- ReadGujarati.com - http://www.readgujarati.com -

એક મુલાકાત – અમી ઢબુવાલા

[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ નવોદિત યુવાસર્જક અમી ઢબુવાલાનો (સુરત) ખૂબ ખૂબ આભાર. લેખનક્ષેત્રે તેઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ. આપ તેમનો આ સરનામે ananyarahi@gmail.com સંપર્ક કરી શકો છો.]

‘હું જે હશે તે ચોખ્ખે ચોખ્ખું જ કહી દઈશ. આ દિવસ આવવાનો હતો એ નક્કી હતું…’ હોન્ડાની લક્ઝુરિયસ કારમાં સીટ બેલ્ટ બાંધી અને આંખે ફાસ્ટટ્રેકના ગોગલ્સ પહેરી આશી 60ની સ્પીડ પર કાર હંકારી રહી હતી. ગાડીના બેકગ્રાઉન્ડમાં મધુર સંગીત રેલાઈ રહ્યું હતું, પણ આશીના મનમાં થોડી મિનિટ પછી માહી સાથે જે વાત કરવાની છે એની એક પછી એક ગોઠવણ ચાલી રહી હતી. જિંદગી ઓચિંતા વળાંક લેતી હોય છે અને ક્યારેક એ વળાંક દરમિયાન ‘મીઠાં અકસ્માતો’ પણ થઈ જતાં હોય છે. આશી પણ આવા જ એક અકસ્માતનો ભોગ બની હતી અને માત્ર બે મહિના પહેલાં એ સૌરભને મળી હતી. એમ તો કસરત કરવી આશીની આદત નથી, પણ કોણ જાણે એ દિવસની સવારે એના મનમાં શું વિચાર આવ્યો હતો કે એ વોકિંગ માટે શહેરના ‘મિલાપ’ ગાર્ડનમાં ચાલવા ગઈ. કદાચ એના નસીબમાં આ જ રીતે સૌરભને મળવાનું લખાયું હશે.

આશીના મનમાં ભૂતકાળની રીલ ફરવા લાગી હતી. એનું શરીર યંત્રવત ડ્રાઈવિંગ કરી રહ્યું હતું, પરંતુ મન બે મહિના પહેલાંની એ સવારમાં વિહરી રહ્યું હતું. સામાન્ય રીતે લોકો કહેતાં હોય છે કે ‘ડોન્ટ ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ..’ પરંતુ ખરી રીતે જોવા જઈએ તો મનમાં ચાલતાં વિચારોના નશા કરતાં ઘાતક બીજું કંઈ જ નથી. આશીના મનમાં એ દિવસની અનુભૂતિ હજી પણ અકબંધ હતી. બ્લેક કલરના ટ્રેક પેન્ટ અને ‘લાકોસ્ટે’નું ગ્રે કલરનું લૂઝ ટીશર્ટ એનાં શરીરના વળાંકોને મહદઅંશે ઢાંકી રહ્યું હતું. આશી ખૂબસુરત હતી, ચહેરાથી નહીં, પણ મનથી. એ કંઈક અર્થપૂર્ણ જીવન જીવવા માંગતી હતી અને પોતાને ગળાડૂબ કામમાં વ્યસ્ત રાખવા માંગતી હતી. એના જીવનમાં પ્રેમ, જીવનસાથી કે લગ્નનું ખાસ મહત્ત્વ નહોતું. કારણ કદાચ એ હતું કે આશી પોતાના જ સ્વભાવને વધુ પડતો ઓળખી ગઈ હતી. જ્યારે તમે જરૂર કરતાં વધુ પડતી કોઈ વ્યક્તિને ઓળખવા લાગો છો ત્યારે ક્યાં તો એ વ્યક્તિ સાથે તમે જીવનપર્યંત જોડાઈ જાવ છો ક્યાં તો તેનાંથી દૂર થવા મજબૂર થઈ જાઓ છો. આશી પોતાના જ સ્વભાવ અને જીવનના આરોહ અવરોહથી થોડી વ્યથિત ગઈ હતી અને એ બધામાંથી જ બહાર આવવા તેણે પોતાના કામ સાથે મૈત્રી કરી લીધી હતી.

