ડિયર ડુગ્ગુ – રંજન રાજેશ

[ ગર્ભમાં રહેલા બાળક સાથેના વાત્સલ્યસભર સંવાદની એક સુંદર શ્રેણી રીડગુજરાતી પર હમણાં જ પૂરી થઈ. આ શ્રેણીને સમાંતર વધુ એક સુંદર લેખ રંજનબેને પત્રરૂપે લખ્યો છે. બાળક માટેના આધુનિક માતાના મનોભાવ કેવા હોય છે તે આ પત્રમાં દ્રષ્ટિગોચર થાય છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે રંજનબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ranjeshmakwana@gmail.com અથવા આ નંબર પર +૯૧ ૯૮૭૯૫૦૫૮૯૨ પર સંપર્ક કરી શકો છો.]

ઑફિસના આ હલ્લાબોલ વચ્ચે પણ આજે હું શાંત છું…. એકલી છું…. અને મજાની વાત એ છે કે, આ એકલતા મને એ આનંદ આપી રહી છે જે ક્યારેક જ મેં અનુભવ્યો છે. એવું કેમ હશે ? મારી પ્રકૃતિ તો એવી નથી કે હું એકલતામાં ખુશ રહી શકું. તો પછી, કેમ ?….કેમ, આજે મને દોસ્તોની સાથે વાતો કરવા કરતાં ‘સ્વ’ની સાથે સમય પસાર કરવાનો વધુ આનંદ થઈ રહ્યો છે ? આ સમય કંઈક ખાસ મેળવવાની અનુભૂતિ આપી રહ્યો છે. પણ હા, એનો જવાબ મને મળી રહ્યો છે… ઈનફેક્ટ કોઈક આપી રહ્યું છે. લે, વળી કોઈક કેમ ? તે તો મારું જ અસ્તિત્વ છે ને ! એ અસ્તિત્વ છે જે પળેપળ મારી રોમરોમમાં ખુશી ફેલાવી રહ્યું છે. તે મારું, મારું પોતાનું, મારા જીવમાં આવેલો જીવ, મારો અહેસાસ, મારી જ છાયા કે પછી કહો મારું જ સર્જન ! હા, જાણે હું સર્જનહાર બની ગઈ છું.

હું એક ઘર બની ગઈ છું એની માટે…. જીવતું, જાગતું, ચાલતું, બધી જ સગવડો તેને વગર કોઈ વળતરપેટે પૂરું પાડતું ઘર ! મારું ઉદર, તેનું નિઃસ્વાર્થ ઘર ! ના કોઈનો ડર, ના કોઈ ચિંતા… મારા ઉદરમાં થઈ રહેલી તેની ચહલપહલ જાણે કે તેનો સલામતીનો અહેસાસ મને ના કહી રહી હોય ? ઑફિસના ટાઈટ શિડ્યુલમાં પણ એક એક ક્ષણ હું મારા આ ‘સ્વ’ની સાથે પસાર કરતા રોમાંચ અનુભવી રહી છું. કેવું દેખાશે અમારું એ બાળક ? મારા જેવું, એના ડેડી જેવું કે પછી ભગવાન એનું સર્જન તેની જ સ્વતંત્ર, આગવી, અલગ ઓળખથી કરી રહ્યા છે ? તેને જોવાની આતુરતા, તેને ઉદરમાંથી બહાર કાઢીને ગોદીમાં લાવવાની સંવેદના, ભૂખ ન હોવા છતાં થોડી થોડી વારે કંઈક ને કંઈક ખાવાની તડપ, જીભના ટેસ્ટ મુજબ ચટપટું નહીં પરંતુ મારા બાળકની જરૂરિયાત મુજબ આહાર લેવાની ચાહત, જરા પણ બેસવા, ઊઠવામાં ઉતાવળ થાય તો જીવનો એક ધબકાર જાણે કે ચૂકી જવો…. કેવી અજીબ, અદ્દભુત, આહલાદક, અનમોલ લાગણીઓ છે આ ? સાચું કહું તો, આ તમામ લાગણીઓએ મારા મનના નિરસ આકાશમાં મેઘધનુષી રંગો મહેકાવી દીધા છે. ઑફિસથી ઘર વચ્ચેની રૂટિન એવી પાનખરભરી જિંદગીમાં જાણે કે વસંત લાવી દીધી છે ! હવે ખબર પડે છે કે માનું, મા બનવાનું મહત્વ શું હોય છે…. કેવી રીતે કોઈ ચંચળ, તોફાની છોકરી મા બનવાના વાવડની સાથે જ શાંત, ઠરેલ થઈ જાય છે…. ઉછળકૂદ કરતી તેની જિંદગી એક પરિપકવતામાં ઢળી જાય છે ! કુદરતની શક્તિનું આનાથી મોટું ઉદાહરણ વળી બીજું કયું હોઈ શકે ?

