હસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૩) – અરવિંદ પટેલ

[ આજના સમયમાં લગ્નને લગતાં અનેક વિકટ પ્રશ્નો છે. ખુદ લગ્નસંસ્થાને પ્રશ્નાર્થચિન્હ લાગી જાય એવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યાં છે. આ સમયમાં યુવાપેઢીને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી સુરતના સર્જક શ્રી અરવિંદ ભાઈએ એક સુંદર લેખમાળા લખી છે, જેને આપણે સમયાંતરે અહીં માણતાં રહીશું. અગાઉ આપણે તેના ભાગ-૧ અને ભાગ-૨ વાંચ્યા છે. આજે તેમાંનો વધુ એક અંશ પ્રકાશિત કર્યો છે. રીડગુજરાતીને આ લેખો મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે abpatel50@gmail.com અથવા આ નંબર પર +૯૧ ૯૪૨૭૧૦૭૬૨૭ સંપર્ક કરી શકો છો.]

પોતાના લાડકવાયા સંતાન એવાં દીકરા કે દીકરી ઉંમરલાયક થાય, સારું એવું ભણી રહે એટલે તેમને માટે લગ્ન માટે માંગા આવવાના શરુ થઈ જાય. જો દીકરા, દીકરી ભણી રહ્યાં હોય, યુવાનીમાં પ્રવેશી ચુકવાની શરૂઆત થઈ ચુકી હોય, દેખાવે સોહામણા હોય, ઘર પરિવાર સુખી, સાધનસંપન્ન હોય તો સગા સંબંધી, મિત્રો, ઓળખીતાઓ તરફથી માંગા આવવાની શરૂઆત થઈ જ ગઈ સમજો. આ સાથે જ માતાપિતાને મીઠી મૂંઝવણ શરુ થઈ જાય. ખાસ કરીને પોતાની લાડકવાયી દીકરી બાર તેર વર્ષની થાય એટલે યુવાનીમા પગરણ માંડવાની શરૂઆત થઈ ચુકી હોય, ત્યાંથી જ માતાપિતાને ધીરે ધીરે ચિંતાની શરૂઆત થવા માંડે. દીકરીના યુવાનીમાં પ્રવેશ સાથે વિજાતીય આકર્ષણની પણ શરૂઆત થાય. દીકરીને પોતાનામાં થતાં શારીરિક, જાતીય ફેરફાર વિશે મુંઝવણ થવા માંડે, મનનાં મહાસાગરમાં ઉછાળા મારતા આવેશો આવેગોને શાંત કેવી રીતે કરવા, મનમાં ઊભા થતાં અસંખ્ય સવાલો, ન કહેવાય ન સહેવાય એવી પરિસ્થિતિ જોઈ માતાપિતાને પણ થાય કે દીકરીની આવી મૂંઝવણને કેવી રીતે દુર કરવી, દીકરીના મનમાં ઉદભવતા ચિત્રવિચિત્ર સવાલોના જવાબ કેવી રીતે આપવા. તે સાથે જો દીકરી થોડી વધુ સોહામણી હોય, થોડી વાચાળ હોય, સાથે જો ચંચળ હોય તો ધીરે ધીરે માતાપિતા તરફથી દીકરી પર અંકુશ મુકાવા માંડે, રૂઢિચુસ્ત માતાપિતા હોય તો દીકરીના પહેરવેશ સંબંધી, ઊઠવા બેસવા બાબત, છોકરાઓ સાથે વધુ વાતચીત ન કરવા માટે કે પછી છોકરાઓ સાથે મિત્રતા બાંધવા સંબંધી, હરવા ફરવા માટે, તેમજ અન્ય રીતભાત સંબંધી થોડા વધુ આકરા નીયંત્રણ મુકવાની શરૂઆત થાય. છોકરા સાથેની વાતચીતને શંકાની નજરે જોવામાં આવે. કારણકે છોકરીઓમાં આ ઉમરે થતું મુગ્ધાવસ્થાનું વિજાતીય આકર્ષણ ભવિષ્યમાં તેને મુશ્કેલીમાં મૂકી શકે એવો પુરો સંભવ હોય છે.

