બાળક એક ગીત (ભાગ-૧૨-સમાપ્ત) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. કુલ ૧૨ ભાગમાં લખાયેલ આ સંવાદના ૧૧ ભાગ  (ભાગ-૧ થી ૧૧) આપણે માણ્યા છે. એ જ શ્રેણીમાં આજે તેનો અંતિમ ભાગ પ્રગટ કર્યો છે. આ પુસ્તક અંગેની નોંધ આ લેખ સાથેના અન્ય લેખમાં આપવામાં આવી છે. આપ હીરલબેનનો આ સરનામે vasantiful@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.]

[૫૦]

કાલે અમે ડોક્ટરને બતાવવા ગયા હતા. ડોક્ટરે સોનોગ્રાફી કરી અને કહ્યું કે બધુ બરાબર છે. અત્યાર સુધીમાં આ ડોક્ટરને ત્યાં બે વખત ગયા છે પણ અમદાવાદના ડોક્ટર સાથે જે વાતચીતનુ સાયુજ્ય જોડાયુ હતુ એવુ અહીં બન્યુ નથી. મને એવુ લાગે છે કે એક ડોક્ટરે દર્દીને આપવો જોઇએ એટલો સમય ડોક્ટર આપી શકતા નથી. જોકે એમાં એમનો પણ વાંક નથી કારણકે કન્સલટીંગ રુમની બહાર રાહ જોતા દર્દીની સંખ્યાને પણ એમણે ધ્યાનમાં રાખવી પડતી હોય છે.

કાલે રાત્રે બહુ વખત પછી હું, ગીતાબા, દાદા અને મામી કેરમ રમ્યા. બહુ મઝા આવી. વહેલી સવારે આંખ ખૂલી ગઇ અને ભૂખ પણ લાગી હતી. એટલે જાતે જ તીખી ભાખરી બનાવી અને નાસ્તો કર્યો પછી પાછી સૂઇ ગઇ. ભાગવાન આ રીતે થનારા મા ને તૈયાર કરતા હશે કે અધરાતે-મધરાતે તમારે તમારા બાળક માટે ઉઠવું પડે તો તમને કંટાળો ન આવે કે થાક ન લાગે. ખરેખર ભગવાને બધુ જ સુવ્યવસ્થિત નિર્માણ કર્યું છે અને આપણને એની ખબર સુધ્દ્ધા હોતી નથી.

જીંદગીનો એક નવો દિવસ, નવો અધ્યાય….હવે સાંજ સુધીમાં એ અધ્યાયને આપણે કેમ વાંચશું કે કેવો અર્થસભર બનાવશું એ આપણી ઉપર છે. આજકાલ મને બહુ જ નકારાત્મક વિચારો આવે છે અને સમજાતું નથી કે હું કેવી રીતે નકારાત્મક વિચારો ને સકારાત્મક વિચારોથી ભરી શકુ.

તું જન્મશે એટલે શરુ થશે તારુ નામ પાડવા માટેના વિચારો. લોકો ઘણા નામ સુચવશે. મને તો ઘણીવાર એવો પણ વિચાર આવે છે કે મને તારુ નામ પાડવાનો અધિકાર મળશે કે કેમ. તારા પપ્પા ઘણી વાર ઉત્સાહ બતાવતા નથી અને બધુ બીજા પર છોડી દે છે. એટલે બીજાના ઉત્સાહમાં મારો ઉત્સાહ સંતાઇ જાય છે. મારા ઘણા સપના બીજાના ઉત્સાહમાં દબાઇ ગયા છે જેનો અફસોસ આખી જીદગી રહેશે. ક્યારેક હું મારા ન પૂરા થયેલા સપનાઓ, ઇચ્છાઓ કે અરમાનો વિશે વિચારુ છું ત્યારે બહુ દુઃખી થઉ છું. કોઇ તમારી પાસે હોય પણ સાથે ન હોય તેની પીડા બહુ ઓછા લોકો સમજી શકતા હોય છે. અને કદાચ આવી બધી બાબત માટે આપણે આપણા નસીબ સિવાય બીજા કોઇને દોષી ન માની શકીએ.

