એકલતાનો આકાર – યૉસૅફ મૅકવાન

[‘જલારામદીપ સામાયિક’ સામાયિકમાંથી સાભાર.]

નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયાં છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે !

ઊંહું… કરતી અમોલાએ અર્ધજાગ્રત અવસ્થામાં જ મોબાઈલ લીધો. જુએ છે તો સ્ક્રીન પર કૉલિંગ કરતો ખડખડાટ હસતો રોહનનો ચહેરો…! અમોલા મલકી પડી. ફોન ઑન કરી કાંને માંડતાં બોલી,
‘બોલો, પતિદેવજી !’
‘ચા-નાસ્તો તૈયાર ને ?’
‘હજી ઊઠ્યું છે જ કોણ ? તું નથી એટલે થયું બે દિવસ નિરાંતથી ઊંઘી લઉં !’
‘લે, રોજની છ વાગ્યે ઊઠવાની ટેવ. મને હતું કે તું જાગી ગઈ હોઈશ. કંઈ વાંચતી હોઈશ. શું હું બહાર નીકળ્યો કે….’ વાકય પૂરું થાય એ પહેલાં જ વચ્ચેથી હસીને અમોલા મોટેથી બોલી, ‘ગૂડમૉર્નિંગ’ ને ઉમેર્યું, ‘સાંભળો પતિદેવ, યાર શાંતિથી આરામ કરવાદો ને !’
‘હા બાપા, આરામ કર, પણ યાદ રાખજે. આરામ આપણને ધીમે ધીમે ખાય છે.’ રોહન ઝડપથી બોલી ગયો. અમોલા એટલી જ હળવાશથી બોલી, ‘શું કરું ? રાતે મોડી મોડી ઊંઘ આવી’તી, તારા વિના.’

‘ઓ.કે. આ તો તને ગૂડમૉર્નિંગ કહેવા ફોન કર્યો…. તો ફૅકટરીનું કામ આજે પતી જશે.. સવારની ફલાઈટમાં અમદાવાદ. હેવ એ ગૂડ ડે ! બાય ! બોલતાં રોહન હસ્યો.
‘સેઈમ ટુ યુ.. રોહન.. બાય !’ બોલી અમોલાએ ફોન બંધ કર્યો અને સ્ફુર્તિથી પલંગમાં બેઠી થઈ ગઈ. અચાનક તેના ચિત્તમાં પિયરનું એક ચિત્ર તગતગી રહ્યું. ‘અમોલા, બેટા.. અમી ! ઊઠોને હવે.’ મમ્મીએ હળવા સાદે કહેલું. પછી ધીરે ધીરે વૉલ્યુમ વધેલું, ‘બેટા અમી, આટલું મોડે સુધી ઊંઘતા પડી રહીએ એ સારું નહીં. ટેવ સુધારો. સાસરે તો આ નહીં ચાલે…!’
‘પારુ !’ પપ્પા રૂમમાં પ્રવેશતાં બોલેલા, ‘પાર્વતી, અમીને ઊંઘવા દે. સાસરે સાસરાની રીતે રહેતાં એને આવડી જશે.’ પછી થોડું અટકીને બોલેલા, ‘દરેક દીકરી પોતાના સાસરે ઘરની સ્ત્રી બની જાય છે. હા, સાસરામાં સારી રીતભાત હોય તો ય… પોતાના પિયરની ટેવને છોડતી નથી.’
‘હા, પણ આવી ટેવ હશે તો એ લોકો કહેશે-એની માએ કશી સારી ટેવ નથી પાડી. વગોવાઈશ તો હું જ ને ?’ પાર્વતી ગુસ્સામાં બોલી. પછી ઉમેર્યું, ‘એમાંય સાસુ ન હોય તો બસ, પછી બિન્ધાસ્ત બની પતિનેય નચાવી રહે.’