માતાપિતા જો સમજુ હોય તો મિત્ર ભાવે પોતાની દીકરીને વિશ્વાસમાં લઇ આ બધું કેમ જરૂરી છે તે તેને સમજાવવાનું હોય છે. તેણે હવે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે, સાથે જાતીય વિષયક ઊભા થતાં પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવાના હોય છે. દીકરી પણ જો સમજદાર હોય, આજ્ઞાંકિત હોય તો આગળનો રસ્તો આસાન થઈ જાય છે. પરંતુ જો રૂઢીચુસ્ત માતાપિતા પોતાની દીકરીને વિશ્વાસમાં લીધા વિના જ જો અગાઉ જણાવ્યું તેમ આકરા નિયંત્રણો મુકવા માંડે તો ગેરસમજનાં કારણે, વિશ્વાસના અભાવે એવું બને કે દીકરી માતાપિતા સામે બળવો પોકારે ને ન કરવા જેવું કામ કરી બેસે તો બદનામી થવાની પૂરી શક્યતા રહેલી હોય છે. માતાપિતાની મુખ્ય ચિંતા પોતાની લાડકવાયી લાડકોડથી ઉછરેલી દીકરીને ભવિષ્યમાં સારું પાત્ર, સમજી શકે એવો પરિવાર મળશે કે કેમ એની હોય છે. દીકરીને પોતે આપેલા પ્રેમ, લાગણી સાસરામાં પણ મળશે કે કેમ તેની ફિકર હોય છે, દીકરીના સુખ, સગવડ સાસરે પણ સચવાશે કે કેમ એ ડર કોરી ખાય છે. દીકરી સાસરે ગયા પછી તેમના પરિવારમાં સહુ જોડે હળી, મળી, ભળી જશે કે કેમ એની પીડા સતાવતી હોય છે. દીકરીની સઘળી ખામી, ખૂબીઓ, ખાસિયતો સાથે સાસરા પક્ષ અપનાવશે કે કેમ તેનો ભય હોય છે. પોતાની વહાલસોયી દીકરી માટે આવા અનેક અસલામતીના ભાવો, લાગણીઓ સતાવતી હોય છે. માતાપિતાનો આવો ભય અસ્થાને પણ નથી કારણકે દરેક માતા જાણતી હોય છે કે પોતે જયારે પરણીને સાસરે આવી ત્યારે શરૂઆતના કેટલાંક વર્ષો સુધી કેવી કેવી મુશ્કેલીઓનો, તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. નવું ઘર, નવું વાતાવરણ, નવી વ્યક્તિઓ સાથે તાલમેલ બેસાડવાનું કેટલું અઘરું હોય છે તે જાણતી હોય છે. દીકરીએ સાસરે ગયા પછી પરિવારના સહુ સભ્યોના વિવિધ, વિરોધાભાસી સ્વભાવ, વિશિષ્ટ લાક્ષણિકતા તેમજ ઘરમાં કોનો કેટલો પ્રભાવ છે, કોનામા કેટલો, કેવો અભાવ છે તે જાણી સમજી વિચારી સહુ સાથે એડજેસ્ટ થવાનું હોય છે. સહુનો વિશ્વાસ સંપાદન કરવાનો હોય છે.