લગ્નબાદ મને લાગ્યું કે હું હવે પહેલા જેવી નથી રહી. પણ શું ખરેખર લગ્ન કરીને યુવતી સ્ત્રી બની જાય છે… ? ના, હરગિજ નહીં. જ્યારે તે મા બનવાના સપનાં જુએ છે, અને તે સપનું સાર્થક થવાની શરૂઆત થાય છે, ત્યારે જ કુદરતનું આ સર્જન સંપૂર્ણ બને છે…. અને એક યુવતી ‘સ્ત્રીત્વ’ના સંપૂર્ણનો અહેસાસ કરે છે. શરૂઆતમાં જ્યારે મેં મારી પ્રેગ્નેન્સીના સમાચાર જાણ્યા ત્યારે ખુશ તો હતી…. પણ જિંદગીની આ ખુશીના શાંત દરિયામાં મોજા ત્યારે ઊછળવા લાગ્યા જ્યારે સમયના વહેતા પ્રવાહની સાથે સાથે અંદરથી ‘એ’ મને તેનો અહેસાસ કરાવવા લાગ્યું…. જ્યારે જ્યારે ડૉકટરના ચેકઅપ વખતે સોનોગ્રાફીમાં કુદરતના આ સર્જનને હું જોવા લાગી ત્યારે ત્યારે થવા લાગી એ અનુભૂતિ કે, હું મા છું. મારી નાડીથી જોડાયેલું ભગવાનનું આ સુંદર, પવિત્ર સર્જન મારું છે, અમારું છે. જેની સાથે મારા પતિ અને મારો અતૂટ સંબંધ કુદરતે અમને ભેટમાં આપ્યો છે. અમને તેને લાયક સમજ્યા છે.

શું હું ક્યારેય આટલી ખુશ થઈ છું ? શું ક્યારેય મેં મારી જાતને આટલો બધો પ્રેમ કર્યો છે ? કેમ અચાનકથી જ ‘હું’ મને ગમવા લાગી છું. શરીરમાં આવી રહેલા અનેક બદલાવમાં પણ મારા અંતરનો નિખાર સ્થિર થયો છે. ઉબકા આવવા, બેચેની થવી, શરીર સુસ્ત થવું અને તોય હું મને ગમાડી રહી છું ! કેમ ? કેમ કે હું મા બનવાની છું. અને મને આ અનમોલ ખુશીઓ આપવાનો હક તો મારું બાળક જ લઈને આવવાનું હતું ને ? જ્યારે રાજેશે મને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જ્યારે મારા લગ્ન થયા, મને સારી નોકરી મળી, જ્યારે અમે નવું ઘર લીધું, જ્યારે અમે ગાડી ખરીદી…. આ તમામ ખુશીઓમાં પણ કેમ મને આટલો આનંદના મળ્યો ? કેમ કે આ તમામ આનંદમાં મારા ‘સ્વ’ની ઓળખ ક્યાંય ન હતી. જેનો અહેસાસ તો મને તેં કરાવ્યો ડુગ્ગુ !