પછી મમ્મી-પપ્પાની જીભાજોડીનું સ્મરણ થતાં અમોલા રજાઈને ખોળામાં દબાવી મલકી પડી. તેનાં લગ્નને ચાર વર્ષ થઈ ગયેલાં. રોહનનું કુટુંબ ધનવાન હતું. તેના માતા-પિતાએ જ તેને પોતાનું અલગ ઘર રાખવા અને અલગ બિઝનેસ કરવા સૂચવેલું. રોહને બાપના રૂપિયાને નજરમાં રાખ્યા ન હતા. કૉલેજ પછી જાતે જ મહેનત કરી, યાતનાઓ વેઠી, કમ્પ્યૂટરનો નાનકડો બિઝનેસ શરૂ કર્યો હતો. એના કામ માટે એ બૅંગ્લોર ગયેલો. રોહનને જીવનમાં કંઈક કરવાની ધૂન હતી. તે જ્ઞાન સમજવા રોજ સવારે પાંચ-સાડા પાંચે ઊઠી જતો. ધંધાને લગતું કે જીવનને લગતું કંઈને કંઈ વાંચતો. એ વાંચનની ટેવ એને જીવવાનો માર્ગ બતાવી દીધેલો. કયારેક ઓશો રજનીશજી, તો કયારેક કૃષ્ણમૂર્તિની ફિલૉસૉફી વાંચતો. યોગ પણ કરતો. શરૂશરૂમાં અમોલાને આ બધાનો ખૂબ કંટાળો આવતો. રોહન બહુ કહે તો કયારેક એ એની સાથે ઊઠે. જો તેને પોતાના બિઝનેસ વિશે કંઈ કહે કે સમજાવે તો અમોલાને બગાસાં જ આવતાં. કયાંક કટાણું મોં કરી ઉદાસીન ભાવ દાખવતી.

રોહન એને વધુ કંઈ ન કહેતો. પણ રજનીશજીની ચોપડી વાંચે-સંભળાવે ને સમજાવે. ‘સકસેસ ઈન લાઈફ’ જેવું પુસ્તક પણ તેની આગળ વાંચે અને અર્થબોધ કરે. અમોલાને ‘અષ્ટાવક્ર’ માં ખૂબ રસ પડયો. જીવન વિશેની સમજ કેળવાતી ગઈ. હવે કંટાળો નહીં, રસ પડવા લાગ્યો. સંબંધોની સચ્ચાઈ સમજાઈ પછી તો રોહનના કહ્યા સિવાય કંઈ ને કંઈ વાંચવા પ્રેરાતી, ખલીલ જીબ્રાનની વાતોય રસપૂર્વક વાંચવા લાગી.
એને એટલું તો સમજાયું કે વાંચનથી મનની જડતા દૂર થાય છે. જિંદગીના વ્યાપનો અનુભવ થાય છે.વ્યકિતત્વને ઓપ મળે છે. એને લાગ્યું કે પોતે કેવા ખોટા મોટા ભ્રમમાં જીવતી હતી. તે દૂર થયું. દરેક વાત તે શાંતચિત્તે વિચારતી થઈ.

અમોલા પથારીમાંથી ઊભી થઈ. લગભગ સાડા સાત થવા આવેલા. કચરા-પોતાં ને વાસણ-કૂસણ કરવા ધની આવી ગઈ હતી. કામવાળી પણ ચોખ્ખાં કપડાં ને સુધડ લાગે. એ હાથની ચોખ્ખી હતી. વિશ્વાસુ હતી. ધનીને ચા બનાવવાનું કહી પોતે ફ્રૅશ થવા ચાલી. થોડીવારમાં તે પાછી આવી તો ઓરડો સુગંધીદાર ખૂશ્બુથી ભરાઈ ગયેલો. એ આવી ત્યારે એપલની ફલેવરવાળી ગ્રીન ટી નાનકડા થર્મોસમાં ધનીએ ભરી ટી પૉઈ પર મૂકેલું. અમોલા ગુજરાતી-અંગ્રેજી છાપાં લઈ બાલ્કનીમાં ટી પૉઈ પાસેની ખુરશીમાં બેઠી. બોલી, ‘ધની ! પેલા ડબ્બામાંથી ત્રણચાર બિસ્કીટ આપજે તો…! તારી ચા બનાવી છે ને ?’
‘જી, ભાભીજી !’ બોલતાં ધનીએ બિસ્કીટ લાવી મૂકયા. ‘તુંય બિસ્કીટ લેજે’ બોલી અમોલાએ નાસ્તાને ન્યાય આપ્યો. પછી છાપાંના પાના ફેરવતાં તેનાથી બોલી જવાયું… જીદ કરીને રોહન સાથે ગઈ હોત તો સારું ! એના વિના વિચિત્ર લાગે છે. અમોલા ઊઠી. પ્રાતઃકર્મ પતાવી દીધું. વૉડરૉબ ખોલ્યો. શું પહેરું આજે ? રોહન તેને માટે બ્લ્યૂ જીન્સ અને ક્રીમ કલરનું સરસ ટી-શર્ટ લાવેલો. તે અમોલાને ડ્રેસ અને સાડી સિવાયના આ નવા લિબાસમાં જોવા ઝંખતો હતો. પણ અમોલાએ ધરાર નહોતા પહેર્યાં. ઘણું કહ્યું છતાં એ તરફ એણે જોયું પણ નહોતું. પડ્યા રહે બાજુ પર… એ પહેરવા એનું મન માનતું ન હતું. પણ આજે શું થયું તે એ બહાર કાઢયાં અને પહેરવા લલચાઈ.