એ દિવસે ગાર્ડનની તાજી હવામાં એ એક કોઈકના હોવાપણાનો તીવ્ર અહેસાસ અનુભવી રહી હતી. કંઈક ખાસ, કંઈક અલગ અને તદ્દન અજાણી, પણ ખુશનુમા હતી એ લાગણી ! આજે પણ એ તીવ્ર અનુભૂતિ એના હૃદયને ચીરી નાંખતી હતી. અચાનક આશીની નજર જીપીએસ પર પડી. જીપીએસે એના ‘ડેસ્ટીનેશન’ આવી ગયાની જાહેરાત કરી દીધી હતી. એક ઊંડો શ્વાસ લઈ એણે કાર લોક કરી અને સામે દેખાતા ‘પ્રિયમ’ વિલાની ડોરબેલ વગાડી.

માહીએ દરવાજો ખોલ્યો. ચહેરા પર તેજ, આંખોમાં એક અણગમો છતાં આવકારની ભાવના, મજબૂત શરીર અને ચાલમાં થોડી અસ્વસ્થતા…. સૌરભની પત્ની માહીની મનઃસ્થિતિથી આશીથી અજાણ નહોતી, પણ જ્યારે માહીએ મળવા માટે સામેથી તેને ફોન કર્યો તો એ માહીને ના કહી શકી નહીં. વાત કઈ રીતે શરૂ કરવી તેની અવઢવમાં કેટલીક મિનિટો માહી અને આશી વચ્ચે એક ભયંકર મૌન પાથરી ગઈ. છેવટે ઔપચારિક સવાલ સાથે માહીએ વાત શરૂ કરી,
‘આશી, તમે કઈ લેશો?’ આશી સ્તબ્ધ થઈ ગઈ. કઈ માટીની બનેલી છે આ સ્ત્રી ! સૌરભ સાથેની મારી આત્મીયતા જાણતી હોવા છતાં મને ‘તમે’ કહીને સંબોધે છે ! થોડાં ફોર્મલ સ્મિત સાથે આશીએ નકારમાં માથું ઘુણાવ્યું અને હિંમતપૂર્વક વાતો કરવાની શરૂ કરી.
‘માહી, હું તમને આજે પહેલી વાર મળું છું, પરંતુ સૌરભના માધ્યમથી અનેકોવાર મળી ચૂકી છું. એ તમને અનહદ પ્રેમ કરે છે. મારી સાથેનો સંબંધને હું નામ તો નથી આપી શકતી, પણ એની પવિત્રતા તમારા સંબંધ જેટલી જ છે એવું હું દૃઢપણે માનું છું.’ આશીએ એકીશ્વાસે પોતાની વાત રજૂ કરી.

