પ્રેમ શું ચોક્ક્સ તારીખે જ પ્રગટતો હશે ? – સ્વાતિ બારોટ સિલ્હર

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે સ્વાતિબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે barot_swati@yahoo.com અથવા આ નંબર પર +૯૧ ૯૯૭૪૭૭૦૬૭૩ સંપર્ક કરી શકો છો.]

‘એક છોકરી બહુ ગમે છે યાર, દિલથી એને ચાહું છું.’
‘અરે ! તો તેને જણાવીશ ક્યારે ?’
‘બસ, આ જો વેલેન્ટાઈન-ડે ની રાહ જોઉં છું. એ દિવસે પ્રપોઝ કરું તો થોડું વધારે મહત્વ લાગે…’

દિલથી કોઈ વ્યક્તિ કોઈને ચાહે છે, એને જિંદગીમાં મેળવવાની ચાહત છે, તો શું એના એકરાર માટે કોઈ વેલેન્ટાઈન-ડેની રાહ જોવાની જરૂરિયાત રહે ખરી ? ‘હું તમને પ્રેમ કરું છું…’ એ જાણવા અને જણાવવા માટે કોઈ ખાસ દિવસની જરૂરિયાત હોય ખરી ?

પશ્ચિમી સંસ્કૃતિમાંથી વહેતા પવનની અસર આપણા દેશના લગભગ સમગ્ર લોકો પર છવાઈ ગઈ છે. વેલેન્ટાઈન-ડેનું મહત્વ ઘણું વધી રહ્યું છે. આ દિવસે કૉલેજના કમ્પાઉન્ડ, શહેરના રસ્તા, થિયેટર, હોટેલો, બગીચા, પર્યટનના સ્થળો, તળાવો વગેરે પાસે છોકરા-છોકરીઓના ટોળાં નજર સામે ઊભરાઈ આવે છે. આ દિવસે છાપાં, સામાયિકો પ્રેમની શાયરીઓ, પ્રેમના કિસ્સાઓ અને પ્રેમનું મહત્વ દર્શાવતા લેખોથી છલકાતાં હોય છે. આ દિવસે પ્રેમનું પ્રદર્શન કરવામાં ઈન્ટરનેટ એપ્લિકેશન્સ પણ મહત્વનો ભાગ ભજવે છે. ફેસબુક, ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ અને વોટ્સઅપ, લાઈક, વી-ચેટ જેવી મેસેજિંગ એપ્લિકેશન્સ પર લગભગ ૯૫% લોકોના સ્ટેટ્સ વેલેન્ટાઈન-ડેની શુભેચ્છા પાઠવતા જ અપડેટ કરેલા જોવા મળે છે. બજારોમાં પણ દરેક બાજુએ જાણે પ્રેમની સીઝન આવી હોય એવો માહોલ જોવા મળે છે. એકબીજાનો પ્રેમ જાણે આ જ દિવસે અંદરથી ઊભરાઈ આવતો જોવા મળે છે. આ દિવસે આખો દિવસ જાણે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ, પતિ-પત્ની, પ્રેમી-પ્રેમિકા સાથે જ રહેવાનું ! એકબીજાને ગુલાબ, ગુલદસ્તા કે ભેટની આપ-લે કરવાની…. એકબીજાને ગમે એમ જ રહેવાનું… એ જ કરવાનું… એ દિવસે કોઈ લડાઈ-ઝઘડા નહીં…. પણ એવું કેમ ? એવો પ્રશ્ન કરીએ તો જવાબ મળે કે… અરે ! આ તો પ્રેમનો દિવસ છે !

જો વર્ષમાં એક જ દિવસ પ્રેમનો હોય તો બાકીના ૩૬૫ દિવસ શેના ? કોઈ સાથે જીવન પસાર કરવાનું છે… પોતાના જીવથી પણ વધારે તે વ્યક્તિ સાથે પ્રેમ છે તો આ વાતનો એકરાર કરવા માટે કોઈ એક ખાસ દિવસ શું કામ ? જ્યારે એને આ જણાવીએ, જ્યારે એની સાથે જોડાઈએ… શું એ દિવસ જ ખાસ ના હોઈ શકે ? સાત ફેરાથી બાંધ્યા છે સાત-જન્મોના બંધન…. જિંદગીના સફરમાં દરેક રસ્તે સાથે જ ચાલે છે… સુખ અને દુઃખના તડકા-છાંયા સાથે જ વેઠે છે…. એકબીજાના પર્યાય બનેલા છે…. જે વસે છે એક ઘરમાં પણ જીવે છે એકબીજાના શ્વાસમાં… એકબીજાના જીવનની જરૂરિયાત બનેલા છે…. પતિ-પત્નીના આવા સુંદર સંબંધમાં પ્રેમ માટે કોઈ એક દિવસ હોઈ શકે ખરો ? એકબીજા પ્રત્યેની લાગણી અને પ્રેમનાં રૂડાં અવસરની ઊજાણી માટે એમને ખાસ દિવસની જરૂર શું ? જીવનસાથી સાથે જીવનની દરેક ક્ષણને ઊજવી ના શકાય ? જ્યારે ઈચ્છા થાય ત્યારે ભેટ ના આપી શકાય ?

વર્ષમાં એક જ દિવસ પ્રેમને અતિ મહત્વ આપી આપણે એને શરમાવતા હોય એવું નથી લાગતું ? આ જ દિવસે પ્રેમી-પ્રેમિકાને ભેટ અર્પણ કરીએ તો એનું મહત્વ ખાસ હોય એવું માની આ દિવસે પ્રેમને જાણે ખરીદતા હોય એવો વિચાર આવે છે. અરે, જેમણે આખું જીવન એકબીજાને નામે કરી દીધું હોય એમનો પ્રેમ કોઈ એક દિવસે કરાતી ભેટની આપ-લેનો મોહતાજ હોઈ શકે ખરો ?

કોઈ એક દિવસ પ્રેમને નામે રાખીને એના મહત્વને ખોખલું શું કામ બનાવવું ? એની પવિત્રતાને લાંછન શું કામ લગાવવું ? અરે, એક દિવસ શું, પ્રત્યેક ક્ષણ પ્રેમ માટે જ છે… બસ, ખાલી એને સમજવાની જરૂર છે. તમારા પ્રેમના સમંદરમાં કોઈની ચાહત લહેર બનીને ભળી જાય તો એની સાથે આખું જીવન એક ઊજણી બની જાય છે. બસ, એ ક્ષણને ઊજવવાની જરૂર છે… મનથી ઉદ્દ્ભવેલી ચાહત હોય અને દિલથી કરેલો પ્રેમ હોય તો એની સાથેની રંગીન જિંદગીમાં દરેક દિવસ ધૂળેટી અને એકબીજાના ઝગમગતાં અરમાનોથી દરેક રાત દિવાળી બને છે. બસ, એને માણવાની જરૂર છે. એકવાર આ બાબતે વિચારવાની જરૂર છે.

એકબીજાની ચાહત મળે,
એ જ દિવસ ખાસ છે…..
વેલેન્ટાઈન-ડે ની જરૂર શી,
પ્રત્યેક ક્ષણ જ જ્યાં પ્રેમનો અહેસાસ છે….!

Leave a Reply to prashant Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

42 thoughts on “પ્રેમ શું ચોક્ક્સ તારીખે જ પ્રગટતો હશે ? – સ્વાતિ બારોટ સિલ્હર”

Copy Protected by Chetan's WP-Copyprotect.