લિ.
તારી વ્હાલી મમ્મી.
.

[૫૧]

આજે વહેલી સવારે આંખ ખૂલી ગઇ. ઉઠીને થોડી કસરત કરી અને પાછી સૂઇ ગઇ. મોડા ઉઠ્યા પછી બધા સાથે ચા પીધી. આજે અમે ચા પીતા પીતા બહુ હસ્યા. ગીતાબા ભગવાનની પૂજા કરતા હતા અને મારો લાલો, મારો લાલો એમ કૃષ્ણ ભગવાન માટે બોલતા હતા. એટલે અમે ગીતાબાને ચીઢવતા હતા કે અમે મોટા થઇ ગયા પણ તારો લાલો કેમ મોટો થતો નથી? એનો વિકાસ કેમ થતો નથી? એને એનર્જી ડ્રીંક પીવડાવો તો લાલો મોટો થાય. આવુ સાંભળીને ગીતાબા બહુ ગુસ્સે થઇ ગયા અને કહેવા લાગ્યા કે ભગવાન પાપ કરશે આવુ બોલશો તો. પછી મેં ગીતાબાને કહ્યું કે “દયાનો દરિયો કદી દંડ ન દે”. આ વાક્ય અમારે ૧૧મા ધોરણમાં એક “ભવાન ભગત” શીર્ષક હેઠળ પાઠ આવતો હતો જેમાં ભવાન ભગત આ વાત કહે છે. ભવાન ભગત નો એક દિકરો ધર્મપરિવર્તન કરી ને ખ્રીસ્તી થયો હતો અને એ બીજા ભાઇને અને બાપને પણ ધર્મપરિવર્તન કરવા સમજાવતો હતો. એમાં કમનસીબે બીજો ભાઇ બીમારીમાં મૃત્યુ પામે છે ત્યારે મોટો ભાઇ બાપને સમજાવે છે કે તમે ધર્મપરિવર્તન ન કર્યું એટલે ભગવાને તમને સજા કરી. ત્યારે ભવાન ભગત સમજાવે છે કે ભગવાન ક્યારેય પોતાના ભક્તનું ખરાબ ન કરે કે ઇચ્છે. ભગવાન તો આપણી ભક્તીનો ભૂખ્યો છે. આપણે ઇશ્વર પર ભરોસો રાખીએ અને ભજીએ તે બરાબર છે પણ ભગવાનથી ડરીને તેને ભજીએ તો તેનો કોઇ અર્થ નથી. ગીતાબા એ જુદા જુદા ભગવાનની વાત કરી એમાં એક દત્તાત્રેય ભગવાનની પણ વાત કરી. તને ખબર છે આ દત્તાત્રય ભગવાન ૩ ઇન ૧ કોમ્બો ઓફર જેવા છે…દત્તાત્રેય ભગવાન એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ.

