ખૂબ જલદી પહોંચવા મદાંધ નહુષે સપ્તર્ષિઓને ‘સર્પ’, ‘સર્પ’ એમ કહી જલદી ચાલવાનું કહ્યું અને અગસ્ત્ય ઋષિને લાત મારી. અગસ્ત્યે ક્રુદ્ધ થઈ નહુષને પૃથ્વી પર જઈ સર્પ થઈ વસવાનો શાપ આપ્યો. આમ તેમનું સ્વર્ગમાંથી પતન થયું હતું. પાંડવો જયારે વનભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે તેમણે નહુષ રાજા (તેમના પૂર્વજ) ને અજગરરૂપે જોયા. યુધિષ્ઠિર સાથે અજગરનું સંભાષણ થતાં જ નહુષને અજગરના દેહમાંથી મુક્તિ મળી હતી અને તેઓ સ્વર્ગે સિધાવ્યા હતા. અગસ્ત્યે દક્ષિણમાં રહી દ્રાવિડી ભાષામાં ઘણા ગ્રંથો લખ્યા હતા. તેમણે સઘળી પ્રાકૃત ભાષાઓનાં વ્યાકરણો રચ્યાં છે એવું કહેવાય છે. સ્થાપત્ય પર તેમણે લખેલા આધારભૂત ગ્રંથ પરથી વિશ્વકર્માએ ઘણા આધારો લીધા હતા. અપૂર્ણ સ્થિતિમાં મળતા તેમના ગ્રંથનો ભાગ ‘માનસાર’ શિલ્પશાસ્ત્રને મળતો આવે છે. તેઓ તંત્રશાસ્ત્રના આચાર્ય હતા. તેઓ ઉતમ તત્વવેતા તથા ધનુર્ધારી હતા. તેઓ ધનુષ્ય હંમેશાં પોતાની સાથે રાખતા. મહાભારતના શાંતિપર્વમાં ‘અગસ્ત્ય કલાધિકાર’ છે. તેમણે ‘અગસ્ત્યસંહિતા’ની રચના કરી છે. પંચવટી પાસે અગસ્ત્યાશ્રમ આવેલો છે.

તેઓ ખૂબ પરોપકરી હતા. એમ કહેવાય છે કે તેમણે સમુદ્રના માર્ગો ઘણી મુસાફરીને અંતે નક્કી કર્યા હતા. તેમને સમુદ્રનું અગાધ જ્ઞાન હતું. સમુદ્રની સફરે જનારા સાહસિકો સમુદ્રતટે વિવિધ બંદરો પર સ્થપાયેલી મૂર્તિનું પૂજન કરી સફરનો આરંભ કરતા. નૌકાશાસ્ત્ર અને હોડીની શોધ તેમણે કરી હોવાનું મનાય છે. સમુદ્ર ઓળંગી તેઓ જાવા તથા બાલિના બેટમાં જઈ રહ્યા હતા.
.

[૨] બુધ

બ્રહ્માના માનસપુત્ર અત્રિ ઋષિથી અનસૂયામાં ચંદ્ર, દતાત્રેય તથા દુર્વાસાનો જન્મ થયો હતો. ચંદ્રની બીજી ઉત્પતિ દેવ-દાનવોએ કરેલા સમુદ્રમંથનમાંથી જે ચૌદ રત્નો નીકળ્યાં તેમાંના એક તરીકે થાય છે. વૈવસ્વત મનુના પ્રથમ પુત્ર ઇલ હતા. ઇલ એક વખત વનમાં શિકારે ગયા હતા. તેઓ અકસ્માતે શરવણ જંગલમાં દાખલ થઈ ગયા. પાર્વતીના શાપથી આ વનમાં દાખલ થનાર સ્ત્રી બની જતા હતા. આમ ઇલ પોતે, તેનો અશ્વ તથા તેના સૈન્ય સહિત સૌ સ્ત્રીપણાને પામ્યા હતા ! ઇલમાંથી ઇલા બની ગયેલ તેમને બુધે જોયાં. તેઓ તેમનાં પર મોહિત થયા. તેમણે વનની બહાર આશ્રમ બનાવી ત્યાં ઇલાને આમંત્રણ આપ્યું.