એટલેકે દીકરીએ સાસરે ગયા પછી પોતાના અહમને ઓગાળી નાખી માતાપિતાની કેળવણી, પોતાનું શિક્ષણ, અભ્યાસ, સંસ્કાર સાથે પોતાની સઘળી આવડત, અક્કલ, હોંશિયારી, સૂઝબૂઝને કામે લગાડી સંતુલિત અને સંયમિત વ્યવહાર કરવાનો છે. શંકા અને સંશયને કોરાણે મુકવાના હોય છે. વિશ્વાસ અને વફાદારીના ભાવ સાથે સહુને પોતાના કરવાના છે. પોતીકાપણાનો, આત્મીયતાનો ભાવ જાગૃત કરવાનો છે. આ બધું જોવામાં, સમજવામાં, સંતુલન જાળવવામાં, આ બધા સાથે તાલમેલ બેસાડવામાં ઘણી વાર વર્ષો વહી જતાં હોય છે. ડગલે પગલે સહિષ્ણુતા, અને સમાધાન સાધવાના હોય છે. કેટલુંયે જતું કરવાનું હોય છે, કેટલોય ત્યાગ કરવાનો હોય છે, કેટલુંયે ઉદાર બનવાનું હોય છે, અને કેટલુંયે ન જાણે કેવું કેવું ભોગવવાનું હોય છે પણ ડરીને ભાગવાનું નથી એ સહુ સ્ત્રીઓ સમજતી હોય છે. પોતાની મનોયાતનાને મનમાં જ ધરબી દેવાની હોય છે. જોકે ભગવાને સ્ત્રીઓમાં આ રીતની કુદરતી કુશળતા, સમજણ, સહિષ્ણુતા અને આવડત, મુકેલી જ હોય છે. જે સ્ત્રીને સાસરે ગૃહલક્ષ્મી અને અન્નપૂર્ણા તરીકેના માનસન્માન મેળવવાને પાત્ર બનાવે છે. ટૂંકમાં કહીએ તો સાસરે ગયા પછી વહુએ સહુને જે અત્યાર સુધી અજાણ્યા હતાં પારકા હતાં તેને પોતાના કરવાના છે. પોતાના કરવાનો પ્રયત્ન કરવામાં કદાચ નિષ્ફળતા મળે તોપણ પોતે જો સહુની થઈ જાય તો સહુને જીતી લેવા આસન થઈ જાય. સહુનો વિશ્વાસ સંપાદન કરવામાં સરળતા થઈ જાય. કારણકે સહુને પોતાના કરવામાં પોતાના સિવાય ઘરના બધાને બદલવાના છે. જયારે સહુના થવામાં પોતે એકલાએ જ બદલાવાનું હોય છે. સ્વયં પોતાનામાં જ પરિવર્તન લાવવાનું હોય છે. જેથી સંઘર્ષ ઓછો થઈ જાય છે. જોકે હવે માહોલ બદલાયેલો છે, વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે તેથી પહેલા જેટલી છોકરીને સાસરામાં અગવડો, મુશ્કેલીઓ વેઠવી નથી પડતી, સદનસીબે સમજુ સાસરિયા દીકરીને મળી ગયા તો માતાપિતા સુખ, શાંતિ, આનંદનો અનુભવ કરી શકે છે. હસ્તમેળાપથી હૃદય મેળાપ સુધી પહોચવાના આ બધા નાના પગથિયાઓ છે સાચવીને સમજીને વિચારીને પગ મુકતા જવાનું છે ને દામ્પત્યજીવનનો આનંદ માણવાનો છે.
.
લગ્ન અગાઉ પોતાના સંતાનનું મન જાણી લેવામાં સંકોચ શાનો?!

માતાપિતા પોતાના સંતાન માટે યોગ્ય પાત્ર/મુરતિયો શોધવાની તૈયારી શરુ કરે તે પહેલા, કે માંગા આવવાની શરૂઆત થાય તે સાથે દરેક માતાપિતાની સહુ પ્રથમ એ ફરજ થઈ જાય છેકે તેઓ તેમના સંતાનને મિત્રભાવે પ્રેમથી પૂછી લે કે તેઓએ પોતે પોતાની રીતે પોતાના માટે કોઈ યોગ્ય પાત્ર શોધી લીધું તો નથીને? તેઓ કોઈની પણ જોડે પ્રેમ સંબંધમાં તો નથીને? આ બાબતે પોતાના સંતાનની સાથે ખુબ જ નિખાલસ ચર્ચા થવી જરૂરી હોય છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે આ બાબતે ન તો માતાપિતા સંતાનને પૂછે કે ન તો સંતાન સંકોચ, ડર કે ભયના માર્યા માતાપિતાને પોતાના પ્રેમ સંબંધ વિશે જણાવે છે, તેથી થાય છે એવું કે પુત્ર કે પુત્રી