એકની એક દીકરી – ડૉ.આરતી જે. રાવલ

[‘ગુજરાત સમાચાર’ શતદલ પૂર્તિ માંથી સાભાર. રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા બદલ આરતીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jaymanarti@gmail.com સંપર્ક કરી શકો છો.]

‘ભાભી, મારું નાહવા માટેનું પાણી ગરમ થઈ ગયું ?’ સુમને બૂમ પાડી.
‘હા સુમનબેન, બાથરૂમમાં મૂકી દીધું છે…’ મીરાંભાભી બોલ્યા. સુમન પારેખ પરિવારની લાડકી દીકરી હતી. ત્રણ ભાઈઓ વચ્ચે એક બહેન. પાંત્રીસ વર્ષની ઉંમર થઈ ગઈ હતી પરંતુ તેણે લગ્ન નહોતાં કર્યાં. લગ્ન ન કરવાનું કોઈ ખાસ કારણ નહોતું. સુમનનાં પિતા કહેતા, ‘મારે એકની એક દીકરી છે, કયાં વધારાની છે ? ભલેને ઘરે રહે…’ સુમનની માતાની લાગણીતો એથીયે વિશેષ હતી….

‘મારી દીકરી તો રાજકુંવરી જેવી છે, તેની પાસે કોઈ કામ તો કરાવાય જ નહિ. તેનાં માટેતો રાજકુંવર જેવો છોકરો આવશે…’ માતા-પિતાની સવિશેષ લાગણી અને પ્રેમનાં અતિરેકને કારણે સુમન ખૂબ સ્વછંદી, જીદ્દી તેમજ ગુસ્સાવાળી થઈ ગઈ હતી. સવારે નવ-સાડાનવ વાગ્યે ઊઠવાનું, ઊઠીને ચાતો તેના માટે તૈયાર જ હોય… બાથરૂમમાં ગરમ પાણી મૂકવાનું કામ, તેનાં બધાં જ કપડાં ધોવાનું કામ તો ભાભી કરે… મીરાંભાભી સૌથી મોટા ભાઈનાં પત્ની હતાં. ખૂબજ સુશીલ અને સારા સ્વભાવનાં, કયારેય કશું જ બોલતાં નહિ. બધું જ કામ કર્યે રાખતા.

સુમનને ગીતો સાંભળવાનો અત્યંત શોખ. સવારે ઊઠે ત્યારથી રેડિયો ચાલુ કરે તો સૂવે ત્યાં સુધી ઘરમાં રેડિયો ચાલુ જ હોય… મીરાંભાભીને એક ખૂબ સુંદર દીકરી હતી. લગભગ બે વર્ષની હતી. તેને સાચવવા સાથે સાથે તેમને ઘરનું બધું જ કામ કરવું પડતું. જોકે તેમનાં સાસુ મદદરૂપ થતાં પરંતુ દીકરી ઘણીવાર થોડાં તોફાન કરે તો મીરાંભાભી પરેશાન થઈ જતાં.. તેમને થતું કે રેડિયો સાંભળવા, મેક-અપ કરવા અને ગંજીફાનાં પતા રમવા સિવાય સુમનબેન થોડી મદદ કરે તો કેવું સારું ? પરંતુ, સુમન જેનું નામ… સળી ભાંગીને બે કટકા પણ ના કરે…

સુમન માટે છોકરા જોવાતા રહ્યા… કોઈ છોકરો કાળો હતો, તો કોઈ ઠીંગણો, કોઈની આંખો ખૂબ નાની હતી તો કોઈને ટાલ હતી (વાળ ઓછા હતા).. દેખાવમાં મધ્યમ અને ઠીંગણી એવી સુમન માટે કોઈ છોકરા બરાબર નહોતા(મતલબ કે, રાજકુમાર જેવા નહોતા…) આમને આમ કરતાં કરતાં સુમનની ઉંમર પિસ્તાલીસ વર્ષની થઈ ગઈ… હવે તો બીજવર અને એકથી બે સંતાનોનાં પિતાનાં માગાં આવતા… સુમનની માતા પોતાની દીકરી માટે રાજકુમારનાં સપનાં જોતાં જોતાં અવસાન પામ્યા.

હવે સુમનનાં પિતાને સુમનની ચિંતા થવા લાગી હતી. મીરાંભાભી તેમનાં સંસારમાં સુખી હતાં. તેઓ થોડાં વર્ષો સાથે રહ્યા બાદ અલગ ઘરમાં રહેવા લાગ્યા હતા. તેમની દીકરી ઘણી મોટી થઈ ગઈ હતી. મીરાંભાભીને હવે સુમન માટે કોઈપણ પ્રકારની લાગણી રહી નહોતી. એવામાં એક દિવસ, તેમનાં સસરાનો ફોન આવ્યો કે સુમનનાં કોર્ટ મેરેજ કર્યા છે. “છોકરો” પંચાવન વર્ષનો હતો. ઠીંગણો, કાળો, સફેદ વાળમાં ડાઈ લગાડેલો, મોટા જાડા ચશ્માવાળો પંચાવન વર્ષનો રાજકુમાર… સુમન માટે આખરે આવ્યો હતો….

લગ્નનાં બે વર્ષ બાદ, સુમન મીરાંભાભીને મળવા આવી ત્યારે ખૂબ પાતળી થઈ ગઈ હતી. સુમનનાં પિતા મૃત્યુને ભેટયા હતા. તેનો રાજકુમાર ખૂબ મોટા ફ્રોડમાં ફસાયો હતો. અત્યારે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. અત્યારે સુમનને ઘરનું બધું જ કામ કરવું પડતું હતું તેમજ ઘરનું પુરું કરવા કમાવા માટે સીવણ પણ કરવું પડતું હતું. આંખમાં અશ્રુધારા સાથે સુમન તેની ભાભીને પૂછી રહી હતી…

“હે ભાભી, ભગવાને મારા કયા પાપની સજા કરી ?”
.

તંત્રી નોંધ : આ સત્યઘટના સાથે અન્ય એક બાબત પણ આજના સમયમાં નોંધવા જેવી છે કે ઉચ્ચ અભ્યાસ કે પછી પોતાના આર્થિક સ્તરને ધ્યાનમાં લઈને કેવળ બુદ્ધિથી વિચારતી આજની યુવતીઓ લગ્ન માટે હકીકતમાં રાજકુમારની જ અપેક્ષાઓ રાખતી હોય છે ! કંઈ કેટલાય અપરણિતો અમુક ઉંમર પછી પસ્તાતા હોય છે કે ઈશ્વરે એમને આવી સજા કેમ કરી ? જો કે આ માટે ક્યારેક માતા-પિતા પણ જવાબદાર હોય છે. લગ્ન માટે સામાન્ય અપેક્ષાઓ હોય તે વાજબી છે પરંતુ ઉચ્ચ અપેક્ષાઓને પકડી રાખવામાં ક્યારેક સુમન જેવી હાલત થઈ જતી છે. બુદ્ધિમાન લોકોએ એટલું તો વિચારવું રહ્યું કે લગ્નજીવન એક લાંબી સફર છે અને એકબીજા સાથે ભળી ગયા બાદ ધીમે ધીમે જીવનમાં બધું જ પ્રાપ્ત થતું રહેતું હોય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “એકની એક દીકરી – ડૉ.આરતી જે. રાવલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.