બીજી એક વાત કરું, હમણાં ૨૦મી ડિસેમ્બરે ગુજરાતની ચૂંટણી હતી જેમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્ર્દ મોદી બન્યા. જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે ઘણા લોકોએ સટ્ટો લગાવ્યો હતો કે જો શ્રી નરેન્ર્દ મોદી મુખ્યમંત્રી બનશે તો તે બીજા દિવસે ક્યા રંગનો ઝભ્ભો પહેરશે – કેસરી રંગનો, સફેદ રંગનો કે ભૂરા રંગનો. આવો જ રુપિયા વગરનો સટ્ટો લોકો સગર્ભા સ્ત્રી માટે લગાવે છે કે સગર્ભા સ્ત્રીને દિકરો થશે કે દીકરી? આવા લોકો સગર્ભા સ્ત્રી જોઇ નથી કે પોતાનુ જ્ઞાન કામે લગાડી દે છે. ધારી ધારીને સગર્ભા સ્ત્રીના પેટને જોયા કરે, એ કેમ ચાલે છે એનુ પહેલું પગલું કયું પડે છે એવી ઝીણી ઝીણી બાબતોનું નિરિક્ષણ કરે અને જણાવે કે દિકરો આવશે કે દીકરી. આમતો બાળકની જાતિ ચોથા મહિને જ ડોક્ટરને ખબર પડી જાય પણ ભારતીય કાયદા પ્રમાણે બાળકની જાતિ જન્મ પહેલાં જાણવી કે જણાવવી તે ગુનો છે એટલે ડોક્ટરો તે જણાવતા નથી. તેમ છતાં ઘણા લોકોએ મને પૂછ્યું છે કે મેં જોવડાવ્યું કે ગર્ભમાં રહેલું બાળક દિકરો છે કે દીકરી. લોકો આ કાયદા વિશે જાણે છે અને છતાં આવુ પૂછે છે એટલે આવા લોકો પોતાના દિકરા કે દીકરી માટે જોવડાવતા જ હશે ને! જો કાયદો હોવા છતાં આવી અંધાધૂધી ચાલતી હોય તો પછી કાયદો ન હોય તો કદાચ ભારતમાં માત્ર દિકરાઓની જ વસ્તી હોત. ભણેલા ગણેલા ભદ્ર સમાજ ના લોકોની માનસિકતા હજી પણ દિકરા દીકરી વચ્ચે ભેદ કરે તેવી છે એ વાત મારા માટે તો બેહદ દુઃખદ અને આશ્ચર્યજનક છે.

તું જે પણ હોઇશ દિકરો કે દીકરી મારા માટે તો મારું વ્હાલ વરસાવવાનો એક માત્ર અંશ હોઇશ!

લિ.
તારી વ્હાલી મમ્મી.
.

[૫૨]

કાલે રાત્રે મેં ઇંગ્લીશ વીંગલીશ ફિલ્મ જોઇ. ખરેખર ફિલ્મ બહુ સરસ છે. એક ગૃહિણિનું વિશ્વ એનું ઘર અને બાળકો જ હોય છે પણ જ્યારે એ જ લોકો એની મજાક ઉડાડે કે ઉપેક્ષા કરે ત્યારે તે કેવું અનુભવે છે તેની વાત છે. ઘરના દરેક સભ્યનું ધ્યાન રાખતી વ્યક્તિનું ધ્યાન કોઇ રાખતું નથી કે તેની સંભાળ રાખનાર કોઇ નથી હોતું. ફિલ્મની નાયિકા અંગ્રેજી ભાષામાં ઘણી નબળી હોય છે અને તેના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે માટે તેના અંગ્રેજીના ઓછા જ્ઞાનને લીધે નાયિકા પોતાના બાળકોની જ ઉપેક્ષાનો ભોગ બને છે. નાયિકા એકલી અમેરિકા જાય છે અને ત્યાં પણ અંગ્રેજીના ઓછા જ્ઞાન ને લીધે તેની ઘણી તકલીફો વેઠવી પડે છે. પછી તે નિર્ધાર કરે છે કે પોતે અંગ્રેજી શીખી ને જ જંપશે અને તે ઘરે કોઇને જાણ કર્યા વગર અંગ્રેજીના વર્ગો ભરે છે અને અંગ્રેજી શીખે છે. તેને તેનો આત્મવિશ્વાસ પાછો મળે છે. છેલ્લે પોતે એક નાનકડુ વક્તવ્ય અંગ્રેજીમાં આપે છે અને સૌને આશ્ચર્યમાં મૂકી દે છે. જ્યારે પતિ કે બાળકો તરફથી ઉપેક્ષિત વર્તન થાય ત્યારે એક સ્ત્રી શું અનુભવે છે, તેની મનઃસ્થિતિ નો સુંદર ચિતાર આપ્યો છે.