જોઉં.. એની ગેરહાજરીમાં એ ક્મ્ફર્ટેબલ છે કે નહીં ? અને એ સ્નાન કરવા ગઈ. ખૂબ નાહી, બહાર આવી તો એ રોમાની સુંગધથી ઓરડો કોઈ ફૂલની જેમ મહેકી રહ્યો ! તેને પહેલીજ વાર બ્લ્યૂ જીન્સ અને ઉપર ક્રીમ કલરનું ટી-શર્ટ પહેર્યાં. બેડરૂમના મોટા મિરરમાં જોઈ બોલી પડી. વાઉ.. વૉટ અ નાઈસ લૂકિંગ ! પોતે જ પોતાના પર મોહી પડી ! પછી મોટો પણ ઢીલો અંબોડો વાળ્યો. મેઈક-અપની તેને ચીડ હતી. હથેળીમાં સાધારણ લોશન લઈ ચહેરા પર હાથ ફેરવ્યા. પછી ચહેરાને ધારી ધારીને જોવા લાગી. નાનપણમાં પડી ગયેલી તેની કપાળમાં ડાબી તરફ નિશાનીરૂપ આછો કાપો હતો. તેને લીધે ચહેરો ખરેખર ઓપતો હતો. એ મિરરમાં પોતાની જાતને જોતી જ રહી. મન મલકી રહ્યું. તે બોલી, ‘ખરેખર, રોહનની પસંદગીને દાદ દેવી પડે !’ બોલતાં બોલાઈ ગયું, તરત એનાથી બીજો અર્થ પકડાઈ ગયો ! આજના દિવસ વિશે તેણે વિચાર્યું-નક્કી કર્યું- ના કોઇ ઓળખીતા-પાળખીતાને ત્યાં નથી જવું. બહેનપણીને ઘેર પણ નહીં. ગાડી કે સ્કૂટીને હાથ પણ અડાડવો નથી. બસ, એકલવાયા જયાં સૂઝે, જે સૂઝે તે તરફ જવું… આજે એકલા એકલા ફરવું છે ! આમ વિચારતી હતી ત્યાં રસોઈ કરનારી બાઈ આવી અમોલાએ કહ્યું. ‘મધુ, આજે હું બહાર જાઉં છું તું સાંજે આવજેને !’ ‘જી, બેન !’ કહી મધુ પાછે પગલે વળી ગઈ.

અમોલા ફરી મિરર સામે ઊભી રહી. જિન્સ-ટીશર્ટમાં પોતાનું નવું જ રૂપ જોતી રહી. વળીવળીને જોવા લાગી. રોહને એને સમજાવેલી નાર્સિસસની કથાનું સ્મરણ થયું. મિરર આગળથી તરત હટી ગઈ. ઘડિયાળમાં જોયું. દસ થવા આવ્યા હતા. તે અસમંજસમાં જ બહાર નીકળી. ઘરને તાળું માર્યું. રસ્તા પર આવી ઑટો પકડી. બેસતાં બોલી, ‘ટોપા સર્કલ. બૂક ફેર છે ત્યાં લઈ લો.’ બૂક ફેરમાં પહોંચી ગઈ. રોહને એને વાંચવાનો રસ જગાડ્યો હતો. બૂક ફેરની જાહેરાત વાંચી ત્યારથી જવાની ઈચ્છા હતી. સાંજે તે બૂકફેરમાં ફરી. પણ ચોપડી ખરીદવાનું ગોઠયું નહીં. તે બહાર નીકળી ગઈ.