પરાણે સગપણ માટે હા પાડે છે, લગ્નની તારીખ નક્કી થાય, લગ્નનો દિવસ નજીક આવે, અને બધી તૈયારી થઈ ગઈ હોય ત્યારે જ બધું રહસ્ય બહાર આવે, ક્યાં તો છોકરા છોકરી ભાગી ગયા હોય કે પછી આત્મહત્યાની ધમકી આપે એટલે લગ્ન અટકાવી દેવા પડે અને સગપણ ફોક કરવું પડે. ભવિષ્યમાં આવી મૂંઝવણભરી પરિસ્થિતિ પેદા ન થાય, બદનામી ન થાય, બેઈજ્જતી ન થાય, વધુ પડતી હોહા ન થાય તે માટે સમજુ માતાપિતાએ આ બાબતે અગાઉથી જ માનસિક તૈયારી કરી લઇ પોતાના સંતાને શોધેલું પાત્ર જ્ઞાતિજાતી, ધર્મના બાધને ધ્યાનમાં લીધા વિના જો સુશિક્ષિત, સુસંસ્કારી, અને સદગુણોથી સંપન્ન હોય, ચાલચલગત સારી હોય અને સાથોસાથ ખાસ કરીને છોકરીએ શોધેલું પાત્ર પોતાનાં પગ પર ઉભું રહેતું હોય, સારી નોકરી ધંધો કે પોતાનો સ્વરોજગાર કે વ્યવસાય હોય, પરણ્યા પછીની સઘળી જવાબદારીઓ ઉઠાવવા સક્ષમ હોય, પરંતુ આર્થિક રીતે એટલું સુખી સમૃદ્ધ હોય કે ના પણ હોય છતાં ખાધે પીધે વાંધો આવે એવું ન હોય તો માતાપિતાએ લગ્ન માટે સંમતી આપવી આવશ્યક થઈ જાય છે અને એ આજના સમયની માંગ પણ છે તે ધ્યાનમાં રાખવું રહ્યું. જયારે છોકરા કે છોકરી પોતાનું પાત્ર પોતાની રીતે શોધી લીધું હોય અને તે પાત્ર જયારે આંતરજ્ઞાતિય, જાતીય, કે આંતરધર્મી હોય ત્યારે માતાપિતા માટે ખુબ જ મુંઝવણભરી પરિસ્થિતિ પેદા થતી હોય છે.

બંને પાત્રોના પરિવારના સભ્યોની જો સંમતી હોય તો સામાન્ય રીતે આગળ વધવામાં બહુ વાંધો નથી આવતો. પણ જો બે માંથી એક પરિવારની અસંમતી હોય તો લગ્ન સંબંધે આગળ વધવામાં મુશ્કેલી ઉભી થઈ શકે. ઘણીવાર બંને પક્ષોના, પરિવારના સભ્યો, સગા સંબંધી એવું માનતા હોય છે કે પુત્ર કે પુત્રીએ શોધેલું પાત્ર યોગ્ય નથી, તેમના સામાજિક માન, મોભા પ્રમાણે બરાબર નથી અને આ સંબંધના કારણે સહુની બદનામી થશે, બેઈજ્જતી થશે, હોહા થશે એવાં ભયથી તેઓ આ પ્રકારે બંધાયેલા પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવા સંમતી આપતાં અચકાતા હોય છે. સામાન્ય રીતે એવું જોવાં મળે છેકે પ્રેમ સંબંધે જોડાયેલા બે પાત્રો, માતાપિતાની દ્રષ્ટિએ સામેનું પાત્ર ગમે તેટલું ખરાબ કે અયોગ્ય કેમ ન હોય, છતાં પણ પોતાની પસંદગીના પાત્ર સાથે જ લગ્ન કરવાનો તેમનો હઠાગ્રહ હોય છે. તેમજ તેઓ તેમાં અત્યંત મક્કમ પણ હોય છે એતો જાણીતી વાત છે. જો બે પરિવારની આ બાબતે સંમતી ના મળે તો ક્યાં તો ભાગીને લગ્ન કરી લે છે કે પછી ના છુટકે આત્મહત્યા કરવા સુધી તૈયાર થઈ જતાં હોય છે. ક્યાં તો કાયમના માટે અપરણિત રહેવાની ધમકી આપતાં હોય છે. આ કારણે બંને પક્ષો એકબીજા સામે આક્ષેપો, પ્રતિ આક્ષેપો, આરોપો, પ્રતિ આરોપો, બદનક્ષી કરવાનો દોર લાંબો સમય સુધી ચાલ્યા કરતો હોય છે, જેને લીધે ઘણીવાર વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતી હોય છે, અને છાપાનાં ગરમાગરમ સમાચાર થઈ જતાં હોય છે. તેથી આ એક એવી અણગમતી હકીકત છે જે બાબતે માતાપિતાનો કોઈપણ દુરાગ્રહ કામમાં આવતો નથી. એટલું સમજી લેવું જરૂરી છે કે ઉપર જણાવ્યું તેમ પાત્ર જો યોગ્ય જણાય તો માતા પિતાએ થોડી બાંધછોડ કરીને પણ મનેકમને, વહેલી કે મોડી સંમતિ આપવી પડતી જ હોય છે. સામાન્ય રીતે માતાપિતાને તેમની તેમના કુટુંબની બદનામી થવાનો ભય ક્યારેક વધુ પડતો હોય છે. ક્યારેક કાલ્પનિક હોય છે. પણ જો થોડું સમજદારીથી, સમજી વિચારીને આ બાબત હાથ ધરવામાં આવે તો ખાસ કંઈ મુશ્કેલી પડતી નથી. પરંતુ જો માતાપિતા પોતાનો દુરાગ્રહ ન છોડે અને આવા લગ્ન માટે અસંમતી વ્યકત કરે અને માતાપિતા પોતાની જ પસંદગીના પાત્ર જોડે જયારે લગ્ન માટે દુરાગ્રહ કરે ત્યારે છોકરા કે છોકરી જો મક્કમ હોય અને ભાગીને લગ્ન કરી લે અથવા બીજું કોઈ અરુચિકર પગલું ભરે તો એટલું સમજી લેવાનું કે એક યા બીજી રીતે હોહા અને બદનામી થવાનું નક્કી જ હોય છે.

બંને પરિવાર વચ્ચેના સંબંધોમાં દુશ્મનાવટ સર્જાવાની શક્યતા રહેલી જ હોય છે. એનાં કરતાં જો શરૂઆતથી જો છોકરા કે છોકરીને વિશ્વાસમાં લઇ, બળજબરીના બદલે જો સમજાવટથી કામ લેવામાં આવે તો શક્ય છે કે બદનામી કે હોહા ઓછી થઈ શકે. માતાપિતા જો પોતાની જ ઈજ્જત, આબરુનો કે અહં, અને અધિકારનો પ્રશ્ન બનાવી દે તો સમસ્યા વધુ ગૂંચવાય શકે છે. એટલું સમજી લેવાની જરૂર છે કે આવી બાબતોમાં હોહા, બદનામી તો થોડીઘણી થવાની જ છે. શક્ય છે કે પોતાના છોકરા કે છોકરીની તરફેણમાં નિર્ણય લઇ બદનામીથી બચી પણ શકાય. માતાપિતાએ પોતાની ઈજ્જત, આબરુ કે અહં ને ધ્યાનમાં નથી રાખવાના પણ તેમના સંતાનનું સુખ, હિત શેમાં છે તે પણ ધ્યાનમાં લેવાનું હોય છે. લગ્નજીવનની સફળતા કે નિષ્ફળતાની કોઈ ગેરંટી કે વોરંટી હોઈ ના શકે કે કોઈ આપી ન શકે. જો માતાપિતાને એમ લાગે કે સામેનું પાત્ર પોતાના પુત્ર કે પુત્રી માટે કોઈ પણ દ્રષ્ટિથી જોતા યોગ્ય નથી તેમ છતાં પણ પુત્ર કે પુત્રી પુરતી સમજાવટ છતાં જો ન માને તો તેમના ભાગ્ય પર છોડી દેવા જોઈએ. અને તે લગ્ન માટે સંમતિ આપવી જોઈએ જેથી ભવિષ્યમાં તેમનું સંતાન એમ ના કહી શકે કે તમારી પસંદગીના પાત્ર જોડે અમે પરણીને સુખી ના શક્યા, કે લગ્નજીવન સાર્થક કે સફળ ના રહ્યું. આખરે તો જેમણે લગ્નગ્રંથીથી જોડાવાનું છે, જેની જોડે જેમણે આખી જિંદગી રહેવાનું છે, તેમને પણ પોતાની પસંદ ના પસંદ જણાવવાનો અધિકાર તો હોવો જ જોઈએ. ઘણા બધા કિસ્સામાં એવું જોવામાં આવતું હોય છે કે ખાસ કરીને માતાપિતાની અસંમતીના કારણે ભાગીને લગ્ન કરેલ પુત્રી સાથે કોઈ પણ જાતનો શરૂઆતમાં સંબંધ રાખવામાં નથી આવતો પણ થોડા સમય, વર્ષો પછી પોતાનો ગુસ્સો શાંત થતાં, પોતાની ભૂલ સમજાતાં, દીકરીને સામાન્ય ઘરમાં પણ સુખી જોતાં પુનઃ પોતાની પુત્રી જોડે સંબંધ શરુ કરી દેતા હોય છે. પણ માતાપિતાએ જો સંમતી સાથે લગ્ન કરાવી આપ્યા હોત તો અત્યાર સુધી થયેલું શારીરિક, માનસિક અને આર્થિક નુકશાન અટકાવી શકાયું હોત. કદાચ બદનામીથી બચી શકાયું હોત કે થઈ એનાં કરતાં ઓછી બદનામી થાત.
