- ReadGujarati.com - http://www.readgujarati.com -

પવિત્ર લોહી – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપૂત્ર’ સામાયિકમાંથી સાભાર.]

તમે શું એમ માનો છો કે, ગરીબોનાં ઝૂપડાંમાં હંમેશા નિઃસાસા અને ડૂસકાંના જ અવાજ સંભળાતા હોય છે ? જો તમારી માન્યતા એવી હોય કે, નિર્ધન અને દુઃખી લોકો હસી નથી શકતા, તો તમારી ભૂલ થાય છે. વાત ભલે ધણાં, એટલે કે લગભગ સિતેરેક વર્ષ પહેલાંની હોય પણ સા…વ સાચી છે. મારા પિતાજી ઘણી મહેનત કરતા પણ બે ટંક ખાવા અમને ભાગ્યે જ મળતું. ગરીબી એટલી કે, કદાચ અમારાથી વધુ ગરીબ આસપાસનાં ઝૂપડાંઓમાં કોઈ નહીં હોય, પણ તો યે મારા બાળપણના દિવસોમાં હું જેટલું હસ્યો છું એટલું આખી જિંદગીમાં નથી હસ્યો. કયાંથી હસું ? સદા હસતી ને હસાવતી મારી મા મને પાંચ-છ વર્ષનો મૂકી કે ચાલી ગઈ હતી ને ?

માનું હાસ્ય એવું ચેપી હતું કે, એને હસતી જોઈને મને ઘણીવાર કંઈ સમજ્યા વગર પણ હસવું આવી જતું. ગમે તેવા કપરા સંજોગોમાં ય એ કેવી રીતે ખડખડાટ હસી શકતી એ મને આજે પંચોતેર વર્ષે યે નથી સમજાયું. બની શકે કે જયારે રડયા વગર નહીં જ રહેવાય એવું લાગે ત્યારે એ જોરજોરથી હસવા લાગતી હશે. કયારેક હસતાં હસતાં વળી ગાતી ય ખરી,

“શીંખડ, પૂરી ને ખાજા, ખાઈને થાવ તાજામાજા,
તમે રહેજો મુન્નાભાઈ સાજા, ઘરમાં પૈસા ભર્યા છે ઝાઝા.”

આવું કંઈક ગાઈને મને ગલીપચી કરતાં એ એટલું હસતી કે એના ધોળી પૂણી જેવા ફિક્કા ગાલ લાલ થઈ જતા, જાણે બંને ગાલ પર લાલ ગુલાબ ન ચોંટાડી દીધાં હોય ! આટલું બધું હસવાથી એની આંખમાથી પાણી નીકળવા માંડતાં ને સાથેસાથે ખૂબ ઉધરસ પણ ચઢતી. છાતી ધમણની જેમ ઊંચી-નીચી થવા લાગતી તો ય એ હસવાનું ન છોડતી. જુઓને, તે દિવસની જ વાત કરું. મા મને કહે, ‘મુન્નાભાઈ, આજે સાત પૈસાની જરૂર પડવાની છે. કયાંથી લાવીશું ?’
હું એટલો નાનો હતો કે એના સવાલનો જવાબ તો મને આવડયો નહીં. મેં સામે એનો એ જ સવાલ પૂછયો, ‘કયાંથી લાવીશું મા ?’
‘કયાંથી તે જાદુથી વળી !’ માએ હસતાં હસતાં કહ્યું ને ઘરમાં પડેલી નાનકડી લાકડી હાથમાં પકડીને ગોળગોળ ઘુમાવતાં એ બોલી, ‘હું કહીશ, સીનસીનાકી બબલા બૂ, સાત પૈસા આપીને થા છૂ.’ આવું ધડ-માથા વગરનું બોલતી વખતે માના ચહેરા પરના હાવભાવ જોઈને મને એટલું હસવું આવતું કે ન પૂછો વાત ! મેં પૂછયું, ‘મા, સાત પૈસા શેને માટે જોઈએ છે ?’

એણે ખૂણામાં પડેલાં મેલાં કપડાં બતાવીને કહ્યું, ‘આ બિચારાં કેટલા દિવસથી ના’યા નથી. એ મને કહે છે કે, ભલે ફાટેલાં તો ફાટેલાં પણ તું એમને ઘો તો ખરી ?’ પછી એમાંથી તેલના ધાબાવાળું પિતાજીનું શર્ટ ઉપાડીને મારા નાક આગળ ધરીને કહે, ‘જો, આમાંથી અત્તરની સુંગધ આવે છે ને ?’ મેં કહ્યું, ‘છી !’ મા હસી પડી. પછી કહે, ‘પિતાજી પાસે કાલે મજૂરીએ જતી વખતે પહેરવા આના સિવાય બીજું શર્ટ નથી. સૂર્યાસ્ત પહેલાં જો સાત પૈસા મળી જાય તો સાબુની ગોટી લાવી શકું. બીજું કંઈ નહીં તો શર્ટ તો ધોઈ નાખું ! ચલ ભઈલા,આપણે બેઉ મળીને ઘરમાં છુપાઈ ગયેલા સાત પૈસાને શોધી કાઢીએ.’