સડક પર આવી. નજર સામે જ એક ખાલી ઑટો ઊભી હતી. તે તરફ બે ડગલાં ભરી અટકી. જવા દે, ભંગાર જેવી છે. એમાં નથી જવું. તરત જ એક નવા જેવી ઑટો આવતાં તેને રોકી તેમાં બેઠી. બોલી, ‘ભાઈ, ‘ખાનાખજાના’ પર લઈ લો ને !’ ખાનાખજાનામાં પ્રવેશતાં જ પોતે બે-ત્રણવાર રોહન સાથે આવી હતી તેનું સ્મરણ થયું. જયાં બેસતાં તે ટેબલ આજે પણ ખાલી હતું. ત્યાં જ બેઠી. બાજુમાં રોહન બેઠો હોય તેવો એને કંઈક આભાસ થયો. કંઈ સંભળાયું, ‘અમોલા, બોલ, શું જમીશું ? મેનુમાં જોઈ ડિસાઈડ કર.’
‘તમે જ કહો- ’
‘મેમ સા’બ… મેમ સા’બ !’ વેઈટરે જરા મોટા અવાજે કહ્યું, ‘પ્લીઝ ઑર્ડર !’
અમોલા સહજરીતે બોલી, ‘ઐસા કરો. મિકસ સ્બજી, બટરમિલ્ક, દો બટર રોટી… દાલફ્રાય.. જીરા રાઈસ.’
‘જી મેમસા’બ ! બોલતો વેઈટર ગયો.
અહીં અમોલાને રોહનની અઢળક યાદ આવી. તેણે કરેલી રોમેન્ટિક વાતો પતંગિયાં બની આંખોમાં ફરફરી રહી ! લંચ આવી જતાં તેણે શાંતિથી તેને ન્યાય આપ્યો. બિલ ચૂકવી તે બહાર નીકળી. ઘડિયાળમાં જોયું. પિકચરનો સમય છે. જવાશે, પણ રોહન વિના જરા અડવું લાગશે.. લાગશે તો લાગશે પણ આજે મનનું કહેવું જ કરવું છે તો ! સામે જ સિનેમૅકસ હતું. તેમાં ‘અજબ પ્રેમકી ગજબ કહાની’ દર્શાવાતું હતું. ત્યાં પહોંચી ટિકિટ લીધી. અંદર જવાને હજી વાર હતી. બહાર રહેલા સોફા પર બેઠી. જીન્સ-ટી-શર્ટમાં તેને વધુ કમ્ફટૅ લાગ્યું. મોબાઈલમાં રોહનનો ચહેરો તાકી તાકી જોયો. ફોન કરવાની ઈચ્છા થઈ પણ ન કર્યો. થયું મેળામાંથી કોઈ ચોપડી લીધી હોત- તો ય… -ત્યાં તેની સામેના સોફા પર એક ફૂટડો યુવાન આવીને બેઠો અને અમોલાને એકીટશે જોઈ રહ્યો. અમોલાની નજર તેની પર પડતી તો ય એ જોયા જ કરતો. અમોલાને થયું, હું વળી અહીં કયાં બેઠી ? પણ પછી અમોલાએ મનોમન કશું નક્કી કરી લીધું. જેવી પેલાની નજર પોતા પર પડી કે અમોલાએ સ્મિત કર્યું. ચારે આંખો મલકી રહી. પછી અમોલાએ મોં ફેરવી લીધું. એ તરફ જોયું જ નહીં. થિયેટરમાં પ્રવેશ શરૂ થયો. અમોલા પણ ઘસી ગઈ. આછા અંધકારમાં પોતાની સીટ પર બેઠી. સંજોગવસાત્ત પેલા ભાઈની સીટ પણ અમોલાની પાસે જ આવી. રે ! કેવી વાત આ કેટલીકવાર નસીબના ઈરાદા આપણી સમજની બહાર હોય છે. અમોલાએ જાતને સંકોચી. ટી-શર્ટના કૉલર સરખા કર્યા. અમોલાનો હાથ પેલા ભાઈના હાથને સહજ રીતે અથડાઈ ગયો. તેણે પેલા ભાઈ સામે જોયું- બોલી, ‘સૉરી!’ ‘નો મૅટર !’ બોલતાં પેલા ભાઈએ અમોલાને મીઠું સ્મિત આપ્યું.