તેજ રીતે વિજાતીય આકર્ષણમાંથી પાંગરતો પ્રેમ અને પૈસાના લોભ, લાલચ, અને સ્વાર્થનાં આકર્ષણ બંને ભેગા થઈને ન કરવાના કામો કરાવતા હોય છે, તે સમયે બદનામી બેઈજ્જતીનો પણ કોઈ ભય રહેતો નથી જે લગ્નજીવનમાં પાછળથી ખાનાખરાબી કરવા કારણભૂત બને છે.

આ બાબતે શરૂઆતથી જ સતર્ક અને સાવધાન રહેવું જરૂરી હોય છે, નહીં તો લગ્નજીવનને ખેદાનમેદાન થતાં વાર નથી લાગતી. છોકરા છોકરીના દાબ દબાણથી થયેલા સગપણ પછી કે લગ્ન પછી આવી પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા રહે છે. તેથી સગપણ પછી કે લગ્ન પછી બંને પક્ષોએ એટલા સતર્ક અને સાવધાન રહેવાનું છે કે બંને પાત્રો એકબીજા સાથે પુરા પ્રેમપૂર્વક નથી વર્તતા કે એકબીજાના પરિવારમાં ઓતપ્રોત થઈ ભળી નથી શકતા એવી શંકા કે વહેમ જણાય તો તરત સાવધાન થઈ જવું જોઈએ અને જરૂરી જણાય તે રીતે તપાસ કરી કુનેહપૂર્વક ઉકેલ લાવવો જોઈએ. એવાં પણ કિસ્સા જોવાં મળે છે કે છોકરા કે છોકરીએ પોતાના માતાપિતાની જાણ બહાર ખાનગીમાં પોતાની પસંદગીના પ્રિય પાત્ર સાથે લગ્ન કરી લીધા હોય છતાં માતાપિતાના દાબ દબાણનાં કારણે સગપણ માટે કે લગ્ન માટે તૈયાર થઈ જાય પણ આ વાત લાંબો સમય સુધી છુપી ન રહી શકવાનાં કારણે જગજાહેર થવાથી બંને પક્ષોની બદનામી થતી હોય છે તેથી આ બાબતે પાછળથી બદનામીનો ભોગ બનવું ના પડે તે માટે સગપણની વાત વખતે છોકરા છોકરીએ પ્રથમ મુલાકાત વખતે જ આપસમાં ખાનગી ચોખવટ કરી લેવી જોઈએ અને માતાપિતાના ગમે તેટલા દાબ દબાણ કે ધમકીને ધ્યાનમાં લીધા વિના, સામા પક્ષની બદનામી ન થાય એ રીતે સામેના પાત્રને કુનેહપૂર્વક ના પાડતા અચકાવું જોઈએ નહીં.
.

સગપણની વાતચીત વખતે સંતાનની શારીરિક, માનસિક કે અન્ય કોઈ પણ પ્રકારની ખામી વિશે નિખાલસતાથી જણાવવામાં શાનો વાંધો હોય શકે?!