મને મા સાથે આ શોધ-ખોળની રમત રમવાની બહુ મજા પડતી હતી. સીવવાના મશીન પર કપડાં સીવીને મા થોડા-ઘણા પૈસા ભેગા કરતી એટલે સૌથી પહેલાં અમે મશીનનાં ખાનાંઓની તપાસ આદરી. જુદાં જુદાં ખાનાંઓમાંથી ત્રણ પૈસા તો મળી ગયા, પણ ચોથો કયાંયથી હાથમાં આવતો નહોતો. માએ સોય, બટન, કાતર, દોરાની રીલ બધું ભરેલું ખાનું જમીન પર ઊંધું વાળી દીધું ને મને ખોળામાં બેસાડી, ખાના પર હળવેથી હાથ ફેરવતાં ગાવા લાગી,

“પૈસા, પૈસા, તું મારો ભાઈ, તારે ને મારે ઘણી સગાઈ,
આવી જા, આવી જા, આવી જા, જાદૂમંતર છૂ, તને બોલાવું છું.”

ઉત્સુકતાથી હું ખાનાને હાથ લગાડવા ગયો ત્યાં મા એકાએક બોલી ઊઠી, ‘ઊભો રહે, ઊભો રહે, બહું સાવચેતી રાખવી પડશે. નહીંતર હમણાં ઊડી જશે. કેવી રીતે ખબર છે ? પાંખો ફફડાવીને, ફરરર…. કરતો.’ એણે બેઉ હાથથી ઊડતાં પક્ષીનો અભિનય કર્યો ને અમે બંને ખૂબ હસ્યાં. રસોડામાં જઈને વાસણો ઊંચા-નીચાં કર્યાં, મસાલાના ડબ્બામાં જોયું, પાણીના માટલામાં હાથ નાખીને જોયું. દરેક વખતે અમે એકબીજા સામે અંગુઠો હલાવીને ‘નથી’ એવો ઈશારો કરીને હસી પડતાં. એક પૈસો અભરાઈ પરથી, એક મેં બરફગોળો લેવાં માટે સંતાડેલો એ અને બીજો એક માના જૂના બ્લાઉઝના ખીસામાંથી એમ બધું મળીને છ પૈસા તો થયા પણ હવે બાકીનો એક કયાંયથી પણ મળવાની શકયતા નહોતી. એટલામાં ઘરની બહારથી અવાજ આવ્યો,

‘એક પૈસો આપ મૈયા, ભગવાન તારું ભલું કરશે.’ ભિખારી સામે જોઈ મા સાડલાનો છેડો મોંમાં ખોસીને હસવા લાગી, ‘તમે ય ખરા વખતે આવ્યા ચાચા ! તમારે શું, મારે ય એક પૈસાની જરૂર છે. હવે કોણ કોને આપે બોલો !’ ભિખારી ચાચા ગંભીર થઈને કહેવા લાગ્યા, ‘તને એક જ પૈસો જોઈએ છે દીકરી ? મારી પાસે માત્ર એક જ છે. આ એક પૈસાનું હું શું કરવાનો ? એના કરતાં તને કામ લાગશે. લે, લઈ લે તું.’

મા જોરજોરથી હસવા લાગી. એની આંખો આંસુથી ભરાઈ ગઈ. આંસુ લૂછતાં ને હસતાં જતાં એણે કહ્યું, ‘જોયું ને ચાચા ? હવે આ દિવસ આવ્યો છે, ભિખારી પાસે ભીખ માંગવાનો.’ ચાચાએ પરાણે આપેલો પૈસો પેલા છ પૈસા સાથે મૂકીને એ કહેવા લાગી, ‘હવે આ સાત પૈસાનું શું કરવું, બોલો મુન્નાભાઈ ! સૂર્યાસ્ત થઈ ગયો છે. અંધારું છે અને દીવામાં તેલ સુધ્ધાં નથી.’ ને પછી સાત પૈસા આમતેમ ગબડાવતાં એ એટલું હસી કે એનો શ્વાસ રુંધાવા લાગ્યો. એ પડી જતી હતી, મેં એને પકડી લીધી. કશુંક છલકાઈને મારા હાથ પર પડયું. એ હતું દારુણ ગરીબીમાં ય હસી જાણનાર મારી માનું પવિત્ર લોહી.