રણવીરકપુરની ઍકિટંગ પર પ્રેક્ષકો ઉન્માદમાં અવાજ કરી બેસતા. એમાંય સલમાનની ઍન્ટ્રીવાળા દ્રશ્યમાં તાળીઓ. પછી તો આવું ઘણું બધું આખા પિકચર દરમિયાન પેલા ભાઈનો હાથ ત્રણ-ચાર વાર આનંદના અતિરેકમાં અમોલાના હાથને અડી ગયેલો. ને ‘સૉરી સૉરી’ થતું રહેલું. આ સહજભાવે જ બન્યું. એકલતા જયારે નિર્દોષભાવે ખૂલે છે ત્યારે મન મોકળાશ અનુભવે છે. ફિલ્મ પૂરી થઈ. બહાર આવતાં જ પેલા ભાઈથી પુછાઈ ગયું, ‘મૅડમ, કેવી લાગી ફિલ્મ ?’
‘ઓ.કે.ફાઈન. મજા પડે એવી !’ સરળતાથી અમોલા બોલી.
‘મને પણ એ જ લાગણી થઈ.’ પછી રહી ને ઉમેર્યું, ‘તમે તો ગુલબાઈ ટેકરા પરની વસુંધરા…’
વસુંધરા નામ કાને પડતાં જ અમોલા બોલી, ‘અચ્છા, તો તમને મારી સોસાયટીની…’
‘હા.. હું એની પાસેના એપાર્ટમેન્ટમાં જ રહું છું !’ પેલા ભાઈ ઉત્સાહમાં ઝડપથી બોલી ગયા. ને પછી ધીમેથી ઉમેર્યું, ‘તમને આ જીન્સ, ટી-શર્ટમાં પહેલી જ વાર જોયાં. બાકી તમને સ્મિપલ ડિઝાઈનના ડ્રેસ-દુપટ્ટામાં કે મોટે ભાગે સાડીમાં ઘણીવાર જોયાં છે !’ પછી આછું સ્મિત કરતાં કહ્યું, ‘આ ડ્રેસમાં તમારું રૂપ ઑર નીખરે છે. તેમાંય ઢીલો અંબોડો ખૂબ જચે છે !’ સ્ત્રીસહજ લજ્જાની ઝરમર અમોલાની આંખોમાંથી ઝરમરી ગઈ. નરમાશથી પણ સ્પષ્ટ બોલી જવાયું. ‘થૅન્ક યૂ વેરી મચ !’