આજે વર્ષનો છેલ્લો દિવસ અને નિશિતમામા નો જન્મદિવસ. સાંજે બધાને ઘરે જમવા બોલાવ્યા છે એટલે આખો દિવસ એકદમ વ્યસ્ત રહ્યો. રાત્રે નંદીનીમામીએ નિશિતમામા ના ફોટાવાળી સરસ કેક બનાવડાવી હતી તે કાપી અને સરસ ઉજવણી કરી. જમવામાં પાણીપૂરી અને ગુલાબજાંબુ બનાવેલા એટલે મને તો જમવાની મઝા પડી ગઇ. અડધી રાત્રે આંખ ખૂલી ગઇ પછી તો મેં તેજલમાસીને ઇ-મેઇલ કર્યો અને “ભગવત ગીતા એટલે” નામનું એક ઇ-પુસ્તક મોબાઇલમાં જ વાંચ્યુ.

બસ હવે આવતીકાલથી નવી તારીખ, નવો મહિનો, અને નવુ વર્ષ! હું આશા રાખું કે આવનારું વર્ષ તારા માટે શુભફળ આપનારું બની રહે!

લિ.
તારી વ્હાલી મમ્મી.
.

[૫૩]

બે-ત્રણ દિવસ પહેલાં હું પુસ્તકમેળામાં ગઇ હતી. ત્યાંથી મેં ચાર પુસ્તકો લીધા હતા. પુસ્તકોમાં એક અંકિત ત્રિવેદીનું “હાર્ટબીટ”, ડો. આઇ.કે.વીજળીવાળા ના “કાળની કેડીએથી” અને “પ્રેમનો પગરવ” અને હેતલ સોંદરવાનુ એક અનુવાદિત પુસ્તક. કાલે તો એ પુસ્તકો જ વાંચ્યા છે. બધા જ પુસ્તકો સરસ છે.

આજે દાદા વહેલા ઉઠી ગયેલા અને ઉઠીને એમણે ભજન મૂક્યા. હું ભજનના અવાજથી જ ઉઠી ગઇ. દરેક ભજનમાં ભગવાનના જુદા-જુદા ફોટા આવતા. આપણે મોટેભાગે ભગવાનને એમના હાથમાં રહેલા સશ્ત્રોથી કે તેમના વાહનથી ઓળખીએ. મેં પણ આજે જુદા-જુદા ભગવાન જોઇને જાત જાતની ટીકાટિપ્પણી કરી.

સાંજે જમવામાં મન્ચુરિયન અને ભાત બનાવેલા. એ બન્ને વાનગીઓ નંદીનીમામી અને માનસીમામીએ ભેગા થઇને બનાવી હતી. સ્વાભાવિક છે કે નવા નવા લગ્ન થયા હોય તો પોતાના ઘરના લોકો માટે નવું નવું બનાવવાનો ઉત્સાહ હોય.જો આવા ઉત્સાહ ને પ્રોત્સાહન મળે તો ઘરના બધા સરસ રીતે હળીમળીને રહી શકે. પણ આવા ઉત્સાહને ઘરની કોઇ એક જ વ્યક્તિની ઇચ્છા માટે દાબી દેવામાં આવે ત્યારે કેટલો વિદ્રોહ જન્મે એ કદાચ કોઇ જ સમજી શકે.

હું ઇચ્છું કે તારામાં ક્યારેય વિદ્રોહની ભાવના ન જન્મે!

લિ.
તારી વ્હાલી મમ્મી.
.

[૫૪]

આજે સવાર બહુ વહેલી પડી અને સારી સવાર રહી એમ કહી શકાય.હું સવારે ચાલવા ગયેલી. રસ્તામાં મેં એક સરસ દ્ર્શ્ય જોયું. મજૂરની બે દીકરીઓ તડકામાં બેસીને ભણી રહેલી. મેં તેમનો ફોટો પણ પાડ્યો. જ્યાં સારા ઘરના લોકો દિકરો છે કે દીકરી એવું જાણવા માગે છે કે પછી જન્મેલી દીકરી ને તરછોડી દે છે ત્યારે મજૂર માણસ પોતાની બબ્બે દીકરીને ભણાવે છે. મેં આજે સવારે જ પેપરમાં સમાચાર વાંચ્યા કે એક મા-બાપ પોતાની અસ્થિર મગજની દીકરીને નડિયાદના અનાથ આશ્રમના દ્વારે મૂકી ગયા છે. જ્યારે મજૂર જેવા માણસને આ કારમી મોંઘવારીમાં બે દીકરીઓ ભારે નથી પડતી. તું જ કહે અમીર કોણ? જેની પાસે ગાડી, બંગલો અને બેંક બેલેંન્સ છે તે કે આ મજૂર માણસ?

