પ્રથમ પ્રણયની અનુભૂતિ – પારૂલ બારોટ

[‘મહેકતી મોસમ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. ]

Image (23) (414x640)આજે જાહ્નવીનો પગ જમીન પર ન હતો ! જાહ્નવી આભને આંબી રહી હતી. આંખોમાં નવા ઓરતા હતા અને શરીરમાં નવીન કંપનનો અનુભવ હતો. જાહ્નવી… બાએ બૂમ પાડી. હડફ કરતી જાહ્નવી દોડી અને પડતાં પડતાં રહી ગઈ. બાએ ફરી જોરથી બૂમ પાડી. જાહ્નવી…. જાહ્નવીના મુખ પર વર્ષાભરી વાદળી છવાઈ ગઈ અને હેલીની માફક દોડી. ઘરની બહારની બાજુમાં એક ગાડી આવી ઊભી રહી. એમાંથી પાંચ જણ ઊતર્યા. જાહ્નવી ઉપર અગાસીમાંથી બધી જ હલચલ નિહાળી રહી હતી. પાંચમાંથી એક વ્યક્તિને જાહ્નવી ખૂબ જ ઉત્સુકતાથી જોઈ રહી હતી. મરૂન શર્ટ, બ્લેક પેન્ટ, બ્લેક શૂઝ અને મુખમુદ્રા પર જરાક હાસ્ય.

જાહ્નવીના હ્રદયના ધબકારા ધમણની માફક વધવા લાગ્યા. એને મન એ વ્યક્તિ મલપતો મોરલો કળા કરી પીંછાં ઢાળી પરિસરમાં નૃત્ય કરતો હોય, તેવી અનુભૂતિ થઈ રહી. આદરસત્કારથી અતિથિ અંદર પધાર્યા. ઘરના તમામ સદસ્યો હાજર હતા. દરેકના મુખમંડળ પર એક પ્રશ્નનાર્થચિહ્ન હતું. રસોડામાંથી બાએ જાહ્નવીને પાણીની ટ્રે લઈ જવા કહ્યું. ‘જા બેટા. મહેમાનો માટે પાણી લઈ જા.’ જાહ્નવી અચકાતી, શરમાતી ભારે હૈયે મહેમાન સમક્ષ ટ્રે ધરી પાણી આપી છુઈમુઈની જેમ શરીર સંકોચી પહેલા ધીરે પછી હરણફાળે અંદરના રૂમમાં પ્રવેશી. મોટીબહેને હાથથી ઇશારો કરી પૂછયું: ‘કેવું લાગ્યું ? કેવું છે ?’

જાહ્નવીના હોઠ દાંત વચ્ચે દબાયેલા હતા. તેણે ફકત બન્ને આંખ મીંચકારી જવાબ આપ્યો. થોડીવાર પછી ઘરના પાછળના ભાગમાં આવેલા બગીચામાં આવેલ યુવક અને જાહ્નવી માટે ખુરશી મૂકવામાં આવી. મોટીબહેને ફરી જાહ્નવીની જોડે આવી ખભે હાથ મૂકી હૂંફ આપતાં કહ્યું. ‘જા જાનુ, શાંતિથી જવાબ આપજે.’ વળી પાછું વળી ફરી જાહ્નવીને મોટીબહેને કહ્યું: ‘પાછી શરમાયા વગર તું પણ તારે પૂછવું હોય તે પૂછજે.’
શરમની મારી જાહ્નવી લાલચોળ થઈ ગઈ અને દબાતે પગલે બગીચામાં જઈ ખુરશીમાં બેઠી. ‘કેમ છો ?’ સામેથી પેલા યુવકે જાહ્નવીને પ્રશ્ન ક્રર્યો. જાહ્નવી શરમાઈ આંખોમાંથી સહેજ માથું ખભે ઢાળી સાંકેતિક ભાષામાં ‘મઝામાં’ કહ્યું. ફરી સામેથી યુવકે પ્રશ્ન ક્રર્યો. ‘તમારું નામ શું છે ?’
‘જાહ્નવી.’ દબાતા સ્વરે જાહ્નવીએ જવાબ આપ્યો.

જરાક મલક્તા મલકતા પેલા યુવાને જાહ્નવીની આંખોમાં આંખો પરોવતાં કહ્યું: ‘નાઇસ નેમ’ સહેજ હોઠ પર જીભ ફેરવી અને દબાતા અવાજે ભૂસકો માર્યો હોય તેમ જાહ્નવી બોલીઃ ‘તમારું નામ ?’
‘વરુણ.’ સહેજ કડક છતાં નરમાશથી જવાબ આપતા વરુણ ખુરશીમાં જરા ટટ્ટાર થઈ ગયો. ધીરે ધીરે અભ્યાસ, તમારો શોખ, તમારી મનગમતી વાનગી અને વળી એવું ઘણું બધું. લગભગ વીશ મિનિટ સુધી વરુણ અને જાહ્નવી વચ્ચે વાતચીત ચાલી. અઢળક વર્ષા થઈ હોય અને સહેજ તડકો નીકળે ને પછી સપ્તરંગી મેઘઘનુષ દેખાય તેવા ભાવ સાથે જાહ્નવી દબાતા પગલે અંદરના રૂમમાં આવી. મોટીબહેને અને બાએ ખભે હાથ મૂકી એકીસાથે જાહ્નવીને પૂછયું: ‘કેવો છે છોકરો ? શું પૂછયું તને ?’ વાદળ વચ્ચે સૂરજ એકદમ દેખાય તેવી ચહેરાની લાલાશ લાવી જાહ્નવી બોલી. ‘જાને…. બહુ નથી, કહેવું મારે !’ વડીલોની વાતચીત, ચા-નાસ્તો પત્યા પછી ઘરના સભ્યો મહેમાનોને ઘરના પરિસરના છેડે સુધી વળાવવા ચાલ્યા. ઉંબરે ઊભેલી જાહ્નવી દરવાજાના અડધા ભાગમાં આંખ ઠેરવી વરુણને જોતી રહી. વરુણની ચાલ પાછળ પડતા પગલામાં જાહ્નવીને પોતાની ડગલીઓની છાંયા દેખાય છે.

ગાડીના ઊપડવાના અવાજથી જાહ્નવીના મનમાં અજુગતા છતાં પ્રણયોર્મિસભર વમળો પેદા થયાં. મહેકતી લતાની માફક ડોલતી ડોલતી જાહ્નવી તેનાં રૂમમાં પલંગ પર ચીતપાટ પડી અને છાતીસરસું ઓશીકું દબાવી દીધું. રૂમની છત પર તેની આંખો જડાઈ ગઈ. મરક મરક હસતી અને ઉદધિની છોળોને હૈયામાં ઉછાળતી ને ઊના ઊના શ્વાસની સરગમ વગાડતી, આંખોને ઘડીક બંધ કરતી, ઘડીક નચાવતી બોલીઃ ‘વરુણ ! હાય. કેવું સરસ નામ છે ! સાંભળતાં જ તરસ છીપાઈ જાય.’ જાહ્નવીના મગજમાં સંતુર, શરણાઈ, ઢોલક અને સંગીતનાં તમામ વાંજિંત્રો એકસાથે વાગી રહ્યાં હતાં. ઘડી ઘડી પડખાં ફેરવતી જાહ્નવી આખાય પલંગમાં આળોટી રહી હતી. સુરાવલી સાથે વાગતાં સંતૂરનો તાર તૂટયો હોય તેમ ફોનની ઘંટડી વાગતાં જાહ્નવીની તંદ્રા તૂટી અને જાહ્નવીએ મોરનીની માફક હરખઘેલી થઈને ફોન ઉપાડયો. તેનો અવાજ ઝાંઝરની જેમ રણકતો હતો. હેલો… હેલો…. કોણ ? સામેથી એક પરિચિત અવાજ સાંભળી જાહ્નવીનો ટહુકો રૂંધાયો… ‘શું… શું… ના… ના… એવું ના બને !’