ઘણીવાર એવું થાય છે કે તને વાક્યોમાં કેવી રીતે ઉચ્ચારું ? પુલિંગથી તારો ઉચ્ચાર કરું કે સ્ત્રીલિંગથી ? એટલે પછી મેં નક્કી કર્યું કે હું તને ડુગ્ગુ કહીને બોલાવીશ. તું દીકરો હોય કે દીકરી…. તને આ હુલામણા નામથી જ બોલાવીશ. તને ગમશે ને ડુગ્ગુ ? જ્યારે હું બધા કામ પરવારીને રાત્રે બેડ પર સૂવા માટે આડી પડું છું ત્યારે તારી ચહલપહલ તીવ્ર થઈ જાય છે. એવું કેમ ? શું ત્યારે તું મારી સાથે વાતો કરવા માગે છે બેટા ? અરે અત્યારે લખતા લખતા પણ મારા ઉદરમાં તારી હલચલનો સળવળાટ શરૂ થઈ ગયો ને ! થેંક્સ ટુ યુ માય ડુગ્ગુ ! આ અનમોલ અહેસાસ આપવા બદલ….. એવું થાય છે કે આ તમામ અમોલ ખુશીઓને કાયમ માટે કેદ કરી લઉં !

આમ તો હું મારા ફિગર, આઉટફિટ્સને લઈને ઘણી જ સભાન રહી છું… પણ જ્યારથી તું મારા શરીરમાં છે ત્યારથી તો વજન ઘટાડવાને બદલે વધવાની ખુશી મને વધુ થાય છે અને હા, જિન્સને બદલે ખુલ્લા પટિયાલા મને વધુ કમ્ફર્ટેબલ લાગી રહ્યા છે. જરા પણ ના પસંદ આવતા ફ્રુટ્સ હવે હું મનથી ખાઈ રહી છું. તીખું તળેલું હવે બંધ થઈ ગયું છે. કેવું અચાનકથી જ બધું જ બદલાઈ ગયું, નંઈ ! અરે એક ઈન્જેકશનથી પણ દૂર ભાગનારી હું તારી ડિલિવરી માટે આતુર છે. ડિલિવરી ડેટનું કાઉન્ટડાઉન થઈ રહ્યું છે. કેમ કે મને ખબર છે કે એ થોડીવારની પીડા બાદ તું જ્યારે મારી નજર સામે હોઈશ તો હું તે અસહ્ય પીડાને પણ ભૂલી જઈશ. અને કેમ નહીં ? જો ભગવાન મને આટલી સુંદર ભેટ આપી શકે તો પછી તેના બદલામાં હું આટલી પીડા ના ભોગવી શકું ? હેં ને મારા ડુગ્ગુ ?!

તને ખબર છે, મારી કામ કરવાની પ્રકૃતિને લઈને ઑફિસના મારા કલિગ્સ અને તમામ મિત્રો મને વાવાઝોડું કહીને બોલાવતા હતાં. એવી પણ મજાક કરે છે કે જો તને દીકરો આવે તો ‘તુફાન’ અને દીકરી આવે તો ‘સુનામી’ નામ રાખજે…. તે લોકો એવું પણ કહે છે કે મારું બાળક એટલે કે તું સુપર એક્ટિવ છે. હોય જ ને વળી ! મમ્મા જો એક્ટિવ હોય તો બેબી તો સુપર એક્ટિવ જ હોવાનું ને ! તારા ડેડી પણ અત્યારથી જ તારા માટે શું શું લાવવાનું છે તેનું લીસ્ટ તૈયાર કરીને બેસી ગયા છે જે ઘણું જ લાંબુ છે. બસ, તારા આવવાની રાહ છે બેટા.

ઓહ… તારી સાથેની આ વાતોમાં ઑફિસનો વર્કિંગ ટાઈમ પણ પૂરો થઈ ગયો… ખ્યાલ જ ના રહ્યો ને ! ચલ તો હવે તું પણ તારા આ ઘરમાં, ઉદરમાં, નિરાંતે આરામ કર અને આપણા અતૂટ બંધનનો અહેસાસ જીવંત રાખ ! ડેડી આપણને લેવા આવતા જ હશે…. લે ફોન આવી પણ ગયો… લવ યુ માય સ્વીટહાર્ટ…

લિ.
તારો જ પ્રેમ… મા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “ડિયર ડુગ્ગુ – રંજન રાજેશ”

Copy Protected by Chetan's WP-Copyprotect.