માહીના ચહેરા પર એક નિર્દોષ સ્મિત રમી ગયું.
તેણે કહ્યું, ‘મેં આજે તમને અહીં સૌરભ સાથેના તમારા સંબંધને જસ્ટીફાય કરવા કે પછી તમને કોઈ નાનમ અનુભવવા નથી બોલાવ્યા. હું તો એ જ જાણવા માંગતી હતી કે આટલા વર્ષોથી મારા લગ્ન જીવનને મેં અને સૌરભે માણ્યું હતું એમાં આ અચાનક વળાંક કઈ રીતે આવ્યો ? મારા અને સૌરભના પ્રેમની વાતો સૌરભે તમને કરી જ હશે અને હું પણ જાણું છું કે સૌરભ મારા વિના નહીં રહી શકે, પણ એ નથી સમજી શકતી કે અમારી વચ્ચે આટલો પ્રેમ હોવા છતાં કયા કરાણે આજે તમે મારી સામે છો !’ આશી બે ઘડી ચૂપ રહી. કદાચ એ શબ્દો ગોઠવી રહી હતી. તેણે માહીની નજીક જઈ એનો હાથ પકડી લીધો અને કહ્યું,
‘માહી, હું પણ નથી જાણતી ક્યારે આ બની ગયું. એક મોર્નિંગ વોકે મારા જીવનને ‘સૌરભ’થી ભરી દીધું. વાતો કરતાં કરતાં, એકબીજાને જાણતાં ક્યારે સ્નેહતંતુ બંધાયો એની મને અને કદાચ સૌરભને પણ જાણ નહીં હોય. હું જાણું છું સમાજ આ બાબતને એકસ્ટ્રા મેરિટલ અફેર અને બીજા અનેક નામોથી સંબોધે છે, પણ મેં સમાજની પરવા કદી નથી કરી. જીવનમાં પ્રેમ એ તો એક અકસ્માત જેવો છે. તમે ઈચ્છતા હો કે ન હો તમારા ભાગ્યમાં હોય તો થઈને જ રહે.’

માહીના હાથની પકડ વધુ મજબૂત કરીને એણે આગળ કહેવાનું ચાલું રાખ્યું….. ‘અને પરિણામો પણ કદાચ એવા જ હોય છે. ક્યારેક પીડા વધારે તો ક્યારેક ઓછી હોય છે, પણ પ્રેમ પીડા તો આપે જ છે.’ માહીએ આશીના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો અને બીજા હાથ વડે હળવેથી આશીના ગાલ પર ટપલી મારી…..
‘સૌરભને પહેલેથી જ સ્ત્રીની સુંદરતા નહીં, સ્ત્રીનું વ્યક્તિત્વ અને તેના અસ્તિત્વથી પ્રેમ થયો છે. એણે સુંદર સ્ત્રીને જોઈ જ નથી એવું નથી, પણ તારા અને મારા જેવી સ્ત્રીઓ એણે ભાગ્યે જ જોઈ છે. એણે મને પ્રથમ દિવસથી જ તારા માટેની લાગણી વિશે જણાવ્યું હતું. એ એની નિખાલસતા હતી કે મારા માટેનો પ્રેમ એ તો હુંય નથી જાણતી પણ ત્યારપછી એણે મને તારા વિશે વાતો કરવાની બંધ કરી દીધી હતી. આમ છતાં, એની વર્તણૂકમાં આવતા બદલાવ મારાથી છૂપા નહોતા. એ સતત બે જિંદગી વચ્ચે ઝોલા ખાતો રહ્યો અને બને ત્યાં સુધી સહજ બનવાનો પ્રયત્ન કરતો રહ્યો, પણ સ્ત્રીમાં પુરુષોની સહજતામાં ‘અસહજતા’ પારખી લેવાની એક અજબ કળા હોય છે. સાચું ને?’ માહી ડ્રોઈંગરૂમમાં મૂકેલા સૌરભ સાથેના પોતાના ખળખળાટ હાસ્યવાળા વિશાળ ફોટોફ્રેમને નિહાળી રહી. આશીએ એક નજર એ ફોટોફ્રેમ પર કરી અને આંખ બંધ કરી પોતાનું માથું સોફા પર ઢાળી દીધું. ફરીથી એક ગાઢ મૌને બંનેને પોતાની ભીંસમાં ઘેરી લીધું. કદાચ બંને સૌરભ સાથેની પોતપોતાની અદભુત યાદોને વાગોળી રહી હતી.