સગપણની વાતચીત વખતે છોકરા કે છોકરીની તેમની કેટલીક અંગત શારીરિક કે માનસિક ખામીઓ, તેમજ કોઈ પણ પ્રકારની અસાધ્ય બીમારી વિશે, કે પછી ભૂતકાળમાં કરવામાં આવેલ કોઈ મોટું ઓપરેશન, કે પછી કોઈ થયેલો ગંભીર અકસ્માત કે પછી કોઈ ગંભીર બીમારીની લાંબો સમય લીધેલ સારવાર અંગે પણ ખુબ નિખાલસ રીતે એકબીજા પરિવારને જાણ કરવી જરૂરી હોય છે. મનમા કોઈ શંકા રહી નહીં જાય તે માટે આ બાબતે છેવટે પૂછી લેવામાં પણ કોઈ સંકોચ કરવો જોઈએ નહીં. પાછળથી આવી ખામીઓ કે બીમારી વિશે ધ્યાનમાં આવતાં લગ્નજીવનમાં તકલીફ ઉભી થવાની શક્યતા રહે છે. આવી નિખાલસતાની સામેના પક્ષ પર સારી છાપ પડવાની સંભાવના રહેતી હોય છે. ભવિષ્યમાં આવી છુપાવેલી વાતની જાણકારી મળે ત્યારે સામેના પાત્રને એમ લાગવાની શક્યતા રહેલી છે કે તેઓ જોડે છેતરપીંડી થઈ. આ કારણનાં લીધે બંને પાત્રો અને તેમના પરિવાર વચ્ચે ઉગ્ર તણાવ સર્જાવાની શક્યતા પણ રહે છે. ઘણીવાર એવું જોવાં મળે છે કે સગપણની વાત ચાલતી હોય છે ત્યારે જે પાત્રમાં ખામી હોય તેના માતાપિતા આ વાત છુપાવતા હોય છે. દેખીતી ખામી તો નજરે પાડી જાય એવી હોય એટલે છુપાવી શકાય એમ નથી હોતી પણ કેટલીક શારીરિક કે માનસિક એવી ખામી હોય કે પછી કોઈ એવી અસાધ્ય બીમારી હોય જે છુપાવી શકાય હોય તેવી વાત છુપાવવામાં આવતી હોય છે.

આવી કેટલીક ખામીઓ, બીમારીઓ એવી હોય છે જે વારસાગત રીતે આગળ વધતી રહે છે. જેથી ભવિષ્યમાં આવનાર બાળકમાં પણ ખામી કે બીમારી આવવાની શક્યતા રહેતી હોય છે. આ કારણે જયારે પાછળથી આ વાતની જાણ થાય ત્યારે હોબાળો મચી જતો હોય છે તેથી પાછળથી આ બાબતે પસ્તાવું નહીં પડે તે માટે અગાઉથી જ આની જાણકારી આપી દેવી જોઈએ અથવા તો આ અંગે પૂછી લેવું જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ ઉભી થાય નહીં. ખરેખર તો આવી ખામીઓ છુપાવીને કરવામાં આવતાં લગ્ન તો પોતાના સંતાનનું, બંને પરિવારનું, આવનાર ભવિષ્યની પેઢીનું અહિત જ કરતાં હોય છે. જોકે ઉલ્લેખનીય વાત એ કરવાની કે ઉમદા પરિવાર દ્વારા પણ કેટલીકવાર માનવીય દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી પોતાના કોઈપણ ખામી વગરના પુત્ર કે પુત્રી જો તે તૈયાર હોય તો આંશિક રીતે વિકલાંગ પાત્ર પ્રત્યે સહાનુભૂતિ ધરાવી અન્ય બધા દ્રષ્ટિકોણથી જો યોગ્ય જણાય તો લગ્ન માટે સગપણ કરવા તૈયાર હોય છે. જોકે આ માટે સહાનુભૂતિ સાથે બીજી બધી રીતે પણ વિચારી આગળ વધવું યોગ્ય ગણાય, પાછળથી એમ ન થવું જોઈએ કે ફસાય ગયા. જોકે આ રીતે કોઈ પણ ખામીવાળા પાત્રને અપનાવવું ઘણી અઘરી વાત હોય છે. છતાં પણ જો પૂરી સભાનતા અને સજાગતા સાથે ખામીવાળા પાત્રને અપનાવનાર અભિનંદનના અધિકારી હોય છે કેમકે આ માનવતાનું અને પુણ્યનું એક સદભાવથી કરવામાં આવેલું સદ્કાર્ય છે. શક્ય છે કે આ રીતે જોડાયેલ દંપતી કુદરતની કૃપા આશિર્વાદ અને શુભેચ્છાથી સુંદર દામ્પત્યજીવન વિતાવે અને અનન્ય પ્રગતિ પણ કરે!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “હસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૩) – અરવિંદ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.