ઇલાને પોતાનું અગાઉનું પુરુષપણું યાદ ન રહ્યું હોઇ તેમને પણ બુધ પ્રતિ મોહ થયો. આશ્રમમાં ઇલા જતા જ બુધ તેમની સાથે પરણ્યા. બુધથી ઇલાને પુરુરવા નામે પુત્ર થયો. જેઓ ચંદ્રવંશી રાજાઓના મૂળ પુરુષ હતાં. ઈક્ષ્વાકુ વગેરે ઇલાના ભાઇઓ તેમની શોધમાં નીકળ્યા. તેમને ઘણા સમય બાદ ઇલારૂપે ઇલાનો પતો મળ્યો. ઇલની આવી સ્થિતિ જોંતા બધા ભાઇઓએ ઇલાને મૂળ સ્થિતિ પ્રાપ્ત થાય અને પુરુષપણું મેળવે તેવા આશયથી શિવની સ્તુતિ કરી. શિવે પ્રસ્ન્ન થઇ પાર્વતીનો શાપ સંપૂર્ણ મિથ્યા ન થાય અને ઈલા પુરુષપણું મેળવે તે માટે મધ્યમ માર્ગ નક્કી કરી ઇલા એક માસ પુરુષ તરીકે અને એક માસ સ્ત્રી તરીકે રહેશે તેવું વરદાન આપ્યું. ઈલથી સૂર્યવંશ પણ આગળ ચાલ્યો. પુરુષકાળમાં ઈલને ઉત્કલ, ગય અને વિમલ એમ ત્રણ પુત્રો થયા હતા. ઈલાથી ચંદ્રવંશ અને ઈલથી સૂર્યવંશ એમ બંને વંશો એક વ્યક્તિથી આગળ ચાલ્યા.

ચંદ્ર દ્વારા ગુરુ(બૃહસ્પતિ)ની પત્ની તારામાં બુધની ઉત્પતિ થઈ હતી. એક મત પ્રમાણે બુધ રોહિણીના પુત્ર હતા. તેથી તેઓ રૌહિણેય પણ કહેવાય છે. બુધને ચંદ્રપુત્ર તથા ગુરુપુત્ર પણ કહેવામાં આવે છે. ચંદ્રે તારાનું અપહરણ કર્યું હતું તેથી તારકમય યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં ગુરુપક્ષે દેવો તથા ચંદ્રપક્ષે રાક્ષસો, દાનવો તથા દૈત્યો હતા. આ દરમિયાન તારા ગર્ભવતી બન્યાં હતાં. જયારે બુધનો જન્મ થયો, ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે, ‘તમે કોના પુત્ર છો?’ ત્યારે બુધે જવાબ આપ્યો હતો કે, ‘હું ચંદ્રપુત્ર છું.’ બુધને પ્રહર્ષણ, શેધન, તૃંગ, શ્યામાંગ વગેરે નામથી ઓળખવામા આવે છે. બુધને તારા ગુરુને સોંપી દેવાની ફરજ પાડી હતી. બુધ ચંદ્રથી ઉત્પન્ન થયેલાં છે તેમ તારાએ પણ કબૂલ કર્યું હતું. ચંદ્રે રાજસૂય યજ્ઞ કર્યો તેથી તેઓ ખૂબ ગર્વિષ્ઠ અને કામી થઈ ગયા હતા. કામથી પીડાઈ તેમણે ગુરુપત્ની તારાનું અપહરણ કર્યું હતું. તેમણે બ્રહ્માનો હુકમ માન્યો નહીં. ઉશનસ્ (શુક્રાચાર્ય) ઋષિએ ચંદ્રનો પક્ષ લીધો હતો. શિવના ત્રિશૂળથી ચંદ્રના બે ટૂકડા થયા. પૃથ્વી ડગમગી ઊઠી. છેવટે બ્રહ્માએ વચ્ચે પડી યુદ્ધ અટકાવ્યું અને તારાની સોંપણી બૃહસ્પતિને કરી હતી. ચંદ્રને ભદ્રા અને જયોત્સના નામે બે કન્યાઓ હતી. ભદ્રા ઉતથ્ય ઋષિને તથા જયોત્સના વરુણપુત્ર પુષ્કરને પરણી હતી.