આ વખતે આશીએ મૌન તોડતાં કહ્યું,
‘શું સાચું શું ખોટું એ તો મારા સમજની બહાર છે હવે. તમે આ સંબંધોના તોફાનનું શું પરિણામ વિચારો છો? તમારો નિર્ણય મને સ્વીકાર્ય હશે એવો દાવો તો નથી કરતી પણ સૌરભે મારા જીવનને અર્થપૂર્ણ બનાવ્યું છે. એમણે મને જીવતાં શીખવાડ્યું છે અને હું એમને ગુમાવવા નથી ઈચ્છતી, પણ તમને…..’ માહીની આંખોના ખૂણેથી આંસુંઓએ હવે પોતાની ધીરજ ગુમાવી દીધી હતી. એ આગળ કશું બોલી શકી નહીં. પર્સમાંથી ટિસ્યુ કાઢી તેણે આંસુઓને રોકવાના વ્યર્થ પ્રયત્ન કર્યા, પણ એની ધારા અવિરતપણે વહી રહી હતી. માહી આશીને જોઈ રહી. થોડીવાર એને એમ જ અન્યમનસ્ક ચહેરે નિહાળી માહીએ કહ્યું,
‘પહેલાં તમારા સંબંધની વાસ્તવિકતા વિશે મને ખબર પડી ત્યારે મને ખરેખર ગુસ્સો આવ્યો હતો. મેં મારું આખું જીવન સૌરભને આપ્યું છે અને હું માનતી હતી કે એણે પણ માત્ર મને જ આપ્યું છે. આશી, જેને તમે પ્રેમ કરતાં હો તેના માટે માલિકીભાવ અજાણતાં જ આપણે સેવી લઈએ છીએ અને જ્યારે તમારી ગમતી વસ્તુ વહેંચાવા લાગે છે ત્યારે તમે નાના બાળકની જેમ તરફડી ઊઠો છો. આપણા આ સંબંધોનું પણ કંઈક એવું જ છે. પરિણામમાં તો હું સૌરભને છોડી દઉં કે પછી ઘર છોડીને જતી રહું એ એક સહજ અને સ્વાભાવિક ઉપાય છે, પરંતુ સૌરભ મારા વિના નહીં રહી શકે એ હું જાણું છું અને હુંય સૌરભને ઝંખું છું. અમે બંને એકબીજાના પર્યાય છીએ. એ સાથે જ બીજો વિકલ્પ જોઈએ તો એ કે તને છોડવા માટે હું સૌરભને મજબૂર કરું અથવા તો હું તને સૌરભથી દૂર રહેવા માટે ધમકાવું. પણ પ્રેમનો તો જેટલો શ્વાસ ઘૂંટો એ એટલો જ મજબૂત થાય. હું એવું કઈ રીતે કરી શકું ! હકીકતમાં સૌરભે તને કે મને નહીં, આપણા વ્યક્તિત્વને પ્રેમ કર્યો છે અને એ વ્યક્તિત્વ એક જ છે. આપણું આ ધરતી પર અસ્તિત્વ ભલે અલગ અલગ છે, પણ સૌરભ માટે આપણે એક જ છીએ. હું તને કે સૌરભનેય નહીં રોકી શકું. વિધાતાની આ અનોખી રમત મારે હવે જોવી છે. સમય જ આ પ્રણયનો અંત લખશે….’ આશી ભેટી પડી માહીને. એના આંસુઓથી માહીનો ખભો છલકાઈ રહ્યો અને માહી હળવેથી એની પીઠ પસવારતી રહી.

થોડીક ક્ષણો બાદ બંને સ્વસ્થ થયાં, એકબીજાને કંઈ કેટલાય વચનો, આભાર અને દિલગીરી વ્યક્ત કર્યા. એકમેકના આ સંગાથથી બંને જ્યારે છૂટાં પડ્યા ત્યારે માહીએ એક મોહક સ્મિત સાથે આશીને કહ્યું, ‘આશી, યાદ રહે, આપણે કદી મળ્યા નથી….’ આશી માહીનો ઈશારો સમજી ગઈ. એક સ્મિત સાથે એની વાતમાં સ્વીકૃતિ આપી એ ગાડી તરફ ચાલવા લાગી. માહી પોતાનાથી દસ વર્ષ નાની જુસ્સા અને સ્વપ્નોથી ભરેલી એ યુવતીને જતાં જોઈ રહી.