અને જાહ્નવીને ચારે દિશામાંથી ધસમસતો પ્રવાહ તેની છાતીસરસો ઝીંકાયો હોય તેમ ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો. ઘનઘોર વાદળો ગોટે ચઢયાં હોય તેમ આંખે અંધારા આવતાં જાહ્નવી જમીન પર ફસડાઈ પડી. તેનાં ગળામાં રહેલી માળા તૂટી ને મોતી ફર્સ પર અસ્તવ્યસ્ત વેરાઈ ગયાં. જાહ્નવીએ જયારે આંખ ઉઘાડી ત્યારે ઘરનાં તમામ સભ્યો તેની આજુબાજુ ઊભેલા જોયા. બા અને મોટીબહેનના તો જાણે શ્વાસ અધ્ધર થઈ ગયેલા જણાતા હતા. ‘અરે ! જુઓ જાહ્નવીને ભાન આવી રહ્યું છે.’ બા ખૂબ જ ભાવુક થઈ ને બોલ્યાં, બધાંની નજર જાહ્નવી ઉપર જ હતી. મોટીબહેન હાંફળીફાંફળી થઈ જાહ્નવીની નજીક ગઈ અને માથે હાથ ફેરવીને મમતાભર્યા સ્વરે કહ્યું: ‘બકા જાહ્નવી ! ચિંતા ન કર. વરુણકુમાર બિલકુલ સલામત છે.’ વચ્ચે જ બા બોલી ઊઠયા, ‘ફોન દ્વારા અમે સમાચાર લઈ લીધા. કદાચ તને મળવા આવે છે.’ બાએ હાથનો ઇશારો કરી જાહ્નવીને સાંત્વના આપી. જાહ્નવીની આંખોમાં અદભૂત ચમક હતી. જરાક ઉઠવાની કોશિશ કરવા ગઈ અને મોટીબહેને એને બે હાથ વડે ટેકો આપી કહ્યું, ‘તું આરામ કર અને ચિંતા છોડ.’ જાહ્નવી પાછી પથારીમાં સૂઈ ગઈ. ત્યાં ઘરના તમામ સભ્યોની નજર આનંદવિભોર થઈ અને જાહ્નવીના રૂમના દરવાજા તરફ મીટ માંડી.

સામે વરુણ ઊભો હતો. એની આંખમાં જાહ્નવીને જોવાની આતુરતા હતી અને વરુણ જાહ્નવીના પલંગ સામે આવી ઊભો રહ્યો. બન્નેની નજર મળી અને હ્રદયમાં એક હળવાશની લાગણી છલકાઈ ગઈ. ઘરના બધા સભ્યો એક એક કરી રૂમની બહાર જતા રહ્યા અને વરુણ જાહ્નવીના પલંગ પાસે સ્ટૂલ લઈ બેઠો. જાહ્નવીનો હાથ ધીરેથી વરુણે એના હાથમાં લીધો અને ખૂબ જ ઊંડો શ્વાસ લઈ બોલ્યો, ‘જાનુ ! તારા નસીબે જ હું બચી ગયો !’ જાહ્નવીની આંખોમાંથી સહર્ષ શ્રાવણ-ભાદરવો વહેવા લાગ્યો. વરુણ હાથને પંપાળતો ફરી બોલ્યોઃ ‘હું કેટલો તકેદારી વાળો છું મને તારા જેવી ખૂબ જ પ્રેમ કરવાવાળી જીવનસંગિની મળી રહી છે.’

જાહ્નવીએ શરમાઈ પોતાનું માથું ઓશીકાની જમણી બાજુ ઢાળી દીધું. ‘જાનુ ! આઈ લવ યુ…’ વરુણે પ્રણયોર્મિ સહ કહ્યું, અને જાહ્નવીના તન-મનમાં તોફાની તુંગભદ્રા દોડવા લાગી. ફૂલોથી સુસજ્જીત સ્પર્શ દ્વારા વરુણ થકી કામદેવનું પ્રથમ બાણ જાહ્નવીના કુંવારા હ્રદયને વીંધી રહ્યું અને તેનાં અંગ અંગ સંતૂરના તારની માફક કંપનોથી રણઝણી ઊઠયા.

[ કુલ પાન : ૮૨. કિંમત રૂ. ૭૫. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩. ઈ-મેઈલ. goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “પ્રથમ પ્રણયની અનુભૂતિ – પારૂલ બારોટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.