સમુદ્રમંથન વખતે ચંદ્રનું પ્રાકટય થયું તેમ અમૃત લઈને ધન્વંતરિ પ્રકટ થયા. અમૃતની વહેંચણી વખતે મોહિનીરૂપી વિષ્ણુએ દેવો તથા દાનવોને અલગ પંક્તિમાં બેસાડયા હતા. મોહિનીરૂપે વિષ્ણુ દેવતાઓ વચ્ચે અમૃત વહેંચી રહ્યા હતા ત્યારે એક અસુરે દેવતાઓની પંક્તિમા બેસી અમૃતપાન કર્યું. ચંદ્રે આ વૃતાંત વિષ્ણુને કહ્યું. વિષ્ણુએ ક્રોધિત થઈ તે અસુરના બે ખંડ કરી નાખ્યાં. તે રાહુ અને કેતુ થયા. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ સાથે આ કથાનક સંકળાયેલ છે.

ચંદ્ર પર જે ધાબા દેખાય છે તે વિશે અલગ-અલગ માન્યતાઓ છે.

૧) દક્ષ પ્રજાપતિના શાપથી ચંદ્રને ક્ષય થયો હતો. તેની શાંતિ માટે તે પોતાની ગોદમાં એક હરણ રાખે છે. દક્ષે પોતાની સત્યાવીશ કન્યાઓ ચંદ્રને પરણાવી હતી. ચંદ્ર માત્ર રોહિણી પર આસકત હોઈ અન્ય પત્નીઓની ઉપેક્ષા કરતા હતા. દક્ષે અવાર-નવાર ચેતવણી આપી છતાં ચંદ્રે તે ન સ્વીકારતાં દક્ષે તેને ક્ષયગ્રસ્ત થવાનો શાપ આપ્યો.

૨) ચંદ્રે પોતાનાં ગુરુપત્ની તારા સાથે ગમન કર્યું હતું. તેનાથી તેમને બુધ નામે પુત્ર ઉત્પન્ન થયો. બુધથી ચંદ્રવંશ ચાલ્યો હતો. ગુરુના શાપના કારણે ચંદ્રના શરીર પર કાળા ડાધ પડી ગયા.

૩) ઈન્દ્રે અહલ્યાના સ્ત્રીત્વનો ભંગ કર્યો ત્યારે ચંદ્રે તેને મદદ કરી હતી. ગૌતમ ઋષિએ ક્રોધવશ થઈ પોતાના કમંડળ તથા મૃગચર્મ વડે ચંદ્રને માર્યો હતો. તેના ડાઘ ચંદ્રના શરીર પર પડી ગયા.

ચંદ્ર બ્રાહ્મણો અને વનસ્પતિના રાજા ગણાય છે. ચંદ્રની ઉત્પતિ સમુદ્રમાંથી થઈ છે, તેથી દર પૂર્ણિમાને દિવસે તેમના પિતા સમુદ્ર તેમને ભેટવા માટે ઊછળે છે. ચંદ્ર ખૂબ લાગણીશીલ ગણાય છે પાગલ કે અતિ સંવેદનશીલ લોકોમાં પૂર્ણિમાના દિવસે વધુમાં વધુ પાગલપણું કે સંવેદનશીલતા જોવા મળે છે. ચંદ્રને અંગ્રેજીમાં લ્યુના કહે છે. તેવી જ રીતે પાગલ વ્યક્તિ માટે ‘લ્યુનેટિક’ શબ્દ વપરાય છે ! ચંદ્ર બ્રહ્માના અવતાર તથા તેમનું મન છે. લોકોના મન સાથે ચંદ્રને વધુ સંબંધ છે. ચંદ્રના વિવિધ નામો ચંદ્રમાં, શશિ, ઈન્દુ, શશાંક, સોમ, ભગ્નાત્મા, શીતરશ્મિ, સિતાશું, ગ્લૌ, મૃગાંક, કલેશ, શીતમારીચિ, શિવશેખર, શ્વેતવાજી, નિશાકર, ઉડુપતિ, શીતધુતિ, શીતગ, રજનીપતિ, નિશાનાથ, કુમુદપતિ, રાત્રીશ, કલાધર, કલાનિધિ વગેરે છે.

[કુલ પાન.. ૧૮૮. કિંમત રૂ. ૧૬૫. પ્રાપ્તિસ્થાન… ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “હે વત્સ ! – ડૉ. રાજકુમાર ટોપણદાસાણી અને પ્રો. એમ. એમ. ગૌદાણા”

Copy Protected by Chetan's WP-Copyprotect.