‘યુ આર વૅલકમ !’ બોલતાં પેલા ભાઈએ પ્રસ્તાવ મૂકયો, ‘શેલ વી હેવ સમ ટી..ઑર કૉફી !’ અમોલાએ પેલા ભાઈની આંખોમાં નિર્દોષતા વાંચી. જે સરળતાથી તેણે ઑફર મૂકી હતી તેમાં અમોલાએ જાણે વર્ષોનો પરિચય હોય એવું અનુભવ્યું. કૉફીનો ઘૂંટ ભરી સેન્ડવીચ હાથમાં લેતાં પેલા ભાઈએ કહ્યું, ‘જો તમને વાંધો ન હોય તો પ્રશ્ન પૂછું ?’
‘પૂછો…’ અમોલાએ પેલા ભાઈની આંખોમાં આંખો મેળવીને કહ્યું. ‘તમે પાલડીની દીવાન-બલ્લુભાઈ સ્કૂલમાં ભણતાં હતાં ?’
‘ઓહ માય ગૉડ ! તમે મને ત્યારથી જાણો છો ?’ વિસ્ફારિત નેત્રે અમોલાએ પ્રશ્ન કર્યો.
‘ઓહ યસ. તો તમે એ જ છો. જેને હું સારી રીતે ઓળખી શકયો !’ પેલા ભાઈએ અમોલા તરફ લગીર ઝૂકી કહ્યું, ‘હું બે વર્ષ પહેલાં જ ફલૅટમાં રહેવા આવ્યો હતો. હું અને મીરાં – અમે ઘણીવાર અમારા ફૅલટની બાલ્કનીમાં બેસતાં ત્યારે તમને અવારનવાર ત્યાંથી પસાર થતાં જોતાં.’
‘તમારા મિસિસ કયાં ?’ વચ્ચે જ અમોલાથી પુછાઈ ગયું. ‘એ આણંદ ગઈ છે, એની બા બીમાર છે એટલે.
આજે એકલો પડ્યો’તો તે થયું, ચાલ, આ પિકચર જોઈ લઉં.’ પછી પેલાએ ઉમેર્યું, ‘તમને ફલૅટ પાસેના રસ્તા પરથી જોયાં ત્યારથી તમને મળવા મન થતું ! આજે અહીં મળ્યાં !’
‘એટલે ? હું કંઈ સમજી નહીં.’ અમોલાએ દ્રઢ અવાજમાં કહ્યું.
‘એટલે એમ કે તમારું નામ અમોલા, ખરું ?’ પેલા ભાઈએ ઉતેજિત થઈ કહ્યું.
‘ઓહ માય ગૉડ ! તમે મને નામથીય જાણો છો ?’ અમોલા તેને તાકી રહી. પેલો ભાઈ મલકતો મલક્તો બોલ્યો, ‘દીવાન બલ્લુભાઈમાં હું આઠમા ધોરણમાં તમારી સાથે ભણેલો. એ વખતે રક્ષાબંધનને આગલે દિવસે શાળામાં છોકરીઓ વર્ગના છોકરાને રાખડી બાંધતી.’
‘અરે યાદ આવ્યું ખરેખર એવું હતું !’
પેલા ભાઈએ કહ્યું, તમે મને રાખડી બાંધેલી. ઓળખ્યો મને ?’
‘હશે. પણ હાલ સ્મૃતિમાં આવતું નથી.’ અમોલા ઝીણી આંખ કરી બોલી. ‘નામ દઉં તો ખબર પડે !’
પેલા ભાઈ બોલ્યા, ‘હું નરેશ ખરીદિયા !’
‘જો કે હજી યાદ આવતું નથી.’ અમોલાએ વિસ્મયથી કહ્યું ને ઉમેર્યું, ‘પણ હું એ જ અમોલા એવી ખબર તને શી રીતે પડી ?’ પેલા ભાઈ મોટેથી હસી પડયા. બોલ્યા, ‘જુઓ, આ તમારા કપાળ પર જે નાનો સરખો કાપો છે તે પરથી. તેને લીધે તમે સુંદર દેખાતાં હતા. એ મારા ચિત્તમાં જડબેસલાક જડાયેલું છે.’ પછી હસીને કહે, ‘આજેય તમે જીન્સ પેન્ટ અને ટી શર્ટમાં એટલાં જ કદાચ વધારે સોહામણા લાગો છો !’
‘ના જી, હજી મારે શિવરંજની પાસે થોડું કામ છે, ત્યાં જવું છે. તમે ઉપડો…!’
બોલતાં નરેશભાઈ ફંટાઈ ગયા. બોલ્યા, ‘યુ આર ફેર લૂકિંગ !’ અને અમોલા કંઈ અસમંજસભર્યા આનંદ સાથે ઑટામાં બેઠી. હું સાવ મૂરખી.. રોહને આ કપડાં પહેરવા મને કેવો આગ્રહ કર્યો હતો. એનું માન્યું હોત ને પહેર્યાં હોત તો કેટલો ખુશ થાત !… અને કૈં કૈં વિચારતાં તેણે રીક્ષા ગુલબાઈ ટેકરા તરફ લેવડાવી.

Leave a Reply to Natavarbhai Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “એકલતાનો આકાર – યૉસૅફ મૅકવાન”

Copy Protected by Chetan's WP-Copyprotect.