આજે સવારે ‘Times of Anand’ માં મે વાંચ્યું કે તમે પાડેલો ફોટો પેપરમાં પ્રકાશિત કરવા મોકલી શકો. એટલે મેં પાડેલો બન્ને દીકરીઓનો ફોટો મોક્લ્યો. પેપરના વડા પ્રકાશકનો જવાબ આવ્યો કે અમે અહીં રમૂજી ફોટા જ મૂકીએ છીએ આવા સોશિયલ સિમ્બોલ વાળા ફોટો અમે પ્રકાશિત કરતા નથી. જો કે પેપરમાં એવી કોઇ સ્પષ્ટતા નહોતી કે કેવા ફોટો મોકલવા અને કેવા નહિ. પછી મેં પણ એમને જવાબ લખ્યો કે જ્યાં સ્ત્રી જન્મ કે શિક્ષણ માટે લોકો તૈયાર નથી એવા સમયમાં એક મજૂર માણસ પોતાની દીકરીઓ ને ભણાવે છે, અને પેપર એવું માધ્યમ છે કે લોકોના અવાજ ને લોકો સુધી પહોચાડી શકે માટે તમે મારો ફોટો પ્રકાશિત ન કરો તો કંઇ નહિ પણ બીજા આવા કોઇ ફોટો હોય તો તેને જરુર પ્રકાશિત કરજો.

તને ખબર છે એ વડા અધિકારીનો શો જવાબ આવ્યો? કે અમે તમારા વિચારોની કદર કરીએ છીએ પણ પેપરનુ માધ્યમ મનોરંજન માટે અને પૈસા કમાવવા માટે છે માત્ર સમાજ માટે નથી, બોલ છે ને જબ્બર જસ્સ્ત વાત! કોઇ ચટપટી કે મસાલેદાર સમાચાર હોત તો તે જરુર પ્રકાશિત કરત પણ જેનાથી સમાજ જાગૃત થાય તેવી વાત છાપવામાં એમને કોઇ રસ નથી. તું જ કહે આવા માધ્યમ પર કેટલો ભરોસો રાખી શકાય

અમારે ભણવામાં એક પાઠ આવતો હતો “પીળુ પત્રકારત્વ” જેમાં પત્રરકારત્વમાં કેવા દુષણો છે તેની વાત આવે છે અને અનુભવ આજે કરી લીધો.

આપણને શું મળે છે એના કરતાં વિશેષ છે કે આપણે સમાજને શું આપી શકીએ છે.

લિ.
તારી વ્હાલી મમ્મી.
.

[૫૫]

આજે હું ને મામી હાંડવાનો લોટ લેવા ગયા હતા. ઘંટીવાળા ભાઇના બધા વાળ ધોળા થઇ ગયેલા અલબત્ત ઘંટી ચલાવી ચલાવીને. ખરેખર તો એમના વાળ કાળા જ છે પણ જાતજાતના લોટ માથામાં લાગી લાગીને વાળનો રંગ બદલાઇ ગયો છે. એટલે કોઇ અનુભવી માણસ કહેતા હોય કે આ વાળ અનુભવથી ધોળા થયા છે એમનેમ નહિ તેવી રીતે આ ઘંટીવાળા ભાઇ પણ કહી શકે કે મારા વાળ પણ એમનેમ ધોળા નથી થયા.

Weather is very cool
તું મારી વેણીનું ફૂલ!

લિ.
તારી વ્હાલી મમ્મી.
.
છેલ્લો પત્ર
બેટા,

આજે સવારે વહેલી ઉઠી. ઓશિકા નીચે રાખેલા મોબાઇલને શોધવા હાથ ફેરવ્યો. એમ કરતાં મોબાઈલ સાથે પેન મળી આવી. આને કહેવાય ઈશ્વરીય સંકેત ! હવે મેં તારી સાથેની વાતચીત લખવાની બંધ કરી દીધી છે ને એટલે કદાચ ભગવાનની ઇચ્છા હોય કે તારા આવતાં પહેલાં હું તને એક છેલ્લો પત્ર લખી દઉં…..પછી તો બધી વાતો રૂબરૂમાં જ, ખરું ને ?

તારી કૂણી-કૂણી આંગળીઓના ટેરવાનો સ્પર્શ અમારા માટે મોગરાની વેણી જેવો હશે. તારા જન્મની સાથે સાથે ‘માતા-પિતા’ તરીકે અમારો પણ જન્મ થશે. ક્યારેક પગે વા થયા બાદ ચાલી ન શકતી સ્ત્રી જ્યારે મંદિરના પગથિયા ચઢતી હશે ત્યારે એક તરફ હું એનો હાથ પકડીશ અને બીજી તરફ તારો. કદાચ એ રીતે હું બંને પેઢીને જોડતી પુખ્ત કડી બની શકીશ. આ રીતે બીજાને મદદ કરવી જોઈએ એવું મારે તને શીખવાડવું નહિ પડે. તું આપમેળે તે સમજી શકીશ.

તારા ઉંઆ… ઉંઆ….ના પ્રભાતિયા અમને ગમશે. તારું હાસ્ય અમારા છોડ પર ખીલેલા મુગ્ધ ફૂલથી વિશેષ જ હશે ને ! તું જ વિચાર, તારા આવતાં પહેલાં જ તારી મમ્મી પાસે તારી સાથે કરવા જેવી કેટલી બધી વાતો છે… એટલે તું આવીશ પછી તો તારે મને ધીરજથી સાંભળવી પડશે, હોં કે ? માણસ જ્યારે પોતાની વાત વ્યક્ત કરે ત્યારે સામેવાળા એને સમજે એના કરતાંય વધારે મહત્વનું એ છે કે તેઓ એને ધીરજથી સાંભળે. પરંતુ જે માણસને મન સાંભળવા કરતાં સતત બોલતા રહેવાનું મહત્વ વધારે છે તે કદાચ આ વાત નહીં સમજી શકે. ખેર, હવે ગણત્રીના દિવસો રહ્યાં છે. એ પછી અમે તારી કીકીમાં જોઈ શકીશું એક કુતૂહલભર્યું વિશ્વ ! બિલકુલ સ્વચ્છ અને તાજું વિશ્વ ! કોઇ ચિત્રકારને ચિત્ર બનાવતા અમુક સમય લાગે છે. સંગીતની આરાધના કરનાર પણ સંગીતને લાંબાગાળે આત્મસાત કરે છે. મેં પણ એ જ રીતે મારી સુંદરતમ કૃતિ માટે નવ મહિના રાહ જોઈ છે. એટલે સ્વાભાવિક છે કે એ કૃતિ મને સૌથી વ્હાલી હશે. જ્યારે વિશ્વમાં ઉત્તમોત્તમ કૃતિઓ સર્જાય છે ત્યારે એ કૃતિઓના નામથી તેનો સર્જક ઓળખાય છે, નહીં કે સર્જકના નામથી તેની કૃતિ. તારા આવ્યા પછી પણ આ નવ મહિનાનો કાળખંડ લંબાશે…બસ ફરક એટલો જ હશે કે એ સમયે તું પૃથ્વી પર હોઈશ. એ પછી તો મારે રાહ જોવાની તારા ભાંખોડિયા ભરવાની… અને તારા બોલતાં ચાલતાં થવાની.. તારી કુશળતા ચાહું છું અને હવે બસ તારા આગમનની પ્રતિક્ષામાં છું…

સોળે કળાએ ખીલેલા ચંદ્રની જેમ મારું પેટ ખીલ્યું છે અને ઇચ્છા રાખું છું કે તું પણ બહાર આવીને પૂર્ણ કળાએ ખીલે !

લિ.
તારી વ્હાલી મમ્મી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “બાળક એક ગીત (ભાગ-૧૨-સમાપ્ત) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ””

Copy Protected by Chetan's WP-Copyprotect.